Operation Chakravyuh - 1 - 5 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 5

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-5

બીજા દિવસે સાંજે સાત વાગે અર્જુન, નાયક અને માધવ પોતપોતાનો સામન લઈને અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. રૉ ચીફ રાજવીર શેખાવત અને અંડર કવર ઓફિસર નગમા શેખ પહેલેથી જ એરપોર્ટ પર મોજુદ હતાં. અર્જુન, માધવ અને નાયકની ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા પહેલેથી જ થઈ ચૂકી હતી.

સાડા ત્રણ કલાક બાદ એ લોકો મુંબઈની ખ્યાતનામ હોટલ ધ લીલામાં આવી પહોંચ્યાં હતાં, જ્યાં એ લોકો માટે પહેલેથી જ રૂમ બુક કરેલાં હતાં. અર્જુન, નાયક અને માધવને મિશન પર ગયાં પહેલા અહીં જ રોકાવાનું હતું. નગમા મુંબઈની રહેવાસી હતી એટલે એ પોતાના ઘરે જ રોકવાની હતી, જ્યારે રાજવીર શેખાવત રૉ દ્વારા એમને મુંબઈમાં આપવમાં આવેલા પોતાના ફ્લેટ પર.

મુંબઈ પહોંચ્યાનાં બીજા દિવસે સવારે છ વાગે ઓફિસર નગમા અર્જુન, માધવ અને નાયકને લેવા પોતાની કાર લઈને હોટલ સુધી આવી પહોંચી. અડધા કલાકમાં એ લોકો મુંબઈ ખાતે આવેલાં રૉનાં સિક્રેટ હેડ કવાટર્સમાં મોજુદ હતાં. અહીં હવે એ ત્રણેયને જરૂરી તાલીમ પૂરી પાડવાની કવાયત શરૂ થઈ ચૂકી હતી.

સૌપ્રથમ એ લોકોને વિવિધ પ્રકારનાં માર્શલ આર્ટ, કરાટે અને જુડો વિશે જણાવવામાં આવ્યું. જેથી ક્યારેક દુશ્મનો સામે હાથોહાથની લડાઈ થાય ત્યારે ચિંતાની વાત ના રહે. બે દિવસ સુધી ચાલેલી આ ટ્રેઈનિંગ બાદ વિવિધ પ્રકારની રિવોલ્વર અને ઓટોમેટિક મશીનગનના અભ્યાસને મહત્વ આપવામાં આવ્યું.

પાંચ દિવસમાં તો હાથોહાથ અને હથિયારની લડાઈ માટે અર્જુન, માધવ અને નાયક સારા એવા તૈયાર થઈ ચૂક્યાં હતાં. અર્જુન અને માધવે પોતાની પોલીસકર્મીની ડ્યુટી દરમિયાન પણ સતત કસરત અને વ્યાયામથી પોતાની જાતને ચુસ્ત-દુરુસ્ત રાખી હતી, જેનો ફાયદો એમને આ ટ્રેઈનિંગ વખતે પ્રાપ્ત થયો હતો.

પાંચ દિવસની ટ્રેઈનિંગ બાદ અર્જુન, માધવ અને નાયક એમના મિશન દરમિયાન જે વેશ ધારણ કરવાના હતાં એ વેશ ભજવતી વખતે કોઈ ચૂક ના રહી જાય એની તાલીમ આપવમાં આવી. આમાં સૌથી વધુ જોર એ લોકોની બોલી ઉપર આપવમાં આવ્યું.

આ તાલીમમાં છેલ્લે એમને વિવિધ એવા આધુનિક ઉપકરણોથી વાકેફ કરવામાં આવ્યાં જે અંગે એ લોકોએ ફક્ત હોલીવુડ ફિલ્મોમાં જ જોયું હતું. પોલીસમાં હોવાથી આવાં અદ્યતન ગેઝેટ્સની જાણકારી અર્જુન, માધવ કે નાયકને ના જ હોય એમાં કોઈ મોટી વાત નહોતી. સામાન્ય લાગતી વસ્તુને ટેકનોલોજીની મદદથી કેટલી કારગર બનવાઈ હતી એ જોઈ ત્રણેય પોલીસ ઓફિસર દંગ રહી ગયાં.

