Laalni raninu aadharcard - 15 books and stories free download online pdf in Gujarati

લાલની રાણીનું આધારકાર્ડ - 15

પ્રકરણ-પંદરમું/૧૫

‘બોલ વનરાજ. તું કિંમત બોલ.’ ઉત્સાહમાં આવતાં લાલસિંગે પૂછ્યું.

‘હવે પહેલાં કાન ખોલીને સાંભળી લે... એક ત્રીજી વ્યકિતએ વિઠ્ઠલ અને લાલસિંગ બન્નેની સોપારી લીધી છે, અને તે પણ મફતમાં. બોલ હવે શું કહેવું છે તારું.’

અપચાનાનો ઉપચાર અને દામ સાંભળ્યા પહેલાં લાલસિંગનું ધોતિયું ઢીલું થઈને ભીનું થઇ ગયું. મનોમન બોલ્યો હજુ તો માંડ મ્યાન માંથી ઉછીની તલવાર ઉગામીને કોઈને ટાળવા જાઉં ત્યાં સામે કોઈ તોપ તાકીને ઉભું રહી જાય છે. રાતોરાત આ આવી નવી પેચીદી પેદાશ કોણે પેદા કરી હશે ?

તરુણાએ ઈશારો કરીને વનરાજને મોબાઈલ સ્પીકર ફોન પર રાખવા જણાવ્યું.

‘અલ્યા, વનરાજ આ ઉખાણાં જેવો પાણો કોની મા એ જણ્યો ?

‘જો ભાઈ, લાલસિંગ, અટાણે એક એક કલાક કીંમતી છે, તું તળિયા ગોતવામાં રહીશ તો માથે નળિયાનો પણ વેંત નહી રહે એટલામાં સમજી લે. તું એટલું વિચારી લે કે જેણે માથે કફન બાંધીને તને અને વિઠ્ઠલ બેયને વીંધવાની કસમ લીધી છે અને એ પણ મફતમાં, તો એનો તાગ મેળવવા તારી આખી જિંદગી નીકળી જશે, એ ધ્યાન રાખજે. આ તો તું મારો મિત્ર છે એટલે તને ચેતવું છું.’ ઓલમોસ્ટ ધમકી જેવા સ્વરમાં વનરાજે જવાબ આપ્યો.

વનરાજની વાતના ટોન પરથી લાલસિંગને એટલો અંદાજો આવી ગયો કે, અતિ થી ઇતિ સુધી માહિતી વનરાજ પાસે છે છતાં કોઈ કારણસર તે વાત ઘુમાવી ને રજુ કરી રહ્યો છે. અને રહસ્ય ખુબ ઊંડું છે. અત્યારે વનરાજના ઈશારે જ મુંડી હલાવવામાં સરખાઈ રહેશે.

‘હવે તું જ આમાંથી કોઈ વચલો રસ્તો કાઢીને બતાવ તેમ કરીએ.’
તરુણાએ ઈશારાથી કોલ કટ કરવાની સંજ્ઞા આપી.

‘અચ્છા ચલ હું એક મીટીંગમાં છું, વિચારીને કહું, શું થઇ શકે એમ છે. પછી અંતિમ નિર્ણય તારે લેવાનો છે.’ કહીને વનરાજે કોલ કટ કર્યો.


લાલસિંગ માટે હવે અસાધારણ નિર્ણય લઈને આ નડતરનો કાયમી નિવેડો લાવવાવાનો.
લાલસિંગે તેની વર્ષોજુની વિચારધારાને તેની પ્રકૃતિથી વિરુદ્ધ દિશામાં વાળવાનું વિચાર્યું.

લાલસિંગ થોડીવાર આંખ મીંચીને આડેધડ વિંઝાતાં વિચારોના પ્રહારનો પ્રતિકાર કરવાના પ્રયત્નમાં હવે લાલસિંગ એવું વિચારી રહ્યા હતાં કે, હવે પરંપરાગત વર્ષોથી ચાલી આવતી બીંબાઢાળ રાજનીતિનો ચીલો ચાતરીને કોઈ નવો પેંતરો અજમાવવો પડશે. વનરાજની અધકચરી કથની એવું અંગુલિનિર્દેશ કરી રહી હતી કે, અંતે લાલસિંગ ખુદ પોતાની મરજીથી મોતના માંચડે લટકી જાય. વનરાજનું દિશાનિર્દેશ સંશય સભર હતું. સ્વર વનરાજનો હતો શબ્દ રચના કોઈ અન્યની. લાલસિંગ પાસે અણધાર્યા આઘાત-પ્રત્યાઘાતના સ્વ રક્ષણ માટે લેખને માથે મેખ મારે તેવું એક જ બુલેટ પ્રૂફ જેકેટ હતું, ભૂપત. હવે ભૂપત પર મહદ્દઅંશે મદાર રાખીને તેને ઢાલ તરીકે ધરવા સિવાય બીજો કોઈ ઉપાય નહતો.
થોડીવાર સુધી લાલસિંગ આંખો મીંચીને પડ્યો રહ્યો. ત્યાં કુસુમ આવી. તેની બાજુમાં બેસીને લાલસિંગના કપાળ પર હાથ મુકતા જ લાલસિંગે આંખો ઉઘાડી.

