Operation Chakravyuh - 1 - 6 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 6

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-6

અર્જુન અને નાયક જે દિવસે મુંબઈથી દુબઈ પહોંચ્યા એ દિવસે ઓફિસર નગમા શેખ અને માધવ મુંબઈથી કુવૈત સીટી આવ્યાં. પોતાના પુષ્કળ ખનીજ તેલનાં ભંડારોનાં લીધે કુવૈતે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિ કરી છે, જેનું ઉદાહરણ છે કુવૈત સીટીમાં આવેલી આલીશાન બહુમાળી ઈમારતો અને કુવૈતના રસ્તાઓ પર દોડતી મોંઘીદાટ મોટરકારો.

માધવ અને નગમાએ ત્રણ દિવસ કુવૈત સીટી જ રોકાવાનું હતું કેમેકે એ બંને માટે જરૂરી દસ્તાવેજ અને પાસપોર્ટની સગવડ થતાં બે-ત્રણ દિવસ લાગી જવાના હતાં. માધવ અને નગમા કુવૈત સીટીમાં ફોર સિઝન નામક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા. કુવૈતમાં ઇબ્રાહિમ નામક ડ્રાઈવરનો વેશ ધરીને રહેતો સતપાલ સિંહ નામક રૉ એજન્ટ માધવ અને નગમાને એ દિવસે જ હોટલ ફોર સિઝન પર મળવા આવ્યો જે દિવસે એ બંને ત્યાં પહોંચ્યાં હતાં.

ઑપરેશન ચક્રવ્યૂહ પૂર્ણતઃ સફળ બને એ માટેનું સુદૃઢ આયોજન રાજવીર શેખાવતે કરેલું હતું. સતપાલે ત્યાં આવીને એ બંનેનાં ફોટો પોતાના મોબાઈલમાં ક્લિક કર્યાં અને ત્યાંથી નીકળી ગયો. ફોટો પાડીને ગયાનાં બે દિવસ પછી સતપાલ પાછો નગમા અને માધવને મળવા હોટલ ફોર સિઝન આવ્યો.

આ વખતે સતપાલ જોડે નગમા અને માધવ માટે બે કુવૈતીયન પાસપોર્ટ અને કુવૈત સીટીના ડ્રાઈવિંગ લાયસન્સ અને બેન્કની પાસબૂક મોજુદ હતી. આ બંને નકલી પાસપોર્ટ મુજબ માધવનું નવું નામ હતું યુસુફ સિદ્દીકી અને નગમાનું નૂરજહાં સિદ્દીકી.

પાકિસ્તાન એરપોર્ટ ઉપર કુવૈતીયન નાગરિકોની વધુ તપાસ કરવામાં નથી આવતી એ જાણતા સતપાલે નગમાને બે-ત્રણ ગેઝેટ્સ આપ્યા પણ અન્ય કોઈ હથિયાર આપવાની સાફ ના પાડી દીધી. હથિયારો અને અન્ય જરૂરી સામાન લેવા નગમા અને માધવને પાકિસ્તાનમાં કોને જઈને મળવાનું હતું એ સતપાલે નગમાને જણાવી દીધું. આ ઉપરાંત સતપાલ એ લોકો માટે એક ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને બે લાખ પાકિસ્તાની રૂપિયા પણ લાવ્યો હતો જેથી એમને પૂરા મિશન દરમિયાન કોઈ નાણાંભીડનો સામનો ના કરવો પડે.

સતપાલે નગમા અને માધવને પાકિસ્તાનમાં આંખ અને કાન ખુલ્લા રાખી દરેક ડગલું ભરવા સલાહ આપી અને સાથે એ પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં પૈસાથી બધું જ ખરીદાય છે બસ કિંમત સાચી લગાવતા આવડવુ જોઈએ.

સતપાલ મળીને ગયો એના એક દિવસ બાદ નગમા અને માધવ પોતાની નવી ઓળખ સાથે ઇસ્લામાબાદ જવા નીકળી પડ્યાં. ઇસ્લામાબાદ આવીને એ બંને ટેક્સીની મદદથી સીધા રાવલપિંડી આવ્યા અને ખેબર લોજ નામક એક હોટલમાં રૂમ ભાડે રાખીને રોકાયા.

રાવલપિંડી આવ્યાનાં બીજા દિવસથી જ નગમા અને માધવ પોતપોતાના કામે લાગી ગયાં. એ લોકોએ હવે સૌપ્રથમ પોતાના માટે હથિયારો અને સેટેલાઇટ ફોનની વ્યવસ્થા કરવાની હતી; અને આ કામ માટે એમને મળવાનું હતું દિલાવર ખાનને.!

