Madhurajni - 30 - last part books and stories free download online pdf in Gujarati

મધુરજની - 30 - છેલ્લો ભાગ

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૩૦

બ્રીજને પૂરો સંતોષ થયો. મનસુખ જાળમાં ફસાતો જતો હતો. બ્રીજની યોજના મુજબ જ બધું ગોઠવાતું જતું હતું. તે ઘણા સમયથી મનસુખભાઈની પાછળ જ ફરતો હતો, પડછાયો બનીને. તેમણે દિશા પકડી શાંતિ આશ્રમની અને બ્રીજ પણ એ દિશામાં. અનિરુદ્ધને પણ મોકલી આપ્યો આગોતરા. આયોજનમાં કશી ખામી ના રાખવી એ તેની વિલક્ષણતા. મગજ એ દિશામાં જ મથી રહે. જેમ સફળ થવાતું જાય તેમ એનો પણ નશો ચડતો જાય. આ વખતે તો તેને સોનલદે દ્રષ્ટિમાં હતી તે તેની ક્રિયાનું કાર્ય કરી રહ્યો હતો. ભલે વિલંબ થયો પણ અંતે સોનલદે મળી હતી. સાવ નજીક તો પણ ક્યાં પામી શક્યો હતો?

મિત્રની બહેન, અને મિત્ર પણ પાછો નીકટનો. ના, હવે મોડું કરવું નહોતું. આ મનસુખનો આવવો જોઈએ એવો અંત આવી જાય એટલે ચૂપચાપ પરણી જવું સોનલદેને. વાતાવરણમાં પરોઢની ઠંડક હતી. પવનમાં શીતળતા હતી. આસપાસના વૃક્ષો મર્મર ગાન ગાતા હતાં. નિઃસ્તબ્ધતા હતી આસપાસના ઝુંપડાઓમાં. એ લોકોનો સળવળાટ થવામાં હજી થોડી વાર હતી એનું અનુમાન બ્રીજે કરી નાખ્યું.

તેણે કઠોરતાથી પૂછી નાખ્યું, ‘ક્યા યે દુબલે પતલે આદમી કો ઠંડા કર દેના હૈ?’ બ્રીજે હાથથી પતાવી દેવાનો ઈશારોય કર્યો અને મનસુખ થથરી ગયો. ખૂન કરવાની વાત હતી. સુમનની હત્યા તેણે જ કરી હતી આ માણસ તેના વતી હત્યા કરે ખરો? કરતો પણ હોય. કેટલી સહજતાથી હત્યા કરવાની કહી રહ્યો હતો? આ લોકનો ધંધો જ હોય...ખૂન, લૂંટફાટનો.

તે વિચારમાં પડી ગયો ને બ્રીજ હસી પડ્યો, અટ્ટહાસ જેવું.જો સુમંતભાઈને પતાવા દેવાય તો શો ફાયદો થવાનો હતો? ખરેખર તો પેલી છોકરીને પતાવી દેવાય. એ એક જ જાણતી હતી સુમનના મૃત્યુ વિશે. એનો અંત આવે પછી તે સલામત જ હતો. પણ પછી આ બીજી હત્યાનું શું? માનસીના મૃત્યુની પણ તપાસ તો થાય જ ને? કદાચ...આ પ્રોફેસર પણ જાણતો હોય. માનસીએ કહી હોય વાત. તેના પર સુમન સાથેના પત્રવ્યવહારની ઝેરોક્ષ કોપીઓ કોઈએ મોકલી જ હતી ની? અને ચુડાસમા સુમન હત્યાની પુનઃતપાસની વાત પણ કહેતા જ હતાને?

નક્કી પ્રોફેસર જાણતો જ હશે. તેણે જ આ અજાણ્યા સ્થાને રહીને તપાસ માટેની તૈયારી કરી હશે. એ સરળ માણસ હોંશિયાર પણ બની ગયો હોય! અને પત્નીની હત્યાની વાત આવે પછી લોહી ઉકળી જ ઉઠે ને ગમે તેવી શાંત વ્યક્તિનું?

હવે તો આ બંનેય પતી જવા જોઈએ- કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેમ. તેની હાજરી અહીં હતી છતાં કોણ જાણતું હતું એને? બસ, આ લચ્છુ સિવાય. આવા માણસો તો ખરીદી શકાય થોડી નોટોથી. અરે, એકાદ ઘરેણાંથી. અને તેનાથી નર્મદાદર્શન થઈ ગયું. ઉજાસ પ્રગટ્યો હતો. આસપાસ સ્પષ્ટ દેખાતું હતું. છેલ્લી હારના એક બે ઝુંપડામાં ચહલપહલ પણ જણાતી હતી.

