Ability - 10 PDF free in Detective stories in Gujarati

ઔકાત – 10

ઔકાત – 10

લેખક – મેર મેહુલ

“ગુડ મોર્નિંગ કેશવ !!” આજે કદાચ પશ્ચિમ દિશામાં સૂરજ ઉગ્યો હતો, શ્વેતા કોલેજ જવા બહાર આવી એટલે સામે ચાલીને તેણે કહ્યું, “વાઈટ શર્ટમાં ડેશીંગ લાગે છે તું”

કેશવ અચરજભરી નજરે શ્વેતાને તાંકતો રહ્યો. હંમેશા જીન્સ અને ટી-શર્ટ પહેરવાવાળી શ્વેતા આજે ડ્રેસ અને દુપટ્ટામાં હતી. એક દિવસમાં ભારતીય સંસ્કૃતિની અસર શ્વેતા પર થઇ જાય એ વાત કેશવને ગળે નહોતી ઉતરતી. શ્વેતાએ નેવી બ્લ્યુ ડ્રેસ પહેર્યો હતો, તેનાં ઉપર સફેદ દુપટ્ટો હતો. શ્વેતા મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મી હતી એટલે એ ખુબસુરત તો હતી જ પણ આજે એ સુંદર દેખાય રહી હતી.

“વેરી ગુડ મોર્નિંગ મેડમ” કેશવે કહ્યું, “કોમ્પ્લીમેન્ટ માટે થેંક્સ”

આગળનાં દિવસે શ્વેતા પાછળની સીટ પર બેઠી હતી અને આજે એ કેશવની બાજુમાં ડ્રાઇવિંગ સીટ પાસે બેઠી. કેશવે મધ્યમ ગતિએ કારને કોલેજ તરફનાં રસ્તે ચડાવી. શ્વેતાએ કારમાં બ્લુટૂથ કનેક્ટ કર્યું અને ગાયત્રી મંત્ર શરૂ કર્યો.

ૐ ભુર્ભુવસ્વઃ તત્સ વિતુર વરેનિયમ
ભર્ગોદેવસ્ય ઘી મહી
ધિયો યો નઃ પ્રચોદયાત ॥

મધુર સંગીત કારમાં રેળાયું એટલે વાતવરણ ખુશનુમા બની ગયું, સાથે કેશવનાં ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું.

“કેમ સ્માઈલ કરે છે ?” શ્વેતાએ પણ સ્માઈલ સાથે પૂછ્યું, “કોઈ દિવસ ગાયત્રી મંત્ર નથી સાંભળ્યો ?”

“સાંભળ્યો છે ને મેડમ, પણ તમે સાંભળતા હશો એ મને નહોતી ખબર” કેશવે કહ્યું.

“હું તો રોજ સવારે ઉઠીને સાંભળું છું પણ ગઈ કાલે મોડી સૂતી એટલે મોડી આંખો ખુલ્લી. તો કારમાં સાંભળી લીધું”

શ્વેતાની વાત સાંભળીને કેશવને હસવું આવી ગયું.

“હવે આ વાતમાં કેમ હસવું આવી ગયું ?” શ્વેતાએ હળવી નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યું.

“તમે રોજ સવારે ગાયત્રી મંત્ર સાંભળીને આવો છો તો પણ પૂરો દિવસ ગુસ્સામાં રહો છો, જો સાંભળીને ન આવતાં હોય તો વાત વાતમાં બોમ્બની જેમ ફૂટી જાઓ” કેશવે કહ્યું, “એ વિચારીને મને હસવું આવે છે”

કેશવની વાત સાંભળીને શ્વેતા પણ હસી પડી.

“હું પણ સામાન્ય છોકરી જેવી જ જિંદગી ઈચ્છું છું પણ પાપા તરફથી મળેલા ગુરુરને સાચવવામાં એ નથી થઈ શકું” શ્વેતાએ ધીમા અવાજે કહ્યું.

શ્વેતાનાં મોઢે આવી વાતો સાંભળીને કેશવને પારાવાર અચરજ થતું હતું.

“સૉરી” શ્વેતાએ કેશવ તરફ જોઈને કહ્યું, “મેં કારણ વગર તને હેરાન કર્યો”

“ઇટ્સ ઓકે મેડમ” કેશવે સસ્મિત કહ્યું, “તમને પોતાની ભૂલ સમજાય ગઈ એ ઘણું છે મારા માટે”

“ફ્રેન્ડ્સ ?” શ્વેતાએ કેશવ તરફ હાથ લંબાવ્યો.

“ફરીવાર ડોન્ટ ટચ મી નહિ કહો ને !?” કહેતાં કેશવ હસવા લાગ્યો.

“એ બધું ભૂલી જા હવે, આજથી નવી શરૂઆત કરીએ” શ્વેતાનાં ચહેરા પર ચાર આંગળી જેટલું મોટું સ્મિત રમતું હતું.

“ઑકે, ફ્રેન્ડ્સ” કેશવે શ્વેતા સાથે હાથ મેળવ્યો.

“મીરા તો આજે બેભાન જ થઈ જશે” શ્વેતાએ ઉત્સુકતા સાથે કહ્યું.

“મેં પણ પોતાની જાતને મહામહેનતે સંભાળી છે મેડમ” કેશવ હસ્યો, “એ મેડમને હાર્ટ-એટેક ના આવી જાય તો સારું”

“સવાર સવારમાં શુભ શુભ બોલ, બિચારીને જીવવા દેજે” શ્વેતાએ મશ્કરી કરતાં કહ્યું. કોલેજનો દરવાજો આવી ગયો એટલે કેશવે કાર થોભાવી. શ્વેતા કારમાંથી બહાર આવી. કેશવે કારને પાર્કિંગ તરફ ચલાવી.

“ઓહ માય ગોડ !” રીટાએ ચોંકીને કહ્યું, “તું શ્વેતા જ છો ને ?”

“હા, હું જ છું શ્વેતા” શ્વેતાએ હસીને કહ્યું.

“આ ડ્રેસમાં તું કેટલી સુંદર લાગે છે યાર” સાધનાએ બંને હાથ પોતાનાં ગાલ પર રાખીને કહ્યું.

“નજર ના લગાવતી હવે” શ્વેતાએ કહ્યું, “ મીરા ક્યાં છે ?”

“એ ભણેશ્વરી બીજે ક્યાં હોય ?” રીટાએ દાંત ખાટાં કર્યા, “ લાઈબ્રેરીમાં હશે”

“હું મીરાને મળવા જાઉં છું કેશવ” શ્વેતાએ કેશવ તરફ ફરીને કહ્યું, “કોઈ પ્રોબ્લેમ નથીને ?”

“ના મેડમ, બેફિકર થઈને જાઓ” કેશવે કહ્યું.

“આ પેલો છોકરો જ છે ને” રીટાએ પોતાનાં ગાલ પર હાથ રાખીને કેશવથી નજર ચુરાવીને કહ્યું, “મને લાફો માર્યો હતો એ”

“હા, હવે એ મારો દોસ્ત છે” શ્વેતાએ કહ્યું.

રીટાએ કેશવ તરફ નજર કરીને મોઢું બગાડ્યું.

“હું ક્લાસમાં મળું તને” શ્વેતાએ કેશવને ઉદ્દેશીને કહ્યું અને લાઈબ્રેરી તરફ આગળ વધી.

મીરા લાઈબ્રેરીમાં જ હતી. શ્વેતા દબેપાવ અંદર ગઈ અને પાછળથી મીરાને બાહોપાશમાં ભરી લીધી.

“મીરા…..” લાંબા લહેકે શ્વેતાએ કહ્યું, તેનાં અવાજમાં પારાવાર ખુશીની અનુભૂતિ હતી, “ગુડ મોર્નિંગ ડિયર !”

મીરા પાછળ ફરી તો તેની પણ આંખો પહોળી થઇ ગઇ,

“ઓહ માય ગોડ !!, શ્વેતા તું ડ્રેસ અને દુપટ્ટામાં !!”

“કમાલ લાગુ છું ને !!” પોતાનાં ડ્રેસને બંને બાજુએથી પકડીને શ્વેતાએ પોઝ આપતાં કહ્યું.

“કમાલ નહિ બબાલ લાગે છે” મીરાએ હસીને કહ્યું, “છોકરીઓનાં તો આજે હોશ ઊડી જવાનાં છે”

“ખાખ હોશ ઉડવાના !” શ્વેતાએ મોં બગાડ્યું, “મારાં પપ્પાનાં ડરને કારણે કોઈ સામું જ નથી જોતું”

“આજે તો બધા જોશે” મીરાએ કહ્યું, “પણ અચાનક આ બધું કેમ ?, કોઈ પસંદ આવી ગયું છે ?”

“હરામી !, મારા મનની વાત પણ સંભળાય છે તને” શ્વેતાએ મીરાનાં ગાલ ખેંચ્યા, “તને કેવી રીતે ખબર પડી !”

“મને શું કોઈને પણ ખબર પડી જાય, રોજ જીન્સ-ટોપમાં આવે અને અચાનક આટલી સજીધજીને આવે તો કોઈ તો કારણ જ હશે જ ને !”

“હા, કારણ છે. કાલે જે ઘટનાં બની એ પછી મેં પુરી રાત વિચાર્યું, કેશવ સાથે હું રુડ બિહવે કરતી હતી”

કેશવનું નામ સાંભળીને મીરાનો ચહેરો કરમાય ગયો.

“તો આ બધું કેશવ માટે છે ?” મીરાએ દરવાજા તરફ નજર સ્થિર કરીને પૂછ્યું. દરવાજા પર કેશવ હાથમાં પાણીની બોટલ લઈને ઉભો હતો. એ મીરા તરફ જોઈને સ્મિત કરતો હતો.

“હા” શ્વેતાએ શરમાઇને કહ્યું.

મીરાએ પુસ્તક બંધ કર્યું અને ઉભી થઇ ગઇ.

“શું થયું ?” શ્વેતા પણ ઉભી થઇ ગઇ.

“ક્લાસનો સમય થઇ ગયો છે અને તારો માચોમેન દરવાજા પર ઉભો છે” મીરાએ હસીને કહ્યું, “હું ક્લાસમાં જઉં છું”

“હવે હું પણ કારણ વિના બંક નથી મારવાની” શ્વેતાએ કહ્યું, “હું પણ તારી સાથે આવું છું”

શ્વેતા મીરાની નજીક આવીને કાન પાસે જઈને કહ્યું,

“કેશવને આ વાત ના કહેતી, એને નથી ખબર”

મીરા ડોકું ધુણાવી, કેશવ તરફ નજર કરી એક હળવું સ્મિત લહેરાવીને લાઈબ્રેરી બહાર નીકળી ગઈ. શ્વેતા પાછળ ઘૂમી કેશવ હજી દરવાજા પાસે જ ઉભો હતો.

“મેડમ આ પાણીની બોટલ અને કારની ચાવી” કેશવે બંને વસ્તુ સામે ધરી, “હું ક્લાસમાં જઉં છું”

“તું મને એકલી છોડીને જાય છે ?” શ્વેતાએ મોં ફુલાવ્યું, “કાલે જે લોકો આવ્યાં હતાં એ પાછા આવશે તો ?”

“તો તમે પણ ક્લાસમાં ચાલો” કેશવે કહ્યું.

શ્વેતાએ સ્માઈલ સાથે ગરદન ઝુકાવી. બંને ક્લાસ તરફ ચાલ્યાં.

પૂરા કલાસ દરમિયાન શ્વેતાનું ધ્યાન કેશવ તરફ જ રહ્યું હતું. મીરા શ્વેતાને નોટિસ કરતી હતી. એ બંનેની વચ્ચે માત્ર કેશવનું ધ્યાન ભણવામાં હતું. લેક્ચર પૂરો થયો એટલે પૂરું ગ્રૂપ કેન્ટીન ચાલ્યું. પહેલાની જેમ જ શ્વેતાને કેન્ટીનમાં આવતાં જોઈ કેન્ટીનમાં બેસેલા સ્ટુડન્ટસ ઉભા થઈને બહાર નીકળવા લાગ્યાં.

શ્વેતા દરવાજે ઊભી રહી ગઈ અને બધાને અટકાવ્યા.

“તમારે લોકોને હવે બહાર જવાની જરૂર નથી અને મારાથી ડરવાની પણ જરૂર નથી” શ્વેતાએ મોટા અવાજે કહ્યું, “જાઓ બધા, પોતાનાં ટેબલ પર બેસી જાઓ”

શ્વેતાની વાત સાંભળીને બધા સ્ટુડન્ટસ ખુશ થઈ ગયા અને પોતાની જગ્યાએ બેસીને નાસ્તો કરવા લાગ્યાં. કેન્ટીનનો માલિક શ્વેતા પાસેનાં ટેબલ પર આવ્યો અને ટેબલ પર જે સ્ટુડન્ટસ બેઠાં હતા તેઓને શ્વેતા માટે ટેબલ ખાલી કરવા કહ્યું.

“રહેવા દો અંકલ, અમે રાહ જોઈશું” શ્વેતાએ કહ્યું.

શ્વેતાનું બદલાય ગયેલું વર્તન જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયા. કેશવે મીરાને આંખો વડે ઈશારો કરીને આ પરિવર્તનનું કારણ પુછ્યું. મીરાએ જવાબમાં માત્ર આંખો પલકાવી. એ શું કહેતી ?, શ્વેતાનાં અને મીરાનાં વર્તનનાં પરિવર્તનનું કારણ કેશવ જ હતો.

(ક્રમશઃ)

Rate & Review

Lata Suthar

Lata Suthar 6 months ago

Anish Padhiyar

Anish Padhiyar 2 years ago

Shantilal Thakor

Shantilal Thakor 2 years ago

Manisha

Manisha 3 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 years ago

Share

NEW REALESED