Baani-Ek Shooter - 30 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 30

“બાની”- એક શૂટર

ભાગ : ૩૦


"સર..!! હું મારા તરફથી માહિતી આપવા સહયોગ કરી રહી છું. તમે ભળતી વાત મૂકી રહ્યાં છો. તપાસ કરવાનું કામ તમારું છે." બાનીને ડર ક્યાં હતો. એણે ઊંચા સ્વરમાં કહ્યું.

"અમારી ઈન્વેસ્ટિગેશન ચાલુ છે મેડમ. તમે સાચી રીતે સહયોગ આપશો." ઈન્સ્પેકટર જૈસવાલે કહ્યું.

એવા ઘણા બધા સવાલો આડા અવળા પૂછાયા. પરંતુ જયારે ઇન્સ્પેકટરે એવું કડવું કહ્યું ત્યારે બાનીના પગની ધરતી ખસી ગઈ, “તારી જ બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ...!! મિસ બાની. તમે પણ મિસ જાસ્મીન ખૂનમાં સામિલ હોઈ શકો...?!! અત્યારે અમે સબૂતની તલાશમાં છે. પણ મિસ બાની ધ્યાન રહે આ શહેરની બહાર તમે જઈ ના શકશો.”

પૂછતાછ બાદ ઇન્સ્પેકટર ગૌતમ જૈસવાલ અને સાથે કોન્સ્ટેબલ કૈલાશ ગાયકવાડ રૂમની બહાર જતાં જ હતા ત્યાં જ બાનીએ ઊંચે સાદે કહ્યું, " સર, જાસ્મિન મારી બેસ્ટ ફ્રેન્ડ જ ન હતી. એ મારા અંદર જ સમાયેલી હતી અને છે."

ઈન્સ્પેકટરે સાંભળ્યુ પણ ડોકું ધુણાવીને જતાં રહ્યાં.

પરંતુ આ બધું જ સાંભળીને બાનીના ડેડનું મસ્તક ભમવા લાગ્યું. એમણે તો જાણે બાનીનું કશું પડ્યું ન હોય તેવી રીતે સીધું જ કહેવાં માંડ્યું, “ બાની, મેં તને કેટલી વાર કહ્યું હતું કે એ બે ટક્કાની છોકરી સાથે તું ફ્રેન્ડશીપ ન રાખ. જો દિવસો કેવા આવ્યાં..!! એના ખૂન માટે પણ તને દોષી ગણી રહ્યાં છે...!!” બાનીના મોમ તો ફક્ત આ બધું જ જોઈને રડતાં જ રહ્યાં.

બાની પોતે આ બધું જ સાંભળીને શૂન્યમસ્ક થઈ ગઈ હતી. એને એવું લાગતું હતું કે જાણે એણે ઉલટી આવી રહી હોય. પેટના ઊંડાણથી એનો ઉભારો કાઢી નાંખવા મંથી રહી હોય તેમ એનો જીવ વિહવળ બની રહ્યો હતો. થોડી જ વારમાં બાનીના દાદી રૂમમાં આવી પહોંચ્યા અને બાનીના ડેડ એટલે કે પોતાના દીકરાને ત્યાંથી ભગાવી દીધો અને બાનીને એકલી મુકવા માટે કહ્યું.

થોડી સેકેંડો સુધી રૂમમાં શાંતિ છવાયેલી રહી. બાનીના દાદી બેડ પર બેસ્યા અને ઘણી આત્મીયતાથી બાનીના બરડા પર ધીમેથી હાથ ફેરવતાં રહ્યાં. ખૂબ જ શાંતિથી સમજદારીથી કહેવાં લાગ્યાં, “ બાની આ જ તો લાઈફ છે. પરિસ્થિતી જીવનમાં ઉપર નીચે ન થાય તો સંસાર શૂન્ય છે. સામનો કર. આગળ વધ.” અને જાણે બાની હોશમાં આવી હોય તેમ દાદી સામે જોયું અને રડવા લાગી. રડતી રહી પછી એકાએક શાંત થઈને કહેવાં લાગી, “ દાદી, ઇન્સ્પેકટર કહે છે કે મારો પણ જેસ્સીનું ખૂનમાં હાથ હોઈ શકે. એમણે કીધું કે હું જેસ્સીના મુત્યુના પહેલા એના ઘરે ગઈ હતી. એ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજના આધારે મારા પર પણ શક કરવામાં આવ્યો છે.”

