Pranaybhang - 2 books and stories free download online pdf in Gujarati

પ્રણયભંગ ભાગ – 2

પ્રણયભંગ ભાગ – 2

લેખક - મેર મેહુલ

વાંચવામાં બ્રેક લઈ, ફ્રેશ થવા અખિલ બાલ્કનીમાં આવ્યો હતો. એ આળસ મરડતો હતો ત્યારે તેની નજર સામેની બાલ્કનીમાં ગઈ. ત્યાં બેસેલી યુવતી અખિલની હરકતોનું નિરક્ષણ કરી રહી હતી. અખિલ અને તેની નજર મળી. અખિલ તેને જોતો જ રહી ગયો. પોતાની લાઈફમાં તેણે કોઈ દિવસ આવી યુવતી નહોતી જોઈ. અપ્સરા પણ જેની સામે પાણી કમ લાગે એવી એ યુવતીમાં ગજબનું આકર્ષણ હતુ. એની આંખો અખિલનાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. તેની આંખોમાં સાત મહાસાગર સમાયેલાં હતાં. એ આંખો અખિલને સાગરમાં ડૂબવા આમંત્રણ આપી રહી હતી અને અખિલ એ સાગરમાં ધીમે ધીમે ડૂબી રહ્યો હતો.

એ કથ્થાઈ રંગની આંખોમાં ઘણાં રહસ્યો દફન હતા, અખિલની નજર એક પળ માટે પણ તેનાં પરથી હટતી નહોતી. સામે એ યુવતી પણ જાણે આંખો ન હટાવવાની જીદ પકડીને બેઠી હતી એમ અખિલની આંખોમાં જોઈ રહી હતી.

અખિલ ભાનમાં આવ્યો એટલે તેણે હળવું સ્મિત કર્યું, સામે કોઈ પ્રતિક્રિયા મળે એ પહેલાં અખિલ રૂમમાં ઘુસી ગયો અને પડદો આડો કરી દીધો.

અખિલ સાથે આવું કોઈ દિવસ નહોતું થયું. હાલ એ શું મહેસુસ કરી રહ્યો હતો એ પોતે જ નહોતો સમજી શકતો. તેની શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક બમણી થઈ ગઈ હતી. અખિલની નજર સામે એ આંખો જ ઘૂમી રહી હતી.

અખિલને ફરીવાર યુવતીને જોવાની ઈચ્છા થઈ પણ એ બાલ્કનીમાં જતાં ડરતો હતો. તેણે પડદાની તિરાડમાંથી નજર કરી. યુવતી વાંચવામાં મગ્ન હતી. અખિલે તેનાં ચહેરા પર નજર કરી. જુકેલી એ આંખો પર તિક્ષ્ણ હથિયાર જેવો આઈબ્રો હતો. કપાળની મધ્યમાં લીલી બિંદી હતી. વાળને રીબીન વડે બાંધેલા હતાં. યુવતીએ પિંક પજામા પર પ્લૅન બ્લ્યુ લુઝ ટી-શર્ટ પહેર્યું હતું. તેનાં જમણા હાથમાં એક ટેટુ હતું પણ એ ટેટુ શેનું છે એ અખિલ જોઈ શકતો નહોતો.

યુવતીએ ફરી નજર ઊંચી કરી અને અખિલની બાલ્કની તરફ જોયું. અહીં અખિલનાં હોશ ઉડી ગયાં હતાં. યુવતી અખિલને જોઈ જશે એ ડરથી એ ત્યાંથી ખસી ગયો.

થોડીવાર પછી ફરી અખિલ પડદામાંથી યુવતીને જોવા લાગ્યો. હવે અખિલને ખ્યાલ આવ્યો કે એ યુવતી તેને જોઈ શકતી નહોતી.વારંવાર એ યુવતી મલકાઈને નજર ઊંચી કરી અખિલની બાલ્કનીમાં જોઈ રહી હતી.

