Ek bhool - 9 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 9

મીરા અને મિહિર રાતે અગાસી ઉપર હતાં. ઊંઘ આવતી ન હોવાથી બેઠાં બેઠાં વાતું કરી રહ્યાં હતાં.

"તું મને ફ્રેન્ડ કે છો તો પેલાને કેમ ધોકાવાનું કે'તો તો
" મીરાએ પૂછ્યું.

"લે તું મારી ફ્રેન્ડ છો. એમાં વચ્ચે કોઈ ત્રીજું આવે એતો નો જ ચાલે. " તે મીરાની આંખોમાં આંખ પરોવીને બોલ્યો.

મીરા તેની આંખોને સ્પષ્ટ રૂપે વાંચી શકતી હતી. છતાં તેણે સામે કંઈ કહ્યું નહીં. કેમકે કાંઈક તો હતું કે જે મીરા માટે મિહિરની ફ્રેન્ડશીપ કરતાં પણ વધું હતું. તેને મિહિર સાથે રહેવું ગમતું હતું. મુશ્કેલીનાં સમયમાં જ્યારે પોતાનાં મા-બાપે તેની ઉપર વિશ્વાસ નહોતો કર્યો ત્યારે એક મિહિર જ હતો કે જેણે સાથ આપ્યો અને વિશ્વાસ કર્યો. મિહિર સાથે તે એક અલગ જ પ્રકારની લાગણીથી જોડાયેલ હતી. તેણે ક્યારેય આરવ સાથે આવું અનુભવ નહોતું કર્યું.

"હા બોલ ને.." મિહિરનો અવાજ સાંભળી મીરા વિચારોના ઘોડાપુરમાંથી બહાર આવી.

"શું?" મીરાએ પૂછ્યું.

"તે હાથ મૂક્યો, તો મને એમ કે તારે કાંઈક કહેવું હશે.." મિહિરે તેનાં હાથ તરફ ઈશારો કરતાં કહ્યું.

બધું વિચારમાં ને વિચારમાં ક્યારે મીરાએ પોતાનો હાથ મિહિરનાં હાથ પર મૂકી દીધો એની ખબર જ ન પડી. મીરાએ જોરથી મિહિરને જોરથી હગ કરી લીધું. મિહિરને નવાઈ લાગી. તેણે પૂછ્યું,

"હેય મીરા, શું થયું?"

મીરા થોડી ભાવુક થઈ ગઈ હતી. તે મિહિરથી અલગ થઈ અને બોલી,

"કાંઈ નઈ.."

"હમમ, ઓકે ચાલ.. હવે સૂવું નથી?" મિહિર જાણી ગયો હતો પણ અત્યારે ફરીથી તે વાત કરીને દુ:ખી કરવાં નહોતો માંગતો.

"કેમ.. તારે સૂવું છે?" મીરાએ પૂછ્યું.

"ના પણ સૂવું તો જોશે ને.. કાલે સવારે વહેલાં નીકળવું પડશે અને ત્યાં પહોંચતાં જ એક દિવસ થશે. તો અત્યારે આરામ કરવો જરૂરી છે. નહીંતર એટલી લાંબી મુસાફરીથી તબિયત બગડશે." મિહિરે કહ્યું.

"હા, વાત તો સાચી છે.. સારું તો.. ગુડ નાઈટ.. સી યુ ટુમોરો." મીરાએ કહ્યું.

"ઓકે.. ગુડ નાઈટ.." મિહિરે કહ્યું.

બંને નીચે આવ્યાં. મીરાને તો થોડીવારમાં ઊંઘ આવી ગઈ પણ મિહિર પડખા ફેરવી રહ્યો હતો. ત્યાં તેને બા નો ઊધરસનો અવાજ આવ્યો. તે ઝડપથી ઊભો થયો અને પાણી લઈને તેનાં રૂમમાં ગયો. અંધારાને લીધે તેનો હાથ એક બૉક્સ સાથે અથડાયો અને તે બૉક્સ નીચે પડી ગયું. તેણે પહેલાં તો લાઇટ ચાલું કરી અને બા ને પાણી આપ્યું. પાણી પીધા પછી પૂછ્યું,

"હવે વાંધો નથી ને.."

