Madhurajni - 22 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 22

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ–૨૨

મેધને જે જોઈતું હતું એ મળી ગયું હતું. સુમંતભાઈએ લાગણીવશ થઈને કહ્યું હતું- ‘મનસુખભાઈ તો મારા સ્વજન જેવા છે. સુમન મૃત્યુ પામી ત્યારે એ જ હતા મારી સાથે. ખૂબ મદદ કરી હતી મનસુખ ભાઈએ. વતનમાં જ છે અમારી શાળાના ટ્રસ્ટી. ખૂબ જ મોટાં માણસ. મેધ, લાગણી ખરી ને એટલે ફોન કરે પણ ખરા. મળે તો મારી યાદ પણ આપજે. આખો સમય પડખું ફરી ગયો, સુમન સાથેનો.’

તેઓની આંખો ભીની થઈ. ઘડીભર તો ખુદ મેધને થયું કે આ વાત સાચી નહીં હોય. માનસીનો ગમ તો નહીં હોય ને? પછી બીજી પળે તેને સુમંતભાઈની દયા આવી. આ વ્યક્તિ તો સાવ અંધારામાં હતી. આવી વ્યક્તિની ઉદારતાનો જ ગેરલાભ લેવાતો હોયને? આટલી આત્મીયતા બતાવતી મોટી વ્યક્તિ જ આવા અધમ કાર્ય આચરે પછી સમાજ વિશે શું વિચારવું? મૂલ્ય અને નીતિ જેવું કશું હોવું તો જોઈએને?

મેધને તો એટલી જ ખબર હતી કે મનસુખે સુમનનું ખૂન એટલે જ કર્યું કે એ આડખીલીરૂપ હતી. તેને તો માનસીને, અબુજ તેર વરસની માનસીને...

કેટીએ એટલું જ કહ્યું હતું. કેટલીક વાતો ગોપિત રહે એ જ યોગ્ય ગણાય. કેટીને ખ્યાલ હતો જ. સુમનના મનસુખ સાથેના અવૈધ સંબંધોની વાત ભીતરમાં ભંડારેલી રહે એ જ બરાબર. તેમણે સોનલદેને પણ સૂચના આપી હતી. ‘જો આ વાત આપણા બંને સિવાય કોઈ ના જાણે... તારે ને મારે એ ગોપનીયતા જાળવવી પડશે. કદાચ, આ કારણે જ માનસીએ આટલી પીડા ભોગવી હશે. તે ઘણું જાણતી હશે પણ...તે એમ તો કહી ના શકે ને કે તેની મા પરપુરુષ સાથે...’

સોનલદેએ સંમતિ વ્યક્ત કરી હતી.

ગફુરની ટેક્ષીમાં તે ભરૂચ સ્ટેશને પાછો ફર્યો ત્યારે ઘેરી ઉદાસીએ તેને અકળાવી મૂક્યો હતો. ક્યાં હશે એ મનસુખ? તેની આંખો સાથે એ બધાં જ દૃશ્યો ફરી ભજવવા લાગ્યા. જે મધુરજની દરમિયાન બન્યા હતા. માનસીએ પાડેલી ચીસે તેના મસ્તિષ્કમાં અફળાવા લાગી. કેવું અનુભવતી હશે માનસી? તેને તો...મેધમાં મનસુખ જ દેખાતો હશે ને?

મેધને એ સમયની તેનું વર્તન યાદ આવી ગયું. ઓહ! તે યોગ્ય રીતે વર્ત્યો ન હતો. અલબત તેનો દોષ ન હતો જ. એ સંજોગોમાં કોઈ પણ પુરુષ આમ જ વર્તે. તેને એમ પણ થયું કે જો માનસીએ વાત કહી હોત તો પણ તેતો અકારણ અકળાયો જ હોત. જે સ્વસ્થતા અત્યારે હતી એ ત્યારે શક્ય નહોતી.

માનસી પાસે વિકલ્પ જ નહોતો. અને આમ થવું ક્યાં એના નિયંત્રણમાં હતું? બસ, બની જતું હતું. આ મનની રમત હતી, અતળ મનની! અથવા તે બંનેની એ જ નિયતિ હતી. એને કોણ ટાળી શકે? હવે શું? કેટીએ સુપ્ત મનના સ્તરોની પાર પડેલી સ્મૃતિને સપાટી પર આણી હતી. અને તે એ મનસુખની વિગતો પણ લઈ આવ્યો હતો. એક ભદ્ર પુરુષ પાસેથી જેમને કશી જાણ નહોતી આ કમનસીબની.

