Operation Chakravyuh - 1 - 3 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 3

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-3

બે અઠવાડિયા પહેલા, અમદાવાદ

"હા, આ જ છે અકબર પાશા. લશ્કરનો ચીફ ઈન કમાન્ડર અને પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ." શેખાવતે કહ્યું. "છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન માલિકીનાં કશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા આતંકવાદીઓને તાલીમ આપવાનું કામ પાશા અત્યારે કરી રહ્યો હોવાની માહિતી છે."

"પણ, પાશા તો નવ મહિના પહેલા કેન્સરથી મરી ગયો હતો.!" શર્માએ કહ્યું. "પાકિસ્તાન તરફથી આની સત્તાવાર ઘોષણા પણ થઈ ચૂકી છે."

"હા, પણ એ માત્ર એક અફવા હતી." નગમાએ કહ્યું. "બલવિંદરે જે ફોટો મેળવ્યાં એ પાંચ મહિના પહેલાના હોવાની આઈ.ટી ટીમ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. આનો અર્થ એ નીકળતો હતો કે પાકિસ્તાન સરકાર આવાં ખૂંખાર આતંકવાદીઓને છાવરી રહી છે. આ વાત જાહેર કરીને અમે પાકિસ્તાનને ભીંસમાં લઈ શકીએ એમ હતાં..પણ, આમ કરતાં બલવિંદરનો જીવ જોખમમાં મુકાય એમ હોવાથી અમે આ વાત જાહેર ના કરી."

"પોતાની દુકાને મોબાઈલ રીપેર કરાવનાર વ્યક્તિ અકબર પાશાનો ખાસ માણસ છે એ જાણ્યા બાદ બલવિંદરે એ વ્યક્તિનો સાવચેતીથી પીછો કરવાનું આરંભ્યું." રાજવીર શેખાવતે પુનઃ પોતાની વાત આગળ ધપાવતા કહ્યું.

"અઢી મહિના સુધી બલવિંદર ચોરી-છૂપીથી એ વ્યક્તિનો પીછો કરતો રહ્યો, એ વ્યક્તિનું નામ ઈકબાલ મસૂદ હતું અને એ અકબર પાશાની આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવા માટે ફંડ એકઠું કરતો હતો. આ ફંડ એને અમુક વિદેશી દેશો તરફથી અને અમુક મિડલ ઈસ્ટનાં વેપારીઓ જોડેથી મળતું હોવાનું બલવિંદરે નોંધ્યું. મસૂદને લગતી બધી માહિતી બલવિંદર પોતાની જોડે રહેલી ડાયરીમાં ટપકાવતો અને યોગ્ય સમય મળે ત્યારે અમને મોકલાવી આપતો."

"આજથી પંદર દિવસ પહેલા બલવિંદરે સેટેલાઈટ ફોન દ્વારા સંપર્ક સાધ્યો હતો. જેમાં બલવિંદરે જણાવ્યું કે ઈકબાલ અને એના સાથીઓ મળીને ગુજરાતમાં રહેલા લશ્કરના સ્લીપર સેલની મદદથી રાજ્યમાં દોઢ મહિના પછી એક મોટી આતંકી હુમલો કરવાનું આયોજન કરી રહ્યાં છે. હુમલાનું સ્થળ તો બલવિંદર જાણી નહોતો શક્યો પણ એને કહ્યું કે ટૂંક સમયમાં એ સ્થળ વિશે તપાસ કરીને વહેલી તકે જણાવશે."

"તો શું બલવિંદરે એ સ્થળ વિશે જણાવ્યું જ્યાં આતંકીઓ હુમલો કરવાના છે?" ગુજરાતનું નામ સાંભળતા જ ડી.આઈ.જી શર્માના સૂરમાં ડર અને આશ્ચર્ય બંને ભળી ચૂક્યું હતું.

"ના..દુર્ભાગ્યે એવું થયું નહીં.!" ગરદન નકારમાં હલાવતા શેખાવતે કહ્યું. "એ દિવસ પછી બલવિંદર જોડે સંપર્ક થઈ શક્યો નથી. આમ થવા પાછળ બે શક્યતાઓ રહેલી છે. પ્રથમ એ કે બલવિંદર દુશ્મનોનાં હાથમાં આવી ગયો છે અને બીજી શકયતા છે કે એ જીવિત નથી. બાકી, એ જીવિત કે આઝાદ હોત તો કોઈપણ રીતે અમારા જોડે સંપર્ક સાધવાની કોશિશ કરત."

"મતલબ કે એક મહિના પછી ગુજરાતમાં મોટો આતંકી હુમલો થવાની ભીતિ છે!" અર્જુને કહ્યું. "જે ક્યાં થવાનો છે અને કઈ રીતે થવાનો છે એનો જરા સરખો પણ અણસાર આપણને નથી."

