THE CURSED TREASURE - 27 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 27

ચેપ્ટર - 27

"પોર્ટુગીઝો પાંચ સો વર્ષ પહેલાં અહીંયા સંબલગઢની શોધ કરવા આવ્યા હતા."

ધનંજય કંઇ ન બોલ્યો. જાણે એને આ સાંભળીને કંઇ નવાઇ ન લાગી હોય. એ જોઇને વિક્રમને વધારે નવાઇ લાગી. વનિતાને કંઇ સમજાતું નહોતું એટલે એ એમની એમ ઉભી હતી. વિક્રમ હજુ આગળ કંઇ બોલે એ પહેલા જ રાજીવ ઘરની અંદર આવ્યો. એણે આવતાંની સાથે જ વનિતા તરફ નજર કરતાં કહ્યું, "હું તમને જ શોધી રહ્યો હતો ડોક્ટર.."

"કેમ શું થયું?" વનિતાએ પુછ્યું. જવાબ આપવાને બદલે રાજીવે એનો ડાબો હાથ આગળ કર્યો. હથેળીના ઉપરના ભાગે બે ચાર ઘાવ થઇ ગયા હતા અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. વિક્રમે નવાઇ સાથે પુછ્યું, "આ શું થયું?"

"એક મકાનમાં અંદર જઇ રહ્યો હતો ત્યારે હાથમાં કંઇક વાગવાથી ચોટ લાગી ગઈ. આમ તો આ મારા માટે સાવ સામાન્ય હોય છે પણ આપણે જંગલમાં છીએ તો ઇન્ફેક્શન લાગે કે પછી કોઇ પરાવલંબી જીવડું જો શરીરમાં ઉતરી જાય તો પ્રોબ્લેમ થઇ જાય. એટલે થયું કે ડોક્ટરને બતાવી દવ. એટલે એમને શોધતો શોધતો અહીંયા આવી ચડ્યો." રાજીવે વિક્રમને કહ્યું.

"બરોબર કર્યું તમે," વનિતાએ કહ્યું, "કોઇ પણ ઘાવને નજરઅંદાજ ન કરવો જોઈએ. પછી ભલે ગમે એવડો નાનો કેમ ન હોય." કહીને એણે પોતાના બેગમાંથી એક બોટલ કાઢીને એમાં રહેલા પ્રવાહી વડે રાજીવનો ઘાવ સાફ કરવા માંડ્યો.

દરમિયાન રાજીવની નજર સામે પડેલી તલવારો અને પેલા હાડપિંજર પર પડી. એણે વિક્રમને પુછ્યું, "અહીંયા શું થઇ રહ્યું છે?"

"આ માણસ.." વિક્રમે કંકાલ તરફ ઇશારો કરતા કહ્યું, "એક સમયે પોર્ટુગીઝ સામ્રાજ્ય ના ગવર્નર એલ્ફોન્સો-દે-અલ્બુકર્ક માટે કામ કરતો હતો. અને અહીંયા સંબલગઢની શોધ કરવા આવ્યો હતો."

"પોર્ટુગીઝો? અને આ એલ્ફો કેવો?" રાજીવે પુછ્યું. આવું અટપટું નામ એને સમજાયું નહીં.

"એલ્ફોન્સો-દે-અલ્બુકર્ક." વિક્રમે કહ્યું.

"હાં એ જ.. એ કોણ હતો વળી?"

"અં.... તને વાસ્કો-દ-ગામા કોણ હતો એ ખબર છે?" વિક્રમે પુછ્યું.

"હાં.." રાજીવ બોલ્યો, "ઇતિહાસમાં ભણ્યું હતું કે એણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો."

