Pranaybhang - 1 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ - 1

પ્રણયભંગ

લેખક – મેર મેહુલ

પ્રસ્તાવના

નમસ્કાર વાંચકમિત્રો,

‘જૉકર – સ્ટૉરી એક લુઝરની’ હાલ જ પુરી થઈ છે, આપ સૌએ વાંચી જ હશે !, ન વાંચી હોય તો જરૂર વાંચશો. જૉકરની સફળતા બાદ ફરી એક નવો વિષય લઈને આપની સમક્ષ હાજર છું.

સમાજમાં ખદબદબતાં દુષણો વિશે સૌ માહિતગાર હશે જ. વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ આગળ વધતાં ભારતમાં હજી પણ ન ગણી શકાય એવા કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ખાસ કરીને પુરુષ પ્રધાન ભારતમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓને ઓછી આંકવામાં આવે છે.

ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મોટા ભાગના ગામોમાં હાલ પણ લાજપ્રથા કાયમ છે, સ્ત્રીઓની રહેણીકરણી-બોલચાલ પર સવાલો ઉઠાવવામાં આવે છે. એક ગુલામની જેમ તેને ટ્રીટ કરવામાં આવે છે અને એ સ્ત્રીઓ ખુશીખુશી બધાં રિવાજો સ્વીકારે છે. ભૂલ તેઓની પણ નથી, તેઓને જન્મથી જ એવા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે, એવા નિયમો થોપી દેવામાં આવે છે જેને કારણે તેનાથી આગળ તેઓએ કોઈ દિવસ વિચાર્યું જ નથી.

હવે સમય બદલાયો છે. એક સર્વે અનુસાર, વિશ્વમાં સ્ત્રી પાયલોટ સંખ્યાની દ્રષ્ટિએ ભારત પ્રથમ નંબરે છે. દુતીચંદ, મેરી કૉમ, મીથાલી રાજ જેવી યુવતીઓએ સ્પોર્ટ્સની વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કર્યું છે તો વર્ષો પહેલાં કલ્પના ચાવલા જેવી બેહોશ બહેને સ્પેસમાં જઈને ભારતનું નામ રોશન કર્યું છે અને એ સાબિત કરી દીધું છે કે સ્ત્રી પુરુષથી એક દોરાવા પણ ઓછી નથી. આવા ઉદાહરણો તો ગણાય નહિ એટલાં છે.

‘પ્રણયભંગ’ નવલકથા પણ એક સ્ત્રીનું માનસ સ્પષ્ટ કરે છે. સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માત્ર પુરુષ જ નહિ સ્ત્રી પણ સામ, દામ,દંડ, ભેદનો ઉપયોગ કરી શકે છે .!!!

‘પ્રણયભંગ’ નવલકથા લખવા માટે મને સાહેબ ‘ચંદ્રકાંત બક્ષી’ ની નવલકથા ‘બાકી રાત’ માંથી પ્રેરણા મળી છે. જેણે ‘બાકી રાત’ નવલકથા વાંચી હશે તેઓ આ નવલકથાને ‘બાકી રાત’ સાથે સરખાવી શકશે. નવલકથાનાં પાત્રો કાલ્પનિક છે, જે કોઈનાં અંગત જીવનને સ્પર્શતા નથી. નવલકથા માત્ર મનોરંજનનાં હેતુથી જ લખવામાં આવી છે, એ ધ્યાનમાં લેશો.

મારી અન્ય નવલકથાઓ,

- ભીંજાયેલો પ્રેમ

- સફરમાં મળેલ હમસફર (ભાગ - 1 & 2)

- વિકૃતિ - એન અન-કન્ડિશનલ લવ સ્ટૉરી

- જૉકર - સ્ટૉરી એક લુઝરની

- તું મુસ્કુરાયે વજાહ મેં બનું ( ટૂંકી વાર્તા)

- સ્માઈલવાળી છોકરીની શોધમાં (ટૂંકી વાર્તા)

- કાવતરું (ટૂંકી વાર્તા)

વાંચીને મંતવ્યો આપશો.

