Fari Malishu. - 13 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ- 13

ફરી મળીશું !!
પ્રકરણ - 13

બીજા દિવસે હું જેવો ઓફિસમાં પ્રવેશ્યો ત્યાં પ્રણવસર મારી રાહ જોઇને તેમના કેબિનની બહાર જ ઉભા હતા. ને જોતાંની સાથે અંદર આવવા માટે કહ્યું. પ્રણવસર ક્યારેય આટલા જલ્દી ઓફિસમાં નહોતા આવતા. આજે આટલા જલ્દી આવ્યા હતા એજ તેમની આતુરતા દેખાડી રહ્યું હતું. હું સીધો તેમના કેબિનમાં ગયો.

"બોલ ધવન, કોણ છે એ કૌભાંડી?" પ્રણવસર ગુસ્સામાં બોલ્યા. ગુસ્સામાં તેમની આંખો લાલચોર થઈ ગઈ હતી. તેમનો ચેહરો બિહામણો લાગી રહ્યો હતો.

"સર, કૌભાંડી બીજું કોઈ નહીં પણ આપણા સ્ટાફમાં અને તમારી એકદમ નજીકનું વ્યક્તિ હતું." મેં બિલકુલ ઉતાવળ કર્યા વગર વાત કરી. આટલું બોલીને હું અટક્યો અને પ્રાણવસર તરફ જોયું. તે કંઇજ બોલ્યા નહીં અને મને હાથની આંગળીથી આગળ બોલવા માટે ઈશારો કર્યો.

"લોપા..." આટલું કહીને હું ફરી અટક્યો.

"લોપા મિશ્રા સાથે મળીને ડુપ્લીકેટ ચલણ દ્વારા માલની હેરાફેરી કરી રહી હતી" બસ આટલું બોલીને થોભી ગયો.

હજુ પણ આ ઓફિસમાં બીજું કૌભાંડ ચાલી રહ્યું હતું. જેના વિશે મને રાત્રે જાણવા મળ્યું હતું. હું જ્યારે લોપાના ડેસ્ક પરથી બધી ફાઇલ લઈને આવ્યો હતો. તેમાંથી મને જાણવા મળ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી બેલેન્સશીટમાં જે ઘાલખાતની રકમ હતી તે લોપની ફાઈલમાં દેખાતી હતી. પણ હમણાં મને આ વાત પ્રાણવસરને કહેવાનું યોગ્ય ના લાગ્યું. માટે મનમાં આ વાત દબાવી રાખી.

પ્રણવસરનો ચહેરો પડી ગયો હતો. તેમનો ચહેરો બેચેનીમાં બદલાઈ ગયો તેમની આંખોમાં હવે ગુસ્સાની જગ્યાએ દગો અને નિરાશા દેખાઈ રહી હતી. લોપનું નામ સાંભળતાની સાથે આ બદલાવ મને હજમ ન થયો.

હું તેમની આ મનોસ્થિતિ સમજી શકતો હતો. જ્યારે પોતાના વ્યક્તિ જેની ઉપર તમને આંધળો વિશ્વાસ મુકો તે જ દગો આપે ત્યારે કેવી ઉદાસી અનુભવાય છે તે કદાચ મારાથી વધારે કોઈ નહોતું સમજી શકવાનું.

પ્રણવસર ખુરશીમાં બેઠા અને પોતાના બંન્ને હાથ માથા પર મૂકી કઈક વિચારમાં પડી ગયા આ વર્તન જોઈને મને આશ્ચર્ય થયું. મને એમ હતું કે તેઓ ગુસ્સો કરીને તરત જ લોપાને નોકરી પરથી કાઢી મુકશે. પણ તેઓ ખૂબ વિચલિત થઈ ગયા હતા.

"સર..." મેં તેમનું ધ્યાન મારી તરફ દોરવાનો પ્રયાસ કર્યો. તેમને મારા શબ્દો પર ધ્યાન ન આપ્યું. તેઓ થોડીવાર એમના એમ બેસી રહ્યા.

થોડીવાર પછી તેઓ તેમની ખુરશીમાંથી ઉભા થયા અને તેમનો કોટ લઈને ઓફિસમાંથી બહાર નીકળવા લાગ્યા.

