Madhurajni - 27 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 27

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૨૭

અનિરુદ્ધ ગાડીની આગલી સીટ પર ગોઠવાયો. તેની ઈચ્છા ગફુર સાથે થોડી વાતો કરવાની હતી. બ્રિજે છેલ્લી સૂચના આપી હતી, શાંતિઆશ્રમ પહોંચી જવાની, અને ત્યાં જવા માટે ટેક્ષી-ડ્રાઇવર ગફૂરનો સંપર્ક સાધવાની.

‘અનિરુદ્ધ, હવે મોરચો ત્યાં જ મંડાવાનો. મનસુખ અહીં માનસીને મળી શક્યો નથી. તેની ઈચ્છા તો માનસીને જ મળવાની હોય, પણ એ ઘરે તો કોઈ નહોતું. પછી તે પટેલને મળ્યો હતો.સમંતભાઈનો સ્વજન બનીને....આ શાંતિ આશ્રમનું નામ તેને ત્યાંથી જ મળ્યું. હવે તારી જરૂર ત્યાં જ રહેશે, કારણ કે સુમંતભાઈ નખશીખ સજ્જન છે.

અનિરુદ્ધે બધી જ નોંધ કરી લીધી હતી-મનની ડાયરીમાં.

‘ભલે બોસ ,શાંતિ-આશ્રમ ..’ તેણે ઉત્તર વાળ્યો હતો.શાંતિ –આશ્રમમાં ભાગ્યે જ બહારની વ્યક્તિઓ આવતી. એ જગ્યા જ સાવ અડાબીડ એકાંતમાં હતી.

ગફુર સિવાય કોઈની આવનજાવન પણ નહોતી. ગફુરને પણ નવાઈ લાગી હતી- આ ભગવાધારી યુવાનની. શા માટે આવતો હતો આ સાધુ? અલબત્ત સાધુ શા માટે આવે? યાત્રા માટેસ્તો.

બોલતો હતો પણ શુદ્ધ ગુજરાતીમાં.અને અવલોકી રહ્યો હતો ગફુરને. નાં, આ દૃષ્ટિ સાધુની તો નહોતી લાગતી.

તે ગાડી સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં એક સ્ત્રી દોડતી દોડતી આવી.’તમે જ ગફુએભૈયા ને?’ એ સુંદર સ્ત્રીના ચહેરા પર રઘવાટ હતો. ‘બોલો..’ ગફુર આશ્ચર્યથી સ્ત્રીને જોઈ રહ્યો. એક નાનકડી બેગ, એક ફળોની બાસ્કેટ અને એક પર્સ.

‘મારે શાંતિ આશ્રમે જવું છે’ તે બોલી. પેલાં બેય ચમકી ગયા.

‘શાંતિ આશ્રમ...? ગફૂરથી બોલાઈ ગયું. શું હતું શાંતિ આશ્રમમાં? એકસાથે બે મુસાફરો? એક સાધુ અને એક સ્ત્રી?

‘હા મારા પપ્પા ત્યાં છે , સુમંતભાઈ!’ તે અધીરાઈથી બોલી.

‘ઓહ! તમે માન..સી બેન..? ‘ ગફુર હસી પડ્યો પછી તરત જ ઉમેર્યું. ‘કેમ એકલા ? સાહેબ નથી..?

માનસીનો બધો રઘવાટ ઓસરી ગયો. તે પણ હસી પડી.’પપ્પાને મળી નહોતી એટલે ચિંતા થતી હતી.સાહેબને તો કૉલેજ શરૂ થાય છે.નવી નાવી નોકરી છે...એટલે હું જ નીકળી પડી. અને મારે તમારા નામનો આધાર હતો..ગફૂરભૈયા’.

‘અરે પ્રોફેસર સા’બ તો મજામાં છે.આશ્રમમાં આવ્યા પછી વળી શાં દુઃખ હોય? હોય તો પણ કમ થઈ જાય.’ગફુર હળવાશ અનુભવતો હોય એ રીતે બોલ્યો. ગફુરને મન હવે આ સાધુ અજાણ્યો અને અતરાપી બની ગયો. સુમંતભાઈ પાસે માનસીનું નામ સાંભળ્યું જ હતું. દરેક વાતોમાં માનસી આવે જ. મેધ તો ગફુર માટે પરિચિત વ્યક્તિ જ હતો. દીકરી મળવા તો આવે જ ને? ‘બેસી જાવ, માનસી બેન.’ ગફુરે પાછળ ફરીને ગાડીનું બારણું ખોલ્યું. તેના ચહેરા પર હરખ લીંપાઈ ગયો.

