Rajkaran ni Rani - 17 in Gujarati Social Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૧૭

રાજકારણની રાણી - ૧૭

રાજકારણની રાણી ૧૭

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૭

સુજાતાના વિચારો જનાર્દનને અત્યારે અકળાવી રહ્યા હતા. સુજાતા તૂટી ગયેલી આખી વ્યવસ્થાને સરખી કરવાની વાત કરી રહી હતી. રાજકારણમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરી રહી હતી. એને ક્યાં ખબર છે કે રાજકારણમાં મત મેળવવા અને પ્રચારમાં રહેવા માટે સ્વચ્છતા અભિયાનના નાટક પણ થાય છે. જો સુજાતા આ રીતે દેશ સેવા અને પ્રામાણિકતાના ગીતો ગાતી રહી તો આગળ વધવાનું મુશ્કેલ બનશે. રાજકારણમાં તો બીજી કોઇપણ રમત કરતાં વધારે ખેલ થાય છે. આજે જે દુશ્મન છે એ કાલે દોસ્ત બની જાય છે અને દોસ્ત હોય એ પળવારમાં દુશ્મન બને છે. સુજાતાને કેવી રીતે સમજાવવી એનો વિચાર જનાર્દન કરી રહ્યો હતો. પક્ષ તરફથી તેને સારો સહકાર મળ્યો હતો. અત્યારે સિધ્ધાંતોને નેવે મૂકીને ઝડપથી આગળ વધી શકાય છે એ બાબતે સુજાતાને માર્ગદર્શન આપવું પડશે. સુજાતા શાંતારામજીના આદર્શોને યાદ કરી રહી છે એ સારી વાત છે, પણ હવે એ જમાનો રહ્યો નથી. આ જમાનામાં પદયાત્રાઓ થતી નથી. હવે જાહેર રેલીઓ અને વર્ચ્યુઅલ રેલીઓ ઉપરાંત સોશિયલ મીડિયાથી જ લોકોનો સંપર્ક વધારે કરવાનો હોય છે. આખરે કંઇક વિચારીને જનાર્દન બોલ્યો:"બેન, તમારી વાત સાચી છે. શાંતારામજી જેવા બીજા કોઇ થવાના નથી. શાંતારામજીના ફોટા પ્રેરણા માટે આપણા પક્ષના કાર્યાલયોમાં હોય છે. વર્ષે એક વખત એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. પણ તમે જાણો છો ને કે આજે ઘરમાં કોઇ ગુજરી જાય પછી તેમના ફોટા ઉપર પણ આપણે વર્ષમાં એક જ વખત ફૂલહાર ચઢાવીએ છીએ. સમય સાથે દરેક વ્યક્તિએ ચાલવું પડે છે..."

સુજાતા કહે:"જનાર્દન, હું તારો ઇશારો સમજી ગઇ છું. રાજકારણને અને આદર્શોને નજીકનું સગપણ નથી. જિસકી લાઠી ઉસકી ભેંસ હોય છે. તેં મારા માટે પાટનગરમાં ઘણી ભલામણ કરી છે એ હું જાણું છું. તેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એટલે મારે એને સાર્થક કરવાનો છે. હવે તું જ બતાવ કે આપણું આગળનું આયોજન શું છે?"

જનાર્દન ખુશ થઇ ગયો. સુજાતા હવે તેની પાસે માર્ગદર્શન માગી રહી છે. એને ખબર છે કે રાજકારણ બાબતે એ કૂવામાંની દેડકી જેવી છે. એણે રાજકારણની દુનિયા જોઇ જ નથી. મારા સિવાય એ એક ડગલું આગળ વધી શકે એમ નથી. પોતાના મનોભાવ છુપાવતાં જનાર્દન બોલ્યો:"બેન, આગળના આયોજનમાં તો સૌથી પહેલાં નાણાની વ્યવસ્થા કરવી પડશે. આજે ચૂંટણી રૂપિયાની રેલમછેલથી જ જીતી શકાય છે. જેટલા રૂપિયા વધુ વેરીશું એટલા વધુ મત અંકે કરી શકીશું. જરૂર પડે ત્યાં જાતિવાદના સમીકરણ પણ માંડવા પડશે. અને હા, તમારી પાસે તો મહિલા તરીકેનું ભારે પત્તુ પણ છે. તમે મહિલાઓને જાગૃતિના નામ પર તમારી તરફ ઝડપથી ખેંચી શકશો. તમે મહિલાઓનું એક વોટસએપ ગૃપ બનાવી દો. ફેસબુક ઉપર પણ એક પેજ બનાવી દો. હું એને સંભાળીશ. પૈસાની વ્યવસ્થા માટે આપણે થોડા ઉદ્યોગપતિઓને મળવું પડશે. એમની પાસેથી પક્ષ માટે દાન તરીકે ચેક લઇશું. એમને તો એક હાથે આપીને બીજા હાથે પાછું લેવાનું જ હોય છે. તમે ચૂંટણી જીતી જશો પછી એમને આપણે મદદ કરીશું. અને હા, બીજું..." બોલતાં જનાર્દન અટકી ગયો. સુજાતા નવાઇથી તેની તરફ જોતાં બોલી:"બીજું શું?"

