Train trip in Gujarati Spiritual Stories by Abhishek Dafda books and stories PDF | ટ્રેનનો સફર

ટ્રેનનો સફર

અમેરિકાનાં એક નાનકડાં એવા શહેર મેનલો પાર્ક (ન્યુ જર્સી) માં સન.૧૮૭૮ નાં ડિસેમ્બરની એક સવાર છે. સવારનો વહેલો ટાઈમ હતો. રાતની આળસ મરડીને શહેર ફરી પાછું બેઠું થવાની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ડીસેમ્બરનાં આ સમયમાં ઠંડીનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું હતું. ચારેબાજુ ધૂમમ્સ ભર્યું વાતાવરણ હતું. ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી હતી.

નાનકડું એવું શહેર હોવાથી આમ પણ અહીંયા અવરજવર ખૂબ ઓછી રહેતી હતી, પરંતુ આજે ઠંડી અન્ય દિવસ કરતા કંઈક વધારે જ હતી. આ જ શહેરનું રેલ્વે સ્ટેશન એ આ શહેર માટેની જીવાદોરી હતી. આ રેલવે જ મેનલો પાર્કને અન્ય મુખ્ય શહેરો સાથે જોડતું હતું. રેલવે સ્ટેશન પર લાંબા કોટ, ગળામાં મફલર તેમજ માથે હેટ પહેરેલા અને મોઢામાં સિગારેટ દબાવેલા ગોરા અમેરિકન લોકો યાત્રા માટે ટ્રેનમાં ચડી રહ્યા હતા. ઠંડી વધુ હોવાને કારણે લોકો સામાન્ય દિવસો કરતા આજે ઓછાં દેખાઈ રહ્યા હતા.

ધુમ્મસ ભરી સવારમાં ટ્રેન પણ પોતાનો ધુમાડો છોડી વાતાવરણને ધૂંધળું કરવામાં પોતાનું યોગદાન આપી રહી હતી. ધૂમમ્સ વધુ હોવાને કારણે રોજ કરતા ટ્રેન આજે થોડી મોડી હતી. ટ્રેનમાં બધા યાત્રીઓ ગોઠવાઈ ચુક્યા હતા અને ટ્રેન ઉપડવાની રાહ જોઈ રહ્યા હતા. આખરે ધૂમમ્સ થોડું ઓછું થતા યાત્રીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો અને ટ્રેન ધીરે ધીરે ચાલુ થઈ.

આ ટ્રેનમાં એક યુવાન સાયન્ટીસ્ટ સફર કરી રહ્યો હતો. તેણે જોયું તેની સામેની જ સીટ પર બીજો એક યુવાન બાઇબલ વાંચી રહ્યો હતો. તેને જોઈ આ યુવાન સાયન્ટીસ્ટએ પૂછ્યું.... ભાઈ, તું આ શું વાંચી રહ્યો છે?

સામે બેસેલો યુવાન બાઇબલ વાંચવામાં મશગુલ હતો, તેને આ વાત કદાચ સંભળાઈ નહિ હોય, એમ માની તે યુવાને વધારે કડક સ્વરમાં કહ્યું "હું એક સાયન્ટીસ્ટ છું અને તને પૂછી રહ્યો છું કે આ તું શું વાંચી રહ્યો છે?"

સામે બેસેલો યુવાન બાઇબલમાંથી ક્ષણભર નજર હટાવીને ટૂંકમાં બોલ્યો "બાઇબલ"

સાયન્ટીસ્ટ હતો તે યુવાન વધુ થોડાં ગુસ્સાથી બોલ્યો "તને કઈ ભાન છે કે નહીં, આજનો યુવાન તો કેટલો પ્રેક્ટિકલ છે અને તું આવી યુવાનીમાં પણ આ બધી અંધશ્રદ્ધાઓને માને છે. આજનો યુવાન તો વિજ્ઞાન પર ભરોસો કરે છે અને તું ધર્મ, ભગવાન, બાઇબલ અને ઈસુની પાછળ લાગ્યો છે"

આવી મોર્ડન વાત સાંભળી આજુબાજુ બેસેલા લોકોએ પણ આ સાયન્ટીસ્ટ યુવાનને જ્ઞાની સમજીને તેની વાત તરફ કાન માંડ્યા અને તેની વાતોમાં રસ લેવા માટે આતુર થયા.

સામે બેસેલો યુવાન ફરી ક્ષણભર માટે હલકું સ્મિત આપી બાઇબલ વાંચવામાં મશગુલ થઈ ગયો.

