A glimpse of you - 6 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૬

તારી એક ઝલક - ૬

તારી એક‌ ઝલક

બધાં ઝલક જાસૂસ કેવી રીતે બની?? એ જાણવાં અધીરા બન્યા હતા. પણ ઝલકે કોઈને કાંઈ જણાવ્યું નહીં.


ભાગ-૬

સવારનાં પાંચ વાગ્યામાં અર્પિતાની આંખ ખુલી ગઈ. ઝલક અંગે જાણવાની અધિરાઈએ તેની આંખ ખોલી દીધી હોય. એમ એ સફાળી બેઠી થઈ ગઈ. રૂમની બારીમાંથી બહાર એક નજર કરી. ધીમે-ધીમે સુરજ ઉગી રહ્યો હતો. ધરતી પર પડતો આછો પ્રકાશ તેની હાજરી પૂરી રહ્યો હતો. પક્ષીઓનો કલરવ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો. કાલ રાતનો થાક અને અધૂરી ઉંઘ સાથે ઝલકના ભૂતકાળ વિશે જાણવાં માટે અર્પિતાએ આળસ મરડીને પોતાનો એક પગ જમીન પર મૂક્યો.

ભૂતનાથ મહાદેવની આરતીનો અવાજ અર્પિતાના કાને પડતાં જ જાણે તેનો બધો થાક દૂર થઈ ગયો. ધીમે-ધીમે ડગ માંડતી અર્પિતા પોતાનાં રૂમની બહાર નીકળી ગઈ. થોડું ચાલતાં જ તેણે ઝલકના રૂમનો ખુલ્લો દરવાજો જોયો. એ જોતાં જ તેનામાં અદભૂત શક્તિનો સંચાર થયો. એક ખુલ્લાં દરવાજાએ જાણે બધાં રાજ ખોલી દીધાં હોય એવું લાગ્યું.

અર્પિતા તરત જ ઝલકના રૂમ તરફ વળી. અંદર જતાં જ તેની બધી શક્તિ એક ઝાટકે જ કોઈએ છીનવી લીધી. અંધકારમાં પડતું એક પ્રકાશનું કિરણ પણ જાણે અલોપ થઈ ગયું. અંદર રૂમમાં ઝલક કે તેણે લંડનથી લાવેલું નાનું બેગ, કાંઈ પણ હતું નહીં. તેની પથારી પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પણ, હજું એક મોટું બેગ એમ જ તેનાં સ્થાને પડ્યું હતું. જેને જોઈને અર્પિતાને થોડી હિંમત આવી. અર્પિતા તરત જ જીગ્નેશના રૂમ તરફ ભાગી.

"ભાઈ, અર્પિતા તેનાં રૂમમાં નથી."

"અરે, બહાર ચાલવા માટે ગઈ હશે. આમ પણ તેની ઉપર તેજસની થોડી થોડી અસર થવા લાગી છે. કાલે તેજસની જેમ મારપીટ કરી, આજે કહ્યાં વગર ઘરની બહાર જતી રહી." જીગ્નેશ માથાં પર ચાદર ઓઢીને બોલ્યો.

"તેનું બેગ પણ તેનાં રૂમમાં નથી. હવે બેગ લઈને ભલા કોણ ચાલવા જાય??" અર્પિતા થોડાં ગંભીર અવાજે બોલી.

જીગ્નેશ પણ એ સાંભળીને તરત જ જાગી ગયો. તેની આંખો હજું પણ ઉંઘવા માટે બેચેન હતી. છતાંય તે પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી ગયો. બાઇકમાં ચાવી નાંખીને બાઈક લઈને તરત જ હવાની માફક ઉડતો, એ સડસડાટ કરતો ગાયબ થઈ ગયો.

"હેં ભગવાન, આ જાણે કેમ ત્રિકાળજ્ઞાની હોય!! એમ કાંઈ જાણ્યાં સમજ્યાં વગર બાઈક લઈને નીકળી ગયો. બધાં સરખાં છે." અર્પિતા માથાં પર હાથ મૂકીને ત્યાં જ ઘરનાં દરવાજે માથું ટેકવીને બેસી ગઈ.

દશેક મિનીટ જેવું થતાં જ જીગ્નેશની બાઈકનો અવાજ સંભળાયો. આ વખતે બાઈકની ઝડપ સાવ ઓછી હતી. ઘર પાસે પહોંચતા જ બાઈકને ઉભી રાખીને, જીગ્નેશ બાઈક પર જ બેસી રહ્યો.

