Madhdariye - 25 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 25

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અમિતનો વિશ્વાસ જીતવામાં સફળ બને છે.સુગંધા પ્રિયાને પોતાની પાસે લઈ આવે છે. ચંકી જ્યારે આ વાત જાણે છે ત્યારે ગુસ્સાથી રાતોચોળ થઇ જાય છે.. હવે આગળ..

વૃદ્ધાશ્રમને અઢળક દાન આપનાર યુવા બિઝનેસમેન બ્રિજેશ ચૌધરી સાથે નવા એજન્ડા માટે પરિમલે બોલાવ્યા છે.. પોતાના મૃદુ સ્વભાવ માટે જાણીતા એવા બ્રિજેશ ચૌધરી કામકાજ અર્થે મોટા ભાગે બહાર રહેતા હતા.. એમણે જાતે જ ફોન કરીને પરિમલને બોલાવ્યો હતો..

"બ્રિજેશભાઈ તમે જે રકમ દાન કરો છો એ રકમથી વૃદ્ધાશ્રમ તો બરાબર ચાલે છે,એમા હવે વધુ પૈસા લગાવવાની જરૂર નથી,પણ હવે જે એક નવી સંસ્થાનું નિર્માણ કર્યું છે એના માટે તમારા તરફથી કોઈ લઘુ ઉદ્યોગની આશા છે.. તમારૂ માર્કેટમાં ઉંચુ નામ છે.. એક ઉભરતા બિઝનેસમેનની સાથે તમે એક ઉમદા વ્યક્તિત્વના માલિક છો.. તમારા નામ માત્રથી જે વસ્તુઓ બનશે એ ચપોચપ વેચાઇ જશે."પરિમલે કહ્યું..

"તમારા નારીકેન્દ્રમાં તમારે જે વ્યવસાય શરૂ કરવો હોય એ તમે નક્કી કરી શકો છો,પણ એના માટે ઘણું રોકાણ કરવું પડે..બને ત્યાં સુધી વધું પૈસાની વસ્તુ તૈયાર થાય એમ ન કરતા.. સામાન્ય વ્યક્તિ લઇ શકે એમ જ કરજો.."બ્રિજેશભાઈ બોલ્યા..

"ના હું કપડાનો વેપારી છું,મને આ ધંધા વ્યવસાયમાં બહું ખબર ન પડે.. એ તમે નક્કી કરો તો વધુ સારૂ.."

વાતચીત દરમિયાન મીનાબાઈ ઉર્ફે મનિષા જે 10 વર્ષની યાતના ભોગવી નારીકેન્દ્રમાં સામેલ થઈ હતી એ મહેમાન વિભાગ સંભાળતી હતી.. આવનાર મહેમાનનું સ્વાગત એ કરતી હતી..એ ચા નાસ્તા સાથે આવી..

"અરે મનિષાબેન જરા પ્રિયા અને બીજી બહેનોને પણ બોલાવી લો.. એ બધાના મંતવ્યો પણ જાણી લેવામાં આવે તો આપણે નક્કર આયોજન કરી શકીએ."સુગંધા બોલી..

"જી,અત્યારે જ કહી દઉં છું."મનિષા તરત બોલાવવા માટે ગઈ..

"અરે પરિમલભાઈ બધાની જરૂર નથી.એક કામ કરો, અગરબત્તી અથવા કપડા સીવી શકે એવું કોઈ આયોજન કરો. સીવેલા કપડા તમે કોઈ શોપિંગ મોલ માં જથ્થાબંધ ભાવે આપી શકો, તમારો પણ ફાયદો થશે અને મને પણ કમીશન મળી જશે..તમે કહો તો મોલના માલિકને મળીને હું વાત કરી લઉં. એક બિઝનેસ સફળ થયા બાદ આપણે બીજો કોઈ વ્યવસાય શાંતિથી નક્કી કરશું.."