અડધી કલાક સુધી અખિલ એ યુવતીને નિહાળતો રહ્યો.જ્યારે એ યુવતી ઉભી થઈને અંદર જતી રહી ત્યારે અખિલને ભાન થયું કે તેને લાંબો બ્રેક લઈ લીધો છે.

અખિલ પોતાની ખુરશી પર બેસીને વાંચવા લાગ્યો પણ વાંચવામાં તેનું ધ્યાન પરોવાતું નહોતું. ફરી ફરીને એ જ યુવતીનો મલકાતો ચહેરો અખિલની સામે આવતો હતો.

આવું અખિલ સાથે પહેલા કોઈ દિવસ નહોતું બન્યું. એ એકવાર વાંચવા બેસતો એટલે કલાકો સુધી મૂર્તિની જેમ બેસી રહેતો. ઘણીવાર તો રાત્રે જમવા માટે વિજયનો ફોન આવતો ત્યારે એને સમયનું ભાન થતું એટલી હદ સુધી એ વાંચવામાં મગ્ન થઈ જતો.

આજે વારંવાર અખિલ બાલ્કનીના પડદામાંથી એ યુવતીને જોવા ઉભો થતો હતો પણ રાત સુધી એ યુવતી બાલ્કનીમાં ન આવી. જમવાનો સમય થતાં બધી બુક્સ વ્યવસ્થિત રીતે ગોઠવીને અખિલ જમવા ચાલ્યો ગયો.

*

સિયા માટે તો આ ઘટના સામાન્ય હતી. એ તો સામેનાં ઘરમાં કોણ કોણ રહે છે એ જાણવાની જિજ્ઞાસાએ બાલ્કનીમાં જોઈ રહી હતી. જ્યારે અખિલને જોયો ત્યારે સિયાએ પણ કંઈક મહેસુસ કર્યું હતું.તેણે બે સેકેન્ડમાં અખિલને ચૅક-આઉટ કરી લીધો હતો. અખિલ ત્યારે બ્લેક બોક્સરમાં હતો, તેણે યેલ્લો ટીશર્ટ પહેર્યું હતું.સિયા અખિલનાં ખડતલ શરીરનું નિરક્ષણ કરતી હતી. જ્યારે સિયા નિરીક્ષણ કરતી કરતી અખિલની આંખો સુધી પહોંચી ત્યારે તેને માલુમ થયું કે અખિલ અપલક નજરે પોતાની આંખોમાં જોઈ રહ્યો છે.

સિયાએ પણ તેની આંખોમાં નજર અટકાવી. અખિલની આંખો અજંપાથી અંજાઈ ગઈ હતી. સિયાને જોઈને ઘણાબધાં પાગલ થઈ ગયા હતાં, તો એક વધુ છોકરો પાગલ થાય એનાંથી સિયાને કંઈ નવાઈ જેવું નહોતું લાગતું.

અજુગતી વાત એ જ હતી કે બીજા કોઈ સિયાનાં શરીર પર નજર કરતાં અને અખિલ આંખોથી નીચે જતો જ નહોતો.

અખિલે સિયા સામે સ્મિત કર્યું એટલે સિયાએ પણ અખિલને હળવી સ્માઈલ આપી પણ અખિલ એ સ્માઈલ જોવા ત્યાં હાજર નહોતો. એ તો સ્મિત કરીને પોબોરા ગણી ગયો હતો. એ જોઈને સિયાને હસવું આવી ગયું.

અખિલ સિયાનું રૂપ જોઈ મોહી ગયો હતો એ સિયા જાણતી હતી. અખિલ બીજીવાર સિયાને જોવા માટે બાલ્કનીમાં આવશે એ પણ સિયા જાણતી હતી.

સિયાના મતે તેનું અનુમાન ખોટું પડ્યું હતું. સિયા વારંવાર બાલ્કનીમાં નજર કરતી હતી પણ તેને બાલ્કનીમાં કોઈ નજરે નહોતું ચડતું. રસોઈનો સમય થતાં સિયા રસોડામાં ચાલી ગઈ. જતાં જતાં પણ તેણે એકવાર સામેના ઘર તરફ નજર કરી પણ ત્યાં કોઈ નહોતું.