"શોધી આવ્યો?? ઝલકને!!"

"એ ક્યાં ગઈ છે?? એ તો ખબર જ નથી. તો કેવી રીતે શોધી લાવું??"

"હું એ જ કહેતી હતી. પણ સાંભળે કોણ?? તારી ઉંઘ લાગે તારાં મગજ પર સવાર થઈ ગઈ છે. એટલે તો સીધો બાઈક લઈને નીકળી પડ્યો."

"બસ હવે!! પહેલાં તેને શોધીશું ક્યાં?? એ વિચાર તો કર."

"એ જ તો નથી સમજાતું."

તેજસને ઝલકના વિચારોનાં લીધે આખી રાત ઉંઘ નહોતી આવી. સવારે ચાર વાગ્યામાં ઉઠીને તે પોતાની સ્પોર્ટ્સ બાઈક સાફ કરી રહ્યો હતો. આટલાં વર્ષોમાં એ ક્યારેય કોઈ માટે આટલો પરેશાન નહોતો થયો. આટલાં વર્ષો દરમિયાન કોઈ તેને પરેશાન કરી જ નહોતું શક્યું. એમ કહીએ તો પણ ચાલે. પણ ઝલક વિશે જાણવાની તેજસની તડપ વધતી જ જતી હતી.

"તારી પાસે મારાં માટે થોડો સમય હશે??" અચાનક જ એ જ મીઠો મધુરો રણકાર સંભળાયો. એ ઝલક જ હતી. સવાર થવામાં હજું વાર હતી. સંપૂર્ણ અંધારું પણ નહીં, ને પૂર્ણપણે અજવાળું પણ નહીં. એવાં સમયે ઝલકને પોતાની નજર સમક્ષ જોઈને. તેજસને શું બોલવું? એ તેને સમજાયું નહીં.

"હાં, જરૂર...પણ શું કામ છે? એ કહીશ??" બાઈકની સફાઈ મૂકીને, તેજસ થોડો ઉંડો વિચાર કરીને બોલ્યો. જાણે હવે તેને તેનાં બધાં સવાલના જવાબ મળી જવાનાં હતાં. તેનાં વિચારોનો અંત આવવાનો હતો.

"કોઈ શાંત જગ્યાએ લઈ જઈશ મને?? જ્યાં ફક્ત કુદરતનાં સાનિધ્ય સિવાય કશું જ નાં હોય."

"હાં, એક જગ્યા એવી છે તો ખરાં...પણ-" તેજસે એક નજર આકાશમાં રહેલાં વરસાદી વાદળો તરફ કરી.

"મને વરસાદ પસંદ છે, ને મારાં અંદાજ મુજબ તું એ જ જગ્યા વિશે વિચારી રહ્યો છે, જે જગ્યા મારાં મન અને દિલમાં એક નવો ઉમંગ ભરી દે છે."

"હું ગિરનારનાં જંગલોમાં જવાનું વિચારતો હતો." ઝલકની એક પણ વાત તેજસની સમજમાં નાં આવી. છતાં તેનાં મનમાં જે જગ્યા હતી. એ જગ્યા વિશે તેણે ઝલકને જણાવ્યું.

"હાં, એ જ...મને એ જંગલમાં જવાની ખરેખર બહું ઇચ્છા છે. તું તો ઘણીવાર ગયો હશે. પણ મેં તો માત્ર તેનાં વિશે સાંભળ્યું જ છે." ગિરનારનાં જંગલોમાં ફરવાનો ઉત્સાહ ઝલકના ચહેરા ઉપર સાફ સાફ નજર આવતો હતો.

"તો હું તને ત્યાં જરૂર લઈ જઈશ. પણ ત્યાંથી આવતાં મોડું થશે. વરસાદી માહોલ છે, રસ્તા થોડાં ઉબડખાબડ હશે. તો તું જીગ્નેશને જણાવી દે."

ઝલક હજું કાંઈ કહે એ પહેલાં જ તેજસના મોબાઈલની રીંગ વાગી. ઘરની અંદરથી તન્વી મોબાઈલ લઈને આવી.

"ભાઈ, જીગ્નેશનો કોલ આવે છે."

તેજસે એક નજર ઝલક તરફ કરીને, કોલ રિસીવ કર્યો. તન્વીએ ઝલક સામે સ્માઈલ કરી. અત્યારે ઝલકને ત્યાં જોઈને તન્વીને થોડી નવાઈ લાગી.

