Baani-Ek Shooter - 47 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 47

બાની- એક શૂટર

ભાગ : ૪૭



"ઉશ્કેરાઈ જવાથી કશું નથી મળતું મિસ પાહી...!! ઉશ્કેરાટભરી જિંદગી તો હું પણ જીવતી જ આવી છું. પણ કશું કરી નથી શકતી." એટલું બોલી મીની થોડી ચૂપ થઈ. પછી ધ્યાનથી મિસ પાહીના ચહેરાને ઉકેલતા કહેવા લાગી, " તું તો અમનને ચાહે છે ને...!! લગ્નનાં બંધનમાં બંધાવાના છો ને...!!" મીની બોલીને ફરી અટકી. પાહીના સમગ્ર ચહેરાને એક જ નજરમાં નિહાળતાં પોતાના ડાબી બાજુનાં હોઠને મચકોડતાં શબ્દોથી વીંધી નાંખે એ સ્વરથી એ બરાડી, " તો તું શૂટ કેવી રીતે કરશે મિસ પાહી અમન હત્યારાને....!!"

બાની પણ થોડું હસી. એને સમજ પડી ગઈ કે મીની એના પાસેથી શેનો જવાબ માંગતી હતી..!!

મિસ પાહીએ થંડકથી વળતો જવાબ આપ્યો, " મીની...!! તું જો મા થઈને પોતાના હત્યારા પુત્રને એના કાંડ માટે પતન ચાહતી છો તો હું કેમ નહીં જાસ્મિનનાં હત્યારાને શૂટ ન કરી શકું...!!"

મીની એ જ તો ચાહતી હતી કે મિસ પાહીની મહેચ્છા જાણી શકે.

"મિસ પાહી....!! તમારો મકસદ હું જાણી શકું? અભિનેત્રી જાસ્મિન સાથે તમારો કયો સંબંધ હતો? જ્યાં સુધી મેં જાણેલું હતું કે, એના આગળ પાછળ તો ના માં બાપ ના સગાસંબંધો હતાં...!!" મીનીએ પૂછ્યું.

"મીની.....!! તારી અને મારી એક જ મંજિલ છે એમ તો હું નહીં કહી શકું...!! તું તો કદાચ નઠારા પુત્રને જન્મ આપ્યાના અફસોસથી એ હત્યારા પુત્રને જેલ ભેગો કરવા માગતી હશે...!! પણ હું પ્રતિશોધની આગમાં નીકળી છું...!! હું....!!" બાની આગળ કશું કહે એ પહેલાં જ એ અટકી અને ચૂપ થઈ ગઈ.

બાનીનું અચાનકથી ચૂપ થઈ જવું...!! એ જોતાં જ મીનીની જાણવાની જિજ્ઞાસા વધુ જાગી ઉઠી. એ અકળાઈ. એને મુખ્ય પ્રશ્ન આખરે પૂછી જ લીધો," મિસ પાહી હું તમારા મકસદનું કારણ જાણી શકું??"

બાનીએ કેટલીક સેંકેન્ડ સુધી ચુપકીદી સાદી. પછી ધીરે રહીને એ મીની તરફ ગઈ. એકસાથે જોડીને બેસેલી મીનીના પગનાં સાંધા પર આત્મીયતાથી હાથ મુકતા એના અસલ સ્વભાવથી પ્રેમથી કહ્યું, " ડોહી....!! હું...હું કોણ છું....શું છે મારો મકસદ...!! જાસ્મિન સાથે મારો સંબંધ શેનો છે....એ તો તને જ શું સમગ્ર દુનિયાને ખબર જ પડવાની છે અને ખબર પાડવાની છે. પણ એના પહેલા હું જાસ્મિન ખૂનનું રહસ્ય તારા મૂખેથી જાણવા માગું છું. તું જાણતી જ છે બધું....!! ફક્ત કહેવા કશું નથી માંગતી...!! ડોહી મારા પર વિશ્વાસ રાખ હું જાસ્મિનનાં હત્યારા સુધી પહોંચવા માગું છું. હું ના તો મીરા છું ના જાસ્મિન....હું....!!" એટલું કહી બાની અટકી પરંતુ આગળના શબ્દો એના મનમસ્તિકમાં ઘુમરાવા લાગ્યા જે મીની સામે બોલતા અટકી હતી, " હું ના તો મીરા છું ના જાસ્મિન....હું....બાની છું બાની... બાની- એક શૂટર!!"

