Pragati - 22 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 22

" અચ્છા....અહીંયા સુધી....!? " સુમિત્રાના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશ્ન બંને હતાં.

" હવે કામ પત્યું હોય તો....સિધાવ....નાસ્તો કરીને મંદિરે જવાનું છે આપણે....." વિવેક ત્યાંથી ચાલતો થયો.

પગફેરા સહિતની જુદી જુદી વિધિઓ પુરી કરતા કરતા આજે પ્રગતિને બંસલ મેન્શનમાં આવ્યાને પુરા આઠ દિવસ થઈ ચૂક્યા હતા. આ આઠ દિવસોમાં એને સુબોત ના સ્વભાવ તેમજ સુમિત્રાના વ્હાલનો પણ પરચો મળી ગયો હતો. સુમિત્રા એટલા તો સ્નેહાળ હતા કે એ ઘરમાં કામ કરતા દરેક કર્મચારીઓનો આદર કરતાં. ઘરના સભ્યોનું તો કંઈ ઠેકાણું હતું નહિ પરંતુ ઘરના કર્મચારીઓ રોજ બપોરે એક સાથે ડાઇનિંગ પર જમવા બેસતાં. ક્યારેક સુમિત્રા પણ એમની સાથે બેસી જતાં. એમના સુખ દુઃખની વાતો સાંભળતા. એક સમાજ સેવક હોવાને કારણે એમણે પોતાના ઘરમાં કામ કરતી અમુક સ્ત્રીઓને એમના ઘર અને પતિના માનસિક ત્રાંસથી બચાવ્યા હતાં અને એન્જીઓમાં રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. ઘરમાં કામ કરતા મહારાજનું તો બંસલ મેન્શન સિવાય કોઈ ઠેકાણું જ નહતું. એ જાતે જ આખો દિવસ રસોડામાં કામ કરતા અને સૌથી નીચેના માળે આવેલા નાનકડા રૂમમાં પોતાનો સંસાર કરીને બેઠા રહેતા. રામાયણ, મહાભારત જેવા પ્રાચીન પુસ્તકો વાંચન કરતા.ક્યારેક જ્ઞાનની વાતો કરતા તો ક્યારેક એ જ પ્રાચીન કેરેકટર્સને પોતાના જોક્સમાં વાપરતા. મહારાજની મનાઈ બાદ પણ વિવેકની લાખ જીદ પછી એણે મહારાજના રૂમમાં પલંગ બનાવડાવ્યો હતો પરંતુ એ હજુ સુધી નીચે પાથરીને જ સુતા હતા ક્યારેક વિવેકને ખરાબ ન લાગે એટલે એકાદવાર ઉપર સુઈ જતા. બાકી એમના જીવનમાં હવે માયાનું કોઈ સ્થાન રહ્યું જ નહતું. કાયમી મોજમાં રહેવાવાળા એક અલગ અને અદ્ભૂત માણસ હતા. પ્રગતિ એમની સાથે ભળી ગઈ હતી. એમણે વિવેકની બહેન અંજલીને પણ પિતાસમાન સ્નેહ આપ્યો હતો અને પ્રગતિ પર પણ એ જ પ્રેમ વરસાવતા. સુમિત્રાને મહારાજ સિવાય ઘરનો દરેક નાની મોટી ઉંમરનો કર્મચારી " મા " કહીને જ સંબોધતા. જ્યારે મહારાજ " સુમિત્રાબેન " કરીને સંબોધતા. એ માત્ર સ્નેહાળ જ નહતા એમની કડકાઈના કિસ્સા પણ સુબોત બંસલના સ્વભાવ કરતા વધુ પ્રચલિત હતા. એમને ફરિયાદ કરતી દરેક સ્ત્રીની એ ઉલટ તપાસ કરતા. ગમે ત્યાં ગમે એને જાણ્યા સમજ્યા વગર પૈસા આપવા કે મદદ કરવી એ એમના સ્વાભાવમાં નહતું. એક બે જણ ખોટું બોલવાના કારણે પકડાયા પણ હતા અને શરમના માર્યા એમણે બંસલ મેન્શન માં કામ કરવાનું છોડી દીધું હતું. ઉપરાંત પાંચ વર્ષના લગ્ન સંબંધ પછી અંજલી માંડ પ્રેગ્નનેટ થઈ હતી. ક્રિટિકલ કૅસને કારણે એના ગાયનેકએ એને બહુ હરવા ફરવાની છૂટ નહતી આપી લાંબુ ટ્રાવેલિંગ તો મના જ હતું. એનો પાંચમો મહિનો ચાલતો હતો પરંતુ એ ભાઈના લગ્નમાં આવવા તત્પર હતી. સુબોત સહિત દરેક એને જુદી જુદી રીતે સમજાવી ચૂક્યું હતું પણ એ માનવા તૈયાર જ નહતી. છેવટે સુમિત્રાએ એને સીધેસીધું કહી દીધું હતું કે ' ના એટલે ના આની આગળ એકપણ શબ્દ સાંભળવાની મારી તૈયારી નથી બીજી વાત કરવી હોય તો બોલ બાકી ફોન મુકું છું. '