“દીકરા એ પોલીસની આટાઘુંટીનું તો આપણે પહેલી જ વાર સામનો કરી રહ્યાં છે. એમના સવાલોનો જવાબ તો આપણે હવે લોયર કરીશું એ જ આપશે.” દાદીએ કહ્યું. ત્યાં જ દાદા પણ રૂમમાં આવી પહોંચ્યા. દાદાને પણ બધી કથિત ઘટના કહેવામાં આવી. દાદા બાનીને વિગતમાં પૂછવા લાગ્યાં, “ પણ બાની તું ફક્ત જેસ્સીને મળવા માટે ગઈ હતી. એમાં થોડી કહી શકે કે તું પણ એના ખૂનમાં સામિલ છે..” થોડી સેકેંડ બાદ દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “ ખૈર, પોલીસનું કામ છે શક કરવાનું. તું નિશ્ચિંત રહે. તારા ડેડે લોયર બોલાવ્યાં જ હશે.”

બાનીનો મોબાઈલ વારંવાર બઝ થઈ રહ્યો હતો. ફોન વાઈબ્રેટ મોડ પર હતો. બાનીએ બંને હથેળીથી આંખો સાફ કરી લીધી. એહાનનો ફોન હતો.

" તું ક્યાં છે?" બાનીએ ફોન રિસીવ કરતાં પૂછ્યું.

" આવી રહ્યો છું ઈન્ડિયા." એહાને કહ્યું. બાનીએ ફોન પર ઈન્સ્પેકટર સાથે થયેલી વાતચીતને ટૂંકમાં જણાવી દીધી.

****

પોસ્ટમોર્ટમ બાદ જાસ્મિનની બોડી અપાયી. અંતિમક્રિયા માટે સ્મશાને વ્હીલચેરમાં બાની પહોંચી ગઈ હતી. બાનીનું આખું ગ્રુપ એના પાછળ ઉભું હતું. સિવાય ટિપેન્દ્ર..!! ટિપેન્દ્ર આ શોકમાં સામેલ થયો ન હતો. ઈવાન પણ આવ્યો હતો.

બાની દૂરથી અગ્નિમાં વલીન થઈ રહ્યું જાસ્મિનના મૃત દેહને જોઈ રહી. એ ભળબળતી જ્વાલાને એ અંત સુધી રાખ થતાં જોઈ રહી. બાનીના આંસુ થમવાના નામ લેતાં ન હતા. પાણી જેવા ખારા આંસુ તો વહી રહ્યાં હતાં પણ મનમાં જે ઉકળાટ, ખીજ, પરિતાપ, અને ઘમાસાણ યુદ્ધ ચાલું હતું એનું સમાપન કેવી રીતે કરવું!! એ ક્રોધનો અંગાર કેવી રીતે બુઝાવવો..!!

બાનીએ મનમાં જ ત્યાં જ શપથ લીધી, " મારી જેસ્સ જાસ્મિન તું મારી સર્વસ્વ હતી અને હું પણ તારા માટે...!! તું તો આગ સાથે મળીને રાખ થઈ ગઈ..!! પણ હું...હું કેવી રીતે જીવન વ્યતીત કરું..!! મને તો માન્યમાં જ નથી આવતું કે તું મને એકલી મૂકીને જતી રહી છે...!! બસ એટલો જ સાથ હતો આપનો..!!

તું...તું..!! ડાયરી નથી સોંપી ગઈ..!! તું મને એક ચિનગારી આપી ગઈ છે..!! મારા જીગરમાં સળગતી આગ એક ભયાનક વિસ્ફોટ સાથે બહાર ફાટવાની છે...!! તારો ખૂનનો બદલો તો હું લઈને જ જંપીશ..!! આ બાનીનું પ્રોમિસ છે જેસ્સ...!!"

"જે...............સ્સ.........!!" અચાનક ભયાનક રીતે પારાવાર દર્દ આપનારી ચીસ બાનીના મુખથી એવી જોરથી નીકળી કે જાણે એનો સ્વર ફાટીને અવકાશમાં જતો જાસ્મિનની આત્માને પુકારીને રોકતો હોય...!! કે જેસ્સ તું નહીં જા.....તું પાછી ફર મારી દોસ્ત તું પાછી ફર...!!

****

ત્રીજા દિવસે સવારની પહોરમાં જ કેદારે બાનીના બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો. બાની વ્હીલચેર વાપરતી.

