A glimpse of you - 8 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૮

તારી એક ઝલક - ૮

તારી એક ઝલક

જગજીવનભાઈ તેજસ અને ઝલકને જૂનાગઢમાં જોઈ ગયાં. હવે તેઓ તેજસ વિશે જાણવાં અધીરા બન્યા હતાં.

ભાગ-૮


તેજસ અને ઝલક બંને ભેંસાણ તરફ આગળ વધી રહ્યાં હતાં. એમની પાછળ જગજીવનભાઈ અને આસુતોષભાઈ પણ જૂનાગઢથી ભેંસાણ આવવાં નીકળી ગયાં હતાં.

ઝલક દાતાર હિલ ફર્યા પછી ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને ખુશ જોઈને તેજસ પણ શાંતિ અનુભવી રહ્યો હતો. પણ ઝલક અંગે તે જે જાણવાં માંગતો હતો. એ જાણવામાં તે નિષ્ફળ રહ્યો હતો. પણ ઝલકે જે કહ્યું એ પછી તેની સાથે અનેક ઉંડા રહસ્યો સંકળાયેલા હતાં. એ વાત તેજસ સમજી ગયો હતો.

તેજસે તેનાં જીવનમાં જેટલા ઉતાર ચઢાવ જોયાં. એ પરથી કોઈનાં જીવનનાં રહસ્યો જાણવાં આસાન નથી હોતાં. એમાંય જે વ્યક્તિ પોતાનાં જીવન અંગે જણાવવા નાં માંગે, એ વ્યક્તિનાં જીવન વિશે જાણવું અઘરું પડે છે. એ વાત તેજસને ખબર હતી. આમ પણ કોઈ વ્યક્તિને તેનો ભૂતકાળ યાદ કરાવીને હેરાન નાં કરાય. એ તેજસના જીવનનો મૂળ મંત્ર હતો. પણ સામે એક હકીકત એ પણ હતી, કે કોઈનું દુઃખ જાણીને જો આપણે તેને ખુશીઓની સોગાત આપી શકીએ‌. તો એ કાર્ય અવશ્ય કરવું જોઈએ.

આવાં જ વિચારો કરતાં કરતાં બંને ભેંસાણ પહોંચી ગયાં. તેજસ ઝલકને સીધો અર્પિતાની ઘરે મૂકી ગયો. આવતાં ઘણું મોડું થઈ ગયું હતું. પણ જીગ્નેશ ઝલકની રાહ જોઈને બહાર જ બેઠો હતો. ઝલકને અને તેજસને જોઈને જ જીગ્નેશ તેમની પાસે ગયો. ઝલક એક નજર જીગ્નેશ તરફ કરીને અંદર જતી રહી. તેજસના ચહેરા પરથી લાગતું હતું, કે તેને ઝલક વિશે કાંઈ ખાસ જાણવા મળ્યું નથી.

"હાલ તું ઘરે જા. આપણે કાલે વાત કરીએ. અર્પિતાને પણ તારી સાથે વાત કરવી છે." જીગ્નેશ તેજસના ખભા પર હાથ મૂકીને, એક આશાભરી નજરે તેની સામે જોઈ રહ્યો. તેજસ જાણે જીગ્નેશને સાંત્વના આપતો હોય, એમ તેનાં હાથ પર હાથ મૂકીને, તેની સામે જોઈ રહ્યો. પાંચ મિનિટના મૌન પછી જીગ્નેશ તેનાં ઘરની અંદર ગયો. તેજસ બાઈક લઈને પોતાની ઘરે જવા નીકળી ગયો.

ઘરે પહોંચીને તેજસ બાઈક ઓરડીમાં મૂકી, દરવાજા પાસે પહોંચ્યો. જ્યાં જગજીવનભાઈ તેમની રાહ જોઈને જ ઉભાં હતાં. તેજસે એક નજર તેમની પ્રશ્નાર્થ આંખો તરફ કરી. અંદર જીવદયાબેન અને તન્વી બંને ઉભાં હતાં. તેજસે તન્વી સામે જોતાં જ બધી વાતનો અંદાજ લગાવી લીધો. જગજીવનભાઈ શું જાણવાં માંગતાં હતાં?? એ તેજસને ખબર હોવાં છતાં તેજસ ઘરની અંદર પ્રવેશી ગયો.

"તો આજે તમે જૂનાગઢમાં શું કરતાં હતાં?? એ પણ એક છોકરી સાથે??" જગજીવનભાઈએ છોકરી શબ્દ પર ભાર મૂક્યો.

"હાલ તમને એ બાબતે જણાવવું મને યોગ્ય નથી લાગતું. તો એ બાબતે પછી ક્યારેક ચર્ચા કરીશું."

"તને ક્યારેય મને કાંઈ પણ જણાવવું યોગ્ય લાગ્યું છે?? ગમે ત્યારે ગમે તે પૂછો. પછી ચર્ચા કરીશું!! બસ આ જવાબ જ આપવાનો તારે??"