તેજસે જીગ્નેશને ઝલક પોતાની ઘરે છે, ને એ બંને જૂનાગઢના જંગલોમાં જવાનાં છે, એ અંગે જણાવી દીધું. તેજસની વાત જાણીને જીગ્નેશને થોડું અજીબ લાગ્યું. પણ તેને ખાતરી હતી કે, હવે કદાચ તેજસ જ ઝલક વિશે કંઈક જાણી શકશે. જીગ્નેશ સાથે વાત કરીને તેજસ ઝલકને લઈને અંદર ગયો. અંદર તન્વી તેમની જ રાહ જોતી હતી. ઝલકને બહાર સોફા પર બેસાડીને તેજસ તન્વી પાસે કિચનમાં ગયો. તન્વી ચા બનાવતી હતી.

"તન્વી, હું ઝલક સાથે જૂનાગઢ જાઉં છું. મમ્મીને જણાવી દેજે. તે મંદિરે ગયાં છે, તે આવશે ત્યાં સુધીમાં મોડું થઈ જાશે. તો હું હાલ જવાં માટે નીકળું છું."

"તું શાં માટે જાય છે?? એ મારે પૂછવાની જરૂર નથી. પણ, વરસાદી વાતાવરણ છે, તો સંભાળીને જજો. મમ્મીની ચિંતા નાં કર."

તન્વી તેજસને પહેલેથી જ સમજતી હતી. તેજસ તેનાં પિતાથી જેટલો દૂર હતો. એટલો જ તેનાં મમ્મી અને બહેનની નજીક હતો. કોઈ પણ વાત હોય, ચાહે એ ગંભીર હોય કે હાસ્યાસ્પદ, તન્વી તેજસની બધી વાતો બહું સરળતાથી સમજી શકતી. તેજસના મમ્મી માટે તો તેજસને કંઈ વાતમાં ખુશી મળે છે? એ જ તેમનાં માટે મહત્વનું રહેતું.

"ઝલક તું ચા પી. ત્યાં સુધીમાં ભાઈ આવી જાશે." તન્વીએ ચાનો કપ ઝલકના હાથમાં મૂક્યો.

ઝલક ચા પીવા લાગી. તન્વી હોસ્પિટલે જવાનો સમય થઈ ગયો હોવાથી તેનું એક્ટિવા લઈને હોસ્પિટલ જવા માટે ચાવી લઈને ઘરની બહાર નીકળી.

"ચાલ હવે જઈએ." ઝલકે ચાનો કપ ખાલી કર્યો. ત્યાં સુધીમાં બ્લુ જીન્સ અને વ્હાઈટ ટી-શર્ટ પહેરીને તેજસ એક બેગ સાથે નીચે આવ્યો.

ઝલક તરત જ ઉભી થઈ ગઈ. તેજસ પોતાની બાઈકની ચાવી લઈને બહાર નીકળ્યો. ઝલક પણ તેની પાછળ પાછળ બાઈક પાસે આવી પહોંચી. ઘરની પાસે રહેલી નાની એવી ઓરડીમાંથી તેજસે પોતાની બાઈક બહાર કાઢી. આ જગ્યાને ખાસ બાઈક, એક્ટિવા અને કારને મૂકવા માટે જ બનાવવામાં આવી હતી.

તેજસે બાઈક ચાલુ કરી એટલે ઝલક તેજસની પાછળ બેસી ગઈ. આજે તેજસ સાથે ઝલક બીજીવાર આ બાઈકની સવારી કરી રહી હતી. પણ આ વખતે તેને થોડી અલગ જ અનૂભૂતિ થતી હતી. પહેલીવાર ઝલકના વિચારોએ તેને એવું કાંઈ વિચારવાનો મોકો જ નહોતો આપ્યો.

ઝલક બાઈક પર બેઠી એટલે તેજસે બાઈકને જૂનાગઢનાં રસ્તે હાંકી મૂકી.

તેજસ જૂનાગઢ જવાં નીકળ્યો. બરાબર એ જ સમયે જીવદયાબેન મંદિરેથી પરત ફર્યા. તેમણે તેજસને જતાં જોયો. ઝલકને માત્ર પાછળથી જ જોઈ હોવાથી જીવદયાબેન એ કોણ છે?? એ જાણી નાં શક્યાં.

