Operation Chakravyuh - 1 - 4 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 4

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-4

બે અઠવાડિયા પહેલા, અમદાવાદ

"હા, ઓફિસર..તમારે અને નાયકે ચીન જવાનું છે." રાજવીર શેખાવતે અર્જુન તરફ જોતા કહ્યું. "ગુજરાત પર જે હુમલો થવાનો છે એના તાર ચીન સાથે પણ જોડાયેલા હોવાનું અમને માલુમ પડ્યું છે."

"કાસમની ઝૂંપડીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ઝૂંપડીમાં લાગેલી આગમાં મહદઅંશે સળગી ગયો હતો. મોબાઈલ તો અમારા કંઈ કામનો નહોતો રહ્યો પણ એની અંદર મોજુદ સીમ કાર્ડ અમારા માટે ખૂબ કામનું પુરવાર થયું. અમે એ સીમકાર્ડની કોલ ડિટેઈલ નીકાળી તો જાણવા મળ્યું કે એ નંબર પરથી એક અન્ય નંબર પર દર બે દિવસે રાતે દસ વાગે કોલ કરવામાં આવતો હતો. અમે તાત્કાલિક એ નંબરની ડિટેઈલ નીકાળી તો જાણવા મળ્યું કે એ નંબર પર અન્ય દસ નંબર પરથી કોલ આવતા હતાં અને એ બધાં નંબર ગુજરાતનાં વિવિધ સ્થળોએ જે-તે સમયે એક્ટિવેટ હતાં. આ બધાં નંબર ગુજરાતમાં રહેતા અન્ય સ્લીપર સેલનાં હોવાની શક્યતાઓ પ્રબળ છે."

"જે દિવસે કાસમ સાથે આ ઘટના બની એના બીજા દિવસથી આ બધા નંબર બંધ આવે છે..આ સિમકાર્ડ બનાવટી ડોક્યુમેન્ટ પરથી જ ખરીદાયા હશે એટલે એ દિશામાં તપાસ કરવી વ્યર્થ હતી. પણ, કાસમ જે નંબર સાથે સંપર્કમાં હતો એ નંબર પરથી એક અન્ય નંબર પર દરરોજ વાત થતી હતી. આ નંબર +86 થી શરૂ થાય છે, મતલબ આ નંબરનો ઉપયોગ કરનાર વ્યક્તિ ચીનમાં છે."

"તો પછી તમે એ નંબર કોનો છે એની માહિતી પણ મેળવી હશે.?" રુદ્ર પ્રતાપ શર્માએ પૂછ્યું.

"હા ઈન્ટેલિજન્સ બ્યુરોએ જેવી જ આ અંગે અમને માહિતી આપી અમે અમારી આઈ.ટી ટીમને આ ચીનની ટેલિકોમ કંપનીનાં નંબરની ડિટેઈલ નિકાળવાનું કહ્યું." રાજવીર શેખાવતે શર્માના પ્રશ્નનો પ્રતિભાવ આપતા કહ્યું. "અમારી આઈ.ટી ટીમે એ નંબરની ડિટેઈલ કઢાવી તો અમારી સામે જે માહિતી આવી એ ખરેખર આશ્ચર્ય ઉપજાવનારી છે."

"તમે જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગનું નામ સાંભળ્યું છે.?" પંદરેક સેકંડનો પોઝ લીધા બાદ રાજવીર શેખાવતે પૂછ્યું.

થોડું વિચાર્યા બાદ શેખાવતના પૂછાયેલાં આ સવાલનો ઉત્તર આપતા અર્જુને કહ્યું.

"હું ખોટો ના હોઉં તો જિયોન્ગ લોન્ગ ચીનનો સૌથી મોટો ડ્રગ ઉત્પાદક છે. શાંઘાઈમાં એની ડ્રગ્સની મોટી ફેકટરીઓ છે, જેમાં દુનિયાભરમાં વપરાતી વિવિધ ડ્રગ્સ બને છે. ચાઈનીઝ ગવર્મેન્ટ આ વિશે જાણતી હોવા છતાં આંખ આડા કાન રાખે છે કેમકે, જિયોન્ગ લોન્ગ એમને વર્ષે લાખો ડોલરની આવક પૂરી પાડે છે."

અર્જુન પોતાની વાત પૂર્ણ કરે એ પહેલા નગમાએ પ્રોજેક્ટરની મદદથી પદડા પર જિયોન્ગ લોન્ગની છબી ઉપસાવી દીધી હતી. આંખે ગોગલ્સ અને માથે ટાલ ધરાવતો જિયોન્ગ લોન્ગ ચહેરા પરથી જ અપરાધી જેવો લાગી રહ્યો હતો. વધારામાં એના જમણા હોઠની ઉપરની બાજુથી લઈને જમણા ગાલની મધ્ય સુધી બનેલું ટાંકા લેવાનું નિશાન એની છબીને વધુ ભયાવહ બનાવતું હતું.