"હાં એ જ.. એ વાસ્કો-દ-ગામા ભારત આવનારો પહેલો પોર્ટુગીઝ હતો. પણ એ આખરી નહોતો. એના પછી એક એક કરીને ઘણાં પોર્ટુગીઝો ભારતમાં આવ્યા. પહેલા વેપારના ઉદ્દેશ્યથી આવેલા એ લોકોએ ભારતમાં પોર્ટુગીઝ સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો. એનાં જ પરિણામ સ્વરૂપ આ એલ્ફોન્સો-દે-અલ્બુકર્ક પોર્ટુગીઝ ગવર્નર તરીકે ભારત આવ્યો હતો અને એણે બીજાપુરના સુલતાનને હરાવીને ગોવા જીત્યું હતું. અને ગોવામાં પોર્ટુગીઝ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો."

"ઓહ્..." રાજીવ બોલ્યો. જોકે એને ઇતિહાસમાં વધારે રુચિ નહોતી એટલે એણે વધારે કંઇ ન પુછ્યું. દરમિયાન વનિતાએ એના ઘાવ પર પટ્ટી કરી દીધી હતી.

ધનંજયે કહ્યું, "પણ આ લેટરમાં લખેલી વિગતો વાંચ્યા પછી લાગે છે કે એનો ઉદ્દેશ્ય માત્ર પોર્ટુગીઝ સામ્રાજ્યનો ફેલાવો કરવાનો નહોતો."

"હંઅઅ.." વિક્રમ કંઇ ન બોલ્યો. એને પણ કંઇ સમજાય નહોતું રહ્યું. એક તો આ ઇન્દ્રપુર ગામ છે અને સંબલગઢ નથી એ જાણીને એને આશ્ચર્ય થયું હતું અને હવે આ પોર્ટુગીઝોનું અહીંયા આવવું એક નવા રહસ્યને જન્મ આપી રહ્યું હતું. એક વાત તો એને સમજાય રહી હતી કે આ બધું ખૂબ જ ગૂંચવાડા ભર્યું હતું અને ખબર નહીં કેમ પણ ખતરનાક પણ લાગી રહ્યું હતું.

"પણ એક વાત નથી સમજાય રહી.." ધનંજયે કહ્યું, "આજની તારીખમાં પણ ભારતમાં ગણ્યા ગાઠ્યા લોકો છે જેને સંબલગઢ વિશે ખબર છે. તો પછી સાત સમુદ્ર પાર આ વિદેશીઓને પાંચ સો વર્ષ પહેલાં સંબલગઢ વિશે કઇ રીતે ખબર પડી હશે?"

વિક્રમ પાસે એનો જવાબ હતો, "એ તો ચોક્કસ કહી શકાય તેમ નથી પણ એક શક્યતા છે.."

"અને એ શું છે?"

"પોર્ટુગીઝો ભારત આવ્યા એ પછી એમણે ભારતના વિસ્તારોમાં શોધખોળ કરવાનું શરૂ કર્યું હશે. એજ ઓફ ડિસ્કવરીમાં જેમ તેઓ નવાં નવાં પ્રદેશોમાં રખડતાં હતાં એમ જ એ લોકોએ ભારતના નવા નવા વિસ્તારો જોયા હશે. ઘણી શોધખોળ આવી રીતે જ થઇ હતી. જેમકે જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ પણ એક અંગ્રેજ અધિકારીને એવી રીતે જ મળ્યો હતો. દેશમાં ઘણાં પ્રાચીન સ્થાપત્યો આવી રીતે શોધાયાં હતાં. એવી જ રીતે આ અલ્બુકર્કનાં હાથમાં કંઇક એવું લાગ્યું હશે કે જેની મદદથી એને સંબલગઢની જાણકારી મળી હશે. અને એ નીકળી પડ્યો હશે એની શોધ કરીને ઇતિહાસમાં નામ અમર કરવા માટે."

"આ એજ ઓફ ડિસ્કવરી એટલે શું?" વનિતાએ પુછ્યું.

