lockdown ni lap books and stories free download online pdf in Gujarati

લોકડાઉનમાં લપ

તારીખ. 24/03/2020 ને મંગળવાર,

રાત્રે 8 વાગ્યે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણા બધાના પાટિયા બેસાડી દીધા. આ સમયે કોઈ ને વધારે આઘાત ન લાગ્યો પણ જયારે 21 દિવસ ના સમયગાળામાં ઘરમાં ઘુસી રહેલા લોકો ને કીડીઓ ચડવા લાગી ત્યારે તકલીફ વધવા માંડી. એવામાં 21 દિવસ પુરા થવાની રાહ જોઈ રહેલા જુવાનિયાઓ 20 માં દિવસે બાઈક અને સ્કૂટરને વહુરાણી ની જેમ તૈયાર કરવા લાગ્યા હતા અને જોર થી કીકો મારી મારી ને ગાડી ને ગરમ કરી રહ્યા હતા. માંડ આટલા દિવસે બહાર નીકળવા મળશે એવા હરખમાં ને હરખમાં કીકો પર કીકો મારતા જુવાનિયાઓ ને જયારે ખબર પડી કે મોદી સાહેબ પાછા રાષ્ટ્રને સંબોધવા આવે છે. ત્યાં તો ધબકારા વધવા લાગ્યા. અને અર્ધી કલાક પછી તો જાણે "ઓમ શાંતિ ઓમ" ફિલમમાં શાહરુખ ખાન "જગ સૂના સૂના લાગે" આ ગીત ગણગણાવતો ઉતરેલી કઢી જેવા મોઢે રસ્તા પાર નીકળે છે એવી રીતે બધા જ જુવાનિયાઓ બેસી ગયા ઘરના એક ખૂણા માં.

આ દરમિયાન મારો એક મિત્ર જેના ફેબ્રુઆરી મહિના માં વેલેન્ટાઈન્સ ડે ના પાવન પર્વ પર તાજા તાજા લગન થયેલા. ત્યારથી એક મહિના સુધી તો એનું મોઢું પેરાશૂટ જેટલું ફુલાયેલું રહ્યું. રોજ મને મળે ને રોજ મને કહેતો, "તારી ભાભી બહુ સારી છે યાર, ઘર માં બધા નો આદર કરે, બધા ને માન આપે, એટલી વિવેકી છે ને કે વાત જવાદે." વખાણ કરતા પોતે પણ એટલો ફુલાતો. બહુ હરખ એને તો ભાઈ. એક મહીના પછી બરાબર 14 માર્ચે એની ધર્મપત્ની પિયર ગઈ 15 દિવસ રોકાવા. આ ભઇલો રોજ રાતે ફોન કરી ને વ્યથા ઠાલવતો કહેતો, "નથી ગમતું મને દીકુ તારા વગર નથી ગમતું."

સતત 8 દિવસ આવું ચાલ્યું. રોજ ફોન અને રોજ એટલા મેસેજ. પણ ત્યાં તો ગુજરાત ના 4 મહાનગરો માં 3 કે 4 દિવસ નું જનતા કર્ફ્યુ જાહેર કર્યું મુખ્યમંત્રી સાહેબે. એમાં અમારું રાજકોટ પણ હતું. પણ ભાઈ ની પત્ની હતી ભાવનગરની. એટલે એમણે પેલી ને કીધું કે હું તને ભાવનગર આવી ને લઇ જાવ છું. પણ દીકરી એના પિયર ગઈ હોય અને પછી આવવાનું જટ નામ લ્યે?

"હજુ બસ 4 દિવસ રોકવા દ્યો, પછી તમે મને આવી ને તેડી જજો બસ." પત્ની ના આવા જવાબ થી થોડી તો સાંત્વના મળી ભાઈ ને. પણ મન તો ક્યાંય માય નહિ. એકલો એકલો ફર્યે રાખે. અને જેવા 2 દિવસ થયા ને ભાઈ એ હરખ માં ને હરખ માં ભાવનગર ની 25 તારીખ ની ટિકિટ કરાવી. આવી ને મને ક્યે ભાઈ હવે તો હું લઇ ને જ આવીશ તારી ભાભી ને.

આખરે 24 તારીખ આવી અને લોકડાઉન જાહેર થયું. મને પેલા ની ખુબ જ ચિંતા થતી હતી. તરત જ મેં તેને ફોન કર્યો.......

ઘંટડી વાગી.....

ટ્રીન..... ટ્રીન.....

ટ્રીન..... ટ્રીન.....

ફોન ઉપાડ્યો.......

એકદમ સન્નાટો... હું આ બાજુ થી હેલો હેલો કર્યે રાખું..... કોઈ જવાબ નહિ, કોઈ રિસ્પોન્સ નહિ.....

2 મિનિટ મેં પણ મૌન પાડ્યું. અને પછી મને ધીમા ધીમા ડુસકા સંભળાયા. ત્યારે ખબર પડી કે આ ભાભી નો દીકુ તો રોવે છે. માંડ માંડ શાંત કર્યો. થોડી સાંત્વના આપી અને કહ્યું, "ચિંતા ના કર 21 દિવસ પછી બધું ખુલી જ જવાનું છે. ત્યારે લઇ આવજે."

