Pragati - 23 books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ભાગ - 23

" આજે મળવાની છું હું રજતને....એવું ચોક્કસ કહીશ કે તને કોઈ યાદ કરી રહ્યું હતું....." પ્રગતિએ શ્રેયાની નજીક જઈ માત્ર એ બંનેને જ સંભળાય એ રીતે શ્રેયાની પીઠ થાબડીને કહ્યું. પછી સહેજ હસીને ત્યાંથી જતી રહી. શરમને મારે શ્રેયાનો ચહેરો લાલ થઈ ગયો......

ઓફિસની પાર્ટીમાં મોડું થઈ ચૂક્યું હતું એટલે પ્રગતિ અને વિવેક ત્યાંથી જ તૈયાર થઈને રજતના ઘરે જવા માટે નીકળ્યા....

રજતનું ઘર એટલું મોટું નહતું પરંતુ આધુનિક સુવિધાઓથી ભરપૂર હતું. પોતે ઘરમાં એક રસોઈ કરતા પ્રભુદાદા સાથે એ એકલો રહેતો હતો અને ઘરના બીજા કામો કરવા માટે દિવસના સમયે એક બાઈ આવતી હતી. રજત ઘરમાં ભાગ્યે જ ટકી રહેતો. એને પોતાના કામ માટે જુદા જુદા શહેર ફરવું પડતું. અહમદાવાદ અને મુંબઈમાં એનું પોતાનું ઘર હતું બાકી જ્યારે એ બીજા શહેરોમાં જતો ત્યારે હોટેલમાં અથવા રૂમ ભાડે રાખીને રહેતો હતો. બરાબર આઠ વાગ્યે રજતના ઘરની બેલ વાગી. દરવાજો ખુલતા જ સામે રોહિત અને આયુ ઉભેલા દેખાયા.

" હાય ડાર્લિંગ....." રજત આયુને ભેટ્યો. આયુએ એને ગાલ પર એક પપ્પી કરી. રજતની પક્કડમાં ઉભેલી આયુ દરવાજે ઉભેલા રોહિતના ચહેરાનો રંગ ઉડતા જોઈ રહી.....પુરા દસ સેકન્ડ પછી રજત અને આયુ બંને એકસાથે હસી પડ્યા....

" તારા છોકરાની મા બનવાની છે એ.....આ બધું શું એલફેલ વિચારે છે...." રજતએ રોહિતના માથા પર એક ટપલી મારી પછી એના ખભ્ભે હાથ વીંટાળી બંનેને અંદર લઈ ગયો.

" લાગે છે.....હું આવું કે નહીં એનાથી કોઈને ફેર જ નથી પડવાનો....." દરવાજે ઉભેલી પ્રગતિએ કહ્યું. રજત ઊંધો ફર્યો અને બંને હાથવાળીને મોઢું બીજી દિશામાં ફેરવીને ગુસ્સાનો ઢોંગ કરવા લાગ્યો.

" અચ્છા..... તો હું જાવ છું બાય...." પ્રગતિ પાછળ ફરીને જઈ રહી હતી. " એ....ઉભી રહે...." રજતએ દોડીને એનો હાથ પકડ્યો.

આછા ગુલાબી અને પીળા રંગની સોબર સાડીમાં પ્રગતિ ખૂબ જ સુંદર લાગી રહી હતી. " બાય ધ વે યુ આર લુકિંગ ગોરજીયસ " રજતએ હજુ સુધી પ્રગતિનો એક હાથ પકડી રાખ્યો હતો એણે પ્રગતિને આંખ મારી. પ્રગતિ હસી પડી. કાર પાર્ક કરીને પ્રગતિની પાછળ આવેલા વિવેકએ આ દ્રશ્ય જોયું....

બધા એકસાથે બેસીને અલકમલકની વાતો કરી રહ્યા હતા. " સરપ્રાઈઝ....." રજતના હાથમાં ફોટોગ્રાફસની એક થપ્પી હતી.