"ખૂબ સરસ!" અર્જુનની તરફ જોઈ શેખાવતે કહ્યું. "અત્યાર સુધી તો ચીનની સરકાર જ પાકિસ્તાનનાં આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડતી હતી..પણ હવે જો ચીનની સરકાર જિયોન્ગ લોન્ગ મારફતે આતંકવાદીઓને ફંડીગ કરી રહી છે તો આનો અર્થ છે કે ગુજરાતમાં જે આતંકવાદી હુમલો થવાનો છે એ તમારી અને મારી કલ્પનાથી ઘણો મોટો હશે."

"ચીનની સરકાર આ આતંકવાદી હુમલાની તપાસ થાય ત્યારે દુનિયામાં પોતાનું નામ ના ખરડાય એ હેતુથી જિયોન્ગ લોન્ગનો ઉપયોગ કરી રહી છે." નગમાએ કહ્યું. "જો આપણે આ હુમલો રોકવો જ હશે તો બે કામ કરવા અગત્યના છે. પ્રથમ એ કે પાકિસ્તાન જઈ બલવિંદરની ડાયરી મેળવવી પડશે અને બીજું એ કે ચીન જઈને જિયોન્ગ લોન્ગ જોડે કોઈપણ રીતે મિત્રતા કેળવી આ હુમલો ક્યાં થવાનો છે એ વિશે શક્ય એટલી માહિતી એકઠી કરવી પડશે."

"પણ હું અને નાયક જિયોન્ગ લોન્ગ સુધી કઈ રીતે પહોંચીશું.?" અર્જુને નગમાની વાત પૂર્ણ થતાં જ સવાલ કર્યો.

"એ માટે અમારી જોડે એક આઈડિયા છે.!" આટલું કહી રાજવીર શેખાવતે અર્જુન અને નાયકને એ બંનેને જિયોન્ગ લોન્ગ સુધી કઈ રીતે પહોંચવાનું છે એ વિશેની તબક્કાવાર માહિતી આપવાનું શરૂ કર્યું. સાથે એ લોકોને કામ પૂરું થયાં બાદ કયાં રસ્તે ભારત પાછા આવવાનું એ પણ શેખાવતે વિસ્તારપૂર્વક જણાવી દીધું. આ દરમિયાન શેખાવત દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબનાં ફોટો નગમા સ્ક્રીન પર પ્રોજેક્ટરની મદદથી પ્લે કરી રહી હતી.

શેખાવતની વાત સાંભળ્યા બાદ અર્જુન એકાદ મિનિટ સુધી આખી યોજનાને મનોમન મમરાવતો રહ્યો. રાજવીર શેખાવતની પૂરી યોજના એકદમ પરફેક્ટ હોવાનું લાગતાં અર્જુને નાયક ભણી જોતા કહ્યું.

"નાયક, જઈશું ને ચીન?"

"સાહેબ, એમાં પૂછવાનું થોડું હોય..મારે પણ ત્યાં જઈને એ ચેક કરવું છે કે ત્યાંના લોકો એકબીજાનો ચહેરો કઈ રીતે યાદ રાખતાં હશે..મને તો સાલા બધાં ચીનીઓ એક સરખા જ લાગે છે.!"

નાયકની વાત સાંભળી કોનફરન્સ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. અર્જુન અને નાયકને એમને ચીનમાં શું કરવાનું હતું એની માહિતી આપ્યા બાદ શેખાવતે માધવ અને નગમાને ઉદ્દેશીને કહ્યું.

"નગમાએ અત્યાર સુધી અંડરકવર એજન્ટ તરીકે જ કામ કર્યું છે અને ક્યારેય ઓફિસમાં આજસુધી પગ નથી રાખ્યો એટલે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા જોડે એના વિશે રતીભાર માહિતી કે એનો ફોટો નથી. આથી બલવિંદરની ડાયરી શોધવા નગમા પાકિસ્તાન જાય તો કોઈ જોખમ નથી."

"ઓફિસર માધવ, નગમા પોતાના કામ પ્રત્યે એકદમ ચોકસ છે એટલે તમને એમની સાથે કામ કરવામાં મજા આવશે."

માધવે આ દરમિયાન નગમા સામે જોઈને મોટી સ્મિત આપી, જેનો ઠંડો પ્રતિભાવ આપતા નગમાએ માંડ હોઠનાં ખૂણા પહોળા કર્યાં.

