There is something! Part 2 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૩


સુહાની બહાર નીકળી કે રોનક સાથે ભટકાય છે.

સુહાની:- "માફ કરશો. મારું ધ્યાન નહોતું."

રોનક:- "વાંધો નહીં. સાચું કહું તો માફી મારે માંગવી જોઈએ. મારું પણ ધ્યાન નહોતું. મારું નામ રોનક. અને તમારું?"

સુહાની:- "મારું નામ સુહાની."

રોનક પોતાની નોટબુક ભૂલી ગયો હતો તે લેવા જાય છે.

સુહાની નું ધ્યાન રોનક તરફ હતું ને સુહાની એક બે કદમ આગળ વધી કે સુહાની રાજન સાથે ભટકાય છે.

રાજન:- "ક્યાં ધ્યાન છે? આગળ જોઈને નથી ચલાતું?"

સુહાની:- "મારું ધ્યાન જ્યાં હોય ત્યાં પણ તમારું ધ્યાન ક્યાં હતું? તમારે આગળ જોઈને ચાલવું જોઈએ ને?"

રાજન:- "ઑહ હવે સમજાયું. મારી સાથે મૈત્રી કરવા આ બધું કર્યું ને? પણ એક વાત કહી દઉં કે સવારથી મારી સાથે કેટલીય યુવતીઓ ભટકાઈ ચૂકી છે. તમને છોકરીઓને બસ અથડાવવાનુ બહાનું જોઈએ છે. મતલબ કે તું જાણી જોઈને મારી સાથે અથડાઈ."

સુહાની:- "મને કોઈ શોખ નથી તમારી સાથે અથડાવવાનો."

"હા એ તો હું બધું સમજી ગયો." એટલું કહી રાજન
ચાલવા લાગ્યો.

સુહાની:- "મતલબ શું છે તમારો? એક મીનીટ ઉભા રહો."

સુહાની રાજનની પાછળ પાછળ ચાલવા લાગી.

સુહાની:- "શું સમજી ગયા તમે?"

રાજન:- "એ જ કે યુવતીઓ મારી સાથે મૈત્રી કરવા કેટલી બધી આતુર છે."

સુહાની:- "બધી યુવતીઓ એવી નથી હોતી સમજ્યા? અને હું તો બિલકુલ નથી."

રાજન:- "આવું તો સવારથી બધી યુવતી મને કહેતી આવી છે. બધી યુવતીને બસ બહાનું જોઈએ છે મારી નજીક આવવા."

સુહાની:- "એ યુવતીઓએ જે કહ્યું હોય તે. પણ હું તો સાચું કહું છું. મને તમારી સાથે મૈત્રી કરવા કે વાત કરવાનો કોઈ શોખ નથી."

રાજન:- "અચ્છા...તો તું મારી સાથે વાત કરવા મારી પાછળ પાછળ કેમ આવે છે?"

આ સાંભળી સુહાની ઉભી રહી ગઈ. રાજને પાછળ ફરી એક નજર મૂંઝવણમાં મૂકાયેલી સુહાની તરફ કરી અને હસતાં હસતાં આગળ ચાલ્યો ગયો.

સુહાની મનોમન કહે છે "ખબર નહીં પોતાની જાતને શું સમજે છે?"

સુહાની અને મયુરી સાથે જ ઘરે જવા નીકળે છે.
રસ્તામાં સુહાનીએ જોયું કે તુફાનને લીધે ઘણાં લોકો હેરાન થયા છે. આવા ભયંકર ચક્રવાતને લીધે લોકો ઘરમાં જ રહ્યા. રસ્તાઓ પર ટ્રાફિક પણ ઓછો થઈ ગયો. કાચા પાકા મકાનોને પણ ભારે નુકસાન થયું. કેટલાંય ઝૂંપડાઓ અને વૃક્ષો ધરાશયી થયા.
સુહાનીને વિચાર આવ્યો કે "આ ભયંકર તુફાન આવ્યું મતલબ કે કંઈક તો થવાનું છે. તુફાન નું આવવું એ કંઈ શુભ સંકેત તો નથી જ. તો શું દેવિકાની વાત સાચી છે? તું પણ શું વિચારવા લાગી સુહાની? દેવિકાની વાતો સાંભળી સાંભળીને કદાચ મારા મગજમાં પણ આવા વિચારો આવવાં લાગ્યાં છે. કંઈ નથી થવાનું. બધું સારું જ થશે. અને રહી વાત આ તુફાનની તો ચોમાસાનું વાતાવરણ છે તો વીજળી તો થવાની જ. વાદળો પણ ગરજવાના ને વરસાદ પણ આવવાનો. હું કંઈક વધારે જ પડતું વિચારવા લાગી હતી." આવા વિચારો કરતાં કરતાં
સુહાની ઘરે પહોંચી જાય છે. થોડીવાર પછી બાળકો
સુહાની પાસે આવીને બેસી જાય છે. સુહાની ભણાવવા લાગે છે. થોડીવાર પછી બાળકો કહે છે ટીચર કોઈ વાર્તા સંભળાવોને.

સુહાની:- "સારું ચાલો તો હું તમને એક શૈતાનની
વાર્તા કહું."

શૈતાન પહેલાં એક દેવદૂત હતો. એ દેવદૂતને રંગબેરંગી સુંદર પાંખો હતી. દેવદૂત ખૂબ સુંદર દેખાતો. મીઠી મીઠી વાતો કરીને એ દેવદૂત સહેલાઈથી બીજાને આકર્ષિત કરતો. બધાં દેવદૂત એનાથી પ્રભાવિત થઈ ગયા હતા. ધીરે ધીરે એ દેવદૂત પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો.

મીતુ:- "ટીચર ટીચર દેવદૂત એટલે શું?"

સુહાની:- "દેવદૂત‌ એટલે પરોપકારી વ્યક્તિ જે હંમેશા બીજાને મદદ કરે અને ભગવાનનો સંદેશો આપણાં સુધી પહોંચાડે."

ધ્રુવ:- "ટીચર આગળની વાર્તા કહોને."

સુહાની:- "હા તો આપણે ક્યાં હતા?"

રીયુ:- "ધીરે ધીરે એ દેવદૂત પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો. ત્યાં સુધી તમે કહ્યું."

સુહાની:- "અરે વાહ! રિયુ તને ખૂબ સરસ રીતે યાદ છે. પછી ધીરે ધીરે શૈતાન માં અહંકાર આવી ગયો કે પોતે સૌથી સુંદર અને સારો છે. એ દેવદૂત પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો. એ દેવદૂતે ઈશ્વર સાથે બળવો કર્યો."

પાર્થ:- "ટીચર બળવો એટલે?"

સુહાની:- "બળવો એટલે ભગવાન સાથે લડાઈ કરવી. એ સુંદર દેવદૂત સાથે અન્ય‌ દેવદૂતોએ પણ ઈશ્વર સામે બળવો પોકાર્યો. એ સુંદર દેવદૂતનો સાથ આપનારા બીજા દેવદૂતોને ઈશ્વરે સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યા. ઈશ્વરે એમને નરકમાં મોકલી દીધાં. ઈશ્વરે એમની સુંદરતા છીનવી લીધી. શૈતાનનું રૂપ બદલાય ગયું. એનો ચહેરો બિહામણો થઈ ગયો. એની આંખો લાલ થઈ ગઈ. એના માથે શીંગ ઉગી નીકળ્યા. એ ખૂબ જ ડરામણો લાગવા લાગ્યો. તો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું?"

ધ્રુવ:- "આપણે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ."

સુહાની:- "ખૂબ સરસ...હવે તમે જાઓ. આવતીકાલે ભણીશું."

પાર્થ:- "ટીચર આવતીકાલે પણ આવી જ સરસ વાર્તા કહેજો."

સુહાની:- "સારું હવે તમે જાઓ. થોડીવાર પછી અંધારું થઈ જશે."

રીયુ:- "ટીચર મને આ સવાલ નથી સમજાતો."

સુહાની થોડી મીનીટ સમજવાની કોશિશ કરે છે. પછી રિયુને ખૂબ સરસ રીતે સમજાવે છે.

સુહાની:- "હવે ઘરે જા. તારું ઘર થોડું દૂર છે ને?"