અલબત તબિયતની વાત તો થઈ જ નહીં. સુમંતભાઈ નિયમિત ઔષધો લેત્તા હતા. અને આશ્રમમાં તેમની કેટલી કાળજી લેવાતી હતી એ નજરોનજર નિહાળ્યું હતું. શરીર ક્ષીણ થઈ રહ્યું એ પણ જોયું હતું. એમ લાગ્યું કે શ્રદ્ધા રાખીને જીવવાનું એ શીખી ગયા હતા.

માનસી તો કેટલી વહાલી હતી? તો પણ એટલું જ કહ્યું હતું- તને સોંપી પછી શાની ચિંતા?’

એક વાક્યમાં વહાલના દરિયાને સમેટી લીધો હતો સુમંતભાઈએ. મેધને એ એક વાક્યનો ભાર લાગ્યો હતો જ્યારે તે તો હળવાફૂલ હતા.

ગફુરે છૂટા પડતાં સમયે મેધને કહ્યું, ‘હવે ક્યારે આવશો?’ આ પ્રશ્નનો ઉત્તર સહેલો નહોતો. આ સ્થળ જ એવું હતું જ્યાં સ્થિર રહી શકાય. આવ-જા માટેનું સ્થળ નહોતું. એ સ્થળમાં તમે વસો એ કરતાં એ સ્થળ તમારામાં વસવું જોઈએ. થોડી વ્યક્તિઓનો અછડતો પરિચય થયો હતો. કેટલીકને માત્ર નીરખી જ હતી.. અહીં ધજાઓ અને વૃક્ષો ફરફરતા હતા પરંતુ મનને સ્થિરતા મળતી હતી. અદ્દભુત! મેધ બોલી ઊઠ્યો.

વાત રહી ગફુરના પ્રશ્નની. મેધે વિચિત્ર નિર્ણય લીધો. ‘ગફુર, તું બોલાવીશ ત્યારે આવી જઈશ, દોસ્ત.’

પછી તેણે ગફુરને સરનામું અને ફોન નંબર આપ્યા હતા. ગફુરના ચહેરા પર છૂટા પાડવાનો ગમ હતો.

ટ્રેનમાં બેઠા પછી પહેલો વિચાર એ આવ્યો કે માનસી શું કરતી હશે. કેટી પાસેથી પાછી ફરી ત્યારે તે ગંભીર હતી પરંતુ એ પછી ઝડપથી હળવી બની ગઈ હતી. શું બીજા સીટીંગ માટે કેટી પાસે ગઈ હશે ખરી? સોનલદેએ ખાસ્સી જહેમત ઊઠાવી હતી. તેને લાગણી હતી, માનસીની. અને કદાચ...મેધની પણ? મેધ હસી પડ્યો હતો. શું લાગણી અમર્યાદ ના હોઈ શકે? એક જ વ્યક્તિને ચાહી શકાય?

અરે! હજી એક વ્યક્તિનો પ્રશ્ન હલ થયો નથી ને મન ક્યાં દોડવા લાગ્યું? મેધ ખુદ ભોંઠપ અનુભવવા લાગ્યો. અભાવથી તેનું મન હાલકડોલક બની ગયું હતું. ઉપવાસીને શાના વિચારો આવે? અલબત સોનલદે ગમે તેવી હતી. એ સત્યને અવગણી ન શકાય. પાછો પ્રશ્ન માનસીનો જ આવ્યો. શું તે કેટી પાસે ગઈ હશે? સોનલદેએ કહ્યું હતું કે હજી એક બે સીટીંગ જરૂરી બનશે. અને એ પછી તે સ્વસ્થ બની શકશે. અને એ પછી જ સાચી મધુરજની!

હા, મેધ સાચો જ હતો. તે કે ટીના ડ્રોઈંગરૂમમાં હતી ત્યારે સોનલદે પણ સાથે જ હતી.

‘સરસ, મને હતું જ કે તમે બંને આવશો. ખૂબ જ સારા પરિણામ આવ્યા એ સીટીંગના. માનો ને કે માર્ગ લગભગ કપાઈ જ ગયો છે, અને પ્રાપ્તિ નજીક છે. તું ફરી સ્વસ્થ, તાજગી વાળી બની શકીશ. તારી ચિંતાઓ મને સમજાય છે.’ અને વાતો કરતાં કરતાં જ માનસી સંમોહનમાં સરી ગઈ. ‘માનસી, તારા દુઃખો તો સાવ નજીવા છે. અરે, દુખદ નથી.’ કેટીએ સંભાષણ શરૂ કર્યું. તેમના હાથ, આંખો અને ચિત્ત બધાં જ કાર્યરત હતા. માનસીએ કશું સંચાર ના કર્યો.

‘માનસી, તને તારી તેર વર્ષની વયે કશું થયું તો નથી, ખરું ને? સમજે છે ને, મારી વાત? તું તો અણીશુદ્ધ બચી ગઈ હતી.’