ચિંતા થઈ અનિરુદ્ધને. માનસી ખુદ જ આવી ચડશે એની તો કલ્પના પણ નહોતી અને એની હાજરી જરૂરી પણ નહોતી. હવે તો તે આ પ્રશ્ન વિશે રજેરજ હકીકતો જાણતો હતો. હવે કદાચ મનસુખ પણ આ દિશામાં પ્રયાણ કરવાનો હતો. બ્રીજે એ જાતનો જ સંદેશો મોકલ્યો હતો.

‘અનિરુદ્ધ, આપણો શિકાર ત્યાં જ આવશે, એ આશ્રમમાં. મેં એ એક જ રસ્તો ખુલ્લો રાખ્યો છે. આમ તો તે માનસીની જરૂરત હતી પણ એ ન મળતાં, સુમંતભાઈ સાથે જ બાથ ભીડવી હતી.’ અને આપણે તેનો હિસાબ ત્યાં જ પતાવવાનો છે....નર્મદાને કિનારે.’ અનિરુદ્ધની ચિંતા વાજબી હતી. આ તો માનસી જ આવી પહોંચી હતી. બ્રીજની ગણતરીની વિરુદ્ધ બની રહ્યું હતું.

ગાડી ચાલતી હતી, પાકા રસ્તા પર, કાચા રસ્તા પર પણ અનિરુદ્ધ થીજી ગયો હતો. બ્રીજને આ વાત જણાવવી જરૂરી હતી. આ તદ્દન નવો ખેલ હતો. આ છોકરી સાવ એકલી જ ચાલી આવી હતી. પેલો મેધ પણ નથી તેની સાથે. કદાચ પતિને મળ્યા વિના જ, પૂછ્યા વિના જ નીકળી પડી હશે! અને તેનું આ અનુમાન તદ્દન સાચું હતું.

નરેન્દ્રભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા હતા. સોનલદે તો બીજી સવારે જ ચાલી ગઈ હતી. મેધ....થાક અને ચિંતાથી પરેશાન હતો. ‘બસ, હવે આરામ જ કરવાનો. દવાઓ તો ખરી જ.’ ડોકટરે સલાહ આપી હતી. ખોટી દોડધામ નહીં જ. અલબત નરેન્દ્રભાઈ તો શાંત પ્રકૃતિના હતા. મોટી ચિંતાઓ તો ભૂતકાળની વાત હતી. એક સમયે આર્થિક પ્રશ્નોએ તેમને, આખા પરિવારને ઘેરી લીધો હતો, અને ભાંગી પડ્યા હતા નરેન્દ્રભાઈ. પણ સુમંતભાઈએ તેમને ઉગારી લીધા હતા. માનસી વહુ થઈને ઘરમાં આવી હતી. સુખ જ હતું પણ તો પછી આ ક્યાંથી? મુશ્કેલ સમયમાં ટકી શક્ય હતા અને સારો સમય આવ્યો ત્યારે...માનસીને સારા પગલાની ગણતા હતા. લત્તાબેનને તો હતો એથી પણ વિશેષ વાત્સલ્યભાવ તે- માનસી માટે ધરાવતા હતા.

અચાનક જ તેમણે અવલોક્યા હતા. માનસી અને મેધના ચહેરાઓ. કશુંક અસાધારણ અનુભવ્યું હતું. તાજા પરણેલા વરવધુ આવા હોય. તેમને પ્રશ્ન થયો હતો. આ કાંઈ સામાન્ય થાક નહોતો- કશું હતું જ! કશું જે નાં હોવું જોઈએ.

એ લોકોના વહેવારો પર અવલોક્યા, પણ...જવાબ એક જ મળ્યો. કશો મનમેળ નહોતો એ બંને વચ્ચે. આવી વાત કોને કહે? અને...એ અજંપાએ તેમને છેક આ અવસ્થાએ પહોંચાડી દીધા. તેમને લાગ્યું કે...માનસી દુઃખી હતી, મેધ તણાયેલો હતો. તેઓ માટે, તેમના પરિવાર માટે...આ સારી વાત તો નહોતી જ.