" ધવન, હું લોપાને ખૂબ સારી રીતે જાણું છું. તેના ઉપર વિશ્વાસ કરું છું. તે આવું કંઈ કરી જ ના શકે. છતાંપણ તારે મારું બીજું એક કામ કરવાનું છે" પ્રણવસર ધીરા અવાજે નીકળતા નીકળતા બોલ્યા.

"પણ સર...."મેં બોલવાનો પ્રયત્ન કર્યો પણ મને તેમણે અટકાવ્યો.

" જો ધવન, લોપાએ આવું કેમ કર્યું મને નથી ખબર. પણ હું એ ચોક્કસપણે કહી શકું છું કે આવું કામ લોપા પાસેથી બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યું હશે. લોપા એક સારા પરિવારમાંથી આવે છે. હું તેને સારી રીતે ઓળખું છું. તે આવું ક્યારેય કરી ના શકે જરૂર તેની કોઈ મજબૂરી હોવી જોઈએ." પ્રણવસર બોલ્યા.

પ્રાણવસરના આ શબ્દોથી હું આશ્ચર્યચકિત થઈ ગયો. તે લોપા પર આટલો વિશ્વાસ કેમ મૂકી શકે છે અને એ પણ ત્યારે જ્યારે આ આખા ષડયંત્રની પાછળ તેનો જ હાથ છે.

" સર હવે તમે શું ઈચ્છો છો?" મેં સીધેસીધું પૂછી નાખ્યું.

" જો ધવન, લોપાએ આવું શા માટે કર્યું? કોના કહેવાથી કર્યું? એ બધું મારે જાણવું છે. તું કંઈપણ કરીને મને એક અઠવાડિયામાં બધી હકીકત જણાવ. હું તારી પાસેથી બસ આ એક કામ માંગુ છું. બીજા બધા કામ છોડીને તું આ કામમાં લાગી જા " આટલું કહીને પ્રણવસર ઓફિસમાંથી નીકળી ગયા.

હું વિચારમાં પડી ગયો પણ પ્રણવસરે મને જે કામ સોંપ્યું હતું તે હવે મારે પૂરું કરે જ છૂટકો હતો. જો ખરેખર લોપા કોઈના દબાણમાં આવીને આ કામ કર્યું હશે તો મારે તે જાણવું રહ્યું.

લોપા આજે ઓફીસ આવી નહતી. મેં લોપને ફોન કરવાનું વિચાર્યું. પહેલી જ રિંગમાં લોપાએ ફોન ઉપાડી લીધો. જાણે મારા ફોનની રાહ જોઈને બેઠી હોય.

" ધવન? " લોપા બોલી.

" લોપા, મારે તને મળવું છે. ખૂબ ઉતાવળ છે. સાંજે છ વાગે આપણી ઓફિસની નજીકમાં જે કાફે છે ત્યાં મળીયે." મેં ફટાફટ લોપાને કહી દીધું.

" શુ? કેમ, અચાનક શુ થયું? " લોપા એકસાથે પ્રશ્નો પૂછવા લાગી અને તે થોડી ગભરાયેલી પણ સંભળાઈ રહી હતી.

" હું તને બધું મળીને કહીશ." આટલું કહીને મેં ફોન કટ કર્યો.

*

હું છ વાગે કાફે પહોંચી ગયો હતો. આ કાફે ગુપ્તાજી ટ્રેડર્સથી ફક્ત 10 મિનિટ દૂર હતું. હું ત્યાં જઈને ઉભો જ હતો એટલામાં સામેથી મને લોપા આવતી દેખાઈ.

મેં તેની સામે જોયું તો તે ખૂબ બેચેન લાગી રહી હતી. તે મારી નજીક આવી એટલે મેં તેને બેસવા માટે કહ્યું અને અમારા બંને માટે ચાનો ઓર્ડર આપ્યો. મેં લોપા સામે જોયુ તે ખૂબ સુંદર લાગી રહી હતી. પણ અત્યારે તેની સુંદરતા મારા માટે અગત્યની ન હતી.

" જો લોપા છેલ્લા થોડા વર્ષથી આપણી ઓફિસમાં શુ થઈ રહ્યું છે તેની બધી ખબર મને પડી ગઈ છે " મેં સીધા મુદ્દાની વાત થી શરૂઆત કરી.