વિક્રમે જવાબ આપ્યો, "એજ ઓફ ડિસ્કવરી 15મી સદીની શરૂઆતથી લઇને અડધી 17મી સદી સુધીના સમયને કહેવાય છે. આ એ સમય હતો જ્યારે યુરોપના દેશોનાં, એમાંય ખાસ કરીને પોર્ટુગલના સાહસિકો પુરી દુનિયાની તે સમયની જાણીતી સરહદોને પાર કરીને નવા નવા પ્રદેશો શોધવા નિકળ્યા હતા. એજ ઓફ ડિસ્ડવરીનાં પરિણામ સ્વરૂપ જ અમેરિકા ખંડની શોધ થઇ હતી અને ભારત સુધી આવવાનો જળમાર્ગ શોધાયો હતો."

"અને એટલે જ પોર્ટુગીઝો અહીંયા આવ્યા હતાં." ધનંજયે કહ્યું. વિક્રમની વાત સાચી હતી. જરૂર વિદેશીઓને અહીંયા આવ્યા બાદ જ સંબલગઢની જાણકારી મળી હશે.

"પછી આગળ શું થયું?" રાજીવે પુછ્યું. એને અને વનિતાને બંનેને વિક્રમની વાતમાં રસ પડવા લાગ્યો હતો.

"પછી એજ ઓફ ડિસ્કવરીનું કોઇએ ધાર્યું નહોતું એવું ભયંકર પરિણામ આવ્યું.."

"મતલબ..?"

"વેપાર કરવાના બહાને જુદા જુદા દેશોમાં જઇને યુરોપના દેશોમાં સત્તાની ભુખ વધી ગઇ અને અંતે સાઉથ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયાના કેટલાય દેશો યુરોપિયન દેશોના ગુલામ બની ગયા. જેમાંથી એક આપણો દેશ પણ હતો. અને પછીનો ઇતિહાસ તો તમે જાણતાં જ હશો."

"હાં.. હાં.." વનિતા અને બંનેએ કહ્યું.

"તને શું લાગે છે એ લોકો સંબલગઢ સુધી પહોચ્યા હશે?" ધનંજયે વિક્રમને પુછ્યું.

"એ ખબર પડે એવો કોઇ રસ્તો જ નથી. આ લેટરમાં માત્ર આ ઇન્દ્રપુર ગામ વિશે જ લખ્યું છે. આગળ કંઇ લખ્યું નથી. એટલે કહેવું અઘરું છે કે એ લોકો ત્યાં પહોંચ્યા હશે કે નહીં."

"તે કહ્યું હતું કે આ એકમાત્ર પોર્ટુગીઝ વ્યક્તિ નહીં હોય જે અહીંયાં આવ્યો હશે. બીજા ઘણાં આવ્યા હશે. તો બાકીના લોકો ક્યાં ગયા?"

"જેમ મે કહ્યું એમ, મને નથી ખબર.. કદાચ એ લોકો સંબલગઢ શોધવા ગયા હશે. અને ત્યાંથી પાછા નહીં આવ્યા હોય. કદાચ એમણે આગળ જતાં મુહિમ છોડી પણ દીધી હોય. કંઇ પણ ઘટ્યું હોય શકે છે. પણ આ માણસ કદાચ અહીંથી ગોવા તરફ જઇ રહ્યો હશે અલ્બુકર્કને સંદેશો પહોંચાડવા માટે. અને એ ત્યાં પહોંચે એ પહેલા જ એનો જીવ જતો રહ્યો હશે."

"મતલબ અલ્બુકર્કને ક્યારેય એ ખબર નહી પડી હોય કે એના માણસો ક્યાં સુધી પહોંચી ગયા હતા?" ધનંજયે પુછ્યું.

"હાં.. કદાચ." વિક્રમે કહ્યું, "અથવા તો કદાચ એક ટુકડી જો પાછી નહીં ફરી હોય તો એણે બીજી ટુકડી મોકલી હશે. કાં તો આ માણસ ભેગા આવેલા લોકોમાંથી કોઇ જીવિત બચી ગયું હશે તો એ પણ અલ્બુકર્ક પાસે પહોંચી ગયો હશે.. બનવા ખાતર તો કંઇ પણ બની શકે છે."