તો ચાલો શરૂ કરીએ નવો અધ્યાય,

ભાગ – 1

“શું અખિલભાઈ.!!!, ક્યાં હતાં આટલા દિવસથી ?” વિજયે ચાનો કપ હાથમાં લઈ પૂછ્યું. સાંજનો સમય હતો. અખિલ એક અઠવાડિયાથી બહાર હતો અને સીધો ચાની લારી પર આવ્યો હતો.

“બે મહિના પછી એકઝામ છે તો મમ્મી-પપ્પાને મળવા ગયો હતો” અખિલે ચાની ચુસ્કી લઈ જવાબ આપ્યો.

“નવા સમાચાર મળ્યા છે કે હું જ આપી દઉં ?” વિજયે આંખ મારીને ઈશારો કર્યો.

“તું જ આ સોસાયટીનો રિપોર્ટર છે” અખિલે હસીને જવાબ આપ્યો, “શું થયું નવીનમાં ?, ફરી અંકલ-આંટી વચ્ચે ઝઘડો થયો ?”

“એ તો રોજનું થયું અખિલભાઈ, એમાં શું નવીન છે” ચાનો કપ બાજુમાં વિજય, અખિલ તરફ ફર્યો, “તમારાં ઘરની સામે જે ખંડેર બંગલો પડ્યો હતોને ત્યાં નવા ભાડૂત આવ્યાં છે”

“એ તો બે વર્ષથી બંધ હતોને?, એમાં ભૂત થાય છે એવી અફવા પણ મેં સાંભળી હતી” અખિલે કહ્યું, “તેનાં માલિક કદાચ બે વર્ષ પહેલાં મુંબઈ ચાલ્યાં ગયાં છે”

“એ બધી અફવા જ હતી અખિલભાઈ, ચાર દિવસ પહેલાં ત્યાં નવા ભાડૂત આવી ગયાં છે”

“હા તો એમાં શું નવીન છે ?” અખિલે ખભા ઉછાળતાં ચાનો કપ બાજુમાં રાખ્યો.

“ત્યાં ત્રીસ વર્ષના એક ભાભી રહેવા આવ્યાં છે” વિજયે ફરી આંખ મારી, “અને એ પણ એકલા”

“તો આપણે રાત્રે ત્યાં જવાનું છે ?”અખિલે હસીને પૂછ્યું..

“આપણે એટલાં નસીબદાર નથી અખિલભાઈ” વિજયે મોં લટકાવ્યું, “એનાં સુધી પહોંચવું આપણાં ગજાની વાત નથી”

“કેમ ?, કોઈ પોલિસ અફસરની પત્ની છે ?” અખિલે પૂછ્યું.

“ના, તેનો પતિ આર્મીમાં હતો” વિજયે કહ્યું, “બે વર્ષ પહેલાં શહીદ થયો એટલે એ વિધવા છે”

“તો કેમ તારાં ગજાની વાત નથી ?”

“તમે એને જોયાં નથીને” વિજયે કહ્યું, “એકવાર જોઈ લેશો તો તમે પણ આમ જ કહેશો”

“જો ભાઈ, આ બધું કામ તારું છે.બે મહિના પછી મારે GPSCની પ્રિલિયમ ક્રેક કરવાની છે તો મને આવી વાતોથી દૂર રાખ અને તને પણ ખબર જ છે, મને આવી વાતોમાં કોઈ રસ નથી.મારું સપનું મામલતદાર બનવાનું છે અને એ પહેલાં હું આવા કોઈ ચક્કરમાં પડવા નથી માંગતો”

“હું તો ન્યુઝ આપતો હતો” વિજયે કહ્યું.

