Ability - 3 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 3

ઔકાત – 3

લેખક – મેર મેહુલ

સવારનાં સાડા આઠ થયાં હતાં. ઇન. રણજિત અને રાવત ચોકીની બહાર ચા પી રહ્યાં હતાં. રાવતનો ફોન રણક્યો એટલે તેણે ગજવામાં હાથ નાંખીને ફોન કાને રખ્યો.

“આ શું મજાક છે રાવત ?” શશીકાંત ફોન પર ગુસ્સામાં બરાડ્યો, “તું તો કહેતો હતોને મોટાભાઈની દીકરી આવે છે, અહીં ઘંટો નથી આવ્યું કોઈ”

“તમે શું શિવગંજ પર રાજ કરશો ?” રાવતનો અવાજ ઊંચો થઈ ગયો, “તમે છોકરીની રાહ જોઇને બેઠાં છો એ વાત બળવંતરાયને કાને પડી ગઈ હતી એટલે બલીરામપુરથી જ એને કારમાં ઘરે લઈ જવામાં આવી છે”

“કોણ છે એ હરામખોર જેણે આ ખબર મોટાભાઈ સુધી પહોંચાડી !!” શશીકાંતનો ચહેરો ગુસ્સામાં લાલ રતુમડાં જેવો થઈ ગયો હતો.

“મને શું પૂછો.છો ?, તમે જ શોધો હવે” કહેતાં રાવતે ફોન કાપી નાંખ્યો.

“શું દિમાગ છે સાહેબ !” ઇન. રણજિતે કહ્યું, “પહેલાં છોકરીની બાતમી આપીને શશીકાંત પાસે રૂપિયા પડાવ્યાં અને પછી મને બળવંતરાય પાસે મોકલી, શશીકાંતની બાતમી આપીને બળવંતરાય પાસે રૂપિયા પડાવ્યાં”

“કૂતરા-બિલાડીનાં ઝઘડા વચ્ચે વાંદરો જ ફાવે છે રણજિત, આ લોકો વચ્ચે જો ઝઘડાઓ નહિ થાય તો આપણે તો ભૂખે મરવું પડશે. તું જ કહે મને, મારી પત્નીએ નવી કાર લેવાની જીદ કરી છે. સરકારી પગારમાં કાર આવે ?”

“પણ જ્યારે કૂતરા-બિલાડી ભેગા થઈ જશે ત્યારે ?” રણજિતે પૂછ્યું, “ત્યારે શું કરશો ?”

“આપણે અહીં શું મચ્છર મારવા બેઠાં છીએ ?” રાવતે હસીને કહ્યું, “જ્યાં સુધી રાવત અહીં છે ત્યાં સુધી બંને ભાઈ કોઈ દિવસ એક નહિ થઈ શકે”

“ એ વાત તો સાચી કહી, અત્યારે તમે જે દીવાસળી સળગાવી છે એ ભડકે સળગતી હશે. શશીકાંત મોટાભાઈનાં ડરમાં અને બળવંતરાય દીકરીની સુરક્ષાની ચિંતામાં આપણે જે રમત રમીએ છીએ એ જોઈ જ નહીં શકે”

“કાલે ડિનર સ્વાદિષ્ટ હતું” રાવતે વાત બદલી, “જો આવુંને આવું ચાલ્યું તો એક દિવસ આપણે સોનાની થાળીમાં ડિનર કરીશું”

“આ તો હજી ટ્રેલર છે, બે દિવસ રાહ જુઓ પુરી ફિલ્મ જોવા મળશે”

“ફિલ્મ ગમેતેવી બને પણ ક્લાઈમેક્સમાં આપણે જ એકનાં હાથમાં હઠકડી પહેરાવવાની છે” કહેતાં રાવત હસી પડ્યો.

“આ ફિલ્મનાં હીરો પણ આપણે જ છીએ અને વિલન પણ, આ તો બધાં સાઈડ રોલવાળા છે” રાવતની સાથે હસતાં હસતાં રણજિતે કહ્યું.

“હમ્મ, એ વાત તો સાચી તારી” રાવતે કહ્યું, “નિશાનાં કેસનું શું થયું ?”

“ખબર મળી છે, ગઈ રાતથી પંડિતજી લાપતા છે”

“અત્યાર સુધીમાં સ્વર્ગલોક પણ પહોંચી ગયા હશે પંડિતજી” રાવતે કહ્યું, “ચાલ આપણે પણ હવે કામ પર લાગીએ”

“હા, ચાલો ચાલો” કહેતાં રણજિતે બગલમાં રહેલી કેપ માથાં પર ચડાવી.

*

“મને કિડનેપ કરી હોય એમ કેમ લાવવામાં આવી ?” બાવીશ વર્ષની શ્વેતા મલ્હોત્રા ગુસ્સામાં બરાડી, “હું કોઈ અપરાધી નથી પાપા !’

“તારા જીવને જોખમ હતું એટલે તને ચોરીછુપે લાવવામાં આવી છે” બળવંતરાયે શાંત સ્વરે કહ્યું.

“ જો અહીં મારાં જીવને જોખમ હોય તો મને મુંબઈમાં જ રહેવા દોને, આમ પણ શિવગંજમાં મને નથી ગમતું” શ્વેતાએ પૂર્વવત ગુસ્સામાં પણ સહેજ ઠંડા અવાજે કહ્યું.

“મારાં નામની કોલેજમાં જો મારી જ દીકરી ના ભણતી હોય તો બીજા લોકો તેઓની દીકરીને કેમ મોકલશે ?” બળવંતરાયે પોતાની દીકરીને સમજાવી, “ કોલેજનાં ત્રણ વર્ષ પૂરાં કરી લે પછી પાછી મુંબઈ ચાલી જજે”

“ત્રણ વર્ષ !!” શ્વેતાએ ભડકીને કહ્યું, “ એક અઠવાડિયામાં મારી મુંબઈની ટીકીટ બુક કરાવી દેજો, હું નથી રહેવાની ત્રણ વર્ષ સુધી”

“તું એકવાર શિવગંજમાં રહેવાની કોશિશ તો કર, મુંબઈ કરતાં અહીં વધુ મજા આવશે. અહીં તારાં પાપાનાં નામથી લોકો ડરે છે. લોકો તને ઈજ્જત આપશે, તારાથી પણ ડરશે”

“એ ડર જ મને નથી પસંદ પાપા, મારે એવા લોકો સાથે નથી રહેવું જે ડરને કારણે મારી વાહવાહી કરે. મારે દોસ્તો સાથે ફરવું છે, પોતાનું ગ્રૂપ બનાવવું છે અને એ બધું મુંબઈમાં જ શક્ય છે”

“અહીં પણ શક્ય છે” બળવંતરાયે કહ્યું, “એક મહિના સુધી કોશિશ કરી જો, ના ફાવે તો મુંબઈ ચાલી જજે”

“ઠીક છે” શ્વેતાએ અણગમા સાથે કહ્યું.

“બે મહિના પછી પાપાને મળી છો, હજી ઝઘડો જ કરવાનો છે !” બળવંતરાયે ફરિયાદ કરતાં મોઢું બગાડ્યું.

શ્વેતા આગળ ચાલીને તેનાં પિતાને ગળે મળી,

“તમે બેસ્ટ પાપા છો” કહેતાં પોતાનાં પિતાને બે હાથમાં વધુ ઝકડી લીધાં.

“એ તો મને ખબર જ છે મારી દીકરી” વહાલથી શ્વેતાનાં માથે હાથ પસવારીને બળવંતરાયે કહ્યું.

“હું ફ્રેશ થઈને આવી” છુટા પડતાં શ્વેતાએ કહ્યું.

“એક મિનિટ” કહેતાં બળવંતરાયે ગજવામાંથી એક પિસ્તોલ કાઢી અને શ્વેતા તરફ ધરી, “આ તારી સુરક્ષા માટે, જો તને ખતરો મહેસુસ થાય તો બે ધડક ચલાવી દેજે, પછી તારાં પાપા જોઈ લેશે”

“ઑકે પાપા” શ્વેતાએ કહ્યું અને ઉપર પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

*

‘બળવંતરાય હસવંતરાય આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ’નું કૅમ્પસ સ્ટુડન્ટસથી ખાચોખાચ ભરેલું હતું. આજે કૉલેજનો પહેલો દિવસ હતો એટલે ફર્સ્ટયરનાં સ્ટુડન્ટસ ઉત્સાહિત ચહેરે નવા મિત્રો બનાવી રહ્યાં હતાં.