‘હા. એ ખરું. એ મારાથી વેંત બેવેંત જ દૂર...’

‘પણ તને કશું થયું નહોતું. જે થયું જ ના હોય એને યાદ કરાય? તારે શા માટે દુઃખી થવું જોઈએ? એનો તણાવ પણ શા માટે?’

‘હા.’ તેણે એકાકારી જવાબ વાળ્યો, પણ આ વેળાએ એ ઉત્તરમાં કશાકનો સ્વીકાર હતો. આનંદ હતો.

‘જે નથી બન્યું એનો કાંઈ શોક હોય? તારા વસ્ત્રો ભીનાં થયા હોય તો તારે બદલાવવા પડે, સૂચવવા પડે. પણ આતો કશું જ નથી.’

‘હા, અંકલ.’ માનસી સહમત થઈ હતી- ઉત્સાહથી. જાણે કે કોઈ મુશ્કેલ કોયડો ઉકેલાઈ ગયો હોય.

‘તું હવે સ્વસ્થ સ્ત્રી છું, અન્ય સ્ત્રીઓ જેવી જ, હરતીફરતી, નાચતી કુદતી, પ્રેમ કરી શકતી, પ્રેમ આપી શકતી.’ કેટીએ અવાજને મુલાયમ કર્યો.

‘હા, અંકલ, હું એવી જ છું.’

સોનલદે આખી પ્રક્રિયા અવલોકી રહી- નરી મુગ્ધતાથી. મનના અતલ ઊંડાણમાં જવાની- વિધિની તે સાક્ષી હતી. એક પછી એક બારણા ખૂલતા હતા. થોડા સમયમાં માનસી આળસ મરડીને બેઠી થઈ, વસ્ત્રો સરખા કર્યાં. તેનો ચહેરો સરળ બની ગયો હતો. હવે એના પર બે રેખ લજ્જાની પણ હતી.

કેટીએ સંકેતથી સોનલદેને કહ્યું હતું- ‘કદાચ એકાદવાર ટ્રાન્સમાં લઈ જવી પડે. મોટેભાગે તો એની જરૂર જ નહીં પડે. જોઈએ !

માનસીએ તરત જ મેધને યાદ કર્યો હતો. ‘સોનલદે, મેધ કેમ નહીં આવ્યા હોય ? આજે ત્રીજો દિવસ થયો. તાને ખબર છે, ક્યાં ગયા હતા ?’

સોનલદેએ અજ્ઞાત વ્યક્ત કર્યું- ‘મને તો કહ્યું નથી.’ માનસી હળવીફૂલ બની ગઈ હતી. સોનલદે મજાક તો સૂઝી પણ તેણે કશું ના કહ્યું માનસીને. એક ધક્કો વાગ્યો ભીતરમાં. આવી કશી અનુભૂતિ, તેને તો થવાની નહોતી. એ રાતે....તે કેટલી તૈયાર હતી, મેધ માટે ? તેને સાહસ થઈ આવ્યું હતું. તે આખી રાત પ્રતીક્ષામાં બેઠી હતી. જાગતી. પણ......તેના સંકેતો કાંતો......તે સમજી શક્યો નહોતો, અથવા તો.....તેનામાં હિંમત નહોતી.

ના....હવે તો તેનામાં એવું સાહસ બચ્યું નહોતું. અપરાધ ભાવ વળગ્યો હતો- ત્વચાની ચપોચપ. બધું જ અભેદ્ય હતું-તેને માટે. ખૂબ વિચાર કર્યો હતો- હવે તો તેણે.....પરણી લેવું જ જોઈએ. અમુક વર્ષ પછી તો એ ઈચ્છા જ મરી જવાની હતી.

માનસી કેટલી તરસી થઈ ગઈ હતી- મેધ માટે ? માનસીએ કે ટી ને ચરણ સ્પર્શ કર્યા. ભાવ આવે પછી જ સમર્પણ થાય.

એ પછી ઘણાં બનાવો બન્યાં. પ્રવાસ આટોપીને મેધ આવી ગયો. રિક્ષા ઊભી રહીને પેલી દોડી- અભિસારિકાની માફક. સોનલદે જોતી જ રહી. તેને લાગ્યું કે હવે કદાચ એક પણ વધુ સિટિંગની જરૂર નહીં રહે. માનસી મેધને વળગી જ પડી- સોનલદેની હાજરીની પરવા કર્યા વિના. મેધ પણ અચંબામાં પડી ગાતો હતો.

‘ચાલો....હવે હું જઈશ. આ ઘર હવે ઓવરક્રાઉડેડ તો ના જ રહેવું જોઈએ. તું ઇઝ કંપની ને થ્રી ઇઝ....’ તે હસીને બોલી.

‘ના... જતી નહીં સોનલદે. મારે તારું પણ કામ છે.’ મેધ બોલી ઊઠ્યો, કાંઈક ઉતાવળમાં, રઘવાટમાં. તેને કશું કહેવું હતું સોનલદેને.

મેધ થાક્યો હતો. તેણે જે વાતો જાણી હતી. એ સોનલદે સાથે ચર્ચવી હતી. પત્નીનો ઉત્સાહ તો સમજી શક્યો. તેણે સોનલદેને રોકવાનો પ્રયાસ કર્યો એ પણ તેને ના ગમ્યો. સોનલદે એ ભાવ-અણગમાના, વાંચી શકી. ‘ના...મેધભાઈ....તમે થાક્યા હશો. જરા તાજામાજા થાવ. હું હવે જઈશ. તમે તમારી માનસીને સાંભળો.’

તે ગઈ....એ મેધને ના ગમ્યું. તેના ઉત્સાહ પર ઠંડું પાણી ફરતું હતું. આખરે....તે કેટલો શ્રમ ખેડીને આવ્યો હતો ? તેને એનું કારણ પણ સમજાયું. માનસીએ જ એને વિદાય કરી. માનસીની જ ઈચ્છા હતી કે એ જાય. જો માનસીએ એને રોકી હોત તો ?

સમસમી ગયો મેધ. સોનલદેએ એ લોકો માટે શું નહોતું કર્યું ? માનસી પણ ડઘાઈ ગઈ, મેધના હાવભાવ નીરખીને. ઓહ ! આટલું બધું દાઝે છે, સોનલદેનું ? એ એના ઘરે તો જાય જ ને ? શું એ પણ અહીં....સાથે રહે ??

તે જન –મનથી તૈયાર થઈને બેઠી હતી ને આખું ચિત્ર જ બદલાઈ ગયું. શું એ પસંદ પડી ગઈ હતી, મોહી પડ્યા હતા ??

તેણે એ જ સૂરમાં પતિને પૂછ્યું- ‘ના ગમ્યું. એ ગઈ તે ?’ અને પતિ સોફા પર ફસકાઈ પડ્યો હતો. તેને માનસીનો વ્યંગ ના ગમ્યો. જો સુમંતભાઈ યાદ ના આવ્યા હોત તો તે ગમે એ વર્તન કરી બેસત. ‘ઓહ ! વાત છેક આટલે સુધી પહોંચી ગઈ છે ?’ માનસી બોલી નહીં પણ મનમાં એ જ રમતું હતું.

ઓહ ! તે કેટલી મૂર્ખી હતી ? શા માટે તેણે તેની નબળાઈ પર નિયંત્રણ ના મેળવ્યું ? આખરે તો દરેક નબળાઈને મન સાથે સંબંધ હોય ને ? સોનલદેએ મેધને ખેંચ્યો હશે ને એના ભણી ? બાકી એ તો નખશિખ સજ્જન પુરુષ.....! અનુભવ હતો માનસીને. એક સ્ત્રી બધું જ કરી શકે, પોતાના સુખ ખાતર.

અને મેધે બધી વાતો કરી હોવી જોઈએ. મળ્યા હતાં ને એકવાર, થોડા દિવસો પહેલાં. કે ટી પાસે પણ તે જ આવી હતી. શે ઈચ્છા હશે, એ પાછળ? અરે, બાઈ પરણી જાણે, કોઈને શોધીને? બીજાનામાળા શીદને તોડે છે?

માનસીના ભોળા સ્વભાવને એક દિશા મળી ગઈ. મનમાં એક ચિત્ર વસી ગયું. પછી ટી બધી જ રેખાઓ ઘેરાવા લાગે, રંગો પુરાવા લાગે.

મેધ તૈયાર થયો. બંને વચ્ચે વાતચીતની ગુંજાઈશ જ નહોતી. માનસી અને મેધની જિંદગીમાં એક પથ્થર ફેકાયો હતો. જેના તરંગો વિસ્તરી રહ્યાં હતાં.

ક્યાં ગયા હશે મેધ? આટલા દિવસો? સોનલદેના જ કામે ગયા હશે શું? તો જ...તેને મળવાની વાત આવે ને? અને મેધ પણ ગયો જ. તે રોકી શકી નહીં? તેણે કશું કહ્યું પણ નહીં. જિંદગીની ખુશી આવવાની ક્ષણો સાવ નીકટ જ હતી ત્યારે અચાનક તિરાડ પડી ગઈ. કેટી અને સોનલદેએ શું ધાર્યું હશે? એ પછી જ દસેક મિનિટે શ્વેતાનો ફોન આવ્યો. માનસી તો શૂન્યમનસ્ક બનીને બેઠી હતી.