" મને આપ...." પ્રગતિએ રજતના હાથમાંથી એ લઈ લીધી. એમાં ત્રણેયના નાનપણના ફોટા હતા. ક્યારેક સ્કૂલ ફંક્શનમાં, સ્પોર્ટસ કલબમાં કે પછી પ્રગતિના ઘરમાં સંજયભાઈએ પાડેલા લગભગ પચાસ એક ફોટોગ્રાફસ હતા. થોડીવાર પછી આખું ટેબલ ફોટોગ્રાફસથી ભરાય ગયું હતું. પ્રગતિએ વચ્ચે વચ્ચે પોતાના અને રજતના એક બે ફોટોઝ બતાવીને વિવેકને એની હિસ્ટ્રી પણ જણાવી. પ્રગતિને હસતી જોઈને વિવેકની આંખોમાં એની માટે વધુ ને વધુ લાગણીઓ ઉભરાતી જતી હતી. એક ફોટામાં આયુ એકદમ ભોંદુ લાગી રહી હતી. મોટા મોટા ગાલ સાથે ગોળમટોળ પેટ ધરાવતી આયુએ બે ચોટલા વળ્યાં હતા જે આગળની તરફ હતા. રોહિત છેલ્લા દસ મિનીટથી એને એ ફોટો બતાવી બતાવીને ચીડવી રહ્યો હતો.

" મને પણ આવું જ ટેડીબીયર આપીશ ને....હેં આયુ...." રોહિતએ ધીમેથી આયુના કાનમાં કહ્યું. આયુ રોહિતની પાછળ પડેલો પીલો લઈને એને મારવા લાગી....રોહિત સતત હસી રહ્યો હતો.

" અરે આયુ શું કરે છે......" પ્રગતિએ ચિંતાના સ્વરમાં કહ્યું.

" એ મજા કરે છે....તું આ જો...." રજતએ પ્રગતિનો હાથ પકડીને એને ખેંચી. રજત જે સોફા પર બેઠો હતો પ્રગતિ એ સોફના હાથ પર બેસી ગઈ....

" એ રજતભાઈ, તમે ડોશીને કેમ ના બોલાવી....? " આયુએ એક ફોટોમાં ડોલીને જોઈને પૂછ્યું.

" એ ડાકણને કોણ બોલાવે......" રજતએ કહ્યું ત્યારે આયુ હસી પડી.

પ્રગતિ ઉભી થઇ એણે વારાફરથી બંનેની સામે જોયું. બંને ચૂપ થઈ ગયા. " સોરી વિવેક...." પ્રગતિએ કહ્યું.

" પણ એમાં એને શું કામ સૉરી કે છે.....હા એટલે મને ખબર છે કે અભય વિવેકનો સારો મિત્ર છે.....આયુએ કહ્યું હતું, પણ આ તો બે ઘડી મજાક. વિવેક, મને અને ડોલીને પહેલેથી જ બનતું નથી સો..... પ્લીઝ ડોંટ માઈન્ડ હાં...." રજતએ સ્પષ્ટતા કરી.

" ઈટ્સ ઓહકે. " ચારેય ફોટા જોવામાં વ્યસ્ત હતા અને વિવેક સતત પ્રગતિને જોઈ રહ્યો હતો. એણે બેઠા બેઠા પ્રગતિના એક બે ફોટા પણ પાડ્યા.

બધા જ્યારે ડિનર ટેબલ પર ગોઠવાયા ત્યારે રજત પ્રભુદાદા સાથે જાતે ડીનર ડાઇનિંગ પર ગોઠવી રહ્યો હતો. પ્રભુદાદા રજતના એકમાત્ર હિતેચ્છુક હતા. મુંબઈ જવાનું હોય કે અહમદવાદમાં રહેવાનું હોય રજતની સાથે સાથે એમની પણ ટીકીટ થઈ જ જતી. જ્યારે એક બે દિવસ માટે જ બહુ દૂર જવાનું થાય ત્યારે જ રજત એમને કોઈ તકલીફ ન આપતો.

" અરે વાહ.....રજતભાઈ તમને હજુ સુધી મોટીની ફેવરિટ ક્યુઝીન યાદ છે.....! " ડાઇનિંગ પર ગોઠવાયેલી બધી જ સાઉથ ઇન્ડિયન વાનગીઓને જોઈને આયુ અચંબિત થઈ ગઈ.

" ઓફકોર્સ. " રજત ટેબલ પર ગોઠવાયો. " લેટ્સ...સ્ટાર્ટ...." રજતએ પોતાના બંને હાથ ઘસીને કહ્યું.

બધા જમી રહ્યા હતા. કોણ જાણે ક્યા વિચારથી પ્રગતિએ પોતાની ચમચીમાં લીધેલી ઇડલીની બાઈટ વિવેક તરફ ધરી. વિવેક અકળ નજરે એની સામે જોઈ રહ્યો. પછી એણે પોતાનું મોઢું ખોલ્યું. રોહિતએ બાજુમાં બેઠેલી આયુને હાથ માર્યો પણ આયુએ કંઈ જ ન જોયું એ બસ પોતાની થાળીમાં સતત ચમચી ઘસી રહી હતી.

