A glimpse of you - 10 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | તારી એક ઝલક - ૧૦

તારી એક ઝલક - ૧૦

તારી એક ઝલક

જગજીવનભાઈએ તેજસને કોઈ સવાલ નાં કર્યા. એ વાતથી તેજસ અને તન્વી બંનેને આશ્ચર્ય થયું.

ભાગ-૧૦

ઝલક આસુતોષભાઈને મળ્યાં પછી તેજસ પાસે ગઈ. તેજસ મહાદેવના મંદિરે બેઠો હતો. ઝલક સીધી ત્યાં જ પહોંચી ગઈ. તેજસ ઝલકને ત્યાં જોઈને હેરાન રહી ગયો.

"તું અહીં કેવી રીતે આવી??"

"પહેલાં તો ચપ્પલ પહેર્યાં, પછી ચાલતાં ચાલતાં અહીં પહોંચી ગઈ. પણ આ મંદિર છે, તો ચંપલ નીચે જ ઉતારીને તારી પાસે આવી."

ઝલકની વાત સાંભળી તેજસ હસવા લાગ્યો. ઝલક પણ તેને હસતાં જોઈને હસવા લાગી. થોડીવાર એમ જ હસીને ઝલક તેજસની પાસે બેસી ગઈ. આજ કોઈ સવાલ નાં થયાં. બંને વચ્ચે ગંભીર મૌન રહ્યું. બપોરનો સમય થતાં બંને પોતપોતાની ઘરે જતાં રહ્યાં.

ઝલક ઘરે જઈને પોતાનાં રૂમમાં બેઠી હતી. બરાબર એ સમયે જાદવ ત્યાં આવ્યો. જાદવે ઝલકને એક ડાયરી આપી. ઝલક એ ડાયરી હાથમાં લઈને જાદવને જતો જોઈ રહી. જાદવના ગયાં પછી ઝલકે એ ડાયરી ખોલી. ડાયરીના પહેલાં પેજ પર લખેલું હતું, "મારાં જીવનનાં અમુક પ્રસંગો" એ લીટીની નીચે તેજસ લખેલ હતું.

એ ડાયરી તેજસની હતી. એ વાતથી ઝલકના ચહેરા પર એક મુસ્કાન છવાઈ ગઈ.

"ઓહો, એકલાં એકલાં કંઈ વાતનું હસવું આવે છે??"

અર્પિતાને આવેલી જોઈ ઝલકે એ ડાયરી પોતાનાં ઓશિકાં નીચે મૂકી દીધી. ઝલક વાતને છુપાવી રહી હતી. એ વાત જાણીને અર્પિતાએ વધું કાંઈ નાં પૂછ્યું.

"બસ એક જૂનો પ્રસંગ યાદ આવી ગયો, એટલે જ હસતી હતી."

"ઓકે, હવે જમવા ચાલ."

જમવાનો સમય થઈ ગયો હતો. પણ ઝલકને તો તેજસની ડાયરી વાંચવાની તાલાવેલી હતી. અર્પિતા ઝલકની રાહ જોઈને દરવાજે ઉભી હતી. જીગ્નેશ કે અર્પિતા ઝલકને મૂકીને જમતાં નહીં. એ વાત ઝલકથી અવગણી શકાય એમ નહોતી. આખરે ઝલક ઓશિકાં નીચે પડેલી ડાયરી તરફ એક નજર કરીને દરવાજો બંધ કરી, રૂમની બહાર નીકળી ગઈ.

ઝલકના આવતાં જ જીગ્નેશ પણ જમવા બેઠો. અર્પિતા અને જીગ્નેશ ભાડાનાં મકાનમાં રહેતાં. અર્પિતા કોલેજ માટે અને જીગ્નેશ નોકરી માટે પોતાનાં ગામડેથી ભેંસાણ આવ્યાં હતાં. જીગ્નેશને તો છ મહિના પહેલાં જ સરકારી દવાખાનામાં નોકરી મળી ગઈ હતી. અર્પિતા ત્યારે બારમાં ધોરણમાં અભ્યાસ કરતી. જ્યારે જીગ્નેશ ભેંસાણ સેટલ થઈ ગયો. ત્યારે અર્પિતા કોલેજ માટે ભેંસાણ આવી.

