Ability - 4 books and stories free download online pdf in Gujarati

ઔકાત – 4

ઔકાત – 4

લેખક – મેર મેહુલ

“તને કહું છું, એક વાતમાં સમજાતું નથી” કહેતાં રીટાએ ટેબલ પર રહેલી નાસ્તાની ડિશને નીચે ફંગોળી દીધી. પેલાં છોકરાએ રીટા સામે જોયું. એ છોકરાની આંખો લાલ થઈ ગઈ હતી, ચહેરા પર ગુસ્સો હતો. એ ઉભો થયો અને રીટાને તમાચો ચોડી દીધો.

“આ કેન્ટીન તામારા બાપની નથી !” બુલંદ અને પડછંદ સાથે તરછોડાયેલાં અવાજે એ છોકરો ગર્જ્યો, “નિકળો અહીંથી નહીંતર બીજી પડશે”

ગાલ પર હાથ રાખી, પેલાં છોકરા તરફ ઘુરતી ઘુરતી રીટા દરવાજા તરફ આવી.

“જોરથી લાગી ?” સાધનાએ હસતાં હસતાં પૂછ્યું.

“આ કેન્ટીન મારાં બાપાની નથી એવું કહેતો હતો એ” રીટા ગુસ્સામાં બબડી, “શ્વેતા આને એની ઔકાત બતાવવી જ પડશે”

“હું જોઉં છું” કહેતાં સાધના બે કદમ આગળ ચાલી.

“વેઇટ” શ્વેતાએ સાધનાને અટકાવી, “હું જોઉં છું”

શ્વેતા એ છોકરાનાં ટેબલ તરફ આગળ વધી. એ છોકરો નીચે પડેલી ડિશ હાથમાં લઈને ઉભો થયો એ દરમિયાન શ્વેતા ત્યાં પહોંચી.

“ઓ મિસ્ટર !’ શ્વેતાએ ચપટી વગાડીને કહ્યું, “શું નામ છે તારું ?”

“કેશવ” એ છોકરાએ કહ્યું, “કેશવ મહેતા”

“હા તો મી. કેશવ, આ કૉલેજ મારાં પપ્પાની છે” શ્વેતાએ બીજીવાર ચપટી વગાડીને કહ્યું.

“હા તો મેં ક્યાં કહ્યું મારાં પપ્પાની છે, તમારા પપ્પાની કૉલેજ હોય તો હું શું કરું !!!” કેશવે ચિડાઈને શ્વેતાની આંખોમાં આંખ પરોવીને કહ્યું.

“તું નિકળ અહીંથી, અને બીજીવાર મારી નજર સામે આવે ત્યારે નજર ઝુકાવીને વાત કરજે” શ્વેતાએ એ જ ગુરુર સાથે કહ્યું.

“ઓ મેડમ, હું તમારાં બાપનો નોકર નથી” કેશવ બરાડ્યો, “આ બધી દાદાગીરી તમારાં ચમચા સામે કરજો, આ કેશવ કોઈનાં બાપથી નથી ડરતો”

શ્વેતાને પોતાનું ઘોર અપમાન થયું હોય એવું લાગ્યું. તેણે આજુબાજુ નજર કરી. રીટા, સાધના અને કેન્ટીનનો માલિક શ્વેતા સામે જોઈ રહ્યાં હતાં. શ્વેતાએ સાઈડ બેગમાંથી પિસ્તોલ કાઢી અને કેશવ તરફ તાંકીને કહ્યું, “આનાથી તો ડરે છે ને!”

કેશવે બે હાથ ઊંચા કરી દીધાં. તેનાં ચહેરા પર હજી શાંતિ પથરાયેલી હતી. કેશવ સાગરનાં પાણીની જેમ શાંત અવાજે બોલ્યો,

“બેરેટ્ટા એમ-9 પિસ્તોલ, યુનાઇટેડ સ્ટેટ દ્વારા 1985માં બનાવવામાં આવી હતી. 9mm ની ગોળી છાતી પર મારો તો માણસ મરતો નથી મેડમ, આનું એંગલ 23° ઊંચું કરીને ખોપરીનો નિશાનો લો અથવા 7° જમણી બાજુ લઈને હૃદયનું. એક જ ગોળીએ કામ તમામ. બીજી વાત, પિસ્તોલ જ્યારે હાથમાં હોય ત્યારે પહેલી આંગળી ટ્રિગર પર હોવી જોઈએ અને હાથ સ્થિર હોવા જોઈએ. તમારાં હાથ ધ્રૂજે છે એટલે નિશાનો ચૂકવાની સંભાવના વધુ છે”

શ્વેતાની હાલત કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ, તેણે જિંદગીમાં પહેલીવાર પિસ્તોલ હાથમાં લીધી હતી. સામેનાં વ્યક્તિએ આ વાતને આસનાથી પરખી લીધી હતી. શ્વેતા ડરી ગઈ હતી તો પણ એ બળવંતરાયની દીકરી હતી, શિવગંજનાં રાજાની દીકરી. તેણે હિંમત એકઠી કરી અને કહ્યું,

