Amasno andhkar - 22 books and stories free download online pdf in Gujarati

અમાસનો અંધકાર - 22

વીરસંગ અને શ્યામલી પોતાના કુળદેવતાના સ્થાનકે દર્શન કરવા અને વિધીઓની પરિપૂર્ણતા માટે જાય છે. ગામની સ્ત્રીઓ ગરબા રમે છે. શ્યામલી પણ જોડાય છે. આ બાજુ વીરસંગને એના કાકા જુવાનસંગની ચહેરા પરની ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહે છે.. શું ઘટના ઘટી હશે એવું જાણવા એ એમની પાસે જાય છે હવે આગળ....

ઢોલ, ત્રાસા,નગારા,મંજિરા અને તાળીઓનો લયબદ્ધ તાલ સાથે મીઠા મધુરા અવાજે ગવાતા માતાજીના ગરબા વાતાવરણને ખૂબ જ આધ્યાત્મિક બનાવી રહ્યું હતું. વીરસંગ ધીમે ધીમે બધાની નજર ચૂકવતો જુવાનસંગ પાસે જાય છે. જુવાનસંગ વીરસંગને નજીક આવતો જોઈ જાણે કાંઈ જ નથી બન્યું એવો ડોળ કરે છે. તો પણ વીરસંગ એની ફરજના ભાગે પૂછે જ છે કે...

" શું થયું કાકા? કાંઈ વિપદા હોય તો અબઘડી કહો."

" ના..ના.. દીકરા કશું નથી થયું. તું ગામલોકો સાથે રહે . અહીં તારે આવવાની જરૂર નહોતી."

" કાકા, તમે મારાથી કાં છુપાવો. મુજ સાવજ પર વિશ્વાસ નથી કે આપનો?"

" એ શું બોલી ગયો વીરસંગ, આપણે એક લોહીના બુંદના વારસદાર...તારા પર કોઈ આશંકા નથી."

"તો કાકા,કહી જ દો જે હોય એ બેધડક!"

" વીરસંગ, તું મને પૂછ નહી દીકરા વધુ કાંઈ-"

" ન કહો તો તમને કુળદેવીની આણ....!"

" એ મારા દીકરા વીરસંગ આ તું શું બોલી ગયો ! હું જો કહી દઈશ તો સૌ મારા પર ગાજસે ને કશું થશે તો મારું આયખું લાજશે."

આમ કહી, વીરસંગ હથેળીમાં મોંને ઢાંકી જાણે મનોમંથન કરી રહ્યો હોય એમ શાંત થયો. ત્યાં જ ચતુરદાઢીનો માણસ આવ્યો અને મોટેથી જ બોલ્યો..વીરસંગ સાંભળે એમ જ..
" જમીનદાર, ચતુરશેઠનો ક્યાંય અતોપતો નથી..આપ કહો‌ તો થોડા કાફલા સાથે અબઘડી શોધી લાવી કે કોની હિંમત થઈ જે ચતુરશેઠને બંદી બનાવી જાય?"

વીરસંગ તો આ સાંભળીને એકદમ લાલપીળો થઈને કહે છે કે 'કયારે બન્યું આ બધું?'

જુવાનસંગ : "કાલ રાત્રે જ."

વીરસંગ : " એ તો કાલ જાનમાં પણ સાથે જ હતા ને!"

જુવાનસંગ : " જમણવારના સમયે એને‌ બાતમી મળી કે લાખનગઢવાળી જમીન પર કેટલાક લોકોએ કબ્જો જમાવવા ડેરા જમાવી દીધા છે અને એ સઘળા લડી લેવાના મૂડમાં છે એ અધુરા ભાણે જ ત્યાંથી નીકળી ગયો મને કહીને. પણ, આવું બધું બન્યું છે એ વાત એના માણસો કહી ગયા સવારે."

વીરસંગનું લોહી હવે ઊકળવા લાગ્યું હતું. એ તો પોતે નીકળવાની તૈયારી કરવા લાગ્યો અને એ તો ઘોડે ચડી જવા નીકળે છે કે વીરસંગ ઢોંગ કરતા બોલે છે કે " દીકરા, શ્યામલી પૂછશે તો શું જવાબ આલીશ?"

વીરસંગ : " એ પણ એક ક્ષત્રિયની પત્ની કહેવાય. એ સમજી જ જશે. તમે મને હૂકમ આપો હવે તો !

જુવાનસંગ : " જીતના વધામણા અને ચતુરને લઈ વેલેરો પાછો આવજે..મારા પૂત!"

વીરસંગ ધૂળની ડમરી ઊડાડતો નીકળ્યો કે શ્યામલીને જાણે આભાસ થયો હોય એમ એ ત્યાં જ થંભી ગઈ. એને વીરસંગની હવા સાથે વાતો કરતી એની છબી જોઈ જાણે એક નરબંકો પોતાના દુશ્મનનું શિશ વાઢવા જંગે ચડ્યો હોય એમ.
‌‌ઘડીભરમાં તો એક બાજુ આનંદનો ઢોલ અને એક બાજુ
રણશિંગું ફૂંકાયું હોય એવું જ રૂકમણીબાઈનું હૈયું ધબકવા લાગ્યું. એ પોતાની 'કાળ' હવેલીમાં રળિયાત બાના ખોળે પોતાના સંતાનનો જીવ જોખમમાં છે એ વાત કરતી કરતી કરૂણ આક્રંદ કરે છે. બધી વિધવાઓ પણ એ જોઈ રડે છે અને કકળે છે..પણ, વીરસંગના કાન જેવી જ બહેરી અને જડ દિવાલોમાં પડઘા પાછા ફરે છે.. જવાબ વગર જ...

આ બાજુ રાસની રમઝટ પૂરી થાય છે અને શ્યામલીના હાથમાં દેવીના શણગારની થાળી થમાવી જુવાનસંગની પત્ની એને મંદિરના ગર્ભગૃહમાં લઈ જાય છે. શ્યામલીની થનારી ચકળવકળ આંખો તો વીરસંગને જ શોધે છે પણ એ સ્ત્રીઓનો ઘેરામાં એને ક્યાંય કોઈ આદમી દેખાતો નથી. એ પૂરી શ્રદ્ધાથી પોતાની વિધી પુર્ણ કરે છે.

આ બાજુ વીરસંગ બે-ચાર માણસ સાથે હથિયાર વગર જ ચતુરદાઢીને શોધવા લાખનગઢ તરફ જાય છે પણ 'એ ભોળાને ક્યાં ખબર કે આ પણ એક કાવતરું જ હશે એના કાકાનું ! ' એ તો આગળ અને પાછળ જુવાનસંગના ખાસમખાસ માણસો. જેવું લાખનગઢનું સીમાડું દેખાયું કે વીરસંગ સાબદો થયો. પરંતુ, ત્યાં તો એક જ ઘા તલવારનો પીઠના ભાગેથી નીકળી છાતી સોંસરવો પસાર થયો. એક પણ ઊંહકારો કર્યા વગરનો વીરસંગ જમીન પર પડ્યો અને એ જોવે છે કે 'અટ્ટહાસ્ય કરતો ચતુર દાઢી એની સુંવાળી દાઢી પર હાથ ફેરવતો ફેરવતો ધીમા પણ મક્કમ પગલે વીરસંગ નજીક આવે છે.

વીરસંગ તો કાંઈ બોલી શકતો નહોતો એ એના શ્વાસ સાથે યુદ્ધ લડી રહ્યો હતો. ચતુર દાઢી વીરસંગના પગ પાસે બેસી એના માણસ પાસેથી પાણી મંગાવી બે ઘુંટ વીરસંગના મોંમાં પીવડાવે છે પણ આ તો વીરસંગ હતો ! એણે એ થૂંકી કાઢ્યું ! એ ગુસ્સે થઈ આંખથી જસવાલ કરે છે કે "દગાનું કારણ શું?"

હવે બાકીનું આવતા ભાગમાં....

(ક્રમશઃ)


લેખક : શિતલ માલાણી

૧૪-૧૦-૨૦૨૦

બુધવાર