મૂળ બ્લુચીસ્તાનનો રહેવાસી દિલાવર નાનપણથી આઝાદ બ્લુચીસ્તાનનું સપનું જોતો હતો. જેમ કાશ્મીર ભારત માટે માથાનો દુખાવો બની ગયું છે એમ બ્લુચીસ્તાન પાકિસ્તાન માટે માથાનો મોટો દુખાવો બની ગયું છે. અફઘાનિસ્તાન અને ઈરાનને સ્પર્શતો પશ્ચિમ પાકિસ્તાનનો વિસ્તાર બ્લુચીસ્તાન તરીકે જાણીતો છે. બ્લુચીસ્તાન ખનીજ સંપદામાં સમૃદ્ધ પ્રદેશ છે, પાકિસ્તાની સરકાર બ્લુચીસ્તાનમાંથી આ ખનીજો પોતાની જરૂર મુજબ નિકાળે તો છે પણ ક્યારેય બલૂચ વિસ્તારનાં વિકાસ માટે પ્રયત્નો નથી કરતી. વર્ષોથી પોતાની થતી આવેલી ઉપેક્ષાનાં લીધે સિત્તેરનાં દશકમાં બ્લુચીસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરોધી લોકજુવાળ ફાટી નીકળ્યો છે.

એ દરમિયાન બ્લુચીસ્તાનમાં બ્લુચીસ્તાન લિબરેશન આર્મી (BLA) નામક એક સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સંગઠનનું મુખ્ય કામ હતું બ્લુચીસ્તાનનાં કચડાયેલા લોકોને એકજૂથ કરી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો. જેમાં BLA સફળ પણ થયું. આમ છતાં વર્ષોથી પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન આર્મી સાથેનાં સંઘર્ષ પછી પણ બ્લુચીસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવામાં BLA નિષ્ફળ ગયું. આમાં અમેરિકા અને બ્રિટનની પાકિસ્તાન સરકારને કરવામાં આવેલી મદદ પણ મહદઅંશે કારણભૂત હતી.

જ્યારે પુરી દુનિયા BLAને આતંકવાદી સંગઠન માની રહી હતી ત્યારે દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નીતિ મુજબ ભારતીય સરકાર અને ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ BLAને નાની-મોટી મદદ કરવાનું શરૂ કર્યું. આ કારણથી BLA અને RAW વચ્ચે અમુક મૌન સમજૂતીઓ થઈ, જે મુજબ BLAનાં ઘણા માણસો ભારતની મદદ માટે તૈયાર થયાં.

દિલાવર ખાન પણ ભૂતકાળમાં BLAનો જ એક સદસ્ય હતો પણ હવે એ પિંડીમાં રહીને રૉનાં જાસૂસોને મદદ પુરી પાડતો હતો. દિલાવરની એક શરત હતી કે એ રૉનાં જાસૂસોની ફક્ત રૂબરૂમાં મદદ કરશે બાકી ક્યારેય ફોન પર એની મદદ માંગવામાં નહીં આવે.

નગમા અને માધવને દિલાવરનું સરનામું તો જણાવાયું હતું પણ દિલાવરને એમના આગમન અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી એ વાત પણ એમને ખબર હતી, આથી ત્યાં ખૂબ સાવચેતી સાથે જવાનું છે એ વાતથી બંને બરાબર વાકેફ હતાં. નગમા અને માધવને દિલાવરને મળવાનું હતું અને પોતાની ઓળખ આપીને એની જોડેથી પોતાને જરૂરી વસ્તુઓ માંગવાની હતી. જરૂરી વસ્તુઓ સિવાય પણ દિલાવર જોડેથી એક મહત્વની માહિતી મળવાની નગમાને આશા હતી અને એ માહિતી હતી 'આખરે બલવિંદર સાથે હકીકતમાં શું થયું હતું?'

સવારે સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી માધવ અને નગમા હોટલમાંથી બહાર નીકળ્યાં. હોટલથી થોડે દુર સુધી ચાલીને ગયાં બાદ માધવે એક ટેક્સી ભાડે કરી. આ ટેક્સીનો ડ્રાઈવર એક પંચાવન-સાઠ વર્ષનો મુસ્લિમ વ્યક્તિ હતો. માધવે જાણીજોઈને ઉંમરલાયક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી ટેક્સી ભાડે કરી હતી, જેથી એ લોકોની ઓળખ છતી થવાની સંભાવના શક્ય એટલી ઓછી રહે.

ખેબર લોજથી નીકળીએ એ બંનેને અઝીઝ કોલોની પહોંચવાનું હતું જ્યાં સ્ટ્રીટ નંબર છમાં આવેલાં મકાન નંબર ૨૭/૨માં દિલાવર રહેતો હતો. ખેબર લોજથી અઝીઝ કોલોનીનો રસ્તો આમ તો અડધા કલાકનો હતો પણ નગમાએ જાણીજોઈને ટેક્સીને કલ્યાલ શરીફ લઈ જવાનું કહ્યું, જે અઝીઝ કોલોનીથી બીજા રસ્તે આવેલો વિસ્તાર હતો.