"બનવા ખાતર તો એ પણ બની શકે છે ને કે આ કંકાલ જેનું છે એના સાથીદારોનો ભેટો પેલા ભયાનક જીવો સાથે થયો હોય જેના વિશે વિક્રમે જણાવ્યું હતું." રાજીવ જાણે કટાક્ષ કરી રહ્યો હોય એમ બોલ્યો.

એની વાત સાંભળીને વિક્રમ અને ધનંજય બંનેએ એની તરફ જોયું. બંનેને ખબર હતી કે આ શક્યતા નકારી શકાય તેમ નથી..

"ભયાનક જીવો? આ તમે શું વાત કરી રહ્યા છો કમાન્ડર?" વનિતાએ નવાઇ પામતા પુછ્યું.

વિક્રમને ભાન થયું કે વનિતા પેલા ભયાનક જીવો વિશે તદ્દન અજાણ છે. એણે નારાજગી ભરી નજર રાજીવ પર નાખી. રાજીવને પણ ખબર હતી કે એણે ભૂલ કરી નાખી હતી એટલે એણે વિક્રમ તરફ નજર કરતાં મૂક માફી માંગી.

"વિક્રમ, આ કમાન્ડર શું વાત કરી રહ્યા છે?" વનિતાએ પ્રશ્ન કર્યો.

શું બોલવું વિક્રમને કંઇ ખબર ન પડી. વનિતાનો કેવો પ્રતિભાવ આવશે એનો અંદાજ વિક્રમને હતો જ. એણે ખચકાતી નજર ધનંજય પર નાખી. એને યાદ આવ્યું કે ધનંજય એને આમાં ઢસડી લાવ્યો હતો. એટલે હવે એને શું જવાબ આપવો એ ધનંજય પર છોડી દેવું જોઈએ. વિક્રમે વનિતાને પુછ્યું, "ધનંજયે તમને જણાવ્યું નથી?"

"શું નથી જણાવ્યું?"

"એ તમે એને પુછી લો." બોલીને વિક્રમ ઘરની બહાર નીકળી ગયો. વરસાદ હજુ ચાલુ જ હતો એટલે એ ઝડપથી ગામના સભાપ્રમુખના ઘર તરફ ચાલ્યો ગયો. એણે ધ્યાન ન આપ્યું કે કોઇ એની પાછળ આવે છે કે નહીં.

* * * * *

"એક મિનિટ સમજવા દે.." વિજય બોલ્યો, "તો યુવરાજ શુદ્ધોદન સંબલગઢનો યુવરાજ હતો, પણ એનું મૃત્યુ એના ઘરથી હજારો કિલોમીટર દૂર આવેલા રાજસ્થાનના રણમાં થયું..?"

"હાં," રેશ્માએ જવાબ આપ્યો. એ અને વિજય બંને હજુ પણ એ મોટા ઝાડની નીચે બેઠા હતા. વરસાદ વરસી રહ્યો હતો પણ વૃક્ષ વધારે ઘાટુ અને મોટું હોવાને લીધે ઝાડના થડ સુધી માત્ર થોડા થોડા ટીપાં પાણી જ પહોંચી રહ્યું હતું. એટલે એ બેય ને વરસાદની વધારે અસર નહોતી થઇ રહી.

"અને એ યુવરાજ એ રણથી પણ આગળ સિંધુ નદી કિનારે આવેલા કોઇ સ્થળે જઇ રહ્યો હતો?" વિજયે પુછ્યું.

રેશ્માએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.

"આ બધું તને એ કબરમાંથી જાણવા મળ્યું?"

"હં.. હં.."

"કઇ રીતે?"

"ત્યાં લખેલું હતું."