રિયુ બહાર નીકળે છે તો બહાર અંધારું થઈ ગયું હતું. રિયુ ને ઘરની બહાર આ રીતે ઉભી જોઈ સુહાની રીયુને કહે છે "શું થયું રિયુ?"

રીયુ:- "ટીચર આજે કંઈક વધારે જ અંધારું છે."

સુહાનીએ જોયું તો સુહાનીને પણ કંઈક વધારે જ અંધારું લાગ્યું. સુહાનીએ આકાશ તરફ નજર કરી.
આકાશ તરફ નજર કરતાં સુહાનીને ખ્યાલ આવ્યો કે આજે કદાચ અમાસ છે.

સુહાની:- "રિયુ હું તને મૂકવા આવીશ. હું મારું પર્સ લઈને આવી."

સુહાની પોતાના રૂમમાંથી પર્સ લઈ આવે છે. સુહાની રિયુ સાથે ચાલતી ચાલતી જાય છે. રસ્તા પર આજે વાહનોની ખાસ અવરજવર નહોતી.

રિયુ:- "ટીચર શું સાચ્ચે જ દેવદૂત આપણને ભગવાનનો સંદેશ પહોંચાડે છે."

સુહાની:- "હા આપણે સારા કામ કર્યાં હોઈએ તો ભગવાન આપણાંથી પ્રસન્ન થાય છે. અને જ્યારે આપણે મુસીબતમાં હોઈએ ત્યારે આપણી પાસે ભગવાન દેવદૂતને મોકલે છે."

રિયુ અટકી જાય છે અને થોડી ક્ષણો ઉભી રહી જોયા કરે છે.

સુહાની:- "રિયુ શું થયું? કેમ ઉભી રહી ગઈ?"

રિયુએ હાથના ઈશારાથી કહ્યું "ટીચર ત્યાં કંઈક છે."

સુહાનીએ જોયું તો એક સૂમસામ રસ્તો હતો. રસ્તાની આસપાસ ઘણાં વૃક્ષો હતા. એ રસ્તા પરથી થોડાં બિહામણાં અવાજો આવતાં હતાં. સુહાની એક ક્ષણ માટે તો ડરી જ ગઈ. પછી સુહાનીને વિચાર આવ્યો કે "આ કદાચ મારા મનનો વ્હેમ હશે."

સુહાની:- "રિયુ કદાચ ત્યાં પક્ષીઓ હશે. એ અવાજ કરતાં હશે. આપણે એ રસ્તે થોડું જવાનું છે. આપણે તો આ રસ્તે જવાનું છે ને."

સુહાની રિયુને ઘર સુધી મૂકી આવે છે. સુહાની રિયુને ઘરે મૂકીને આવતી હતી કે સુહાની એ જ સૂમસામ રસ્તા પર અટકી જાય છે. સુહાની વિચારે છે કે "રિયુ હજી ઘણી નાની છે. એ ડરી જશે એ વિચારે મેં એને કંઈ ન કહ્યું. પણ અહીં કંઈક તો છે! હું મહેસુસ કરી શકું છું."

સુહાની થોડી ક્ષણો ઉભી રહી. એ રસ્તો ભયંકર સૂનકાર ભાસતો હતો. પક્ષી અને તમરાના અવાજ એ સૂમસામ રસ્તાને વધારે બિહામણાં બનાવતા. બહાદુર માણસની બહાદુરી કંપાવે એવો ઠંડો પવન સુસવાટા મારતો હતો. ત્યાં સૂનકારની ભયાનકતા વીંધીને અવાજ વહી આવ્યો. અવાજની આ અસ્પષ્ટતા અને એનું અંતર એની વિકરાળતા વધારતાં હતાં. સુહાનીને એવું લાગ્યું કે ધીરેધીરે આ અવાજ પાસે આવતો ગયો. વાતાવરણ વધારે બિહામણું બની ગયું. સુહાનીને એવો ભાસ થયો કે અંધારાનું સામ્રાજ્ય છવાય ગયું છે. અને ઉપરથી
અમાસની કાળી રાત વાતાવરણને વધારે બિહામણું બનાવતી હતી.

ક્રમશઃ