" આ મોઢું શું કામ બગાડ્યું છે.......તારી માટે પણ ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર જ છે....." રજતનો અવાજ સાંભળતા જ આયુ ખુશ થઈને ઉછળી પડી. પ્રગતિ અને વિવેકનું ધ્યાન પણ એ તરફ પડ્યું.

" થેક્સ રજત પણ આયુ આઈસ્ક્રીમ નહીં ખાય...." રોહિતએ કહ્યું એટલે ફરીથી આયુનું મોઢું ઉતરી ગયું.

" રિલેક્સ રોહિત.....મને પણ આયુની ચિંતા છે જ....મેં એના માટે સ્પેશ્યલી માથે ઉભા રહીને આઈસ્ક્રીમ બનાવડાવી છે....સો ડોંટ વરી. " રજતએ પ્રગતિની સામે જોયું. પ્રગતિએ મુક સંમતી આપી, પરંતુ આયુ હજુ પણ રોહિતના જવાબની રાહમાં એની સામે જોઈ રહી હતી. " ઠીક છે...." રોહિતએ આયુના ગાલ થપથપાવ્યા.

" આઈ કેન મેક સમથિંગ એલ્સ ફોર યુ...." પ્રગતિએ ફરી વિવેકની લગભગ ખાલી પડેલી થાળી સામે જોઇને કહ્યું.

" ના ના....એક્ચ્યુઅલી મને ભૂખ નથી. નથિંગ એલ્સ. તું ખા...." વિવેકએ કહ્યું અને આ વખતે પ્રગતિએ ઓફર કરેલી ઇડલી એણે ફેરવીને પ્રગતિને જ ખવડાવી.

" આર યુ શયોર...." પ્રગતિએ ભવા સકોચ્યા. " હા હા....." વિવેકએ ટીશયું બોક્સમાંથી એક ટીશયું લઈને પોતાના હાથ સાફ કર્યા.

જમીને પ્રગતિ રજતના રસોડામાં આમ તેમ આટા મારી રહી હતી. એણે ફ્રીજ ખોલી. ફ્રીજના દરવાજામાં પડેલી દરેક બોટલ તપાસીને પછી ફ્રીજ બંધ કર્યું.

" આ લો....ફ્રેશ...." રજતએ એક હાથે ખાલી બાઉલ પકડ્યું હતું અને બીજા હાથેથી જ્યુસનો ગ્લાસ પ્રગતિ તરફ ધર્યો.

પ્રગતિએ ગ્લાસ લીધો અને કહ્યું, " તને આ પણ યાદ હતું....! " પ્રગતિને જમ્યા પછી અડધો ગ્લાસ જ્યુસ પીવાની ટેવ હતી.

" ઓબવ્યસલી.....તારા સિવાય મારું છે કોણ ? " રજતના અવાજમાં પહેલીવાર ઉદાસીનો લ્હેકો હતો. પ્રગતિ ત્યાં જ કિચેનમાં પડેલા નાના રાઉન્ડ ટેબલ પર બેસી ગઈ. મોટા ભાગે પ્રભુદાદા અને રજત ત્યાં જ બેસીને નાસ્તો કરતા કે જમતા. સામેની ખુરશી ખેંચીને રજત પણ ગોઠવાયો. એણે પોતાના બે પગ ટેબલ ઉપર ગોઠવ્યા.

" હા તો....શું થયું તમારું ? " રજતએ પ્રગતિની સામે જોયું.

" શેનું ? " પ્રગતિ જ્યુસ પી રહી હતી.

" અરે....તારું અને વિવેકનું......બીજું કોનું ? કઈ થયું ? " રજતએ પૂછ્યું.

" ના....કંઈ ખાસ નહિ. આઈ એમ ટ્રાઈંગ ટુ કોપ અપ.......એવું લાગે છે જાણે બે માણસો સતત એક જ રૂમમાં પુરાયને ભટકતા રહ્યા છીએ.....જે માત્ર એકબીજાને ઓળખે છે.....બસ " પ્રગતિએ ગ્લાસ ખાલી કરી અવાજ સાથે ટેબલ પર મુક્યો.

" હા....અત્યારે જોયો મેં તમારો પ્રેમાલાપ. " રજત પગ નીચે ઉતારીને સીધો બેઠો.

