Operation Chakravyuh - 1 - 7 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 7

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-7

દરવાજાનાં પીપહોલમાંથી નાયકે બહાર ઉભેલી વ્યક્તિનો ચહેરો જોયો તો આશ્ચર્ય સાથે એને અર્જુન તરફ જોઈ નકારમાં ગરદન હલાવી. નાયકના આમ કરવાનો અર્થ હતો કે બહાર ગોંગ નહીં પણ બીજું કોઈ છે.

અર્જુને નાયકને દરવાજાની આડશમાં છુપાઈને ઊભાં રહેવાનો ઈશારો કર્યો અને પોતે રિવોલ્વરને પોતાના કુર્તાની નીચે છુપાવી દરવાજા તરફ આગળ વધ્યો. અર્જુને પીપહોલમાંથી જોયું તો બહાર એક ચાઈનીઝ યુવતી ઊભી હતી, જે દરવાજો ખોલવાની રાહ જોઈ રહી હતી.

એ યુવતી બીજી વખત ડોરબેલ વગાડવા જતી હતી એ જ સમયે અર્જુને ફટાક કરતો દરવાજો ખોલી દીધો.

"કોનું કામ છે.?" દરવાજો ખોલતાંની સાથે અર્જુને એ યુવતીને પૂછ્યું.

અર્જુને ધ્યાનથી જોયું તો એ યુવતી કસરતી શરીર ધરાવતી હતી અને તંદુરસ્ત હતી. એના ખુલ્લા હાથના સ્નાયુઓ તંગ અને કસાયેલા હતા અને ચહેરા પર સ્ત્રીસહજ કુમાશનો અભાવ હતો.

"તમે મિસ્ટર હુસેની છો..?" એ યુવતીએ જવાબ આપવાના બદલે સામો સવાલ કર્યો.

"હા." અર્જુને ટૂંકમાં પતાવ્યું.

"શેખ સાહેબ, હું ગોંગ છું." એ યુવતીનો અવાજ હવે બદલાઈ ચૂક્યો હતો. "મને હિચેને મોકલ્યો છે."

અર્જુને ફટાફટ દરવાજો પૂરો ખોલ્યો અને યુવતીનો વેશ ધરીને આવેલાં ગોંગને અંદર આવવા કહ્યું.

ગોંગે અંદર આવતા જ માથેથી નકલી વિગ ઉતારી દીધી એટલે અર્જુન અને નાયકને પાકો વિશ્વાસ બેઠો કે એ જ ગોંગ હતો. અમદાવાદ ખાતે જ્યારે અર્જુનને એમના મિશન અંગેની માહિતી શેખાવત દ્વારા આપવામાં આવી ત્યારે આ મિશન સાથે જોડાયેલા દરેક વ્યક્તિના ચહેરા એમને બતાવવામાં આવ્યાં હતાં. એમને બતાવવામાં આવેલો ગોંગનો ચહેરો અત્યારે એમની સામે ઊભેલી વ્યક્તિ સાથે મળતો હતો.

"આ વેશમાં આવવાનું કારણ.?" નાયકે ગોંગને પૂછ્યું.

"ચાઈનીઝ પોલીસથી બચવા ક્યારે આવા નાના-મોટા ગતકડા કરવા પડે છે મિસ્ટર રહેમાની..!" ગોંગે આટલું કહી અર્જુન અને નાયક રોકાયા હતાં એ રૂમમાં અપલક દ્રષ્ટિ નાંખી. ટેબલ પર પડેલ કુરાન-એ-શરીફ પર ગોંગની નજર પડી હતી જે અર્જુને જાણીજોઈને ટેબલ પર રાખી હતી.

"અમારે શેની જરૂર છે એ તો મિયા હિચેને જણાવ્યું જ હશે.?" અર્જુને ગોંગને ઉદ્દેશીને કહ્યું.

"હા, હિચેને કહ્યું કે તમારે સારામાં સારી ક્વોલિટીનો પાવડર જોઈએ છે.." ગોંગે કહ્યું અને પછી ઠાવકાઈથી ઉમેર્યું. "અને શાંઘાઈમાં સૌથી સારી ક્વોલિટીનો પાવડર જો કોઈ વ્યક્તિ જોડેથી મળી શકે તો એ છે ગોંગ ધ ગ્રેટ.!"

"એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે પાવડરનાં દર્શન થશે." નાયક રુક્ષ સ્વરે બોલ્યો.

"આ રહ્યા ચીનનાં ટોપ ક્વોલિટી ડ્રગ્સ.." આટલું કહી ગોંગે પોતાના લોન્ગ સ્કર્ટમાં રોલ કરીને રાખેલું એક કપડું બહાર નિકાળીને પલંગ પર પાથરી દીધું.