આખરે રાજવીર શેખાવતની આશાઓ પર સંપૂર્ણ ખરા ઉતરતા એ ત્રણેયે પોતાની ટ્રેઈનિંગ નિયત સમયે પૂરી કરી લીધી. દસ દિવસ પછી નકલી પાસપોર્ટ અને નકલી ઓળખકાર્ડ સાથે અર્જુન, નાયક, માધવ અને નગમાને ઑપરેશન ચક્રવ્યૂહ માટે જરૂરી દરેક વસ્તુઓ સાથે મુંબઈથી ફ્લાઈટ મારફતે એમના મિશનને સાનુકૂળ ગંતવ્ય સ્થાનોએ રવાના કરી દેવામાં આવ્યાં.

અર્જુન અને નાયક મુંબઈથી દુબઈ પહોંચ્યાં.. જ્યાં સ્થિત રૉનાં એક અધિકારીની મદદથી તેઓ દુબઈથી ચીનનાં શાંઘાઈ જવા રવાના થઈ ગયાં. પોતાના બદલાયેલા લૂકમાં અર્જુન અને નાયક દુબઈનાં માલેતુજાર શેખ લોકોની માફક લાગી રહ્યાં હતાં.

નગમા અને માધવ મુંબઈથી કુવૈત સીટી આવ્યા પણ અર્જુન અને નાયકથી વિપરીત એ બંનેને ત્યાંથી સીધાં પાકિસ્તાન જવાનાં બદલે ત્રણ દિવસ કુવૈતમાં જ રોકાવાનું હતું.

આખરે ભારતનાં ચાર જાંબાઝ સિપાહીઓ દેશની રક્ષા માટે કફન બાંધીને નીકળી પડ્યાં હતાં..ઑપરેશન ચક્રવ્યૂહને સફળ બનાવવા માટે.!

***********

વર્તમાન સમય શાંઘાઈ,ચીન

અર્જુન અને નાયક બે માલેતુજાર આરબ શેખ અનુક્રમે રહેમાન અલ હુસેની અને સલમાન બિલ રહેમાનીનાં વેશ ધારણ કરી ત્રણ દિવસ પહેલા દુબઈથી શાંઘાઈ આવી પહોંચ્યા હતાં. શેખાવતના કહ્યાં મુજબ બંને શાંઘાઈની પ્રખ્યાત હોટલ શાંઘાઈ પેરેડાઈઝમાં રોકાયા હતાં.

બીજા દિવસે સવારે ચીનમાં રહીને રૉ માટે કામ કરતી ફાતિમા મોહમ્મદ નામક એક ટર્કીશ મહિલા અર્જુન અને નાયકને મળવા આવી. ચીનની એક કલબમાં બાર ડાન્સર તરીકે કામ કરતી ફાતિમા ચીનમાં ફેની નામ ધારણ કરીને છેલ્લાં છ વર્ષથી રહેતી હતી. ફાતિમા માટે પૈસા સર્વસ્વ હતું અને આ પૈસા માટે જ એ રૉ માટે માહિતી એકઠું કરવાનું કામ કરતી હતી.

અર્જુન અને નાયક જાણતા હતા કે ફાતિમા એમને મળવા ત્યાં આવશે એટલે ફાતિમાનાં આગમનની એમને નવાઈ ના લાગી. ફાતિમા અર્જુન અને નાયક માટે શેખાવતના કહ્યાં મુજબની એક બેગ તૈયાર કરીને આવી હતી. આ બેગમાં રિવોલ્વર, ગ્રેનેડ, એક યુઝી નામક અમેરિકન મશીનગન, પ્લાસ્ટિક એક્સપ્લોઝીવ, રેકોર્ડર, કેમેરા ઉપકરણો, ડ્રોન અને વિવિધ જાસૂસી ઉપકરણો મોજુદ હતાં.

આ બધી વસ્તુઓ પૂરો પાડ્યાં બાદ ફાતિમાએ અર્જુન અને નાયકને ફરી એકવાર એ લોકોએ જે કામ કરવાનું હતું એની માહિતી આપી દીધી.