" શુ? તું શાની વાત કરી રહ્યો છે?" લોપા અચકાતા અચકાતા બોલી રહી હોય એમ લાગી રહ્યું હતું. કદાચ તેને હવે ખ્યાલ આવી ગયો હશે કે મેં તેને શુ વાત કરવા બોલાવી છે.

" ઓફિસમાંથી ડુપ્લીકેટ ચલણ દ્વારા જે માલ નીકળી રહ્યો છે તેની વાત કરી રહ્યો છું. તને હવે તો ખ્યાલ આવી ગયો હશે. " આટલું કહી મેં તેના ટેબલમાંથી મળેલ ચલણ બુક કાઢીને ત્યાં ટેબલ પર મૂકી.

લોપનો ચહેરો ઢીલો થઈ ગયો. તેના કપાળ પર પસીનો થવા લાગ્યો. તે કઈક કહેવા લાગી પણ તેની જીભ ચોંટી રહી હતી. તે બોલવાનો પ્રયાસ કરી રહી હતી પણ તેના શબ્દો મોં માંથી બહાર નહોતા નીકળી રહ્યા.

" લોપા જો મને ખબર પડી ગઈ છે. આમ તારો અને ગોડાઉનવાળા મિશ્રાનો જ હાથ છે. " મેં વધુ સ્પષ્ટ કરતા લોપા ને કહ્યું.

લોપાના ચહેરાનો રંગ હવે બિલકુલ બદલાઈ ગયો હતો. તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

" ધવન, તારી કોઈ ભૂલ થઈ રહી છે. આ કામ મેં નથી કર્યુ. મને તો ખ્યાલ પણ નથી કે આવું ષડયંત્ર આપણી ઓફિસમાં થઈ રહ્યું છે " લોપા મને સમજાવવા લાગી. મને ખબર હતી તે કે ખોટું બોલી રહી છે.

" જો લોપા એક વાતની તો મને ખાતરી છે કે આ કામ તે અને મિશ્રાએ કર્યું છે. હવે તારી પાસે એકજ વિકલ્પ છે કે તું મને બધું સાચ્ચે સાચું જણાવી દે. મારે એટલું જ જાણવું છે કે તે આમ કેમ કર્યું." હું બોલ્યો.

લોપાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે એકદમ શાંત થઈ ગઈ હતી. થોડીવાર પછી તેણે ટેબલ પર મૂકેલા ગ્લાસમાંથી પાણી પીધું. પોતાને સ્વસ્થ કર્યા બાદ તે બોલી, " ધવન, આ બધું મેં કર્યું છે પણ તેમાં મારી મજબૂરી હતી. હવે તું મને કંઈ ના પૂછીશ આથી વધારે હું તને કઇનહી કહી શકું. હવે તું જે કહે તે કરવા હું તૈયાર છું" લોપાને આટલું બોલતા ગળે ડૂમો ભરાઈ ગયો. મેં તેને ફરી ગ્લાસ ભરીને પાણી આપ્યું.

" મારે બસ એટલું જ જાણવું છે કે તારી એવી તો સુ મજબૂરી છે કે તારે પ્રણવસર સાથે દગો કરવો પડે. જે તારા અન્નદાતા છે. જેમને તારી પણ વર્ષોથી વિશ્વાસ કર્યો છે તેમની સાથે તું આવું છલ કેમની કરી શકે? તને ખબર છે મેં પ્રાણવસરને બધી વાત કરી છે હજુ પણ તેમને તારી ઉપર એટલો જ વિશ્વાસ છે. તારી સચ્ચાઈ જાણ્યા પછી પણ તેમણે મને તારી મદદ કરવા માટે કહ્યું. માટે પ્લીઝ, લોપા મને બધી હકીકત જણાવ" મેં લોપને આશ્વાસન આપતા કહ્યું.

" પ્રણવસરને ખબર છે? અને તેમણે તને મારી મદદ કરવા કહ્યું? " લોપા આશ્ચર્યથી બોલી. મેં પણ તેને માથું હલાવતા હકારમાં જવાબ આપ્યો.

" શુ તને કોઈએ બળજબરી કરી હતી આવું કરવા માટે? તું મને હકીકત જણાવીશ તો હું તને વચન આપું છું કે હું તારી બધી મુશ્કેલી દૂર કરીશ' મેં લોપને કહ્યું. તે ઊંડા વિચારોમાં ડૂબી ગઈ.