‘ક્યાં જતાં રહો છો લાલ ?’
થોડીવાર કુસુમની સામું જોઇને લાલસિંગ બોલ્યા,

‘કુસુમ, સમજણો થયાં પછી આજે જિંદગીમાં પહેલી વાર છે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું કે, જ્યાં મારા પૈસા અને પાવર બન્નેનો પનો ટૂંકો પડી રહ્યો છે.
‘લાલ, હું પણ આજે વર્ષો પછી પહેલી વાર તમને આટલા હતાશ થઈને કોઈ હારનો સામનો કરતાં જોઈ રહી છું. એવું તે શું થવા જઈ રહ્યું છે લાલ કે, જેનો કોઈ તોડ નથી ?’

‘કોઈ અજાત શત્રુ અકારણ મારા જીવ પાછળ પડ્યું છે.’
યુદ્ધ પહેલાં જ હથિયાર હેઠાં મુકતા એક હારેલા યોદ્ધાની માફક લાલસિંગ કુસુમની સામું જોઇને બોલ્યા.

‘પ્લીઝ... લાલ, આવું અશુભ ન બોલો. પણ આ જીવ સટોસટ સુધી આવી પહોંચેલી અદાવતનું કોઈ સબળ કારણ ખરું ?’ કંઈ માંડીને વાત કરો તો ગતાગમ પડે.’
લાલસિંગની હથેળી તેની હથેળીમાં લેતા કુસુમે પૂછ્યું.
‘એ જ તો નથી સમજાતું.’ જવાબ આપતાં લાલસિંગે કહ્યું,
એ પછી લાલસિંગે હાલની વસ્તુસ્થિતિથી વાકેફ કરતાં કુસુમને કથની કહી સંભળાવી.
‘કોઈ ડીમાંડ ? કોઈ પ્રસ્તાવ ? કુસુમે પૂછ્યું.
‘ના.’ નિરાશાજનક ભાવ સાથે લાલસિંગે જવાબ આપ્યો.

‘એક વાત કહું લાલ ? શું ખૂટે છે આપણી જિંદગીમાં ? કોની માટે કરો છો રાત દિ ના આ લોહી ઉકાળા ? નામ, ઈજ્જત, પૈસો, શોહરત શું નથી તમારી પાસે ? હજુ શેની ભૂખ છે તમને ? જે નામ, ઈજ્જત, પૈસો, શોહરત માટે તમે તમારી રાતોની ઊંઘ હરામ કરી, એ તમારી અનમોલ જિંદગીમાં એક પળની આવરદાનો ઉમેરો કરી શકશે ? માન્યું કે, તમને મારાથી પ્રેમ નથી. પણ, તમને તમારા જીવ સાથે પણ લગાવ નથી ? છોડો ને, બહુ થયું આ બધું, હવે પાછા વળો ને લાલ.’


કંઈ પણ પ્રત્યુતર આપ્યા વગર લાલસિંગ ઉભાં થઈને તેની ઓફીસ તરફ ચાલવા લાગ્યા.
મનોમન હસતાં કુસુમ બોલી,
આ હાર્યા વળે એ કોમના છે.

લાલસિંગનો જીવ અટક્યો હતો વનરાજની પૂર્વયોજિત અધ્ધવચ્ચે મુકાયેલી અઢી મણના અલ્પવિરામ સાથેની શંકાસ્પદ સત્સંગમાં.
જ્યાં સુધી વનરાજ કોઈ અંતિમ લક્ષ્ય નિર્ધારિત કરીને આ જીવન-મરણના જંગનું નિવારણ નહીં લાવે ત્યાં સુધી લાલસિંગનો જીવ તાળવે ચોંટેલો જ રહેશે.