એ માહિતી મુજબ અર્જુન અને નાયકે શેખનો વેશ ધરી થોડા દિવસ ડોંગલિંગ રેસ્ટોરેન્ટ જવાનું હતું અને ત્યાં કામ કરતા હિચેન નામક વેઈટરને ગમે તે રીતે પોતાની તરફ આકર્ષવાનો હતો. હિચેનનો ગોંગ નામક મિત્ર શાંઘાઈમાં આવતા વિદેશીઓને ડ્રગ્સ પહોંચાડવાના કારોબારમાં સામેલ હતો. અર્જુન અને નાયકે હિચેનની મદદથી ગોંગ જોડે સંપર્ક સાધવાનો હતો અને ગોંગની મદદથી ડ્રગ્સ માફિયા જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ સુધી પહોંચવાનું હતું.

ગુજરાતમાં થનારાં આતંકવાદી હુમલા સાથે જિયોન્ગ લોન્ગનો શું સંબંધ છે? એ પ્રશ્નનો ઉત્તર શોધવાની જવાબદારી અર્જુન અને નાયકના શિરે હતી. જીવનાં જોખમે જિયોન્ગ લોન્ગ જોડેથી આ માહિતી મેળવવી પડશે એ જાણતા હોવા છતાં અર્જુન અને નાયક આ માટે પૂર્ણતઃ તૈયાર હતાં.

અર્જુન અને નાયક શેખના વેશમાં પરફેક્ટ લાગે એ માટે એ બંને માટે એક મર્શિડીઝ કાર અને ડ્રાઈવરની વ્યવસ્થા પણ ફાતિમાએ કરી રાખી હતી. એ ડ્રાઈવરનું નામ શાહિદ હતું જે મૂળ જોર્ડનનો રહેવાસી હતો અને એ પણ ફાતિમાની માફક ફક્ત પૈસા માટે જ કામ કરતો. શાહિદની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કેમકે એ એકપણ ભારતીય ભાષા જાણતો નહોતો; અર્જુન અને નાયક વચ્ચેની વાતચીત સાંભળવા છતાં શાહિદ એ તરફ ધ્યાન ના આપે માટે ફાતિમાએ જાણીજોઈને એની પસંદગી અર્જુન અને નાયકના ડ્રાઈવર તરીકે કરી હતી.

અર્જુન અને નાયકના શાંઘાઈ આવ્યાનાં બીજા દિવસે જ ઑપરેશન ચક્રવ્યૂહનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું હતું. ફાતિમાના કહ્યાં પ્રમાણે બીજા દિવસે સાંજે સાત વાગે શાહિદ એક કાળા રંગની ઈ કલાસ મર્શિડીઝ લઈને હોટલ પેરેડાઈઝ આવી પહોંચ્યો હતો. કાર પોતાની માલિકીની હોય એવા ઠાઠ સાથે અર્જુન અને નાયક કારમાં બેઠા એ સાથે જ શાહિદે કારને ડોંગલિંગ રેસ્ટોરેન્ટ તરફ ભગાવી મૂકી.

ડોંગલિંગ રેસ્ટોરેન્ટમાં કૂતરાંનાં માંસમાંથી બનતી વાનગીઓ મળતી જે ભારતીયો અખાદ્ય સમજતા હોવાથી અહીં કોઈ ભારતીય ગ્રાહક આવતું નહોતું, આથી અર્જુન અને નાયકને કોઈ શકની નજરે જોવે એવી શક્યતા ખૂબ જ ઓછી હતી.

શેખાવત દ્વારા હિચેનનો ફોટો બતાવેલો હોવાથી અર્જુન અને નાયકે રેસ્ટોરેન્ટમાં પ્રવેશતા જ હિચેનને પોતાનો ઓર્ડર લેવા માટે આવવા કહ્યું. પ્રથમ દિવસે અર્જુને અને નાયકે પોતાના માટે વેજ ડિશ અને ઈંડાની વાનગીઓ મંગાવી કેમકે, અર્જુન ભાગ્યે જ નોનવેજને હાથ અડકારતો હતો. પ્રથમ દિવસે જ હિચેનને શેખ બનેલાં અર્જુન જોડેથી એકસો ત્રીસ યુઆન જેવી માતબર રકમ ટીપ સ્વરૂપે મળી હતી; જે એના બે-ત્રણ દિવસના પગારની સમકક્ષ હતી.