એક પુરુષ વાંચી શક્યો- પુત્રીવત માનસીને. ઘરે આવ્યા પછી વાત કરવાની તક પણ મળી. એક સાંજે...શ્વેતા- લત્તાબેન કોઈને મળવા ગયા હતાં. લત્તાબેનને હવે પુત્રીના વિચાર આવતા હતા. ચિત્તમાં સળવળાટ હતો.

‘ચાલો, મેધ તો પરણ્યો, ઠરીઠામ થયો. હવે શ્વેતા માટેય...’ એક સુખ મળ્યું. હવે બીજું સુખેય અંકે કરી લેવું. પછી...શાંતિથી..તે કોઈ સ્વજનને એ આશયે જ મળવા ગયા હતા. ‘માનસી...તારા પપ્પા પાસે જ રહેજે. આ હમણાં જ...’ મેધ ઉપરનો ખંડ વાસીને જંપી ગયો હતો. ઉપરનો ખંડ વાસવાની જરૂર જ શી હતી? માનસી તો આવે ત્યાં. અન્ય વળી કોણ આવવાનું હતું? અને છતાય તેણે....! કદાચ ખૂબ જ થાકી ગયા હશે!

માનસીએ મન મનાવ્યું હતું. ત્યારે નરેન્દ્રભાઈએ માનસીને પૂછ્યું હતું- પાસે બોલાવીને. ‘બેચા, સુખી તો છે ને? મને તારી જ ચિંતા થાય છે. તું આવી ત્યારથી જ તને જોઉં છું.’ તે હચમચી ગઈ હતી. તેનું અસુખ પારખી ગયા આ વાત્સલ્યમૂર્તિ! સુખ કે દુઃખ છૂપાવી શકાતા નહીં હોય? તેને રડી લેવાનું મન થઈ આવ્યું. સુમંતભાઈ યાદ આવી ગયા. તેઓ પણ આમ જ પૂછે.

‘ના...પપ્પા...એવું કશું જ નથી...’ તે વિહવળ થઈને બોલી હતી.

‘બેટા, મને એવું કેમ લાગે છે? મારું મન કહે છે કે...’ તેમનો અશકત અવાજ થરથર્યો. કંપી ગઈ માનસી.

આ વૃદ્ધ જનને આ જ સંતાપ હશે? એને કારણે જ... ‘બેય...મારી દીકરી તો હસતી રહેવી જોઈએ, સુખી રહેવી જોઈએ. પ્રભુ પાસે એ જ માગું કે....તમે બેય...’ અને અચાનક જ પૂછી નાખ્યું- ‘મેધ તરફથી કશું...?’

‘ના...પપ્પા. હું સુખી જ છું. તમે ખોટી ચિંતા ના કરશો. આવા વિચારોય ના કરતા. ડોકટરે શું કહ્યું હતું?’ તે બોલી.

‘તમારે દીકરીની વાત માનવી પડેને, પપ્પા.’ તેણે જરા હસી લીધું. નરેન્દ્રભાઈ પણ ફિક્કું હસી પડ્યા.

‘તું સુમંતભાઈને તો મળી જ નથી ને?’ નરેન્દ્રભાઈને બીજું કારણ જડી ગયું. તે કદાચ આ કારણે પણ હિજરતી હોય. લગ્ન પછી ક્યાં મળી જ હતી? સુમંતભાઈ જ ક્યાંક ચાલ્યાં ગયા હતા, દીકરીને વિદાય આપીને.

‘તો મળી આવને. તને ખ્યાલ છે, એ ક્યાં છે અત્યારે?’

‘હા, પપ્પા. ભરૂચ પાસે શાંતિ-આશ્રમમાં છે.’ તે હરખથી બોલી હતી. ‘તો...મળી આવ. હું જ તને કહું છું ને. મારી ઈચ્છા તને મોકલવાની છે. મને સુખ થશે દીકરી.’ તે બોલ્યા.

અને બીજી સવારે જ તે નીકળી, ભરૂચ ભણી. મેધ તો એથી પણ વહેલો નીકળી ગયો હતો. તેની નવી નોકરીનો પહેલો દિવસ હતો.

ગફુરભાઈની ટેક્ષી હવે કાચી સડક પર ચાલતી હતી. વનરાજી છવાઈ હતી એ રસ્તાની આસપાસ. લીલાછમ ખેતરો પણ હતા. દૃશ્યો ખરે મનોરમ્ય હતા. પરંતુ ત્રણેયમાંથી કોઈને એ તરફ જોવાની ફુરસદ નહોતી.