"તો એ ભયાનક જીવો શુદ્ધોદન એની સાથે લઇ આવ્યો હશે?" વિજયે પુછ્યું.

"ના લાગતું તો નથી.."

"તો પછી એ જીવો ત્યાં આવ્યા ક્યાંથી?"

"જે વ્યક્તિએ યુવરાજ માટે એ કબર બનાવડાવી હતી એણે એ વાત ઉમેરી હતી કે એણે એક એવી વ્યવસ્થા કરી રાખી છે કે કોઇપણ વ્યક્તિ યુવરાજને ડિસ્ટર્બ નહી કરી શકે. કદાચ એ જ વ્યક્તિએ એ કોઇ રીતે એ જીવોને એ કબરમાં પુર્યા હશે."

"ઉમ્મીદ છે સંબલગઢ પહોંચ્યા બાદ આપણને આપણા સવાલોના જવાબ મળી જશે."

"હાં હું પણ એ જ ઉમ્મીદ કરી રહી છું.." રેશ્માએ કહ્યું.

* * * * *

રાત પડી ગઇ હતી અને હવે વરસાદ શાંત પડી ગયો હતો. પણ અંધારુ વધારે હતું એટલે વિક્રમને કંઇ દેખાય નહોતું રહ્યું. થોડીવાર પહેલા રાજીવ એની સામે બેઠો બેઠો જ સુઇ ગયો હતો. ધનંજયે રાજીવને રાત્રિ દરમિયાન વિક્રમ પર નજર રાખવા માટે કહ્યું હતું. પણ એ સુઇ ગયો હતો.

આ જ ચાન્સ છે. વિક્રમે વિચાર્યું. અહીંથી ચૂપચાપ નીકળી જઇને રેશ્માને શોધવાની છે. પણ આટલી અંધારી રાતે ઘનધોર જંગલમાં એને ક્યાં શોધવી એ જ એને ખબર નહોતી. પણ છતાંય એ હાથ પર હાથ ધરીને બેસી રહેવામાં માનનારા લોકો માંથી નહોતો. પ્રયાસ કર્યા વગર એ હાર નહીં જ માને એ એણે ઠાની લીધું હતું.

બાજુના રૂમમાં જ વનિતા એકલી સુતી હતી. વિક્રમની નજર એના પર પડી. વનિતાને જ્યારે ખબર પડી હતી કે અહીંયાં પેલા ભયાનક જીવોનો ખતરો હોય શકે છે ત્યારે એ ધનંજય પર ખૂબ જ ગુસ્સે થઇ હતી. ધનંજયે એને ચોખ્ખા શબ્દોમાં સમજાવી દીધું હતું કે એ વનિતાએ જ્યારે એના પાસેથી લોન લીધી હતી ત્યારે જ વનિતાના જીવન પર ધનંજયનો હક થઇ ગયો હતો અને એ જ હકથી એ એને અહીંયા લઇ આવ્યો હતો. અને સાથે ધમકી પણ આપી હતી કે એ ભાગવાની કોશિશ કરશે તો એનો અંજામ ખરાબ આવશે. વનિતા એકલી બેસીને અડધી કલાક સુધી રડી હતી. વિક્રમને એના પર દયા આવતી હતી. બિચારી કોઇ પણ વાંક વગર આમાં ફસાઇ ગઇ. એ એક સામાન્ય ડોક્ટર હતી જેને આર્કિયોલોજીની દુનિયા સાથે કંઇ લેવાદેવા ન હતી.