અચાનક તેને વિચાર આવ્યો –સુમંતભાઈનું મૃત્યુ નદીમાં ડૂબી જવાથી ના થઈ શકે? અકસ્માત તો થાય..! દરમિયાન બ્રીજે બીડી મોંમાં નાખીને બાકસ પર દીવાસળી ઘસી. પ્રકાશના ચાંદરડામાં મનસુખની દ્વિધા વંચાઈ. તે કાંઈક નિર્ણય પર આવી ગયો હોય તેમ લાગ્યું.

‘તેરા કામ નહીં બચ્ચુ!’ તે ધોવા ઉડાડતો બોલ્યો. ‘તું કર દેગા મેરા કામ?’ તીર છૂટ્યું મનસુખના ભાથામાંથી.

‘તું ક્યાં દેગા?’ બ્રીજે વાત મૂળ પ્રતિ કેન્દ્રિત તેને લાગવું જોઈએ કે સામેની વ્યક્તિ કામની છે.

બ્રીજને બીજો પણ ડર હતો. રાતભર કોઈ અહીં આવ્યું નહોતું પણ હવે કોઈ આવે પણ ખરું. આ ઝુંપડાનો માલિક કે એનો કોઈ ઓળખીતો. શક્યતા તો હતી જ. મનસુખની હાજરીમાં તે ઉઘાડો પડવા નહોતો ઈચ્છતો.

‘ચલ, સામને પેડ કે નીચે...માત કરેંગે.’ કહેતો તે બહાર નીકળ્યો. મનસુખ પણ તેને અનુસર્યો અલબત તેનો સામાન તેણે સાથે જ રાખ્યો. બ્રીજે અનુમાન કર્યું કે કશું હતીયાર જરૂર હશે સામાનમાં. ‘તુંને કભી ખૂન કિયા હૈ, આદમી કા? બહતા લોહી દેખા હૈ? બચ્ચુ હિમ્મત ચાહીએ.’ તે ચાહીને બોલ્યો.

મનસુખને સુમનનો લોહી નીકળતો દેહ યાદ આવ્યો. એ દેહ કાંઈ અજાણ્યો નહોતો. પણ એ લોહી તો અજાણ્યું હતું. વહેતું ગરમ ગરમ લોહી! રેલાં વહેતા થયા હતા ફરસ પર. તે ગભરાઈ ગયો હતો. હથિયાર લઈને કશી નિશાની ના રહે એ રીતે પાછલી સીડી પરથી ભાગી ગયો હતો. પાસેનું ઘર અવાવરુ હતું. તેના ઓળખીતાનું જ હતું.

બસ એ કડી જ વિસરાય ગઈ હતી તપાસ કરતા અધિકારીઓથી. મનસુખભાઈની વાકચાતુરીએ તપાસની દિશા જ બદલી નાખી હતી.

તેમણે એ બધું જ યાદ આવી ગયું-એ ક્ષણે.

‘ખૂન કરવા માટે જીગર જોઈએ જીગર’ તે શુધ્ધ ગુજરાતીમાં બોલ્યો.

‘તારું જીગર તો છે ને , લચ્છુ ?’ તે પટાવતો હોય એમ બોલ્યો.

‘અને તાને કામના પૈસા પણ આપીશ...’ તેણે ખંધાઈથી ઉમેર્યું. તેને લાગ્યું કે આ તો કામનો માણસ હતો. લચ્છુને હાથ પર રાખવો જ.

‘અડધા કામની પહિલે...’ બ્રિજે મિશ્ર ભાષાનો સહારો લીધો. મવાલી લાગવો જોઈએ પુરેપુરો, માછીમાર ઉપરાંત, લોભી પણ.

મનસુખ જરા ખામ્ખાયો. કોઈ લેભાગુ તો નહીં હોય ને? કામ નાં થાય ને પૈસાય જાય.

‘વિશ્વાસ ના પડતો હોય તો લચ્છુ પાસે આવણા મત. ખાલીપીલી વાતોથી શું? તારી જાત્રા કરવા ઉપાડી જા. સમય બરબાદ મત કર.’ બ્રિજે રોકડું પરખાવ્યું.

‘લચ્છુ..તું તો નારાજ થઈ ગયો. લે...આ સિગારેટસળગાવ.’ મનસુખે વાતને સંભાળી . આને છોડવો તો નહીં જ

નાં.. એ ઝુંપડા તરફ કોઈ આવ્યું નહોતું. આવન-જાવન શરૂ થઈ હતી.અગલબગલમાં. સાવ નધણીયાતું જ હતું.

એ બ્રિજને.

અને ત્યારે જ બરાબર સુમંતભાઈ, માનસી, તિલક, અને અનિરુદ્ધ આશ્રમમાંથી બહાર નીકળ્યા.. વચ્ચે કાચા રસ્તા પર ચાલતા નદી તરફ જતા લાગ્યા.

ઝાડના થડની આડશ લઈને મનસુખ ફાટી આંખે જોઈ રહ્યો. ઓહ! સુમંતભાઈ સાથે પેલી છોકરી પણ હતી.!

આનું નામ નશીબ. એ છોકરીનો અંત પણ લખ્યો જ હશે ને? નહિ તો એ વળી અહીં ક્યાંથી હોય? આખા શહેરમાં શોધી હતી માનસીને.!

મનસુખે લચ્છુને કહ્યું- ‘જોયા ..આ બાપ ..દીકરી..બસ ..એ જ.

‘બ્રિજ એકીટવે જોઈ રહ્યો, એ બંનેને. અને અનિરુદ્ધને પણ. અનિરુદ્ધ તેનું કામ બરાબર કરી રહ્યો હતો તેથી આનંદ થયો.

‘હં..બોલ..આ બેયને પતાવી દેવાના છે..એમ?’

બ્રિજ ગંભીર થઈ ગયો.-જાણે કશું વિચારતો ન હોય.

‘હા, કરી શકીશ...?’

‘બોલ...તું પૈસા આપી શકીશ?’

‘કેટલા...?’ મનસુખ ખુન્નસમાં બોલ્યો. તેને આબરૂ રોળાઈ જવાનો ભય હતો. વિધાનસભાની ચૂંટણીમાં મત ક્યાંથી મળે? સ્વપ્ન રોળાઈ જાય- રાજકીય પ્રવેશનું.

આપી દેવા આ જે માગે એ. માગી માગીને કેટલા માગવાનો? આ લોકોનું ગજુંય શું? આમ તો પાર પાડે તેવો લાગે છે.

‘પાંચ હજાર આપીશ?’ બ્રીજે ચાહીને નાની રકમ કહી, અને રાજી થઈ ગયો મનસુખ. બે ખૂન કરવામાં પાંચ જ હજાર!

‘આપીશ...પણ કામ બરાબર થવું જોઈએ.’ તે હરખાઈને બોલ્યો.

‘કલ...સુબહ...ફેસલા...હો જાઈગા. લચ્છુ કામ કા પક્કા...હૈ. બે હજાર એડવાન્સ...’ બ્રીજે નાટક ચાલુ રાખ્યું. અને મનસુખે તેને...વીસ કડકડતી નોટો આપી. ‘તુ મેરે સાથ રહેગા. કલ સુબહ...હમ સામને વાલે મંદર મેં જાયેગે...હમ દોનો ઔર યે દોનો. બીટ મેં...હમ ડૂબા દેંગે...દોનોં કો.’ બ્રીજે યોજના પણ જાહેર કરી દીધી.

‘મારે...!’ મનસુખ ગભરાયો.

‘હા...તારી હાજરીમાં જ થશે. તને ખ્યાલ આવે ને કે એ બેની લાશ...!’ લચ્છુએ ટાઢકથી જાહેર કર્યું.

‘પણ મને એ ઓળખી જશેને?’ એ પ્રોફેસર તો મારો મિત્ર હતો.

‘નહીં ઓળખે તને. તારે માછીમાર બનીને જવાનું.’

‘ઓળખી જશે જ લચ્છુ.’

‘પછી ઓળખે તો પણ શું? એ બંને ને તો મરને કા હૈ!’ બ્રીજ સાવ સહજ રીતે કહેતો હતો. ‘એક વાર આવી જા નાવમાં...પછી ભલેને...’

‘હિમ્મત રાખ..લચ્છુ છે તારી સાથે.’ બ્રીજ બેફિકરાઈથી બોલ્યો. એ માંડ માંડ સંમત થયો. હા, પછી ઓળખે તો પણ શું. નર્મદાના વહેણમાં વહાવી દઈએ એ બંનેને. લાશ મળશે કદાચ ભરૂચમાં. અને...કદાચ દરિયામાં સુમંતને તરતાં ક્યાં આવડે છે? અને પેલી છોકરી પણ નહીં જ જાણતી હોય! તેને પણ ક્યાં આવડતું હતું? મનસુખના શરીરમાં સોંસરું લખલખું ફરી વળ્યું. તેને ક્યાં તરવાની કે ડૂબવાની જરૂર હતી.

‘લચ્છુ, હું તને દસ હજાર આપીશ કામ પતી જાય પછી.’ તે ઉદાર બની ગયો.

‘ઠીક હૈ. આ ઝુંપડું નવું કરવું છે. પાંચ હજાર કાફી છે.’ બ્રીજે લચ્છુનો અભિનય ચાલુ રાખ્યો. મનસુખ માનતો હતો કે લચ્છુ તેની જાળમાં આવતો જતો હતો. પરંતુ ખરેખર તો મનસુખ જ ફસાતો જતો હતો.

લચ્છુએ હાથ મેળવ્યો મનસુખ સાથે. પછી ઉમેર્યું- ‘શેઠ..લચ્છુ જબાન કા પક્કા. તીન હજાર બાદ મેં દે દેના. અબા જા કલ આ જાના...સુબહ મેં. તેરા ડ્રેસ બદલના પડેગા. લુંગી, મૂછે...’

બ્રીજે બીજી રાત પણ એ ઝુંપડામાં ગાળી. અનિરુદ્ધ સાથે આખી બાજી ગોઠવાઈ ગઈ હતી. સવારે નર્મદાના કાંઠે એક હોડી ઊભી હતી. બે નાવિક પણ પ્રતીક્ષા કરતા હતા. ધુમ્મસ હતું. લચ્છુના ચહેરા પર શાંતિ હતી. બીજો નાવિક સિગરેટના કસ લેતો હતો.

બ્રીજ વિચારતો હતો. આ કેટલો અધમ મનુષ્ય હતો? સુમનને ખતમ કરી હતી. માનસીની જિંદગી દોજખ બનાવી હતી અને હવે એ આ બંનેને હણી નાખવા તૈયાર થયો હતો. મનુષ્ય આટલો નિમ્ન જઈ શકે ખરો? પણ આને મનુષ્ય ગણાય ખરો?

ધુમ્મસ જરા ઓછું થયું. સામો કાંઠો અસ્પષ્ટ દેખાતો હતો. બરાબર એ સમયે શાંતિ આશ્રમમાંથી ત્રણ વ્યક્તિઓ નીકળી- નદી દર્શન માટે. સુમંતભાઈ, માનસી અને સ્વામીજી. સ્વામીજીએ જ જીદ્દ કરી હતી- ‘પ્રોફેસર સાહેબ, ચાલો, સામેના શિવમંદિરે દર્શન કરી આવીએ. ટેકરી છે. વનરાજી છે...’ સુમંતભાઈ તો જઈ આવ્યા પણ હતા. લાલચ થઈ. ચાલ, માનસીને પણ દર્શન કરવાનો લાભ મળે.

સ્વામીજીએ એવી યુક્તિ કરી કે તિલક ના આવી શકે. માનસીને સ્વામીજીની વાતોમાં રસ પડતો હતો. હોડીવાળો પણ તૈયાર જ હતો. માત્ર દસ મિનિટનું અંતર હતું વિશાળ પટને કાપવામાં.

‘ડરતી’તી તો નથી ને?’ સુમંતભાઈએ પુત્રીને કહ્યું. હોડી ચાલી. હોડીને છેડે બીજો નાવિક હતો- મુખ ફેરવીને. ‘હોડી આમ કેમ ચાલી?’ સુમંતભાઈએ પૂછ્યું.

‘ત્યાં વહેણનું જોર ઓછું છે એટલે સા’બ...’ બ્રીજે જવાબ વાળ્યો. મનસુખ ખુશ થયો. એ તરફના બંને કાંઠા નિર્જન હતા. શાંતિ આશ્રમ પણ ત્યાંથી આછો આછો કળાતો હતો. ના, વહેણ તો તોફાની હતું. હોડી વમળાતી હતી. માનસી ગભરાઈ. ‘શું થયું?’ સુમંતભાઈએ પૃચ્છા કરી. સન્યાસી સરકતો સરકતો મધ્યમાં આવ્યો.

અચાનક બ્રીજ ગર્જ્યો. ‘મનસુખ, તારા દિવસો પૂરા થયા છે. સુમનને મારી નાખી હતીને? જા, સુમન પાસે.’

એક ધબાકો થયો. બીજો નાવિક ફંગોળાયો. એક નાનકડી ચીસ પડી અને શમી પણ ગઈ. સન્યાસીએ હલેસું હાથમાં લીધું.

ઓહ! કોણ હતો એ? – માનસી બોલી.

આપણા સહુનો શત્રુ- મનસુખ. સુમંતભાઈ, એણે જ સુમનબેનની હત્યા કરી હતી. તમારા બંનેની હત્યા કરવા જ આવ્યો હતો. મેં અને અનિરુદ્ધે તેની ઈચ્છા બર આવવા ના દીધી.

બ્રીજ કહેતા હતા. માનસી ખુશ થઈ ગઈ. કેવડો મોટો બોજો હટી ગયો હતો? બધી સમજ પડી.

ફરી કાંઠે આવ્યા તો ગફુર, સોનલદે અને મેધ ઊભા હતાં. સોનલદે માનસીને ભેટી પડી.

‘આવીશ ને અમારી સાથે, મધુરજની પર? આપણે ચારેય...’ બ્રીજ ખડખડાટ હસી પડ્યો.

(સમાપ્ત)