Pragati - 18 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 18

પ્રગતિ એ માથે હાથ દીધો.... " તું નહીં જ માને ને....." પ્રગતિએ કહ્યું. " ઓફકોર્સ નોટ...." કહીને રજતએ રીતસર પ્રગતિના ચહેરા પર પ્રેમથી જાપટ મારી.

" ઠીક છે...જા બહાર ઉભો રહે....હું હમણાં આવું...." પ્રગતિએ એક હાથે બહાર જવાનો ઈશારો કરીને રજતને કહ્યું....

ફેશન હાઉસના ગેટ ને બરાબર રીતે અડકીને ઉભો રહેલો રજત પ્રગતિની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વાર માં પ્રગતિ ત્યાં આવી. " ચલ..." પ્રગતિ આગળ ચાલવા માંડી. " ઓહહ....મેડમ આમાં જઈશું !? " રજતએ દરવાજે ઉભેલી પોતાની કાર તરફ ઈશારો કર્યો. પછી એણે પ્રગતિના હાથમાંથી ગાડીની ચાવી લીધી. " ડ્રાઇવર " રજત નો ડ્રાઇવર કાર ખોલીને બહાર આવ્યો. " ફોલો અસ...." રજતએ પ્રગતિની ચાવી ડ્રાઇવર તરફ ફેંકી. પ્રગતિને વધુ લપ નહતી કરવી એટલે એ ચૂપચાપ જઈને ગાડીમાં આગળ બેસી ગઈ.

થોડા સમયની ચુપકીદી પછી રજતએ પ્રગતિને પૂછ્યું, " તો બોલ....શું ચાલે છે જીવનમાં ? " આ સાંભળીને પ્રગતિએ તરત જ ભાવવહી આંખો સાથે રજત તરફ જોયું....

રજત, પ્રગતિ અને આયુ એક જ સ્કૂલમાં ભણતા હતા. રજત પ્રગતિનો કલાસમેટ કમ બેસ્ટ ફ્રેન્ડ હતો. ઘરમાં પ્રગતિ મોટી હતી. એના માથે નાનપણથી જ અમુક જવાબદારીઓ આવી હતી જેથી એનું બાળપણ છીનવાય ગયું હતું અને સામે રજત સાવ મસ્તીખોર, મનમોજી માણસ. પ્રગતિ રજત સિવાય બીજા કોઈ સાથે કંઈ જ વહેંચી નહતી શકતી. રજત સાથે રહીને એને એનું બાણપણ જીવવા મળતું. પ્રગતિ દુઃખી હોય ત્યારે પણ રજત પોતાના ફાલતુ જોક્સ સંભળાવીને એને ખુશ કરતો. જુદી જુદી રમતો કરીને, પ્રગતિના વાળ ખેંચીને એ પ્રગતિને થોડો સમય સ્ટ્રેસમાંથી બહાર લાવી શકતો. ઘણીવાર બંને ગાંડાની જેમ બાજતા પણ ખરા પરંતુ કોઈ પણ ઝઘડો કે અબોલા બે કલાકથી વધારે ન ચાલતા કાં તો રજત કંઈક મસ્તી કરતો કાં તો પ્રગતિ એને પોતાનું ટિફિન આપીને મનાવતી. દસમાં ધોરણમાં જ્યારે રજત પોતાની અંગત મજબૂરીઓને કારણે અચાનક જ સ્કૂલ છોડીને ગયો ત્યારે એ દિવસ અને પછી આજનો દિવસ હતો જ્યારે પ્રગતિ લગભગ આઠ એક વર્ષ પછી રજતને મળી હતી.

આજે પણ પ્રગતિને સાવ એવી જ લાગણી થતી હતી કે એ પોતાની સમગ્ર મુંજવણ રજત સામે ખુલી મૂકી દે, પોતાનું દિલ ખોલી દે પરંતુ કોણ જાણે શું એને રોકતું હતું. એણે પોતાની ભાવવહી આંખો સાથે રજત તરફ નજર કરી. બંનેની આંખો મળી અને પછી પ્રગતિ ફરીને બારીની બહાર જોવા લાગી.

" પરી, મને લાગે છે ખરેખર કંઈ સિરિયસ મેટર છે...." રજતએ સ્ટીયરીંગ પરથી એક હાથ લઈને પ્રગતિના ખોળામાં પડેલા એના હાથ પર મુક્યો જાણે આજે પણ એને પ્રગતિ ની તકલીફ સમજાય ગઈ હોય એટલી નરમાશથી એને કહ્યું, " બોલ ને...."

બંસલ મૅનશનમાં દાખલ થઈને સુબોત બંસલ સુમિત્રાબેન પાસે પહોંચ્યા ત્યારે એ સહેજ ચિડાયેલા હતા. સુમિત્રાબેનના કહ્યા મુજબ મહેશ પાણી લાવ્યો. " લો મા...." મહેશ ટ્રે માં પાણીથી છલોછલ ભરેલા બે ગ્લાસ લાવ્યો.

" સુમિત્રા....સુમિત્રા...." હજુ સુધી થોડા હાંફી રહેલા સુબોત બંસલ પાણીની ચિંતા કર્યા વગર સુમિત્રાબેન તરફ ધસ્યા.

" બોલો...." સુમિત્રાબેન હજુ શાંત, સયંત પોતાનું કામ કરી રહ્યા હતા.

" સુમિત્રા, મારા ઘરમાં શું ચાલે છે....એ મને બહારના લોકો આવીને સંભળાવશે.....? " સુબોત બંસલ હજુ ચિડાયેલા હતા.

" કેશવ બહારનો નથી સુબોત...." સુમિત્રાબેન હજુ ફૂલોની માળા બનાવી રહ્યા હતા એમણે છેલ્લું ફૂલ સોઈમાં નાખ્યું પછી ગાંઠ વાળીને હાર ને પાસે પડેલી છાબડીમાં વ્યવસ્થિત ગોઠવ્યું.

" સુમિત્રા, મને પૂછ્યા વગર, મારી મરજી જાણ્યા વગર તું વિવેકના જીવનનો ફેંસલો કંઈ રીતે કરી શકે ? એ મારો દીકરો છે....." સુબોત ધુંઆપુંઆ થઈ ગયા હતા અને સુમિત્રા હજુ એટલા જ શાંત.

" ખરેજ....આજે યાદ આવ્યું કે તમારો દીકરો પણ છે...." સુમિત્રાબેન સહેજ હસ્યાં ને ઉઠીને ચાલવા માંડ્યા સામે હજુ સુધી જમીનમાં પગ જડાય ગયા હોય એવી રીતે ઉભેલા મહેશને એમણે જવાનો ઈશારો કર્યો પછી એ પાછા ઊંધા ફર્યા.

" જાણે કંપનીનો માલિક નહીં પરંતુ કર્મચારી હોય એ રીતે વિવેક તમને સેવા આપતો રહ્યો છે.....હવે એના અંગત જીવનને, એની ખુશીને તમારા બિઝનેસ માટે દાવ પર નહીં જ લગાવાય. લગ્ન નહીં પણ કોઈ મોટા બિઝનેસમેનની દીકરી સાથે વિવેકને પરણાવાના તમારા સોદા સ્વીકાર્ય નથી સુબોત. " સુમિત્રાબેનએ એજ સ્મિત સાથે આખી વાત સ્પષ્ટ કરી.

"અ... બ...હું તો..." ચોરી પકડાય ગઈ હોય એમ સુબોત બંસલ છકી ગયા.

બહારની મોટી અટારી અને બેડરૂમ ને અલગ કરતા નાના દરવાજા પાસે પહોંચીને સુમિત્રાબેન પાછા અટક્યા....
" પ્રગતિ બહુ સારી છોકરી છે.....આ વાત કાને ચડી તો રોહિતની વાત પણ ખ્યાલ જ હશેને તમને....આશા રાખું છું પિતાની ફરજો નિભાવશો....ખરું ને....? " ચમકતી ભૂરી આંખો અને હજુ એ જ સ્મિત સાથે સાડીનો પાલવ ખભ્ભે ચડાવી સુમિત્રા બંસલ ત્યાંથી નીકળી ગયા. સુબોત એમને એમજ જોઈ રહ્યા નિઃશબ્દ.

" કેવી છે આ સ્ત્રી ? દરેક જગ્યાએ પહોંચી વળાય છે છતાં આની સામે કેમ આમ હારી જવાય છે....! કંઈ જાતનું વશીકરણ છે આ....? " સુબોત બંસલ નું મગજ વિચારે ચડ્યું પછી એમને યાદ આવ્યું કે આ એ જ સુમિત્રા જે એમની સામે ક્યારેય ચું પણ ન કરતા. સુબોતની હા તો હા એમની ના તો ના. એમની જિંદગી જાણે સુબોત બંસલ ની આજુબાજુ જ વીંટળાયેલી રહેતી, પરંતુ બંને ભાઈઓ અલગ થયા પછી માત્ર પત્નીની ફરજો નિભાવવા સિવાયનો કોઈ જ લાગણીપૂર્ણ સંબંધ એ સ્ત્રીએ સુબોત બંસલ સાથે રાખ્યો નહતો. " શું પોતે જ કારણ હશે આ પરિસ્થિતિના ? " સુબોતને પ્રશ્ન થયો. થોડીવાર પહેલા તપીને લાલ થયેલું એમનું મોં ધીમે ધીમે ફિકું પડવા લાગ્યું. એમના ચહેરાની લકીરો પલટાઈ. " શું મારા કારણે આ સ્ત્રી બદલાય હશે ? એની ચમકતી આંખો અને સ્મિત પાછળ રહેલી પીડા મારા કારણે ? " પોતે ફાલતુ વિચારી રહ્યા છે એવું લાગ્યું એમને. આવા વિચારો ઘણીવખત આવ્યા હતા એમને પણ હંમેશા ની જેમ જાણે વિચારો ખંખેરતા હોય એમ ડોકું ધુણાવ્યું પછી ત્યાંથી જેમ અંદર આવ્યા હતા એમ જ બહાર નીકળી ગયા....

" બાપ રે....લાઈફમાં આટલું બધું થઈ ગયું ને તે મને કંઈ કહ્યું જ નહીં....! " રજતએ પ્રગતિની આખી પરિસ્થિતિ જાણ્યા પછી કહ્યું.

" તે કેહવા જેવું રાખ્યું હતું.....? " પ્રગતિ ની કોરી નજર અને વેદનામાં પલળીને ભીંજાયેલો અવાજ રજતને અંદર સુધી સ્પર્શી ગયો.

" સૉરી...." રજત નીચે મોઢું કરીને ડ્રાઇવ કરવા માંડ્યો. કાર હજુ એ જ સામાન્ય સ્પીડમાં રસ્તા પર જઈ રહી હતી. ફરી બંને તરફ શાંતિ છવાય ચુકી હતી.

" તું એક કામ કરને....મારી સાથે લગ્ન કરી લે. પછી કામ પતે એટલે ડિવોર્સ લઈ લે જે. " વાતવરણ હળવું કરવા કે પછી ખરેખર પ્રગતિની મદદ કરવા રજત એ કહ્યું અને હસી પડ્યો.

" રજત......" પ્રગતિ હજુ એટલી જ ગંભીર હતી. " આ રમત નથી. જીવન છે મારું " પ્રગતિ એક એક શબ્દને ભાર દઈને બોલી.

" એટલે જ કહું છું....આવી રીતે ન પરણ. હેરાન થઈ જઈશ. " રજત હવે ખરેખર ચિંતિત જણાતો હતો.

" બીજો કંઈ જ રસ્તો નથી. " પ્રગતિએ સીટ પર માથું મૂક્યું અને આંખો બંધ કરી. આટલું શાંત, વજનદાર વાતાવરણ રજત માટે અસહ્ય હતું.

" તું મારી સાથે જ પરણી જા. ડિવોર્સ નહીં લેતી બસ...." રજત ખડખડાટ હસ્યો.

" રજત, બી સિરિયસ....એટલિસ્ટ સમટાઈમ્સ...." પ્રગતિની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. રજતે પ્રગતિના ઘરની શેરીમાં ગાડી લીધી.

" યાર હું તો...." રજત સ્પષ્ટતા કરી રહ્યો હતો. ઘર પાસે ગાડી ઉભી રહી એટલે પ્રગતિએ દરવાજો ખોલીને એને વચ્ચેથી જ અટકાવ્યો.

" યુ નો વોટ....મેં તને કહીને જ ભૂલ કરી " રજતની રાહ જોયા વગર પ્રગતિ અંદર જતી રહી.

" પરી, વ્હેઈટ, સૉરી યાર.......ઉભી તો રહે..." ગાડીને લોક કરી રજત પ્રગતિની પાછળ દોડ્યો.

પ્રગતિ પછી રજત ઘરમાં આવ્યો ત્યારે આયુ પગથિયાં ઉતરી રહી હતી. "હાય ડાર્લિંગ..." રજતને જોઈને આયુ પોતાનો ઉત્સાહ રોકી ન શકી. એને જોરથી ચીસ પાડી અને પછી એટલા જ જોરથી કહ્યું, " રજતભાઈ......" સીડીના ચોથા પગથિયેથી આયુએ લગભગ કૂદકો માર્યો......

" આયુ......" પ્રગતિના મુખેથી આખા ઘરને હચમચાવી મૂકે એવી ચીસ નીકળી ગઈ. પ્રગતિ ગભરાય હતી. એનું અંતર હણાઈ ચૂક્યું હતું એટલી જ વાર માં જાણે રમકડું કૅચ કરતા હોય એ જ રીતે રજતએ આયુને પોતાના બાહુપાશમાં પકડી લીધી અને એને ગોળ ફેરવીને નીચે ઉતારી. પ્રગતિના દુઃખથી અજાણ એ બંને પ્રગતિની સામે જોઇને ખડખડાટ હસી રહ્યા હતા.

એક જ મિનિટના અંતરાલમાં ત્રણ ત્રણ ચીસો સાંભળીને સંજયભાઈ અને બા અંદરથી બહાર નીકળ્યા.

" હાય બ્યુટીફૂલ, હાઉ આર યુ ? " રજત બા ને પગે લાગ્યો.

" કોણ ? " સંજયભાઈ હજુ રજતને નહતા ઓળખતા.

" એ જ જે તારી છોકરીનું ટિફિન ખાલી કરી મુકતો. " આવા સમયે રજતનું ઘરે આવવું બા ને સહેજ ખટક્યું હતું.

" અચ્છા અચ્છા.... રજત. કેટલા સમય પછી આવ્યો હેં તું તો....આવ આવ...બેસ " સંજયભાઈએ રજતને સોફા પર બેસાડ્યો.

" જો પરી, તારા સિવાય બધા ઓળખી ગયા મને....." પ્રગતિએ કંઈ જ જવાબ ન આપ્યો. એ હજુ આઘાત માંથી બહાર નહતી આવી. સુમિત્રા બંસલનું ઘરે આવવું, પરેશાનીના સમયમાં અચાનક જ રજતનું આવી પહોંચવું, જાણે પોતે હળવી થઈ જશે એ લાલચે હોય કે પછી પોતાના ઇમોશન્સ પર કાબુ ન રહેતા રજતને બધું જ કહી દેવું, રજતનો એ જ બધી વાતોને મજાકમાં ઉડાડવાનો સ્વભાવ ને વળી આયુ સાથે બનેલી ઘટનાથી પ્રગતિ થાકી હતી. એ ચુપચાપ રસોડામાં જતી રહી. અંદર જતી વખતે કદાચ રજતે એની ભીની આંખો જોઈ હતી.....
To be Continued

- Kamya Goplani