"મેં તમને ક્યારેય કોઈ સવાલ કર્યાં?? જો કદાચ ક્યારેક કરી પણ લીધાં હોય. તો તમે મને ક્યારેય જવાબ આપ્યો છે?? નહીં ને!! તો મારી પાસેથી પણ જવાબ મેળવવાની આશા છોડી દો. મને જ્યારે જે જણાવવું યોગ્ય લાગશે. ત્યારે એ હું તમને જણાવી દઈશ." રોજની માફક આજે પણ તેજસ ગુસ્સે થઈને, અવળો જવાબ આપીને પોતાનાં રૂમમાં પુરાઈ ગયો.

આ વખતે જગજીવનભાઈ જવાબ લીધાં વગર માને એમ નહોતાં. તેઓ પણ તેજસની પાછળ ગયાં. "તેજસ આજે હું તારી કોઈ વાત માનીશ નહીં. આજે તો તારે મારાં સવાલોનાં જવાબ આપવા જ પડશે." જગજીવનભાઈ જોરજોરથી તેજસના રૂમનો દરવાજો ઠોકવા લાગ્યાં.

આ બધું જોઈને જીવદયાબેનને વર્ષો જૂનાં દ્રશ્યો આંખ સામે તરવરવા લાગ્યાં. તેમને પરિસ્થિતિ વણસતી હોય એવું લાગ્યું. તન્વીના ચહેરા પર પણ ચિંતાની લકીરો ફરી વળી.

"તેજસ દરવાજો ખોલ.. આ બધાં શું નાટક લગાવ્યાં છે?? તે મારી પરવાનગી વગર એ કાર્ય કર્યું જ કેવી રીતે??"

"મારે બધાં કામમાં તમારી પરવાનગીની જરૂર નથી. તમે સાચાં ખોટાં વચ્ચેનો ભેદ ભૂલ્યાં છો‌, હું નથી ભૂલ્યો."

"બસ કર તેજસ!! તારે જે કહેવું હોય, એ મારી સામે આવીને બોલ. આમ ચોરની માફક રૂમની અંદર ઘુસીને સિંહની જેમ ત્રાડુકવાની જરૂર નથી."

"બસ પપ્પા બસ...તમે જે કર્યું છે. એ એક પણ રીતે યોગ્ય નથી. તમે એવું કરી જ કેવી રીતે શકો?? તમે જે વ્યક્તિ પર એવાં ગંદા આરોપ લગાવ્યાં, એ વ્યક્તિ મારાં માટે શું છે?? એ કદાચ તમે ભૂલી ગયાં છો."

"હું કાંઈ ભૂલ્યો નથી. જે લોકો જેવાં છે, એને મેં એવાં કહ્યાં છે. એમાં શંકા કે સવાલને કોઈ સ્થાન જ નથી."

"બસ કરો હવે!!" તેજસે દરવાજો ખોલી, બહાર આવીને જગજીવનભાઈને એક તસતસતો તમાચો ચોડી દીધો. આખાં ઘરમાં એક ગંભીર મૌન છવાઈ ગયું. તન્વી ઉભી ઉભી રડી રહી હતી. જીવદયાબેનના હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં. જે બનાવ બન્યો, એ પછી જગજીવનભાઈ અને તેજસ વચ્ચે કદી નાં ભરાય એવી તિરાડ પડી ગઈ હતી.

ખટાક...તેજસના રૂમનો‌ દરવાજો ખુલતાં જ જીવદયાબેન ફરી વર્તમાનમાં આવી પહોંચ્યા. તેજસને બહાર આવતો જોઈને, જીવદયાબેન તરત જ ઉપર ગયાં. જગજીવનભાઈનો હાથ પકડીને તેમને લઈને‌ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.

"ભાઈ, આઈ એમ સોરી... પપ્પાએ મને તારાં વિશે પૂછ્યું. તો મારે તેમને ઝલક વિશે જણાવવું પડ્યું."

"શું જણાવ્યું તે એમને??"

"કંઈ ખાસ નહીં. માત્ર એટલું જ કહ્યું, કે ઝલક લંડનથી આવી છે, ને તેને જૂનાગઢ જોવું હતું. તો ભાઈ તેને લઈ ગયો. એમણે થોડાં સવાલો કર્યા. તેજસ જ શાં માટે લઈ ગયો?? એ છોકરી કોણ છે?? એવાં બધાં!! પણ મેં તેમને સમજાવી દીધાં છે. તો હવે જો એ કાંઈ નાં પૂછે, તો તું નાહક તેમને કાંઈ કહીને હેરાન નાં કરતો‌."

