Ek bhool - 7 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 7

મિહિર અને મીરા મસ્તી કરી રહ્યાં હતાં. આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી. પણ તે મનથી થોડી ઉદાસ જરૂર હતી. મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જીંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની તે હકદાર છે. પણ અત્યારે તો મીરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહ્યો હતો.

"મીરા, એક વાત પૂછું?" મિહિર બોલ્યો.

"હા બોલ ને.." મીરાએ કહ્યું.

"હું અહીં તને શોધતો હતો ત્યારે તારો ફોટો જોઈ એક નાનકડાં છોકરાએ કીધું કે આ તો મીરા ટીચર છે. અને અહીં ઘરે આવ્યો ત્યારે તારાં બા પણ કહેતાં હતાં કે તે નિશાળે ગઈ છે તો તું શું સ્કૂલમાં ભણાવે છે?" મિહિરે પૂછ્યું.

"હા, અહીં એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવું છું. એમ પણ અહીં આખો દિવસ બીજું તો શું કરવું. એનાં કરતાં ત્યાં ટાઈમ પણ વઈ જાય અને નાનાં બાળકો સાથે મજા પણ આવે. અને એમ પણ કેટલો સમય બીજાં પર નિર્ભર રહેવું. મારી જિંદગી છે.. મારી લડાઈ તો મારે જાતે જ લડવી જોશેને." મીરાએ કહ્યું.

મિહિરે મીરાનો હાથ પકડયો અને પછી કહ્યું, "હા એ વાત સાચી છે પણ મીરા, તારે કાંઈ પણ જરૂર હોઈ તો એકવાર મને જરૂર કહે જે. હું હંમેશાં તારે સાથે છું."

મીરાએ જવાબમાંં હળવી સ્માઈલ કરી અને હા પાડી.

"તો અહીં તમે બંને જ રહો છો? બા નો પરિવાર?" મિહિર આમતેમ નજર મારીને બોલ્યો.

"ના, બીજું કોઈ નથી. મને વધું તો નથી ખબર પણ એકવાર બા કહેતાં હતાં કે ઘણાં સમય પહેલાં તેની દીકરી અને તેનાં જમાઈ બંનેનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. તેમની દીકરીને એક દીકરો પણ હતો. આ અકસ્માત પછી બા એ જ તેને મોટો કર્યો. બીજું તો કોઈ હતું નહીં, બસ એક તે જ સહારો બની ગયો હતો. પણ નસીબની વાત છે, જેણે પોતાને મોટો કર્યો.. પગભર બનાવ્યો.. અને પછી જરૂર ન રહેતાં તેને મૂકીને જતો રહ્યો. તે ક્યાં છે, શું કરે છે એની તો બા ને પણ ખબર નથી." મીરા ઊંડો નિ:સાસો લેતાં બોલી.

"હમમ, એ તો બહુ ખોટું થયું." મિહિરે કહ્યું.

થોડીવાર પછી મિહિરે ફરીથી પૂછ્યું, "તને તારાં મમ્મી પપ્પા વિશે જાણવાની જરાપણ ઈચ્છા ન થઈ. તે એનાં વિશે હજુ સુધીમાં એકવાર પણ પૂછ્યું નહીં.!!"

મીરાએ ઘડિયાળમાં જોયું. સાંજના છ વાગી રહ્યાં હતાં. મીરાને કોઈ જવાબ દેવો નહોતો. તે વાતને ટાળવા માગતી હતી. માટે તેણે કહ્યું,

"ઓહો મિહિર, છ વાગી ગયાં. મારે તો હજી બહાર પણ જવાનું છે થોડોક સામાન લેવાં. તું આવીશ? ચાલ ને મજા આવશે." મીરા ઉતાવળમાં બોલી રહી હતી.

મિહિર સમજી ગયો કે મીરાને તે બાબતે જવાબ નથી આપવો. માટે તેણે તે વાત પતાવતા કહ્યું,
"અરે પણ, પોતે જ પૂછે છે ને પછી પોતે જ જવાબ આપે છે. સારું ચાલ જઈએ."