આશરે પિસ્તાળીસ મિનિટના પારાયણ જેવી પ્રતીક્ષાના અંતે વનરાજનો કોલ આવ્યો.
‘એ બોલો, વિશ્વસમ્રાટ વનરાજસિંહ.’ દાઝ કાઢતાં દાઢમાંથી લાલસિંગ બોલ્યા.
‘તમે જે કહો એ, પણ અત્યારે તો તમારો દાસ છું.’
સામે વનરાજે પણ ઉચ્ચકોટિની ચોપડાવતાં કહ્યું,

‘જુઓ, લાલસિંગ હવે હું તારી કે વિઠ્ઠલ બંનેની વચ્ચે હું કયાંય નથી. અને આ અંધારી આલમના સૌ આકાઓ મારી અદાથી સારી રીતે અવગત છે કે, હું જબાનનો પાકો છું. મેં આપણી મિત્રતાના દાવે તારા વતી કોઈ વચલો રસ્તો કાઢવાની પેશકશ કરી છે.’
તરુણા અને વનરાજની સયુંકત સાહસ જેવી ટકોરાબંધ સ્ક્રીનપ્લેનું રટણ કરતાં વનરાજ બોલ્યો.
‘શું છે વચલો રસ્તો ?’ ખુરશી પર બેસતાં લાલસિંગે પૂછ્યું.
‘એ વ્યક્તિ એક જ શરત પર તને બક્ષવા તૈયાર થઇ છે. અને એ પછી તારો વાળ પણ વાંકો ન થાય તેની જવાબદારી વનરાજસિંહની.’

‘શું શરત છે બોલ ?’ ઉત્તર સાંભળવા, ઉત્સાહના અતિરેક સાથે લાલસિંગે પૂછ્યું.
‘જો તારે તારું માથું વઢાવાથી બચાવવું હોય તો બદલામાં તારે વિઠ્ઠલનું માથું વાઢીને આપવું પડે. બોલ.’
વનરાજે એવો વચલો રસ્તો કાઢ્યો કે લાલસિંગ અધ્ધવચ્ચે જ અટવાઈ ગયો.
જવાબ સાંભળીને લાલસિંગને એમ થયું કે આ મને મદદ કરે છે કે બેઠો બેઠો મફતમાં મારી મેથી મારે છે. આ વચલો રસ્તો છે કે, મને રસ્તા વચ્ચે લાવવાનો કારસો છે ? મનમાં થયું કે ચુંટણી પતે એટલે સૌથી પહેલાં આ વનરાજનો જ ટોટો પીંસી દેવો છે.

‘વનરાજ આ.. આ.. કોણ છે કોણ આ..એની તો હું......’
એટલે તરત જ વાત કાપતાં વનરાજ ત્રાડૂકીને બોલ્યો,

‘એ.. એ... એ.....લાલસિંગ હવે આગળ એક અડધો શબ્દ બોલતાં પહેલાં વિચારી લે જે...નહીં તો આવતીકાલના સૂર્યોદય પહેલાં તારા પાંચ ફૂટની કાયા અસ્થિકુંભમાં સચવાઈ જશે..કારણ કે... એ વ્યક્તિ અહીં મારી સામે હાજરા હજૂર બેઠી છે સમજી લે જે.’

વનરાજનો ધમકીના ટોનમાં કરડાકી ભર્યો અવાજ સાંભળીને લાલસિંગન ગાત્રો ઢીલાં પડી ગયા. સ્વર કરતાં શબ્દોની વ્યાખ્યા વિસ્ફોટક હતી. લાલસિંગને થયું કે હવે હળવેકથી તલવાર મ્યાનમાં સરકાવ્યા વિના ઉપાય નથી. એટલે ઉગ્ર સ્વર અને સ્વભાવનો પારો ૧૮૦ ડીગ્રી એ થી સીધો તાણીને શૂન્યની લગોલગ લાવતાં હળવેકથી લાલસિંગ બોલ્યા,

‘કોણ છે ?’
સ્હેજમાં બાહુબલી માંથી બાઘાના અવાજમાં જવાબ આવતાં વનરાજ મનોમન હસવાં લાગતાં બોલ્યો,

‘હું એક જ વાક્યમાં તેનો પરિચય આપીશ એટલે તને તેના વિરાટદર્શનનો વૃતાંત સમજાઈ જશે લાલ. બસ, એટલું સમજી લે એ મારા પણ ગુરુ છે બોલ હવે આગળ કંઈ જાણવું છે ? અને કહેતા હોય તો ચમત્કાર માટે એક નાનકડું ટ્રીઝર બતાવું લ્યો.’
એમ કહીને વનરાજે એક મેસેજ લાલસિંગને ફોરવર્ડ કર્યો.

મેસેજ ઓપન કરતાં જ લાલસિંગના ડોળા ચકળવકળ થઇ ગયાં. મેસેજમાં લાલસિંગના તમામ બીઝનેસના લેખાજોખાનો બેંક બેલેન્સ સાથેનો રીપોર્ટ હતો.
લાલસિંગની કોલ ડીટેઇલ્સ. તેના તમામ પર્સનલ ડીજીટલ ગેજેટ્સના રજે રજની માહિતી હતી.