“તારી આ ઈમ્પ્રેસ કરવાની પંચલાઇન બીજે ઉપયોગમાં લેજે, પહેલી ફુરસતમાં નિકળ નહીંતર છની છ ગોળીઓ તારાં શરીરની આરપાર કરી નાંખીશ”

શ્વેતાની વાત સાંભળીને કેશવ હસી પડ્યો. તેણે સેકેન્ડનાં છઠ્ઠા ભાગમાં સ્ફૂર્તિ બતાવી અને શ્વેતાનાં હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી. ત્યારબાદ પિસ્તોલનાં બધા ભાગને છુટા પાડીને ટેબલ પર રાખી દીધાં અને મેગ હાથમાં રાખ્યું.

“બોલિવૂડ ફિલ્મ ઓછા જુઓ મેડમ, આ પિસ્તોલમાં છ નહિ પંદર રાઉન્ડ આવે છે અને 9mm ની બુલેટ કોઈ દિવસ શરીરની આરપાર નથી થતી”

શ્વેતાનો ચહેરો ગુસ્સાને કારણે લાલ થઈ ગયો હતો. જો તેની પાસે અત્યારે પિસ્તોલ હોય તો બધી જ બુલેટ કેશવ પર ફાયર કરી દીધી હોત પણ, અત્યારે એ લાચાર હતી. તેની સામે જે વ્યક્તિ હતો એ વધુ પડતો જ ચાલાક અને હોશિયાર હતો.

“શ્વેતા ચાલ અહીંથી” મીરા વચ્ચે કૂદી, કેશવ તરફ જોઈ, હળવું સ્મિત કરીને એણે કહ્યું, “માફ કરશો, તમને હેરાન કર્યા”

“શીખો મેડમ, સામેવાળા વ્યક્તિ સાથે કેમ વાત કરાય એ આ મેડમ પાસેથી શીખો” કહેતા કેશવે પોતાનું બેગ ખભે રાખ્યું અને બિલ કાઉન્ટરે જઈ, બિલ ચૂકવીને બહાર નીકળી ગયો.

“એ પોતાની જાતને તિસ્માર ખાન સમજતો હતો, પણ હું કોની દીકરી છું એ તેને નથી ખબર. કાલ સુધીમાં એ મારાં પગમાં ના પડે તો મારું નામ પર શ્વેતા મલ્હોત્રા નહી” અહંકાર અને ગુસ્સા મિશ્રિત અવાજે શ્વેતાએ નાક સાથે આંગળી ઘસીને કહ્યું.

“છોડને શ્વેતા, આજે પહેલો દિવસ છે. અત્યારથી દુશ્મન બનાવવા લાગીશ તો દોસ્ત કોણ બનશે !” મીરાએ શ્વેતાને સમજાવવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.

“મીરા સાચું કહે છે” સાધનાએ પણ સામે ચાલીને મીરાની વાતમાં સુર પરોવ્યો, “ એક માણસને કારણે આપણો દિવસ શું કામ બગાડવો ?”

શ્વેતાએ એક હાથ ઊંચો કરીને બંનેને ચૂપ રહેવા નિર્દેશ કર્યો અને પગ પછાડીને એ બહાર નીકળી ગઈ.

*

બલીરામપુરનો નવાબ શેખ બદરુદ્દીન પોતનાં કક્ષમાં બેઠો હતો. તેણે કાળી પઠાણી પહેરી હતી, વાળ ખભા સુધી લાંબા હતા, દાઢી છાતી સુધી પહોંચી ગઈ હતી અને મૂછમાં એક તાંતણો પણ નહોતો. તેની આંખ નીચે સુરમો લગાવેલો હતો અને સુરમાં નીચે એક ઘાવનું નિશાન હતું. તેની કાળી ઘુવડ જેવી મોટી આંખો અને પહેરવેશ જોઈને કોઈપણ સામાન્ય માણસનું દિલ ધડકતું બંધ થઈ જાય એટલો એ ભયાનક હતો. એ પોતાની દાઢી પર હાથ ફેરવતો ફેરવતો વિચારોમાં ખોવાયેલો હતો.

થોડીવાર પછી એ ખંડમાં તેનો ખાસ અને વિશ્વાસુ આદમી પઠાણ પ્રવેશ્યો.

“જનાબ, એક પેયગામ આવ્યો છે” નીચે ઝૂકી, જમણો હાથ કપાળ સુધી લાવી સલામ કરતાં પઠાણે કહ્યું.

બદરુદ્દીને હાથ વડે ઈશારો કરીને વાત જણાવવા પરવાનગી આપી.

