Operation Chakravyuh - 1 - 10 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 10

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-10

ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન

ચાઈનાની સૌથી વધુ પ્રખ્યાત ટુ વ્હીલર બનાવતી કંપની કિવાયની ડર્ટ બાઈક પર સવાર થઈને એક વ્યક્તિ ચેન્ગશિંગ આઈલેન્ડના પોર્ટ યાર્ડ પર આવેલી એક ત્રણ માળની ઈમારત તરફ આગળ વધી રહી હતી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગોંગ હતી, અર્જુન અને નાયકની નુવાન યાંગ લી સાથે મુલાકત ફિક્સ કરવા હેતુ ગોંગ સવાર પડતા જ યાંગત્ઝી નદી જ્યાં પીળા સમુદ્રને મળતી હતી એ સ્થાને આવેલા, શાંઘાઈની સાથે-સાથે ચીનનાં સૌથી વધુ ધબકતા સી-પોર્ટમાંનાં એક એવા ચેન્ગશિંગ પોર્ટ પર આવી પહોંચ્યો હતો.

નુવાન યાંગ લી અહીં એક ઓફિસ ધરાવતો હતો જેનું નામ હતું લી ફિશિંગ સપ્લાયર, પણ હકીકતમાં લી ફિશિંગ સપ્લાયર એક ડમી કંપની હતી જેની આડમાં યાંગ લી પોતાના ભાઈ લોન્ગનો ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો.

ગોંગે લી ફિશિંગ સપ્લાયરની ઓફિસ આગળ આવીને પોતાનું બાઈક થોભવ્યું અને બાઈકમાંથી હેઠે ઉતર્યો. ઓફિસની બહાર એક લોખંડનો ગેટ હતો જ્યાં રાખોડી કપડામાં સજ્જ એક વ્યક્તિ હાથમાં મશીનગન લઈને ઊભો હતો.

"કેવું ચાલે છે જેકોબ?" ગોંગે ગેટ જોડે ઊભેલાં એ વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.

"બસ અમારે તો આખો દિવસ અહીં રહેવાનું.." જેકોબે જવાબ આપતા કહ્યું. "બાકી તારા જેવી લાઈફ તો નસીબદારને જ મળે."

"એ તો દરેક વ્યક્તિને સામેવાળાની લાઈફ પોતાનાથી સારી જ લાગે." ગોંગ હસીને બોલ્યો.

"કેમ બહુ દિવસે આ તરફ?" જેકોબે પૂછ્યું. "ચહેરા પરથી તો લાગે છે કે કંઈક સારા સમાચાર છે."

"હા, ભાઈ કંઈક એવું જ છે." ગોંગ બોલ્યો. "સાહેબ અંદર છે?"

"હા એ અંદર છે..પણ, હું એકવાર એમની જોડે વાત કરી લઉં પછી જ તને અંદર જવા દઈશ." જેકોબ આટલું કહી દરવાજાની અંદર બનેલી એક કેબિન તરફ આગળ વધ્યો. કેબિનમાં પડેલા ઈન્ટરકોમ વડે એને કોઈકની જોડે વાત કરી અને પાછો ગોંગની જોડે આવ્યો.

"સાહેબે તને અંદર જવાની રજા આપી.!" જેકોબે કહ્યું. "પણ એ પહેલા તારી તલાશી લેવાનું કહ્યું છે."

"અરે કેમ નહીં." પોતાના બંને હાથ પહોળા કરી સ્મિત સાથે ગોંગે કહ્યું. "રુલ્સ ઇઝ રુલ્સ."

ગોંગની તપાસ કર્યાં બાદ જેકોબે એને અંદર જવાની છૂટ આપી. ગોંગ પોતાની જ ધૂનમાં લોખંડનો ગેટ વટાવી મુખ્ય ઈમારત તરફ આગળ વધ્યો.

ઈમારતનાં ગ્રાઉન્ડ ફ્લોટ પર પગ મૂકતા જ ગોંગનું નાક માછલીઓની દુર્ગંધથી ભરાઈ ગયું. આ ઈમારતનાં ગ્રાઉન્ડ ફ્લોર પર દરિયામાંથી લાવેલી માછલીઓને વ્યવસ્થિત સાફ કરી, સુકવીને મોટી-મોટી પીઝર્વેટિવ ધરાવતી પેટીઓમાં ભરવામાં આવતી. આ માછલીઓની અમુક નક્કી પેટીઓમાં માછલીઓને ચીરીને અંદર ખૂબ જ સાવચેતી સાથે ડ્રગ્સ ભરવામાં આવતું અને દુનિયાભરમાં માછલીઓની ડિલિવરીનાં બહાને મોકલવામાં આવતું.