" ધવન, આજથી ચાર વર્ષ પહેલા જ્યારે મેં આ ઓફીસ શરૂ કરી ત્યારે પવન નામનો એક છોકરો દરરોજ આપણી ઓફિસની બહાર આવતો લગભગ બે મહિના સુધી તેને આમ જ મને રોજ જોયા કરતો. હવે ધીરે ધીરે હું પણ તેને પસંદ કરવા લાગી હતી. એક દિવસ તેને મને આજ કાફેમાં મળવા માટે કહ્યું. મેં તેને મળવા માટે ખુશી જણાવી. અમે કાફેમાં મળ્યા ત્યાં તેણે મને તેના પ્રેમનો એકરાર મારા સમક્ષ કર્યો. મેં તેનો પ્રેમ સ્વીકાર્યો. અમારો પ્રેમ સંબંધ લગભગ છ મહિના જેટલો ચાલ્યો હતો. ત્યારબાદ અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મને તેના પર ભરોસો હતો. તેજ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં પ્રેમમાં ને પ્રેમમાં તેના ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો." લોપા ફડાધડ બધું બોલી રહી હતી. તેની આંખોમાં એ છોકરા પ્રત્યે ચોખ્ખો ધિક્કાર દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ પણ વહી રહ્યા હતા. છતાંપણ તેનું બોલવાનું ચાલુ જ હતું.

" તેણે અમારી વચ્ચે બનેલા શારીરિક સંબંધનો વિડિઓ ઉતારી લીધો હતો. જેના દ્વારા તે મને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો. અને આ પવન બીજું કોઈ નહીં પણ મિશ્રાનો ભત્રીજો જ હતો. મિશ્રા અને પવન સાથે મળીને મને ફસાવી હતી. પછી તેઓએ મને આ કૌભાંડ કરવા મજબુર કરી રહ્યા હતા. તેથી છેલ્લા ચાર વર્ષથી તેઓ જેમ કહે છે તેમ હું કરી રહી છું." આટલું કહીને તે ચોધાર આંસુએ રડવા લાગી. મેં તેને પાણીનો ગ્લાસ આપીને શાંત કરી. તેણે પાણી પીધું ને પોતાને ચહેરો સાફ કરવા લાગી.

" તો પછી તે આ વિશે કોઈને જાણ કેમ ના કરી?" મેં લોપને પ્રશ્ન કર્યો. લોપા હવે સ્વસ્થ થઈ ગઈ હતી.

" મેં ઘણીવાર વિચાર્યું કે હું પ્રણવસરને બધી હકીકત જણાવી દઉં પણ હિંમત ના કરી શકી " લોપાએ કહ્યું.

" તું ચિંતા ના કરીશ હું તારી સાથે છું. આપણે અત્યારે જ પ્રણવસરને મળીને આ વાતનો નિકાલ લાવીએ અને આ પવન અને મિશ્રાને તો હું જોઈ લઈશ" મેં લોપને વિશ્વાસ અપાવતા કહ્યું. લોપા હજુ પણ દરેલી લાગી રહી હતી.

મેં ત્યાં ટેબલ પર બેસીને જ પ્રણવસરને ફોન કર્યો. મેં તેમને જણાવ્યું કે હું અને લોપા તેમને અત્યારે મળવા માંગીએ છીએ. મેં આ ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. આ જાણી પ્રણવસર એ મને અને લોપાને તરત જ તેમના ઘરે બોલાવી લીધા.

હું અને લોપા ત્યાંથી મારા બાઇક ઉપર પ્રણવસરના ઘરે જવા નીકળ્યા. તેઓ અલકાપુરી જેવા વડોદરાના સૌથી અમીર વિસ્તારમાં રહેતા હતા. મારી બાઇક પાછળ ઈશા પછી લોપા બીજી એવી છોકરી હતી જે બેઠી હતી. પણ મારા મનમાં લોપા વિશે હજુ પણ કઈ હતું નહીં.

અમે લગભગ એક કલાકમાં પ્રણવસરના ઘરે પહોંચ્યા. તેમણે અમને અંદર આવકારી. સોફા ઉપર બેસવા કહ્યું.