વિક્રમ ધીમેથી ઘરની બહાર નીકળ્યો. બહાર તદ્દન શાંતિ હતી. કોઇ જ નહોતું. એણે દક્ષિણ તરફ જવાનું નક્કી કર્યું. કારણ કે જે નદીમાં રેશ્મા તણાઈ ગઇ હતી એ નદી એ તરફ જ હતી. એ ધીમાં પગલે આગળ વધી રહ્યો હતો. પણ થોડો આગળ જતાં જ એને કોઇ વ્યક્તિનો અવાજ સંભળાયો. એ સતર્ક થઇ ગયો. મતલબ કોઇ જાગી રહ્યું હતું. અવાજ પરથી તો એને ધનંજય હોય એવું લાગ્યું. અવાજ બાજુના મકાનમાંથી આવી રહ્યો હતો. વિક્રમ એ ઘરની નાની જર્જરીત બારી પાસે આવીને ઉભો રહ્યો. હવે એને ધનંજયનો અવાજ ચોખ્ખો સંભળાઇ રહ્યો હતો.

ધનંજય બોલ્યો, "સારું થયું કે રેશ્માએ વિક્રમને મારી સાથે કામ કરવા મનાવી લીધો. નહીં તો ક્યારેક હું સંબલગઢ સુધી પહોંચવાની આટલી નજીક નહોતો આવી શક્યો."

વિક્રમને અચંબો થયો. રેશ્માએ મને મનાવ્યો એ વાત ધનંજયને કઇ રીતે ખબર પડી? શું ધનંજય ત્યાં પણ અમારા પર નજર રાખી રહ્યો હતો?

"એ તો સારું કે તમારા હાથમાં રેશ્માની દુખતી નસ હતી.." વિક્રમ આ અવાજ ઓળખતો હતો. એ દર્શ હતો."નહીંતર એ તમારા કહેવા પર વિક્રમને ક્યારેય ન મનાવત.."

ચોંકી ઉઠયો વિક્રમ. મતલબ એ રાત્રે ધનંજયના કહેવા પર રેશ્મા એને ધનંજય સાથે કામ કરવા માટે ફોર્સ કરી રહી હતી? અને પોતે એવું માનીને ચાલી રહ્યો હતો કે રેશ્મા ધનંજયને રોકવા માટેનો પ્લાન બનાવીને એ પ્લાન મુજબ જ ધનંજય સાથે કામ કરવા માંગતી હતી. આ છોકરી કયો ખેલ ખેલી રહી હતી એ વિક્રમને સમજાય નહોતું રહ્યું.

"હાં તો એણે તો મારી વાત માનવી જ પડત," ધનંજયે કહ્યું, "એણે જે ગુનો કર્યો છે એના વિશે વિક્રમને જાણ થાય એ એ ક્યારેય થવા દેય એમ નથી. કારણકે એનો ગુનો જ એવડો મોટો છે. જો વિક્રમને જાણ થઇ ગઇ તો એ ક્યારેય એને માફ ન કરે. આ તો આપણાં કોન્ટેક્ટ એવડા છે કે લોસ એન્જલસમાં ડો.ક્લોઇ માર્ટિન પાસેથી મને રેશ્માનું રહસ્ય જાણવાં મળી ગયું. નહીંતર આપણો પ્લાન ક્યારેય સફળ ન થાત."

વિક્રમને કંઇ સમજાય નહોતું રહ્યું. આ ડો.ક્લોઇ માર્ટિન વળી કોણ છે? અને એ તો અમેરિકામાં રહે છે. તો એને રેશ્માનું રહસ્ય... વિક્રમને યાદ આવ્યું કે જ્યારે એના માતાનું અવસાન થઇ ગયું હતું એના થોડા સમય પછી જ રેશ્મા એક દોઢ મહિના માટે અમેરિકા ચાલી ગઈ હતી. અને ત્યાંથી પાછા આવ્યા બાદ એ સંબલગઢનું રહસ્ય શોધવા માટે ખુબ જ ઉતાવળ કરવા માંડી હતી. અને જ્યારે પોતે એનો સાથ આપવાની ના પાડી દીધી ત્યારે એ પ્રોફેસર નારાયણ સાથે કામ કરવા ચાલી ગઈ હતી. જેનું વિક્રમને ખૂબ જ માઠું લાગ્યું હતું. પણ આ તો વિક્રમ જાણતો હતો. અને આ કોઇ ગુનો નહોતો. પણ ધનંજયે ગુનો શબ્દ વાપર્યો એટલે જરૂર કંઇક એવું છે જે વિક્રમ જાણતો નથી. અને હવે જાણવું પડશે. વિક્રમે મનોમન નિર્ણય કર્યો.