“કેસરગંજથી અણવરનો સંદેશો છે. એ મામૂલી કિંમતે માલ આપવા તૈયાર છે, બદલામાં શિવગંજ સાથે આપણે વ્યાપાર બંધ કરવો એવી શરત રાખવામાં આવી છે”

બદરુદ્દીન લુચ્ચું હસ્યો. પોતાની ખુરશી પરથી ઉભો થઈને એ પઠાણ પાસે આવ્યો અને પઠાણનાં ખભા પર હાથ રાખી એ બહાર તરફ ચાલ્યો. બહાર ઘણાં બધાં માણસો લાકડાંની પેટીમાં ગાંજાનાં પેકેટ ભરતાં હતાં. પેટી પર શિવજીનાં ચહેરાનો લોગો હતો જે શિવગંજનો હતો.

“આ લોગો હટાવીને કેસરગંજનો લોગો લગાવો” બદરુદ્દીને કહ્યું. બદરુદ્દીનની વાત સાંભળીને પઠાણ વિચારમાં પડી ગયો.

“આમ કરવાથી શું થશે માલિક ?” પઠાણે ગુંચવણ ભર્યા સ્વરે કહ્યું.

“પુરા બલીરામપુરને ખબર છે કે કેસરગંજનો ગાંજો એટલો નશીલો નથી હોતો જેટલો શિવગંજનો હોય છે, આપણે આ માલ કેસરગંજનાં લોગોથી વેચીશું એટલે લોકોને કેસરગંજનાં માલ પર વિશ્વાસ આવી જશે, પછી જ્યારે પેલો મામૂલી કિંમતવાળો માલ આવશે ત્યારે તેને પણ ઊંચી કિંમતે વેચીશું” બદરુદ્દીને દિમાગ લગાવ્યું.

“વાહ માલિક, તમારું દિમાગ તો ચિતાની ચાલ કરતાં પણ વધુ તેજ ચાલે છે” પઠાણે બદરુદ્દીનનાં વખાણ કરતાં કહ્યું.

“આ બંને ભાઈઓ વચ્ચે જ્યાં સુધી ઝઘડા ચાલતાં રહેશે ત્યાં સુધી આપણે વ્યાપારમાં નફો જ છે” બદરુદ્દીને હસીને કહ્યું, “ એ છોડ, બીજા એક સમાચાર છે, તને મળ્યાં કે નહી !’

“એવા કોઈ સમાચાર નથી જે મારી પહેલાં તમારાં સુધી પહોંચે, પણ તમે જે સમાચારની વાત કરો છો એ હું નથી જાણતો. તમે જ જણાવી દો”

“આજે સવારે બળવંતરાયનો ફોન આવ્યો હતો અને તેની દીકરી શ્વેતાને બલીરામપુર રેલવે સ્ટેશનમાં રોકવા આદેશ આપ્યો હતો” બદરુદ્દીને ખંધુ હસીને કહ્યું.

“તો એ વાતમાં આપણો શો લાભ છે ?”

“લાભ છે પઠાણ, બલીરામપુરથી આગળ કયું સ્ટેશન આવે છે ?”

“કેસરગંજ”

“હવે કંઈ સમજાય છે ?” બદરુદ્દીને દાઢીમાં હાથ નાંખીને વાળ પસવારતાં પુછ્યું.

“સમજાય છે માલિક, બધું જ સમજાય છે. શશીકાંત મલ્હોત્રાએ શ્વેતાને બંદી બનાવવાનો પ્લાન બનાવ્યો હશે અને આ વાત તેનાં મોટા ભાઈને ખબર પડી ગઈ હશે” કોઈ ગુંથી સુલજાવી લીધો હોય એવાં ભાવ સાથે પઠાણે કહ્યું.

“બરોબર સમજ્યો, એવું જ થયું છે” બદરુદ્દીને પઠાણની પીઠ થાબડી.

“તો આપણે હવે શું કરવાનું છે ?” પઠાણે પૂછ્યું.

“કંઈ નહીં, આપણે એક તાંતણું સળગાવવાનું છે. શિવગંજ અને કેસરગંજ આપોઆપ સળગી ઉઠશે” બદરુદ્દીને કહ્યું.

“મતલબ…” પઠાણ ફરી ગુંચવાયો.

“શ્વેતા કોલેજ માટે અહીં આવી છે એવા સમાચાર મળ્યાં છે, આપણે શશીકાંતનું નામ દઈને એકવાર તેને છંછેડવાની છે. આ વાત જ્યારે બળવંતરાયનાં કાને પડશે ત્યારે હાહાકાર મચી જશે”

બે વ્યક્તિનાં ઝઘડામાં ત્રીજો વ્યક્તિ લાભ ઉઠાવવાની તક ઝડપવા તૈયાર હતો, વ્યૂહરચના ઘડાય ગઈ હતી. શિવગંજ શહેરની ગાદી પર બેસવા ત્રણ વ્યક્તિ વચ્ચે શરૂ થયેલી જંગ વર્ષો પુરાણી હતી અને બધી જ વખતે બળવંતરાય બાજી મારી જતાં હતાં. આગળ કોણ આ ગાદી પર પોતાની હકુમત સ્થાપશે એ સમય જ નક્કી કરવાનો હતો.

(ક્રમશઃ)