ઘર સાવ નાનું એવું હતું. હજું કોઈ જાતની સુવિધાઓ નહોતી. અર્પિતાએ જમીન પર જ ત્રણ પાટલા અને આસન પાથર્યા. જમવાની થાળી પાટલા પર મૂકીને, બધાં આસન પર બેસીને જમવા લાગ્યાં. જમીને ઝલક બધું કામ પતાવી પોતાનાં રૂમમાં જતી રહી. રૂમમાં જઈને ઝલકે ડાયરી હાથમાં લીધી જ હતી. ત્યાં જ તેનાં મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પર રામજીકાકા નામ વાંચતા જ ઝલકે કોલ રિસીવ કર્યો.

"બેટા, જલ્દીથી અમદાવાદ આવી જા."

રામજીકાકાએ એટલું જ કહ્યું. ત્યાં જ ઝલક બેગ લઈને તેજસના ઘર તરફ ભાગી. તેજસની ઘરે પહોંચતાં જ ઝલક તેજસને મળે એ પહેલાં જગજીવનભાઈ તેની સામે આવીને ઊભાં રહી ગયાં.

"અંકલ, તેજસ ક્યાં??"

"એ તો હમણાં જ બેગ લઈને ક્યાંક ગયો. ક્યાં ગયો?? કોની સાથે ગયો?? એ કાંઈ તેણે કહ્યું નથી."

જગજીવનભાઈનો જવાબ સાંભળી ઝલક એક શબ્દ પણ નાં બોલી શકી. આગળ કાંઈ પણ પૂછ્યાં વગર હતાશ ચહેરે ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી. ડેપોમાં અમદાવાદ જતી બસ અંગે પૂછપરછ કરી. પણ અમદાવાદની બધી બસ સાંજે જ જતી હતી. અત્યારે અમદાવાદની એક પણ બસ મળવી મુશ્કેલ હતી.

ઝલક માટે અમદાવાદ પહોંચવું જરૂરી હતું. એ જ સમયે ઝલકનુ ધ્યાન એક વાન વાળા ભાઈ પર પડ્યું. એ અમદાવાદ જવા માટે પેસેન્જરોને બુમો લગાવીને બોલાવતાં હતાં. ઝલક મોકોના લાભ ઉઠાવી એ વાન પાસે પહોંચી. વાનની અંદર એક જ સીટ ખાલી હતી. ઝલક ફટાફટ એ સીટ પર બેસી ગઈ. વાન ચાલું થયું, ને ઝલકનુ અમદાવાદ જવાનું સફર પણ ચાલું થઈ ગયું.

અર્પિતા ઝલકને ઘરમાં નાં જોઈને પરેશાન થતી હતી. ઝલક કોઈને કહ્યા વગર જ અમદાવાદ જવા નીકળી ગઈ હતી. અર્પિતાએ ઝલકને કોલ કરવાં માટે મોબાઈલ હાથમાં લીધો. એ જ સમયે ઝલકે પોતે અમદાવાદ જાય છે, એવો મેસેજ મોકલ્યો.

અર્પિતા માટે ઝલક એક વીજળીનાં ઝટકા સમાન હતી. જે ક્યારે?? કેવો ઝટકો આપે, એ નક્કી જ નાં રહેતું. પહેલાં જૂનાગઢ તો હવે અમદાવાદ!! પણ શું આ વખતે એ તેજસ સાથે ગઈ હશે?? કે પછી એકલાં જ!! એ વિચાર આવતાં જ અર્પિતાએ તેજસને કોલ કર્યો. તેજસનો મોબાઈલ બંધ આવતો હતો.

ઝલક ખૂબ જ પરેશાન હતી. પોતાને તેજસની જરૂર હતી. પણ તેજસ ક્યાં હતો?? એ વાતથી તે અજાણ હતી. ઝલક વારે વારે મોબાઈલ પર તેજસનો નંબર ડાયલ કરીને કાપી રહી હતી. ચાર વખત એવું કર્યા પછી પાંચમી વખત તેણે તેજસને કોલ લગાવી જ દીધો. ડેમની અંદર પાણીનો પ્રવાહ વધતાં પાણી ઉપરથી વહેલા લાગે. એમ તેજસનો ફોન બંધ આવતાં ઝલકના ગુસ્સાનો પ્રવાહ પણ વધી ગયો હતો. જે તેની આંખોમાં નજર આવતો હતો.

અત્યાર સુધીમાં લગભગ બધાં લોકોએ તેજસને કોલ કરી લીધો હતો. જગજીવનભાઈને ક્યારેય કોલ નાં કરનારાં તેજસના બધાં મિત્રો પણ તેજસનો મોબાઈલ બંધ આવવાનાં કારણે જગજીવનભાઈને તેજસ અંગે પૂછી રહ્યાં હતાં. હવે તો જગજીવનભાઈ અને જીવદયાબેન પણ પરેશાન થઈ ગયાં હતાં, કે આખરે તેજસ આ રીતે ગયો ક્યાં??

તન્વીને અર્પિતાએ આ અંગે જાણ કરી હોવાથી એ પણ કૃણાલ સાથે ઘરે આવી ગઈ હતી. જીવદયાબેને રડી રડીને પોતાની આંખો લાલ કરી લીધી હતી. આજે જગજીવનભાઈ જેટલાં પરેશાન હતાં, એટલાં પરેશાન તે પણ આટલાં વર્ષોમાં ક્યારેય નહોતાં થયાં.

"અંકલ, તમે પરેશાન નાં થાવ. તેજસ ક્યાંય નહીં ગયો હોય."

"ક્યાંય નથી ગયો, તો ફોન કેમ નથી ઉપાડતો?? ખોટું મારું લોહી શાં માટે ઉકાળે છે?? તેને મારાથી પરેશાની છે, પણ તેની માઁ અને બહેન સામે તો જોવાય ને!!"

પહેલીવાર જગજીવનભાઈની આંખોમાં આંસુ હતાં. સાડા છ ફૂટ ઊંચાઈ, મોટી આંકડા ચડાવેલ મૂંછો, રૂઆબદાર મિજાજ ધરાવતાં જગજીવનભાઈ પોતાનાં એક માત્ર દિકરા તેજસ આગળ નબળા પડી જતાં.

"જગજીવન, શું વાત છે?? કોઈ મોટી પરેશાની છે??"

અનિકેતભાઈનો અવાજ સાંભળતાં જ જગજીવનભાઈ તેમને ભેટીને રડવા લાગ્યાં. દુઃખના સમયે એક મિત્રના ખંભે આંસુ વહાવી શકાય. એનાથી સાચું દુનિયાનું કોઈ સુખ નથી હોતું. આજે જગજીવનભાઈ પણ અનિકેતભાઈને જોઈને એવું જ મહેસૂસ કરી રહ્યાં હતાં. જગજીવનભાઈનુ રડવાનું શાંત થતાં અનિકેતભાઈએ પાણીનો ગ્લાસ આપ્યો.

"તેજસ કહ્યાં વગર જ ક્યાંક જતો‌ રહ્યો છે. તેનો મોબાઈલ પણ બંધ આવે છે. એ છોકરાએ તો બધાંને પરેશાન કરી મૂક્યાં છે!!" ગ્લાસમાંથી એક ઘૂંટ પાણી પીને જગજીવનભાઈ બોલવાં લાગ્યાં.