આ કપડા પર વિવિધ પ્રકારની ડ્રગ્સ દસ-દસ ગ્રામની પ્લાસ્ટિક ઝીપર બેગમાં ભરીને સેલોટેપથી કતારબંધ લગાવવામાં આવી હતી. ડ્રગ્સ છૂપાવવાનો આ નાયાબ કીમિયો જોઈને અર્જુન મનોમન ગોંગની કાબેલિયત પર ખુશ થઈ ગયો.

આ સાથે જ ગોંગે અર્જુન અને નાયકને વિવિધ ડ્રગ્સ વિશે જણાવવાનું શરૂ કર્યું જે એ પોતાની સાથે લઈને આવ્યો હતો.

"આ છે દુનિયાભરમાં સૌથી વધુ વેચાતી ડ્રગ્સ હેરોઈન, કોકેઇન અને મારીજુઆના. આ ઉપરાંત આ હશીશ, એલએસડી, કેટેમાઇન અને મેસ્કેલાઈન પણ હમણાથી અમેરિકા, યુરોપ અને એશિયામાં બહુ ડિમાન્ડમાં છે. આ ઉપરાંત જો તમે ઈન્જેકટ કરીને ડ્રગ્સ લેતા હોય તો MDMA અને એનબોલીક સ્ટેયરોઇડ બેસ્ટ વસ્તુ છે."

નાયક તો પ્રથમ વખત આટલી બધી ડ્રગ્સના નામ સાંભળી રહ્યો હતો જ્યારે અર્જુન માટે પણ ત્રણ-ચાર ડ્રગ્સ સિવાય બાકીની ડ્રગ્સ આંખો સામે જોવાનો આ પ્રથમ અવસર હતો.

અર્જુને પોતે ડ્રગ એડિકટ હોય એવો અભિનય કરતા એક પછી એક બધી જ પડીકીઓ હાથમાં લઈને ડ્રગ્સને સૂંઘીને એની સુવાસ નાકમાં ભરી જોઈ. આ અભિનય કરતી વખતે જે સુવાસ અર્જુનના નાકમાં ગઈ હતી એને સાચેમાં અર્જુનને આછો-પાતળો નશો કરાવી દીધો.

"છે ને જોરદાર.?" અર્જુનને ઉદ્દેશીને ગોંગ બોલ્યો.

આ દરમિયાન નાયક પણ અર્જુનને અનુસરતા એક પછી એક ડ્રગ્સની પડીકીને નાકની નજીક લાવી એની સુગંધ નાકમાં ભરવાની એક્ટિંગ કરી રહ્યો.

"પાવડર તો સારો છે પણ.." અર્જુને બે સેકંડનો પોઝ લઈને કહ્યું. "આ બધી ડ્રગ્સ તો અમે લઈ ચૂક્યા છીએ. અમે તો સાંભળ્યું હતું કે ચીનમાં હાઈ ક્વોલિટીનાં અમુક એવા ડ્રગ્સ મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતાં.!!"

"તમે સાચું જ સાંભળ્યું છે." ગોંગ બોલ્યો. "ચીનમાં મળે એનાથી વધુ ઉચ્ચ ક્વોલિટીનાં ડ્રગ્સ બીજે મળવા અશક્ય છે. તમે દુનિયાભરનાં બધા ડ્રગ્સનો નશો કેમ ના કર્યો હોય પણ આ ડ્રગ્સ તમે ક્યારેય નહીં જોયું હોય."

ગોંગે આટલું કહી પોતે પહેરેલાં ઊંચી એડીનાં સેન્ડલ કાઢ્યાં અને જમણાં પગમાં પહેરેલાં સેન્ડલની હિલને એક તરફ ઘુમાવી એની અંદર છુપાવેલી એક પડીકી કાઢીને અર્જુનને બતાવી.

"આ શું છે.?" અર્જુને ગોંગ જોડેથી એ પડીકી પોતાના હાથમાં લઈ, પડીકીમાં રહેલાં ગ્રે રંગના ડ્રગ્સને નાક નજીક લાવી સૂંઘતા કહ્યું.

"આ છે સ્નેક વેનમ ડ્રગ્સ.." ગોંગે ગર્વભેર કહ્યું. "આ ડ્રગ્સ ચીન સિવાય બીજે ક્યાંય નહીં મળે."

"વલ્લા હબીબી...સમ અલથાબેન..!!" નાયકે અચંબિત સ્વરે કહ્યું.

"શું કહ્યું?" નાયકના અરેબિક ઉચ્ચારણોથી અજાણ ગોંગ અર્જુન તરફ જોઈને બોલ્યો.