"ના ના દીકરા, સારું થ્યું તું પાણી લઈ આવ્યો.. તું હજી જાગતો હતો?"

"હા એ તો નવી જગ્યા છે તો થોડીવારમાં ઊંઘ ન આવે. પણ તમે હવે સુઈ જાવ.. ને કાંઈ કામ હોઈ તો મને અવાજ કરજો." મિહિરે કહ્યું.

મિહિરનું ધ્યાન પેલા નીચે પડેલાં બૉક્સ તરફ ગયું. તેમાંથી અમુક કાગળ કે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવાં લગતાં હતાં તે બહાર નીકળી ગયાં હતાં. તે બધું ભેગું કરી બૉક્સમાં મુકવાં લાગ્યો. ત્યાં તેનું ધ્યાન એક ફોટાં પર પડયું. તેણે જોયું તો કોઈ છોકરાનો ફોટો હતો. અઢારેક વર્ષનો લાગતો હતો. મિહિરને થયું કે તે એ જ હશે જેનાં વિશે મીરાએ કહ્યું હતું કે જેનાં મા-બાપનું કોઈ અકસ્માતમાં મૃત્યું થયું અને તે તેનાં નાની એટલે કે બા ભેગો રહેતો હતો.

મિહિરે તે ફોટો અને અને બીજાં જરૂરી કાગળો તેમાં મુક્યાં. રૂમની લાઇટ બંધ કરી અને તે પોતાનાં રૂમમાં જઈ સૂઈ ગયો.

***

"મીરા, ચાલ જલ્દી કર, મોડું થાય છે." ઘડિયાળમાં જોતો જોતો મિહિર બોલ્યો.

"હાં, આવી.." મીરા ઝડપથી આવી. હવે બંને જવાની તૈયારીમાં જ હતાં.

"મીરા, ઊભી રહે.." બા એ મીરાને રોકી અને મીરાની પાસે આવી ને કહ્યું, "બેટા, મને પૂરો વિશ્વાસ છે તું જે કામ માટે જાય છે એ સફળ થાશે. મિહિર તારી હારે છે એટલે મને તારી ય બહું ચિંતા નથી. પણ બેટા મારે તને ખાલી એટલું જ કેવું તું કે પોતાનાં મા-બાપથી મોટું કોઈ નથી. એ ક્યારેક વઢે તોય આપણાં સારા માટે જ હોઈ. હું જાણું છું કે એને તારી ઉપર વિશ્વાસ નહોતો કર્યો પણ ત્યારે પરિસ્થિતિ જ એવી બની કે એનાં માટે સ્વીકારવું અઘરું બની ગયું હોય. મારી બસ એક જ સલાહ છે.. એક વાર તેની હારે વાત કર. બધું પાછું પેલા જેવું જ સરખું થઈ જાશે. હવે અત્યારે જાઓ અને રાધિકાને શોધી આવો."

"હા બા.. જલ્દી જ આવી જશું." આટલું બોલી મીરા બા ને ભેંટી.

મીરા અને મિહિર બંને એવી સફર પર નીકળ્યાં હતાં કે જેની મંજિલ તો ખબર હતી પણ રસ્તો સાવ અજાણ હતો. આગળ શું થવાનું છે તેની બે માંથી કોઈને ખબર નતી. પણ બંનેને એકબીજાનો સાથ હતો માટે તે એકદમ મક્કમ હતાં કે આ લડાઈ તે જરૂર જીતશે. આ હિંમત થોડા વર્ષ પહેલાં કરવાની જરૂર હતી પણ મોડું થઈ ગયું. પણ હવે તે મુસીબતનો સામનો કરવાં પૂરા સજ્જ હતાં. મીરાએ હવે પાક્કો નિર્ણય લઈ લીધો કે તે મુંબઈ જાય તો છે પણ ખાલી હાથે નઈ આવે. ગમે તેમ કરીને રાધિકાને શોધીને જ આવશે.