*

જમીને અખિલ અને વિજય પાનનાં ગલ્લે પહોંચ્યા. વિજય રાત્રે અખિલ સાથે સિગરેટ પીતો, બંને થોડીવાર બેસતાં પછી પોતાનાં ઘરે ચાલ્યાં જતાં.

“આજે પેલાં આંટીને મળવા ગયો હતો” વિજયે સિગરેટ સળગાવીને કહ્યું.

“ક્યાં આંટીને ?” અખિલ જાણીજોઈને અજાણ બન્યો.

“અરે મેં સાંજે વાત નહોતી કરી, તમારાં ઘરની સામે રહેવા આવ્યાં એ”

“ઓહહ!!!, મારાં મગજમાંથી એ વાત નીકળી ગઈ હતી, ક્યાં મળ્યો તું એને ?” અખિલ ખોટું બોલ્યો, હકીકતમાં એ વિજય પાસેથી સિયાની માહિતી મેળવવા ઇચ્છતો હતો.

“અહીં બાજુમાં માધવ કોમ્પલેક્ષ છે ને ત્યાં તેનું ક્લિનિક છે” વિજયે કહ્યું.

“ઓહહ તો એ ડોક્ટર છે”

“હા, હું દવા લેવાનાં બહાને ગયો હતો” વિજયે આંખ મારીને કહ્યું.

“બે....હરામી છો તું તો..” અખિલ હસવા લાગ્યો, “એને ખબર પડી ગઈ હશે”

“તો શું થયું, એનો આશિક તેને મળવા આવે છે એ વાતની તેને પણ જાણ થવી જોઈએને” વિજયે ફરી આંખ મારી.

“ઓહો…ચાર દિવસમાં તું એનો આશિક થઈ ગયો” અખિલ જોરથી હસવા લાગ્યો.

“અખિલભાઈ, આપણે આંટીઓના પહેલેથી જ દિવાના, છોકરીઓ જોડે મજા ના આવે”

“હાહા, તો કરો સેટિંગ બીજું શું” અખિલે સિગરેટનો છેલ્લો ભાગ સ્લીપર નીચે દબાવ્યો અને ઉભો થયો, “મારે તો વાંચવા જવું છે”

“ચાલો આજે હું તમને ઘરે છોડી જાઉં” ઉભા થતાં વિજયે કહ્યું.

“તારું ઘર તો બીજા બ્લોકમાં છેને ?” અખિલે પૂછ્યું.

“સમજો યાર અખિલભાઈ” વિજયે મલકાઈને કહ્યું, “નસીબ સારાં હશે તો આંટી જોવા મળશે”

“ચાલ તો બીજું શું” કહેતાં બંને અખિલનાં ઘર તરફ આગળ વધ્યાં.

સોસાયટીમાં પ્રવેશતાં વિજય આજુબાજુમાં છોકરીઓને જોવામાં મશગુલ થઈ ગયો. અહીં અખિલ પગના અંગૂઠા પર નજર અટકાવીને ચાલતો હતો. અખિલ જ્યારે પણ સોસાયટીમાંથી પસાર થતો ત્યારે એ નજર નીચે કરીને જ ચાલતો માટે સોસાયટીના લોકો પણ તેને એક સારો વ્યક્તિ સમજતાં.

“જુઓ અખિલભાઈ આંટી બાલ્કનીમાં છે” અખિલનું ઘર આવતાં વિજયે ઉછળીને કહ્યું.

“હા તો જોયા કર” અખિલ હજી મૂંડી નીચી કરીને જ ચાલતો હતો.

“એ આપણને જ જુએ છે અખિલભાઈ” વિજય વધુ ઉત્સાહમાં આવી ગયો.

“મને શું કહે છે એમાં, તું જોયા કરને” અખિલ ખિજાયો.