"હા બિલકુલ..એ તો હું કરી જ શકું..મારી દુકાનમાંથી તાકા ભાવ-ટુ-ભાવ આપી શકું ને આમા ઘણી બહેનો સીવણ કળા જાણે છે.. તમે આજે જ કોઈ મોલ સાથે લેડીઝવેર કપડા માટે કહી શકો છો.. એ લોકો ઉંચા દામે વેચે એટલે આપણો પણ ફાયદો થાય અને આ બહેનોને વ્યવસાય પણ મળશે..આમ પણ પાપડ ઉદ્યોગ તો છે જ."પરિમલે કહ્યું..

"ઓકે તો નક્કી રહ્યું..આપણે એમ જ કરીએ.."મોલના માલિક સાથે વાત કરીને બ્રિજેશભાઈ એ નક્કી કરી દીધું.. એના માટે 10 સંચા પણ એમણે ઓર્ડર કરી દીધા..

રાત વધુ થઈ ગઈ હતી એટલે બ્રિજેશભાઈ વૃદ્ધાશ્રમમાં મુલાકાત લઇને રવાના થઇ જવાના હતા..પરિમલે નારીકેન્દ્રની મુલાકાત લેવા કહ્યું પણ સમયના અભાવે એ ન માન્યા.. એમણે રજા લીધી..

======≠==================

ત્રણ દિવસ થયા હતા, પણ હજુ સુધી સૂરજ ચંકી સરને મળી શક્યો ન હતો..સૂરજ એક વખત ગેંગમાં સામેલ થાય તો બધા રહસ્યો એ ઉકેલી શકે એમ હતો..

અમિતને કોલ આવે છે,એ ચંકીનો જ ફોન હતો..આજે એણે બધાને મળવા બોલાવ્યા હતા..રાણા પાસે પોતાના માણસને છોડાવવા અને અમિત સાથે બનેલી ઘટનાને લીધે ચંકી ખૂબ ગુસ્સે હતો. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને તો ધંધો ચોપટ થઇ જાય..

સૂરજને પણ સાથે લઇ જવાનો હતો.. સૂરજ સચેત બની ગયો.. એને અમિત વિશે ખબર જ હતી એટલે એણે પોતાનો આખો ગેટઅપ ચેન્જ કરી નાખ્યો હતો.. અંધારી આલમનો એ બાદશાહ હતો, ભલે એણે કોઈ ખરાબ કામ નહોતા કર્યા,પણ સુલતાનને ઓળખી જાય એવા ઘણા લોકો હતા.. એણે પોતાની બોલી,કપડા,વાળ,દાઢી બધું અલગ કરી નાખ્યું હતું..કાયમ બિયર્ડ દાઢી અને મૂછ રાખતો સૂરજ ક્લિન સેવ કરીને અમિતને મળ્યો હતો.. જીન્સની જગ્યાએ એણે સાદા કપડા પહેર્યા હતા.. કોઈ જૂએ તો પહેલી નજરે સૂરજ ઓળખાય એમ ન હતો.. ને 10 વર્ષથી સૂરજ સુલતાન પદેથી નીકળી ગયો હતો..એેટલે સૂરજ કોઈ રીતે ઓળખાય એમ ન હતો..

બધાની સાથે સૂરજ એક મોટી બસમાં બેઠો.અમિતની સાથે હોવા છતા એને પણ ફરજીયાત આંખો પર પટ્ટી બાંધવામાં આવી.ચંકીના એકદમ ખાસ માણસો જે એના બોડીગાર્ડ હતા એમણે વારાફરતી બધાની પટ્ટી બરાબર ચેક કરી બસમાં ચડાવ્યા.બસની અંદર કોઈ બારી ન હતી.. આખી બસ પેક હતી.. ડ્રાઈવર સીટ પર એક બોડીગાર્ડ બેઠો અને બીજો બધાનું ધ્યાન રાખતો હતો.. ચંકી કોઈ પર વિશ્વાસ મુકે એમ ન હતો..

સૂરજે વિચાર કરી લીધો..આ બોડીગાર્ડ તો ચંકીને જાણતા જ હશે.. એને થયું કે અમિતને પૂછી લઉં. પણ અત્યારે કશું કહેવું યોગ્ય ન લાગ્યું..એ ચુપચાપ બેસી રહ્યો.

બોડીગાર્ડ બોલ્યો પણ ખરો"અમિત આ તારી સાથે છે એને ચંકી સરે બોલાવ્યો છે??"

"મેં ચંકી સર સાથે વાત કરી છે.. આ આપણો નવો સાથીદાર છે.. આપણા બે સાથી ગયા તો નવો સાથીદાર મળ્યો છે..એને પણ ચંકી સરની ગેંગમાં કામ કરવાનું છે."

"પણ એને તારી સાથે ભલે રાખ, પણ ચંકી સર પાસે લઈ જવામાં ક્યાંક એ એને ગોળી ન મારી દે.. આપણા ધંધામાં કોઈપણ અજાણ્યા તો ઠીક પણ જાણીતા સાથે પણ વિશ્વાસ નથી મુકાતો એ ખબર છે ને??"

"અરે બોડીગાર્ડ ભાઈ ભલે મને મારી નાખે,પણ મારે તો અમિતની જેમ પૈસાદાર જ થાવુ છે.. આખી જિંદગી ગદ્ધાવૈતરું કોણ કરે??મને જે કામ સોંપશે એ કામ હું કરીશ.."સૂરજે કહ્યું..

બસ ઉપડી.થોડી વારમાં એક જગ્યા પર બસ ઊભી રહી..બધાનું ધ્યાન રાખતો બોડીગાર્ડ નીચે ઉતર્યો..સૂરજ પાસે હવે થોડો મોકો હતો જોવાનો, એણે સીટમાં નીચે બેસીને પોતાની પટ્ટી ધીમેથી ઉંચી કરી,આજુબાજુ કોઈ જોતું નથીને એ જોઈ લીધું..પેક બસમાં કશું જોઈ શકાતું ન હતું..આજે બસ ચંકીના અડ્ડા પર જ જતી હતી..સૂરજે જેટલું બને એટલું જલ્દી બસની બહાર શું છે એ જોવાની કોશિષ કરી..આશાનું એક નાનકડું કિરણ દેખાયું.. નાનકડી તીરાડ દેખાતા એણે પોતાની આંખ માંડી જોયું,પણ એને ખાસ કંઈ દેખાણું નહીં..હા એને નાનકડા છીદ્રમાંથી કોઈ મોટી ઈમારત પર એક અક્ષર માંડ વાંચી શકાયો. બહુ મોટા અક્ષરો હતા એટલે નાનકડા છિદ્રમાંથી જોવું અશક્ય હતું,પણ 'સ્થા'એટલું વાંચ્યું ત્યાં કશો ખખડાટ થયો એટલે સૂરજને પોતાની પટ્ટી જલ્દી સરખી કરવી પડી..બોડીગાર્ડ અંદર બીજા લોકોને પણ ચડાવી રહ્યો હતો. નક્કી એ નવી પકડેલી છોકરીઓ હોવી જોઈએ એમ માની સૂરજ ચૂપચાપ બેસી રહ્યો..

પોતાની આંખો ખોલી હતી એટલે એને ખ્યાલ આવી ગયો હતો કે બસ કઈ જગ્યાએ વળે છે.. ડીઆઈજી રાણાએ બધુ જાણ્યા બાદ સૂરજ પર પસંદગી ઉતારી હતી..સૂરજ બંધ આખે દિશા ઓળખી શકતો હતો.. એણે એક વખત 'સ્થા'વાંચ્યું એટલે બસની દિશા આસાનીથી નક્કી કરી શકતો હતો..

બોડીગાર્ડને ચંકી ફોન કરીને લોકશેન આપી રહ્યો હતો..મીટીંગની જગ્યા બોડીગાર્ડ જોઈ શકતા હતા, પણ ચંકીને તો એ પણ જોઈ શકતા ન હતા.. ચંકી પહેલાથી ત્યાં હાજર થઈ જતો અને પછી બોડીગાર્ડ બસમાં બેસે ત્યારે એ કઈ જગ્યાએ આવવું એ નક્કી કરતો હતો..

બસ ઊભી રહી..વારાફરતી બધાને અંદર લઇ જવામાં આવ્યા..થોડું ચાલ્યા બાદ એક જગ્યા પર બધાને ઊભા રાખવામાં આવ્યા..બધાને આંખની પટ્ટી ખોલવા ઓર્ડર કર્યો..

"હેલ્લો માય બિઝનેસ પાર્ટનર.કેમ છો બધા..આશા રાખું છું કે બધા મારા આદેશ મુજબ કામ કરતા હશો.. તમારામાં બધી જ છોકરી એવી છે જે આ કામને ગંદુ ગણે છે..અરે તમને જુની છોકરીઓએ પોતાના અનુભવો નથી કહ્યા લાગતા.?"

"ચંકી સર અમે જ જુની છોકરીઓને મળવાની ના પાડી હતી..પ્રોબ્લેમ વધી જતા અમારે નાછૂટકે આ પગલું ભરવું પડ્યું છે.."મનજીતે કહ્યું..

"અરે એકવખત મળવા દીધી હોત તો આપણે મહેનત ન કરવી પડત,પણ કોઈ વાંધો નથી,હમણા આ બધી એની જાતે જ માની જશે.."

સૂરજને જોઈને ચોંકી પોતાની યાદદાસ્ત ચેક કરવા લાગ્યો..સૂરજને લાગ્યું. બસ હમણા અહીં બેત્રણને મારવા પડશે નહિંતર મારે મરવાનું થશે..

સૂરજના મનમાં ઝબકારો થયો. એની બાજુમાં જ બોડીગાર્ડ હતો.. ફુલ્લી લોડેડ ગન એની પાસે હતી જ..ભલે પોતે મરે,પણ આમાથી કેટલાયને પોતાની સાથે યમસદન પહોંચાડી દેશે એવો વિચાર હજુ કરતો હતો ત્યાં ચંકી બોલ્યો.."સૂરજ... ક્યાંક તો ચહેરો જોયો છે,પણ યાદ નથી આવતું..અમિતને બચાવી લીધો એ પૈસાની લાલચ હતી, પણ તને ખ્યાલ છે ને કે અહીં શું કામ ચાલે છે??"

"ચંકી સર તમે જે કહેશો એ કામ હું કરીશ..તમે કહો એનું મર્ડર પણ કરી શકુ છું..પૈસા માટે હું ગમે તે કરવા તૈયાર છું.."

"ગ્રેટ,મને આવા જ માણસોની જરૂર છે,પણ મર્ડર કરવું સહેલું છે.. અમારૂ કામ એનાથી પણ અઘરૂં છે.. કરી શકીશ??"

"આદેશ આપો.. તમે કહેશો એ કામ કરી દઈશ.."

"આજથી સૂરજ આપણો નવો મેમ્બર છે,બહુ જલ્દી એને કામ પણ મળી જશે..કોઈ બીજો પ્રશ્ન હોય તો બોલો.."

સૂરજે એના સતેજ કાન વડે કોઈ અવાજ સાંભળ્યો જે સૂરજની પાછળથી આવી રહ્યો હતો..કોઈને કોથળાની અંદર પૂર્યા હોય એવું લાગતું હતું..પણ કોથળામાં શા માટે પૂરે??સૂરજના મનમાં કેટલાય પ્રશ્નો ઊભા થયા પણ જવાબ અંતે શુન્ય હતો.

કાયમની જેમ ચંકીએ પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી..ફક્ત બે છોકરી એવી હતી જે લાખ કોશિષ કરવા છતા આ વ્યવસાય કરવા રાજી ન થઈ..બાકી બધી છોકરીઓ પોતાના પરિવાર અને પોતાની સલામતી ઈચ્છતી હતી એમણે આ વ્યવસાય સ્વીકારી લીધો..

ચંકીએ તરત પોતાનું પોત પ્રકાશ્યું..એમાથી એણે એક છોકરી પર ત્યાં જ વહેશી રીતે બળાત્કાર ગુજાર્યો..એની દશા જોઈને બીજી છોકરીએ પણ પોતાની હા ભણી દીધી..

"આ બધીને આપણી સ્પેશિયલ જગ્યાએ રાખવાની છે.. બધીને ત્યાં રાખજો.."

બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધવાનું કહી ચંકીએ પોતાનો કોથળો ખોલ્યો..