પ્રગતિ એક અઠવાડિયામાં ઘણું સમજી ચુકી હતી એક બે વાર અંજલી સાથે પણ વિડીઓ કોલમાં વાત કરી ચુકી હતી પરંતુ એના અને વિવેકના સંબંધો હજુ ત્યાં ને ત્યાં જ હતા. કામ કરતા કરતા માંડ પ્રગતિ વિવેક સામે ખુલી થઈ હતી પરંતુ હવે એક જ રૂમમાં સાથે રહેતા રહેતા એને અજીબ લાગતું હતું. પહેલા જેટલો સંબંધ બંને વચ્ચે વિકસ્યો હતો કમ સે કમ એટલી ફ્રેન્કનેસ પણ હવે બંને વચ્ચે નહતી રહી શકતી.....

વિવેક ઓફિસે જવા માટે શૂઝ રેકની બાજુમાં રાખેલા સ્ટુલ પર બેસીને પોતાના બુટ પહેરી રહ્યો હતો. પ્રગતિ એ જ તરફ અંદર વોશરૂમમાં હતી ત્યારે જ બેડ પર પડેલો પ્રગતિનો ફોન વાગ્યો.

" પ્રગતિ, તારો ફોન વાગે છે...." વિવેકએ ત્યાં જ બેઠા બેઠા પ્રગતિને સાદ પાડ્યો.

" આવી....." પ્રગતિ બહાર આવીને જલ્દીથી બેડરૂમ તરફ ગઈ. બેડ પર પડેલા ફોનમાં ' રજત ' નામ વાંચીને એને નવાઈ લાગી.

" હેલ્લો..." પ્રગતિએ ફોન ઉપાડ્યો.

" આખરે તો તું કૂવામાં પડી જ ને...." રજતએ કહ્યું.

" તને મારો નંબર ક્યાંથી મળ્યો ? " પ્રગતિએ પૂછ્યું.

" તે તો આપ્યો નહતો એટલે ગમે ત્યાંથી મળ્યો હોય....તારે શું લેવા દેવા ? " રજત સતત ઊંચા અવાજે ફોન પર વાત કરી રહ્યો હતો.

" સૉરી. હજુ ગુસ્સે છે....? " પ્રગતિએ સાવ શાંતિથી કહ્યું.

" તારી......કહ્યું મને અંકલએ કે બે વિકની સુઈ કોણે મારી હતી એ ઉપરથી મને બોલાવ્યો પણ નહીં.....તારાથી થોડા દિવસ રહેવાતું નહતું ? " રજત હજુ ગુસ્સે હતો.

" પણ રજત વાત જ કંઈક એવી હતી અને પછી કામમાં અને આયુનું ધ્યાન રાખવામાં બીજું કંઈ સુજ્યું જ નહીં. પંદર દિવસ તો કઈ રીતે હવા થઈ ગયા ખબર જ ન રહી...."વાત કરતા કરતા પ્રગતિ ધીરે ધીરે બાલ્કની તરફ જતી હતી.

" પ્રગતિ, તારી પ્રોબ્લેમ શું છે ખબર છે....? તને તારા સિવાય આખી દુનિયાની પડી હોય છે....." હવે રજતનો અવાજ રડમસ થઈ ગયો હતો.

" રજત....." પ્રગતિએ કહ્યું.