“બોલો અખિલભાઈ તમારે વાત કરવી છે આંટી જોડે ?” વિજય અખિલની ખેંચવાના મૂડમાં હતો.

“એ…” અખિલ ઝડપી ચાલવા લાગ્યો, “તારે જે કરવું હોય એ કર મને વચ્ચે ના લાવ”

“મજા આવશે અખિલભાઈ” વિજય પણ અખિલ પાછળ દોડ્યો.

અખિલ ઝડપથી ઘરમાં ઘૂસી ગયો.

“શું કરતો હતો તું ?” અખિલ ખિજાયો, “તને ખબર છે ને મને એવું પસંદ નથી”

“તમે સમજ્યા નહિ અખિલભાઈ, આંટી આપણને જોતાં હતાં.મારી આ હરકત જોઈ તેઓ ઈમ્પ્રેસ થયાં હશે”

“ખાખ ઈમ્પ્રેસ થાય, કોઈને આવી રીતે ઈમ્પ્રેસ કરાય ?”

“તો કેવી રીતે કરાય, તમે જ કહો”

“સામેનું પાત્ર આપણાં માટે કેટલું મહત્વનું છે એવો અહેસાસ તેને થાય તો ઈમ્પ્રેસ કરવાની જરૂર જ નથી રહેતી” અખિલે કહ્યું.

“તમે આવી વાતો કરો છો અખિલભાઈ” વિજય મોટેથી હસવા લાગ્યો.

“તું હવે ઘરે જા નહીંતર તું મારી જોડે સિગરેટ પીએ છે એ વાત આંટીને કહી દઈશ”

“જાઉં છું અખિલભાઈ” વિજયે મોં બગાડ્યું, “શું વાત વાતમાં ધમકી આપો છો”

વિજય તેનાં ઘર તરફ ચાલ્યો એટલે અખિલે સ્ટડી રૂમમાં જઈ વાંચવા બેસી ગયો. થોડીવાર પછી ફરી તેને પેલી યુવતીને જોવાની ઈચ્છા થઈ. અખિલ ઉભો થઇ પડદા પાછળ આવ્યો.

સિયા સાથળ સુધીના બ્લૅક શોર્ટ્સમાં હતી. ટીશર્ટ હજી પેલું બ્લ્યૂ જ હતું.તેનાં હાથમાં રીડિંગ લેમ્પ હતો અને ધ્યાન વાંચવામાં હતું. આ વખતે અખિલ દસ મિનિટ સુધી ઉભો રહ્યો પણ સિયાએ એકવાર પણ તેની બાલ્કની તરફ નજર ના કરી. છેલ્લે ઉદાસ થઈ અખિલ વાંચવા બેસી ગયો.

*

સિયા જમવાનું પતાવી ફરી બાલ્કનીમાં આવીને વાંચવા બેસી ગઈ હતી. તેને બાલ્કનીમાં બેસવું ગમતું, અહીંથી ખુલ્લું આસમાન દેખાતું, લોકોની અવરજવર જોઈ શકાતી અને ખાસ રાત્રી નજારો જોઈ શકાતો હતો.

સિયા વાંચવામાં મગ્ન હતી એ દરમિયાન તેનું ધ્યાન સામે ચાલ્યાં આવતાં અખિલ અને વિજય પર પડી હતી. સ્વભાવવશ સિયા તેઓનું નિરીક્ષણ કરી રહી હતી. વિજયે તેની સામે જોઈ સ્મિત કર્યું એટલે તેણે પણ વળતાં જવાબમાં સ્મિત કર્યું.

અખિલ તેને સામે જોતો નહોતો એ વાતનું તેને આશ્ચર્ય થયું. એ લોકો અંદર ગયાં ત્યાં સુધી તેણે બંનેનું નિરીક્ષણ કર્યું પણ અખિલે એકવાર પણ તેની સામે ના જોયું. સિયાને આ વાત અજીબ લાગી પણ તેણે એ વાતને બાજુમાં રાખી વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

(ક્રમશઃ)