તેજસે કોઈ ખોટું કામ નહોતું કર્યું. તો કોઈ વાત છુપાવવાનો કોઈ મતલબ જ નહોતો. જગજીવનભાઈ આમ પણ ઝલક વિશે જાણ્યાં વગર શાંતિથી બેસવાના નહોતાં. એ જાતે જાણીને ઝલકને કાંઈ આડાં અવળું બોલે, એ કરતાં જાતે જ તેમને બધું કહી દેવું જોઈએ. એવો વિચાર કરીને તેજસ આડે પડખે પડ્યો.

એક તરફ અર્પિતાને તેજસ સાથે શું વાત કરવી હતી?? એ તેજસને સમજાતું નહોતું. તો બીજી તરફ જગજીવનભાઈ નાની એવી વાતને લઈને ખાલી ખોટો મોટો તમાશો નાં કરે તો સારું!! એ વાતનો ડર તેજસને સતાવતો હતો.

આમ તેમ કેટલાંય પડખાં ફેરવવા છતાં તેજસને ઉંઘ નથી આવતી. સતત પડખાં ફેરવ્યાં પછી બેડ પરથી ઉભાં થઈને તેજસે એક નજર દિવાલ પરની ઘડિયાળ તરફ કરી. રાતનાં લગભગ બે વાગ્યા હતાં. થોડીવાર એમ જ બેસી રહીને પછી ટેબલ પરથી પાણીનો જગ લઈને ગ્લાસમાં પાણી ભર્યું. એ પાણીના ગ્લાસને તેજસે માત્ર એક જ સેકન્ડમાં ખાલી કરી નાખ્યો. ગ્લાસ ટેબલ પર મૂકીને પોતે જઈને ખુરશી પર બેઠો. પાંચેક મિનિટ થતાં જ બહાર ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો. પવને પણ પોતાની ગતિ પકડી હતી. રૂમની બારી પવનના લીધે ભયંકર અવાજ કરવાં લાગી. વીજળીથી આકાશ ચમકવા લાગ્યું. જાણે એ કોઈ સંકેત આપી રહ્યું હતું, કે હવે જે થાશે. એ રોકવાની હિંમત કદાચ કોઈનામાં નહીં હોય.

તેજસ આ બધી ઘટનાઓ એકીટશે જોઈ રહ્યો હતો. બરાબર એ સમયે જ જીવદયાબેન તેજસના રૂમમાં આવ્યાં. તેમણે આવીને તેજસના ખંભા પર હાથ મૂક્યો. આટલી રાતે જીવદયાબેનને પોતાનાં રૂમમાં જોઈને, તેજસને શું વિચારવું જોઈએ?? એ તેની સમજમાં નાં આવ્યું. તે બસ જીવદયાબેન સામે મૂક બનીને જોઈ રહ્યો.

"બેટા, આજ મારે તને કોઈ સવાલ નથી કરવો. તારી પાસેથી કંઈ જોતું પણ નથી. આજ બસ હું તને એક જ વાત કહેવા આવી છું. તું જે રસ્તે જઈ રહ્યો છે. એ રસ્તો એટલો સરળ નથી. તો જે કાંઈ પણ કરે એ સમજીને કરજે. તું જેનાં વિશે જાણવા માંગે છે, એ પણ કદાચ તને બધું જણાવવા જ માંગે છે. તો એનો સાથ જરૂર આપજે."

જીવદયાબેને‌ શું કહ્યું?? શાં માટે કહ્યું?? એ તો તેજસની સમજમાં નાં આવ્યું. પણ તેજસ એટલું જરૂર જાણી ગયો, કે જીવદયાબેન કદાચ ઝલકની જ વાત કરતાં હતાં. તેજસ હજું જીવદયાબેનને કાંઈ પૂછે એ પહેલાં જ તે ત્યાંથી જતાં રહ્યાં. જીવદયાબેનનુ આમ મોડી રાત્રે અચાનક આવવું. તેજસને આવું બધું કહેવું. એની પાછળનો ઉદ્દેશ તો તેજસ નાં સમજી શક્યો. પણ તેજસે ઝલકનો સાથ આપવાનો હતો. એ વાતનો સંકેત તેને મળી ગયો.

જીવદયાબેનના જતાં જ વરસાદ પણ જાણે થંભી ગયો. વાતાવરણ એકદમ શાંત બની ગયું. તેમ છતાંય હજું એવું ઘણું બધું હતું. જે તેજસના મનમાં વલોવાઈ રહ્યું હતું. બધાં જવાબ જાણે સામે જ હતાં. પણ કદાચ નજર નહોતાં આવી રહ્યાં.(ક્રમશઃ)


આખરે જીવદયાબેન તેજસને ઝલકનો સાથ આપવાનું શાં માટે કહેતાં હતાં?? શું એ ઝલકને ઓળખતાં હતાં??


Rate & Review

dineshpatel

dineshpatel 8 months ago

Swati

Swati 9 months ago

Pradyumn

Pradyumn 9 months ago

ashit mehta

ashit mehta 9 months ago

Vijay

Vijay 12 months ago