"સમ અલથાબેન મતલબ કે સાપનું ઝેર?" અર્જુન નાયકે જે કહ્યું હતું એનો અર્થ જણાવતા બોલ્યો.

"હુસેની, હમકો નહિ ચાહિયે એ ઝહર.." રહેમાની બનેલો નાયક જાણીજોઈને અભિનય કરી રહ્યો હતો. એનો આ અભિનય જોઈ અર્જુનને જોરથી હસવું હતું પણ અત્યારે અર્જુન હસી શકે એમ નહોતો.

"રહેમાની, આ સાપનું ઝેર નહીં પણ એમાંથી બનતું ડ્રગ્સ છે.." અર્જુને નાયકને ઉદ્દેશીને કહ્યું. "અને એ પણ બહુ ખાસ.!"

"હા, આ ડ્રગ્સ ખૂબ જ સ્પેશિયલ છે." ગોંગે સસ્મિત કહ્યું. "કેમકે, ચીન સિવાય પૂરી દુનિયામાં આ ડ્રગ્સ ફક્ત મેક્સિકોમાં જ મળે છે અને એ પણ હલકી ગુણવત્તાવાળું. સ્નેક વેનમ ડ્રગ્સમાં ચીન અને એમાં પણ શાંઘાઈની તોલે કોઈ ના આવે."

"અમારે આ ડ્રગ્સ જોઈએ છે." અર્જુને ગોંગની તરફ જોઈને કહ્યું. "શું છે આની કિંમત."

"દસ હજાર યુઆન.!" ગોંગ ફટાક દઈને બોલી ગયો.

"લાહોલ વલ્લા કુવત.., આ તો બહુ મોંઘું છે." નાયક હજુ પણ એના પાત્રમાં જ ડૂબેલો હતો.

"સાહેબ, તમને વસ્તુ જ એટલી સ્પેશિયલ આપી છે કે તમે એકવાર આ ડ્રગ્સ લેશો તો આના ચાહક બની જશો." શેખી હાંકતા ગોંગ બોલ્યો.

"તો પણ ભાવમાં કોઈ વધઘટ?" નાયકે કહ્યું.

"સારું, આઠ હજાર યુઆન આપો." ગોંગ બોલ્યો. "આજે તમને ફર્સ્ટ ટાઈમ ડિલવરી કરી રહ્યો છું એટલે વીસ ટકા ડિસ્કાઉન્ટ.!"

"હુસેની, તું આને આઠ હજાર યુઆન આપી દે." નાયક ભણી જોઈ અર્જુને કહ્યું.

અર્જુનના આમ બોલતા જ નાયકે પોતાના રૂમમાં આવેલું કબાટ ખોલી અંદરથી એક પ્લાસ્ટિક એટેચી નીકાળી. એ એટેચીનું નંબર લોક ખોલી નાયકે જેવી એટેચી ખોલી એ સાથે જ ગોંગની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એટેચીમાં લાખ-દોઢ લાખ યુઆન અને સોનાનાં બીસ્કુટ હતાં.

નાયકે અંદરથી આઠ હજાર યુઆન નીકાળી ગોંગના હાથમાં મૂકતાં કહ્યું.

"આ પકડ તારા પૈસા.!"

"શુક્રિયા જનાબ." ગોંગે આટલું કહી પોતાને પુનઃ સ્ત્રી વેશમાં ઢાળવાનું આરંભ્યું. પોતાના સેન્ડલ અને વિગ પહેર્યા બાદ ગોંગે કાપડ પર લગાવેલાં ડ્રગ્સની પડીકીઓને રોલ કરીને પોતાના લોન્ગ સ્કર્ટમાં છુપાવી દીધું.

"તો શેખ સાહેબ, હું નીકળું ત્યારે." ગોંગે અર્જુન અને નાયકને ઉદ્દેશીને કહ્યું. "બીજું કંઈ કામ હોય તો બોલજો."

"કામ તો છે પણ તું નહીં કરી શકે!" અર્જુને જાળ બીછાવવાનું આરંભી દીધું હતું. "તું તારે જઈ શકે છે."

"અરે, તમે એકવાર બોલો તો ખરાં કામ શું છે?" ગોંગ અર્જુનની વાતોમાં આવી ચૂક્યો હતો. "તમે કહેશો એ બધું કામ હું કરી આપીશ."

"મારે જે કામ છે અને હું જે વિચારું છું એમાં તું મારી મદદ કરીશ એવું મને તારા દીદાર પરથી તો નથી લાગતું.." અર્જુન પોતાના મિશનના અનુસંધાનમાં ગોંગને આંટીઘૂંટીમાં લઇ રહ્યો હતો.

"અરે શેખ સાહેબ, તમે મારા દીદાર પર ના જશો." અર્જુનની વાતો સાંભળી આત્મસમ્માન ઘવાયું હોય એવા ભાવથી ગોંગ બોલ્યો. "ઘણીવાર અમારા જેવા લોકો એ કામ કરી જાય છે જે મોટા લાગતા લોકો નથી કરી શકતા."

"બરખુરદાર, સારું તો પછી હું તમને જણાવું કે મને શું વિચાર આવ્યો છે." આટલું બોલી અર્જુને પાંચેક સેકંડ થોભીને વાત આગળ વધારતા કહ્યું.

"અમારા મિડલ ઈસ્ટમાં ડ્રગ્સ મળે તો છે પણ એની ક્વોલિટી એકદમ બકવાસ હોય છે. જ્યારે અહીં ચીનમાં બનતાં ડ્રગ્સની અને એમાં પણ સ્નેક વેનમ ડ્રગ્સની ક્વોલિટી આલા દરજ્જાની હોય છે." અર્જુન ધીરે-ધીરે પોતાની વાત રાખી રહ્યો હતો. "હું અને મારો આ ભાઈ રહેમાની વર્ષોથી સોના અને ક્રૂડનો વેપાર કરીએ છીએ પણ હવે એ બિઝનેસમાં પહેલા જેવો નફો નથી રહ્યો અને પ્રતિસ્પર્ધા પણ ખૂબ વધી ગઈ છે..એટલે મને અચાનક વિચાર આવ્યો કે મારે મિડલ ઈસ્ટમાં ડ્રગ્સનાં કારોબારમાં ઝુકાવવું જોઈએ. એમાં ફાયદો વધુ છે અને હરીફાઈ સાવ ઓછી!"

"વિચાર ખોટો નથી શેખ સાહેબ." ગોંગે મનોમન કંઈક ગણતરી કરતા કહ્યું. "આ બિઝનેસમાં એકવાર તમે આવી ગયા પછી બસ પૈસા જ પૈસા છે!"

"હું પણ એ જ વિચારું છું કે હવે ડ્રગ્સનો અને એમાં પણ સ્નેક વેનમ ડ્રગ્સનો કારોબાર મિડલ ઈસ્ટનાં તમામ દેશોમાં કરું." અર્જુને કહ્યું. "આમ પણ કુવૈત, જોર્ડન, તુર્કી, ઈરાન, ઓમાન, યમન બધાં જ દેશોમાં મારો ક્રૂડ અને સોનાનો બિઝનેસ ચાલે જ છે."

"ભાઈજાન, તમે ડ્રગ્સનાં બિઝનેસમાં ઝંપલાવવાનું વિચારી તો લીધું, પણ આપણને ડ્રગ્સ આપશે કોણ? ડ્રગ્સનો બિઝનેસ શરૂ કરવા મિનિમમ બસો-ત્રણસો કિલો ડ્રગ્સ તો જોઈએ અને એટલી ડ્રગ્સ મેળવવી કંઈ રમત વસ્તુ નથી. મારું માનો તો આ સ્નેક વેનમની મજા લો અને ડ્રગ્સનો બિઝનેસ કરવાનો વિચાર માંડી જ વાળો." નાયક નક્કી કરેલા ડાયલોગ બોલી રહ્યો હતો.

"રહેમાની, તારી વાત તો સાચી છે." અર્જુને પોતાની દાઢીમાં આંગળીઓ ફેરવતા કહ્યું. "મિનિમમ બસો કિલો ડ્રગ્સ તો જોઈએ અને એટલી બધી ડ્રગ્સ આપણને કોણ આપશે.?"

"છે એક વ્યક્તિ જે તમારી ડિમાન્ડ પૂરી કરી શકશે." ગોંગ અર્જુન અને નાયકની વાતચીતમાં ઝૂકાવતા બોલ્યો.

"કોણ?" અર્જુન અને નાયકે એકસાથે આશ્ચર્યસૂચક નજરે ગોંગ તરફ જોતાં પૂછ્યું.

નુવાન યાંગ લી.!" ગોંગ બોલ્યો. "શાંઘાઈનો સૌથી મોટો ડ્રગ ડીલર."

ગોંગે સામે ચાલીને નુવાન યાંગ લીનું નામ બોલતા અર્જુન અને નાયકના મુખ પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું. જે દર્શાવી રહ્યું હતું કે એ લોકો ધીમી પણ મક્કમ ગતિએ પોતાની મંજીલ તરફ આગળ વધી રહ્યાં હતાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)