Ability - 11 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 11

ઔકાત – 11

લેખક – મેર મેહુલ

શિવગંજ પોલિસ સ્ટેશનમાં નજારો કંઈક આવો હતો. દિપક તેનાં સાથી હવાલદારો સાથે ગપ્પાં મારતો હતો. બે હવલદાર બહાર ચાની લારી પર બેઠાં બેઠાં મોબાઈલ મચેડતાં હતાં, બેરેકની પાછળ રહેલાં ગુન્હેગારો તાળીઓ પાડીને મચ્છર મારતાં હતાં અને રણજિત ખુરશી પર બેસી, ટેબલ પર પગ ચડાવીને સિગરેટ પીતો હતો. કિશોર રાવત પોતાનો કાફલો લઈને બલીરામપુરમાં જે ઘટનાં બની હતી ત્યાં ગયાં હતાં.

રણજિતનાં હાથમાં દીપકે પઠાણનું જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું તેની ફાઇલ હતી. પઠાણનાં બયાન મુજબ, ટ્રકમાંથી અચાનક કેટલાક નકાબધારી માણસો નીચે ઉતર્યા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પોતાનો જીવ બચાવવા પઠાણ એક દીવાલ પાછળ છુપાઈ ગયો પણ બે વ્યક્તિની નજરમાં એ આવી ગયો. તેમાંથી એક વ્યક્તિ પઠાણ પાસે આવ્યો, કમરેથી પિસ્તોલ કાઢી અને બે ગોળી હવામાં છોડી, ત્યારબાદ પઠાણ પાસે આવીને બંને પગ પર ગોળી ચલાવી અને એ લોકો જતાં રહ્યાં.

“કમજાત સાલો !” સ્ટેટમેન્ટ વાંચીને રણજિત બબડ્યો, “ખોટું સ્ટેટમેન્ટ આપ્યું છે”

“દિપક” રણજિતે દીપકને બોલાવ્યો.

“પઠાણનાં પગમાંથી બુલેટ નીકળીએ ફોરેન્સિક લેબમાં મોકલી આપીને ?”

“હા સાહેબ” દીપકે ટટ્ટાર થઈને જવાબ આપ્યો.

સહસા ટેલિફોનની ઘંટડી રણકી.

“શિવગંજ પોલીસ સ્ટેશન” રણજિતે રીસીવ ઊંચું કરીને કહ્યું.

“કેસરગંજમાં ફાયરિંગ થયું છે સાહેબ, તમે જલ્દી આવો” સામે છેડેથી હાંફતો અને ગભરાયેલો કોઈ પુરુષનો અવાજ હતો.

“તમે કોણ બોલો છો ?” રણજિત સફાળો ખુરશી પરથી ઉભો થઇ ગયો.

“હું અણવર, શશીકાંત સાહેબનો…” અણવરનીવાત અધૂરી રહી ગઈ.

“ઠીક છે” રણજિતે કહ્યું, “જગ્યાનું નામ આપો”

“કેસરગંજ ચાર રસ્તા પાસેની ફેક્ટરીમાં આવી જાઓ” કહેતાં અણવરે ફોન કાપી નાંખ્યો.

“શશીકાંતનો ડાબો મા*રજાત” ગાળ બોલતાં ધડામ દઈને રણજિતે રીસીવર ટેલિફોન પર પછાડ્યું. પછી દિપક તરફ ફરીને તેણે હુકમ કર્યો, “જીપ કાઢ, આપણે કેસરગંજ જવાનું છે”

રણજિત પુરા કાફેલા સાથે કેસરગંજ ચાર રસ્તા પાસેની ફેક્ટરીમાં પહોંચ્યો ત્યારે ફેક્ટરીમાં ભયંકર શાંતિ હતી. ફેક્ટરીનાં પરસાળમાં જ્યાં નજર પડે ત્યાં લોહીનાં ખાબોચિયા ભર્યા હતાં. અહીં પણ અઢાર મજૂરોની લાશ પડી હતી અને બુલેટનાં ખોખાં પડ્યા હતાં. એક ખૂણામાં દીવાલને ટેકો આપીને અણવર કણસતો હતો. તેનાં બંને પગમાં ગોળી લાગેલી હતી.

“દિપક, એમ્બ્યુલન્સ બોલાવ” રણજિતે હુકમ કર્યો.

“ના સાહેબ, હું નહિ બચી શકું” દર્દ ભર્યા અવાજે અણવરે કહ્યું, “નજીક આવો મારી”

રણજિત ચાલીને અણવર નજીક ગયો અને નીચે ઝુક્યો.

“હું જે વાત કહું છું એ ધ્યાનથી સાંભળો, અહીં જે લોકો આવ્યાં હતાં એ કોઈ મામૂલી માણસો નહોતાં. તેઓનો જે લીડર હતો એ ખૂંખાર હતો. આ પહેલાં મેં તેને ક્યારેય કેસરગંજમાં નથી જોયો. તેનાં ચહેરા પર છાતી સુધીની સેટ કરેલી દાઢી હતી, એક ઇંચ જેટલા જ લાંબા વાળ હતાં. તેની આંખોમાં યમરાજ રમતો હતો. તેણે કાળું ગોઠણ સુધીનું કુર્તુ પહેર્યું હતું , ડાબા હાથમાં જૂની-પુરાણી ખાનદાની ઘડિયાળ હતી અને બીજા હાથમાં પીળું જાડું કડું હતું. મને ગોળી મારતાં પહેલાં તેણે એક વાત કહી હતી” અણવર શ્વાસ લેવા અટક્યો. બે વાર ઊંડા શ્વાસ લઈ તેણે વાત આગળ વધારી, “આગળનાં એક મહિનામાં શિવગંજમાં એવું વાવાઝોડું આવશે જે ત્રણેય તખ્ત પલટી નાંખશે”

“બીજું શું કહ્યું હતું એણે ?” રણજિતે ઉતાવળથી પૂછ્યું.

“બસ આટલું જ કહ્યું હતું” કહેતાં અણવરનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેનું શરીર બે ઝટકા સાથે ઉછળ્યું, છાતીનો ભાગ ઊંચો થઈને નીચે પટકાયો અને અણવરનાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં. અણવરની આંખો ખુલ્લી જ રહી ગઈ પણ તેની હૃદય બંધ પડી ગયું હતું. રણજિતે એક ઊંડો શ્વાસ લીધો અને અણવરનો આંખો પર આંગળીઓ ફેરવીને આંખો બંધ કરી દીધી.

થોડીવારમાં રાવત પર તેનાં કાફેલા સાથે દોડી આવ્યો. રણજિતે બધી ઘટનાથી તેને વાકેફ કર્યો. અહીં પણ બલીરામપુર જેવી જ ઘટનાં બની હતી. રણજિતે બધી બુલેટ એકઠી કરીને પ્લાસ્ટિક બેગમાં રાખી ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપી સાથે બધી લાશોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલવાની વ્યવસ્થા કરી અને એક જ જીપમાં સવાર થઈને રાવત અને રણજિત ચોકી તરફ રવાના થયાં.

“તે જ્યોતિષવિદ્યા શીખેલી કોઈ દિવસ ?” રાવતે રણજિતને ઉદ્દેશીને પૂછ્યું. રણજિત જીપ ચલાવતો હતો, રાવત તેની બાજુમાં બેઠો હતો.

“ના, કેમ ?”

“તે જેમ કહ્યું હતું એમ જ થાય છે” રાવતે હસીને કહ્યું, “પહેલા બલીરામપુર અને હવે કેસરગંજ, કોઈ બંને શહેરની વ્યવસ્થિત બજાવી રહ્યું છે”

“તો તો હવે શિવગંજની ટર્ન છે” રણજિતે કહ્યું.

“ના, શિવગંજમાં ના થાય”રાવતે કહ્યું, “ આ બે શહેરમાં તો આપણી ગેરહાજરીમાં ઘટનાં બની હતી. શિવગંજમાં જો એને આ રીતે ફાયરિંગ કરવું હોય તો પહેલા એકવાર વિચાર કરવો પડે કેમ કે આપણે શિવગંજમાં હોઈએ છીએ”

“એ વાત પણ સાચી છે” રણજિતે કહ્યું, “પણ જો હું ખોટો ના હોઉં તો બળવંતરાયને કોઈને રીતે ફટકો તો લાગવાનો જ છે. ભલે મંગુ પર હુમલો ના થાય પણ બીજા ઘણાબધાં લોકો છે જેને નુકસાન પહોંચાડીને એ લોકો ચેતવણી આપી શકે”

“આપણે શું છે ?, પોલીસતંત્ર જેવું તો શિવગંજમાં કશું છે નહીં. આપણે જવાનું અને ફોર્મલિટી પુરી કરીને આવતા રહેવાનું”

“એ પણ છે, આપણે તો જલસા જ છે” રણજિતે હસીને કહ્યું.

“ચાલ તો ચાની લારી પાસે જીપ થોભાવ, ચા પીતા જઈએ” રાવતે આળસ મરડીને કહ્યું.

*

કેશવ શ્વેતાને હવેલીએ છોડીને પોતાની બાઇક પર ઘર તરફ જતો હતો. શિવગંજની બજારમાંથી એ પસાર થતો એ દરમિયાન તેની નજર મીરા પર પડી. મીરા હાથમાં બેગ લઈને એક ગિફ્ટશોપની બહાર નીકળતી હતી. કેશવે પોતાની બાઇક મીરા પાસે ઠેરવી દીધી. અચાનક આવેલા અવાજને કારણે મીરા ડરી ગઈ અને બે ડગલાં દૂર ખસી ગઈ.

“અરે હું છું મેડમ” કેશવે માથાં પરથી હેલ્મેટ ઉતારીને કહ્યું, “કેશવ”

“ઓહ કેશવ” મીરાએ છાતી પર હાથ રાખીને રાહતનો શ્વાસ લીધો, “ બળવંતરાયનાં માણસો આ બજારમાં છોકરીઓ સાથે મનફાવે એવું વર્તન કરે છે એટલે હું ડરી ગઈ હતી”

કેશવે આજુબાજુ નજર ફેરવી. તેને બળવંતરાયનાં કોઈ માણસો નજરે ન ચડ્યા.

“કેમ આ બાજુ ?” કેશવે પૂછ્યું.

“બે દિવસ પછી શ્વેતાનો જન્મદિવસ છે એટલે સરપ્રાઈઝ ગિફ્ટ ખરીદવા આવી હતી”

“મેડમનો જન્મદિવસ છે !” કેશવે ખુશ થઈને કહ્યું, “ ચાલો હું પણ કોઈ ગિફ્ટ લઈ લઉં”

“તારે લેવાની જરૂર નથી, આ ગિફ્ટમાં મેં તારું નામ પણ લખાવી દીધું છે. હું તને કાલે કહેવાની જ હતી પણ તું અહીં મળી ગયો”

“થેંક્યું મેડમ” કેશવે સ્માઈલ કરતાં કહ્યું.

“એમ નહિ ચાલે, તારે મને ચાની ટ્રીટ આપવી પડશે” મીરાએ આંખો પલકાવીને નખરા કરતાં કહ્યું.

“અરે વાહ, કોફીની જગ્યાએ ચા !!” કેશવે કહ્યું, “મને પણ ચા જ પસંદ છે”

“ચાલ તો, કોઈ સારી એવી ચાની ટપરી પર લઇ જા” કહેતાં મીરા કેશવની બાઇક પાછળ બેસી ગઈ. કેશવે બાઇક ચલાવી. થોડે આગળ જતા ચાની લારી જોઈને કેશવે બાઇક ઉભી રાખી.

“આપણી એ દિવસની વાત અધૂરી હતી મેડમ” કેશવે બે સ્પેશિયલ ચા માટે મંગાવીને કહ્યું, “તમારી શું સ્ટૉરી છે ?”

“મારી સ્ટોરીને, આમ તો કંઈ ખાસ નથી. મિડલ ક્લાસ લોકોની સ્ટૉરી હોય એવી જ છે. શિવગંજમાં જન્મી, અહીં જ સ્કૂલ કરી અને અહીં કોલેજ કરું છું” મીરાએ બનાવટી સ્મિત સાથે કહ્યું.

“કોઈ અફેર કે એવું ?” કેશવે વાત આગળ ધપાવી.

“બોઉં ફાસ્ટ છે તું, સીધો મુદ્દા પર જ આવી ગયો” કહેતાં મીરા હસવા લાગી. એક છોકરો ચાનાં બે કપ રાખી ગયો એટલે બંનેએ એક એક કપ હાથમાં લીધો.

“મારી આદત છે, હું બેફિઝુલની વાતમાં સમય બરબાદ નથી કરતો” કેશવે ચાની ચુસ્કી લઈને કહ્યું.

“ભણવામાં એટલી વ્યસ્ત હતી કે હજી અફેર કરવાનો વિચાર જ નથી આવ્યો” મીરાએ પણ ચાની ચુસ્કી ભરીને કહ્યું, “તારા વિશે જણાવ, તું કોઈનું રૂપ જોઈને પ્રેમમાં આંધળો થયેલો કે નહીં ?”

“માણસ રૂપ અને રૂપિયામાં આંધળો થાય છે મેડમ, પ્રેમમાં કોઈ આંધળું નથી થતું” કેશવે કહ્યું, “ અને રૂપ તો સમયનું મહોતાજ છે, આજે કમાયેલી ઈજ્જત મરતી વેળા સુધી સાથે રહેશે”

“વિચાર તો તારા સારા છે પણ તને જોઈને લાગતું નથી તું કોઈનાં પ્રેમમાં નહિ પડ્યો હોય. કોઈ છોકરી સાથે તો પ્રેમની સોદેબાજી કરી જ હશે”

“છોકરાંઓ સેલમાં લટકેલી વસ્તુ નથી મેડમ, જેને કિંમત આપીને ખરીદી શકાય” કેશવે મીરાની આંખોમાં આંખ પરોવીને કહ્યું, “મારી વાત કહું તો મારો એક જ નિયમ છે, બાઇક અને બંદી પોતાની હોય તો જ ટચ કરવામાં ફિલ આવે”

“વાહ, આજે તો તું પંચલાઇનની હારમાળા કરી દઈશ” કહેતાં મીરા જોરથી હસવા લાગી.

બંને વાતો કરો રહ્યા હતાં એ દરમિયાન ત્રણ-ચાર લોકો ચાની લારી પર આવીને ઊભા રહ્યા અને મીરાને ખરાબ નજરથી જોવા લાગ્યાં. મીરાએ આ વાત નોટિસ કરીને પોતાનો દુપટ્ટો વ્યવસ્થિત કર્યો.

“રહેવા દે ને, દુપટ્ટો વચ્ચે આવશે તો ચોખ્ખું નહિ દેખાય” પેલો માણસ બોલ્યો અને બીજાને તાળીને મારીને હસવા લાગ્યો.

આ વાત સાંભળીને કેશવ ઉભો થઇ ગયો, તેણે બંને હાથની મુઠ્ઠીવાળી અને પેલાં માણસો તરફ આગળ વધ્યો.

“લો આવી ગયો લેલાનો મજનું” પેલો માણસ હજી હસતો જ હતો, “હવે એ બળવંતરાયનાં માણસ રાજા સાથે લડશે”

“શું કહ્યું, બળવંતરાયનાં માણસો !” કેશવે દાંત ભીંસીને કહ્યું, “જો બળવંતરાય ખુદ તારી જગ્યાએ હોત તો તેને પણ મારેત અને તું ક્યાં દિવસથી બળવંતરાયનો માણસ થઈ ગયો. તને તો કોઈ દિવસ હવેલીએ નથી જોયો”

“એ..એ.અમે લોકો…” રાજા થોથવાયો, “આ બળવંતરાયનો માણસ છે, ભાગો અહીંથી” કહેતાં એ દોડવા લાગ્યો. તેની પાછળ બીજા બધાં પણ દોડવા લાગ્યા. કેશવે કમરેથી પિસ્તોલ કાઢી અને રાજા નામનાં વ્યક્તિનાં પગ તરફ નિશાનો લઈને ચલાવી. કેશવનો નિશાનો સટિક હતો. ગોળી સીધી રાજાનાં પગની નાળ પર જઈને પેસી ગઈ. એ ઠેસ લઈને ગલોટિયું ખાય ગયો. એ જ સમયે રાવતની જીપ પહોંચી ગઈ.

“હરામી સાલા, ઐયાશી કરવામાંથી ઊંચા નથી આવતાં” રાવતે રાજાને કૉલરેથી પકડીને ઊંચો કર્યો અને બે થપાટ લગાવી દીધી. રાવતનાં કાફેલામાંથી બે હવાલદાર આવ્યાં અને રાજાને પકડીને દવાખાને રવાના કર્યો.

“તું કોણ છે બે !” રાવત કેશવ તરફ ઘૂમ્યો, “અને આ પિસ્તોલ ક્યાંથી આવી તારી પાસે ?”

“હું કેશવ મહેતા” કેશવે રાવતની આંખો સાથે આંખ મેળવીને કહ્યું, “બળવંતરાયની દીકરીનો અંગરક્ષક છું, બળવંતરાયે મને આ પિસ્તોલ આપેલી છે”

બળવંતરાયનું નામ સાંભળીને રાવત ઢીલો પડ્યો,

“જે હોય એ, તે જાહેરજગ્યામાં ફાયરિંગ કર્યું છે એટલે મારી સાથે આવવું પડશે”

કેશવે મીરા સામે જોયું, મીરા ધ્રૂજતી હતી. કેશવે આંખો પલકાવીને મીરાને શાંત થવા કહ્યું અને રાવત તરફ આગળ વધીને બંને હાથ આગળ કર્યા.

“હઠકડીની જરૂર નથી” રાવતે કેશવનાં હાથ નીચે કરીને કહ્યું, “જીપમાં બેસ”

કેશવ જઈને જીપમાં બેસી ગયો. રાવતે લુચ્ચું સ્મિત કર્યું અને જીપ ચોકી તરફ હંકારી.

(ક્રમશઃ)