Madhurajni - 17 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 17

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૧૭

સતત બીજી સવારે પણ શ્વેતાએ એનું એ જ દૃશ્ય જોયું. તીવ્ર જિજ્ઞાશા જાગી. આમ કેમ હોય? રાતભર પલંગ યથાવત જ રહ્યો હતો? કોઈ જાણે સુતું જ ના હોય!

મન તો ગમે એ દિશામાં જાય. એને થોડું રોકી શકાય? પહેલાં તો થયું કે તેણે શા માટે વિચારવું જોઈએ. આ વિષયમાં? આ તો ભાઈ-ભાભીનો સાવ અંગત પ્રશ્ન હતો. અને તે લગભગ અજાણ હતી- આ વિષયથી.

બસ, ના વિચારવું કશું. તેણે નિર્ણય પણ લઈ લીધો કે તે મેડી પર જશે જ નહીં અથવા ટેબલ-લેમ્પની સ્વીચ દાબીને વાંચવા બેસી જશે. નહીં રખે કોઈ નિસ્બત એ મેડી સાથે.

પણ...એ નિર્ણય ટક્યો નહીં. તે વિચલિત થઈ જ ગઈ. મેધ તો સવારે ઊઠીને, તૈયાર થઈને શહેરમાં ચાલી ગયો હતો. માનસીને તો કહ્યું જ હશે કદાચ.

તેણે લત્તાબેનને કહ્યું હતું- ‘મમ્મી, શહેરમાં જઈ આવું. પટેલ સાહેબે બોલાવ્યો છે. અને મારે મળવું પણ જોઈએ.’

‘માનસી સાથે આવે છે ને?’ લત્તાબેને સહજ પૃચ્છા કરી હતી.

‘ના, મમ્મી, સાંજે તો પાછો ફરીશ. બીજું ખાસ કામ પણ નથી. સાહેબ પણ ક્યાં છે?’

મેધે ઉત્તર વાળ્યો હતો એ પણ સ્વાભાવિક જ હતો. થોડા કલાકો માટે માનસીને લઈ જવી યોગ્ય નહોતી. લત્તાબેનને એ વાત ગમી હોય તેમ લાગતું હતું.

‘ભલે...રહી અમારી સાથે. જઈ આવ તું.’ તેમણે સસ્મિત ઉત્તર આપ્યો.

શ્વેતા આ બધું સાંભળતી હતી. લત્તાબેને જે વાત સહજ લાગી એ શ્વેતાને ન લાગી. તેનું મન કામે લાગી ગયું, તે તરત દોડતી મેડી પર ચડી ગઈ.

માનસી સૂનમૂન બનીને ચટાઈ પર બેઠી હતી. થોડે દૂર જાજમ ચોળાયેલી પડી હતી અને પથારી...કરચલી વિનાની...ગઈ સાંજે પાથરી હતી એવી જ વ્યવસ્થિત હતી. ‘શ્વેતા!’ માનસી ચમકી હતી. શ્વેતાએ તેનો ચહેરો વાંચી લીધો હતો. નર્યો વિષાદ હતો ચહેરા પર.

તેની હસી પડવાની મથામણ પણ શ્વેતાએ પકડી પાડી. ‘ભાભી, તમે કહો, ન કહો પણ...’ તે બોલી. માનસી જોઈ રહી શ્વેતાને. શ્વેતાના ચહેરા પરની આત્મીયતાની લાગણીને. આટલાં દિવસ પછી કોઈએ તેના પ્રતિ લાગણી દર્શાવી. વાક્ય તો પૂરું થયું પણ નહોતું પણ ભાવો જ કહી આપતાં હતા કે તેની પાસે લાગણી હતી, સહૃદયતા હતી, જેની આ પળે તેને ખૂબ જરૂર હતી.

લત્તાબેને પણ તેને બાથમાં લીધી હતી. પણ એ આનંદની અનુભૂતિ હતી, જ્યારે આ છોકરી તો તેના ચહેરાને, આંખોને વાચી શકી હતી, કંઈક સમજી શકી હતી. ‘ભાભી...તમે દુઃખી છો.’ શ્વેતાએ વાક્ય પૂરું કર્યું. અને માનસીએ બે હાથ ફેલાવ્યા હતા. આંખો વહેવા લાગી હતી. ગાલો આંસુથી ખરડાવા લાગ્યાં હતા. અને શ્વેતા માનસીને વળગી પડી. શ્વેતાના ગાલ, વસ્ત્રો પણ ભીંજાયા. એક સ્ત્રીને બીજી સ્ત્રીનો ખભો મળ્યો. પ્રવાસ દરમિયાન તે અનેકવાર રડી હતી. અરે, ખીણમાં કૂદી પડવા પણ તૈયાર થઈ હતી.