બીજા દિવસે અર્જુને નાછૂટકે ચિકન ડિશ ઓર્ડર કરી કેમકે જો નોનવેજ માટે પ્રખ્યાત રેસ્ટોરેન્ટમાં જમવા આવવા છતાં જો કોઈ વેજ ડિશ મંગાવે તો એમની ઉપર કોઈને શક જવાની સંભાવના હતી. બીજા દિવસે પણ હિચેનને દોઢસો યુઆનની ટીપ અર્જુને આપી. અર્જુન ઈચ્છતો હતો કે હિચેન સામે ચાલીને એમની મદદ કરવા આગળ ધપે, અને કોઈ વ્યક્તિને પોતાની તરફ આકર્ષવાનું સૌથી મોટું માધ્યમ હતું એની અપેક્ષા કરતા એને કરવામાં આવતો આર્થિક લાભ.!

આખરે ત્રીજા દિવસે અર્જુનની યુક્તિ સફળ નીવડી અને હિચેને સામે ચાલીને અર્જુન અને નાયકને અન્ય કોઈ વસ્તુની જરૂર હોય તો પોતાને જણાવવાનો આગ્રહ મૂક્યો.

માછલી પોતાની જાળમાં ફસાઈ ચૂકી છે એ સમજી ચૂકેલા અર્જુને પોતાને પાવડર એટલે કે ડ્રગ્સની જરૂર હોવાની વાત કરી અને એમાં પણ સારી ક્વોલિટીના ડ્રગ્સની સગવડ કરવાનું કહ્યું. આમ કરવા પર કમિશનની લાલચે હિચેન પોતાના ડ્રગ સપ્લાય કરતા મિત્ર ગોંગની પોતાની સાથે મુલાકાત કરાવશે એવો અર્જુનને વિશ્વાસ હતો, જે સાચો પડ્યો.

રાતનાં પોણા દસ થઈ ચૂક્યાં હતાં, અર્જુન અને નાયક હોટલ શાંઘાઈ પેરેડાઈઝનાં ચોથા માળે આવેલાં રૂમ નંબર ચારસો બત્રીસમાં ગોંગની રાહ જોઈને બેઠાં હતાં. અર્જુન અને નાયક હજુપણ આરબ લોકોની માફક માથે ઈગલ અને ગુટરા બાંધીને બેઠા હતાં. અર્જુન સામાન્ય રીતે થોડી ઘણી બિયર્ડ રાખતો હોવાથી હુસેનીના વેશમાં એ સહજ લાગી રહ્યો હતો પણ સફાચટ ચહેરો રાખતો નાયક રહેમાનીના વેશમાં દાઢીમાં થોડો વિચિત્ર જરૂર લાગી રહ્યો હતો.

અર્જુન અને નાયકે પોતપોતાની રિવોલ્વર પણ હાથવગી રાખી હતી કેમકે ચીનમાં આવ્યાં બાદ અસાવધાન રહેવું પોષાય એમ નહોતું. ગોંગ જિયોન્ગ લોન્ગ સુધી પહોંચવાનું બીજું પગથિયું હતું કેમકે ગોંગ અને લોન્ગ વચ્ચે હજુ એક બીજું પગથિયું આવતું હતું જેનું નામ હતું નુવાન યાંગ લી, શાંઘાઈનો સૌથી મોટો ડ્રગ ડીલર, જિયોન્ગ લોન્ગનો માસીનો દીકરો અને લોન્ગનો સૌથી વધુ વિશ્વસ્થ માણસ. જેના જોડે લોન્ગ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ડ્રગ્સને પૂરી દુનિયામાં પહોંચાડવાની જવાબદારી હતી.

જેવો ઘડિયાળમાં કલાક કાંટો દસ પર અને મિનિટ કાંટો બાર પર આવીને અટક્યો એ સાથે જ અર્જુન અને નાયકના રૂમની ડોર બેલ વાગી.

નાયક ફટાફટ દરવાજા જોડે ગયો અને પીપહોલમાંથી બહાર કોણ હતું એ જોયું. આમ કરતા જ નાયકના ચહેરાના ભાવ એકાએક પરિવર્તિત થઈ ગયાં. અચરજ પામેલો નાયકનો ચહેરો એ વાતની ચાડી ખાઈ રહ્યો હતો કે ડોરબેલ વગાડનાર ગોંગ નહીં બીજું કોઈ હતું.!

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)