Pranaybhang - 5 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 5

પ્રણયભંગ ભાગ – 5

લેખક - મેર મેહુલ

“આજે તો ટોટલી બોર થઈ છું” સિયાએ અણગમો વ્યક્ત કર્યો, “તું બિલિવ નહિ કરે, પુરા દિવસમાં એક પણ પેશન્ટ નથી આવ્યો”

પૂનમનો ચાંદ આસમાનમાં સોળે કળાએ ખીલ્યો હતો. આકાશ એકદમ સ્વચ્છ હતું એટલે ટમટમતા તારલા જોઈ શકાતા હતાં. દિવસ દરમિયાન ગરમ પવન ફૂંકાયા બાદ અત્યારે ઠંડો પવન શરીરમાં તાજગી આપી રહ્યો હતો.

જમવાનું પતાવી સિયા તેનાં ઘરની અગાસી પર પાળીએ ટેકો આપી નીચે બેઠી હતી. અખિલ તેની સામે પલાંઠી વાળીને ટટ્ટાર બેઠો હતો. તેનાં હાથમાં સળગતી સિગરેટ હતી. તેણે સિગરેટનો ઊંડો કશ ખેંચીને સિગરેટ સિયાનાં હાથમાં આપી.

“મારે પણ એવું જ છે, આજે એકપણ ફાઇલ નથી થઈ” હવામાં ધુમાડા છોડતાં સાથે અખિલે કહ્યું.

“તું ક્યાં જૉબ કરે છે ?” સિયાએ કશ ખેંચીને પૂછ્યું.

“એક્સિસ બેન્ક, ટ્રેક્ટર લૉન ડિપાર્ટમેન્ટમાં. દિવસ દરમિયાન બધા શૉ-રૂમની વિઝિટ કરવાની હોય છે, જો કોઈ એક્સિસ બેન્કમાં લૉન લેવાં ઇચ્છતું હોય તો તેની ફાઇલ બનાવવાની હોય છે. મહિનામાં સાત-આઠ ફાઇલ થાય બાકી આરામ” અખિલે કહ્યું.

“તું GPSCની તૈયારી કરે છે તો જોબ છોડી કેમ નથી દેતો ?” સિયાએ પુછ્યું.

“હું મમ્મી-પપ્પા પર બોજો બનવા નથી માંગતો”

“એ તો સારી વાત છે પણ એકવાર GPSC ક્લિયર કરીશ તો તારે આ બધી ચિંતા કરવાની જરૂર નહી પડે અને એ માટે તારે વાંચવામાં વધુ ધ્યાન આપવું જોઈએ”

“એ બધી કહેવાની વાત છે સિયા, જ્યારે વૉલેટ ખાલી હોય ત્યારે કેવી લાગણી થાય એ તું નહિ સમજી શકે” અખિલે ઉદાસ થતાં કહ્યું. મજબૂરી માણસને ન કરવાનું પણ કરાવે છે, અખિલ તો ઈચ્છા અનુસાર કામ કરી રહ્યો હતો.

“સૉરી બાબા, હું જ ગાંડી છું. આ સમયે મારે આવો ટોપિક નહોતો લાવવાનો” સિયાએ કાન પકડ્યા.

“કંટાળો આવે છે કંઈક મજા આવે એવી વાતો કરીએ ?” અખિલે કહ્યું.

“તને સોંગ પસંદ છે ?” સિયાએ મોબાઈલ હાથમાં લેતાં પૂછ્યું.

“અરિજિતસિંહનાં શાંત સોંગ” અખિલે કહ્યું.

“મને પણ” કહેતાં સિયાએ પ્લેલિસ્ટમાં ટ્રેક શરૂ કર્યો. સોંગનું વોલ્યુમ માપસરનું રાખી મોબાઈલ થોડે દુર રાખી દીધો. બેગ્રાઉન્ડમાં સોંગ શરૂ થયા એટલે વાતવરણ બદલાયું.

“કોઈ ગર્લફ્રેંડ હતી કે નહી ભૂતકાળમાં ?” સિયાએ વાતોનો દોર શરૂ કર્યો.

“હું પહેલેથી જ શરમાળ સ્વભાવનો છું, જેને હું પસંદ કરતો હોઉં એ સામે આવે એટલે શું કરવું એ જ મને નથી સમજાતું એટલે આજ સુધી કોઈને પ્રપોઝ નથી કર્યો” અખિલે કહ્યું.

“અરે પાગલ એને તો પ્રેમ કહેવાય” સિયાએ હસીને કહ્યું, “પ્રેમ થયો એનાં કોઈ ચોક્કસ પુરાવા નથી હોતાં, જ્યારે સામેનું પાત્ર પોતાનાથી વધુ મહત્વનું લાગે એટલે પ્રેમ થઈ ગયો એવું સમજી લેવું”

“તું અનુભવી ખેલાડી લાગે છે” અખિલે હસીને કહ્યું.