"યસ ઓફિસર, આ હકીકત છે કે અત્યાર સુધી આપણે બીજી કોઈ લીડ નહોતા મેળવી શક્યાં." નગમાએ અર્જુનની વાતનો પ્રતિભાવ આપતા કહ્યું. "પણ ત્રણ દિવસ પહેલા કંઈક એવી ઘટના ઘટી જેને બલવિંદરની વાતને સમર્થન પૂરું પાડવાનું કાર્ય કર્યું. ત્રણ દિવસ પહેલા પોરબંદરનાં દરિયા કિનારાની નજીક એક માછીમારની ઝૂંપડીમાં થયેલા જોરદાર વિસ્ફોટનાં સમાચાર આવ્યાં, સમાચાર મળતાં જ આઈ.બીની ટીમ ત્યાં પહોંચી."

"ફોરેન્સીક તપાસમાં ઝૂંપડીમાં થયેલો વિસ્ફોટ એમોનિયમ નાઈટ્રેટથી થયો હોવાનું માલુમ પડ્યું. પાડોશી લોકો જોડે આ ઘટના અંગે સવાલાત કરતા જાણવા મળ્યું કે એ ઝૂંપડીમાં જે માછીમાર રહેતો એનું નામ કાસમ હતું, જે ત્રણ વર્ષથી ત્યાં એકલો રહેતો હતો. વિસ્ફોટનાં લીધે ઝૂંપડીમાં લાગેલી આગનાં લીધે અંદર મોજુદ બધું સળગી ગયું હતું સિવાય આ અમુક કાગળિયાંને બાદ કરતાં!"

આટલું કહી નગમાએ પ્રોજેકટર પર આગળની કલીપ દર્શાવી..જેમાં ખૂબ ગંભીર રીતે સળગી ગયેલ એક વ્યક્તિનો મૃતદેહ અને અડધા સળગેલા કાગળો હતાં.

"આ વ્યક્તિ નક્કી સ્લીપર સેલ હતી જે ત્રણ વર્ષથી માછીમારનો વેશ બદલીને રહેતી હતી." શેખાવતે વાત આગળ વધારતા કહ્યું. "આને ત્રણ વર્ષ સુધી શાંત જીવન ગાળ્યા બાદ પોતાની ઝૂંપડીમાં બૉમ્બ બનાવવાની કોશિશ કરી જેમાં કંઈક ગરબડ થઈ જતા વિસ્ફોટ થયો અને એમાં આ કાસમ નામનો સ્લીપર સેલ મૃત પામ્યો."

"આ ઝૂંપડીમાં જે કાગળિયાં મળ્યાએમાંથી એક ઉપર ઉર્દુમાં કાશ્મીરની આઝાદીનું સ્લોગન લખેલું છે અને એક પોસ્ટરમાં અકબર પાશાનો ચહેરો પણ દેખાય છે. બલવિંદરે આપેલી માહિતીને જો કાસમ સાથે કનેક્ટ કરીએ તો એ પુરવાર થાય છે કે એક મહિનાની અંદર ગુજરાતમાં એક મોટો આતંકી હુમલો થવાનો છે એ પાકું છે. કાસમની ઝૂંપડીમાં થયેલો વિસ્ફોટ ગેસ સિલિન્ડર બ્લાસ્ટનાં લીધે થયો હતો એમ કહી અમે આ માહિતીને મીડિયાથી ગુપ્ત રાખી."

"તો પછી સર આપણે તાત્કાલિક ગુજરાતમાં મોજુદ સ્લીપર સેલને શોધવાનું અને આતંકીઓના હિટ લિસ્ટમાં હોય એવી જગ્યાઓને સઘન સુરક્ષા આપવાનું શરૂ કરી દેવું જોઈએ." રુદ્ર પ્રતાપ શર્માએ કહ્યું.

"આપની વાત સાથે હું એગ્રી છું પણ.." શેખાવતે કહ્યું. "જો આપણે આવું કરવા જઈશું તો આતંકવાદીઓને જાણ થઈ જશે કે આપણને એમની યોજના વિશે માહિતી મળી ચૂકી છે. આવું થશે તો તેઓ શક્ય એટલો વહેલો હુમલો કરશો."

"તો પછી આપણે શું કરી શકીએ?" માધવે પૂછ્યું.

"આપણે રાવલપિંડી જવું પડશે અને બલવિંદરની ડાયરી શોધવી પડશે." નગમા માધવના પ્રશ્નનો ઉત્તર આપતા બોલી. "બલવિંદરના ઘરમાં નક્કી એની અંગત ડાયરી ક્યાંક છુપાયેલી હશે કેમકે, બલવિંદર પોતાની જોડે રાખેલી ડાયરીમાં જે કંઈપણ લખતો એ જ વસ્તુ એ ઘરે રાખેલી બીજી ડાયરીમાં નોંધી રાખતો એવું એકવાર એને જણાવ્યું હતું."

"તો પછી આપણે રાહ શેની જોઈએ છે.?" ડી.આઈ.જીએ કહ્યું. "તમારે તત્કાળ રૉનાં ખાસ જાસૂસોને આ કામ માટે પિંડી મોકલી દેવા જોઈએ."