સૂરજ કોઈ છોકરીના રડવાનો અવાજ સ્પષ્ટ સાંભળી શક્યો..કોથળામાં એણે છોકરી પહેલેથી જ ગોંધી રાખી હતી.. એનો અવાજ જોતા એ નાનકડી કિશોરી હોય એમ લાગતું હતું..

સૂરજને મન તો થયું કે અત્યારે જ ચંકીને મારી નાખું,પણ ચંકી એમ સરળતાથી મરે એમ ન હતો.. પોતે કશું કરે તો બોડીગાર્ડની સાથે ચંકી પણ ગોળી મારીને મારી નાખે એમ હતો..

"આ છોકરીને પણ આ બધી સાથે રાખજો,પણ હજુ એ આપણા કામની નથી એટલે એને કશું કરતા નહીં..આના તો ઉંચા દામ પણ મળશે અને લાખો કમાઈને આપશે..આના જેવી નાજુક કલી બહુ મુશ્કેલી થી મળે છે. "ચંકીએ કોથળામાંથી કાઢેલી છોકરીને પણ આંખે પટ્ટી બાંધીને બોડીગાર્ડને સોંપી દીધી..

સૂરજે જોયું કે છોકરી સતત રડતી જ હતી..વારંવાર એ પોતાના ઘરે જવાનું કહેતી હતી..

આ તરફ સવારથી જ સરસ અફડાતફડી મચી ગઈ હતી.અવની પોતાની બસની રાહ જોતી ઊભી હતી ત્યાંથી કોઈએ એને કિડનેપ કરી લીધી હતી..અવનીની સાથે જે છોકરીઓ આવતી હતી એમા બીજી બે છોકરી તો મોટી હતી,જ્યારે એને કિડનેપ કરવામાં આવી ત્યારે પોતાના ઘેરથી હજુ સ્ટેન્ડ પર આવી રહી હતી ત્યારે એમણે જોયું હતું..જોનાર છોકરીઓ તો હેબતાઈ ગઈ હતી..કારનો કોઈ નંબર પણ ન હતો..છોકરીઓ બૂમાબૂમ કરે પણ આ થોડી સૂમસામ જગ્યા હતી, કોણ સાંભળે??કારચાલક અવનીને લઇને રફુચક્કર થઈ ગયો હતો..

પરિમલના ઘરમાં શોકનો માહોલ હતો..અવનીને કોણે કિડનેપ કરી હશે?? સતત આ પ્રશ્ન બધાના મનમાં ઉદભવતો હતો.. સુગંધા તો જાણે શરીરમાંથી પ્રાણ ઊડી ગયા હોય એમ સાવ નિસ્તેજ થઇ ગઇ હતી..કોણ કોને સંભાળે??કિડનેપરનો ફોન આવે તો ખબર પડે ને??

સુગંધાએ બધાને આ અંગે આશ્રમની બહાર વાત ન કરવા કહ્યું હતું..આશ્રમ બહાર વાત જાય તો આ મુદ્દો ઉછળે એમ હતો..

"સુગંધા મારી અવનીને બચાવી લે, એને શોધી લાવ, નહીંતર હું એને શોધવા જાઉં છું..ભલે મારો જીવ લઇ લે..એમને જેટલા પૈસા જોઈતા હશે એટલા પૈસા આપીશ,પણ અવનીને શોધ.."પરિમલ બોલ્યો.

"આપણી ભૂલ અવનીને નડી પરિમલ.. શું તમે એમ માનો છો કે અવનીને કોઈ મામુલી ગુંડા ઉપાડી ગયા છે??ના..એમા ચંકીનો જ હાથ છે.. ચંકી અવનીને ઉપાડી ગયો છે મતલબ એ આપણાથી ડરી ગયો છે.. એ ક્યાં હશે એ નક્કી ન કરી શકાય..પણ હવે ચંકીને પાતાળમાંથી પણ શોધી લાવીશ.."સુગંધા ગુસ્સાથી કાંપતી બોલી.. ત્યાં સુગંધાનો ફોન વાગ્યો..નક્કી ચંકીનો ફોન હશે એમ માની સુગંધાએ ફોન જોયો..

કોનો ફોન હશે??

અવનીનું શું થશે??

ચંકી શું કરશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે