Pranaybhang - 8 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 8

પ્રણયભંગ ભાગ – 8

લેખક - મેર મેહુલ

સિયા અને અખિલની આંખો ફરી એક થઈ હતી. સિયા આંખોથી શરારત કરતી હતી.

“શું દેખાય છે મારી આંખોમાં” સિયાએ નેણ નચાવીને પૂછ્યું.

“તું સ્વભાવે ચંચળ છે, તારી આંખોમાં શરારત છે, કોઇને પણ ડૂબવાનું મન મન થઇ જાય એટલી મૃદુ અને નિખાલસ છે તારી આંખો” અખિલે કહ્યું, “તું પણ દ્વિધામાં જણાય છે. હું વિધવા છું તો કેવી રીતે એક કુંવારા છોકરાને પસંદ કરું એમ વિચારી તું પોતાની જાતને અટકાવે છે પણ તારી આંખો બધું બોલે છે”,

“બંધ થા તું અને ચુપચાપ જમી લે” સિયાએ ફરી અખિલનાં માથે ટપલી મારી.

“તું વારંવાર માથાં પર મારીશ તો મારાં માથામાં ઢીમચુ થઈ જવાનું છે”

“એ તો આદત છે મારી” કહેતાં ફરી એકવાર અખિલનાં માથે ટપલી પડી.

જમવાનું પતાવી બંને અગાસી પર ગયાં. અખિલને ચાલવામાં તકલિફ થતી હતી એટલે સિયાએ તેને સહારો આપ્યો. છેલ્લા ત્રણ દિવસથી બંને રાત્રે અગાસી પર બેસતાં હતાં. એ ત્રણેય દિવસમાં બંનેની બેસવાની પોઝિશન જુદી હતી. પહેલા દિવસે અખિલ અને સિયા વચ્ચે એક બે ફૂટનું અંતર હતું, બીજા દિવસે બંને વચ્ચે એક ફૂટનું અંતર હતું અને આજે સિયા અખિલની સાવ નજીક બેઠી હતી.

“સિગરેટ ?” સિયાએ પૂછ્યું.

અખિલે પોકેટમાંથી સિગરેટનું પેકેટ લઈ સિયાને આપ્યું. સિયાએ તેમાંથી એક સિગરેટ સળગાવી.

“મારે હજી તારો આભાર માનવાનો બાકી જ છે નહીં” અખિલે હળવું હસતાં કહ્યું.

“એ તો તારી સાથે દોસ્તી કરવાનું માત્ર એક બહાનું હતું” સિયાએ આંખ મારીને કહ્યું.

“એ તો મને ખબર જ હતી”

“તું પહેલાં દિવસે અચાનક અંદર કેમ ચાલ્યો ગયો હતો ?” સિયાએ પૂછ્યું.

“સાચું કહું તો પહેલીવાર મેં તને જોઈ ત્યારે મારું મગજ સુન્ન પડી ગયું હતું. તારા જેવી સુંદર યુવતી મેં લાઈફમાં નથી જોઈ અને ઉપરથી વિજયના મોઢે તારી ખુબસુરતીનાં વખાણ સાંભળીને આવ્યો હતો એટલે તેની અસર હતી. તને જોઈને શું થયું ખબર નહિ, હું સાન ભૂલી ગયો”

“પણ તું તો મારી આંખોમાં જ અટક્યો હતો” સિયાએ કહ્યું.

“એ તો હું બાલ્કનીમાં ઉભો હતો ત્યારે” અખિલે હસીને કહ્યું, “તું જ્યારે કંઈક વાંચતી હતી ત્યારે હું પડદા પાછળ છુપાઈને તને જોતો હતો”

“નાલાયક” સિયાએ અખિલનાં કાન પકડ્યા, “તું મને છુપાઈને જોતો હતો”

“આઉચ…દુઃખે છે”

”કેમ છુપાઈને જોતો હતો, સામે ઊભા રહીને જોવામાં ડર લાગતો હતો”

“ચલ ચલ, તારાથી કોણ ડરે?”અખિલે કાનની પકડ દૂર કરાવતાં કહ્યું.

“ડરપોક જ છે તું” સિયાએ કહ્યું.

“તું કોઈનાથી નથી ડરતી ?” અખિલે પૂછ્યું.

“ગરોળીને બાદ કરતાં કોઈનાથી નથી ડરતી”

“જો સામે ગરોળી” અખિલે જોરથી કહ્યું.

“હાહા, તારી આ ડરાવવાની ચાલ કામયાબ નહિ થાય” સિયાએ હસીને કહ્યું.

“અરે સાચે છે” અખિલે કહ્યું, “ના હોય તો મને મારજે બસ”

“સાચે” સિયા ટટ્ટાર થઈ ગઈ.

“હા” અખિલે કહ્યું.

સિયાએ પાછળ ફરીને જોયું.ત્યાં કંઈ નહોતું.

“હરામી…ડરાવે છે મને” સિયાએ અખિલને મારવા હાથ ઉગાર્યો, અખિલે ડાબા હાથે તેનો એક હાથ પકડી લીધો અને હસવા લાગ્યો. સિયાએ બીજા હાથથી અખિલનાં ખભે જોરથી મુક્કો માર્યો. પછી એ પણ હસવા લાગી.

“તું આટલી સરસ રીતે છોકરીઓને ટ્રીટ કરે છે તો કેમ તારાથી કોઈ પટતી નથી” સિયાએ પુછ્યું.

“કોઈ છોકરીઓ સાથે વાતો જ નથી કરતો” અખિલે કહ્યું, “બલા દૂર જ ભલી”

“શું કહ્યું તે ?” કહેતાં સિયાએ ફરી અખિલનાં ખભે મુક્કો માર્યો, “અમે બલા લાગીએ છીએ તને”

“અરે મેં તને ક્યાં કહ્યું ?” અખિલ મૂછમાં હસ્યો, “તું તો એની સરદાર છે”

અખિલ ફરી હસવા લાગ્યો.

“તું આજે બોવ પિટાવાનો છે” કહેતાં સિયાએ અખિલનાં ખભે ત્રણ-ચાર મુક્કા મારી દીધાં.

“એ બધી વાત છોડ, તું કંઈ વાતમાં ઉદાસ થઈ જાય છે એ કહે મને” અખિલે પુછ્યું, “આપણે તેનું સોલ્યુશન લાવવાની કોશિશ કરીશું”

“છોડને એ વાત, અત્યારે મારો મૂડ સારો છે અને મારે એવી વાતો નથી કરવી”

“અરે….” અખિલે કહ્યું, “મને એ વાત ખબર હોય તો આગળ એવી સિચુએશન આવે તો હું હેન્ડલ કરી શકું”

સિયાએ અદબ વાળી, અખિલની સામે જોયું અને કહ્યું, “જ્યારે હું એકલી હોઉં છું ત્યારે પોતાની લાઈફ વિશે વિચારું છું. ભગવાને મને બધું આપ્યું બસ કોઈના પ્રેમ માટે તરસાવી છે. લગ્ન પછી પણ શેખર મારી જોડે નહોતો, છ મહિના પછી એ મને તેની સાથે લઈ જવાનો હતો અને એ પહેલાં….” સિયા અટકી, તેનો અવાજ ધીમો પડી ગયો હતો, “ક્યારેક વિચાર આવે છે જો ભગવાન એકવાર એક્સચેન્જની ઑફર આપે તો આ બધું આપીને એક વ્યક્તિને માંગી લેવો છે, જેની સાથે હું બાકી રહેલી જિંદગી વિતાવવા માંગીશ”

અખિલ સિયાની વાતો ધ્યાન આપીને સાંભળી રહ્યો હતો. તેણે મૌન રહેવાનું જ પસંદ કર્યું.

“મારી ભૂલ શું હતી ?” સિયાનો અવાજ ભીનો થઈ ગયો, “મેં આજદિન સુધી કોઈને તરછોડ્યા નથી, કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું તો ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું ?”

અખિલ હજી ચૂપ હતો.

“બોલને, કેમ ચૂપ થઈ ગયો ?” સિયા ગળગળા અવાજે પુછ્યું. અખિલ હજી મૌન જ હતો.

“તું એક વાતો કરવાવાળો મળ્યો છે ત્યારે હવે તું પણ મુંગો બેસી રહે” કહેતાં સિયા રડવા લાગી.

અખિલે સિયાનું માથું પોતાનાં ખભે ટેકવી દીધું.

“રડી લે, ઘણાં દિવસથી તારે કોઈના ખભાની જરૂર હતી” અખિલે સિયાનાં માથે હાથ પસવારતાં કહ્યું. સિયા ખુલ્લાં દિલે રડી રહી હતી. અખિલ મૌન રહીને તેને સાંત્વના આપતો હતો.

થોડીવાર પછી સિયા જાતે જ શાંત થઈ.

‘સૉરી..’ કહેતાં એ અખિલથી દૂર થઈ, “તને પહેલાં કહ્યું હતું મારે એ વિશે વાત નથી કરવી”

“પણ હું ઇચ્છતો હતો” અખિલે કહ્યું, “જે દિવસથી તને મળ્યો છું, તું ચહેરા પર મુખોટુ પહેરીને ખુશ થવાનું નાટક કરે છે. મારે એ મુખોટાં પાછળનો અસલી ચહેરો જોવો હતો અને અત્યારે એ ચહેરો હું જોઈ શકું છું, હાય…,કેટલો ખુબસુરત છે”

“પાગલ” સિયા હસી, રડ્યા પછીનું સ્મિત અદભુત હોય છે, “તું સાવ પાગલ છે”

“એ તો હું છું જ” અખિલે કહ્યું, “તને આજે ખબર પડી ?”

“થેન્ક્સ” સિયાએ કહ્યું, “મારું મન હળવું થઈ ગયું”

“બધી વાતમાં શબ્દોથી જ આભાર વ્યક્ત કરવી જરૂરી નથી” અખિલે સિયાએ કહેલાં શબ્દો દોહરાવ્યાં, “તે પણ કોઈ સ્વાર્થ વિના મારી સારવાર કરી હતીને!’

“મારો ડાયલોગ મારાં પર જ ?” સિયાએ બંને હાથ કમરે રાખી કહ્યું.

“હવે આ વાતમાં પણ ના મારતી” અખિલે સિયાનો એક હાથ પકડી લીધો.

“તે આજે મને રડાવી એ માટે” કહેતાં સિયાએ અખિલનાં ખભે ફરી એક મુક્કો માર્યો.

“તું મને મારે છે ને, યાદ રાખજે કંઈ થયું તો તારી પાસે જ સારવાર કરાવવા આવવાનો છું” અખિલે ખભો ચોળતાં કહ્યું.

“બિન્દાસ આવી જજે” સિયાએ કહ્યું, “જે ભાગે લાગ્યું જશે ત્યાં સારવાર કરી આપીશ અને આગળ જતાં જે ભાગે હું મારવાની છું એ ભાગે નિશાન પણ કરી આપીશ જેથી તારે ડિફેન્સ કરવું હોય તો સરળ રહે”

“એકવાર આ હાથ સાજો થઈ જવા દે, પછી ગણીગણીને બદલો લઈશ હું” અખિલે નકલી ગુસ્સો કરતાં દાંત ભીસ્યાં.

“હાય..હાય…” સિયાએ બંને હાથ પોતાનાં ગાલ પર રાખ્યાં, “એક ઔરત પર હાથ ઉઠાવતાં તને શરમ નહિ આવે?”

“બીજી કોઈની તો ખબર નથી પણ તને મારવામાં મજા આવશે મને” કહેતાં અખિલ હસવા લાગ્યો.

“આજે ઊંઘ નથી આવતી તને?” સિયાએ પુછ્યું.

“સાંજે ચાર કલાક સૂતા પછી હવે ક્યાંથી ઊંઘ આવવાની છે” અખિલે કહ્યું, “તને ઊંઘ આવતી હોય તો હું નીકળું”

“ના હવે, હું તો એમ જ પુછતી હતી” સિયાએ કહ્યું.

“તને ઊંઘ ના આવતી હોય તો આપણે કોઈ નવા ટોપિક પર વાત કરીએ” અખિલે કહ્યું.

“ક્યાં ટોપિક પર વાત કરવી છે તારે ?”

“એ તો બંનેએ વિચારવાનું છે”

“લેટ મી થીંક” સિયાએ આકાશ તરફ નજર કરી, “મને એક સવાલનો જવાબ આપ તું”

“ક્યાં સવાલનો” અખિલે પણ આકાશમાં જોવાનું નાટક કર્યું.

“ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ વિશે શું ખ્યાલ છે તારો?” સિયાએ પુછ્યું.

( ક્રમશઃ )