"પણ ભાઈ મારે હજુ એને કેટલી જગ્યા એ ફરવા લઇ જવાની હતી. અને જો આ લોકડાઉન ક્યારેય નહિ ખુલે તો હું તો લગ્ન કરેલો કુંવારો થઇ જઈશ." એમ કહી ને પોતે પાછો જોર થી ડુસકા લેવા લાગ્યો.

મને થયું હવે બીચારા ની કંઈક મદદ કરીયે. મેં મારી અમુક ઓળખાણ થી વાત કરીને કોર્પોરેટર સુધી છેડા અડાડવાની કોશિશ કરી. એ સમયે શાકભાજી, દૂધ, કરિયાણું, અને હોસ્પિટલ ના કામ સિવાય કોઈ ને જિલ્લા બદલી ને જવાની પરવાનગી ન હતી. હા અમુક પ્રેસ ની ગાડીઓ આવતી જતી હોય ને એમાં કંઈક સેટિંગ થાય તો જ મેળ પડે એમ હતો.

5-10 દિવસ તો આમ જ ચાલ્યા ગયા. પેલો તો શાહરુખ ખાન જ બની ગયો તો... હોઠ પર નહિ તો મન માં તો "જગ સૂના સૂના" ચાલુ જ હતું... ક્યાંય મન ના લાગે, એકલો એકલો ઘરમાં આંટા માર્યા કરે. શું કરે? ઘણા એ સલાહ આપી કે જો કોર્પોરેટરનો લેટર લઇ ને આવીશ ને તો તને બાઈક લઇ ને જવા દેશે. તું બાઈક લઇ ને તેડી આવ. પેલા ને વાત માં થોડો દમ તો લાગ્યો. પણ જોખમ પણ હતું થોડું એટલે થોડો ડર પણ લાગ્યો છતાં પણ હિમ્મત કરી એણે. મને ફોન કરી ને કહે, "તારા કોઈ ભાઈબંધ ને કહી ને કોર્પોરેટર નો લેટર કઢાવી દે ને." મેં આમ તેમ છેડા અડાડી ને ગમે તેમ કરી પેલા ને લેટર કઢાવી આપ્યો. ભાઈ થોડા હરખ માં આવી ને ઉપાડ્યા ભાવનગર બાજુ....

આજીડેમ ચોકડી વટાવી.....

સરધાર વટાવ્યું....

આટકોટ..... જસદણ...... અને આવી અમરેલી ની ચેકપોસ્ટ......

કોટડાપીઠા એ ભાઈ ને રોકી લીધો.....

પોલીસ જવા દેવા રાજી જ ન હતો. એ કહે કોર્પોરેટર શું કલેક્ટર નો લેટર હશે તો પણ હું તને આમ પ્રાઇવેટ વાહન લઇ ને ના જ જવા દવ... સમજાવવાની અથાક કોશિશ કર્યા બાદ નિષ્ફળતા મળી.... અને પાછો જેમ હતો એમ ધોયેલા મૂળાની જેમ પાછો આવ્યો.....

રાતે મને પાછો ફોન કર્યો.... પેલા ની જેમ ભેકણો તાણવાનું ચાલુ કર્યું.... મેં કીધું હશે ભાઈ આવી જશે થોડી રાહ જો.....

છતાંય એની ધીરજ ના ઘોડા પર લગામ ના આવી...

થોડા દિવસ ગયા. 21 દિવસ પુરા થવાને 5 દિવસ ની વાર હતી. ત્યાં ન્યૂઝ માં આવતું હતું કે ભારત માં કોરોના સંક્રમણ વધતું જાય છે. પેલા ને કીડીઓ ચડી.... હવે રહેવાતું ન હતું..

એની વાઇફને કહ્યું, " હવે તું કંઈક કર." તેણીએ આડોસ-પાડોસમાં કોઈક નો સંપર્ક કરી ને રાજકોટ થી એક પ્રેસ ની ગાડી આવતી હતી એમાં આવવાનો નિર્ણય કર્યો. ભાઈ ખુશ થયો.

લોકડાઉન ખુલવાના 2 દિવસ પહેલા નક્કી થયું કે આજીડેમ ચોકડીથી ભાઈ ને પ્રેસ ની ગાડી લઇ જશે. હવે ભાઈ ને આજી ડેમ પહોંચાડ્યો સવારના 11 વાગ્યામાં. ગમે તેમ કરી ને હેમ ખેમ એની પત્નીને પિયર થી પાછો લાવ્યો. હા રસ્તામાં પોલીસ ચેકીંગ માં તકલીફો પડી થોડી, પણ પ્રેસ ની ગાડી હતી એટલે વાંધો ના પડ્યો વધારે. વરરાજો ખુબ રાજી થયો...

ત્યાં જ લોકડાઉન - 2 જાહેર થઇ ગયું.. પણ હવે ભાઈ ને કોઈ ચિંતા હતી નહિ... હરખ માં ને હરખ માં મને ક્યે "હવે ભલે લોકડાઉન એક વરસ રહે." એ પછી ભાભી ને આ લોકડાઉન ની લપ વિષે જાણ થતા ખુબ હસ્યાં.

આ કોઈ રહસ્યમય વાર્તા તો નથી પણ આ હાસ્યકથામાં એક રહસ્ય છુપાયેલું છે.

વાર્તામાં ઉલ્લેખ થયેલો મારો મિત્ર બીજો કોઈ નહિ પણ "હું ખુદ હતો...."

હવે હસો...... હા....... હા..... હા.....

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

સમાપ્ત