My 20years journey as Role of an Educator - 16 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 16

આજીવન માનવતા નુ ભાથુ.
મારી શિક્ષણયાત્રા ના બે દાયકાની સફર માં દર વર્ષે મેં મારી શાળામાં અથવા મારા વર્ગ પોતાના કંઈક અવનવા પ્રયોગો કર્યા અને જેની વાત આપણે આ શ્રેણીમાં કરી રહ્યા છીએ. આજે એવી એક વાત કરવી છે કે જે માનવ તરીકે માનવતા સાર્થક કરવા માટેનું આજીવન ભાથું બાળકોએ અપનાવ્યું...એવી કેટલીક વાતો આજના અંકમાં આપ સૌ સાથે વહેંચતા ખૂબ જ રાજીપો અનુભવું છું...

*તહેવારોની અનોખી ઉજવણી*
"ગુરુ પુર્ણિમા એટલે ગુરુ એ શીખવેલ જ્ઞાનનો ઉપયોગ કરી તેને અમલમાં મૂકવું એ જ સાચી ગુરુ દક્ષિણા" આ ઉક્તિને સાર્થક કરી સાચા અર્થમાં ગુરુ પૂનમ ની ઉજવણી કરી, બાળાઓએ એમના પ્રિય ગુરુ ના માર્ગે ચાલવનું નક્કી કર્યું. એક વખત ધોરણ-૯ અને ૧૦ના વર્ગમાં પ્રોક્સી તાસમાં દીકરીઓ સાથે વાતો કરતા મેં કહ્યું હતું કે, "આજે ભારતમાં અનેક સમસ્યાઓ સાથે કુપોષણ પણ વિશાળ સમસ્યા છે.. ત્યારે દરેક વ્યક્તિ જાગૃત બને અને કુપોષિત બાળકોને મદદ કરે તો સમાજને કુપોષણ મુક્ત કરી શકાય." એવું સમજાવતા મારા આ સામાન્ય વાતચીતમાં આ વિધાનને વિદ્યાર્થીઓએ ખૂબ ગંભીરતાપૂર્વક લીધું અને કુપોષણમુક્ત સમાજનું અભિયાન શરૂ કરવાની પહેલ કરી. મેં વિદ્યાર્થીઓમાં આ અંગે વિસ્તૃત સમજ આપી હતી..દર વર્ષે બાળાઓ દ્વારા હવે નવું નવું કરવાનો ઉત્સાહ જાગતો જાતો હતો.. એ રીતે આ વર્ષે ગુરુપુર્ણિમા અને કુપોષણ વાળી બે વાત યાદ રાખી કંઈક નવી ઉજવણી કરવાના મૂડમાં સૌ બાળકો હતા...
આમ તો ગુરુપૂર્ણિમાએ બાળકો પોતાની શાળામાં પરંપરાગત રીતે ગુરુને ચાંદલો કરી, પગે લાગી અને કોઈને કોઈ ભેટ આપી દે. અથવા તો તૈયાર કાર્ડ આપી દે.એક વખત મેં વર્ગમાં સમજાવ્યું કે 'ગુરુને જે ગમે તે કરવું અને તે ભેટ આપવું એ જ એને ગુરુપૂર્ણિમા ની સાચી ભેટ કહેવાય.'મારા આ વિધાનને ધ્યાનમાં રાખીને દીકરીઓએ સરસ મજાની યોજના(અલબત મારાથી છૂપી રીતે) બનાવી. ગુરુપૂર્ણિમાના આગલા દિવસે મને ફોન આવ્યો કે આજે સાંજે આ જગ્યાએ તમારે છ વાગે ગમે એમ કરીને આવી જવાનું છે.. મને તો નવાઈ લાગી.. પણ મને ખબર હતી કે આમાં કંઈક મજાની સરપ્રાઈઝ હશે. એટલે મેં કહ્યું કે હું જરૂર આવી જઈશ. બાળાઓ પોતપોતાની રીતે તૈયારીઓ કરવા લાગી. મને 6:00 વાગે જે જગ્યાએ પહોચવાનું હતું, તે વિસ્તાર પછાત વિસ્તાર હતો. ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો, કે જ્યાં માતા-પિતા દરરોજનું કમાઈ અને દરરોજ ખાતા. આ વિસ્તારમાં બાળાઓએ મને બોલાવી.. હું ત્યાં પહોંચી ત્યારે દરેક દીકરીઓને હાથમાં કંઇ ને કંઇ વસ્તુઓ હતી અને આ વસ્તુ એટલે કેવી?? કોઈ તૈયાર બજારમાંથી લીધેલી ન હતી.. પણ દરેકના હાથમાં પોષણયુક્ત આહાર ના પેકેટ હતા. સરસ મજાના પેકેટ તૈયાર કર્યા હતા.. જેમાં જાતે ઘરે બનાવેલ સુખડી અને બટેટા પૌવા હતા.હું તો એ જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે વાહ એમાં પણ રિયા, તંજિલા,ફાતેમા, શ્રુતિ, ધ્રુવી, સ્તુતિ, બરખા, દ્રષ્ટિ, મિલી, મૈત્રી પ્રેરણા વગેરે દીકરીઓના એક ગ્રુપે પોતાના પોકેટ મનીમાંથી પૈસા બચાવી આવા બાળકો માટે પોષણયુક્ત આહાર મમ્મી ની મદદથી તૈયાર કર્યો હતો. જાતે હો...!! અંકિતાએ વાલી ના સહકાર થી ઘરે બનાવેલા આ પોષક આહાર સાથે મસાલાયુક્ત દૂધ જે મોટા દૂધના કેનમાં ભરી, સાથે કાગળના કપ લાવ્યા હતા. એટલે એમાં પણ ધ્યાન રાખ્યું કે પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કરવાનું!! કુપોષિત બાળકોની જમાડ્યા,દૂધ પીવડાવ્યું, ત્યાં થયેલ કચરો જાતેજ ભેગો કરી લેતા આવ્યા!!કુપોષણ નાબૂદી,પ્લાસ્ટિક હટાવો , સ્વચ્છતા અપનાવો ના ત્રિવેણી સંગમ એવા આ પ્રોજેક્ટમાં મોટું કામ તો માનવતાનું હતું... ખરેખર વિદ્યાર્થિનીઓએ સાચા અર્થમાં ગુરૂ પૂજા કરી તેની શિષ્યોની ખુશી હતી અને ભાવિ નાગરિક તરીકે એક ફરજ અંગે બાળકોને જાગૃત કર્યા તેથી તેના ઘડવૈયા તરીકે મારી ફરજ બજાવ્યાનો ગુરુ તરીકે ખૂબ સંતોષ થયો. ગુરુ શિષ્યની આવી અનોખી ગુરુપુર્ણિમા ની ઉજવણીને સમાજમાંથી ખૂબ જ આવકાર સાથે અભિનંદન મળ્યા... આવેલ વિદ્યાર્થીઓના વાલીઓ ખુબ ખુશ હતા કે ખરા અર્થમાં બાળકો એ કેળવણી મેળવી. મારા હર્ષાશ્રુ બંધ થવાનું નામ નહોતા લેતા જ્યારે તે વિદ્યાર્થિનીઓએ વાયદો કર્યો કે તેઓ દર વર્ષે આવું કંઈ કરતા રહેશે. આજે આ દીકરીઓ ઘણી મોટી થઈ ગઈ છે. પણ તેમના જન્મદિવસે અથવા ગુરુપૂર્ણિમાના દિવસે તેઓ જ્યાં છે ત્યાં તેમની આસપાસ માં આ કાર્ય કરતી રહે છે, એ સાચા અર્થમાં તેમણે આપેલો વાયદો નિભાવ્યો કહેવાય!!આભાર દીકરીઓ...

*રક્ષાબંધનની ઉજવણી*

સમાજમાં ગરીબ વર્ગના લોકો અને બાળકોને રાખડી બાંધી, અક્ષર જ્ઞાન આપી,સમાજ માટે એક નવું પ્રેરણારૂપ કાર્ય બાળાઓના એક જૂ થે ઉપાડ્યું.શાળામાં અગાઉની જેમ જ કંઈક વાતો વાતોમાં મારાથી એમને કહેવાય ગયું કે 'રક્ષાબંધન દિવસે પોતાના ભાઈને જાતે બનાવેલી રાખડી પહેરાવીએ તો એનો આનંદ અનેરો j હોય. અને એ સાથે કેટલાક લોકો અને આપણે પણ રક્ષાબંધનની ઉજવણી માં ઘણો બધો ખર્ચો કરીએ છીએ,કેક કાપીને,ભાઈ બહેન સાથે હોટેલમાં જમવા જઈએ.. તે બધા ખર્ચામાં થી થોડું ઓછું કરી ,કઈક વસ્તુ લઈને ગરીબ બાળકોને આપીએ તો કેવું સરસ રહે!?'