હું અને લોપા ત્યાં સોફા ઉપર બેઠા. લોપાનો ચહેરો પડી ગયેલો હતો. તે ઉદાસ લાગી રહી હતી. તે એકદમ નિરાશ થઈ ગઈ હતી.

" બોલ ધવન શુ હતું? " પ્રણવસરે સીધો જ પ્રશ્ન કર્યો.

" સર, મેં આ આખા ષડયંત્ર વિશે જાણી લીધું છે. અને લોપાને આમ ફસાવવામાં આવી હતી. આમાં મુખ્ય સૂત્રધાર મિશ્રા અને તેનો ભત્રીજો પવન હતો." મેં જવાબ આપ્યો.

ગુનેગાર પકડાઈ ગયા છે તેની ખુશી કરતા લોપા નિર્દોષ છે તે જાણીને પ્રણવસરનો ચહેરો થોડો તેજી ગયો. મને આ બિલકુલ અજુગતું લાગ્યું પણ અત્યારે મારે આના વિશે વિચારવાનું ન હતું.

ત્યારબાદ મેં લોપાને જે રીતે બ્લેકમેઇલ કરવામાં આવી હતી તે બધી માહિતી મેં પ્રણવસરને આપી. આ આખી વાત સાંભળ્યા પછી પ્રણવસરનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો.

" એ *****, *****, ***** " પ્રાણવસરના મોંમાંથી જેમ ફાવે તેમ ગાળો નીકળવા લાગી. તેઓ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યા હતા.

" અત્યારે જ તું પોલીસમાં કમ્પ્લેન કાર અને એ મિશ્રા અને તેના ભત્રીજાના ટાંગા ભંગાવી નાખ " તેમણે મને કીધું.

પ્રણવસર લોપની નજીક ગયા અને તેનો હાથ પોતાના હાથમાં લઈને તેને આશ્વાસન આપવા લાગ્યા. તેઓ આ જે કંઈપણ લોપા સાથે બન્યું હતું તેના માટે પોતાને કારણ માની રહ્યા હતા. લોપા પણ હવે થોડી નોર્મલ થઈ ગઈ હતી. પ્રણવસર ત્યાં લોપની બાજુમાં જ બેસી ગયા.

" ધવન મારે તને હજુ પણ એક વાત કહેવાની બાકી છે " લોપાએ કહ્યું.

" શુ? " મેં પૂછ્યું.

" પ્રણવસરે તને આ કૌભાંડનો પર્દાફાશ કરવાનું કામ સોંપ્યું છે તે મિશ્રાને જાણ થઈ ગઈ હતી જેથી જ તેણે મને તારી સાથે નજદીકી વધારવા માટે કહ્યું હતું " લોપા આટલું કહી ચૂપ થઈ ગઈ.

આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. એનો મતલબ કે હું વિચારતો હતો તે સાચું હતું. લોપા મિશ્રાના કહેવાથી જ મારી નજીક આવી રહી હતી.

" તો તો હવે તારે ફટાફટ પોલીસમાં ફરિયાદ કરી દેવી જોઈએ. કદાચ તે જાણી જશે કે આપણે બધી સચ્ચાઈ જાણી ગયા છે તો એ છટકી જશે " પ્રણવસરે કહ્યું.

" હા...જરૂર. મને લગે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે આપણે સવાર સુધી રાહ જોઈ લઈએ " મેં જવાબ આપ્યો.

" હા, ખૂબ મોડું થઈ ગયું છે. તને જેમ ઠીક લાગે એમ કર. કાલે સવારે હું તને ઓફિસમાં મળું " આમ કહીને પ્રણવસરે અમને વિદાય આપી.

હું ત્યાંથી નીકળી લોપાને તેના ઘરે છોડવા ગયો. તેને છોડીને પાછો મારી રૂમમાં આવ્યો. આજે મને ખૂબજ માથું દુઃખી રહ્યું હતું. આખા દિવસની નાસભાગમાં હું જમવાનું પણ ભૂલી ગયો હતો. અત્યારે જાણે મારા માથામાં હથોડા પડી રહ્યા હોય તેવું દર્દ થઈ રહ્યું હતું. હું સીધો કપડાં બદલ્યા વગર જ પથારીવશ થયો.








- રોહિત ભાવેશ

******************** ( ક્રમશઃ )*******************