" હવે મુક....જે હોય તે.....હવે તે આ નિર્ણય કર્યો જ છે તો હું તારી સાથે છું.....મેં એટલે ફોન કર્યો હતો કે આજે રાત્રે ડિનર પર આવવાનું છે મારા ઘરે...." રજતએ પોતાનો મૂડ બદલ્યો.

" અરે...રજત મને અહીંયા આવ્યે ફક્ત આઠ દિવસ થયા છે......એમાં પણ બે દિવસ ઘરે હતી. તું સમજ હું અહીંયા કઈ રીતે વાત...." પ્રગતિ હજુ બોલતી જ હતી ત્યાં રજતએ વચ્ચેથી જ એની વાત કાપી. " તો...? તને એકલીને નથી બોલાવ્યું કંઈ..... આયુ ને રોહિત પણ આવાના છે અને વિવેકને પણ ઇનવાઇટ કર્યું છે..... આવી બહુ મોટી ના પાડવાવાળી...." કહીને રજત સહેજ અટક્યો. વિવેક રૂમમાં દાખલ થયો ત્યારે પ્રગતિનો જરાક ઊંચો અવાજ સાંભળીને એણે ઈશારો કરીને જ ' કોણ છે ? ' એવું પૂછ્યું . પ્રગતિએ હાથ ના ઈશારાથી એણે રાહ જોવા કહ્યું.

" હું ચાર દિવસથી અહમદાવાદ જ છું....એમ કહે કે એટલીસ્ટ મેં તારો હનીમૂન પિરિયડ તો નથી જ બગાડ્યો હો...." રજત પોતાના મૂળ સ્વાભાવમાં આવીને હસ્યો.

" શું બકવાસ કરે છે....હું વાત કરું છું ઘરે...." પ્રગતિ ફોન કાપીને અંદર આવી..." રજતનો ફોન હતો....મારો ફ્રેન્ડ છે...સ્કૂલનો.....ડિનર પર બોલાવે છે.... આયુ અને રોહિત પણ આવાના છે...." માંડ કરીને પ્રગતિ આટલું બોલી શકી. " હમમ...." વિવેક કંઈ વિચારી રહ્યો હતો.

" પ્રગતિ, આ....આ રજત એટલે રજત બક્ષી કે ? " વિવેકએ ભાવ સંકોચીને પૂછ્યું.

" હા....એ જ...."

" હું એ જ કહેતો હતો.....મને કાલે રાત્રે એનો મેસેજ આવ્યો હતો .....હું વિચારું...... કે આ માણસ કલાયન્ટ હોવા છતાં આટલો ફેમિલિયર શાનો થાય છે......હવે સમજાયું...." વિવેકએ પ્રગતિને જાણ કરી.

" તો...." પ્રગતિ કંઈક કેહવા જઇ રહી હતી.

" જઈશું....." વિવેક વાળ સરખા કરી બહાર નીકળવા ગયો..." અ.... મા...." વિવેક બેઠક રૂમની નજીક પહોંચી ગયો હતો....." હું વાત કરી લઈશ...." પ્રગતિ આગળ કંઈક કહે એ પહેલાં જ એને દૂરથી વિવેકનો હવામાં ગુમ થતો અવાજ સંભળાયો.....

બંસલ મેન્શનમાં પહેલા માળે સુબોત અને સુમિત્રાના કમરાની બાજુમાં એક અગાશી બનાવાય હતી. એ અગાશી મરચા, દાળ તેમજ અન્ય રસોઈમાં વપરાતી ચીજો સૂકવવા માટે વપરાતી હતી. એ જગ્યા પર સૂર્યનો પ્રકાશ વધુ આવવાથી ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરાય હતી સાથે સાથે ત્યાં બેસવા માટે એક ખાટલો પણ હતો. પ્રગતિ એ ખાટલાની સહેજ આગળ ચા નો કપ લઈને સામેની બાજુ દેખાતા બગીચાને જોતા જોતા બેઠી હતી ત્યારે પાછળ અચાનક જ કોઈએ એના માથા પર હાથ મુક્યો.

" મા...." ચા નો કપ બાજુ પર મૂકીને પ્રગતિ ઉભી થવા ગઈ.

