Vignan Mandir books and stories free download online pdf in Gujarati

વિજ્ઞાન મંદિર

વાર્તા- વિજ્ઞાનમંદિર લેખક- જયેશ એલ.સોની.ઊંઝા
આશાપુરા ગામની હાઇસ્કૂલના ટ્રસ્ટી મંડળે એક મહિના પછી સ્કૂલના મેદાનમાં એક વિજ્ઞાન મેળો યોજવાનું નક્કી કર્યુ અને એની સંપૂર્ણ જવાબદારી હાઇસ્કૂલ ના હેડમાસ્તર ઋષિભાઇ ને સર્વાનુમતે આપવામાં આવી.હકીકતમાં આ વિજ્ઞાન મેળો યોજવાનું સૂચન ઋષિભાઇએ જ કર્યુ હતું.એમણે ટ્રસ્ટીમંડળ ને બાંહેધરી આપી હતી કે આપણો વિજ્ઞાનમેળો આખા રાજ્યનું ધ્યાન ખેંચશે.
વિજ્ઞાનમેળાની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ.શિક્ષકો અને વિદ્યાર્થીઓ તન મનથી સ્કૂલનું નામ રોશન કરવા ખભેખભો મિલાવીને શ્રમ કરી રહ્યા હતા.લગભગ ત્રીસ જેટલા સ્ટૉલ બનશે એવી ટ્રસ્ટી મંડળે જાહેરાત કરી હતી અને સાથે સાથે એવી પણ જાહેરાત કરી હતીકે છેલ્લો જે ભવ્યાતિભવ્ય સ્ટૉલ જેને વિજ્ઞાનમંદિર નામ આપવામાં આવ્યું છે એવો સ્ટોલ કોઇએ જીવનમાં કદી નહીં જોયો હોય એ જોવાનું રખે ચૂકતા.આ વિજ્ઞાનમંદિરની જાહેરાતે લોકોમાં ઉત્તેજના જગાવી હતી.આજુબાજુના ગામની સ્કૂલોને પણ ખબર હતીકે ઋષિભાઇ સાહેબ હંમેશા સમયથી આગળ ચાલેછે એટલે ચોક્કસપણે કંઇક નવું કરી બતાવશે.
એક મહિનાની સહુની સહિયારી મહેનતથી વિજ્ઞાનમેળાની તૈયારી થઇ ગઇ.સ્કૂલનું આખું મેદાન મંડપથી સજાવ્યું હતું.ચારેબાજુ રંગબેરંગી પરદા લગાવ્યા હતા અને પરદાઓ ઉપર જાહેરાત ના બોર્ડ લગાવ્યા હતા.મેઇનગેટ થી પ્રવેશ કર્યા પછી ત્રીસ સ્ટૉલ જોવાના અને છેલ્લે વિજ્ઞાન મંદિર.આખા તાલુકાની સ્કૂલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.સાંજે બે કલાક જાહેર પબ્લિક માટે ફાળવવામાં આવ્યા હતા.
‌ બપોરે બે વાગ્યે વિજ્ઞાન મેળો શરૂ થયો.એક સાથે તમામ આમંત્રિતો ને પ્રવેશ આપવામાં આવ્યો અને ચાર વાગ્યે જાહેર પબ્લિક ને પ્રવેશ આપવામાં આવશે અને છ વાગ્યે એકસાથે બધાને વિજ્ઞાન મંદિર બતાવવામાં આવશે એવું આયોજન હતું.
એક એકથી ચડિયાતા સ્ટૉલ બનાવ્યા હતા.વિજ્ઞાનની અવનવી શોધો વિશે લોકોને માહિતગાર કરવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી.દરેક સ્ટૉલ ઉપર બે વિદ્યાર્થીઓ માહિતી આપવા ઊભા હતા.જેને જે પ્રશ્નો કરવા હોય તેના જવાબો આ વિદ્યાર્થીઓ આપતા હતા.અમુક સ્ટૉલ ઉપર બહારથી બોલાવેલા વિજ્ઞાન શિક્ષકોને પણ ઊભા રાખ્યા હતા.પંદર જેટલા સ્ટૉલ ફર્યા પછી વચ્ચે થોડા નાસ્તાના સ્ટૉલ બનાવ્યા હતા ત્યાં બ્રેક આપવામાં આવ્યો.અડધો કલાક પછી ફરી સ્ટૉલ જોવાનું ચાલુ થયું.
ચાર વાગ્યે જાહેર પબ્લિક ને પ્રવેશ આપવામાં આવ્યો.અગાઉ પ્રવેશેલા લોકોને વિરામ આપવામાં આવ્યો.બરાબર છ વાગ્યે હેડમાસ્તર ઋષિભાઇ હાજર થઇ ગયા.વિજ્ઞાનમંદિર બતાવવાની જવાબદારી ઋષિભાઇના માથે હતી.લગભગ ચારસો માણસો અંદર હતા.
વિજ્ઞાનમંદિરનો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો.અંદર અલગઅલગ મંદિરો બનાવવામાં આવ્યા હતા. ' મિત્રો, અહીં આપણે કુલ સાત મંદિરના દર્શન કરીશું' ઋષિભાઇએ માઇકમાં બોલવાની શરૂઆત કરી.