***

બારીમાંથી સૂર્યનું અજવાળું રાધિકાના ચહેરા પર આવી રહ્યું હતું. રાધિકાની નીંદર ઉડી. તેણે આંખ ખોલી. આંખ ખોલતાં જ સામે એક ચહેરો દેખાયો. તેને જોઈ રાધિકાને ગુસ્સો આવ્યો અને સાથે એટલો જ ડર પણ લાગી રહ્યો હતો.

"ગુડ મોર્નિંગ, જાન." સામે વાળી વ્યક્તિએ એકદમ કટાક્ષમાં કહ્યું.

"ગેટ લોસ્ટ ફ્રોમ હિઅર." રાધિકા જોરથી બોલી.

પેલી વ્યક્તિએ રાધિકાનું ગળું જોરથી પકડી લીધું અને દાંત ભીંસતાં કહ્યું, "મારી સામે ઊંચા અવાજમાં બોલવાની હિંમત કરતી નઈ. નહીંતર તને ઉપર પહોંચાડતા વાર નહીં લાગે સમજી."

આટલું બોલી તેણે રાધિકાનું ગળું છોડ્યું. શ્વાસ રોકાવાને લીધે રાધિકાને ઉધરસ આવી રહી હતી. તેની સામે બેસેલાં વ્યક્તિએ પાણીનો ગ્લાસ આપ્યો. રાધિકાએ તેનો ઘા કર્યો. ગ્લાસ નીચે પડ્યો અને તુટી ગયો.

"ઓહો, મેડમ કે તેવર તો દેખો.. આજકલ કુછ જ્યાદા હી બઢ ગયે હે."

તે રાધિકાના ગાલ પર આંગળી ફેરવતાં ફેરવતાં બોલ્યો. રાધિકાને એકસાથે શરીર પર હજારો ચાબુક પડી રહ્યાં હોઈ એવું મહેસૂસ થતું હતું.

"એટલી બધી હિંમત હોઈ તો મારી બહેનની સામે જા." છુપાયને કેમ રહે છે. કાયર છો તું, કાયર." રાધિકા બોલી.

રાધિકાની વાત સાંભળી તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે રાધિકાનો હાથ જોરથી પકડ્યો. રાધિકાને હાથમાં ખુબ દર્દ થઈ રહ્યું હતું.

"હું કાયર નથી અને તારી બહેનથી ડરતો પણ નથી. હું સમયની રાહમાં છું, મારો બદલો પૂરો કરવાં, બસ. તને દૂર કરી તેનાથી, એટલે તે ખુબ તડપી હશે.. હું એની તડપ જોવા માગું છું. પોતાનું ખોઈને કેવું મહેસૂસ થાય એ તેને જણાવવાં માંગુ છું. મને ખબર છે એ એક દિવસ તને શોધતાં શોધતાં અહીં આવશે જ. હું બસ એ જ રાહમાં છું. હું નહીં છોડું તેને."

આટલું કહીને તે રાધિકાને ધક્કો મારીને રૂમમાંથી બહાર નીકળી ગયો. રાધિકા પડી ગઈ અને તૂટેલાં ગ્લાસનો કાચનો ટુકડો તેને હાથમાં વાગ્યો અને લોહી નીકળી રહ્યું હતું પણ તેનાં કરતાં વધુ ઘાવ તેને આ બે વર્ષમાં મળ્યો હતો. તેને આજે પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.. એક ખોટા માણસ પર ભરોસો કરવાં. હવે તો તેની આંખમાંથી આંસુ પણ નહોતાં નીકળી શકતાં. તેની આંખોમાં ખાલીપો વર્તાય રહ્યો હતો. રાધિકાને ઘરની, મમ્મી-પાપાની અને તેની બહેન મીરાની યાદ આવી રહી હતી. રાધિકાને ખબર નહોતી કે તે માણસ શા માટે મારી બહેન સાથે બદલો લેવાં માંગે છે. તે જલ્દીથી અહીંથી છૂટવાં માંગતી હતી.