“તારી ઉંમરમાં મેં પણ આ બધું કર્યું છે વિજય” અખિલે વિજયનાં ખભા પર હાથ રાખ્યો, “હવે કરિયર ઉપર ફોકસ કરવાનો સમય છે”

“સારું તમે જાઓ તમારા કરિયર પર ફોકસ કરો અને ટાઈમ પર જમવા આવી જજો નહીંતર મમ્મી ખિજાશે”

“ઘરે હતો એટલે સિગરેટ જ નહોતી મળતી” અખિલે ઉભા થઈને કહ્યું, “હરિકાકા એક સિગરેટ આપો”

“તું એ ભાભી પર નજર રાખજે, રૂપિયાની જરૂર હોય તો મને કહેજે અને રાત્રે મારાં ઘરની અગાસી પર આવી જજે” અખિલે કહ્યું.વિજય, ગાલ ગુલાબી કરી વાતમાં હામી ભરી નીકળી ગયો.

હરિકાકાએ સિગરેટ આપી.અખિલે સિગરેટ સળગાવી અને ફરી પાટલી પર બેસી ગયો.

વડોદરા શહેર જે ગાયકવાડ વંશની રાજધાની હતું ત્યાં આજે પણ મરાઠી લોકોની બહુમતી છે. સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા) દ્વારા વિકસાવવામાં આવેલું આ શહેર આજે પણ ગુજરાતનાં વિકસિત શહેરોમાં સ્થાન ધરાવે છે. ભારતની લીંપોપો કહેવાતી વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું આ શહેર મહાન લેખકો, સંતો અને ભારતની આઝાદીમાં અમૂલ્ય ફાળો આપનાર લડવૈયાઓની જન્મભૂમિ રહ્યું છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર પોતાનાં અભ્યાસ માટે જ્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં ગયાં હતાં ત્યારે સયાજીરાવ ગાયકવાડે તેઓને શિષ્યવૃત્તિ આપેલી.

હાલમાં પણ પોતાનું ભવિષ્ય બનાવવા ઘણાં વિદ્યાર્થીઓ આ શહેરમાં આવીને વસ્યાં છે. તેઓમાં એક અખિલ સંઘવી પણ શામેલ હતો. વડોદરા જિલ્લાના નાનકડા ગામથી આવતો 26 વર્ષનો અખિલ મામલતદાર બનવાનું સ્વપ્ન સાકાર કરવા સ્ટેશન નજીકની અલ્કાપુરી સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતો. નવથી પાંચ નોકરી કરતો અને બાકીના સમયમાં વાંચતો. છેલ્લાં છ મહિનાથી આ જ તેનો નિત્યક્રમ હતો.

ગંભીર સ્વભાવ ધરાવતો અખિલ ન તો કોઈની સાથે વાતો કરતો અને ના તો લોકો સાથે ભળતો, માટે તેનાં દોસ્તો પણ જૂજ માત્રામાં જ હતાં. પોતાનાં સપનાં સાકાર કરવામાં કોઈ અડચણ ના આવે એટલે જાણીજોઈને એ છોકરીઓથી અંતર જાળવતો.

અખિલ દેખાવે સોહામણો હતો. લંબગોળ ચહેરો અને સફેદ વાન, હૃષ્ટપુષ્ટ શરીર અને માપમાં કહી શકાય એટલી ઊંચાઈ, તેનાં પોશાકની પસંદગી પણ ઉત્તમ હતી, જોબ પર હંમેશા એ ફોર્મલ કપડાં પહેરતો અને અન્ય સમયે જીન્સ-ટીશર્ટ પહેરવાનું પસંદ કરતો. તેનાં ચહેરા પર વ્યવસ્થિત ઉગેલી આછી દાઢી તેને વધુ આકર્ષક બનાવતી હતી. ટૂંકમાં પહેલી નજરે જ પસંદ આવી જાય એવો અખિલ સંઘવી સિંગલ હતો.