ઘણીવાર સુધી ધનંજય કે દર્શનો અવાજ ન સંભળાતા વિક્રમે બારીમાંથી નજર કરી. એ બંને સુઇ ગયા હતા. આ જ મોકો હતો. વિક્રમ દબાતા પગલે ઘરથી દૂર ચાલવા લાગ્યો. ઘરથી સુરક્ષિત દૂરી પર પહોંચી ગયા પછી એણે દોડવાનું શરૂ કરી દીધું. એ જેમ બને તેમ જલ્દી રેશ્મા સુધી પહોંચવા માગતો હતો. એ જોવા માટે નહીં કે એ સહીસલામત છે કે નહીં. પણ એટલા માટે કે એને એના સવાલોના જવાબ જોઇતા હતાં. એવો કયો ગુનો રેશ્માએ કર્યો છે કે એના માટે પોતે ક્યારેય એને માફ નકરી શકે? પોતે રેશ્માને ખુબ જ પ્રેમ કરે છે. પણ સંબંધમાં પારદર્શિતા ન હોય એ વિક્રમને જરાય ન ગમતું. વિક્રમની ધડકન અને શ્વાસની ગતિ વધી રહી હતી. એનું મગજ ચકરાવે ચડયું હતું. તમરાંના અવાજ સિવાય જંગલમાં નિરવ શાંતિ પ્રસરેલી હતી. દૂર ક્યાંક ઘુવડ વિચિત્ર અવાજો કાઢી રહ્યા હતા. જંગલમાં એક નાની ટોર્ચનાં સહારે વિક્રમ આમ તેમ ભટકી રહ્યો હતો. એને એ પણ ખબર ન હતી કે એ જે દિશામાં જઇ રહ્યો છે એ તરફ રેશ્મા હશે કે નહી. પણ અત્યારે એ બસ દોડી રહ્યો હતો.

નદી પાર કરીને લગભગ પોણી કલાક એ ચાલ્યો હશે ત્યારે એને કંઇક મળ્યું. કેટલાક બળેલા લાકડા જમીન પર પડ્યા હતા. એમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો હતો. મતલબ કોઇ અહીંયા આવ્યું હતું. વિક્રમ આજુબાજુ જોવા લાગ્યો. અચાનક એની પાછળથી અવાજ સંભળાયો, "હાથ ઉપર.." વિક્રમે ચોંકીને પાછળ જોયું. એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એની સામે ઉભેલ વ્યક્તિ પણ ચોંકી ઉઠ્યો. એણે પોતાની ગન નીચે કરીને કહ્યું, "ઓહ્.. વિક્રમ તું..?"

"વિજય તું..!!" વિક્રમ બોલ્યો, "તું જીવિત છે..?"

"હા.."

"કઇ રીતે?" વિક્રમના ચહેરા પર હજુ સુધી આશ્ચર્ય પથરાયેલું હતું.

વિજય હજું કંઈ જવાબ આપે એ પહેલાં જ એને એક બીજા વ્યક્તિનો અવાજ સંભળાયો, "વિક્રમ..!" વિક્રમે નજર ફેરવી. રેશ્મા ચહેરા પર સુખદ આશ્ચર્ય સાથે એના તરફ તાકી રહી હતી. રેશ્મા વિક્રમને ભેટી પડી. પણ વિક્રમે એના આલિંગનનો જવાબ ન આપ્યો. રેશ્મા એનાથી અળગી થઇને બોલી, "તું અહીંયા કેવી રીતે પહોંચ્યો?"