"હેય, તારા હાથમાંથી તો લોહી નીકળે છે. તારું ધ્યાન ક્યાં છે? ને આ કાચ.. ગ્લાસ તૂટી ગયો?"

એક છોકરો અંદર આવ્યો. તેણે તરત ટેબલનાં ખાનામાંથી ફર્સ્ટ એડ બોક્સ કાઢ્યું અને રાધિકા પાસે આવ્યો. તેણે લોહી સાફ કર્યું અને પાટો વાળવાં લાગ્યો. તેનું ધ્યાન રાધિકાનાં હાથ પર છપાઈ ઉઠેલી આંગળીનાં નિશાન પર ગયું. તે સમજી ગયો અને પૂછ્યું,

"તેણે ફરીથી તને દર્દ આપ્યું.."

આ સાંભળીને રાધિકા વિચારોમાંથી બહાર આવી અને જોયું તો વિહાન તેની પાસે બેઠો હતો અને હાથમાં પાટો વાળી રહ્યો હતો. રાધિકાએ તેનો હાથ વિહાનનાં હાથમાંથી ખેંચ્યો અને બોલી,

"છોડ ને.. તને શું છે. અને તું શુકામ મારી ફિકર કરતો રહેતો હો. મને તો એ નથી સમજાઈ રહ્યું કે તમે બંને ભાઈ કેમ છો. એક એ છે, જે રોજ મને તકલીફ પહોંચાડે છે. ખબર નહીં મને કેમ અહીં લાવી છે. મારા મમ્મી-પપ્પા... એ કેટલાં દુ:ખી હશે અને મારી બહેન.. ખબર નહીં આ રાક્ષસ કેમ મારી બહેન પાછળ પડ્યો છે. અને એક તું છો, જેને અહીં મતલબી લોકો વચ્ચે મારી ચિંતા છે. તું એનો ભાઈ કઈ રીતે હોઈ શકે?"

"હવે જે છે એ છે.. તું કે તો બદલાવાનું તો નથી." વિહાન બોલ્યો.

"અજીબ દુનિયા છે.." રાધિકા ધિક્કારતા બોલી.

"હા ખબર છે તેણે જે કર્યું તે ખોટું કર્યું. તને અહીં લાવવાં પાછળનું કારણ મને પણ ખબર નથી. હું તેની વિરુધ્ધ તો જઈ શકું નહીં પણ પૂરતી કોશિશ કરું છું કે તારું દુઃખ ઓછું કરી શકું."

"એમ, તો મને અહીંથી નીકળવામાં મદદ કર. એટલે મારું દુઃખ દુર." રાધિકા બોલી.

"એ હું ના કરી શકું.. " વિહાન બોલ્યો.

"કેમ.. હમણાં તો દુઃખ દૂર કરવાનું કહેતો હતો તો હવે શું થયું. ઓહ હા રાઈટ, તું થોડો તારા ભાઈ વિરુધ્ધ જઈ શકે. તું તો એ કહેશે તેમ જ કરીશ ને. ડરે છો એનાથી.. તું શું મને મદદ કરવાનો હતો." રાધિકા બોલી.