અત્યારે માછલીઓમાં ડ્રગ્સ ભરવાનું કામ નહોતું ચાલી રહ્યું કેમકે એવું હોત તો ગોંગને જેકોબ પહેલા બીજી બે જગ્યાએથી રજા લઈને જ આગળ આવવા મળત.

ગોંગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર મોજુદ લિફ્ટનું બટન દબાવતાની સાથે જ લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવીને ઊભી રહી. ગોંગ લિફ્ટમાં બેઠો અને એને ત્રીજા માળે જવા માટે બટન દબાવ્યું. થોડી વારમાં ગોંગ ત્રીજા માળે આવી પહોંચ્યો હતો.

ત્રીજા માળે ચાર કેબિન હતી અને અત્યારે ચારેયમાં અમુક લોકો કોમ્પ્યુટર પર જરૂરી કામકાજ કરી રહ્યાં હતાં. આ ચાર કેબિન સિવાય આ માળે એક રૂમ હતો જેની બહાર બે બોડીબિલ્ડર ટાઈપનાં બે વ્યક્તિઓ હાથમાં એવી જ મશીનગન લઈને ઊભાં હતાં જેવી મશીનગન લઈને જેકોબ નીચે ઊભો હતો.

"નામ?" ગોંગ જેવો એ રૂમના દરવાજે પહોંચ્યો એવો જ એક બોડી બિલ્ડર ભાવહીન સ્વરે એને ઉદ્દેશીને બોલ્યો.

"ગોંગ." ગોંગે ટૂંકમાં પતાવ્યું.

"ડી.એસ નંબર?" ફરીથી નવો પ્રશ્ન ગોનગની સામે આવ્યો. ડી.એસ નંબર એટલે ડ્રગ્સ સપ્લાયર નંબર, આ નંબર નુવાન યાંગ લી દ્વારા પોતાનું કામ કરતાં દરેક ડ્રગ્સ સપ્લાયરને આપવમાં આવ્યો હતો.

"ઈલેવન." ગોંગના આટલું બોલતાં જ એ બોડીબિલ્ડરે પોતાના હાથમાં પકડેલાં મોબાઈલમાં કંઈક ચેક કર્યું અને પછી ગોંગ તરફ જોઈને બોલ્યો.

"યુ આર વેલકમ.!"

"થેન્ક્સ." ફોર્મલિટી નિભાવતા ગોંગ બોલ્યો. દર મહિને અહીં તૈનાત આ બોડીગાર્ડસ બદલાઈ જતાં હોવાથી ગોંગ હોય કે અન્ય કોઈપણ વ્યક્તિ જ્યારે નુવાન યાંગ લીને મળવા આવે ત્યારે એને પોતાની ઓળખ અને જરૂરી પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત હતાં.

બીજા બોડીબિલ્ડરે દરવાજો ખોલતા જ ગોંગ રૂમની અંદર પ્રવેશ્યો. ઝીણી આંખો, સાડા પાંચ ફૂટ હાઈટ, ક્લીન શેવ ચહેરો, ફન્કી લુક હેર સ્ટાઈલ, બંને કાન અને જમણી આઈબ્રો પર રિંગ, ગરદન પર ડ્રેગનનું ટેટુ ધરાવતો ગોંગ આસમાની રંગના શર્ટ અને વ્હાઈટ જીન્સમાં સોહામણો લાગી રહ્યો હતો.

આ એક મોટો વિશાળ રૂમ હતો જેમાં પ્રવેશતા આંખો અંદર રહેલી સજાવટને જોઈ અભિભૂત થઈ જતી. રૂમની દીવાલો અને છત પર પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી વિવિધ આકૃતિઓ બનાવામાં આવી હતી. જેમાં ડ્રેગન, બૌદ્ધ મંદિરો, ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર વગેરેનો સમાવેશ થતો હતો. રૂમની ડાબી તરફ એક મોટો આરામદાયક સોફો હતો. અને એની બાજુમાં કાચની ત્રિપાઈ, ત્રિપાઈ પર વિવિધ મેગેઝીનો પડેલી હતી. રૂમની જમણી તરફ એક માછલીઘર હતું, જેની અંદર વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ રાખવામાં આવી હતી.

દસેક ફૂટ આગળ એક કાચની કેબિન હતી જેમાં પ્રવેશવા માટે એક સ્લાઈડર દરવાજામાંથી પસાર થવું પડતું. ગોંગે એ દરવાજાની બહાર લગાવેલાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પર પોતાનો હાથ મૂક્યો એ સાથે જ બીપ.. નો તીણો અવાજ આવ્યો અને દરવાજો એક તરફ ખૂલી ગયો. આનો અર્થ હતો કે ગોંગનાં હાથની ફિંગર પ્રિન્ટ પહેલેથી જ ત્યાં ડેટામાં મોજુદ હતી.

"વેલકમ ગોંગ.." જેવો ગોંગ અંદર પ્રવેશ્યો એ સાથે જ એના કાને નુવાન યાંગ લીનો ચિત પરિચિત અવાજ સંભળાયો.

ગોંગ લી બેઠો હતો એ ટેબલની તરફ પાંચેક ડગલાં ચાલ્યા બાદ અટકી ગયો અને પછી પોતાનું શરીર ઝુકાવી લીને સમ્માન આપતાં ગોંગ બોલ્યો.

"આપની મહેરબાની માલિક.!"

"આવ, બેસ.." ટેબલની સામે રાખેલી રોલિંગ ચેરમાં ગોંગને બેસવાનું કહી લીએ પોતાની જોડે ઊભેલી એક બાવીસેક વર્ષની યુવતીને ઈશારાથી ત્યાંથી બહાર નીકળી જવા કહ્યું.

નુવાન યાંગ લી ચાલીસીએ પહોંચેલ એક એવો ગુનેગાર હતો જે એકદમ પ્રોફેશનલ હતો. શૂટ-બૂટમાં સજ્જ યાંગ લીને સોનાનો ભારે શોખ હતો જે એને પહેરેલી સોનાની ઘડિયાળ અને સોનાના આભૂષણો પરથી સમજાઈ જતું હતું. ક્લીન શેવ ચહેરો, ચમકદાર આંખો, ચપટું નાક અને સ્થિર ભાવ ધરાવતો યાંગ લી ગુનેગાર ઓછો અને બિઝનેસમેન વધુ જણાતો હતો.

"બોલ, અહીં આગમનનું કોઈ ખાસ કારણ!" ગોંગના ખુરશીમાં બેસતા જ લીએ પૂછ્યું. "કોઈ તકલીફ તો નથી ને?"

"તમારા જીવતાજીવ કોઈ તકલીફ હોય એવું બને ખરું!" લીની ખુશામત કરતા ગોંગે કહ્યું. "આ તો એક અગત્યની વાત કરવી હતી એટલે અહીં આવવું પડ્યું બાકી અત્યારે તો શાંઘાઈમાં તમારું નામ પડે ને કામ નીકળી જાય છે."

પોતાની ખુશામત સાંભળી લી ખુશ તો થયો હતો પણ પોતાની ખુશીને મનમાં જ ધરબી ભાવહીન અવાજે એને ગોંગની તરફ જોતા કહ્યું.

"બોલ હવે અહીં આવવાનું શું કારણ છે.?"

નુવાને પૂછેલા આ પ્રશ્નનાં જવાબમાં ગોંગે પોતાની રહેમાની અને હુસેની નામક બે શેખ સાથે થયેલી મુલાકાત અને એ બંનેની મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનો કારોબાર કરવાની ઈચ્છા અંગે જણાવ્યું. ગોંગની વાત શાંતિથી સાંભળી રહેલા લી એ ગોંગની વાત પૂરી થતાં જ એને સવાલ કર્યો.

"તે એ શેખને મારાં અને લોન્ગ વિશે જણાવી દીધું?"

"હા..!" ગોંગે ઉત્સાહિત સ્વરે કહ્યું.

"તમારા લોકોમાં બુદ્ધિ ક્યારે આવશે.?" પોતાની ખુરશીમાંથી ઊભા થતાં નુવાન ક્રુદ્ધ સ્વરે બોલ્યો. એનો શાંત અને સપાટ ભાવ ધરાવતો ચહેરો અત્યારે ગુસ્સાથી ધગી ગયો હતો. એની આંખોમાં ઉશ્કેરાટ સાફ દ્રશ્યમાન થતો હતો.

"પણ..પણ મેં શું ખોટું કર્યું.?" ગોંગના અવાજમાં ડર અને નવાઈ ભળી ચૂક્યા હતાં.

"તે એ બંને જણા સાચેમાં દુબઈના શેખ વેપારી છે એ ચેક કર્યું ખરું.?"

"હોટલનાં રજીસ્ટર લિસ્ટમાં તો ચેક કર્યું હતું." ધ્રૂજતા સ્વરે ગોંગે જવાબ આપ્યો..પોતે પૈસાની લાલચમાં બે અજાણ્યા લોકો સામે ક્યાંક વધુ પડતો બફાટ તો નથી કરી બેઠો ને? આ પ્રશ્ન એને પજવવા લાગ્યો.