સિગરેટ પતાવી અખિલે ઘર તરફ પગ ઉપાડ્યા. એ જે ઘરમાં રહેતો તેની બરાબર સામે જ પેલો ખંડેર બંગલો હતો. અખિલે જતાં જતાં ત્યાં પણ એક નજર ફેરવી લીધી. એ અલાયદા બે માળના ઘરમાં રહેતો, મકાન માલિક એક વર્ષ પહેલાં બીજે શિફ્ટ થયાં હતાં એટલે અખિલ અહીં સ્વતંત્ર રીતે રહી શકતો હતો. તેણે ઘરનું તાળું ખોલ્યું, એક અઠવાડિયા પછી એ પરત ફરી રહ્યો હતો એટલે પહેલાં ફ્રેશ થઈ તેણે બધો સામાન વ્યવસ્થિત ગોઠવ્યો પછી ઉપરનાં સ્ટડી રૂમમાં જઈ વાંચવા બેસી ગયો.

*

અલ્કાપુરી સોસાયટીની બાજુનાં કોમ્પલેક્ષમાં ‘શાહ ક્લિનિક’ ના નામે એક નવું ક્લિનિક બન્યું હતું. B.H.M.S. ની ડીગ્રી મેળવેલી સિયા શાહ આ ક્લિનિક સંભાળતી. વિજયનાં કહ્યાં મુજબ સિયા શાહ, ચાર દિવસ પહેલાં સુરતથી શિફ્ટ થયેલી ત્રીસ વર્ષની એક વિધવા હતી. જે ઉંમરમાં ભવિષ્યનું આંકલન કરવાનું હોય, પોતાની જિંદગીને નવો વળાંક આપવાનો હોય, નવા અરમાનોના અંકુર ફૂટતાં હોય એ ઉંમરે સિયાની જિંદગી એક સીધી સપાટી પર લપસી ગઈ હતી. બે વર્ષ પહેલાંના આતંકી હુમલામાં તેનાં પતિ શહીદ થયાં હતાં, ઘરવાળાઓએ બીજાં લગ્ન કરી લેવાની સલાહ આપી પણ સિયાએ પોતાની લાઈફમાં જાતે જ સંઘર્ષ કરવો અને બીજા લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઈથી સુરત શિફ્ટ થઈ હતી. સુરતમાં બે વર્ષ વિતાવી સિયાએ વડોદરા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો અને અહીં આવતી રહી.

પોતાનાં માટે અઢળક સંપત્તિ છોડીને ગયેલાં તેનાં પતિ માટે એ ક્લિનિક ખોલી સેવાનું કામ કરતી અને એ બહાને એ કામમાં વ્યસ્ત પણ રહેતી. ક્લિનિક શરૂ થયાને હજી બે દિવસ જ થયાં હતાં એટલે ગણ્યાગાંઠ્યા પેશન્ટ જ આવતાં હતાં. સિયાએ તેની ખુરશીની પાછળની દીવાલે તેનાં પતિનો ફોટો લટકાવીને રાખ્યો હતો. હાલ સિયા એ ફોટાને જોઈને પોતાનાં ભૂતકાળમાં ડૂબેલી હતી.

બે વર્ષ પહેલાં જ્યારે તેના પતિની બૉડી તિરંગમાં લપેટાઈને આવી હતી ત્યારે બધાં લોકો તેને સાંત્વના આપતાં હતાં. તેનો પતિ દેશની રક્ષા કાજે વીરગતિ પામ્યો એમ કહીને ગર્વ લઈ રહ્યા હતાં પણ એ ઘટનાં પછી સિયાની એકલતાં કોઈ સમજી શક્યું નહોતું. સિયા ઘણીવાર બીજાં લગ્ન કરવાનું વિચારતી પણ ફરી આવું થશે તો સહન નહિ કરી શકે એ ડરથી એ આગળ વધી શકતી નહોતી.

સિયા વિચારોમાં ખોવાયેલી હતી એટલામાં દરવાજો નૉક થયો. એ કાચના દરવાજાની પેલી પાર એક છોકરો ઉભો હતો. સિયાએ આંખોથી અંદર આવવા ઈશારો કર્યો.

