There is something! Part 2 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૨



એક પછી એક યુવક યુવતીઓ આવવાં લાગ્યા. એટલે સુહાનીએ એ યુવક પરથી નજર હટાવી.
તે જ સમયે એક યુવતી એ યુવક પાસે બેસી ગઈ. એ યુવકને એ યુવતી પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ એ યુવતીને જરાય અહેસાસ ન થવા દીધો.

એ યુવક છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગયો. તો એ યુવતી પણ એની સાથે છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગઈ. સુહાનીની નજર આ યુવક યુવતી પર ગઈ.

એ યુવકે યુવતીને કહ્યું "ચૈતાલી મારી સાથે બેસવું જરૂરી છે? હું જ્યાં જાઉં છું ત્યાં તું આવી જ જાય છે."

ચૈતાલી:- "હું તારી સાથે બેસું તો તને શું વાંધો છે રાજન?"

આ બંનેની વાતો સુહાની સાંભળી રહી હતી. એ લોકોની વાતો પરથી સુહાનીને આ બંનેના નામની ખબર પડી.

ચૈતાલી:- "રાજન હું તારી નાનપણની મિત્ર છું...તો પછી તને શું વાંધો છે?"

એટલામાં જ ક્લાસમાં બીજો યુવક આવ્યો.

રાજન:- "તારો બીજો બીજો મિત્ર પણ આવી ગયો."

ચૈતાલીએ રોનકને નામથી બોલાવ્યો. રોનકે ચૈતાલી અને રાજન તરફ નજર કરી. સુહાનીની પણ રોનક તરફ નજર ગઈ. સુહાની પહેલી નજરે જ રોનક તરફ અચાનક જ ખેંચાણ અનુભવવા લાગી. સુહાની મનોમન કહે છે "આ શું થઈ રહ્યું છે મને? આ નવા યુવક રોનક તરફ હું કેમ આટલું બધું ખેંચાણ અનુભવું છું?"

ધીરે ધીરે ક્લાસમાં યુવક યુવતીઓ આવવા લાગ્યા.
દેવિકા પણ ક્લાસ તરફ આવતી હોય છે. દેવિકાને આજનું વાતાવરણ કંઈક અલગ લાગ્યું. દેવિકાને અહેસાસ થયો કે વાતાવરણ એકદમ શાંત છે. દેવિકાને એકદમ ભયંકર શાંતિ જેવી લાગી. દેવિકાએ મનોમન વિચાર્યું કે "આજના વાતાવરણમાં કંઈક તો છે. ક્યાંક આ તુફાન પહેલાંની તો શાંતિ નથી ને? ચોક્કસ ભયંકર તુફાન આવવાનું છે. તુફાન આવવાનું છે મતલબ.... નહીં નહીં..." દેવિકા આગળ કશું વિચારી જ ન શકી. દેવિકા ભીતરથી સ્હેજ ડરી ગઈ. દેવિકાએ આકાશ તરફ નજર કરી તો ધીરે ધીરે વાદળો છવાઈ રહ્યા હતા.

રાજન ફરી પહેલી બેન્ચ પર જઈને બેસી ગયો. રાજનની પાછળ પાછળ ચૈતાલી પણ ગઈ અને રાજનની નજીક બેસી ગઈ. ચૈતાલીએ રોનકને પણ હાથ પકડીને બેસાડ્યો. ચૈતાલી વચ્ચે અને ચૈતાલીની આસપાસ રોનક અને રાજન. એટલામાં જ દેવિકા ક્લાસમાં આવે છે.

રાજન અને રોનકે એકબીજા સામે એક ક્ષણ માટે નજર કરી. બંનેની આંખો એક ક્ષણ માટે લાલ રંગની થઈ. દેવિકાએ આ બે યુવકોની નોંધ લીધી. દેવિકા વિચારે છે કે "આ બે યુવકો સામાન્ય નથી લાગતા. બંનેની આંખોમાં એક ક્ષણ માટે લાલ રંગની ચમક આવી. આ બે યુવક પર નજર રાખવી પડશે. એટલે મારે આ બે યુવકની પાછળની બેન્ચ પર જ બેસવું જોઈએ." એવું વિચારી દેવિકા બીજી બેન્ચ પર સુજાતા સાથે બેસી ગઈ હતી.

ત્યાં જ વાતાવરણ ફેરવાઈ ગયું. અચાનક આકાશમાં સૂર્ય આગળ કાળા વાદળો એવી રીતે છવાઈ ગયા કે જાણે પૃથ્વી પર અંધકાર યુગ ફેલાઈ ગયો હોય.

બધાં યુવક યુવતીઓ થોડા ગભરાઈ ગયા. બધાં બહાર નીકળી જોવાં લાગ્યા કે શું થઈ રહ્યું છે.