દરેક વખતે મેધે તેને બચાવી હતી, સાંત્વના આપી હતી, પોતાના ખરાબ વર્તન બદલ પરિતાપ પણ દાખવ્યો હતો. તે ખુદ જ ક્યાં સ્વસ્થ હતો તો પણ તેણે એ અસ્વસ્થતાના માટેની કારણરૂપ સ્ત્રીને સંભાળી હતી. પત્નીના આત્મહત્યાના પ્રયાસ પછી તો મેધ ખૂબ હતાશ થઈ ગયો હતો. અને એ હનીમુન સમાપ્ત થયું હતું, પણ યાતનાઓ ક્યાં સમાપ્ત થઈ હતી.

હરદ્વારમાં મનને થોડા મલમપટ્ટા જરૂર થયા હતા, પણ એ પહેલાં જ...ભલે થોડી ક્ષણો માટે પણ એ અધમ પુરુષને માનસીએ જોયો હતો. અને ફરી તેનું શરીર, મન ખુદના નિયંત્રણમાં રહેતું નહોતું. તેણે વિચારી રાખ્યું હતું કે તે ઘરે ગયા પછી રાતે એ બધી જ વાતો- ભલે ગમે તેટલી નિંદનીય હોય, પતિને કહી દેશે, રજેરજ વાત કહી દેશે.

આખરે તે તેનો પતિ હતો, સર્વસ્વ હતો, સદ્દ્પુરુષ હતો. તે ખરાબ બન્યો નહોતો, બનવાના પ્રસંગો હતા, છતાં પણ. આ સદ્દ્પુરુષ જ ગણાય ને? કદાચ...તેને ખરાબ માણસ થતાં આવડતું જ નહીં હોય!

સુમંતભાઈને મળવા આવતો ત્યારે કેવો સભ્ય, સરળ બનીને આવતો હતો? હજી તે ભીતરથી એવો જ હતો, સપાટી પર ક્યારેક લથડી પડતો હતો.

આ રમતે શું આપ્યું હતું? તેણે પ્રયત્નો તો કર્યા, પણ મેધ હતાશ બની ચૂક્યો હતો. તેણે માનસીને સાંભળવાની દરકાર જ ના કરી. ‘ના...માનસી. આ નાનકડા ઘરમાં તારી ચીસના અનેક અર્થો થશે. નાઉ, નો મોર.’

મેધ એટલું બોલીને ચૂપ થઈ ગયો હતો. પછી માનસી પણ ચૂપ થઈ ગઈ હતી. નીચેના અવાજો પણ શાંત થઈ ગયા હતા. નિઃસ્તબ્ધ રાત્રિ, ખાલી શયનખંડ અને જાજમ પર એકમેકથી દૂર સૂતેલા મેધ-માનસી. માનસી રડી નહોતી. તેને દુઃખ હતું કે પતિએ તેને સાંભળવાનો પણ ઇનકાર કર્યો હતો.

‘મેધ, મારે તમને ઘણી વાતો કહેવી છે..’ પણ મેધે આંખો મીંચી દીધી હતી. તેને જાણે કે માનસીમાં રસ જ નહોતો રહ્યો.

બસ, સોંપણી કરી દીધી, મમ્મી-પપ્પાએ. સંભાળો તમારી વહુને. બસ...એવો જ ઘાટ થયો. જાણે તેની જવાબદારી પૂરી થઈ ગઈ. કદાચ તે થાકી ગયો હતો. દિશાહીન બની ગયો હતો. તેણે માનસીને એ પણ ના કહ્યું કે તે સવારે શહેરમાં જઈ રહ્યો હતો. સાથે આવવાનું કહ્યું હોત તો તે ના જ પાડત પણ તેણે કહ્યું જ ક્યાં હતું. માનસીને ખોટું લાગ્યું હતું. મેધ આટલો કઠોર હોઈ શકે? તે આવાં મનોમંથનમાં પસાર થતી હતી ત્યાં જ શ્વેતા આવી હતી.