એ વિજય હતો. વિજય હાલ કૉલેજના ત્રીજા વર્ષમાં હતો. શરૂઆતમાં અખિલ રેસ્ટોરન્ટમાં જમતો પણ વિજય સાથે દોસ્તી થયાં પછી વિજયના મમ્મીએ અખિલને ઘરે જ જમવા કહ્યું હતું. અખિલ વળતર રૂપે જરૂર રકમ આપતો. વિજય પણ દેખાવે સોહામણો અને કૂલ હતો. એ હંમેશા બ્રાન્ડેડ કપડાં પહેરતો અને ફ્લર્ટ કરવાની તેની જન્મજાત આદત હતી.

વિજય અંદર આવી સ્ટુલ પર બેઠો.

“મેડમ, બે દિવસથી માથું દુઃખે છે” વિજયે કહ્યું, “કાલે રાત્રે ફીવર પણ હતો”

સિયાએ તેનાં હાથની નાડ તપાસી, પછી કપાળ પર હાથ રાખ્યો અને પૂછ્યું, “થોડાં દિવસથી ઓછી ઊંઘ લો છો ?”

“હા મેમ, ચાર દિવસથી રાત્રે મોડી ઊંઘ આવે છે અને વહેલાં આંખો ખુલ્લી જાય છે” વિજયે સ્માઈલ કરી.

“કોઈ વાતનું ટેંશન છે ?” સિયાએ પૂછપરછ આગળ ધપાવી. વિજયને કંઈ વાતની બીમારી છે એ સિયા સમજી નહોતી શકતી.

“થોડાં દિવસોમાં લાસ્ટ સેમની એક્ઝામ છે તો ટેંશન તો રહેવાનું જ”

“વાંચવાના સમયમાં વચ્ચે બ્રેક લો અને આંખોને આરામ આપો” સિયાએ સલાહ આપી અને ટેબલ પર રહેલી થોડી ટેબ્લેટ કાઢી કહ્યું, “આ દવા દિવસમાં ત્રણ ટાઈમ લેજો…સવારે….”

“સવારે, બપોરે અને સાંજે જમીને ” સિયાની વાત કાપી વિજયે પોતાની વાત જોડી દીધી.

“બરાબર, હું એમ જ કહેતી હતી” સિયાએ હલકું સ્મિત કરીને કહ્યું.

“તમે બાજુની અલ્કાપુરી સોસાયટીમાં રહો છો ને ?” વિજય જે કામ માટે આવ્યો હતો એ તેણે શરૂ કર્યું.

“હા અને મને ખબર છે તું પણ એ જ સોસાયટીમાં રહે છે” સિયાએ ફરી હલકી સ્માઈલ આપી.

“કોઈ કામ હોય તો કહેજો” વિજયે કહ્યું.

“ચોક્કસ” સિયા વાત પૂરી કરવાનાં મૂડમાં હતી.

વિજય ઉભો થયો, જરૂરી વળતર ચૂકવી એ બહાર ગયો. વિજય બહાર ગયો એટલે સિયા મુસ્કુરાઈ. વિજય અહીં શા માટે આવ્યો હતો એ સિયા જાણતી હતી. ઘણીવાર તેની સાથે આવી ઘટનાં બનેલી. આમ પણ પુરુષ ક્યાં હેતુથી સ્ત્રી નજીક આવે છે એ સ્ત્રી જાણતી જ હોય છે!!!

સિયાએ દીવાલ પર રહેલી ઘડિયાળ પર નજર કરી. ક્લિનિક બંધ કરી સિયા ઘર તરફ વળી.તેને અધૂરી છોડેલી એક નવલકથા વાંચવાની હતી.ઘરે આવી સિયા ફ્રેશ થઈ. રસોઈ કરવાનો હજી સમય નહોતો થયો એટલે બીજાં માળની બાલ્કનીમાં આવીને નવલકથા વાંચવા લાગી.

દસ મિનિટ થઈ હશે ત્યાં તેની નજર સામેની બાલ્કની પર પડી. એ અહીંયા આવી ત્યારથી એ ઘરને તાળું હતું પણ હાલ સામેની બાલ્કનીમાં એક વ્યક્તિ આળસ મરડી રહ્યો હતો. આળસ મરડી એ વ્યક્તિની નજર સિયા પર પડી અને બંનેની આંખો ચાર થઈ.

*