"આજે તારો લાડલો ક્યાં ગયો છે?" અચાનક જગજીવનભાઈના અવાજથી જીવદયાબેનનુ ધ્યાન એ તરફ ખેંચાયું.

"આજે મને કશું જણાવ્યું નથી. કદાચ, તન્વીને ખબર હશે. હું તેને પૂછી લઉં." જીવદયાબેન ઘરની અંદર જઈને પૂજાની થાળી ટેબલ પર મૂકીને પોતાનો મોબાઈલ લેવાં માટે રૂમ તરફ જવા લાગ્યા.

"નાં, એની કાંઈ જરૂર નથી. મારાં એક મિત્ર સાથે મારે તેની હોસ્પિટલે જ જવાનું છે. હું તેની પાસે જઈને જ તેને પૂછી લઈશ." જગજીવનભાઈ પૂજાની થાળીમાંથી પ્રસાદ લઈને, આગળ કોઈ જાતની ચર્ચા કર્યા વગર જ જતાં રહ્યાં.

જીવદયાબેન કોઈને કાંઈ કહી નાં શકતાં. પણ હવે તેમનાં માટે આ બધું સહન કરવું થોડું અઘરું પડી રહ્યું હતું. તેજસ અને તન્વી તેમની વ્યથા સારી રીતે સમજી શકતાં. પણ આ બધું તેમનાં હાથમાં નહોતું. જગજીવનભાઈ જે રીતે વર્તતા એ તેજસને પસંદ નાં આવતું. બંને એકબીજાને હેરાન કરવામાં કોઈ કસર બાકી નાં રાખતાં. જેનાં પરિણામ જીવદયાબેનને ભોગવવાં પડતાં. જેનાં લીધે તેજસે થોડાં સમયથી જગજીવનભાઈથી થોડી વધારે દૂરી બનાવી લીધી હતી. બંને વચ્ચે વાતચીત જ નાં થાય. તો કોઈને કોઈ તકલીફ જ નાં થાય. એમ વિચારી તેજસ જગજીવનભાઈની સામે જવાનું ટાળતો.

એક જ ઘરમાં રહીને અલગ રહેવું એ કામ અઘરું હતું. પણ તેજસ તેમાં પાવરધો બનતો જતો હતો. આ વાત જીવદયાબેનને અકળાવનારી હતી. પરંતુ તે પોતાનું દુઃખ કોઈને જણાવતાં નહીં.

તન્વી હોસ્પિટલમાં પોતાનું કામ કરી રહી હતી. જગજીવનભાઈ તેનાં મિત્ર સાથે ત્યાં આવી પહોંચ્યા. તેમનાં મિત્ર આસુતોષભાઈ જેવાં પોતાનાં દીકરા કૃણાલ પાસે ગયાં. એવાં જ જગજીવનભાઈ તન્વી પાસે પહોંચી ગયાં.

"અરે પપ્પા, તમે અહીં??" જગજીવનભાઈને ત્યાં જોઈને તન્વીને થોડું આશ્ચર્ય થયું.

"હાં, આસુતોષને કૃણાલનું થોડું કામ હતું. તો તેની સાથે જ આવ્યો છું." જગજીવનભાઈ સાવ વિનમ્ર થઈને બોલ્યાં. તેમનાં આટલાં વિનમ્ર શબ્દો તન્વીના મનને અશાંત કરી ગયાં. જગજીવનભાઈને જ્યારે તન્વી પાસેથી કંઈક જાણવું હોય. ત્યારે જ તે આટલું વિનમ્ર વર્તન કરતાં.

તન્વીને અચાનક જ તેજસની યાદ આવી ગઈ. સાથે-સાથે તન્વીને કાલ રાતનાં જગજીવનભાઈના શબ્દો પણ યાદ આવી ગયાં. "કાલે તારાં ભાઈને કહી દેજે કે, કૃણાલ પાસે અમારી એક જરૂરી ફાઈલ છે. જે તારી હોસ્પિટલમાં પડી છે. તો એ ફાઈલ તે કાલે લાવીને આસુતોષને આપે. કેમ કે, તારો ભાઈ મારું સોંપેલ કામ તો નહીં જ કરે!! તો આ કામ હું તને સોપુ છું."