થોડીવારમાં બંને બહાર જવાં નીકળ્યાં. બંને ચાલતાં ચાલતાં જઈ રહ્યાં હતાં. ઠંડી ધીમે ધીમે વધી રહી હતી. સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. મનને એકદમ ખુશ કરી દે એવું વાતાવરણ હતું. મિહિર પણ તેની મજા માણી રહ્યો હતો. મિહિરને જોઈ મીરાએ પૂછ્યું,

"મજા આવે છે ને.. મને પણ બહું જ ગમે છે. પહાડો, નદીઓ.. એકલાં સમય વિતાવવા માટે બેસ્ટ જગ્યાં છે. મન એકદમ શાંત થઈ જાય છે. અને એટલે જ મને અહીં રહેવાની પણ મજા આવે." મીરા પ્રકૃતિનો આનંદ લેતાં લેતાં બોલી.

"સાચી વાત છે હોં તારી." એટલું બોલી મિહિર મીરા સામે જોઈ રહ્યો.

"શું, એમ કા જોવે છો?" પોતાની તરફ જોઈ રહેલાં મિહિરને પૂછ્યું.

"એક વાત પૂછવી હતી.. પૂછું?" મિહિરે કહ્યું.

"એ જ ને.. કે હું સુરત ક્યારે આવીશ.. ઘરે ક્યારે જઈશ?" મીરાએ જાણે મિહિરના મનની વાત જાણી ગઈ હોય એમ કહ્યું.

જવાબમાં મિહિરે ફક્ત હમમ કહ્યું.

"લુક મિહિર.. હવે એ બધું બહું પાછળ છૂટી ગયું છે. મારી લીધે મેં મારી બહેનને ખોઈ છે અને..."

"શોધવાથી બધું મળી જાય હોં.." મીરાની વાત વચ્ચેથી કાપતાં મિહિર બોલ્યો.

"તને શું લાગે મેં કોશિશ નહીં કરી હોય એને શોધવાની.?" મીરાએ જવાબ આપ્યો.

"તે એકલીએ કરી હતી ને.. હવે આપણે સાથે મળીને ગોતશું.." મિહિરે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું.

થોડીવાર સુધી બંને મૌન રહી ચાલતાં રહ્યાં. એટલામાં મિહિરનાં મોબાઇલમાં રીંગ વાગી. તેણે જોયું અને કહ્યું,

"મમ્મીનો છે.."

"જો મિહિર, તું અત્યારે કહેતો નહીં કે હું તારી સાથે છું. હું નથી ઈચ્છતી કે કોઈને પણ મારી જાણકારી મળે.."

"ઓકે." કહીને મિહિર તેની મમ્મી સાથે વાત કરવાં લાગ્યો.

મીરાને થોડીવાર માટે થયું કે હું પણ મારી મમ્મી જોડે એકવાર વાત કરી લઉં પણ તેની હિંમત ચાલી નહીં. તેણે મન મક્કમ કરી લીધું અને આગળ વધી.

મીરા થોડું શાકભાજી અને બીજો જરૂરી સામાન લેવા લાગી. મિહિર થોડો દુર ઊભી તેની મમ્મી જોડે વાત કરી રહ્યો હતો. એટલામાં મીરાનું ધ્યાન તેનાથી દુર ઉભેલાં એક માણસ ઉપર પડયું. થોડી ભીડ હોવાથી તેનો ચહેરો સરખો જોઈ શકી નહીં. ફક્ત તેની આંખ અને વાળ જોઈ શકી. તેને જોઈને તે તરત ઓળખી ગઈ કે નક્કી એ આરવ હોવો જોઈએ. પણ તેને પાક્કી ખાતરી નહોતી કે તે આરવ જ છે.. કેમ કે આટલી દુર એ અહીં શા માટે આવ્યો હોઈ. તેણે ફરીથી ત્યાં આસપાસ જોયું પણ તે દેખાયો નહીં. મીરાને થયું કે તે પોતાનો ભ્રમ હશે.

"મીરા, રાધિને બચાવ.. તે હાલ મુંબઈમાં છે. અમિતને શોધ એટલે મીરા પણ મળી જશે.. મને માફ કરજે, હું મજબૂર છું. આનાથી વધું હું કાંઈ મદદ નહીં કરી શકું. મને શોધતી નહીં, નહીંતર મારી સાથે સાથે તું પણ મુશ્કેલીમાં મુકાઈ જઈશ." મીરાની પાછળથી કોઈ બોલી રહ્યું હતું.