"એ જ તો પ્રોબ્લેમ છે કે હું આમ નથી કરી શકતો." હતાશ ચહેરે શેખાવતે કહ્યું. "બલવિંદરનો કોઈ પત્તો નથી જેનો અર્થ એ નીકળે એ એના વિશે પાકિસ્તાન ગુપ્તચર સંસ્થા ISI(ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ) અને આતંકવાદીઓને માલુમ પડી ગયું હોવું જોઈએ અને આમ થયું હોય તો રૉનાં કોઈ જાણીતા અધિકારીને પાકિસ્તાન મોકલવામાં ભારોભાર જોખમ રહેલું છે."

"આ માટે અમારે અમુક એવા પોલીસ ઓફિસરની જરૂર છે કે જે પાકિસ્તાન જઈને અમારા માટે આ કામ કરી શકે. કેમકે, પોલીસ અધિકારીઓ વિશેની પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા જોડે માહિતી હોય એ શક્ય નથી."

"એનો અર્થ કે તમે મને એટલે જ એવા બે પોલીસ ઓફિસરને બોલાવવા કહ્યું હતું જે જાંબાઝ અને દિલેર હોય?" રાજવીર શેખાવત દ્વારા અર્જુન અને માધવને બોલાવવાનું કારણ રુદ્ર પ્રતાપ શર્માને હવે સમજાયું હતું.

"હા, અને મેં મારી રીતે ગુજરાત પોલીસનાં ટોપ દસ પોલીસ અધિકારીઓનું લિસ્ટ જોયું તો મને એ.સી.પી અર્જુન અને પી.એસ.આઈ માધવથી વધુ યોગ્ય ઉમેદવાર કોઈ મળ્યું નહીં." ડી.આઈ.જીના પ્રશ્નનો જવાબ આપતા શેખાવતે કહ્યું. "વધારામાં આતંકીવાદીઓ ગુજરાતનાં કોઈ સ્થળે હુમલો કરવાના હોવાથી મને એવા પોલીસ ઓફિસરની જરૂર હતી જે ગુજરાતથી બિલોન્ગ કરતા હોય.!"

"એસીપી અર્જુન અને પી.એસ.આઈ માધવ શું તમે રૉનાં ઑપરેશનમાં સહભાગી થવા તૈયાર છો.?" રાજવીર શેખાવતે અર્જુન અને માધવને ઉદ્દેશીને કહ્યું. "હું તમને આ કામ માટે ફોર્સ નથી કરતો, તમારે આ ઑપરેશનમાં જોડાવવું કે ના જોડાવવું તમારા પર ડિપેન્ડ છે."

"સર, પહેલી વાત તો એ કે તમે મને આ લાયક સમજ્યો એ માટે હું અંતઃકરણથી તમારો ખૂબ ખૂબ આભારી છું." અર્જુને કહ્યું. "હું દેશની રક્ષા માટે કંઈપણ કરવા તૈયાર છું. વર્ષોથી મારુ સપનું હતું કે દેશ માટે કંઈક મોટું કામ કરૂં..હવે જ્યારે આટલો મોટો સુવર્ણ અવસર મળી રહ્યો છે તો ના પાડવાનો સવાલ જ નથી."

"તમારાથી મને આ જ આશા હતી ઓફિસર..!" શેખાવતે પ્રસન્ન ભાવે અર્જુનને ઉદ્દેશીને કહ્યું. "આઈ પ્રાઉડ ઓફ યુ માય બોય."

"હું પણ એસીપી સાહેબની વાત સાથે સહમત છું. દેશસેવાનો આટલો મોટો અવસર તો કોઈ ભાગ્યશાળીને જ મળે." માધવ ગર્વભેર બોલ્યો. "હું મારાં દેશવાસીઓ માટે જીવની બાજી લગાવવા તૈયાર છું."

"ચીફ, આ બંને ગુજરાત પોલીસની શાન છે." અર્જુન અને માધવની પીઠ થાબડીને રુદ્ર પ્રતાપ શર્માએ કહ્યું. "આ બંને તમને નિરાશ નહીં કરે એનો મને ગળે સુધી વિશ્વાસ છે."

"તો સર, અમારે ક્યારે પાકિસ્તાન જવા નીકળવાનું છે.?"ઉત્સાહિત સ્વરે અર્જુને કહ્યું.

"આજથી બરાબર દસ દિવસ પછી." રાજવીર શેખાવતે અર્જુનના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું. "પણ, તમારે અને નાયકે પાકિસ્તાન નથી જવાનું. પાકિસ્તાન જઈને બલવિંદરની ડાયરી શોધવાની જવાબદારી ઓફિસર નગમા શેખ અને માધવ નિભાવશે."

"તો પછી અમારે શું કરવાનું છે.?" શેખાવત પોતાને પાકિસ્તાન નથી મોકલવાના એ સાંભળી અર્જુનને આંચકો લાગ્યો હતો.

"તમારે અને તમારાં જોડીદાર નાયકે પાકિસ્તાન નહીં પણ ચીન જવાનું છે!" શેખાવતે અર્જુન અને નાયક ભણી વારાફરતી જોતા કહ્યું.

"ચીન..!" નાયક અને અર્જુન એકસાથે વિસ્મયભર્યા સૂરમાં બોલી પડ્યા. "પણ કેમ?"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)