" અરે.....હી વોઝ ઇટિંગ નથિંગ....એટલે મેં...." પ્રગતિ વધુ કંઈ કહે એ પહેલાં જ રજત બોલી ઉઠ્યો. " જો મેં તને પહેલા જ કહ્યું હતું આમાં તું હેરાન થઈ જઈશ. મારી વાત માનીને મારી સાથે પરણી ગઈ હોત તો....હવે ફસાઈ ને........" બધા કામ કરી રહ્યા હતા એટલે વિવેકને પણ થયું કે એ પણ બે ચાર ચીજો ઉઠાવીને રસોડામાં લઈ જાય પરંતુ રજતના આ વાક્યથી એના પગ ત્યાં રસોડાની બહાર જ અટકી ગયા.

" અરે...તમે શું કામ તકલીફ કરી.....? " પ્રભુદાદા વિવેકના હાથમાં પડેલી ચીજો લઈને જતા રહ્યા. વિવેકને ફરી એ તણાવ ભર્યા વિચારો આવ્યા.....એને ફરી ફરીને સંજયભાઈએ પ્રગતિને વળાવતી વખતે પોતાને કહેલા શબ્દો યાદ આવ્યાં. એ ત્યાંથી જતો રહ્યો....

" તું મને મદદ કરે છે કે મારી પથારી ફેરવે છે......" પ્રગતિએ કહ્યું.

" મદદ જ તો કરવી હતી પણ તે ક્યાં કરવા દીધી જ....." રજત ખુરશી ખેંચીને ટેબલની સહેજ વધુ નજીક ગયો. " ઓહેક....." એણે પોતાના બંને હાથ ટેબલ પર ગોઠવ્યા. " આર યુ શ્યોર યુ વોન્ટ ટુ વર્કિંગ આઉટ ફોર ધીઝ મેરિજ ? " રજતએ પૂછ્યું....

" ઓફકોર્સ......એન્ડ આઈ એમ....." પ્રગતિએ રજતની આંખોમાં જોઈને પુરા આત્મવિશ્વાસથી કહ્યું.

" ઓહકે....." રજતએ પોતાનો જમણો હાથ ટેબલ પર ધીમેથી માર્યો ને પછી એ વિચારમગ્ન થયો. થોડીવાર બંને વચ્ચે મૌન રહ્યું...

" એ....ડું યુ રિમેમ્બર ધેટ ગર્લ શ્રેયા ? " પ્રગતિએ મૌન તોડતા કહ્યું.

" હં.....શું ? " રજત પોતાના વિચારોમાંથી બહાર આવ્યો.

" અરે...શ્રેયા યાદ છે તને.....? ફેશન હાઉસ વાળી....? " પ્રગતિએ ફરી પૂછ્યું.

" અરે હા....પેલી....અ.... હા થોડી ઘણી કેમ ? " રજતએ પૂછ્યું.

" એ તને યાદ કરે છે....." પ્રગતિ બંને હાથ વાળી ટેબલ પર ટેકવીને બેઠી હતી. એણે સહેજ નમીને રજતને એક આંખ મારીને કહ્યું," મને લાગે છે કે પેલી વાત છે...." કહીને પ્રગતિ હસી.

" એ....શું....તું પણ....કઈ પણ બકે છે...." રજત ત્યાંથી મોઢું ફેરવીને ઉભો થયો.

" રજત, ક્યાં સુધી ભાગતો રહીશ....." પ્રગતિ એની પાછળ ગઈ. રજત કબાટમાંથી કાચની પ્યાલીઓ શોધી રહ્યો હતો.

" તને ખબર છે.....મને આ બધામાં રસ નથી....." રજત પ્રગતિની બાજુમાંથી નીકળી ગયો અને પ્લેટફોર્મ પર કાચની પ્યાલીઓ ગોઠવવા લાગ્યો.

" રજત....." પ્રગતિ ફરી એની બાજુમાં ગઈ. " મને રસ નથી પરી.....તું બરાબર ઓળખે છે મને....." રજતએ પ્યાલીઓમાં આઈસ્ક્રીમના સ્કૂબ ગોઠવતા કહ્યું.

" ઓફકોર્સ.....તને મારા સિવાય બીજુ કોણ ઓળખે છે.....! " પ્રગતિએ રજતની આંખોમાં જોઈને કહ્યું ને પછી આઈસ્ક્રીમની ટ્રે ઉઠાવીને ત્યાંથી જતી રહી.....

આઈસ્ક્રીમ ખાઈને થોડીવાર મસ્તી મજાક કરી. રાત ઘણી થઈ ચૂકી હતી એટલે રજતએ રોહિત અને આયુને ત્યાં જ રોકી લીધા અને પ્રગતિ અને વિવેક બધાની વિદાય લઈને નીકળી ગયા.....
To be Continued

- Kamya Goplani