THE CURSED TREASURE - 15 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 15

ચેપ્ટર - 15

વિક્રમ અને રેશ્માને એમની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. આખરે આ કઇ રીતે બની શકે? ધનંજય મહેરા એ વ્યક્તિ છે જેમને મળવા માટે એ બંને અહીંયા આવ્યા હતા. તો એ માણસ ધનંજય મહેરા હતો જે અત્યાર સુધી એમનો પીછો કરી રહ્યો હતો. 'એટલે જ મને ફોનમાં સાંભળેલો એ અવાજ ક્યાંક સાંભળ્યો હોય એવું લાગતું હતું.' વિક્રમ વિચારવા લાગ્યો.

"બેસો.." ધનંજયે કહ્યું. વિક્રમ અને રેશ્મા આશ્ચર્ય ને મારે હજુ એમ ને એમ જ ઉભા હતા. ધનંજયના કહેવાથી એ બંને બેસી ગયા. બેયની નજરો હજુ પણ ધનંજય પર જ મંડાયેલી હતી. બે માંથી એકેય કંઇ જ ન બોલતા ધનંજયે જ ફરી વાત આગળ વધારતા કહ્યું, "શું લેશો? ચા કે કોફી?"

પોતાનું આશ્ચર્ય કાબૂમાં કરીને રેશ્મા બોલી, "મે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમને આપનો અહીંયા ભેટો થશે ધનંજય અંકલ..."

"હાં એ તો તમારા બંનેના ચહેરા પર દેખાય રહ્યું છે." ધનંજયે કહ્યું. વિક્રમે ધનંજય સામે ધ્યાનથી જોયું.

ધનંજય મહેરા. એક બિઝનેસ ટાયકૂન. ફર્નિચર ના બિઝનેસ નું એક મોટું નામ. એમના ફર્નિચરના શો રૂમો હતા. બાવનની ઉંમરે પહોંચેલા ધનંજય મહેરાએ પોતાનું શરીર કાળજીપૂર્વક જાળવી રાખ્યું હતું. ચહેરા પર ઘડપણની રેખાઓ ખેંચાવા લાગી હતી. પણ એમના ચહેરા પર એક તેજ હતું જે કોઇપણને પ્રભાવિત કરી શકે. એમની આંખો જોઇને વિક્રમને સમજાણું કે વિજયની આંખો એકદમ એના પિતા જેવી જ હતી. ગ્રે કલરના અરમાની સૂટમાં એમની અમીરી ચોખ્ખી દેખાઇ રહી હતી.

"આપ અહીં શું કરી રહ્યા છો? અને આ બધું શું છે ધનંજય સર?" વિક્રમે પુછ્યું.

"આપણે એ ચર્ચા કરવા જ ભેગા થયા છીએ. પણ પહેલા કંઇક ચા-પાણી તો લો.." ધનંજયે આગ્રહ કરતા કહ્યુ.

"અમારે ચા નાસ્તો નથી કરવો.." વિક્રમનો અવાજ થોડો ઉંચો થઇ ગયો અને એ ખુરશી પર અડધો ઊભો થઇને બોલ્યો, "અમને જણાવશો કે આમ અમને અહીંયા બોલાવવાનો શું મતલબ? અને તમે અમારી જાસૂસી શું કામ કરી રહ્યા છો?"

ધનંજય એની સામે જોઇને સ્માઇલ કરવા લાગ્યો. પછી એણે રેશ્મા સામે જોઇને કહ્યું, "મને વિક્રમની આ વાત ખૂબ જ ગમે છે. એ કોઇપણ આડીઅવળી વાતો વગર તરત જ મેઇન પોઇન્ટ પર આવી જાય છે."

રેશ્માએ એમની વાત પર કંઇ પ્રતિભાવ ન આપ્યો. એના મનમાં પણ એ જ પ્રશ્ન હતો જે વિક્રમે એમને પુછ્યો હતો. ધનંજય મહેરાને સંબલગઢ સાથે શું લેવાદેવા છે?