" બેસ બેસ...." એમ કહીને સુમિત્રાબેન પણ એની પાછળ ખાટલા પર ગોઠવાય ગયા. એમનો હાથ હજુ સુધી પ્રગતિના માથા પર ફરતો હતો.

" શું વિચારે છે....? હવે કામ પર લાગવું જોઈએ એમ ને....? " સુમિત્રાની વાત સાંભળીને પ્રગતિએ સીધું જ એમની સામે જોયું.

" મને કેમ ખબર પડી એવો જ પ્રશ્ન છે ને તારો...." પ્રગતિના મુખ પર પ્રશ્નાર્થના ભાવો પારખીને સુમિત્રાબેનએ કહ્યું.

" અ... હા એટલે..." પ્રગતિને શું બોલવું એ સમજાતું નહતું.

" તું મારી મદદ કરવા નથી આવતી એને કેટલો સમય થયો....! જો બધે જ એકલી પહોંચી વળવાની હિંમત ધરાવતી હું ચાર દિવસ તારો સાથ પામ્યા બાદ એકલા પરેશાન થતી હોવ તો હું સમજી શકું છું કે તારા વગર ઓફિસમાં કેટલી ઉથલપાથલ મચી હશે....! " કહીને સુમિત્રા હસી પડ્યા. પ્રગતિ પણ સહેજ હસી.

" ના મા.... એવું તો નથી. ત્યાં બધા જ હોંશિયાર છે. બધું જ બરાબર સાચવતા હશે બસ મારુ કામ પેન્ડિંગ પડ્યું હશે....આખરે કોઈ પણ જાતનું નુકસાન તો ન જ થવું જોઈએ ને.......છતાં મારી ચિંતા સહેજ જુદી છે..." પ્રગતિએ સ્પષ્ટતા કરી.

" ચોક્કસ. " સુમિત્રાએ કહ્યું પછી સહેજ અટકીને ઉમેર્યું, " જાણું છું.....તારી ફિકરને હું બરાબર સમજુ છું. પ્રગતિ, જો સામે પહેલું ઝાડ દેખાય છે....? " સુમિત્રાએ ઘરના પ્રાંગણમાં ઉગાડેલ ઘટાદાર લીમડાનું વૃક્ષ બતાવીને કહ્યું.

" હા...."

" તને શું લાગે છે...? એ એમનેમ આટલું સુંદર અને મજબૂત બન્યું હશે....? "

" મતલબ...." પ્રગતિ સુમિત્રાની વાતોને સમજવાનો પ્રયાસ કરતી હતી.

" મતલબ એમ બેટા કે જમીનમાં માત્ર બીજ વાવવાથી આ પરિણામ શક્ય નથી બનતું. " સુમિત્રાએ લીમડાના ઝાડ સામે હાથ ધરીને કહ્યું ને પછી આગળ ઉમેર્યું, " બીજ વાવ્યા પછી એમાં સમયે સમયે યોગ્ય ખાતર ઉમેરવું પડે, નિયમિતપણે પાણી પાવવું પડે અને ત્યાં સુધી ધ્યાન આપવું પડે.... કે છોડ ઉગે પછી પણ સડી ગયેલા પાંદડા આખો છોડ ન બગાડે માટે એમને તોડીને ફેંકવા પડે ત્યારે જઈને વર્ષોની મહેનત પછી આ પરિણામ આવે છે.......સંબંધોમાં પણ કંઈક આવું જ હોય છે...." પ્રગતિ એમને જોઈ જ રહી. એ શું સમજાવી રહ્યા હતા એ હવે પ્રગતિને બરાબર સમજાય રહ્યું હતું. થોડીવાર રહીને સુમિત્રાએ દૂર શૂન્યમાં જોઈને કહ્યું, " બેટા, જો એકવાર આ પરિસ્થિતિ પામી જઈએને તો પછી કોઈ થડ કાપી નાખે ને તો પણ મૂળ તો એમના એમ જ રહે છે......" પ્રગતિને સુમિત્રાની આંખોમાં પારાવર પીડા દેખાય. " મા...." પ્રગતિનું ગળું ભરાય આવ્યું એણે પોતાનું માથું સુમિત્રાના ખોળામાં ઢાળી દીધું.