"આર યુ સિરિયસ રાધિકા?" વિહાન રાધિકાની નજીક આવ્યો અને બોલ્યો, "મને મારા ભાઈનો ડર નથી લાગતો રાધિકા, મને તારી ચિંતા થાય છે. એકવાર હું તને અહીંથી નીકળવામાં મદદ કરું તોય તું ઘરે પહોંચે એની પેલા એ તને શોધી કાઢશે. અને એ પછી તારી સાથે એ શું કરશે એનો તો તને ખ્યાલ જ છે. એ ગમે તે હદ સુધી જઈ શકે છે. તારી સાથે સાથે તારા ફેમિલી મેમ્બરનો જીવ પણ જોખમમાં મુકાઈ જશે."

રાધિકા તેને સાંભળતી રહી. તેને ભાન થયું કે ગુસ્સામાં તેણે વિહાનને કાંઈક વધુ પડતું જ કહી દીધું હતું. અહીંયા તે એક જ તો હતો કે જેને ફિકર હતી. અલબત્ત તેનો ભાઈ બહું જ ખરાબ વ્યક્તિ હતો પણ વિહાન તેનાં જેવો નહોતો. તેણે ઘણીવાર તેનાં ભાઈનાં ગુસ્સાથી.. અને બીજી ઘણી રીતે બચાવી હતી.

"હું જાવ છું. તું ફ્રેશ થઈ જા પછી તારો નાસ્તો મોકલાવું છું." આટલું કહીને વિહાન રૂમમાંથી બહાર નીકળી ગયો. તેની નારાજગી તેનાં શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી.

રાધિકાએ ત્યારે તો તેને રોક્યો નહીં પણ તેણે નક્કી કરી લીધું કે તે વિહાનને મનાવી લેશે. થોડીવારમાં તે ફ્રેશ થઈ ગઈ. ત્યાં જ એક રામુકાકા નાસ્તો લઈને આવ્યાં. તે હતાં તો નોકર પણ મીરાને પોતાની દીકરી જ માનતાં. જેથી ઘણીવાર તેનાં "સાહેબ" નો ગુસ્સો પણ સહન કરવો પડતો.

તેણે રાધિકાને કહ્યું, "બેટા, અહીં નાસ્તો મૂક્યો છે."

"હા.." આટલું બોલી ત્યાં રાધિકાને ચક્કર આવ્યાં અને તે નીચે પડી ગઈ.

રામુકાકા ગભરાઈ ગયાં. અત્યારે ઘરમાં કોઈ બીજું તો હતું નહીં માટે તેણે વિહાનને બોલાવ્યો. વિહાન દોડતો દોડતો આવ્યો. તેણે રાધિકાને ઊંચકી અને બેડ પર સુવડાવી અને રામુકાકાને જલ્દીથી દવા લેવાં મોકલ્યાં.

તે ગયા એટલે તરત રાધિકાએ આંખ ખોલી અને કહ્યું, "સોરી, મને માફ કરી દે. હું થોડું વધું જ બોલી ગઈ હતી."

વિહાન ઘડીક તેને જોઈ રહ્યો પછી બોલ્યો, "એટલે આ તે નાટક કર્યું હતું?"

રાધિકાએ સ્માઇલ કરી.

"બસ તું આવી ભોળી શકલ બનાવવાનું રહેવાં દે." વિહાન તેનાં ભોળા ચહેરા સામું જોઈ રહ્યો.

"તો તે મને માફ કરી દીધીને?" રાધિકાએ પૂછ્યું.

"હા હવે.." વિહાને કહ્યું.

"થેન્ક યુ." રાધિકાએ કહ્યું અને પોતાનો હાથ આગળ કરી ને બોલી, "ફ્રેન્ડ્સ?"

વિહાને પણ તેનો હાથ આગળ કર્યો અને કહ્યું, "ફ્રેન્ડ્સ."

***

બીજીબાજું મિહિર અને સાથે મુંબઈ પહોંચી ગયાં હતાં.




***

વધુ આવતાં ભાગમાં...

આપના અમુલ્ય પ્રતિભાવો આપજો..

જય શ્રી કૃષ્ણ...