‘પણ..વનરાજ આ...’
ફરી લાલસિંગની વાત કાપતાં વનરાજ બોલ્યો,

‘એ વ્યક્તિ તમારા ઘર સુધી આવી ગઈ છે, તેમ છતાં હજુ તને તેના નામની પણ જાણ નથી લાલસિંગ ? તમારું રામ નામ સત્ય હૈ, ફક્ત મારા એક ઈશારા પર આધીન છે, લાલસિંગ. એટલે જ કહું છું કે..એ બોલે છે એમ નાચતો જા નહી તો અંતે બુલેટ્સના તાલે નચાવશે હા, એ યાદ રાખજો.’

લાલસિંગ મનોમન બબડ્યો કે ટૂંકમાં યમરાજના પ્રતિનિધિ છે એમ. હવે વચલો તો શું આડો-અવળો, ઉંચો-નીચો જે રસ્તો કાઢી આપે ત્યાંથી કલ્ટી થવામાં જ ભલીવાર છે. પાણી પીધા પછી થોડો સ્વસ્થ થઈને લાલસિંગ બોલ્યા.

‘હવે કરવાનું શું છે એ કહો ને યાર એટલે ટૂંકમાં પતે.’

વનરાજ મનોમન બોલ્યો, આ તો આખી ગાય જ પોદળામાં બેસી ગઈ.

‘તારે હવે આખી જિંદગી આરામથી સુવું હોય તો તું વિઠ્ઠલને કાયમ માટે પોઢાળી દે બીજું શું.’ વનરાજ બોલ્યો.

‘કોઈ સમય મર્યાદા ?’ માથાં પથી પરસેવો લુંછતા લાલસિંગે પૂછ્યું.
‘સમય મર્યાદા ? હસતાં હસતાં વનરાજ આગળ બોલ્યો.
‘અલ્યા આ કોઈ ફેસ્ટીવલ ઓફર છે ? તને આપ્યું એ જ ઓપ્શન તેણે વિઠ્ઠલને આપ્યું છે , બોલ. જે પહેલાં ઘોડો દબાવે એ જીવ્યો. હવે આ મરણિયા જંગમાં કલાકોની ગણતરી જ બાકી છે મારા ભાઈ.’

વનરાજે લાલસિંગ ફરતે એવો કચકચાવીને ગાળિયો બાંધ્યો કે, કા હવે લાલસિંગ મરશે કે મારશે. એટલે અંતે તેના અસલી મિજાજમાં આવતાં બોલ્યો,

‘વનરાજ હવે મને લાગે છે કે, હવે લાશોના ઢગલા થશે. કેમ કે ખૂન એક કરો કે અગિયાર સજા સરખી જ છે, તો હવે પાછુ વળીને શું જોવાનું ? જઈશ તો પણ બે-ચાર ને તો જરૂર લેતો જઈશ એ વાત યાદ રાખજે.’
એમ કહીને કોલ કટ કરતાં બેકાબુ ગુસ્સાથી લાલચોળ લાલસિંગ હવે પુરેપુરા જોશથી લડી લેવાના મૂડમાં હતો.

‘શું લાગે છે લાઈન પર આવી ગયો લાલસિંગ કે હજુ હંફાવવો છે ?
વનરાજે તરુણાને પૂછ્યું.


‘હજુ તો શરૂઆત જ ક્યાં કરી છે ? હજુ મારી સાથે તો લાલસિંનો મુકાબલો જ ક્યાં થયો છે. જ્યાં સુધી લાલસિંગની તેની આ સોનાની લંકાનો સ્વેચ્છા એ ત્યાગ નહીં કરે ત્યાં સુધી આ શહેરના રાજકારણનો નવો ઈતિહાસ નહીં લખાય.’
તરુણાએ જવાબ આપ્યો.


‘આવો પહેલાં આપણે ડીનર લઇએ. એ બધી વાતો તો થતી જ રહેશે.’
ડાઈનીંગ ટેબલ તરફ ઈશારો કરતાં વનરાજ બોલ્યો

ડાઈનીંગ ટેબલ પર બેસતાં તરુણાએ કોલ લગાવ્યો, ભૂપતને.

‘હા, બોલો બેન.’ કોલ રીસીવ કરતાં ભૂપત બોલ્યો,
‘ક્યાં છો ?’ તરુણાએ પૂછ્યું
‘ઘર તરફ જઈ રહ્યો છું.’ ભુપતે જવાબ આપ્યો

‘લાલસિંગનો કોલ આવે અને બોલાવે તો જતો નહીં. કોઈપણ બહાનું બતાવી ને ટાળી દેજે. અને તું તૈયાર રહેજે. એક કામ છે એટલે હું ગમે ત્યારે તને કોલ કરીશ. ઠીક છે.’ મિશનના નેક્સ્ટ સ્ટેપ માટે તરુણાએ ભૂપતને એલર્ટ કરી દીધો.
‘જી’ કહીને ભૂપતે કોલ મુક્યો.