‘પપ્પાને આશ્રમમાં ફાવે છે ને, ગફૂરભાઈ ?’ માનસી પૂછતી હતી. ‘બેટા.....ઔષધો ફાવી ગયા છે તેમને. તબિયત પણ સુધરી રહી છે. આવ્યા ત્યારે તો...’ તેણે વાક્ય અધૂરું મૂકી દીધું કારણ કે સામે ગાય-ભેંસોનું ઝૂંડ હતું. ટેક્ષી ધીમી પાડવી પડી. પપ્પાને વળી શાની બીમારી ? કશું હતું તો નહીં. મળવાની તાલાવેલીમાં ચિંતા પણ ઉમેરાય. હમણાં જ ભરૂચ સ્ટેશનેથી લત્તાબેન પર ફોન કર્યો હતો. મમ્મી...પહોંચી ગઈ છું. પણ ક્યાં એ ના કહ્યું. આ સંકેત નરેન્દ્રભાઈ માટે હતો. નરેન્દ્રભાઈને ખયાલ આવી ગયો કે માનસી સુખરૂપ....

આ શ્વસુર અને પુત્રવધૂ વચ્ચેની ગોઠવાયેલી સંતલસ હતી. અનિરુદ્ધે ચિંતા મૂકી. ચાલો, પડશે એવા દેવાશે. આમેય આપણી ઈચ્છા મુજબ...બધું થોડું બનતું હોય કાયમ ?

ત્યાં ખાલી પૂઠવા ખાતર જ ગફૂરે અનિરુદ્ધને પૂછી નાખ્યું- ‘આમ ક્યારેય અહીં આવ્યા છો- આશ્રમમાં ? કોઈ પરિચિત છે આપનું ?’

‘સહુનો પરિચય મેળવવા જ જાઉં છું.’ તેણે ટૂંકમાં પતાવ્યું. પછી આંખો મીંચી દીધી- જાણે ધ્યાનમાં લીન ના હોય ! ‘સ્વામીજી...સરસ જગ્યા છે. સાવ એકાંત...! કોઈ બહુ બોલતાં પણ નથી મૌનથી ચાલે તો કોઈ બોલે જ નહીં.’

ગફૂરે..શાંતિ આશ્રમનો મહિમા વર્ણવ્યો. કદાચ...આ નવાં મહેમાનો માટેની પૂર્વચૂચના પણ હોય. જો જો...એ શાંતિને નાહક ડખોળતા નહીં.

વિકટ માર્ગ પરથી સરતી સરતી ટેક્ષી આશ્રમના પ્રાંગણમાં પહોંચી ગઈ ! ટેક્ષી આવી એટલે થોડો ખળભળાટ તો થાય જ. અને એ ધ્વનિ હોય એટલે નક્કી ગફૂર જ હોય. એ વાત સહુની સમજમાં હતી.

ગફૂર પાછળ માનસી આવી. તેની આંખો ચોગમ, કુતૂહલતાથી ફરતી હતી. તેની આંખો સુમંતભાઈને, કેવળ સુમંતભાઈને શોધતી હતી

કેટલો સમય ગુજરી ગયો-તેમને મળ્યાને? જાણે આખો યુગ પસાર થઈ ગયો! અરે, તે આખી બદલાઈ ગઈ હતી.જૂની માનસી ક્યાં રહી હતી?નરેન્દ્રભાઈનું વ્વાત્સલ્ય ભળ્યું હતું. કે ટી શાહે લાગણીપૂર્વક માવજત કરી હતી. સોનલદે એ આત્મીયતાના દર્શન કરાવ્યા હતાં. અને શ્વેતા ય ..મેધ પણ વખતોવખત- વિપરીત સંજોગોમાં પણ તેને ટકાવતો રહ્યો હતો અને તો પણ તે સુખથી દૂર હતી. તને શું થયું માનસી? તું સમય પર નબળી કેમ થતી ગઈ? એ અતીતની પીડા એટલી પ્રબળ બની ગઈ સહાથી?તેં જ બનાવી ને? કે ટી સાહેબે પણ એ જ સલાહ આપી હતી ને?

