પ્રણયભંગ ભાગ – 9 in Gujarati Love Stories by Mehul Mer books and stories Free | પ્રણયભંગ ભાગ – 9

પ્રણયભંગ ભાગ – 9

પ્રણયભંગ  ભાગ – 9

લેખક - મેર મેહુલ

 

    સિયા અને અખિલ રાત્રે સિયાનાં ઘરની અગાસી પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. અખિલે નવો ટોપિક લાવવાની વાત કરી એટલે સિયાએ પુછ્યું, “ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે શું ખ્યાલ છે તારો ?”

“મતલબ, મને કંઈ સમજાયું નહિ” અખિલે પુછ્યું.

“મતલબ બે લોકો જ્યારે લાગણીથી નહિ માત્ર શરીરથી જ સંબંધમાં રહે એને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ કહેવાય. ફ્રેન્ડ બનીને રહેવાનું પણ મજા બધી પતિ-પત્નિ વાળી લેવાની” સિયાએ કહ્યું.

“હું એવા સંબંધને નથી સ્વીકારતો, સેક્સ એ પ્રેમનો એક હિસ્સો છે માટે પ્રેમ હોય ત્યાં જ એ શક્ય છે એટલે મારો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે કંઈ વિચાર નથી”

“નાઇસ, સારો વિચાર છે”સિયાએ કહ્યું.

“કેમ આવું પુછતી હતી તુ?” અખિલે કહ્યું.

“પહેલાં પ્રોમિસ આપ, હું જે વાત કહું એ સાંભળીને તું ગુસ્સો નહિ કરે”

“એ તારી વાત પર નિર્ભર કરે છે, હું અગાઉથી પ્રોમિસ ના આપું”

“સારું” સિયાએ કહ્યું, “આપણે ફ્રેન્ડ્સ બની ગયાં છીએ, આપણે જે રીતે વાતો કરીએ છીએ એ જોઈ મને વિચાર આવ્યો”

“મતલબ, આપણે એ સંબંધમાં રહેવું જોઈએ એવું ?” અખિલે પુછ્યું.

“એમાં ખોટું શું છે ?” સિયાએ કહ્યું.

“સાચું શું છે ?” અખિલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો, “મેં તને હમણાં જ કહ્યું, પ્રેમ હોય ત્યાં જ એ શક્ય છે”

“પ્રેમ જુદી વાત છે, આ એક જરૂરિયાત છે” સિયા બહેકી રહી હતી.

“મને તારાં પર શંકા જાય છે સિયા, તે એ માટે જ મારી સાથે દોસ્તી નથી કરીને ?”

“અખિલ…”

“વૉટ અખિલ….” અખિલ બરાડયો, “તું એમ કહે છે કે આપણે પ્રેમ નહિ કરીએ પણ એક છત નીચે ભેગાં સુઇશું”

“હું એવું નથી કહેતી અખિલ” આ વખતે સિયાનો અવાજ પણ ઊંચો થઈ ગયો.

“તો કહેવા શું માંગે છે તું ?”

“હું તો…..”

“હા બોલ, શું હું તો…”

“છોડ એ વાત…આઈ એમ સૉરી” સિયાએ વાત પડતી મુકી.

“હું જઉં છું” અખિલ ઉભો થયો, “મારે તારી સાથે વાત જ નથી કરવી”

    અખિલ એક ડગલું આગળ ચાલ્યો ત્યાં એ લથડાયો, તેનાં ઘૂંટણમાં દર્દ થયું, અખિલનાં મોંમાંથી હળવી સિસકારી નીકળી ગઈ. આ જોઈ સિયા ઉભી થઇ અખિલ પાસે આવી અખિલને સહારો આપ્યો. અખિલે સિયાનો હાથ છોડાવી દીધો.

“મેં એવું તો શું કહ્યું અખિલ ?” સિયા રડવા જેવી થઈ ગઈ.

“તારી પાસે વિચારવા માટે પુરી રાત પડી છે”

   અખિલે ઘૂંટણ પર હાથ રાખ્યો, ઠૂંગાતો ઠૂંગાતો અખિલ પગથિયાં ઉતરી ગયો. સિયા પાળીને અડીને બેસી ગઈ અને રડવા લાગી. તેણે આ શું કર્યું હતું ?

‘કોઈ વ્યક્તિને આવું પૂછતાં તને શરમ ના આવી ?’ સિયા પોતાને કોસતી હતી.

   બન્યું કંઈક આવું હતું,

   એ જ્યારે રડી રહી હતી ત્યારે અખિલે તેને સાંત્વના આપવા પોતાનો ખભો આપ્યો હતો. સિયા કોઈના ખભે માથું રાખીને રડી નહોતી. એ સમયે અખિલ તેને પોતાનો લાગી રહ્યો હતો. તેને અખિલ સાથે પોતાનું ભવિષ્ય દેખાવવા લાગ્યું.

   બે વર્ષથી સિયા જે પ્રેમ માટે તરસતી હતી એ તેને અખિલમાં નજર આવવા લાગ્યો. છેલ્લાં બે વર્ષથી એ માત્ર પ્રેમ માટે નહોતી તરસી રહી, આખરે એ હતી તો એક ઔરત જ ને, બે વર્ષથી એ તૃપ્ત નહોતી થઈ અને એ જ લાગણીમાં એ વહી ગઈ.

   માન્યું, સિયાની આ વાત ગલત હતી પણ એ બિચારી શું કરે?, જ્યાં દૂર દૂર સુધી અંધારું ફેલાયેલું હોય ત્યાં એક આગિયું પણ સૂરજ જેવું લાગે છે.

    સિયા રડી રહી હતી, તેને પોતાની ભૂલ પર પછતાવો થઈ રહ્યો હતો પણ જે થવાનું હતું એ થઈ ગઈ ગયું હતું. સિયા હવે આ ઘટનાને બદલી શકવાની નહોતી.

   આજની રાત કદાચ બંને માટે અમવાસની રાત હતી, એકદમ કાળી.

*

   સિયાને મોડી રાતે ઊંઘ આવી હતી. કદાચ ચાર વાગ્યે.ચાર વાગ્યાં સુધી એ અગાસી પર બેસી રહી હતી. પોતે જ બદનસીબ છે એ ખાત્રી કરવા એણે પોતાનાં ભૂતકાળને ફરી એકવાર જીવી લીધો હતો. હા એ જ ભૂતકાળ, જેણે સિયાને દુઃખ સિવાય કંઈ નહોતું આપ્યું.આપ્યા હતાં તો માત્ર આંચકા, તીવ્ર ભૂકંપ જેવા આંચકા.એક એક ઝટકે સિયા પાનખરનાં પાંદડાની જેમ વિખરાય ગઈ હતી.

    સિયાએ આંખો ખોલી ત્યારે દસ વાગી ગયા હતા. તેની આંખો સોજી ગઈ હતી. જેમ એક મજુર મોટી બોરી ખભે ઊંચકીને જતો હોય અને તેને એ બોરીનો વજન લાગે એમ સિયાની આંખોને અત્યારે વજન લાગી રહ્યો હતો. સિયા મહામહેનતે આંખો ખોલી શકતી હતી.

    આંખો ખોલતાંની સાથે જ તેને પાછલી રાતની ઘટનાં યાદ આવી. ફરી સિયાની આંખો છલકાઈ ગઇ. બેઠકરૂમમાં આવીને સિયા સોફા પર બેસી ગઈ. સિયા રડતી નહોતી પણ તેની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા.

    તેની નજર દરવાજા પર ગઈ. દરવાજા પાસે એક ચિઠ્ઠી પડી હતી.સિયાએ ઊભાં થઈને ચિઠ્ઠી લીધી અને ફરી સોફા પર આવી ગઈ. તેણે ચિઠ્ઠી ખોલી વાંચવાનું શરૂ કર્યું,

‘આઈ એમ સૉરી, હું ગુસ્સામાં વધુ બોલી ગયો. તું તારી જગ્યાએ સાચી હશે પણ હું એ વાત નથી સ્વીકારતો. એનાં માટે તું કોઈ બીજાને શોધી લે જે અને છેલ્લી વાત મારો નંબર ડીલીટ કરી દેજે અને ચિઠ્ઠી વાંચીને કૉલ કરવાની કોશિશ ના કરતી”

    સિયા રડવા લાગી. એક જ ભૂલને કારણે તેણે અખિલને પોતાનાથી દૂર કરી દીધો હતો. લાગણીઓમાં વહીને સિયાએ અખિલનાં ના કહેવા છતાં કેટલાય કૉલ કર્યા પણ તેનો ફોન બંધ આવતો હતો. અખિલે સિયાને બ્લૉક કરી દીધી હતી.

    સિયા ક્લિનિકે ના ગઈ. પૂરો દિવસ દરવાજે એ આશા એ મીટ માંડીને બેસી રહી કે અખીલ આવશે અને તેની સાથે વાતો કરશે. સાંજ થઈ તો પણ ન તો અખિલ આવ્યો, ન તો તેનો મૅસેજ કે કૉલ.

     રાત્રે સિયા અગાસી પર આવીને બેઠી. અખિલનાં સ્ટડી રૂમની લાઈટો શરૂ હતી છતાં અખિલ એકવાર પણ બાલ્કનીમાં નહોતો આવ્યો, અરે એણે બાલ્કનીમાં પણ પડદો આડો કરી દીધો હતો. સિયા મોડી રાત સુધી અખિલની રાહ જોતી રહી પણ અખિલ બહાર ન આવ્યો. સિયા અખિલનો ચહેરો જોવા તરસી રહી અને તેની તરસ એમ છીપાવાની નહોતી.

  પાંચ દિવસો એમ જ પસાર થઈ ગયા. સિયા માટે એક ક્ષણ કલાકની જેમ પસાર થઈ રહી હતી. બે વર્ષ પહેલાં તેણે જે દર્દ અનુભવ્યો હતો આજે એ જ દર્દ સિયા મહેસુસ કરી રહી હતી.સિયા તૂટી ગઈ હતી, તૂટેલાં કાચના ટુકડાઓની જેમ વિખેરાય ગઈ હતી.

    જિંદગી ક્યાં મુકામે વળાંક લે છે એ વ્યક્તિ જાણી નથી શકતો. મંજિલ સામે જ દેખાતી હોય છે ત્યાં એક વળાંક આવે છે અને મંજિલ દૂર થતી જાય છે. ઘણાં લોકો આવી ઘટનાંને નસીબનો ખેલ કહે છે તો ઘણાં લોકો ભવિષ્યમાં સારું થશે એમ વિચારી એ ઘટનાને સ્વીકારીને આગળ વધી જાય છે.

  સિયા અટકી ગઈ હતી, એક જગ્યાએ સિયા બે વર્ષ સુધી અટકેલી રહી હતી. એણે ત્યાંથી આગળ વધવાની કોશિશ કરી તો ફરીને એ જ જગ્યા પર આવીને અટકી ગઈ.

‘શું કરતો હશે અખિલ, તેને મળવા જાઉં ઘરે ?’ મોડી રાત્રે સિયા મનોમંથન કરતી હતી.

‘ના, એ ફરી ગલત સમજશે, ગુસ્સો શાંત થશે ત્યારે આવશે’ સિયાએ પોતાનાં મનને મનાવી લીધું.

  આમ પણ ત્રણ દિવસ પછી સિયાનો જન્મદિવસ હતો.અખિલ ત્યારે તો એની સાથે વાત કરશે જ એવી આશાએ સિયા દિવસો ટૂંકા કરતી હતી.

( ક્રમશઃ )

Rate & Review

Rojmala Yagnik

Rojmala Yagnik 3 months ago

Nilesh Ajani

Nilesh Ajani 9 months ago

nisha prajapati

nisha prajapati 12 months ago

Deboshree Majumdar
Neha

Neha 1 year ago