"નગમા, તારે અને માધવે અહીંથી કુવૈત સીટી જવાનું છે અને કુવૈતથી ઇસ્લામાબાદ." રાજવીર શેખાવતે પાકિસ્તાનમાં થનારા ઑપરેશનની માહિતી આપતા કહ્યું. "કુવૈત સાથે પાકિસ્તાનના રાજદ્વારી સંબંધો સારા હોવાથી તમે સરળતાથી પાકિસ્તાનમાં પ્રવેશી શકશો."

જે રીતે શેખાવતે અર્જુન અને નાયકને ચીનમાં જઈને કઈ રીતે પોતાનું મિશન પૂરું કરવાનું છે એની માહિતી આપી હતી એમજ એમને માધવ અને નગમાને સ્ટેપ બાય સ્ટેપ એમને પાકિસ્તાનમાં શું કરવાનું અને કઈ રીતે પાકિસ્તાનમાંથી નીકળવાનું એની સંપૂર્ણ માહિતી આપી.

ડી.આઈ.જી રુદ્ર પ્રતાપ શર્મા પણ શેખાવત અને રૉ દ્વારા આ મિશનને સફળ બનાવવા હેતુ જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું એ સાંભળી બેહદ ખુશ હતાં.

"તો સર, જ્યારે એક મહિના બાદ ગુજરાતમાં મોટો આતંકવાદી હુમલો થવાની શકયતા છે ત્યારે અમારે દસ દિવસ શું કામ બગાડવા જોઈએ." અર્જુને કહ્યું. "મને લાગે છે અમારે આવતીકાલે જ પોતપોતાના મિશન પર નીકળી જવું જોઈએ."

"હું આપની વાત સાથે સહમત છું એસીપી અર્જુન..અને મને તમારો આ જોશ પસંદ પણ આવ્યો." શેખાવતે કહ્યું. "પણ હું તમને દસ દિવસ બાદ તમારા મિશન પર એટલે મોકલવા માંગુ છું કેમકે આ મિશન પર ગયા પહેલા તમે પૂરતા ટ્રેઈન થઈ જાવ એ જરૂરી છે."

"તમારે બધાંએ વેશ બદલીને જવાનું છે એટલે તમે જે વેશ ધારણ કરવાનાં છો એ બનાવટી ના લાગે એ માટે બોલ-ચાલની રીત અને ચહેરાનાં હાવભાવ એકદમ પરફેક્ટ હોય એ ખૂબ જ જરૂરી છે. જો દુશ્મનને થોડો પણ શક જાય તો તમારાં જીવ પર જોખમ હોવાની સાથે આ ઑપરેશન નિષ્ફળ જવાના પૂરતા ચાન્સ છે. અને ઑપરેશન જો નિષ્ફળ જાય તો આપણે શું ગુમાવવું પડે એ તો તમે જાણી જ ગયા છો!"

"આ દસ દિવસોમાં તમને આ ઑપરેશન માટે પૂરતા તાલીમબદ્ધ કરવામાં આવશે. વિવિધ ટેક્નિકલ ગેઝેટ અને હથિયારોનાં ઉપયોગ, માર્શલ આર્ટની તાલીમ અને તમારા નવા વેશને સાનુકૂળ થવા માટેની ટ્રેઈનિંગ પણ તમને આપવામાં આવશે."

"હમ્મ..બરાબર..!" અર્જુને હકારમાં ગરદન હલાવતા કહ્યું.

"ઓફિસર, તમારે લોકોએ અત્યારે ઘરે જવું હોય તો જઈ શકો છો." રાજવીર શેખાવતે અર્જુન, નાયક અને માધવને કહ્યું. "આવતીકાલે સાંજે સાત વાગે તમે પોતાનો જરૂરી સમાન લઈને અમદાવાદ એરપોર્ટ આવી જજો. હું અને નગમા ત્યાં પહેલેથી હાજર હોઈશું."

"હા, અમે આવતીકાલે સાંજે સાત વાગે અચૂક આવી જઈશું." માધવ અને અર્જુને કહ્યું.

"તમે આજે મારી નજરમાં ઇન્ડિયન પોલીસનું સ્થાન પહેલા કરતાં ઘણું વધારી દીધું છે." ગર્વભેર રાજવીર શેખાવતે કહ્યું.

"આ મિશનને કોઈ નામ આપીએ તો!" ડી.આઈ.જી શર્માએ કહ્યું.

"કેમ નહીં..!" શેખાવતે બે સેકંડ અટકીને કહ્યું "આપણાં આ મિશનનું નામ હશે ઑપરેશન ચક્રવ્યૂહ..!

"ઑપરેશન ચક્રવ્યૂહ.!" ત્યાં મોજુદ બધાં એકસાથે બોલી પડ્યાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)