કલ્યાલ શરીફ ટેક્સીમાંથી ઊતર્યા બાદ માધવ અને નગમાએ ત્યાંથી એક બીજી ટેક્સી ભાડે કરી અને એ ટેક્સી ચાલકને ટેક્સી અઝીઝ કોલોની લઈ જવા કહ્યું. અઝીઝ કોલોની સ્ટ્રીટ નંબર છ આગળ ઉતરવાના બદલે માધવ અને નગમા સ્ટ્રીટ નંબર ચાર જોડે આવેલી ફૈઝલ બેંક જોડે ઊતર્યા. ભાડું લઈને ટેક્સી ડ્રાઈવર એમની નજરોથી ઓઝલ થયો એ સાથે જ નગમા અને માધવ સ્ટ્રીટ નંબર છ તરફ ચાલી નીકળ્યાં.

હોટલથી ડાયરેકટ ટેક્સી કરવાના બદલે થોડાં આગળથી ટેક્સી કરવી, ટેક્સી ડ્રાઈવર તરીકે વૃદ્ધ વ્યક્તિની પસંદગી, ટેક્સીને સીધી ગંતવ્ય સ્થાને લઈ જવાને બદલે ટેક્સી બદલી-બદલીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવું આ બધી નાની પણ કામની બાબતો નગમા અને માધવે ખૂબ સારી રીતે અમલમાં મૂકી હતી.

ભૂલેચૂકે જો કોઈ એમનો પીછો કરે તો એમના સુધી સરળતાથી પહોંચી ના શકે એ માટેની આ વ્યૂહાત્મક ગોઠવણ હતી. અઝીઝ કોલોનીની તંગ ગલીઓમાં વીસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ નગમા અને માધવ સ્ટ્રીટ નંબર છમાં આવેલાં દિલાવરના રહેણાંક આગળ આવી પહોંચ્યા.

ગલીમાં રમતાં એક આઠેક વર્ષનાં બાળકને પૂછીને માધવ અને નગમા આખરે મકાન નંબર ૨૭/૨ સુધી પહોંચવમાં સફળ થયાં. એ બંને જેવા દિલાવરના મકાન આગળ પહોંચ્યાં એ સાથે જ એમનું હૃદય ધબકારો ચૂકી ગયું. દિલાવરનાં મકાનનાં દરવાજે એક તાળું લટકી રહ્યું હતું. હતાશા એ બંનેના મનને ઘેરી વળી.

પડોશમાં પૂછપરછ કરતા નગમા અને માધવને માલુમ પડ્યું કે દિલાવર ત્યાં છેલ્લાં એક મહિનાથી નથી આવ્યો. આ વાત માધવ અને નગમા માટે આંચકા સમાન હતી. જો દિલાવર નહીં મળે તો જરૂરી હથિયારો વિના જ એ લોકોએ પોતાના કામને આગળ ધપાવવું પડશે એ વિચારી એ બંનેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું..કેમકે, પાકિસ્તાનમાં વગર હથિયારે પોતાના મિશનને અંજામ આપવો એ લગભગ અશક્ય કામ હતું.

ઑપરેશન ચક્રવ્યૂહની સફળતા માટે દિલાવર મહત્વનો વ્યક્તિ હતો એટલે નગમા અને માધવે અડધો-પોણો કલાક સુધી દિલાવરના ઘરની સામે આવેલી એક ચાની દુકાને બેસીને એની રાહ જોઈ. વધુ સમય ત્યાં બેસી રહેવામાં જોખમ અનુભવતા એ બંનેએ ખાલી હાથે જ હોટલ પાછા ફરી જવું વધુ મુનાસીબ સમજ્યું.

દિલાવર ના મળતા હતાશામાં ડૂબેલા માધવ અને નગમા ચાની હોટલમાંથી નીકળી મેઈન રોડ તરફ અગ્રેસર થયાં. ઑપરેશન ચક્રવ્યૂહની સફળતાનો બહુ મોટો મદાર દિલાવર ઉપર રહેલો હોવાનું જાણતા નગમા અને માધવ આગળ શું થશે એ વિશે વિચારતા-વિચારતા આગળ વધી રહ્યાં હતાં ત્યાં એ બંનેની પીઠ પર કોઈ નળી આકારની વસ્તુનો સ્પર્શ થયો, જેનાં સમાંતર એક પહાડી અવાજ એમનાં કાને પડ્યો.

"ચૂપચાપ આગળ ચાલો.. કોઈ જાતની હરકત કરવાની કોશિશ કરી છે તો મારા હાથમાં રહેલી રિવોલ્વરનું ટ્રિગર દબાતા એક સેકંડ પણ નહીં લાગે.!"

અચાનક આવી ચડેલી આ આફતમાંથી કઈ રીતે છૂટકારો મળશે એ ના નગમાને સમજાઈ રહ્યું હતું ના માધવને.!!

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)