"એ શેખે તને જે વિઝીટિંગ કાર્ડ આપ્યું છે એ લાવ."

ગોંગે યંત્રવત બની પોતાના ખિસ્સામાં રહેલું વિઝીટિંગ કાર્ડ નુવાનના હાથમાં મૂકી દીધું. વિઝીટિંગ કાર્ડને ધ્યાનથી જોયા બાદ નુવાન યાંગ લી પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને દરવાજા તરફ આગળ વધ્યો. ગોંગ પણ પોતાના ઈષ્ટદેવનું મનોમન સ્મરણ કરતા નુવાનની પાછળ દોરવાયો.

યાંગ લી જેવો પોતાના રૂમમાંથી બહાર નીકળીને આગળ વધ્યો એ સાથે જ એના રૂમની બહાર ઊભેલાં બંને બોડીગાર્ડ એની અનુસર્યા. બહાર આવેલી ચારેય કેબિનમાં બેસેલા લોકોએ એક નજર યાંગ અને ગોંગ પર નાંખી અને પુનઃ પોતાના કામમાં લાગી ગયાં.

લી સીડીઓ ઉતરીને ત્રીજા માળેથી બીજા માળે આવ્યો અને ફટાફટ ત્યાં આવેલાં એક રૂમમાં પ્રવેશ્યો. ગોંગ નુવાનની સાથે અંદર આવ્યો જ્યારે બંને બોડીગાર્ડ એ રૂમની બહાર ઊભાં રહી ગયાં. આ રૂમમાં એક મોટી એલ.ઇ.ડી સ્ક્રીન હતી, જેની સામે છ રાઉન્ડ ડેસ્ક હતાં, જેમાંથી ચાર ડેસ્ક પર લેપટોપ અને અન્ય યાંત્રિક ઉપકરણો પડ્યાં હતાં, દરેક લેપટોપ પર એક-એક વ્યક્તિ બેઠી હતી; જેમાં ત્રણ યુવક અને એક યુવતીનો સમાવેશ થતો હતો. જ્યારે બાકીનાં બે ડેસ્કમાંથી એક ઉપર એક ડેસ્કટોપ કોમ્પ્યુટર અને બીજા ઉપર પ્રિન્ટર મોજુદ હતું.

નુવાન યાંગ લીને અચાનક ત્યાં આવેલો જોઈ એ ચારેય જણાએ પોતપોતાની જગ્યાએથી ઊભાં થઈ લીનું અભિવાદન કર્યું.

"પ્લીઝ સીટ ડાઉન.!" ઈશારાથી નુવાને એ ચારેયને બેસવા કહ્યું.

"યુકાતા, એક કામ કરવાનું છે!" ત્યાં કામ કરતી પચ્ચીસેક વર્ષની ચશ્માધારી યુવતીને ઉદ્દેશીને નુવાને કહ્યું.

"બોલો સર, હું આપની શું મદદ કરી શકું." વિનયપૂર્વક એ યુવતીએ કહ્યું.

ગોંગે આપેલું વિઝીટિંગ કાર્ડ એ યુવતીને પકડાવતા નુવાને આદેશાત્મક સ્વરે કહ્યું.

"આ વિઝીટિંગ કાર્ડ પર જે કંપનીનું નામ છે એની અને એના માલિકોની મારે નાનામાં નાની ડિટેઈલ જોઈએ."

યુકાતા નામક એ યુવતીએ નુવાન યાંગ લી દ્વારા આપવમાં આવેલા વિઝીટિંગ કાર્ડ પર મોજુદ કંપનીનું નામ વાંચ્યું. "આર.એસ એન્ટરપ્રાઈઝ, દુબઈ."

નામ વાંચતા-વાંચતા જ યુકાતાએ ખૂબ જ સિફતથી પોતાના લેપટોપનાં કીબોર્ડ પર આંગળીઓ ચલાવવાનું શરૂ કર્યું.

યુકાતા પોતાનું કામ કરી રહી હતી એ દરમિયાન નુવાને આગઝરતી નજરે ગોંગ તરફ જોયું અને કડક શબ્દોમાં ધમકી ઉચ્ચારતા કહ્યું.

"જો આ બંને શેખ અને એમની કંપની બનાવટી નીકળી તો એમનું તો મારે જે કરવાનું હશે એ કરીશ જ, પણ એ પહેલા તું માછલીઓનો આહાર બને એની વ્યવસ્થા જરૂર કરીશ."

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)