મીરા તરત પાછળ ફરી પણ તેને કોઈ દેખાયું નહીં. તેને અવાજ સાંભળીને પૂરો વિશ્વાસ આવી ગયો હતો કે તે આરવનો જ હતો અને તેણે જેને જોયો હતો તે કોઈ ભ્રમ નહોતો પણ આરવ જ હતો.

પણ તેને નહોતું સમજાઈ રહ્યું કે તે કોનાથી ડરી રહ્યો હતો. તેને રાધિકા વિશે બધી ખબર છે તો પહેલાં કેમ કહ્યું નહીં. અને રાધિકા.. તે મુંબઈમાં કેમ..? અને અમિત.. આ અમિત કોણ છે? નામ થોડું જાણીતું લાગ્યું પણ તેને યાદ નહોતું આવી રહ્યું.

"લ્યો બોલો, આ અહીંયા સ્ટેચ્યુ બનીને ઊભી છે. હું તો ક્યારનો ત્યાં તારી રાહ જોતો હતો." મિહિરે મીરાને જોઈ કહ્યું.

"રાધિ.. મુંબઈમાં...છે.." મીરા તૂટેલાં અવાજમાં બોલી.

"હેં! શું બોલે છો." મિહિરને આશ્ચર્ય થયું.

મીરાનો ગંભીર ચહેરો જોઈ તે ઓળખી ગયો કે કાંઈક તો થયું જ છે. તે મીરાનો હાથ પકડી તેને ભીડવાળી જગ્યાથી થોડો દૂર લઈ ગયો. પછી શાંતિથી પૂછ્યું,

"મીરા, શું થયું?"

"રાધિ મુંબઈમાં છે. તે કોઈ મુશ્કેલીમાં છે. તેને આપણી જરૂર છે મિહિર.." રડમસ ચહેરે મીરા બોલી.

"પણ તને કોણે કીધું આ બધું?" મિહિરે સવાલ કર્યો.

"આરવે..!" રાધિકાએ જવાબ આપ્યો.

"શું.. આરવ? એણે ક્યારે કીધું તને.. શું એ અહીં છે?" મિહિર માટે હવે મીરાની વાત સમજ બહાર થઈ રહી હતી.

"ખબર નહીં પણ તેણે જ મને કહ્યું આ બધું. મેં તેને દૂરથી જોયો પણ હતો. પણ થોડીકવારમાં તે ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ હશે પણ ત્યાં મારા કાનમાં તેનો અવાજ આવ્યો. તે વાત કરી તરત નીકળી ગયો. તે કોઈનાંથી ડરી રહ્યો છે એટલે જ મારાથી દુર ભાગી રહ્યો છે. મને કોઈ મોટી વાત લાગે છે આની પાછળ." મીરાને હવે ખુબ ચિંતા થઈ રહી હતી.

"શું સાચે આરવે તને કહ્યું હતું? તને પાક્કી ખાતરી છે કે તે આરવ જ હતો? ક્યાંક તારો ભ્રમ તો નથીને?" મિહિરે ખાતરી કરવા માટે પૂછ્યું.

"ના એ આરવ જ હતો... " મીરાએ પૂરા વિશ્વાસથી કહ્યું.

"ઓકે સારું ચાલ, ઘરે જઈએ. ત્યાં પહોંચીને શાંતિથી વાત કરીએ. અહીં તેનાં વિશે વાત કરવી સેફ નથી." મિહિરે કહ્યું.

"હા ઓકે." કહીને મીરા અને મિહિર ઘર તરત ચાલવાં લાગ્યાં.

***

વધુ આવતાં ભાગમાં...

વાંચતા રહો અને આપના અમૂલ્ય પ્રતિભાવ આપતાં રહો અને ક્યાંય પણ કોઈ ભૂલ હોઈ તો જરૂર જણાવશો.

અંત સુધી બન્યાં રહેજો..

ખૂબ ખૂબ આભાર...