તેજસ તો જૂનાગઢ જતો રહ્યો હતો. તન્વીના મનમાંથી ફાઈલવાળી વાત જ નીકળી ગઈ હતી. "એ ફાઈલ માટે જ આસુતોષ અંકલ અહીં આવ્યાં હશે. પપ્પાને તેજસ બહાર ગયો છે. એ જાણ થતાં જ તે પણ અહીં આવી પહોંચ્યાં હશે." એમ વિચારી રહેલી તન્વીના ચહેરાનો રંગ જ ઉડી ગયો. બરાબર એ જ સમયે કૃણાલ ત્યાં આવ્યો.

"અંકલ, સોરી!! હું તમને જણાવતાં જ ભૂલી ગયો કે, એ ફાઈલમા અમુક ડોક્યુમેન્ટ બાકી હતાં. જે મેં મારાં મિત્રને તૈયાર કરવાં આપ્યાં છે. તો એ ફાઈલ તમને સાંજે મળી જાશે. આ વાત હું તન્વીને પણ જણાવતાં ભૂલી ગયો હતો. તન્વીએ તેજસને ફાઈલ લેવાં આવવાં માટે જણાવ્યું હશે. તો તેજસે મને કોલ પણ કર્યો હતો. પણ હું તેનો કોલ રિસીવ નાં કરી શક્યો. મારો મોબાઈલ સાઈલેન્ટ મોડ પર હતો. હજું હમણાં જ તેનો કોલ આવેલો જોયો. તો તેને અહીં ધક્કો નાં ખાવા જણાવી દીધું. હું આ વાત તમને લોકોને કહું એ પહેલાં જ તમે અહીં આવી ગયાં." કૃણાલની વાત સાંભળી તન્વી કૃણાલ તરફ જોવાં લાગી. કૃણાલ એટલે તન્વીના સંકટ સમયની સાંકળ!! તન્વીના જીવનમાં કોઈ પણ મુસીબત આવે કે, કૃણાલ તરત જ હાજર થઈ જતો. બંનેએ એક જ જગ્યાએ સર્જન બનવાની ટ્રેનિંગ લીધી હતી. ત્યારથી જ બંનેની મિત્રતા બંધાઈ હતી.

"હવે ફાઈલ કૃણાલ જ લેતો આવશે. તો આપણે હવે જઈએ. ઓફિસમાં એક મિટિંગ પણ છે."

જગજીવનભાઈને તન્વી સાથે તેજસ અંગે વાત કરવી હતી. તે ક્યાં ગયો છે? એ અંગે જાણવું હતું. પણ મિટિંગ જરૂરી હતી. જો આ મિટીંગમાં સમયસર નાં પહોંચાય. તો લાખોનું નુકશાન વેઠવું પડે. આસુતોષભાઈને એ મિટિંગની ઉતાવળ હોવાથી તે જગજીવનભાઈનો જવાબ સાંભળ્યાં વિના જ ચાલતાં થઈ ગયાં. જેનાં લીધે જગજીવનભાઈને પણ તેમની સાથે જવું પડ્યું.

"થેંક્યું કૃણાલ, આજ તારાં લીધે ફરી એકવાર હું પપ્પાના સવાલોથી બચી ગઈ."

"હવે એકવાર પણ થેંક્યું કહ્યું છે, તો આપણી દોસ્તી ખતમ!!"

"અરે સોરી!!"

"ઓકે, તો હું જાઉં છું."

"એ પણ કાંઈ નહીં કહું!! હવે તો બેસ!!"

કૃણાલની આ ટેવ જ તન્વીને જીવનમાં ખુશ રહેવાની પ્રેરણા પૂરી પાડતી. હંમેશા મદદ માટે તત્પર રહેવું. સોરી કે થેંક્યું સાંભળવું નહીં. એમાં ખાસ વાત એ કે ક્યારેય કોઈ વાતને સિરિયસ તો બિલકુલ નાં લેવી. ગમે તેવી ગંભીર બાબતનો હસતાં મોંઢે જ ઉકેલ લાવવાનો.

"તો ચાલ, મને તારાં હાથની ચા પીવડાવી દે. એટલે બધું પતે. સોરી ને થેંક્યું બંને સાથે બોલી છે. તો સજા તો ભોગવવી પડે ને!!"

તન્વીની આ સજા નક્કી જ રહેતી. જ્યારે પણ તન્વી સોરી અને થેંક્યું એકસાથે બોલે. ત્યારે તન્વીએ હોસ્પિટલની સામે આવેલાં ચા વાળા છગનકાકા પાસે જઈને ત્યાં પોતાનાં હાથે ચા બનાવી, કૃણાલને પીવડાવી પડતી.

"હાં, ચાલો‌ ત્યારે!! સજા તો સ્વીકારવી જ પડશે."

