There is something! Part 2 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૯



ધીરે ધીરે ક્લાસમાં બધાં આવવાં લાગે છે એટલે સુહાની અને રાજન ચૂપ થઈ ગયા. સુહાની મનોમન કહે છે ''તારી સાથે તો આમ જ વાત કરતો આવ્યો છું. મતલબ શું છે આ વાક્યનો?"

બપોરે ફરી રોનક સુહાની અને મયુરીને ચા નાસ્તો કરવા લઈ ગયો. રાજન મયુરીની પાસે બેઠાં બેઠાં વાતો કરતો હતો. મયુરીને કોઈક વાર રાજન કાનમાં કંઈક કહેતો. સુહાનીને રોનક સાથે વધારે ફાવવા લાગ્યું હતું.

રાજન:- "આજે તો તું આ ડ્રેસમાં વધારે જ સુંદર દેખાય છે."

મયુરી:- "સાચ્ચે જ."

રાજન:- "હાસ્તો વળી."

રાજન અને મયુરીની વાતો સુહાનીને થોડી થોડી સંભળાય છે.

સુહાની સાંજે ઘરે પહોંચે છે. બાળકોને ભણાવી સુહાની રસોઈ બનાવવામાં મદદ કરે છે. સાંજે સુહાની બારી બહાર બેઠાં બેઠાં કંઈક વિચારી રહી હતી. એટલામાં જ બારી પાસે એક મોર આવે છે. સુહાનીને આશ્ચર્ય થયું. ખબર નહીં સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. ખાસ્સીવાર સુધી મોર બારીએ બેસી રહ્યું. પછી મોર ઉડી ગયું.

સુહાની જમીને દિવસ દરમ્યાન પોતાને જે અનુભવો થાય તે એક ડાયરીમાં લખે છે. થોડીવાર પછી સુહાની સૂઈ જાય છે. બીજા દિવસે સુહાની અને દેવિકા ક્લાસમાં બેઠાં બેઠાં વાતો કરે છે.

સુહાની:- "તને કંઈ ખબર પડી રાજન વિશે?"

દેવિકા:- "મને શું ખબર પડવાની હતી રાજન વિશે?"

સુહાની:- "તો તું રાજનની પાછળની બેન્ચ પર કેમ બેઠી? તને રાજન પર શંકા છે એટલે જ તો તું રાજનની પાછળની બેન્ચ પર બેઠી."

દેવિકા:- "રાજન પર જ નહીં મને તો રોનક પર પણ શંકા છે."

સુહાની:- "રોનક પર શંકા કરવા જેવું કંઈ છે જ નહીં. મને તો રોનક ખૂબ સારો લાગે છે. બધાં સાથે કેવો હળીભળી જાય છે. મળતાવળો અને હસમુખો છે. અને રાજન તો હંમેશા ધીરગંભીર રહે છે. કોઈની સાથે હસતો પણ નથી અને બોલતો પણ નથી. છતાં પણ બધી યુવતીઓ એના સાથે વાત કરવાની કોશિશ કરે છે. બોલાવે તેટલું બોલે છે બસ. પણ મયુરી સાથે રાજન વધારે વાત કરે છે. મને લાગે છે કે રાજનને મયુરી ગમે છે. ગમે છે તો ગમે છે. પણ એ મારી સાથે કેવી રીતના વાત કરે છે. મારી સાથે આવી રીતના કોઈ વાત કરે છે ને તો મને બિલકુલ નથી ગમતું. ખબર નહીં રાજનને કંઈ વાતનું ઘમંડ છે. પોતાની જાતને શું સમજે છે. અને એકવાર તો રાજને હદ કરી દીધી. રાજન ચૈતાલી સાથે એક જ રૂમમાં હતા. ખબર નહીં અંદર શું થયું? મને તો બોલતા પણ શરમ આવે છે. તને ખબર છે રાજન ચૈતાલી સાથે શું કરી રહ્યો હતો? અને તું કંઈ બોલ તો ખરી. તું મને આમ કેમ જોઈ રહી છે?"