જનાર્દનને થયું કે હવે વાત કરવા બેઠો છું તો કહી જ દઉં. તે બોલ્યો:"જરૂર પડે આપણે ગુંડાઓની અને અસામાજિક તત્વોની મદદ લેવી પડશે હોં!"

"ઓહ! આપણું રાજકારણ હવે ગુંડાઓ પર આધારિત થવા લાગ્યું છે.... મેં વાંચ્યું હતું કે ઘણા રાજ્યોમાં ગુંડાઓ પણ લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવે છે. પહેલાં આદર્શ લોકો ચૂંટાઇ આવતા હતા. હવે ગુંડાઓ ચૂંટાય છે. પણ એમને ચૂંટીને લાવનારા લોકો પણ એવા જ હશે ને?"

"આપણે તો જરૂર પડે તો જ એમની મદદ લેવાની છે. એમની સાથે કોઇ સાંઠગાંઠ કરવાની નથી. એમને કોન્ટ્રાક્ટ જ આપી દેવાનો."

"મતલબ ચૂંટણી લડવાનું કામ કોઇ સેના રણનિતિ નક્કી કરે એટલું કઠિન હોય છે નહીં?"

"બેન, આ મહિને ટિકિટ વહેંચણી થાય એ પછી આપણે આ બધાને અંતિમ ઓપ આપી દઇશું. તમે ચિંતા ના કરશો. તમને ધારાસભ્ય તરીકે ચૂંટી લાવીને જ હું જંપીશ."

"જનાર્દન, મને ખાતરી છે કે તું આ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવવાનો છે. તારી પણ કેટલીક અપેક્ષાઓ હશે... અથવા કોઇ ધ્યેય હશે. તું મને જણાવજે. તું આટલી બધી મહેનત કરે અને ત્યાંનો ત્યાં રહે તો અર્થ નહીં. મને ખબર છે કે જતિનની પાછળ તેં ઘણી મહેનત કરી હતી. તને કોઇ લાભ થયો નથી. અને એટલે જ તેં મારી મદદ કરી છે. એક રીતે તેં જતિનનો દ્રોહ કર્યો હતો. જતિનને નુકસાન પહોંચાડવા પાછળ તારો ખરાબ ઇરાદો ના હોય પણ એના માટેનો ગુસ્સો હોય શકે. હું જતિનની જેમ તને નિરાશ નહીં કરું. તારી કદર જરૂર કરીશ..." કહી સુજાતાએ મનોમન કંઇક નક્કી કર્યું.

જનાર્દનને એ સમજાતું ન હતું કે સુજાતા તેના વખાણ કરી રહી છે કે તેના અવગુણ બતાવી રહી છે. વધારે વિચાર કરવાનું છોડી જનાર્દન ઊભા થતા બોલ્યો:"બેન, હવે હું નીકળું. આપણે કાલે મળીશું. અને આગળનું આયોજન કરીશું..."

જનાર્દન સુજાતાને ત્યાંથી નીકળીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે ફરી વિચારમાં ડૂબી ગયો. તેને સુજાતા સમજાતી ન હતી. સુજાતાને ટિકિટ અપાવ્યા પછી બહુ મહેનત કરવી નહિ પડે. સુજાતાએ પતિની સામે પડીને પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. જતિનને આટલા વર્ષો પછી પણ જે માન-સન્માન મળ્યા નથી એ સુજાતા મેળવી રહી છે. સુજાતા જીતી ગયા પછી ખરેખર મને કોઇ લાભ કરાવશે કે પછી નહીં? તેના પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? હં...સુજાતા પાસે અત્યારે મારા સિવાય કોઇનો સાથ નથી એટલે મારી મુઠ્ઠીમાં જ રહેશે. એણે મારા ઇશારે ચાલવું જ પડશે. જનાર્દન વિચારમાં ડૂબેલો હતો ત્યારે મોબાઇલની રીંગ વાગી. નામ જોઇને તે ચોંકી ગયો. ફોન ઉપાડવો કે ના ઉપાડવો એનો નિર્ણય કરવામાં ક્ષણો વીતી રહી હતી. અંતે તેણે કોઇ ગણતરી સાથે ફોન ઉપાડી લીધો.

શરૂઆતમાં ઔપચારિક વાતો થઇ. પછી સામેની વ્યક્તિએ કોઇ વાત કરી એના જવાબમાં જનાર્દને કહ્યું:"તમારી ઓફર તો આપો! વિચારી જોઇશ!"

વધુ અઢારમા પ્રકરણમાં...

****

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.

Rate & Review

Usha Patel

Usha Patel 1 month ago

Dilip Thakker

Dilip Thakker 10 months ago

Nayan Patel

Nayan Patel 11 months ago

Kinnari

Kinnari 1 year ago

Vijay

Vijay 1 year ago