Amasno andhkar - 21 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 21

શ્યામલીની એના સાસરીયે પહેલી રાત બહુ યાદગાર રહી કારણ એ વીરસંગથી આજ દૂર રહી. કૌટુંબિક વિધી બાકી હોવાથી એ એના પ્રિયતમને ન જાણી શકી નજીકથી. હવે આગળ...

સવારમાં મોરલીયા ટહુક્યા અને શ્યામલી ઊઠીને પૂજા-પાઠ કરી પરવારી. એની સાસુમાને પગે લાગી.
રૂકમણીબાઈએ પણ 'સૌભાગ્યવતી ભવ'ના આશિષ આપી શ્યામલી સાથે વીરસંગની આવરદાના પણ શુભ આશિષ આપ્યા.

આ બાજુ વીરસંગ પણ ઊઠીને પોતાની રોજિંદી ક્રિયાઓ સમેટીને જુવાનસંગ પાસે હાજર થાય છે. જુવાનસંગ એને શ્યામલીને લેવા માટે મોકલે છે. આજ સાસરિયાના રસોડે એના હાથના નૈવેદ્ય બનાવી કુળદેવતા અને કુળદેવીને ભોગ ચડશે. આ માટે સમયસર પકવાન બની જાય એ હેતુસહ વીરસંગ જલ્દીથી શ્યામલીને લેવા પહોંચે છે.

શ્યામલી પણ આજ કેસરીયા ઓઢણી અને લાલ-પીળા ચણિયાચોળી સાથે ઈન્દ્રદેવની અપ્સરા જ લાગતી હતી. હાથમાં સોહાગણ ચૂડલો અને સેંથી માંહ્ય લાલ રંગનું સિંદૂર એને બહુ ઓપતુ હતું. એ પોતાની જાતને આભલે નિરખી ગર્વ મહેસૂસ કરતી હતી કે એને મનગમતો મનનો માણીગર મળી જ ગયો.

ત્યાં જ એ હવેલીના બંધ દ્રાર ખુલે છે. શ્યામલી જુએ છે કે 'કોણ આવ્યું છે?'......... હાં, એનો સાહ્યબો એને લેવા આવ્યો છે. સાથે જુવાનસંગની પત્ની પણ હતી.. એ બેય હસતા મોંએ રૂકમણીબાઈ પાસે જઈને ઊભા રહે છે. વીરસંગને તો જાણે હવે હક જ મળી ગયો છે એ તો સીધો જ
શ્યામલી જે ઓરડામાં સાજ સજતી હોય છે ત્યાં જ પહોંચી જાય છે. ફરી એ પ્રેમીયુગલની આંખો એ આભલામાં જ ટકરાય છે. એક તોફાની હાસ્ય અને અટકચાળો કરનારી નજરથી શ્યામલી પણ મંદ હાસ્ય વેરે છે. બેય સાથે જ ઓરડાની બહાર નીકળે છે. ફરી એ બેય રૂકમણીબાઈને પાયે પડે છે.

રૂકમણીબાઈ ઓવારણા લેતી લેતી વારે વારે એ યુગલને અસંખ્ય આશિષ આપતી હૈયાને શાતા આપે છે.જુવાનસંગની પત્ની ઉતાવળે જ શ્યામલીને મુહૂર્ત સચવાય એવું જણાવે છે. શ્યામલી એના સાસુને પણ સાથે આવવા કહે છે કે ત્યાં જ એની કાકીસાસુ પ્રેમથી ના પાડી કહે છે કે "આ બધી વિધીમાં એ ના હોય તો તારા માટે સારૂં." આ શબ્દોના ઘા ત્રણે લોકને સાંભળવા અઘરા થયા. તો પણ રસમ નિભાવવા નિકળવું પડે છે. વીરસંગતો એની માતાને ભેટી પડે છે. હવે એ માતાએ અત્યાર સુધી જે આંસુને સાચવી રાખ્યા હતા એ દડી પડે છે. પણ, એ ખુલ્લીને રડી શકતી નથી.

શ્યામલી તો દરવાજે પહોંચી ત્યાં સુધી પાછું વળી જોયા જ કરે છે જાણે એને કાંઈક સુઝી ગયું કે 'મા કંઈક કહેવા માંગે છે!'
રૂકમણીબાઈ પોતાની જાતને સંભાળી લે છે કે ગામનો એક માણસ ભાગતો ભાગતો આવીને એને એટલું જ કહે છે કે " મા, વીરસંગને રોકી લો. તમારાથી શક્ય હોય તો ! નહીંતર....એ ફરી....આપ લોકો સાથે... આટલું બોલી હાથને હલાવતો હલાવતો માથું પણ ધુણાવે છે જાણે નનૈયો ભણતો હોય એમ. 'વીરસંગની માથે આફત આવવાની છે એવા વિચાર એ જનનીને બે દિવસથી સતાવતા હતા. પણ , એ વિચારી નહોતી શકતી.' એ ને પેલો માણસ ભાગીને વીરસંગને રોકવા જાય છે કે તોતિંગ દરવાજા બંધ થાય છે અને એ સાથે જ જુવાનસંગના માણસો એ આદમીને છરીના ઘાથી વેતરી નાંખે છે. રૂકમણીબાઈ તો ત્યાં જ બેહોશ..... એ હવેલીની તાળાબંધી કરી રૂકમણીબાઈને એમાં પૂરીને એ માણસો પણ સગેવગે થઈ જાય છે.

આ બાજુ શ્યામલીના નાજુક હાથે ખીર, લાપસી અને લાડવા બનાવડાવી બધા મંદિર તરફ જાય છે. આખે રસ્તે દીપમાળા અને ફૂલોના શણગાર હોય છે. મંદિર તો નાનું જ હતું. ભવ્ય મંદિરનો પાયો નજીકમાં જ મંડાયો હતો. શ્યામલી અને વીરસંગ હળવી ગતિએ ચાલતા જાય છે. ગામની સ્ત્રીઓ મંદિરના ચોગાનમાં રાસ લે છે. મંદિરની સાજ સજાવટ આંખે ઊડીને વળગે એવી છે. આજ શ્યામલીને હાથે જ માતાજીનો સોળ શણગાર ચડશે.

વીરસંગની નજર અચાનક જુવાનસંગ તરફ જાય છે. એ અમુક માણસો સાથે કંઈક વાતચીત કરતો કરતો ચિંતાગ્રસ્ત લાગે છે. 'એ પોતે શું બન્યું હશે એ વિચારે છે!'

ત્યાં જ સ્ત્રીઓનું એક વૃંદ શ્યામલીનો હાથ પકડી રાસ રમવા લઈ જાય છે. શ્યામલી પણ હસતા હસતા જોડાય છે. ઢોલ, નગારા અને મંજિરા સાથે તાળીઓનો તાલ ઊમેરાય છે.
બધા એમાં મશગૂલ છે કે એક માણસ વીરસંગના કાનમાં કશુંક કહે છે અને વીરસંગ ત્વરિત એની પાછળ પાછળ ચાલતો જાય છે. એ એક નજર શ્યામલી તરફ નાંખે છે પણ શ્યામલી તો એની ધૂનમાં મસ્ત ઝૂમતી હોય છે. એને તો આ માહોલ ભરમાવી ગયો.

કાળે શું નવા ખેલ રચ્યા છે વીરસંગ સાથે એ જોવા આગળ વાંચજો મારી આ નવલકથા... ત્યાં સુધી રાહ જોવો.

--------- (ક્રમશઃ) -------------


લેખક : શિતલ માલાણી

૧૪-૧૦-૨૦૨૦

બુધવાર