દેવિકા:- "સુહાની શ્વાસ તો લઈ લે. શું થઈ ગયું છે તને? રોનક વિશે વાત કરતાં કરતાં તું રાજન વિશે શું કરવા વાત કરવા લાગી. વાત કરે તેનો વાંધો નહીં પણ તું તો કંઈક વધારે જ બોલી ગઈ રાજન વિશે. મેં તને આટલું બોલતા ક્યારેય નથી સાંભળી."

સુહાની:- "ખબર નહીં મને શું થઈ ગયું છે. એ બધી વાત છોડ. તને કંઈ ખબર પડી?"

દેવિકા:- "ના કંઈ ખબર નથી પડી."

સુહાની:- "દેવિકા મને નથી લાગતું કે કંઈ થવાનું છે. તને એમ નથી લાગતું કે તું વિચારે છે એ એકદમ કાલ્પનિક છે. શૈતાન અમર છે અને પૃથ્વી પર રાજ કરશે. એકદમ માન્યમાં ન આવે એવી વાત. દેવિકા આ બધું તારા મગજમાં ભરેલું છે."

દેવિકા:- "સુહાની તને અત્યારે કંઈ ખ્યાલ નહીં આવે. પણ તને અનુભવ થશે ને ત્યારે તને ખ્યાલ આવશે."

સુહાની:- "સારું સારું આજ માટે આટલી વાત બહુ થઈ ગઈ. હવે હું જાઉં છું."

સુહાની પોતાના ક્લાસ તરફ જાય છે. સુહાની વિચારવા લાગી કે "મને શું થઈ ગયું હતું. રાજન વિશે હું આટલું બધું બોલી ગઈ. બોલવાની તો ખરી જ. એ વર્તન પણ એવી રીતના કરે છે. અત્યારે પણ ક્લાસમાં બેઠો હશે. અને પછી મારી સાથે બિનજરૂરી વાત કરશે." આમ વિચારતાં વિચારતાં સુહાની ક્લાસમાં આવે છે. સુહાનીથી અનાયાસે જ રાજન તરફ જોવાઈ જાય છે. રાજન પણ સુહાની તરફ જોઈ જ રહ્યો. સુહાનીએ કેસરી રંગનો દુપટ્ટો અને આસમાની રંગનો ડ્રેસ પહેર્યો હતો.

થોડી ક્ષણો રાજન સુહાનીને જોઈ રહ્યો. પોતાને રાજન આવી રીતના જોઈ રહ્યો છે. એટલે સુહાની પોતાની વાળની લટોને કાન પાછળ ગોઠવી દે છે.
સુહાનીથી અનાયાસે જ આ પ્રકારનું વર્તન થઈ જાય છે. સુહાની ચૂપચાપ પોતાની જગ્યા પર આવીને બેસી જાય છે. મનોમન કહે છે "આ શું થઈ ગયું હતું મને? હું શરમાઈ ગઈ...પણ કેમ? રાજન મને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કે મને પહેલી વખત જોતો હોય. શું હતું રાજનની આંખોમાં?"

રાજન:- "શું વાત છે સુહાની? આજે તો તું કંઈક વ્હેલી જ આવી ગઈ ને?"

સુહાની:- "નહીં હું તો સમયસર જ આવી છું."

રાજન:- "નહીં તું દરરોજ કરતા વહેલી આવી ગઈ છે. પણ મને એ સમજમાં નથી આવતું કે તું કેમ વહેલી આવી ગઈ? કારણ કે તને ખબર છે કે રાજન અત્યારે ક્લાસમાં એકલો હશે તો...."

સુહાની:- "તો શું રાજન?"

રાજન:- "તો ક્યાંક એવું તો નથી ને કે હું પણ તને ગમવા લાગ્યો છું. કારણ કે દરેક યુવતીઓ મને પસંદ કરે છે."

સુહાની:- "હું એ યુવતીઓમાંની નથી કે યુવકોની પાછળ ફરું. હું બધાંથી અલગ છું. મને કોઈ શોખ નથી તારી પાછળ ફરવાનો."

રાજન:- "ઉપર ઉપરથી તું એવું કહે છે. પણ મને ખબર છે મનોમન તું મને પસંદ કરે છે. એટલે જ તો આજે તું મારા માટે તૈયાર થઈને આવી છે. અને તૈયાર થઈને એટલા માટે આવી કે મારું ધ્યાન તારા પર જાય."

સુહાની:- "આ તારો એક ભ્રમ છે..વ્હેમ છે અને વ્હેમનું કોઈ ઓસડ નથી. અને તને કેમ એવું લાગ્યું કે હું તારા માટે તૈયાર થઈ ને આવી છું."

રાજન:- "કારણ કે મેં મયુરીની સુંદરતાના વખાણ કર્યાં હતા એટલે. મને ખબર છે કે તું મને પસંદ કરે છે. એટલે જ તું ખાસ મારા માટે તૈયાર થઈ ને આવી છે."

સુહાની:- "તને સમજાવવાનો કોઈ ફાયદો નથી."

રાજન:- "તો શું કરવા સમજાવે છે?"

સુહાની:- "તારી સાથે તો વાત જ કરવા જેવી નથી."

રાજન:- "તો શું કરવા વાત કરે છે?"

સુહાની:- "તું ચૂપ રહીશ હવે?"

રાજન:- "નહીં કારણ કે મને તો બોલવાની આદત છે."

બધાં યુવક યુવતીઓ આવવાં લાગે છે. રોનક સુહાની પાસે જઈ વાત કરે છે. સુહાની અને રોનકની વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ હતી. સુહાનીને રોનકનો સંગાથ ગમતો. સુહાની રોનક સાથે ખૂબ ખુશ લાગી રહી હતી. રાજન સુહાનીને રોનક સાથે વાત કરતા જોય છે. સુહાની અને રોનક કંઈક વાત કરી રહ્યા હતા. સુહાની રોનકની વાતો સાંભળી મંદ મંદ હસી રહી હતી.

રોનક:- "તારી ઉડતી ઝુલ્ફો અને મંદ મુસ્કાન...
એક અદાથી સંભાળું છું પોતાની જાતને... ત્યાં જ બીજી અદાઓ હોંશ ઉડાવી દે છે."

"સરસ શાયરી છે." એમ કહી સુહાની હસતાં હસતાં પોતાના ચહેરા પર આવેલી વાળની લટોને કાન પાછળ ગોઠવી દે છે. રાજન સુહાનીની આ અદાને જોઈ રહ્યો.

રાજનથી મનોમન જ બોલાઈ ગયું.

ઝુલ્ફો જો તમારી એક રાત બની જાય,
અને નાજુક આ ચહેરો ચાંદ બની જાય,
હાસ્ય તણા મોતી સિતારા બની જાય,
તો જીવન આ મારું સ્વર્ગાકાશ બની જાય...

સાંજે સુહાની ઘર તરફ જઈ રહી હતી કે સુહાની પેલાં સૂમસામ રસ્તાને જોઈ રહે છે. અચાનક કંઈક સફેદ આકૃતિ હવામાં અધ્ધર ઉડીને ગઈ. સુહાની બસ જોઈ રહી. આ ઘટના એક ક્ષણમાં જ બની ગઈ. સુહાનીને ખ્યાલ જ ન આવ્યો કે સાચ્ચે જ ત્યાંથી કોઈ પસાર થયું કે આ ફક્ત મારા મનનો વ્હેમ છે. સુહાની થોડી થોડી ધ્રૂજી રહી હતી. સુહાનીથી બીકને લીધે જલ્દી જલ્દી ચલાતુ પણ નહોતું. સુહાની થોડે દૂર જઈ ને પાછળ ફરી તો એક યુવતી એક વૃક્ષ પાસે ઉભી હતી. સુહાની મનોમન કહે છે કે "ચૈતાલી ત્યાં ઉભી ઉભી શું કરે છે?" ચૈતાલી ચાલવા લાગી. સુહાની પણ વિચાર કરતા કરતાં ઘર તરફ ગઈ.

ક્રમશઃ