બંને હસતાં હસતાં છગનકાકાની ચાની લારી પર જવા નીકળી ગયાં. આ બંને જ્યારે એકસાથે જતાં ત્યારે છગનકાકા પણ સમજી જતાં કે આજે તન્વી ચા બનાવશે.

"બહું જાજા દિવસે આવ્યાં તમે બંને!!" ચા ને હલાવતાં હલાવતાં છગનકાકા બોલ્યાં.

"હાં કાકા, આ મેડમ આજ ઘણાં સમયે લાગમાં આવ્યાં છે. હવે ભૂલ વગર સજા તો અપાય નહીં ને!! આજે ભૂલ કરી તો લઈ આવ્યો તેને અહીં!!"

"તો ચાલો બેટા, તમે સજા પૂરી કરો. આજે તો મને પણ ઘણાં સમયે તારાં હાથની ચા પીવાનો લાભ મળ્યો છે." છગનકાકા તેણે બનાવેલી ચા ની તપેલી નીચે ટેબલ પર મૂકીને બોલ્યાં.

તન્વી હસતાં મોંઢે ચા બનાવવા લાગી. છગનકાકા પોતાનાં બીજાં કામોમાં વળગી ગયાં. કૃણાલ તન્વીને ચા બનાવતાં જોવામાં વ્યસ્ત થઈ ગયો.

કૃણાલ મનોમન તન્વીને પસંદ કરતો. એ વાતથી તન્વી પણ વાકેફ હતી. બંને વચ્ચે સમજણ પણ સારી એવી હતી. પણ તન્વી પોતાના પપ્પાના સ્વભાવથી પરિચિત હતી. જગજીવનભાઈના બનાવેલાં નિયમો ઉપર તેજસ તો ક્યારેય ચાલ્યો નહોતો. જેનાં લીધે જગજીવનભાઈ હંમેશા પરેશાન રહેતાં. એ કારણથી તન્વી જગજીવનભાઈને વધું પરેશાન કરવા નહોતી માંગતી.

"આ લ્યો, તમારી ચા તૈયાર છે." જોતજોતામાં તન્વીએ ચા બનાવીને ચાનો કપ કૃણાલના હાથમાં ધરી દીધો. કૃણાલ ચાની ચુસ્કીઓ લેવાં લાગ્યો. તન્વી બીજો ચાનો કપ તૈયાર કરીને છગનકાકા પાસે ગઈ. તે ચાની કીટલી સાફ કરી રહ્યાં હતાં. એ કીટલી તેમનાં હાથમાંથી લઈને, તન્વીએ ચાનો કપ તેમનાં હાથમાં પકડાવી દીધો. ને પોતે એ કીટલી સાફ કરવાં લાગી.

એક મોટાં બંગલામાં રહેતી, જગજીવનભાઈની લાડકી દીકરી તન્વી મોટી સર્જન હોવાં છતાં થોડી પણ ઘમંડી નહોતી. હંમેશાં બધાંની મદદ કરવાં તત્પર રહેતી. એમાં છગનકાકાને તો તે પોતાનાં પિતા સમાન જ માનતી.

સાઈઠેક વર્ષ વટાવી ચુકેલા, આંખે મોટાં કાચવાળા ચશ્માં, સહેજ ઊંચા અને જાડાં એવાં છગનકાકા કેટલાંય વર્ષોથી ચાની સ્ટોલ ચલાવતાં હતાં. તન્વી જેટલો તેમને આદર આપતી એટલો જ પ્રેમ છગનકાકા તન્વીને આપતાં.

"તો ચાલો હવે જઈએ?? તમારે ચા પીવાઈ ગઈ હોય તો!!"

"હાં, ચાલો!!"

કૃણાલ ચાનો કપ ટેબલ પર મૂકીને ઉભો થયો. તન્વી સાફ કરેલી કીટલી ટેબલ પર મૂકીને, છગનકાકા સામે મુસ્કાન વેરીને ચાલતી થઈ ગઈ.(ક્રમશઃ)ઝલક તેજસને તેનાં ભૂતકાળ વિશે જણાવશે?? તન્વી તેનાં પપ્પાને તેજસ અને ઝલક અંગે જણાવી શકશે??


Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 4 weeks ago

Shreya

Shreya 8 months ago

Swati

Swati 9 months ago

Pradyumn

Pradyumn 9 months ago

ashit mehta

ashit mehta 9 months ago