CHARACTERLESS - 17 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 17

Characterless

ગતાંકથી ચાલુ......

સોળમાં ભાગમાં તમે જોયું નિખિલ મને જણાવે છે કે તારે સરલને સમજાવવાની છે. એ જે રીતે બધાની સાથે ફ્રી થઈને ફરે છે. પરંતુ એ સમજી રહી નથી કે લોકો એના ચરિત્ર પર જ બોલશે. આપણા સમાજમાં છોકરી વિશે લોકોની બહુ જ અલગ અને ખરાબ માન્યતા છે, અને અંતે હું સરલને કોલેજમાં આ વાત મારી રીતે શાંતિથી સમજાવુ છું. પરંતુ એ સમજતી નથી અને ગુસ્સામાં મને થપ્પડ મારી દે છે. અને હું કંઈપણ બોલ્યા વગર તરત જ કોલેજથી ઘરે જવા નીકળી જાઉં છું.

હું પાર્કિંગમાં પહોંચ્યો અને બાઈક લઈને ફટાફટ ઘરે જવા માટે નીકળ્યો. કોલેજથી થોડો આગળ ગયો અને અચાનક શું સુજ્યું કે બાઈકને રોડની સાઈડમાં ઊભું કર્યું અને મમ્મીને ફોન કર્યો કે હું આજે મોડા આવીશ એટલે હોટલમાંથી જમવાનું લઈને જ આવીશ. પછી હું બાઈક લઈને શહેરથી થોડે દૂર એક ટેકરી છે ત્યાં પહોંચ્યો. વિચાર્યું કે આજે શું થઈ ગયું ? હૃદય ભરાઈ ગયું હતું, સાચું કહું તો રોવાનું મન થયું. પરંતુ રડવું જ ના આવે, સાલું છોકરાઓને માતા-પિતા બધું જ શીખવાડે છે પરંતુ રડવાનું કેમ નથી શીખવાડતા ?

જીવનમાં પ્રથમવાર રડવાનું મહત્વ સમજાઈ રહ્યું હતું. વિચાર આવ્યો કે કેમ સરલે થપ્પડ મારી યાર ! હું તો એના માટે જ કહેતો હતો, બહુ અપમાન કરી નાખ્યું. મગજમાં અલગ અલગ વિચારો રમી રહ્યા હતા અને ત્યાં જ ફોનની ઘંટડી વાગી મેં સ્ક્રીન પર નજર કરી તો રાહુલનો ફોન હતો. મેં ફોન કટ કરી દીધો મારે કોઈ સાથે વાત કરવાની ઈચ્છા નહોતી, પરંતુ રાહુલ ઉપરાઉપરી મને ફોન કરી રહ્યો હતો છેવટે મેં ફોન ઉપાડયો. રાહુલે કહ્યું આર યુ ઓકે ? મેં કહ્યું હા ભાઈ ! પછી એ કંઈ કહેવા જાય એની પહેલા મેં એને કહ્યું કે ભાઈ ! પછી શાંતિથી વાત કરીશ અને એનો પ્રત્યુત્તર સાંભળ્યા વગર જ મેં ફોન કટ કરી દીધો.

અંધારું થવા આવ્યું ત્યાં સુધી હું ફક્ત બેસી જ રહ્યો અને વિચારો જોડે લડતો રહ્યો. પછી હું ઘરે જવા માટે નીકળ્યો, રસ્તામાં સારી હોટલ જોઈને ત્યાંથી જમવાનું લીધું. ત્યારબાદ હું ઘરે પહોંચ્યો, મમ્મી કામ કરી રહી હતી અને પપ્પા ટીવી જોઈ રહ્યા હતા. મેં પપ્પાને કહ્યું કે પપ્પા તમે અને મમ્મી જમી લેજો હું જમીને જ આવ્યો છું માથું દુઃખાય છે તેથી હું સુવા જાઉં છું. પપ્પાએ નવાઈ સાથે કહ્યું થોડું તો જમી લે બેટા ! મેં કહ્યું ના પપ્પા મેં જમી લીધું.

હું મારા રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો પછી સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ આજની ઘટના મગજમાં ફરી રહી હતી, અને ઘણા પ્રયત્નો પછી પણ મને ઊંઘ નહોતી આવી રહી. અચાનક જ મારા રૂમનો દરવાજા કોઈએ ખટખટાવ્યો, મેં દરવાજો ખોલ્યો તો રાહુલ, સાગર અને નિખિલ હતા. મેં કહ્યું શું થયું અચાનક જ ? તો રાહુલ બોલ્યો થયું તને છે એટલે અમે અચાનક આવ્યા, પછી મેં બધાને રૂમમાં આવકાર્યા.