"બસ તને શોધતો શોધતો અહીંયા પહોંચી ગયો," વિક્રમે કહ્યું, "પણ આ વિજય.."

"હાં એ જીવિત છે અને એને જ મને ડૂબતા બચાવી છે.."

"રેશ્મા...?" વિક્રમે મનોમન કંઇક નક્કી કરીને રેશ્માને પુછ્યું.

"હાં બોલ.." રેશ્માએ કહ્યું. વિક્રમના અવાજમાં એને ગુસ્સો ભળ્યો હોય એવું લાગ્યું.

"અં..." વિક્રમે વિજય તરફ ફરીને કહ્યું, "વિજય અમને પાંચ મિનિટ આપીશ? અમારે કંઇક પર્સનલ વાત કરવી છે.."

"શ્યોર.." બોલતા વિજય એમનાથી થોડે દૂર જંગલમાં અંદર ચાલ્યો ગયો.

રેશ્માને ચિંતિત અવાજે પુછ્યું, "વિક્રમ, શું થયું?"

"આ ડો.ક્લોઇ માર્ટિન કોણ છે?" વિક્રમે પુછી નાખ્યું.

રેશ્માને ધ્રાસ્કો પડ્યો. એની આંખોમાં ભય ઉતરી આવ્યો. ભય વિક્રમનો સામનો કરવાનો. એણે પુછ્યું, "ધનંજયે તને કહ્યું?"

"તું ધનંજયના કહેવા પર મને એની સાથે કામ કરવા માટે મનાવવા આવી હતી?" જવાબ આપવાને બદલે વિક્રમે સામો પ્રશ્ન કર્યો. એની આંખોમાં ગુસ્સો તરવરી રહ્યો હતો.

રેશ્મા નજર નીચે કરીને ઉભી રહી. એ કંઇ બોલી નહોતી રહી. એ જોઇને વિક્રમે ફરી પુછ્યું, "તું અમેરિકા ગઇ ત્યારે એવું શું થયું હતું કે જે તે મને જણાવ્યું નથી? તું ધનંજય માટે ક્યારથી કામ કરવા લાગી ગઇ? કે તું હંમેશાથી એના માટે જ કામ કરતી હતી?"

"હું એના માટે કામ નથી કરતી.." રેશ્માએ મક્કમ સ્વરે જવાબ આપ્યો.

"તો પછી કેમ એના કહેવા પર તું એની સાથે કામ કરવા તૈયાર થઇ?" વિક્રમ ઉત્તેજિત અવાજમાં બોલી રહ્યો હતો, "કેમ તે મને મનાવ્યો? કેમ તે મને ન જણાવ્યું કે શું થયું હતું અમેરિકામાં? અને કોણ છે આ ડો.ક્લોઇ? શું સંબંધ છે તારો એની સાથે? શું કામ તું અમેરીકાથી પાછી આવીને સંબલગઢ શોધવા માટે ઉતાવળી થઇ ગઇ હતી? કંઇક તો બોલ.."

રેશ્મા માટે જવાબ આપવા ખૂબ જ મુશ્કેલ હતા. એટલે એ બસ નીચી નજર કરીને ઉભી હતી. એના પગ પાસે એની આંખમાંથી નીકળતા આંસુ પડી રહ્યા હતાં.

વિક્રમે રેશ્માના ખભા પકડીને કહ્યું, "સંબલગઢ શોધવું તારા માટે એટલું જરૂરી શું કામ છે? બોલ રેશ્મા કંઇક તો બોલ.."

"સાંભળવું છે તારે.?" રેશ્માએ વિક્રમની આંખોમાં આંખો પરોવીને પુછ્યું. એની આંખોમાં રહેલી ચમક જોઇને વિક્રમની પકડ છૂટી ગઇ.

"તો સાંભળ વિક્રમ," રેશ્માએ કહ્યું, "મે એક જઘન્ય અપરાધ કર્યો છે."

(ક્રમશઃ)

* * * * *