શ્વેતાનો પણ આજે કોલેજમાં પહેલો દિવસ હતો અને પહેલાં દિવસથી જ પુરી કોલેજમાં શ્વેતાની ધાક બેસી ગઈ હતી. શ્વેતા જે જગ્યાએ જતી ત્યાંથી બધા સ્ટુડન્ટસ નાસી જતાં હતાં. શ્વેતા તેની ત્રણ સહેલીઓ સાથે કેન્ટીનમાં પ્રવેશી એટલે એક છોકરાને બાદ કરતાં પૂરું કેન્ટીન ખાલી થઈ ગયું.

“એક વાંદરો કેમ હજી બેઠો છે !” રીટાએ હસીને કહ્યું, “રિમાન્ડ લેવી પડશે એની”

“છોડને યાર, એ બિચારો શ્વેતાને નહિ ઓળખતો હોય” મીરાંએ રીટાને સમજાવી, “બેસવા દે ને”

“આજે એકને બેસવા દઈશું તો કાલે આપણે બેસવા માટે લાઈનમાં ઉભા રહેવું પડશે” સાધનાએ ચીડ ભર્યા અવાજે કહ્યું, “જો આજે એકને સબક શીખવીશું તો કાલે બીજા પણ ડરશે, શું કહેવું તારું શ્વેતા”

“વાત તો તારી સાચી છે સાધના” શ્વેતાએ ગુરુર સાથે કહ્યું, “પુરી કૉલેજ મારાથી ડરે અને એક છોકરો બાકાત રહી જાય તો બધાં મારા પર હસશે”

“શ્વેતા તું પણ ક્યાં આ લોકોની વાતમાં ફસાય છે, છોડ બિચારાને” મીરાંએ શ્વેતાને પણ સમજાવવાની કોશિશ કરી.

“તું ચૂપ રે ભણેશ્વરી, તને જેમ વાંચવામાં મજા આવે છે એમ અમને સ્ટુડન્ટસને હેરાન કરવામાં. તું જો એ છોકરાને હેરાન થતી ના જોઈ શકતી હોય તો ચુપચાપ ખૂણામાં બેસીને નાસ્તો કરવા મંડ” રીટાએ મીરાને ચૂપ કરી દીધી.

“ઓ અંકલ” શ્વેતાએ નાસ્તાની પાળી પાછળ ઊભેલાં ભાઈને બોલાવ્યાં, એ પોતાનાં કામમાં વ્યસ્ત હતો અથવા વ્યસ્ત હોવાનું નાટક કરી રહ્યો હતો.

“જી મેડમ” કહેતાં કપાળે પરસેવો લૂછતો લૂછતો એ દોડીને આવ્યો, “તમે શા માટે તકલીફ ઉઠાવી, કહ્યું હોત તો હું નાસ્તો પહોંચાડી દેત”

“એ બધું છોડો, પેલો છોકરો કોણ છે ?” રીટાએ પૂછ્યું.

“આજે કોલેજનો પહેલો દિવસ છે, ઘણાબધાં નવા છોકરા આવ્યા છે. આ પણ ફર્સ્ટયરમાં જ હશે એટલે તમને ઓળખતો નહિ હોય, એક મિનિટ હું એને બહાર કાઢું છું”

“તમે તકલીફ ના લો” સાધનાએ કહ્યું, “અમે જોઈ લેશું”

પેલાં ભાઈએ સસ્મિત માથું ધુણાવ્યું. એ જાણતો હતો, સામે જે છે છોકરો બેઠો છે તેનો આજે જિંદગીનો સૌથી ખરાબ દિવસ બની જવાનો છે.

રીટા આગળ ચાલીને એ છોકરાનાં ટેબલ પાસે જઈને ઉભી રહી. એ છોકરો નાસ્તો કરવામાં મગ્ન હતો.

“ઓ મિસ્ટર !” રીટાએ ચપટી વગાડીને કહ્યું, “ચલ નિકળ અહીંથી”

છોકરાએ માથું ઊંચું કર્યું, રીટા સાથે આંખો ચાર કરી અને ફરી નાસ્તો કરવામાં મગ્ન થઈ ગયો.

“તને કહું છું, એક વાતમાં સમજાતું નથી” કહેતાં રીટાએ ટેબલ પર રહેલી નાસ્તાની ડિશને નીચે ફંગોળી દીધી. પેલાં છોકરાએ રીટા સામે જોયું. એ છોકરાની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરા પર ગુસ્સો હતો. એ ઉભો થયો અને રીટાને તમાચો ચોડી દીધો.

(ક્રમશઃ)