સાગરે કહ્યું આકાશ ! સોરી ભાઈ, મારા કારણે જ બધું થયું મને ખબર નહોતી કે સરલ આ રીતે વર્તશે. હું એને બોલ્યો યાર, તું ચિંતા ના કર ! એ અમારી સાથે આવતી જ હતી તને સોરી કહેવા પરંતુ મેં એને રાતના કારણે ના પાડી દીધી. મેં કહ્યું બરાબર ભાઈ પછી કહ્યું કે તમે લોકો જાઓ હાલ, મને માથું દુખાય છે.પહેલા તો એમણે કહ્યું થોડીવાર બેસીએ પછી જઈએ, તને કંપની આપીએ પરંતુ મેં કહ્યું કાલે મળીએ ભાઈ. સાચે મારુ માથું દુખાઈ રહ્યું છે, ત્રણે જણાએ સંમતિ દર્શાવી અને જવા લાગ્યા તો મેં મંદ હાસ્ય સાથે કહ્યું સાગર ! દોસ્ત રાતના કારણે ઘરે ના આવી શકે પરંતુ એક ફોન તો કરી જ શકે છે (બહુ જ ઓછા લોકો હોય છે જે મંદ હાસ્યની માનસિકતા અને પરિસ્થિતિને સમજી શકે છે). પછી ત્રણે જણાએ ઘરેથી પ્રસ્થાન કર્યું.

હું દરવાજો બંધ કરીને સુવા ગયો ત્યાં જ પપ્પા આવ્યા અને કહ્યું કે બેટા ! શું થયું ? મેં કહ્યું કંઈ જ નહીં પપ્પા. પપ્પા મારી પાસે આવ્યા અને ખભા પર હાથ મૂકીને કહ્યું કે ચાલ ! મને દોસ્ત સમજીને તો વાત જણાવ. તારી આંખોમાં ઘણી વાતો છે, બિન્દાસ થઈને વાત જણાવ. મેં કહ્યું કંઈ નહીં પપ્પા ચાલો તમે પણ સુઈ જાઓ અને તરત જ પપ્પાએ આંખ કાઢી એટલે મને લાગ્યું કે જણાવવું જ પડશે પછી મેં આજની ઘટના પપ્પાને જણાવી.

પપ્પાએ કહ્યું કે બેટા ! આમાં થોડી તારી ભૂલ છે. મેં નવાઈ સાથે પપ્પાને પૂછ્યું મારી ભૂલ ? તો એમણે કહ્યું કે ચાલ મને એમ જણાવ સરલ-આકાશની દોસ્તી કેટલા સમયથી છે. તો મેં કહ્યું કોલેજ ચાલુ થઈ એના પાંચમા દિવસે એ મારી દોસ્ત બની હતી એટલે હાલ અઢી મહિના ઉપર થયું. પછી પપ્પાએ કહ્યું આજે જે રીતે તું થોડા હકથી વાત કરતો હતો એવી રીતે તું પહેલાથી એના જોડે આ જ રીતે વાત કરી છે મતલબ કે દરેક વખતે તે એના પર વાત માનવાની બાબતે થોડું દબાણ કરેલું. મેં કહ્યું, હા પપ્પા ! ઘણીવાર આ રીતે મેં અમુક વસ્તુ એને કડક શબ્દોમાં કહી જ છે.