ઘણું બધું મનાવ્યા બાદ આખરે એ ડોહી મીની માની. બાનીએ મીનીનો વિશ્વાસ જીત્યો. એક પછી એક મીની બાની સામે રહસ્ય ઉગલતી ગઈ..........!!

****

મીની સાથેની મુલાકાત બાદ ત્રણ દિવસ પછી બાનીએ ટિપેન્દ્ર સાથે શહેરની બહાર ફાર્મહાઉસમાં મુલાકાત ગોઠવી.

"બાની આખી રિકોર્ડિંગ મેં ધ્યાનથી સાંભળી." બાની સમક્ષ મીનીએ રહસ્યમય કહેલી ઘટનાની રેકોર્ડિંગના એક એક શબ્દોને ધ્યાનથી સાંભળી હતી એના સંદર્ભમાં ચર્ચા કરતાં ટિપેન્દ્રએ કહ્યું.

" પ્રતિશોધ માટે હું અહીં સુધી પહોંચી છું ટિપેન્દ્ર...!! પણ હવે...!! એ મીની ડોહીને પણ હું વચન આપી ચૂકી છું...!! એનો દિકરો હત્યારો છે એને સજા આપવાનું વચન હું આપી ચુકી છું." બાનીએ કહ્યું.

" બાની તો એ સમય આવી ચુક્યો છે. અમનને એની સજા સુધી પહોંચાડવા માટેનો...!!" ટિપેન્દ્રએ એકદમ શાંતિથી કહ્યું.

થોડી વાર સુધી શાંતિ છવાયેલી રહી. ટિપેન્દ્ર પોતાના સ્થાન પરથી ઉઠ્યો. સામે રાખેલી ટેબલનાં એક ખાનામાંથી પિસ્તોલ કાઢી. ચમકદાર પિસ્તોલ અનોખી દેખાતી હતી.

" લે....!!" બાની સામે પિસ્તોલ ધરતાં ટિપેન્દ્રએ કહ્યું.

ટિપેન્દ્રએ ધરેલી પિસ્તોલ સામે બાનીની નજર ઠરી....!! એ પિસ્તોલ સામે એકધારું જોવા લાગી.

"બાની...!! પિસ્તોલની મરમત કર્યા બાદ જો કેવી ચકાચક લાગે છે." ટિપેન્દ્ર હસતાં કહ્યું. બાનીને ટિપેન્દ્ર શું બોલતો હતો એના પર ધ્યાન હતું જ નહીં એનું સમગ્ર ધ્યાન તો ટિપેન્દ્રએ ધરેલી પિસ્તોલ સામે હતું.

ટિપેન્દ્રએ એ પિસ્તોલને બાની સામે રાખેલી ટેબલ પર મૂકી.

"બાની હવે આપણાને આપના પ્લાન પર કામ કરવું પડશે." ટિપેન્દ્રએ કહ્યું.

પરંતુ ત્યાં જ બાની વિચલીત થવા લાગી. એને ઉબકા આવવા લાગ્યા. અચાનક તે જ સમયે ટિપેન્દ્રને ફોન આવ્યો. ટિપેન્દ્રએ ફોન ઊંચક્યો, " હા...શું કીધું....ઓહ...!!" ટીપીએ ફોન ઝડપથી કટ કર્યો.

"બાની...શંભૂકાકાને પોલીસ ઉઠાવીને લઈ ગયા છે...!!" ટિપેન્દ્રએ બાની સામે ચોકતાં કહ્યું. પરંતુ બાની શૂન્યમસ્ક નજરે પિસ્તોલ તરફ જ નજર ઠેરવી રાખી હતી.

"બાની...!!" ધીમેથી બાનીને ઝંઝોળતાં કહ્યું, " બાની....!! શંભૂકાકાને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે.

"હંહ...." બાનીએ કહ્યું.

"બાની.....શંભૂકાકાને પોલીસ ઉઠાવીને લઈ ગયા છે." ટિપેન્દ્રએ ફરી જોરથી કહ્યું.

"શું....!!" બાની હોશમાં આવી હોય તેમ પૂછ્યું.

"બાની....!! પિસ્તોલ ઉઠાવ...!! આપણાને નીકળવું પડશે અહીંથી....!! મને ડર છે કે પોલીસની ટૂકડી અહીં સુધી પહોંચી ન વળે....!! અને જો એવું કદાચ થાય તો તારો પ્રતિશોધ.....!!" ટિપેન્દ્રએ ઝડપથી કહ્યું અને બાનીના ડોળા નીકળી આવ્યાં..!!