" મા, હું શું કરું ? " પ્રગતિએ પૂછ્યું. સુમિત્રાનો સ્નેહાળ હાથ પ્રગતિના માથા પર ફરી રહ્યો હતો.

" એ હું કઇ રીતે કહી શકું...! " સુમિત્રાના આ વલણથી પ્રગતિ વધુ ચિંતામાં સંડોવાય. " હું તો તમને રસ્તો બતાડી શકું પછી ત્યાંથી કેવી રીતે જવું એ તો તમારે જ નક્કી કરવાનું હોય ને......અચ્છા....કામ પર ક્યારે જાય છે ? "

" લગભગ આજે જ...." બોલતા બોલતા પ્રગતિ અચાનક જ કોઈ વિચારથી જાટકા સાથે સુમિત્રના ખોળામાંથી બેઠી થઈ. " મા, હું વિવેક માટે ટિફિન લઈ જાવ ? " પ્રગતિએ પૂછ્યું.

" જઈ શકાય...." સુમિત્રાએ કહ્યું. " થેન્કયું મા " પ્રગતિ ઉભી થઈને સુમિત્રાને ગળે વળગી ખુશી ખુશી ત્યાંથી જતી રહી.....

આયુ પણ ધીરે ધીરે પોતાને નવા ઘરમાં એડજેસ્ટ કરવા લાગી હતી. રોહિત અને આયુએ કેશવ અને પ્રેરણા સાથે બેસીને બધી જ વાતોની સ્પષ્ટતા કરી હતી. પ્રેરણાબેન પહેલા ગુસ્સે થયા હતા પરંતુ કેશવને આ ખુશખબર સાંભળીને અત્યંત આનંદ થયો હતો એમણે જેમ તેમ કરીને પ્રેરણાને મનાવી જ લીધા. એ વારે વારે પ્રેરણાને કેહતા કે , " લોકો દાદા દાદી બનવા માટે કેટલા તડપતા હોય છે....તારે આંગણે આ ખુશી આવી જ છે તો તું સ્વીકારતી નથી." ઉપરથી બાળક સમી આયુ હતી જ એટલી પ્યારી કે બધા એને લાડ કરતા. પ્રેરણા આયુનું ધ્યાન રાખવાના બધા જ સૂચનો વારે વારે રોહિતને આપતી રહેતી. આયુના લાડ કરવાથી પ્રેરણાબેન ઘરે આટો મારતા રહેશે અને સાતમે મહિને રહેવા જ આવી જશે એમ કહીને કેશવ અને પ્રેરણા હજુ કાલે જ વિદેશ જવા નીકળ્યા હતા. હવે આયુ અને રોહિત ઘરે એકલા રહેતા હતા....

રસોડામાં મહારાજ અને પ્રગતિ ખડખડાટ હસી રહ્યા હતા." શું વાત છે વહુદીકરા તમને પણ જોક્સ મારતા તો આવડે છે હો...." ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને મહારાજ એ ઢાંકણું ખોલ્યું.

" અરે ના ના....આ મારો જોક્સ નથી.....રજત નો છે...." પ્રગતિએ રસોઈ કરતા કરતા કહ્યું.

" એ કોણ ? " પાણીની બોટલ પાછી ફ્રિજમાં ગોઠવાય.

" છે કોઈ.....અચ્છા મહારાજ આજે રાત્રે અમારી રસોઈ નહિ કરતા હું અને વિવેક રજતના ઘરે જમવા જવાના છીએ. " પ્રગતિએ દાળનો વઘાર કર્યો. રસોડામાં જે સોડમ ફેલાય એનાથી ખેંચાયને સુમિત્રા પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે અંદર આવવાનું મુનાસીબ ન સમજતા એ બહારે જ ઉભા રહીને પ્રગતિને જોતા રહ્યા. પ્રગતિના ચહેરા પર જે ચમક હતી , જે ઉત્સાહ હતો એ જોઈને સુમિત્રાને આનંદ થયો.....