આ જોઈને સાયન્ટીસ્ટ યુવાનને વધારે ગુસ્સો આવ્યો અને તે બોલ્યો "તમારી જેવા યુવાન લોકો જ જો આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરશે તો આપણા લોકોનું શું થશે, આપણા દેશનું શું થશે? સમજદાર બન અને આવી બધી ફાલતું વસ્તુઓને ફેંકી દે."

આજુબાજુ બેસેલા લોકો પણ હકારમાં પોતાનું માથું ધુણાવવા લાગ્યા અને અંદર અંદર "બરાબર છે, બરાબર છે" એમ કહેવા લાગ્યા.

આ જોઈને સાયન્ટીસ્ટ યુવાન વધારે ઉત્સાહિત થઈ ગયો અને બાઇબલ વાંચી રહેલા યુવાનને પોતાનું વિઝીટિંગ કાર્ડ આપતા કહ્યું "આ લે મારુ કાર્ડ, તને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને મળજે, આપણે આ વિષય પર વાત કરીશું અને તને ઘણુંબધું શીખવા મળશે"

થોડાં સમય પછી સ્ટેશન આવી ગયું અને બધા ટ્રેનમાંથી ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સાયન્ટીસ્ટ યુવાને બાઇબલ વાંચી રહેલા યુવાનને પૂછ્યું "તે હજી સુધી તારો પરિચય તો આપ્યો જ નથી, તારું નામ શું છે અને તું બાઇબલ વાંચવા સિવાય બીજું કશું કરે છે કે આખો દિવસ બસ બાઇબલ જ વાંચ્યા કરે છે"

બાઇબલ વાંચી રહેલા યુવાને પોતાના કોટનાં ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને આ સાયન્ટીસ્ટ યુવાનને આપ્યું. સાયન્ટીસ્ટ યુવાને આ કાર્ડ પર જોયું તો નામ લખેલું હતું "થોમસ આલ્વા એડિસન"

નામ વાંચતા જ સાયન્ટીસ્ટ યુવાનનો પરસેવો છૂટી ગયો અને તે માફીની ભીખ માંગવા લાગ્યો. ઊલટું, હવે આ સાયન્ટીસ્ટ યુવાન એપોઇન્ટમેન્ટ માટે એડિસનને આજીજી કરવા લાગ્યો. એડિસને તેને એપોઇન્ટમેન્ટ આપી અને આ સાયન્ટીસ્ટ યુવાન એડિસનની લેબ પર ગયો.

એડિસનની લેબમાં તેણે સોલર સિસ્ટમનું એક સુંદર મોડલ જોયું અને તેની ઘણી સરાહના કરી. તે તપાસ કરવા લાગ્યો કે આ સોલર કોણે બનાવ્યું અને કેવી રીતે બનાવ્યું ?

તેણે એડિસનને પૂછ્યું તમેં આ યંત્ર કઈ રીતે બનાવ્યું અને આ બનાવતા કેટલા દિવસો લાગ્યા ?

એડિસને જવાબ આપ્યો "મેં કશું નથી કર્યું, એક દિવસ હું મારી લેબમાં આવ્યો અને દરવાજો ખોલ્યો, આ સોલર ત્યાં પડ્યું હતું"

સાયન્ટીસ્ટ યુવાન બોલ્યો "સર, મજાક ના કરો, મહેરબાની કરી મને સાચું કહો"

એડિસને કહ્યું "હું સાચું જ કહું છું, મેં કશું નથી કર્યું, મેં એક દિવસ દરવાજો ખોલ્યો અને આ સોલર ત્યાં હતું"

યુવાન સાયન્ટીસ્ટે કહ્યું "પ્લીઝ સર, સાચું કહોને. મારે જાણવું છે"

એડિસને કહ્યું "તું એક સાયન્ટીસ્ટ છે અને તમે સાયન્ટીસ્ટ લોકો એમ માનો છો કે... એક દિવસ એકાએક જ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવી ગયું, એકાએક સૌર મંડળ અસિતત્વમાં આવી ગયું, આખી આકાશ ગંગા અસિતત્વમાં આવી ગઈ... તો પછી કેમ આ સોલર સિસ્ટમ પણ નથી આવી શકતું ?

જ્યાં પણ કોઈ રચના છે ત્યાં તેનો રચનાકાર પણ અવશ્ય છે. રચનાકાર વગર રચના થઈ શકતી નથી. જો આ સૃષ્ટિ છે તો તેનો બનાવનાર પરમાત્મા પણ અવશ્ય હોવાનો જ. તેટલા માટે જ હું તે દિવસે બાઇબલ વાંચી રહ્યો હતો...

મોર્ડન બનવું એટલે એમ નહિ કે આપણે આપણો ધર્મ, સંસ્કાર અને ભગવાનને અવગણી દઈએ.