તીવ્ર ગતિ સાથે પવન ફૂંકાયો. પવન અને વાવાઝોડાને લીધે એવું ભયાનક ચક્રવાત સર્જાયું કે એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે કૉલેજની દિવાલ હમણાં જ તૂટી પડશે. વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા થવા લાગ્યા. પછી ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો. વૃક્ષો આમતેમ ડોલી રહ્યા હતા. થોડીક્ષણો બધાં યુવક યુવતીઓ બહાર ઉભા ઉભા વરસાદી તોફાનને જોઈ રહ્યા. લગભગ એક કલાક પછી વાવાઝોડું શાંત થયું. બધા પોતપોતાની જગ્યા પર બેઠેલા હતા. કૉલેજનો પહેલો દિવસ એટલે પહેલો લેક્ચર ચાલ્યો નહીં.

સુહાની મનોમન કહે છે "ખબર નહીં દેવિકાના મગજમાં આ બધી વાત કોણ નાંખે છે. છેલ્લાં ત્રણ વર્ષથી દેવિકાને જેના પર શંકા જાય છે તેની પાછળ પડી જાય છે અને એ લોકો પર નજર રાખવા એ લોકોની પાછળ જ બેસી જાય છે. હવે દેવિકાને રાજન અને રોનક પર શંકા જાય છે. આટલાં વર્ષો સુધી કંઈ અનર્થ નથી થયું તો હવે શું થવાનું? મને લાગે છે કે દેવિકાની વાતમાં કંઈ તથ્ય નથી. પૃથ્વી પર વળી શું અનર્થ થવાનું? આવતીકાલે મને મળશે એટલે એવું જ કહેશે... રાજન અને રોનકથી દૂર રહેજે. દેવિકાને કેવી રીતના સમજાવું કે આમ પણ યુવકો તો મારી નજીક આવતાં જ નથી. યુવકોને હું ખાસ પસંદ નથી. યુવકોને હું શું કરવા પસંદ આવવાની? હું એટલી સુંદર પણ નથી.

બધી યુવતીઓ જેમ જેમ આવતી તેમ તેમ રાજન અને રોનક તરફ નજર કરતી. અને બધી યુવતીઓના મનમાં રાજન અને રોનક વસી ગયા હતા. રોનક અને રાજન બંને એટલા આકર્ષક અને દેખાવડા જો હતા! અમુક યુવતીઓ તો રાજન અને રોનક સાથે હાથ મિલાવતી. રાજન અને રોનકની પહેલાં જ દિવસે ઘણી બધી યુવતીઓ મિત્ર બની ગઈ હતી.
અને જે જે યુવકો ક્લાસમાં આવતાં તે તો ચૈતાલીની સુંદરતામાં ખોવાઈ જ જતાં. ચૈતાલીની સુંદરતા બધા યુવકોને ખેંચી રહી હતી. ચૈતાલીના વ્યક્તિત્વમાં કંઈક તો છે...જેને લીધે યુવકો ચૈતાલી તરફ આકર્ષિત થઈ રહ્યા હતા. ચૈતાલીના પણ ઘણાં યુવકો મિત્ર બની ગયા હતા.

સુહાની આ બધું નિરીક્ષણ કરી રહી હતી. સુહાની વિચારે છે કે યુવતીઓ તો રોનક અને રાજન સાથે મિત્રતા કરશે જ. બંને ખૂબ આકર્ષિત અને સોહામણા છે. રોનક અને રાજન કોઈ રાજકુમારથી ઓછા નથી. રોનકની મોટી પણ નહીં અને નાની પણ નહીં એવી માપસરની કથ્થઈ રંગની આંખો. નાક પણ એકદમ માપસરનું. હોઠ પણ સ્હેજ ગુલાબી અને પરવાળા જેવાં. ચહેરો લંબગોળ અને ગોરો. વાળ પણ વ્યસ્થિત ઓળેલા. અને ચહેરો હસમુખો.

સુહાનીની નજર રાજન તરફ ગઈ. રાજનની આંખો પણ બહુ મોટી નહીં અને નાની પણ નહીં એવી માપસરની કાળા રંગની આંખો. નાક પણ એકદમ માપસરનું. હોઠ પણ સ્હેજ ગુલાબી અને પરવાળા જેવાં. ચહેરો લંબગોળ અને ગોરો. પણ રાજનના વાળ વિખરાયેલા હતા. રાજનના વાળ કપાળ પર આવી જતા. પણ સુહાનીને લાગ્યું કે રાજન જો વ્યવસ્થિત વાળ ઓળે તો.... નહીં કદાચ એ આવી રીતના જ વાળ ઓળતો હશે. અને એ આવી રીતે જ વધારે સોહામણો લાગે છે. સુહાનીને રાજન થોડો ધીરગંભીર લાગ્યો.

સુહાનીએ નોંધ લીધી કે રોનકે સફેદ રંગના કપડાં પહેર્યાં છે અને રાજને કાળા રંગના.

સુહાની પાસે મયુરી નામની યુવતી આવીને બેસી ગઈ. સુહાની અને મયુરીએ એકબીજા સાથે ઓળખાણ કરી લીધી. થોડી ક્ષણો પછી પ્રોફેસર આવ્યા અને લેક્ચર લેવા લાગ્યા. લેક્ચર પૂરો થયા પછી સુહાની મયુરી સાથે બહાર નીકળી. સુહાની બહાર નીકળી કે રોનક સાથે ભટકાય છે.

ક્રમશઃ