પપ્પાએ કહ્યું બેટા ! આજે તને જીવનનો એક સરસ નિયમ કહીશ બરાબર. મેં પણ માથું હલાવીને સંમતિ દર્શાવી. પપ્પાએ આગળ વાત ઉમેરી, બેટા ! કોઈપણ દોસ્ત હોય અથવા વ્યક્તિ જ લઈ લે કોઈને પણ "હક" નામની વસ્તુ પસંદ નથી. ઉદાહરણ તરીકે હું તારી પર હક કરી શકું અને તું મારો વિરોધ પણ નહીં કરે પરંતુ આ જ હક હું સાગર પર કરું તો એક હદ સુધી ચાલે પરંતુ જયારે એ હદની રેખા ઓળંગીએ એટલે તકલીફ ઉભી થાય છે. સરલ તારી દોસ્ત છે, તારી જવાબદારી એને પ્રેમથી સમજાવવાની છે પણ તે એને પહેલાથી જ "ગ્રાન્ટેડ" ગણી લીધી. એ તારી વાત ના સાંભળે એટલે તું ગુસ્સે થઈ જાય. તે આ વસ્તુ તારા કહેવા પ્રમાણે પહેલાથી કરી અને આજે તે પ્રેમથી વાત કરી તો પણ પરિણામ બરાબર ના આવ્યું. કારણ કે, સરલના મનમાં એમ કે આ મારી પર આટલો હક કેમ કરે છે ? મેં કહ્યું, પણ પપ્પા મેં તો મારા મનમાં પણ આવું કદી વિચાર્યું જ નથી. તો પપ્પાએ કહ્યું હા બેટા ! મને ખબર છે તે એવું કંઈ જ વિચાર્યું નથી પરંતુ તારી દોસ્તીનો પ્રેમ એને હક લાગી રહ્યો છે. તે તો દોસ્તની ઈજ્જત માટે બધું કર્યું પરંતુ અમુકવાર આપણો પ્રેમ બીજાના માટે પ્રેમ ના પણ હોય આકાશ ! આ વાતને તું ધીમે ધીમે સમજીશ.

પપ્પાએ ઉમેર્યું, અને હા છેલ્લી વાત ! આ વખતે ફક્ત "હક" જ થપ્પડનું કારણ નહોતું. કઈંક બીજું પણ કારણ છે જેથી સરલ તારા પર આટલી ગુસ્સે થઈ, બસ હવે એ કારણ તારે શોધવાનું છે. આગળ તું કેવી રીતે કરીશ એની મને જાણ નથી. પરંતુ જે પણ કરે એ સાચી રીતે અને સાચી દિશામાં કરજે. જતા જતા પપ્પાએ એક વાત કહી બેટા ! દરેક વ્યક્તિને સ્વતંત્રતા ગમે છે અને અમુક વખતે આપણે જાણી જોઈને નહીં પરંતુ અજાણ્યા પણ એ સ્વતંત્રતાની વચ્ચે આવીએ છીએ. આ બધી વાત એટલા માટે જણાવી કે કારણ કે હંમેશા આપણે પોતાને જ સાચા ગણતા હોઈએ છીએ સામેવાળાનો નજરીયો જોઈએ તો ઘણી તકલીફો અને ગેરસમજ દૂર થઈ શકે છે.

પપ્પા જતા હતા અને એમને હું ગળે મળ્યો પછી મેં કહ્યું થેન્ક યુ પપ્પા ! આજે તમે મને જીવનની સાચી વાતો શીખવાડી. પપ્પાએ કહ્યું બેટા સ્માઈલ પ્લીઝ ! તું બધાને જ કહે છે ને, સરસ. પરંતુ પોતાની સ્માઈલ જતી ના રહે એનું ધ્યાન પણ રાખવાનું, પછી પપ્પા ગયા અને મેં દરવાજો બંધ કર્યો.

પપ્પાએ મને એમ કહ્યું સરલના મનમાં કઈંક તો ચાલી જ રહ્યું છે નહીં તો અત્યાર સુધી એણે મારી જોડે વાત તો કરી જ દીધી હોત. અચાનક જ મને મગજમાં વિચાર આવ્યો કે જ્યારથી સરલ જોડે દોસ્તી થઈ ત્યારથી ઘણીબધી ઘટનાની કડી એની આસપાસ જોવા મળી. કઈંક તો છે જ ! સુરજ પણ કહેતો હતો સરલ વિશે વાત કરવી છે. કંઈ નહીં આ વખતે મારે શાંત મગજે બધું અવલોકન કરવું પડશે.

બીજા દિવસે બધું કામ પતાવીને હું કોલેજ માટે નીકળ્યો અને કોલેજ પહોંચ્યો ત્યાં જ મને વિશાલ મળ્યો અને હસતા હસતા એણે જે મને વાત કહી એ સાંભળીને હું ગુસ્સે થઈ ગયો.

હવે એ શું વાત છે જે મને વિશાલે જણાવી અને હું ગુસ્સે થઈ ગયો એ જાણવા માટે તમારે ૧૮ માં ભાગની રાહ જોવી પડશે.

સ્માઈલ પ્લીઝ
(પપ્પાની વાતોથી સ્માઈલ આવી ગઈ ને !)

વધુ આવતા અંકે...........