' ફેશન હાઉસ' માં કાયમની જેમ બપોરના સમયે વિવેક ત્યાં આવી પહોંચ્યો હતો. ઓફિસમાં જઈને એણે ઘડિયાળ જોઈ લગભગ એક વાગ્યો હતો. દરરોજ વિવેકનું ટિફિન બપોરના સમયે ફેશન હાઉસમાં જ જતું અથવા સુમિત્રા ખુદ ટિફિન લઈને એની સાથે જમવા આવતા. ક્યારેક સમય રહે તો જ વિવેક ઘરે જતો. આજે પણ હમણાં ટિફિન અથવા મા આવશે એ વિચારે વિવેક રાહ જોતા જોતા બે ચાર ફાઈલો ફિંદતો હતો.

" વેરી ગુડ આફટરનૂન " દરવાજે ઉભેલી પ્રગતિએ ઉત્સાહથી વિવેકને કહ્યું. એના હાથમાં બે બેગ્સ હતી.

" તું....? " વિવેકને નવાઈ લાગી.

" કેમ ? હું ન આવી શકું.... " પ્રગતિએ ટિફિન બતાવ્યું.

" અચ્છા...." વિવેક હજુ પણ વિશ્વાસ નહતો કરી શકતો.

" જમીએ ? મને પણ ભૂખ લાગી છે...." પ્રગતિએ કહ્યું.

" હા હા....." વિવેકએ જમવા માટેની ગોઠવણ કરી...

પ્રગતિએ દાળ - ભાત, શાક , રોટલી જેવું સામાન્ય ભોજન જ બનાવ્યુ હતું. બંને જણા ધીમે ધીમે શાંતિથી જમી રહ્યા હતા. બે માંથી કોઈ કંઈ બોલતું નહતું.

પ્રગતિએ એક ખોંખારો ખાધો પછી પૂછ્યું, " કેવું છે ? "

" શું ? " વિવેકના આ પ્રશ્નથી પ્રગતિએ નેણ ઊંચા કરીને ટેબલ પર શિફ્તથી ગોઠવાયેલા ટિફિનના ખુલ્લા ડબ્બાઓ ને જોયું.

" ઓહહ....તે બનાવ્યું ? સરસ..... થેન્ક્સ. " વિવેકએ કહ્યું.

" બસ...." પ્રગતિના મોં માંથી સરી પડ્યું.

" અરે....સાચે જ સરસ છે....મને પહેલા ખબર જ ન પડી કે આ મહારાજએ નથી બનાવ્યું....સાચે જ આઈ સ્વેર...." વિવેકએ સફાઈ આપી.

" ઇટ્સ ઓહકે......"

બંને જમીને ઉભા થયા ત્યારે પ્રગતિ વ્યવસ્થિત રીતે ટિફિન પેક કરી રહી હતી. " અ.... તું જાય છે ? " વિવેકએ કુતૂહલવશ પૂછ્યું.

" ના.....બહુ કામ છે...." પ્રગતિએ બંને બેગ્સ ટેબલ પર ગોઠવ્યા અને વિવેકને સ્મિત આપીને ત્યાંથી જતી રહી. વિવેકને પ્રગતિની આ કોશિશ બહુ ગમી. એ મનોમન તો ઘણો ખુશ થયો પરંતુ એણે પોતાની ખુશી બહુ જાહેર ન કરી.

ઘણા દિવસો પછી પ્રગતિ ઓફિસે આવી હતી અને હવે એ પ્રગતિ શર્મા નહીં....પ્રગતિ વિવેક બંસલ હતી.હવે એનાથી ઓફિસના દરેક કર્મચારીઓ ડરતા હતા....પ્રગતિ ઓફિસમાં આટલો ભારેખમ વાતાવરણ સહન ન કરી શકી. એણે બધા સાથે પહેલા જેવો જ વ્યવહાર કર્યો ત્યારે છેક બધા હળવા થયા.

" એય....શ્રેયા, આ જો તો...." પ્રગતિ ખુરશીની પાછળ એને ટેકવીને ઉભા રહી લેપટોપમાં જોઈ રહી હતી.

" કેવી છે ? " પ્રગતિએ લેપટોપમાં બનાવેલી ડિઝાઈન બતાવી ખુશ થતા પૂછ્યું.

" સરસ....છે...." શ્રેયાએ કહ્યું.

" હેને....કેટલા સમયથી મારા મગજમાં હતી આજે જઈને બનાવી. " પ્રગતિએ કહ્યું.