"તો આપણે સીધા પોઇન્ટ પર જ આવીએ." એની સામે પડેલા ચા ના કપ માંથી એક ઘુંટડો ભરીને ધનંજય બોલ્યો, "મને કહો કે આખરે ગજનેર પાસેના રણમાં શું થયું હતું?"

વિક્રમ અને રેશ્મા બંને કંઇ ન બોલ્યા. એ બંનેને ખબર હતી કે આ વાત સાંભળવી ધનંજય મહેરા માટે સહેલી નહિં રહે. અને એમના માટે કહેવી પણ અઘરી જ હતી ને. એ બંને નજર નીચી કરીને જોઇ રહ્યા. વિક્રમ જાણે સાચા શબ્દો શોધી રહ્યો હોય એમ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ કંઇ બોલ્યો નહીં.

એ બંને તરફથી કંઇ જવાબ ન મળતા ધનંજય ને ગુસ્સો આવ્યો. એણે કહ્યું, "આખરે એવું તે શું બન્યું હતું કે તમે બેય કોઇપણ પ્રકારની સુરક્ષા વગર ત્યાંથી જીવતા બહાર આવી ગયા... જ્યારે છ-છ હથિયાર ધારી માણસોને પોતાની સાથે લઇ ગયો હોવા છતા મારો વિજય ત્યાંથી બહાર ન આવ્યો..?" બોલતા ધનંજયે એક હાથ ટેબલ પર પછાડ્યો. ટેબલ પર પડેલો ચાનો કપ ખખડી ઉઠ્યો.

વિક્રમ અને રેશ્મા તો હેતબાઇ ગયા. એમણે જે સાંભળ્યું એમના પર એમને વિશ્વાસ ન આવ્યો. મતલબ ધનંજયને ખબર છે કે ગઇકાલે વિજય મૃત્યુ પામ્યો છે. અને છતાં પણ પોતાના પુત્રનો શોક મનાવવાને બદલે એ અહીંયા એક મોટી હોટલમાં બેઠો છે. આખરે કેવો બાપ છે આ? વિક્રમના મનમાં એના માટે ઘૃણા ઉત્પન્ન થઇ આવી.

રેશ્માએ એમને પુછ્યું, "તમને ખબર છે કે વિજય એ કબરમાં આવ્યો હતો પણ ત્યાંથી પાછો આવ્યો નથી. પણ તમે એની શોધ કરવાને બદલે કે એ જીવતો છે કે નહીં એ જાણવાને બદલે અહીંયા ફાઇવ સ્ટાર હોટેલમાં બેસીને ચા પી રહ્યા છો? શરમ નથી આવતી તમને?" રેશ્માએ ચિલ્લાતી હોય એ રીતે કહ્યું. એના આમ કરવાથી રૂમના ઉભેલા ગાર્ડ્સ સતર્ક થઇ ગયા અને એમણે પોતાની બંદૂક રેશ્મા તરફ કરી. ધનંજયે હાથના ઇશારા વડે એમને શાંત રહેવાનું કહેતા એમણે ગન નીચે કરી.

ધનંજયે એને કહ્યું, "એ છોકરી, તને શું ખબર કે મે મારા વિજય માટે શું કર્યું છે. આ તો મારી ભૂલ થઇ ગઇ કે મે એને તમારા બંનેની પાછળ મોકલ્યો. જો મને ખબર હોત કે ત્યાં આવું થઇ જશે તો હું ક્યારેય એને તમારી પાછળ ન મોકલત." ધનંજયની આંખોમાં રેશ્માને એક પીડા દેખાઇ. જે પીડા એક બાપની પોતાનો એક નો એક દીકરો ખોઇ નાખવાની હતી. એમની આંખના ખૂણેથી એક આંસુ એમના ગાલ પર ઉતરી આવ્યું. પણ એમણે તરત એ સાફ કરી નાખ્યું.

વિક્રમને એ જાણીને નવાઈ લાગી કે વિજયને એમની પાછળ ધનંજયે મોકલ્યો હતો. અજાણતાં જ પણ એમણે પોતે પોતાના એકના એક દિકરાને મોતની આગોશમાં ધકેલી દીધો હતો. એમના દિલ પર શું વીતી રહી હશે એ જાણવું ખૂબ જ અઘરું છે. પણ એક વાત જાણવી પણ જરૂરી હતી કે ધનંજય એમનો પીછો શું કામ કરી રહ્યો હતો? એક આર્કિયોલોજીસ્ટ તરીકે વિજયને સંબલગઢમાં રસ હતો એ તો સમજ્યા, પણ ધનંજય..?"

પોતાના દર્દને કાબુમાં કરીને ધનંજય મહેરા તરત જ સ્વસ્થ થઇ ગયો. એના ગ્રે કલરના અરમાની સૂટના કોટને વ્યવસ્થિત કરીને એ બોલ્યો, "તમે બંને એ કબરમાં ગયા હતા ને? તો મને જણાવો કે આખરે મારો વિજય મર્યો કઇ રીતે?"

"એનું તો વર્ણન પણ શક્ય નથી. એવા જીવો આજ સુધી અમે ક્યારેય જોયા જ નથી." વિક્રમ એ ભયાનક નજારો યાદ કરવા માંગતો ન હતો. પણ યાદ આવી જ ગયો. એ ભયાનક જીવો, એમની સડી ગયેલી ચામડી, લોહીથી ખરડાયેલા હાથ, અને શરીરમાંથી નીચે લબડતું માંસ અને એમની ભયાનક આંખો. યુવરાજની કબર અને સંબલગઢના લોકેશન સિવાયનું શું થયું અને કેવી રીતે થયું એ બધું એણે ધનંજયને કહી દીધું.

ધનંજયને પહેલા તો વિક્રમની કહેલી વાતો પર વિશ્વાસ ન આવ્યો. પણ જ્યારે રેશ્માએ એની વાતની પુષ્ટિ કરી ત્યારે એને સમજાયું કે વિજયની મૃત્યુ કેટલી દર્દનાક રહી હશે. એના મોઢા પર અફસોસની રેખાઓ તણાવા લાગી. પોતે વિજયને ત્યાં મોકલીને કેટલી મોટી ભૂલ કરી છે એ વાતનો અહેસાસ કદાચ ધનંજયને થઇ રહ્યો હતો એવું વિક્રમને લાગ્યું.

બે મિનિટ સુધી કમરામાં તદ્દન શાંતિ છવાઇ ગઇ. કોઇ કંઇ ન બોલ્યા. ધનંજયે બીજીવાર ચા મંગાવી. ચા પીને એ થોડો સ્વસ્થ થયો. એમનું આમ કરવું વિક્રમ અને રેશ્મા બંનેને વિચિત્ર લાગી. પોતાનો એકનો એક પુત્ર મરી ગયો છે અને આને કંઇ જાજો ફેર પડતો હોય એવું લાગતું નથી.

બે મિનિટ પછી શાંતિ ભંગ કરતા વિક્રમે કહ્યું, "ધનંજય સર, હું તમારું દુઃખ સમજી શકું છું. પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો.

"પુછ.."

"તમે કહ્યું કે તમે વિજયને અમારી પાછળ મોકલ્યો હતો રાઇટ?"

"હાં.. "

"મતલબ કે તમને ખબર હતી કે અમે બંને સંબલગઢ શોધવા જઇ રહ્યા છીએ?"

"હાં.."

"તમારા દિકરાને સંબલગઢમાં રુચિ હતી એ તો સમજાય. પણ તમે સંબલગઢ શું કામ શોધવા માગો છો. હજુ ગઇકાલે જ તમારો દિકરો મૃત્યુ પામ્યો છે અને એનું પરોક્ષ કારણ તો તમે જ છો. છતા પણ એના મૃત્યુ પર રડવાને બદલે તમે અહીં બેસીને સંબલગઢ શોધવા માટેની ડીલ કરી રહ્યા છો."

"જો વિક્રમ," ધનંજયે કહ્યું, "આ બધો બિઝનેસ છે. એમાં પ્રેક્ટિકલી વિચારવું પડે છે. ભાવનાઓમા વહીને નિર્ણય નથી લઇ શકાતો. કોઇની મૃત્યુથી હું મારું કામ બંધ ન કરી શકું. બધા તારી જેમ કોઇના મૃત્યુ પર આઘાતમાં સરી નથી પડતાં. જગતમાં જીવવું હોય તો પ્રેક્ટિકલ થવું પડે છે.

ધનંજયનો આ ટોણો વિક્રમને ન ગમ્યો. એના વર્ષો જૂની યાદ ધનંજયે ફરી સપાટી પર લાવીને એને યાદ કરાવી આપ્યું કે એણે સંબલગઢની શોધ શું કામ છોડી દીધી હતી. રેશ્માએ વાત વધારે બગડે એ પહેલા જ વિક્રમને શાંત રહેવાનો ઇશારો કર્યો. વિક્રમને પણ એ જ યોગ્ય લાગતા એણે શાંત રહેવાનું પસંદ કર્યું.

પોતે જે બોલ્યો એનાથી વિક્રમ ગુસ્સે થયો છે એ વાતની ચિંતા કર્યા વગર એણે બંનેને સંબોધિત કરતા કહ્યું, "તો ડીલ એકદમ ક્લિયર છે. તમે મને સંબલગઢ સુધી લઇ જાઓ. એના માટેની તમારી તમામ જરૂરિયાતો હું પુરી કરીશ. અને સંબલગઢ પહોંચ્યા પછી તમે બંને ત્યાંનો ખજાનો મને સોંપી દેશો. નામ અને પ્રતિષ્ઠા તમને મળશે. પૈસા બધા મારા."

"ઓહ્.. તો તમે સંબલગઢના લોકોના લાંબા અને તંદુરસ્ત જીવનના રહસ્ય માટે આ બધું કર્યું છે."

"બિલકૂલ, મે આ સંબલગઢનું રહસ્ય જાણવા માટે મારો એકનો એક પુત્ર ખોઇ નાખ્યો છે. હવે પાછા વળવાનો તો કોઇ પ્રશ્ન જ ઉભો નથી થતો. એમાં તમારે બંનેએ મારી મદદ કરવાની છે. તમારી બધી જ જરૂરીયાતો હું પુરી કરીશ. માણસો, હથિયારો, સામાન બધું જ હું પુરુ પાડીશ. બદલામાં તમારે મને સંબલગઢ સુધી લઇ જવાનો છે. આમા તમારો પણ ફાયદો થશે અને મારો પણ."

"અને અમે ના પાડીએ તો?" વિક્રમે પુછ્યું. જોકે એને અંદરથી તો જવાબ ખબર જ હતો.

"તો પછી અમે પહેલાની જેમ તમારા બેયનો પીછો કરીને ત્યાં પહોંચી જશું અને તમને બંનેને ખબર પણ નહીં પડે. એમાં માત્ર મારો જ ફાયદો થશે. હું પહેલા પણ એ કરી શકતો હતો. પણ રેશ્મા એક સમયે મારા દિકરાની મિત્ર હતી એટલા માટે મે તમને આ ઓફર આપી છે. એને સ્વીકારવી કે નહીં એ તમારી મરજી છે." ધનંજયે કહ્યું.

"તમે મારા પ્રશ્નનો જવાબ આપશો?" વિક્રમે પુછ્યું.

"હાં જવાબ આપવા લાયક પ્રશ્ન હશે તો."

"તમે સંબલગઢ શું કામ શોધવા માગો છો? અમે તો આર્કિયોલોજીસ્ટ છીએ એટલે અમારી એમાં રુચિ યોગ્ય છે પણ એક ફર્નિચર શો રૂમનાં માલિકને બે હજાર વર્ષ જૂના રહસ્યમાં એટલી જીજ્ઞાસા શું કામ છે."

"એ જાણવું તમારૂં કામ નથી. તમે બસ તમારું જેટલું કામ છે એ કરી દો. આમ પણ તમે આર્કિયોલોજીસ્ટ લોકો ક્યારેક સરકારી મ્યુઝિયમ માટે કે પછી કોઇ રિસર્ચ સંસ્થા માટે આર્ટિફેક્ટ્સ (સદીઓ જુની વસ્તુઓ જેવી કે ઘરેણાં, મુદ્રાઓ, સિક્કાઓ વગેરેને આર્ટિફેક્ટ્સ કહેવાય) શોધી આપવાના કોન્ટ્રેક્ટ કરતા જ હોય છો. તો આ પણ તમારા બંને માટે એક પ્રાઇવેટ કોન્ટ્રેક્ટ છે એમ જ માની લેજો." ધનંજયે કહ્યું.

"સોરી.. પણ અમે અમને કોન્ટ્રેક્ટ આપનારનાં ઇરાદા સાચા છે કે નહીં તે જાણ્યા વગર ડીલ નથી કરતા. એક આર્કિયોલોજીસ્ટ તરીકે અમને ખબર હોવી જોઈએ કે અમે જે આર્ટિફેક્ટ્સ શોધીએ છીએ એનો કઇ રીતે ઉપયોગ થવાનો છે. કોઇ ખોટા કામ માટે અમે એ શોધવા તૈયાર નથી. ચાલ રેશ્મા." વિક્રમ અને રેશ્મા ઉભા થઇને જવા લાગ્યા. પણ એ બંને દરવાજા સુધી પહોંચે એ પહેલા જ દરવાજા સામે બે લોકો બંદુક એમની તરફ તાકીને ઉભા હતા. એ જોઇને વિક્રમને સમજાય ગયુ કે અત્યાર સુધી ધનંજય મહેરાએ કળનો ઉપયોગ કર્યો હતો અને હવે બળનો ઉપયોગ કરવાનો વારો છે.

" આને કહો કે રસ્તામાં થી હટી જાય." વિક્રમે ધનંજયને કહ્યું.

"વિક્રમ," ધનંજય ઉભો થઇને એમની પાસે આવ્યો. વિક્રમ અને રેશ્મા પાછળ ફર્યા. વિક્રમની આંખોમાં ધનંજયને ગુસ્સો દેખાયો. વિક્રમ જાણે એને ચેલેન્જ આપી રહ્યો હતો. કોઇપણ છોકરો પોતાની સામે આમ પોતાને ના પાડીને આજ સુધી જઇ નથી શકતો. જ્યારે આ વિક્રમની વાત અલગ છે. એને મોતનો ભય નથી. એટલા માટે જ તો એને કાબુમાં કરવો અઘરો છે. જ્યારે રેશ્માની આંખોમાં એનાઅને વિક્રમ વચ્ચેની તકરારને લીધે થોડી. ચિંતિત હતી. એને બિનજરૂરી માથાકૂટમાં પડવું ગમતું ન હતું. એ હંમેશા આવેશમાં આવ્યા વગર શાંતિથી નિર્ણય લે છે. ધનંજય વિચારી રહ્યો.

"નિર્ણય લેવામાં આટલી ઉતાવળ કરવી યોગ્ય નથી. અત્યારે છ વાગવા આવ્યા છે. સાડા આઠ વાગ્યે આપણે ડિનર પર મળીશું. ત્યાં સુધી શાંત ચિતે વિચાર અને મને નિર્ણય જણાવજે. ત્યાં સુધી તમે તમારા રૂમમાં જઇ શકો છો." બોલીને ધનંજયે એના માણસોને ઇશારો કરતા એ દરવાજા પાસેથી હટી ગયા.

"સાંજ સુધી વાટ જોવાની કંઇ જ જરૂર નથી. અમારો નિર્ણય બદલે એમ નથી. હા પણ ડિનર તો અમે કરીને જ જઇશું. આપે એટલા પ્રેમથી આમંત્રણ આપ્યું છે તો એને ના પાડવી મુશ્કેલ છે." વિક્રમે એક સ્મિત સાથે એને જવાબ આપ્યો. જે સાંભળીને ધનંજયના ચહેરા પર પણ સ્માઇલ આવી ગઇ. વિક્રમ અને રેશ્મા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. ધનંજય એમને જતા જોઇ રહ્યો. પછી એ બોલ્યો, "સાંજ સુધીમાં તો તારો નિર્ણય ફરી જશે વિક્રમ." એના ચહેરા પર એક રહસ્યમય સ્માઇલ આવી ગઇ.

વિક્રમ અને રેશ્માએ પોતપોતાના રૂમમાં જઇને થોડો સમય આરામ કરીને કલાક પછી એટલે કે સાત સવા સાતે હોટેલના ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. ત્યાં મળીને આગળ શું કરવું એની ચર્ચા કરવાની હતી. હોટેલના આ રૂમમાંથી ધનંજય એમની કરી રહ્યો હશે એવી એમને શંકા હતી. એટલે એ બંનેને ગાર્ડનમાં મળવાનું ઠીક લાગ્યું.

* * * * *

રેશ્મા ચોંકી. હજુ હમણાં જ એ ફ્રેશ થઇને બાથરૂમમાંથી બહાર આવી હતી. બહાર આવતા જ ધનંજય મહેરાને પોતાના રૂમમાં રાખેલી ઇઝી ચેર પર બેઠેલ જોઇને એને ખુબ આશ્ચર્ય થયું હતું. ધનંજયને જોઇને એ જરા સતર્ક થઇ ગઇ. એણે તરત જ પુછ્યું, "આપ મારા રૂમમાં શું કરી રહ્યા છો? અંદર આવતા પહેલા પરવાનગી લેવી જોઈએ કે નહીં?"

"એના માટે હું માફી માગું છું." ધનંજયે લાપરવાહીથી કહ્યું. "પણ કેટલીક વાતો હતી જે વિક્રમની સામે આપણે કરી શકાય એવી નથી. એટલા માટે હું અહીંયા આવ્યો છું. વિક્રમે મારી મદદ ન લેવાનો નિર્ણય કરી લીધો છે. પણ તું એનો નિર્ણય બદલી શકે છે. એટલા માટે હું તારી પાસે આવ્યો છું."

"પણ હું એનો નિર્ણય શું કામ બદલીશ? હું તો એના નિર્ણય સાથે સહમત છું. આપની મદદ વગર પણ અમે સંબલગઢ સુધી પહોંચી શકીએ છીએ." રેશ્માએ કહ્યું.

"એમાં તો શંકાને કોઇ સ્થાન જ નથી." ધનંજયે કહ્યું. "પણ એના માટે તમારે હથિયારો અને માણસોની જરૂર તો પડશે જ. અને મારા એટલા કોન્ટેક્ટ છે કે હું એવી વ્યવસ્થા કરી શકું કે તમને કોઇ મદદ કરવા તૈયાર ન થાય." ધનંજયે લુચ્ચું સ્મિત કરતા કહ્યું.

રેશ્માને એમના આમ કરવાનું કારણ ન સમજાણું. એને આ માણસ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. આને એ અંકલ કહીને માન આપીને બોલાવી રહી હતી પણ આ તો એને લાયક જ ન હતો. રેશ્માએ ખિન્ન અવાજે પુછ્યું, "શું કામ કરી રહ્યા છો તમે આ બધું?"

"એટલા માટે કે તું વિક્રમને એનો નિર્ણય બદલવા માટે મનાવી શકે છે. વિક્રમ માટે તો સંબલગઢ શોધવા માટે જેટલો સમય લાગે એટલો લગાવવા તૈયાર છે. પણ આપણને બેયને ખબર છે કે તું.." ધનંજયે પોતાનું વાક્ય અધુરું છોડીને રેશ્માના પ્રતિભાવની પ્રતિક્ષા કરી.

આશ્ચર્યથી રેશ્માની આંખો પહોળી થઇ ગઇ. આ ધનંજય શું કહી રહ્યો છો? મતલબ એને ખબર છે કે.... નહી નહી.. એ કઇ રીતે થઇ શકે? આખરે આને ખબર કઇ રીતે પડી? આને ખબર છે કે ખાલી હવામાં તીર ચલાવી રહ્યા છે, ખાતરી કરવા માટે એણે એને પુછ્યું, "તમે શું કહી રહ્યા છો એ મને સમજાતું નથી. જરા...."

એનું વાક્ય પૂરું થાય એ પહેલા જ ધનંજય ઉભો થઇને એની સામે આવ્યો. અને રેશ્માની આંખોમાં આંખો નાખીને કહ્યું,

"રેશ્મા, હું તારૂ રાઝ જાણું છું.."

(ક્રમશઃ)

* * * * *