“કૉલેજના સમયમાં એક છોકરાં સાથે પ્રેમ થયો હતો પણ તેને મારી કરતાં તેનું કરિયર વધુ મહત્વનું લાગ્યું એટલે અમારી વાત લગ્ન સુધી ના પહોંચી શકી” સિયાએ કહ્યું.

“એ જ પ્રોબ્લેમ થાય, કરિયર અને પ્રેમની વચ્ચે જ્યારે એક વિકલ્પ પસંદ કરવાનો સમય આવે ત્યારે આપણે ગમે તે વિકલ્પ પસંદ કરીએ, અંતે તો પછતાવાનો વારો આવે છે”

“એ તો છે. આ બંને તત્વ લાઈફમાં એક જ ઉંમરે આવે છે. જો તારી જેમ બધાંનું વિઝન ક્લિયર હોય તો પછતાવો ન થાય”

“હું બાળપણથી જ એવા માહોલ વચ્ચે રહ્યો છું એટલે હું નિર્ણય કરવામાં દ્વિધામાં નથી રહેતો” અખિલે કહ્યું.

“તારા મમ્મી-પપ્પા શું કરે છે ?” સિયાએ પૂછ્યું.

“બંને ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે. થોડાં વર્ષોમાં એ લોકો રિટાયર્ડ થઈ જશે. એ લોકો રિટાયર્ડ થાય એ પહેલાં હું ગવર્મેન્ટમાં સર્વિસ કરું એવી બંનેની ઈચ્છા છે”

“લગ્ન વિશે શું ખ્યાલ છે ?” સિયાએ પૂછ્યું, “ઉંમર નિકળતી જાય છે હવે”

“મામલદાર બન્યા પછી જ લગ્ન કરવાનો વિચાર છે. મારાં ઘણાં દોસ્તો તૈયારી કરતાં કરતાં લગ્ન કરી લીધાં હતાં અને હવે તેઓની તૈયારી અધૂરી રહી ગઈ છે” અખિલે કહ્યું.

“મારાં વિશે તો બધું પુછી લીધું, હવે તારાં વિશે પણ જણાવ મને” અખિલે કહ્યું.

“શું જાણવું છે તારે મારાં વિશે ?” સિયાએ નેણ ઊંચા કરીને પુછ્યું.

“તારી લાઈફ વિશે” અખિલે કહ્યું.

“મારી લાઈફ તો સીધી છે. દિવસભર ક્લિનિકે હોઉં છું અને ઘરે આવીને પુસ્તકો વાંચું, ટી.વી. જોઉં, સુરતમાં કંટાળો આવતો તો બહાર ફરવા જતી રહેતી, મૂવીઝ, શોપિંગ, ટ્રાવેલિંગ..બસ આમાં જ લાઈફ આગળ વધી રહી છે”

“એકલાં એકલાં આ બધું કરવું કેમ ગમે તને?, ના તો કોઈ ફ્રેન્ડ, ના તો પરિવાર”

“તું છે ને મારો ફ્રેન્ડ, આવજે મારાં બેગ ઉઠાવવા” કહેતાં સિયા હસવા લાગી.

“મારે એક્ઝામનું ટેંશન છે નહીંતર જરૂર આવેત” અખિલે અચકાતાં અચકાતાં કહ્યું.

“અરે હું તો મજાક કરતી હતી” સિયાએ કહ્યું, “તું તો સિરિયસ થઈ ગયો”

“એવું નથી, ક્યારેક માઈન્ડ ફ્રેશ કરવા આપણે બહાર જશું પણ હું તારી બેગો નહિ ઉઠાવું” અખિલે હસતાં હસતાં કહ્યું.

સિયા પણ હસી પડી.

“તમને એ બધાં કામ કરવામાં શરમ આવે નહિ, અમારી પાસેથી તો બધા કામ કરાવો છો તો તમારે પણ અમારાં કામ કરવા જોઈએ”

“ઓ હેલ્લો, પુરુષ માત્ર બહાર જ સિંહ બનીને ફરતો હોય છે બાકી આખી દુનિયા જાણે છે સ્ત્રી સામે તેનું કશું નથી ચાલતું”

“અચ્છા એવું” સિયાએ લાંબો લહેકો લીધો.

“અનુભવ ના હોય એનો મતલબ એવો નથી કે કશું ખબર ના હોય”

“હા હવે, તું ચાલાક છે એ વાત મને ખબર છે” સિયાએ અખિલનાં હાથે ટપલી મારી. સિયાનો આ પહેલો સ્પર્શ હતો. અખિલનાં શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો. અખિલે પોતાનાં પર કંટ્રોલ કરી વાત બદલવાની કોશિશ કરી.

“આપણી ટ્રીટ હજી બાકી છે” અખિલે કહ્યું.

“હા તો તારે જ આપવાની છે, જલ્દી મારાં માટે આઈસ્ક્રીમ લઈ આવ”

“ઓ..હેલ્લો…તે ચિટિંગ કરી હતી તો હું જીત્યો કહેવાય અને એ હિસાબથી તારે મને ટ્રીટ આપવાની છે”,

“મેં પહેલાં પણ કહ્યું હતું એ ચિટિંગ નહોતી. આપણી બંને વચ્ચે જીતવાની જંગ ચાલી રહી હતી અને તને તો ખબર જ છે પ્રેમ અને જંગમાં બધું….” સિયાએ વાક્ય અધૂરું છોડી દીધું.

“યાદ રાખજે આ વાક્ય” અખિલે કહ્યું, “એક સમયે તને આ જ વાક્ય હું કહીશ”

“હું એક પેજમાં લખીને લેમીનેશન કરાવી લઈશ પણ તું અત્યારે મને આઈસ્ક્રીમ લઈ આપ”

“કયો ફ્લેવર પસંદ છે?” અખિલે પગ છુટા કરીને ઉભા થવાની તૈયારી બતાવી.

“વેનીલા જ હોયને” સિયાએ કહ્યું.

“સારું, હું લઈને આવું” કહેતા અખિલ ઊભો થઇ દાદર ઉતરવા લાગ્યો. એ હજી ગેટની બહાર પહોંચ્યો ત્યાં સિયાએ અવાજ આપી તેને રોક્યો. સિયા નીચે આવીને અખિલ સાથે ચાલવા લાગી.

“ત્યાં એકલી બેસીને હું શું કરીશ?, આપણે ચાલીને જઈએ, એ બહાને વૉક પણ થઈ જશે” સિયાએ કહ્યું.

“તારી સાથે આવું તો કોઈ પ્રોબ્લેમ નથીને ?” સિયાએ પાછળથી ઉમેર્યું.

“મને શું પ્રૉબ્લેમ હોય” અખિલે કહ્યું, “તું સાથે આવીશ તો મજા આવશે”

બંને સ્ટેશન ચાર રસ્તા પાસે આવ્યાં. આઈસ્ક્રીમ કોર્નર પર ભીડ હતી. લોકો ટેબલ પર બેસવા માટે લાઈનમાં ઉભા હતાં.

“આઈસ્ક્રીમ લઈને બીજે જતાં રહીએ” સિયાએ કહ્યું.

“એ જ કરવું પડશે, ટેબલ મળવાની આશાએ બે વાગશે અહીં”

અખિલ આઈસ્ક્રીમનું મોટું પેકેટ લઈ આવ્યો, તેની સાથે એક પાણીની બોટલ અને એક સિગરેટનું પેકેટ હતું.

“બ્રિજ પર બેસીએ” સિયાએ કહ્યું, “ત્યાંથી મસ્ત નજારો દેખાશે”

“તું કહે તો પેલી બિલ્ડીંગની છત પર જઈને બેસીએ” અખિલે સામેની પાંચ માળની બિલ્ડીંગ તરફ આંગળી ચીંધીને કહ્યું.

“બ્રિજ સુધી આવે એમાં બધું આવી ગયું” સિયાએ હસીને કહ્યું.

બંને ચાલતાં ચાલતાં બ્રિજ પર ચડ્યાં. બ્રિજની પાળી પાસે ઘણાબધાં લોકો હતાં. કેટલાક લોકો એક્ટિવા સ્ટેન્ડ કરી, તેનાં પર બેસીને સિગરેટ ફૂંકી રહ્યા હતા તો કેટલાક પાળી પર કોણી ટેકવીને વાહનોની ગતિવિધિ જોઈ રહ્યું હતું.

સિયા અને અખિલ એક જગ્યા શોધીને ઊભાં રહી ગયાં. સિયા પાળી તરફ મોં રાખીને ઉભી હતી અને અખિલ પાળીએ ટેકો રાખી સિયાની સામે ઉભો હતો.

“તું મને પસંદ કરવા લાગ્યો છે ?” સિયાએ ગંભીર અવાજે પૂછ્યું. વાતાવરણ બદલાતાં સિયાનો મૂડ અચાનક જ બદલી ગયો હતો. સિયાએ આ પ્રશ્ન ખૂબ વિચારીને કર્યો હતો. અખિલને અજીબ લાગશે એ વાત સિયા જાણતી હતી પણ અચાનક બદલાયેલાં મૂડને વશ થઈ તેણે આ પ્રશ્ન કરવાનું પહેલેથી નક્કી કરી લીધું હતું.

( ક્રમશઃ )