" ઇટ લુકસ લાઈક....સિન્ડ્રેલાસ ડ્રેસ..." શ્રેયાએ કહ્યું ત્યારે સામે બેઠેલી નિશાએ એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

" હેં.....આમાં કઈ અલગ નથી લાગતું. " પ્રગતિએ કુતૂહલવશ શ્રેયાની સામે જોયું.

" અ.... બ....ન એટલે....સારી છે એમ તો " શ્રેયા અચકાય.

પ્રગતિએ શ્રેયાના ચહેરા પરના ભાવ પારખીને કહ્યું, " શું કામ ખોટું બોલે છે......જે હોય તે કઈ દેવાનું....એટલે જ તો તને પૂછ્યું. કમ ઓન લેટ્સ અપગ્રેડ ધીસ....." શ્રેયા પ્રગતિની મદદ કરવા લાગી......

વિવેક અને પ્રગતિના લગ્ન આટલા જલ્દી થયા અને આજે પ્રગતિ પણ ત્યાં હતી એટલે બધાએ પાર્ટી પાર્ટી કરીને વિવેકનું મગજ ખાલી કરી નાખ્યું હતું. સાંજે ચાર વાગ્યે વિવેકએ ફેશન હાઉસના બે પુરુષ કર્મચારીઓને નાસ્તો પાણી લેવા મોકલ્યા.....

વર્કિંગ એરિયામાં જબરદસ્ત પાર્ટી ચાલી રહી હતી. પ્રગતિ કેટલા સમય પછી આવી તો પણ ધાર્યું એટલું કામ એનાથી થયું નહતું અને બાકીના કર્મચારીઓને વહેલી છૂટી મારવાનો મોકો મળી ગયો હતો. બધા જ પ્રગતિ અને વિવેકને વિશિસ આપી રહ્યા હતા અને પોતાની રીતે મજા કરી રહ્યા હતા.

" પ્રગતિમેમ, પેલા બક્ષી સરનું શુ થયું ? એ આવાના કે નહીં ? " નિશા સાથે બેસીને નાસ્તો ફરમાવતી શ્રેયાએ કહ્યું ત્યારે પ્રગતિ એનાથી સહેજ દૂર ઉભી કોઈક સાથે વાત કરી રહી હતી. શ્રેયાનો અવાજ સાંભળીને પ્રગતિએ નવાઈ ભરી નજરે એની સામે જોયું.

" તું મૂંગી મર ને......પ્રગતિ મેમ આવ્યા ત્યારની ચપળ ચપળ કરે છે.....તને બહુ પંચાત છે બક્ષી સરની....." બાજુમાં બેઠેલી નિશાએ શ્રેયાને ખખડાવ્યું.

" ના હું તો એમ જ....પૂછતી હતી...." શ્રેયાએ મોં નીચે કરીને કહ્યું.

" હા....એમ જ પૂછતી હતી...." નિશાએ એના ચાડા પાડ્યા....અને પછી કહ્યું, " અત્યાર સુધી બક્ષી સરની એપોઇન્ટમેન્ટ છે કે નહીં....છે કે નહીં....કરી કરીને મારુ મગજ ખાધું ને હવે પ્રગતિનું પણ ખાય છે.......યાદ રાખ એ હવે વિવેક સરના વાઈફ છે.....સમજી. તે દિવસે તો ' બક્ષી સરએ મારી બે કલાક બગાડી.....' એમ કરી કરીને આખી ઓફિસ માથે લીધી હતી ને હવે..... ! આવી મોટી. " બંને જણા વાત કરી રહ્યા હતા ત્યારે પ્રગતિ એમની નજીક પહોંચી ચુકી હતી. પ્રગતિએ એક બે વાક્યો સિવાય લગભગ બધી જ વાતચીત સાંભળી હતી.

" આજે મળવાની છું હું રજતને....એવું ચોક્કસ કહીશ કે તને કોઈ યાદ કરી રહ્યું હતું....." પ્રગતિએ શ્રેયાની નજીક જઈ માત્ર એ બંનેને જ સંભળાય એ રીતે શ્રેયાની પીઠ થાબડીને કહ્યું. પછી સહેજ હસીને ત્યાંથી જતી રહી. શરમને મારે શ્રેયાનો ચહેરો લાલ થઈ ગયો......
To be Continued

- Kamya Goplani