બાનીએ દરવાજો ખોલ્યો, "શું થયું??" બાનીએ શંકાથી પૂછ્યું.

" ટીપેન્દ્રએ આપ્યો છે. આના પરથી જ મને કોલ કરજે એમ કહ્યું છે." કહીને કેદાર ઝડપથી જતો રહ્યો.

કેદારના જવા બાદ બાનીએ તરત દરવાજો બંધ કર્યો. કેદારે આપેલો મોબાઈલ સ્લો ટોનમાં વાગી રહ્યો હતો. બાનીએ ફોન ઊંચકયો.

"હલ્લો..!!" બાનીએ ધીમેથી શંકા સાથે કહ્યું.

"હલ્લો.." સામેથી ઉંઘરાટો અવાજ સંભળાયો."ટીપી બોલું..!!"

"હં...!!" બાનીએ કહ્યું. પરંતુ બાનીને ખબર ના પડી કે ટીપી ઊંઘમાંથી બોલે છે કે પછી અવાજ બદલીને..!!

"હું આવું છું અડધો કલાકમાં. પાછળના સ્વિમીંગ પૂલના ગેટ પર મળ." ફોન મુકાયો.

બાની વ્હીલચેરમાં બહાર આવી પહોંચી.

અડધો કલાક બાદ ટીપી આવ્યો. ટિપેન્દ્ર, શાતિર આદમી હતો. એને માથાથી લઈને મોઢું પણ ઢંકાઈ જાય એવી રીતે ગમછો બાંધ્યો હતો. એને કપડાં પણ અલગ જ પહેર્યા હતાં. એના જાડા ચશ્માંને બદલે કોન્ટેકટ લેન્સ પહેર્યાં હતાં..!! વ્યવસ્થિત રહેતો ટીપી આજે મેલાઘેલા કપડામાં હતો. જાણે એ અત્યારે જ મજદૂરી કરીને આવ્યો હોય તેમ..!! એક ક્ષણ માટે તો બાની પણ ટિપેન્દ્રને પિછાણી ના શકી..!! ઈનશોર્ટ એનો હુલિયો કોઈને કે પછી સીસીટીવી કેમેરામાં કેદ થાય તો પણ ઓળખમાં ન આવે એવો બનાવ્યો હતો..!!

"ફોન એ મોબાઈલથી જ કરજે. એહાન આવીને મારી સાથે રોકાયેલો છે. તું એને ડાયરેક્ટ કોન્ટેકટ કરવાની કોશિશ ના કર..વધારે સમય નથી...ફક્ત મુદ્દાના સવાલ જવાબો કરજે!!" એ ગણગણાવતો હોય તેવા સ્વરમાં કહેવા લાગ્યો.

" ઈવાન સાથે વાત થઈ...?" બાનીએ તરત પૂછ્યું.

"હા. પણ તું મિડીયામાં જોઈ જ રહી છે ને કેવી રીતે વાતો ઉડી રહી છે. આપણે જે ધારી રહ્યાં છીએ કે ધારશું એનાથી પણ વધુ મામલો સંગીન છે. ચાલ હું નીકળું."

"પણ ઈવાને શું કીધું?" બાનીએ આતુરતાથી પૂછ્યું.

"તેઓ બંને પ્રેમમાં હતાં..!!" ટિપેન્દ્રએ એકદમ સાદાઈથી જવાબ આપ્યો જાણે આ વાતમાં દમ ના હોય તેવી રીતે વાત ટૂંકમાં પતાવી..!!

" તું શું કરવા ધારે છે?" બાનીએ ઝડપથી બીજો પ્રશ્ન ઝીણી આંખો કરીને પૂછ્યું.

"આ ડાયરી પોલીસને સોંપી દે જે..!" ટિપેન્દ્રએ બે ડબ્બાવાળી ટીફીન સોંપતા કહ્યું.

" ટીપી..!!" આશ્ચર્યથી બાનીએ કહ્યું.

" હોઈ શકે ઈવાને જ કર્યું હોય કે કરાવ્યું હોય જાસ્મિનનું ખૂન..!" ટિપેન્દ્રએ સપાટ સ્વરમાં કહ્યું. એનો સ્વરમાં કશા પણ પ્રકારનું રિએક્શન ન હતું. એ એટલો તટસ્થ કેવી રીતે હોઈ શકે..!!

બાનીની ધડકન આ સાંભળી એક થડાકારો ખાઈ ચૂકી.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)