તે ભેટી પડી શ્વેતાને. એક સાવ બિન-અનુભવી છોકરીને. ના...પણ બધી જગ્યાએ અનુભવોની જરૂર હોતી નથી. સહૃદયી મન હોય એ જ પર્યાપ્ત. રડવું તો સહજ પ્રક્રિયા ગણાય. લાગણીનો ઢાળ મળે ને દદડી જવાય. શ્વેતાના નાજુક ખભાની હૂંફ મળી. માનસી ખાલી થઈ ગઈ. માનસીએ જોયું કે શ્વેતાની આંખોય ભીની હતી. ‘ભાભી, શાંત થઈ જાવ. કોઈ પણ દુઃખને અંત તો હોય જ છે. આપણે સ્ત્રી રહ્યાં એથી શું? કાંઈ ઉતરતા નથી.’ શ્વેતાનો આ પ્રારંભિક પ્રત્યાઘાત હતો. હકીકતમાં તેને એટલી જ જાન હતી કે માનસી દુઃખી હતી, ક્ષુબ્ધ હતી. અને તેનું કારણ સતત બે રાત સુધી અકબંધ રહેલી શૈયા હતી. તેણે ખુદે જ હોંશેહોંશે પાથરી હતી, સજાવી હતી. એની કરચલી પણ વળી નહોતી એ પણ તેણે નિહાળ્યું હતું. મનમાં એ વાત સળવળી હતી, વિસ્મય બનીને.

અને તેણે જાણે અજાણે તેના ભાઈ મેધને દોષિત માની લીધો હતો. એક બંધ કમરામાં સ્ત્રી દુઃખી હોય તો એ માટે એ પુરુષ જ જવાબદાર હોય ને? અને આ સ્ત્રી તો નવપરિણીત હતી. આવી અવસ્થામાં સુખ જ હોય ને? બસ, સુખ અને સુખ.

શ્વેતાને આટલી સમજ હતી. તેને ખૂબ વિસ્મય થયું હતું. તેના વિચારો પણ આ બાબતમાં સાવ સ્પષ્ટ હતા. તે માનતી હતી કે આ પૃથ્વી પર સ્ત્રીઓને ભાગે અન્યાય જ સહેવાનો હતો. કોઈ પણ સ્થાને જાવ, સ્ત્રીઓની આ જ અવદશા હતી. હસતાં મુખે યાતનાઓ જ સહેવાની હતી. દમનના પ્રકાર બદલાતા હતા પરંતુ મૂળ બાબત તો એજ રહેતી હતી.

શ્વેતાને થયું કે હવે તે માનસીને શું પૂછે? સાંત્વના આપી હતી પણ હવે શું?

માનસીએ જ કહ્યું- ‘શ્વેતા, સારું થયું તું આવી. મન હળવું થઈ ગયું.’

માનસીએ પાલવથી આંસુથી ખરડાયેલાં ગાલ લૂછી નાખ્યાં. ‘બેન, પીડા પણ કેવી હોય છે. ન કહેવાય, ન સહેવાય. તને તો શું કહું? પણ હવે એનોય રસ્તો કરી લેવો છે.’

માનસી એની રીતે બોલી, મન વ્યક્ત કર્યું પણ એમાં શ્વેતા શું સમજે? તેને તો આ છેલ્લું વાક્ય ગંભીર લાગ્યું. રસ્તો કરી લેવો છે એનો અર્થ તો એ જ કે માનસી કોઈ અંતિમ પગલું ભરી રહી હતી. તે સહેજ થડકો અનુભવી રહી.

કદાચ માનસી સમજી ગઈ મનોભાવો. તે બોલી- ‘શ્વેતા, તને કહેવા જેવી વાત નથી છતાય તને તો કહીશ. આજે બપોરે. ખોટી ચિંતા ન રાખતી. તે મને સાંત્વના આપી છે એ માટે તારી આભારી છું. તું પણ કાંઈ નાની તો નથી જ. કાલ સવારે...તારે પણ કોઈનો સંસાર સજાવવાનો છે. બેન, સ્ત્રીને તો પાર વિનાની પીડા હોય. પણ એક વચન આપ કે આ વાત...આપણી વચ્ચે જ રહેશે.’

શ્વેતાએ આંખોથી સંમતિ આપી. તે હકીકત જાણ્યાં વિના જ માનસી સાથે સંમત થઈ ગઈ હતી કી સ્ત્રીઓને પારવિનાની પીડામાંથી ગુજરવાનું હતું.

અલબત્ત અપવાદો તો હોય જ. ક્યાં નથી હોતા? પણ શું તેનો ભાઈ? મેધ તો ખૂબ લાગણીવાળો હતો, નખશીખ સજ્જન હતો.