ડીનર કરતાં કરતાં વનરાજે પૂછ્યું,
‘ક્યા હુકમના પાનાના જોરે અને શા માટે લાલસિંગને ઉશ્કેરો છો એ હજુ મારી ખોપડીમાં નથી બેસતું. અને માની લો કે લાલસિંગે કદાચને આક્રોશના આવેગમાં આવીને આપણને ઊંઘતાં રાખીને કોઈ ઉતાવળિયું પગલું ભરી લીધું તો ?’

‘એક વાત મને કહો વનરાજભાઈ, તમને યાદ છે કે, આટલાં વર્ષોમાં લાલસિંગે કોઈ એવી ઘટનાને અંજામ આપ્યો હોય કે જે સાંભળીને રૂવાંડા ઉભાં થઇ જાય ?

‘ના..જ્યાં સુધી હું લાલસિંગને ઓળખું છું ત્યાં સુધી તેની એવી કોઈ ત્રેવડ નથી.’
વનરાજે જવાબ આપ્યો.

‘મને ખબર છે’ જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં વનરાજની સામે જોઇને તરુણા બોલી.

‘હેં...’ બોલતાં વનરાજની આંખો પોહળી થઇ ગઈ.

‘જી, અને બીજી નવાઈની વાત એ છે કે.... એ વાતની લાલસિંગને ખુદને જ જાણ નથી.’

‘રૂવાંડા ઊભા થઇ જાય એવી ઘટનાને ખુદ લાલસિંગે અંજામ આપ્યા પછી પણ એ વાતથી તે પોતે અજાણ છે, એમ કહેવા માંગો છો તમે ?”
સ્થિર અવસ્થામાં વનરાજે પૂછ્યું.

‘જી, હા તમે ઠીક સમજ્યા.’ તરુણાએ કહ્યું.

‘હવે આ વાત સાંભળીને તો લાલસિંગ પહેલાં મારા રૂંવાડા ઊભા થઇ ગયા, તો તો હવે હંમેશ માટે લાલસિંગના પતનનું કાઉન્ટ ડાઉન શરુ થવાં જઈ રહ્યું છે એમ જ સમજવાનું રહ્યું ને ?’

‘લાલસિંગનો સૂર્યોદય થશે કે સુર્યાસ્ત, એ તો મારો સમય, મારુ શ્રિતિજ અને મારો સૂર્ય જ નક્કી કરશે.’
ડીનર ફિનીશ કરતાં ડાઈનીંગ ટેબલ ઊભા થતાં તરુણા બોલી.

‘મને લાગે છે તમે એવો ધડાકો કરશો કે.. તેના આંચકાથી દિલ્હીની ગાદી હલબલી જશે એ તો શ્યોર છે.’
ઊભા થતાં વનરાજ બોલ્યો

‘અચ્છા, વનરાજ ભાઈ હું નીકળું, મને ડ્રાઈવર સાથે કાર જોઈએ છે.’ તરુણાએ કહ્યું
‘આપી દઉં બોલો એ સિવાય કંઈ ?’ વનરાજે પૂછ્યું
‘જી, ફિલહાલ તો નહીં.’
આટલું બોલ્યા પછી વનરાજની કાર તરુણાને લઈને નીકળી ગઈ.

હવે સમય થયો રાત્રીના ૧૨:૪૫.
તરુણાએ કોલ જોડ્યો ભૂપતને.
‘હેલ્લો.’ તરુણાના કોલની પ્રતીક્ષામાં જાગી રહેલો ભૂપત બોલ્યો.
‘સાંભળ, તારા ઘરની બહાર સર્કલની બાજુમાં હનુમાનજીની દેરીની નજીક એક ગ્રે કલરની ઇનોવા કાર છે, ત્યાં આવ.’ તરુણા બોલી.
‘જી’ કહીને ભૂપત નીકળ્યો.
ભૂપત આવે એ પહેલાં તરુણાએ કાર ચાલકને જરૂરી સૂચનાઓ આપી દીધી.
ભૂપત આવ્યો, ડ્રાઈવરે ફ્રન્ટ ડોર ઓપન કર્યો અને ભૂપત ગોઠવાઈ ગયો.

સૂચના મુજબ હાઇવે પર આશરે દસેક કિલોમીટર આગળ જઈને ડ્રાઈવરે કારને રોડની લેફ્ટ સાઈડ પર નીચે ઉતારીને સેફ જગ્યા એ પાર્ક કરી, પછી પોતે ઉતરીને દુર એક તફ જતો રહ્યો.

બેક સીટમાં તરુણા અને ફ્રન્ટ સીટમાં ભૂપત.


‘ભૂપત, હવે ધ્યાનથી સાંભળ, વધીને ચોવીસ થી અડતાલીસ કલાકમાં આ શહેરના રાજકારણનો તખ્તો પલટાવાની ઘડીઓ ગણાઇ છે. લક્ષ્યવેધની લકીરો ખેંચાઈ ગઈ છે.
મોટા માથા બંદુકના નાળચાના નિશાના પર છે. આંગળીઓ ટ્રીગર દબાવવા ટળવળે છે. બસ, રણસંગ્રામ શંખનાદ ફૂંકાય તેની રાહમાં છે. જેમ મહાભારતના યુદ્ધની જીત એ વાત પર નિશ્ચિત અને નિર્ભર હતી કે કૃષ્ણ કોના પક્ષે છે ? આજે જયારે કોઈ એક તરફ જીતનું પલડું શતપ્રતિશત નમવા જઈ રહ્યું છે, ત્યારે તારે પાસે બે અંતિમ પર્યાય છે. લાલસિંગ કે વિઠ્ઠલ ?
એમ કહીને તરુણાએ પાસાં ફેંકતાં તેની વાત પૂરી કરી.

થોડીવાર તરુણાની સામે જોઈને ભૂપત હસવાં લાગ્યો.

એટલે તરુણાને નવાઈ લાગતાં બોલી,
‘આ હાસ્યનું રહસ્ય ?’

‘બે નહીં, ત્રણ ઓપ્શન છે. ત્રીજું ઓપ્શન આપે જાણી જોઇને સંતાડી રાખ્યું એટલે હસવું આવે છે.’ ફરી હળવેકથી હસતાં ભૂપત બોલ્યો.

‘ત્રીજું ઓપ્શન ? ક્યુ ? ભુપતના જવાબથી મનોમન ખુશ હોવા છતાં તરુણાએ અજાણ્યા થઈને પૂછ્યું.

‘મને ખ્યાલ છે કે, તમને જવાબની જાણ હોવા છતાં મારી અગ્નિપરીક્ષા લેવા ઊંધાં કાન પકડાવો છો. તમે જો વિઠ્ઠલ અને લાલસિંગના લેખ લખી શકતા હો તો સવાભાવિક છે કે હું તમારા પક્ષે જ હોઉં, એ ખાતરી કરવાની જરૂર ખરી ?’

‘ભૂપત તારા આ ભરોસાથી ભારોભાર જવાબના પારિતોષિકના રૂપમાં હું તને એક વચન જરૂર આપું છું કે, બસ ટૂંક સમયમાં આ શહેરના રાજકારણમાં તારું એક આગવું અને પ્રતિષ્ઠિત પદ હશે, એ વાત લખી રાખજે.’

‘તમને એક વાત કહું તરુણાબેન, તમને એમ થશે કે વર્ષોથી હું વિઠ્ઠલનો આટલો વિશ્વાસુ ને વફાદાર હોવાં છતાં આજે હું તમને કેમ એટલો માનું છું ? કારણ કે.. હું જોઈ રહ્યો છું કે.. તમે જ કંઈ કરો છો તેમાં પૈસો ગોણ છે. તમે રાવણને નથી મારતાં તેની અંદરના રાવણત્વને મારો છો. તમે વ્યક્તિને નહીં તેની વાહિયાત વિચારધારાને ખત્મ કરવાં માંગો છો. એટલે જ હું કોઇપણ જાતની અપેક્ષા વગર તમારી જોડે જોડાયેલો છું. વિઠ્ઠલએ મારા કામની કદર કરી છે પણ, ફક્ત પૈસાથી. માણસને કયારેક પ્રેમ, લાગણી કે નિસ્વાર્થ સંબંધની પણ ભૂખ લાગે બેન.’
આટલું બોલતાં ભૂપત પહેલીવાર ભાવુક થઇ ગયો.

આજે તરુણાને ભૂપતને સેલ્યુટ કરવાનું મન થયું. ભીની આંખોની કોરે તરુણા મનોમન બોલી, દલદલમાં જ કમળ ખીલે, પછી છોને તે રાજકારણનું હોય.

‘હવે સાંભળ....’

એમ કહીને તરુણાએ ભૂપતને રાજકારણની રણભુમી પર ભજવાઈ રહેલા ભવ્ય ભવાઈ પર પડદો પાડવા ક્યાં, કેમ, કેટલી અને કયારે દોરીસંચાર કરવાનો છે તેની ઝીણવટભરી માહિતીથી અવગત કર્યા પછી તરુણાએ ભૂપતને પૂછ્યું.

‘હવે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ શંકા કે અસમંજસ છે ?’
‘જી, નહીં. પણ બેન એક વાત પૂછું ? કોણ મરશે ? વિઠ્ઠલ કે લાલસિંગ ? અધીરાઈથી ભૂપતે પૂછ્યું,

હસતાં હસતાં તરુણાએ જવાબ આપ્યો
‘બન્ને સામેથી મોત માંગશે, પણ નસીબદાર હશે એ જ મરશે.’

એ પછી ત્યાંથી સૌ ઘર તરફ આવવાં પરત ફર્યા.

અગાઉ નક્કી કર્યા મુજબ સવારે અગિયાર વાગ્યે તરુણા અને વિઠ્ઠલ બન્ને ભાનુપ્રતાપ સાથે તેમના બંગલે ગોઠવાયા અગત્યની મીટીંગ માટે. ખાસ કરીને તો તરુણા તેના શાતિર દિમાગ દ્વારા શસ્ત્રક્રિયા કરીને વિઠ્ઠલને નામર્દ બનવવાની પૂરી તૈયારી કરીને આવી હતી.

અને આ તરફ લાલસિંગના આદેશ થી ભૂપત પહોંચ્યો લાલસિંગના બંગલે.

‘અરે.. તરુણા આ અમારાં વરરાજા કયારના સજી ધજી, સાફામાં ફૂમકું ભરાવી, ટટ્ટાર થઈને ઘોડીએ ચડી ગયા છે, હવે પીપુડી વગાડો એટલે જાન પોહંચે માંડવે.’ વિઠ્ઠલને પોરસ ચડાવવા ભાનુપ્રતાપ દાઢમાંથી બોલ્યા,

‘એ તો બધું થઇ પડે એમ છે, અંકલ પણ ખાટલે મોટી ખોટ એ આવી છે કે, આ રણદીપના કેસને લઈને લાલસિંગ નામનો આંખલો ભુરાયો થયો છે.’ તરુણા એ રમત શરુ કરતાં બોલી,

‘હવે એ રણદીપ એના એના કાળા કામના કાંડમાં સલવાયો છે, એમાં બીજા કોઈ શું કરે ? અને તે બાબતે લાલસિંગ આપણું શું બગાડી લેવાનો હતો ?’
મૂછે તાવ દેતા વિઠ્ઠલ બોલ્યો

‘તો તો.. તમારી ભૂલ થાય છે, વિઠ્ઠલ ભાઈ. છેલ્લી ખુફિયા માહિતી મુજબ એક થી બે દિવસમાં આ શહેરમાં લોઢું ઉતરશે. આ મારાં શબ્દો યાદ રાખજો.’
તરુણા દાણો દાબતાં બોલી.

‘હેં... એટલે... ? મોઢું અને આંખો પોહળી કરતાં ભાનુપ્રતાપે પૂછ્યું.
‘એટલે એમ અંકલ કે.....વરઘોડા સાથે વરરાજાની જાન નીકળતાં પહેલાં...વરની જાન પણ નીકળી જાય.’ વિઠ્ઠલલની સામે જોતાં તરુણા બોલી.

તરુણાના વિસ્ફોટક નિવેદનથી થોડીવાર માટે સોંપો પડી ગયો.
પછી... ખડખડાડ હસતાં વિઠ્ઠલ બોલ્યો.

‘એ લાલસિંગ, વિઠ્ઠલને મારવાના મનસુબા ઘડે છે એમ ? એ બકરી, વાઘને મારશે એમ ? બોલતા વિઠ્ઠલ સાઉથની ફિલ્મોના વિલનની માફક અટ્ટહાસ્ય કરવાં લાગ્યો.

‘એમાં એવું પણ બને વિઠ્ઠલભાઈ કે.. બકરી આગળ કરીને વાઘને પિંજરામાં પુરવાની પેરવી પણ કરી શકે.’ તરુણાએ ફરી ચીમકીનો ચીંટીયો ભરતાં કહ્યું

‘મારો તો મત એવો છે...બાવળના જોરે, પ્રાણઘાતક જીવ સટોસટનો જંગ ખેલીને, કાયમ જીવ ઉંચો રાખીને ઉછીની ગાદીએ બેસવાનો શું મતલબ ? પેલા કોઈ ડફોળે કહ્યું હતું કે.. ‘પ્રાણ જાય પણ પ્રીત ન જાય.’ પણ અલ્યા પ્રાણ ગયા પછી પ્રીત કોણ તારો બાપ કરશે ? આ તો પેલા જેવી વાત થઇ કે, લગ્ન પહેલાં નસબંધી કરાવવી ફરજીયાત છે.’ તરુણાની વાતમાં ટાપસી પુરાવતા ભાનુપ્રતાપ બોલ્યા.

તરુણા વિઠ્ઠલને ઉંધી ટોપી પહેરાવતાં બોલી,

‘એટલે જ તમે આટલા વર્ષોથી લાલસિંગ એ લટકાવેલું ગાદીનું ગાજર જોઇને લોલીપોપ ચૂસ્યા કરો છો. એ ગાજર, ગાદી અને લોલીપોપ ત્રણેય લાલસિંગ પાસે થી ઝુંટવવા માટે તો આપણે વિઠ્ઠલ ભાઈને આગળ કર્યા છે. હવે આમાં કદાચને લાલસિંગ તેમને આંટી દયે તો પણ જીવ ગુમાવવા સિવાય તેમનું કશું જાય તેમ નથી. કેમ સાચું ને વિઠ્ઠલભાઈ.’