પણ આ વિચારો તો તરત શમી ગયા. વાતાવરણમાં શાંતિ હતી. નીરવ શાંતિ. સામે જે મળતા હતાં એનાં ચહેરા પર સ્મિત અને આવકાર હતો.

તેને અહીં કોણ ઓળખતું હતું- ગફુર સિવાય? કોઈને જોઈને પ્રવૃત્તિઓ અટકી જતી ન હતી. ભીતરની વિશાળતાનો ખ્યાલ પણ આવી જતો હતો, બાહ્ય દૃશ્યો પરથી.

આમાં ક્યાં હશે પપ્પા? જગ્યા તો સરસ છે. પપ્પાને ખ્યાલ હશે આ સ્થાનનો?

નદીના પટ પરનો આહલાદક પવન, ફૂલગુલાબી સ્પર્શ કરતો હતો, ધજાને, પરિસરને, વ્રુક્ષોને અને જીવંત પાત્રોને.

ગફુરના પગલા એ ખંડ ભણી ધસ્યા-જયા સુમંતભાઈ હતા.એ ખંડ અધખુલ્લો હતો.તેને ખ્યાલ હતો કે કોઈને મળવાની તાલાવેલી શી ચીજ હતી.

‘આવો , માનસીબેન ..બસ આ ખંડમાં જ ..’ તેણે ધીમેથી દ્વાર ખોલ્યું. માનસી લગભગ દોડતી ત્યાં આવી. ધ્યાનસ્થ સુમનભાઈ નજરે પડ્યા.જીર્ણ કયા, ટટ્ટાર સીનો, કશાકમાં ડૂબી ગયેલી બંધ આંખો.

તે આવેશમાં આવીને સાદ પાડવા જાતિ હતી પણ રોકાઈ ગઈ.ધીમેથી સામેના ખાલી આસન પર ખલેલ ન પડે એ રીતે બેસી ગઈ.ગફુરે તે જઈ રહ્યો હતો એવો સંકેત હાથથી કર્યો. તેણેપણ એમ જ પ્રત્યુત્તર વાળ્યો.

એ દરમિયાન અનિરુદ્ધે મંદિરમાં જઈને દર્શન કર્યા હતાં. બે પળ આંખો મીંચી હતી. તેની એક આંખ તો ગફુર પ્રતિ જ મંડાએલી હતી. તેણે તેની ઝોળી પરિસરમાં મૂકી. કોઈ તેને રોકતું કે ટોકતું નહોતું. પછી તે તરત જ ગફુર પાસે આવ્યો, ને ધીમેથી ગણગણ્યો, ‘મિત્ર, મારે તમારું એક અગત્યનું કામ છે. જરા બહાર આવશો?’

ગફુરને લાગ્યું કે કદાચ ઉતારાની સગવડ બાબત કશું કહેવું હશે.તેણેપણ એ જ રીતે ધીમેથી ઉત્તર વાળ્યો ’સ્વામીજી, અહીં કોઈ પ્રશ્ન નથી હમણા વ્યવસ્થા થઈ જ જશે. તિલકજી એટલામાં જ હશે.’

‘મિત્ર ..બીજી વાત પણ છે..!’અનિરુદ્ધે કહ્યું ને તે સાથે બહાર આવ્યો ,ઝાંપાની બહાર.

ગફુરને શંકા ગઈ કે આ વ્યક્તિ તે જે માની રહ્યો હતો અથવા તો સંબોધી રહ્યો હતો એ નથી. સાધુ કે સંન્યાસી આવા નાં હોય. તેને છેક ભરૂચ સ્ટેશને મેળાપ થયો ત્યારે પણ લાગ્યું હતું કે .. તે સાવધ બની ગયો.એક વડના વ્રુક્ષ પાસે જઈને અનિરુદ્ધે સાવ ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો અને પોતાની ભૂમિકા સમજાવી. ગફુર ચોંકી ગયો.

‘પ્રોફેસર સાહેબને કોઈ દુશ્મન હોય એ પણ તેની સમજમા આવતું નહોતું. ધીમે ધીમે વિશ્વાસ પડ્યો ,અનિરુદ્ધમાં.

‘સ્વામીજી ...હું તમને મદદ કરીશ.’ તે અંતે કબુલ થયો. વાત જ એવી હતી કે કોઈ માની નાં શકે.

અને એ દુશ્મન શાંતિ આશ્રમમાં આવવાનો હતો. તેનું મન અત્યારથી સાવધ થઈ ગયું.