"બાની પિસ્તોલ ઊંચકી લે....!! અહીંથી વહેલી તકે નીકળી જવું પડશે....!!" બાનીને આતુરતાથી કહીને ટિપેન્દ્રએ કેદારને ફોન કર્યો, " કેદાર....!! ગાડી કાઢ...!! શંભૂકાકાને પોલીસ પકડીને લઈ ગયા છે..!!" કહીને ટિપેન્દ્રએ ફોન કટ કર્યો. બાનીને સમજ જ પડતી ન હતી કે આ અચાનક આફત ક્યાંથી આવી પહોંચી. પરંતુ એને તો આફતોથી જ તો લડાઈ કરીને આગળ વધવું છે. બાનીનું દિમાગ ઝડપથી ચાલવા લાગ્યા.

તે જ સમયે દરવાજાની અંદર દોડતો ટિપેન્દ્રનો ખાસ આદમી આવ્યો. એના માથેથી લોહી નીકળતું હતું. એના હાથમાં પણ પિસ્તોલ હતી.

"શું થયું રૂસ્તમ....!!" ટિપેન્દ્રએ અવાચક થઈને પૂછ્યું.

"ટિપેન્દ્ર બાની...!! તમને પાછળના રસ્તેથી નીકળવું પડશે. પોલીસ સાથે મારી ઝપાઝપી થઈ ગઈ છે....!!" રૂસ્તમ બોલતો જ હતો ત્યાં જ એક પોલીસ ઈન્સ્પેકટર દોડતો આવ્યો અને પાછળથી રૂસ્તમનાં માથામાં જોરથી મુક્કો માર્યો. એ મુક્કો એટલો જોરનો હતો કે એને તમ્મર આવી ગયાં. એ ત્યાં જ ધડામથી પડી ગયો.

પોલીસ ઈન્સ્પેકટરે ત્યાં જ સામે પિસ્તોલ ધરી. પિસ્તોલ ધરતાં એ ધીમેથી બાનીની સામે આવ્યો. ડરના મારેલા ટિપેન્દ્રએ બંને હાથ ઊંચા કરી લીધા હતાં. પરંતુ બાનીએ હજુ પણ હાથ ઊંચા કર્યા ન હતાં.

"હેન્ડ્સ અપ....મિસ બાની....!! પોલીસના આંખોમાં કેટલા વર્ષોથી ધૂળ નાંખીને છૂપી રમત રમી....હવે તમારો ખેલ ખતમ!!" ઈન્સ્પેકટરે બાનીની નજદીક જઈને પિસ્તોલ તાકી.

સામે તકાયેલી પિસ્તોલની નાળ જોઈને બાનીની નજર સમક્ષ પોતે લીધેલી જાસ્મિનનાં ખૂનનાં બદલાની પ્રતિજ્ઞા યાદ આવી ગઈ. બાની જ્યાં ઊભી હતી. એના દોઢ ફૂટ અંતરે ટેબલ હતું. ટેબલ પર પિસ્તોલ પડી હતી. અને થોડે દૂર જ સામે ઈન્સ્પેકટર પિસ્તોલ ધરીને ખડો હતો. એને એ જોયું. ઝડપથી એના દિમાગે નિર્ણય લીધો. એને પલકવારમાં જ નીચી થઈને પિસ્તોલ ઉઠાવી અને બીજી જ પળે એને ઝડપથી ટેબલને લાત મારી. લાતની તાકત એટલી જોરથી હતી કે એ ટેબલ સરકીને ઈન્સ્પેકટરનાં પગને ત્યાં જઈને પડ્યું. ઈન્સ્પેકટર કશું વિચારે એ પહેલાં જ બાની દોડતી આવીને બીજી લાતથી ઈન્સ્પેકટરનાં હાથમાં રહેલી પિસ્તોલને ઉડાવી દીધી તેમ જ પોતાનાં હાથમાં રહેલી પિસ્તોલને ઈન્સ્પેકટરનાં સામે તાકતા બરાડાથી કહ્યું, " હું બાની-એક શૂટર છું. આટલી જલ્દી મારો ખેલ ખતમ કરવાવાળો કોઈ પેદા નથી થયો ઈન્સ્પેક્ટર...!!"

આ સાંભળતા જ ટિપેન્દ્રનો સીનો મોટો થઈ ગયો.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)