થોડીવાર પછી વિઠ્ઠલને થયું કે, મને બળજબરીથી બલિનો બકરો તો નથી બનાવાઈ રહ્યો ને ? પછી થયું કે એ રણદીપની કાંખઘોડી વગરનો લૂલો લાલસિંગ મારું શું ઉખેડી લેવાનો હતો. અને ભાનુપ્રતાપની સંપતિ અને તરુણાના બુદ્ધિબળના જોરે લાલસિંગને ગાદી પરથી ઉથલાવવાનો આ જ યોગ્ય સમય છે, આવો ઉત્તમ અવસર ફરી નહીં મળે. તરુણાના વિદુરનીતિ જેવા વ્યાખ્યાનથી પણ વિઠ્ઠલનના પંડ માના ધૃતરાષ્ટના ગાદી મોહમાં સ્હેજે ઓટ ન આવી.

‘તમને શું લાગે છે કે હું, લાલસિંગની વેફરના પેકેટ જેવડી હવાથી હું ડરી જઈશ એમ ? વિઠલએ પૂછ્યું

‘વિઠ્ઠલભાઈ, ક્યારેક બે ઈંચની સળગતી દીવાસળીને એક હળવી ફૂંક મારવાથી અબજો માઈલનું જંગલને પણ બળીને ખાક થતાં વાર નથી લાગતી.પણ તમે તો હવે અડધી દાઢી
કરાવી છે તો, બાકીની અડધી કરાવ્યે જ છૂટકો છે. પણ આ તો મને જે ખબર મળ્યા તેની ગંભીરતાથી હું તમને ચેતવું છું. અને આ વખતે જો લાલસિંગ કોઈને માફ કરી દયે તો...નસીબ. બાકી તેના પર કાળ સવાર છે એ તો નક્કી છે.’

‘તમે આ બધી ચિંતા છોડીને મારી શપથ વિધિની તૈયારી કરો, એ લાલસિંગ સાથે હું ફોડી લઈશ. ચલો હું નીકળું નેક્સ્ટ વીકમાં મતદાન છે તો તેની તૈયારી પુરજોશમાં ચાલુ છે.’ એમ કહીને વિઠ્ઠલ રવાના થયો.

વિઠ્ઠલ દુર જતાં તરુણાએ થીમે થી ભાનુપ્રતાપને કહ્યું,

‘અંકલ....છેલ્લી વાર જોઈ લો વિઠ્ઠલને..’
ડોળા સાથે અવાજ બહાર ન નીકળી જાય તેથી ભાનુપ્રતાપે તેની બંને હથેળી મોં પર મુકતા માત્ર એટલું જ બોલ્યા.

‘હેં..’


આ તરફ લાલસિંગના બંગલે....

લાલસિંગે તેની અને વનરાજ વચ્ચેની સઘળી વાતચીત ભૂપતને કહી સંભળાવી.
થોડીવાર ચુપ રહ્યા પછી ભૂપત ગોખેલા ડાયલોગ્સ યાદ કરતાં બોલ્યો

‘સાહેબ...હવે પાણી..માથાં પરથી તો વહી જ ગયું છે.. તો પછી કોની રાહ જુઓ છો ?

‘વિઠ્ઠલને લમણે ફટાકડી કોણ ધરશે એ મથામણમાં છું’ લાલસિંગ એ ભૂપતની પ્રતિક્રિયા જાણવા અંધારામાં તીર તાક્યું

‘તમે મારા માથે હાથ મુકો તો... મને વિઠ્ઠલને વીંધવામાં વાર નહી લાગે.’

ભૂપતના આટલા શબ્દો લાલસિંગને લપેટમાં લેવા માટે કાફી હતા.
ભૂપતનું આ વાક્ય સાંભળીને લાલસિંગ હરખનો માર્યો ભૂપતને ભેટી પડતાં બોલ્યો.

‘ભૂપત આજ તે લાલસિંગને ખરીદી લીધો. બસ, મારા વ્હાલા, મારી શપથવિધિની આડે આવતા આ એકમાત્ર વિઠ્ઠલ નામના વિઘ્નનો વિનાશ કરી નાખ પછી તું અને હું બન્ને આ શહેરની છાતી ઉપર બેઠા બેઠા મગ દળીએ.


‘તમે.. વિઠ્ઠલના શોકસભાના ભાષણની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું... મારી રિવોલ્વર સર્વિસ કરી લઉં...’ ઊભા થતાં ભૂપત બોલ્યો.

-વધુ આવતાં અંકે


© વિજય રાવલ

All right resrved
vijayraval1011/@yahoo.com
9825364484