‌‌ પ્રથમ મંદિરનો દરવાજો ખોલતા પહેલા તમામ લોકો સામે જોઇને ઋષિભાઇએ વાત શરૂ કરી.' શીતળા રોગ વિશે આપણે બધા થોડીઘણી વિગત તો જાણીએ જ છીએ.આ રોગ વિશ્વમાં લાખો બાળકો ને ભરખી ગયો હતો.આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો.કોઇ દવા જ નહોતી.
' તો સાહેબ આ મંદિર શીતળા માતા નું હશે કેમ? ' એક નિવૃત્તિ ના આરે ઊભેલા શિક્ષકે પૂછ્યું.
ઋષિભાઇએ ગંભીર અવાજે કહ્યું ' ના, શીતળા રોગના ભરડામાંથી આખા વિશ્વને બચાવનાર અને તેની વૅક્સિનની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક એડવર્ડ જૅનરનું આ મંદિર છે.આજે આપણે સહુ શીતળા મુક્ત છીએ એ આ વૈજ્ઞાનિક ની મહેનતના પ્રતાપે છીએ.બોલો મિત્રો આ વૈજ્ઞાનિક નું મંદિર હોવું જોઈએ કે નહીં? બધાએ તાળીઓ ના ગડગડાટ થી ઋષિભાઇના સૂરમાં સૂર પુરાવ્યો.મંદિરમાં એડવર્ડ જૅનર ની મૂર્તિ મુકવામાં આવી હતી.લોકોએ હાથ જોડીને વંદન કર્યા.
‌‌ બીજા મંદિર આગળ આવીને સહુ ઊભા રહ્યા.આ મંદિર આખા વિશ્વને પોલિયો મુક્ત કરાવનાર બે વૈજ્ઞાનિકો નું હતું.
ડૉ.જોનાસ સોક અને ડૉ.આલ્બર્ટ સાબિન ની મૂર્તિઓ મુકવામાં આવી હતી.
ત્રીજુ મંદિર કૂતરાં કરડવાથી થતા હડકવાની રસી શોધનાર વૈજ્ઞાનિક લુઇ પાશ્ચર નું હતું. ‌‌ ચોથું મંદિર પ્લેગની રસી શોધનાર વૈજ્ઞાનિક નું હતું.
લોકો ખરેખર ખુશ થઇ ગયા હતા.આવું તો કદી કોઇએ વિચાર્યું પણ નહોતું.
પાંચમું મંદિર બી.સી.જી.ની રસી શોધનાર વૈજ્ઞાનિક બ્રુશ એન્ડરસન નું હતું. છઠ્ઠં મંદિર ધનુરની રસી શોધનાર વૈજ્ઞાનિક ઍમિલ વૉન નું હતું.
ઋષિભાઇએ આગળ વાત ચાલુ કરતાં કહ્યું ' મિત્રો, આ છ વૈજ્ઞાનિકો નો સમાજ ઉપર કેટલો ઉપકાર છે એ આપ હવે સમજ્યા હશો.આ ભયંકર મહારોગો થી આપણને સહુને બચાવનાર ભગવાન તુલ્ય કહેવાય કે નહીં? આ સમજાવવા માટે અહીં મંદિર બનાવવામાં આવ્યા.
એક શિક્ષકે પૂછ્યું ' સાહેબ આ સાતમું મંદિર કોનું છે?'
ઋષિભાઇએ નમ્રતાથી કહ્યું' મને ખબર હતીકે આ પ્રશ્ન પૂછાશે.આ સાતમા મંદિરમાં હજી દેવ ની પધરામણી થઇ નથી'
' કેમ સાહેબ એવું ?અમને સમજાવો'
' અત્યારે આખા વિશ્વને કોરોના નામની ભયંકર બિમારીએ સકંજામાં લીધું છે.દવા નથી શોધાઇ એટલે લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યાછે.આખી પૃથ્વીને કોરોના મહામારીએ ભરડામાં લીધીછે.રસી શોધવા માટે આખા વિશ્વના વૈજ્ઞાનિકો રાતદિવસ મહેનત કરી રહ્યાછે.જે વૈજ્ઞાનિક કોરોના ની રસી શોધશે તેની મૂર્તિ આ સાતમા મંદિરમાં મુકવામાં આવશે.'
લોકોએ એકીસાથે ઋષિભાઇ સાહેબ ની વાતને વધાવી લીધી.અને આવું સુંદર આયોજન કરીને લોકોને જે નવો અભિગમ આપ્યો, જે નવી દ્રષ્ટિ આપી એ બદલ આભાર માન્યો.દર વર્ષે આવો વિજ્ઞાનમેળો કરવા માટે સહુએ ઋષિભાઇ સાહેબને વિનંતી કરી.
( સમાપ્ત)
મિત્રો, આ વાર્તા નો વિષય નવોછે પણ આપને યોગ્ય લાગ્યો હશે એવી આશા રાખું છું.ચીલાચાલુ વિષય કરતાં ' જરા હટકે' વિષય છે.નવી દ્રષ્ટિ અને નવી દિશા છે.જો ગમેતો મને સ્ટાર આપજો. આભાર...