આ બંને વાત બાળાઓને જચી ગઈ. આ વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી થઈ. દરેક વિદ્યાર્થીઓએ રાખડી જાતે બનાવી (તે પણ વેસ્ટ માંથી બેસ્ટ )અને મને બતાવી કે અમારા ભાઈઓને અમે આ જ રાખડી પહેરાવીશું..હજુ આ આનંદને માણું,ત્યાં તો એનાથી પણ વધુ આનંદની પળો મારી રાહ જોઈ રહી હતી...
રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મને એક જૂથનો ફોન આવ્યો કે બેન અમે આ જગ્યાએ ઊભા છીએ તમે તાત્કાલિક અહીં આવો. બીજા કોઈ સામાજિક કાર્ય ની મીટિંગમાં હું રોકાયેલી હતી, પણ આતો દીકરીઓનો પ્રેમાળ હુકમ! એટલે જવું જ પડે. મને ખબર હોય કે કોઈ મને ગમતી સરપ્રાઇઝ જ મળે.. હું તો તરત જ પહોંચી ગઈ. જોયું તો ત્યાં દીકરીઓ પાટી,પેન,નોટ,બોલપેન, પાના લઈને જાતે બનાવેલી રાખડીઓ સાથે હાજર હતી. પછાત વિસ્તારના બાળકોને તેમની ઉમર મુજબ અલગ અલગ જૂથમાં બેસાડી,જાતે બેસીને પાટી-પેન નોટબુક આપીને ક,ખ,ગ શીખવતી હતી. મને તો ખૂબ નવાઈ લાગી. મેં પૂછ્યું કે આ બધું શું છે? ત્યારે તેમણે કહ્યું કે બેન 'તમે કહ્યું હતું કે રક્ષાબંધન ના દિવસે આપણે જે ખર્ચ કરીએ છીએ તેમાંથી આપણે બચાવીને આ બાળકો માટે કંઈક કરી શકીએ? તો બેન, ભેટ આપીએ તો એવી જ ભેટ આપીએ કે જેથી તેમને જિંદગીભર ઉપયોગી બને.. 'સાક્ષરતાની ભેટ' એ ઉત્તમ ભેટ કહેવાયને? કે જે તેમની જિંદગીભર કામ લાગશે. અને તેઓ આ મજૂરી અથવા અન્ય કામ ન કરતા સારું શિક્ષણ મેળવી આગળ વધી શકશે...અમે આ લોકોનો સમય મેળવી લીધો છે ને રોજ એમના સમયે અમે અહી આવી એમને અક્ષરજ્ઞાન આપીશું. જેની શરૂઆત આજથી કરી.'
નાની બાળાઓના મોટા વિચારો સામે હું તો સ્તબ્ધ બની ગઈ!! અને આનંદ આશ્ચર્ય સાથે એમની સાથે સાક્ષરતા અભિયાન માં જોડાઈ ગઈ. એ સાથે અગાઉની પ્રેરણા લઈને તેમણે પોષણયુક્ત આહાર તો જાતે ઘરે બનાવી લઈ જ આવ્યા હતા. પણ આજે વસ્તુ લાવ્યા હતા તે પણ પોતાના પોકેટ મનીમાંથી અને આવતીકાલે જે રક્ષાબંધનની ઉજવણી કરવાની હતી તે પૈસામાંથી લાવ્યા હતા તે મારા માટે વિશેષ આનંદની વાત હતી. રસ્તા પર ઝૂપડપટ્ટીના બાળકોને આ દીકરીઓ ભણાવતી હતી, તેની નોંધ કોઈ રાહદારીએ લીધી અને તરત જ મીડિયામાં ફોન કર્યો.. ટૂંક સમયમાં અમારા બધાના આશ્ચર્ય વચ્ચે મીડિયાની ટીમ અહીં આવી ગઈ અને બાળકોને કેમેરામાં વિડિયો અને ફોટો દ્વારા કેદ કરી લીધા... સમાજ સુધી તેમની ઉત્તમ કામગીરી પહોંચાડી પરિણામે બાળકોનો ઉત્સાહ ઔર વધ્યો... અને તેમની ખુશી પણ બેવડાઈ..
આવી જ પ્રેરણાદાયી વાતો આવતા અંકમાં ..