‘અને શ્વેતા, એવું પણ બને કે કોઈની અધમતા કોને નડે, કોઈની પીડે. બાકી મેધ તો ખૂબ પ્રેમાળ વ્યક્તિ છે. પણ સંજોગ જ...! શ્વેતાને રાહત થઈ કે આમાં તેનો ભાઈ મેધ જવાબદાર નહોતો. પણ પછી હશે શું?

તે ભાઈ-ભાભીના પ્રશ્નમાં આમ જુઓ તો પ્રવેશી હતી ને તેમ છતાં પણ જાણતીયે શું હતી? તેણે તેના કામોમાં જીવ પરોવ્યો.

લત્તાબેને સાદ કરીને તેને ઢંઢોળી

‘શ્વેતા ...આજે રસોઈમાં શું બનાવશું? મેધ તો છેક સાંજે આવશે’

\મમ્મી ....હવે આ પ્રશ્નમાંથી મને મુક્તિ આપ. હવે તો ભાભીને જ સહભાગી બનાવી દે.’

તે હસતા હસતાં બોલી. એ દરમ્યાન માનસી સ્વસ્થ થઈ ગઈ હતી. તે હવે હસી પણ શકી હતી.

મેધ નથી ને? મેધ નથી ને? લત્તાબેનનું રટણ ચાલુ જ હતું. ‘એમ કરીએ, માનસી...અત્યારે તેને ભાવતી વાની બનાવીએ. સાંજે ...મેધને ભાવતી.’ લત્તાબેને સુચન કર્યું. અને અહ્વેતા હસી પડી...’તો...સાંજે પુરણ-પોળી ખાવી પડશે એ નક્કી. ચાલો ...મંજૂર.’

ગોઠવાયેલું બધું બને એવું થોડું હોય!

બપોરે ...શ્વેતાની ખાસ સખી નીનીનો ફોન આવ્યો...’આવી જા મળવા. થોડા કલાકો માટે આવી છું. હા, હનીમુન્

માંથી જ આવું છું. શ્વેતાડી...તને કેટલીય વાતો કહેવાની છે!’

શ્વેતા તેને નીની જ કહેતી. તેની ખાસ સખી.અહી રહીને ભણી હતી. દાદા-દાદી સાથે છેક શૈશવથી જ. રમતિયાળ સ્વભાવ. રૂપેય ખરું. મમ્મી-પપ્પા મુંબઈમાં.

નીનીએ જ કહ્યુંહતું-‘હુંતો દાદા-દાદી સાથે જ રહીશ.’ તેને આ નાનું શહેર ગમી ગયું હતું.મુંબઈની ભીડમાં ગૂંગળાવા લગતી. વેકેશનની રજાઓમાં જતી ખરી પરંતુ મહેમાનની જેમ. ‘તમેય આવતા રહોને, દાદા પાસે.’ તે આમ કહેતીને તેની ફેશનેબલ મમ્મી તેના તરફ વિચિત્ર ભાવથી જોયા કરતી. તેને ચિંતાય થતી કે તેની પુત્રી ગામડીયણ તો નહિ રહી જાય ને. ભવિષ્યમાં આ નિર્ણય માટે પસ્તાવાનો સમય તો નહિ આવે ને.

અને એ છોકરી...શહેરી વિકાસને પરણી પણ ચૂકી હતી.વિકાસે ...ચોખ્ખું કહ્યુંહતું-‘મને ગમે છે. ભલે ને તે...અહી ઉછરી હોય.અરે, એ તો સારું જ ગણાય. શહેરના દુષણોથી તો તે મુક્ત હશે ને!’

બસ...પરણી ગઈ નીની, દૂર દૂર મુંબઈમાં. શ્વેતા ક્યાંથી જઈ શકે? પાછાં મેધના પણ ઘડિયા લગ્ન હતાં ને? ‘શું કરે છે, તારી ભાભી? જામે છે ને? અને....તારાં મેધભાઈને કેમ છે? એ લોકો પણ ફરી જ આવ્યા ને? જો ...શ્વેતા. એ તો તાને કશું ય નહિકહે, પણ હું તો તને તરબોળ કરી દઈશ...સમજી!’

અને શ્વેતાને જવું પડ્યું. તેણેસાંકેતિક રીતે માનસીને કહ્યું હતું-‘ભાભી, પછી વાત!’

અને વિદાય લેતી શ્વેતાએ, માનસીના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ.