Room Number 104 - 4 books and stories free download online pdf in Gujarati

Room Number 104 - 4

પાર્ટ 4

યુવતીની લાશ મળી એને પુરો એક દિવસ થઈ ગયો હતો. પ્રવિણસિંહ અને નીલેશ ચૌધરી બંને ઘટના સ્થળેથી ફરાર હતા. બંને માંથી કોઈની પણ વિગત હજુ સુધી તો મળી નહતી. અભયસિંહ પોલીસ હેડ કવાર્ટર માં પોતાના કેબીન માં બેઠા બેઠા કેસ સ્ટડી કરી રહ્યા હતા. બંનેના ફોનના લોકેશન સર્વેલાઇન્સ પર મૂકેલા હતા જો કોઈ પણ વ્યક્તિ ફોન એક વાર પણ સ્વીચ ઓન કરીલે તો એનું location મળી શકે તેમ હતું. આ કેસ માં ઘણી ગૂંચવણ હતી અભયસિંહ એક એક મુદ્દાને બારીકાઈથી વિચારી રહ્યો હતા. ખૂબ જ ગંભીર વિચારોમાં ગરકાવ હતો એવામાં જ પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ કેબિન માં પ્રવેશ કરે છે.

સુરેશ ચૌહાણ:- સર રોશનીના માતા પિતા અને તેની ખાસ સહેલી નીતા આબુ માં આવી ગયા છે તે લોકો એક ગેસ્ટ હાઉસમાં રોકાયા છે.

અભયસિંહ :- એ લોકો ને અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહો. અને આ નીલેશ ચૌધરીના કોઈ રિપોર્ટ?

સુરેશ ચૌહાણ:- સર નીલેશ ચૌધરીના ઘર પર આપણા બે કોન્સ્ટેબલ નજર રાખી રહ્યા છે. આજુ બાજુ માં પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે નીલેશ ચૌધરી કાલે સવારે પોતાની સાથે એક બેગ લઈ ને નીકળી ગયો છે. નીલેશ અહીંયા એકલો જ રહે છે. અને તેનો પરિવાર જયપુર જિલ્લામાં આવેલા ભોજપુર ગામમાં રહે છે..

અભયસિંહ:- અચ્છા તો સુરેશ એક કામ કર, હોટેલના કર્મચારી લીસ્ટમાંથી નીલેશનો ફોટો લઈને નીલેશના ગામ ભોજપુર સુધી જતી દરેક બસ ટ્રેનમાં પૂછપરછ કરો. અને ભોજપુર સ્થાનીક પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી ને નીલેશ નો ફોટો મોકલી તેની તપાસ કરવાનો આદેશ આપી દો.

સુરેશ:- જી સર! સર, સંધ્યા નો કોઈ msg?

અભયસિંહ કંઈ બોલે તે પહેલાં જ રોશની ના માતા પિતા કેબિનમાં પ્રવેશે છે પોતાની દીકરીની હત્યાના આઘાતજનક સમાચાર સાંભળીને રોશનીની માતા અભયસિંહ ની સામે ભાંગી પડે છે. પોતાની એકની એક દિકરીની હત્યાથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. રોશનીની માતાનું આક્રંદ આખા પોલીસ હેડ કવાર્ટર ને ધ્રુજાવી મુકે તેવુ હતું. અભયસિંહ રોશનીના માતા પિતાને સાંત્વના આપતા કહે છે કે હું સમજુ છું તમારી વ્યથા. આમ એકની એક જુવાન દીકરી ની હત્યા ક્યારેય પણ વિચાર્યું ન હોય તેવી આઘાતજનક ઘટના ઘટી છે. પરંતુ તમારા કલ્પાંત કરવાથી તમારી દીકરી પાછી નહિ આવી જાય પણ હા એટલું કહું છું કે જો તમારો સહકાર હશે તો અમે તમારી દીકરીના હત્યારાને પાતાળમાંથી પણ ગોતીને લાવશું. હું સમજુ છું તમારી મનો સ્થિતિને પરંતુ હવે રોશની ના આત્માની શાંતિ માટે આપણે તેના હત્યારાને તેના કર્મોની સજા આપવી જ પડશે. આ લો થોડું પાણી પીને સ્વસ્થ થઈ જાઓ જેથી હું તમને રોશની વિશે થોડા સવાલો પૂછી શકું..

રોશનીના પિતા પોતાની આંખ પરથી સરી પડેલા આંસુને ગાલ પરથી લૂછતાં કહે છે હા સર કહો તમારે રોશની વિશે શું પૂછવું છે?

અભયસિંહ:- શું તમે રોશની અને પ્રવીણના સંબંધ વિશે જાણો છો?

રોશનીના પિતા:- ના સાહેબ અમે તો પ્રવીણ નું નામ પહેલી વાર સાંભળ્યું છે.

અભયસિંહ :- તો તમારી દીકરી નો કોઈ છોકરા સાથે લવ અફેર હોય કે પછી તેમના દોસ્તો માંથી કોઈનું નામ પ્રવીણ હોય એવી કોઈ જાણકારી છે?

રોશનીના પિતા:- જી ના સાહેબ અમે મારી દીકરીને ખૂબ સ્વતંત્રતાથી ઉછેરી છે. સાથે અમે એને સારા સંસ્કાર પણ આપ્યા હતા. અમારી દીકરીના પુરુષ મિત્ર તો હતા પરંતુ તેને કોઈ છોકરા સાથે પ્રેમ હોય એ હું નથી માનતો અમે એને એટલી છૂટ તો આપી જ હતી કે જો એ કોઈને પ્રેમ કરતી હોય તો એની સાથે એના લગ્ન પણ કરાવી આપશું. એટલે અમારી દીકરી આમારાથી આટલી મોટી વાત છુપાવે એવું તો બની જ ના શકે..

અભયસિંહ:- તો પછી તમારી દીકરી તમને પોતે કોઈ ટ્રેકિંગ કેમ્પમાં જાય છે તેવું જૂઠું બોલીને અહીંયા આબુની હોટેલ હીલ્લોક માં શા માટે આવી?

રોશનીના પિતા:- એ જ વાત જ તો ખૂબ આઘાત જનક છે સાહેબ નક્કી મારી દીકરીને ફસાવવામાં આવી છે. મને મારી દીકરી પર પૂરો ભરોસો છે. એ કોઈ ખોટું કામ કરી જ ન શકે...

અભયસિંહ:- તો તમને શું લાગે છે તમારી દીકરીના કોઈ દુશ્મન પણ હોય શકે?

રોશનીના પિતા:- ના સાહેબ મારી દીકરી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી તેના ઘણા બધા મિત્રો હતા બધા સાથે ખૂબ જલ્દી હળીમળીને રહેતી. તેના દરેક મિત્રો પણ ખૂબ સારા ઘરના છે. રોશની ને દરેક રીતે મદદરૂપ થાય તેવા તેના મિત્રો છે.

અભયસિંહ:- અચ્છા તો પછી તેની આ ખાસ સહેલી નીતા જેની સાથે તે ટ્રેકિંગ કેમ્પમાં જઈ રહી છે તેવું બોલી ને નીકળી હતી તેની સાથે તેના કેવા સંબંધ છે?

રોશનીના પિતા:- સાહેબ નીતા તો રોશનીની ખાસમાં ખાસ સહેલી છે. બંને જણા નાનપણના મિત્રો છે. બંનેને એકબીજા વગર જરાય ચાલતું નહીં. માની લો કે નીતા અમારી બીજી દીકરી જ છે તેના ઉપર તો અમે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ..

અભયસિંહ:- અચ્છા તો ક્યાં છે આ નીતા તમારી સાથે જ તો આવી હતી ને?

રોશનીના પિતા:- હા સાહેબ એ પણ અમારી સાથે જ આવી છે પરંતુ તેને તમારા કોન્સ્ટેબલ એ બહાર બેસવાનું કહ્યું અને અમને અંદર મોકલી દીધા...

અભયસિંહ:- અચ્છા હા એમની પણ અમે પૂછતાછ કરશું પરંતુ એ પહેલાં હું તમારા પત્નીને થોડા સવાલો પૂછવા માગું છું જો એ થોડો સહકાર આપે તો હું એમને પૂછી શકું?

રોશનીની માતા ડુસકા ભરતા ભરતા કહે છે કે હા સાહેબ તમે પૂછી શકો છો..

અભયસિંહ:- શું હમણાં થોડો સમયમાં રોશનીના વર્તનમાં ક્યારેય કોઈ ફરક નજર આવ્યો છે?

રોશનીની માતા:- સાહેબ આમ તો મારી દીકરી પહેલેથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી પરંતુ હમણાં હમણાં થોડો સમયથી તેનું ધ્યાન મોબાઇલમાં ખૂબ રહેતું. સોશ્યલ મીડિયા ઉપર તે વધારે પડતી જ એક્ટિવ રહેતી હતી. એના લીધે એનું ભણતર પણ બગડતું હતું. રોશની એ બી. કોમ. પાસ કરીને એમબીએમાં એડમિશન લીધું હતું. અને આ કારણે કેટલીકવાર મારે રોશનીને વઢવું પણ પડતું. પણ એ મારું માનતી જ નહિ..

અભયસિંહ:- હા અત્યારે તો આ સોશ્યલ મીડિયાએ તો ભણતરનો દાટ વાળી દીધો છે. બાળકો પોતાના અભ્યાસ કરતાં સોશ્યલ મીડિયા ઉપર વધારે એક્ટિવ રહે છે. ઘણા તો ખોટો દેખાડો કરવા માટે સોશ્યલ મીડિયા ઉપર પોતાના ફોટો અપલોડ કરતાં પણ અચકાતા નથી. અને આ નીતા સાથે રોશનીની ક્યારેય કોઈ વાદ વિવાદ થયો હોય એવી કોઈ તમને જાણ ખરી?

રોશનીની માતા:- ના સાહેબ એવું તો ક્યારેય નથી બન્યું બંને એક બીજા સાથે બહેનોની જેમ રહેતા બંને એકબીજાની જાન છે. એક ને કાંઈ થયું હોય તો દર્દ બીજા ને થાય એવો સબંધ હતો બંને વચ્ચે..

અભયસિંહ:- ઠીક છે તો હું હવે નીતા ને કેબિનમાં બોલાવી ને એની સાથે થોડી પૂછતાછ કરી લવ. એમ કહેતા અભયસિંહ સુરેશને નીતાને અંદર બોલાવવા માટે ઇશારો કરે છે..

નીતા કેબિનમાં અંદર પ્રવેશતા જ તેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગે છે પોતાની જીગરજાન સહેલી ની હત્યા ના સમાચાર થી તેને પણ ખૂબ જ આઘાત લાગ્યો હોય છે. અભયસિંહ અને રોશની ના માતાપિતા નીતાને તેના માથા પર હાથ મૂકીને સાંત્વના આપતા તેને ખુરશી પર બેસવાનું કહે છે. પરંતુ નીતા હીબકે હીબકે રડી પડે છે. નીતાના આંસુ જાણે અટકવાનું નામ જ નહોતા લેતા...

રોશનીના પિતા:- બેટા નીતા તું ચિંતા નહી કર ઇન્સ્પેક્ટર સાહેબ આપણી રોશનીના હત્યારાને પકડીને તેને આકરી સજા અપાવશે. જેથી આપણી રોશની ને પૂરતો ન્યાય મળી રેહશે...

રોશનીના પિતાની વાત સાંભળતા જ નીતના ચેહરાના હોશ ઉડી જાય છે...

ક્રમશ....