"અરે યાર, એ મારાં કહેવાથી જ લંડન ગયો‌ છે. હું તને એ જણાવવા જ અહીં આવ્યો છું. તે અત્યારે લંડનની ફ્લાઈટમા બેઠો છે, એટલે તેનો મોબાઈલ બંધ આવે છે."

"શું?? લંડન!! પણ શાં માટે??"

"મારી કંપનીનો એક પ્રોજેક્ટ છે, એ મારે લંડન જઈને જ હેંડલ કરવો પડે એમ હતો. પણ મારું લંડન જવું શક્ય નહોતું. તો મેં તેજસને મોકલ્યો."

"તેજસને તો બિઝનેસમાં હિસાબ કિતાબ કરતાં પણ‌ નથી આવડતું. તો એ આટલો‌ મોટો પ્રોજેક્ટ કેવી રીતે હેંડલ કરશે?? તે શું વિચારીને તેને લંડન મોકલ્યો??"

"એ બધું સંભાળી લેશે. એ કામ‌ માત્ર એ જ કરી શકે એમ‌ છે."

અનિકેતભાઈએ જે કહ્યું, એ પરથી જગજીવનભાઈ વધું અસમંજસમાં પડી ગયાં. અનિકેતભાઈ કોઈ પણ‌ કાર્ય હજાર વખત વિચારીને કરતાં. તો આજે તેજસને બિઝનેસ નાં આવડવા છતાં લંડન પ્રોજેક્ટ માટે મોકલવો, એ વાત થોડી ગંભીર હતી. છતાંય જગજીવનભાઈ અનિકેતભાઈ પર પોતાનાથી વધું વિશ્વાસ કરતાં હોવાથી તેમણે અનિકેતભાઈને આગળ કાંઈ પૂછ્યું નહીં. પણ લંડન શબ્દથી તેમની અંદર એક ધ્રુજારી પ્રસરી ગઈ હતી.

"જગજીવન, જો તે‌ મેં કહ્યું, એ કામ નાં કર્યું, તો આજ સાંજ સુધીમાં તને તારાં તેજસની લાશ મળશે. હવે વિચારી લે!! તારે શું કરવું છે??"

"તમે જે કરવાનું કહો છે. એ હું કરીશ, તો તેજસ આમ પણ મારાથી દૂર થઈ જાશે."

"માત્ર મનથી જ દૂર થાશે. પણ રહેશે તો તારી પાસે જ ને!! તું ગમે ત્યારે તેને મનાવી શકીશ."

"પણ, આખરે એવું કરીને તમને શું મળશે?? એ છોકરીએ એવું તો શું કર્યું છે, કે તમે તેની સાથે એવું કરો છો??"

"મારાં નફા-નુકશાન ઉપર તારે ધ્યાન આપવાની જરૂર નથી. તું માત્ર કહ્યું એટલું કર. એ છોકરી કાલે જેલમાં હોવી જોઈએ."

"હાં, તે કાલ જેલમાં હશે."

"મમ્મી, શું થયું તને??"

જીવદયાબેનની સતત રડવાના લીધે હાલત ખરાબ થઈ ગઈ હતી. સતત ચિંતા કરવાથી અને ભૂખ્યાં હોવાનાં કારણે તેઓ બેહોશ થઈ ગયાં હતાં. તન્વીએ જીવદયાબેનને જમીન પર બેભાન અવસ્થામાં જોઈને રાડ પાડી. તન્વીના અવાજથી જગજીવનભાઈ ભૂતકાળમાંથી ફરી વર્તમાનમાં આવ્યાં.

જગજીવનભાઈએ જીવદયાબેનને ઉંચકીને સોફા પર સુવડાવ્યા. તન્વીએ તેમને તરત જ પાણી અને જમવાનું આપ્યું.

"શું થઈ ગયું છે, તમને બધાંને!! કોઈ મારી વાત માનતું જ નથી. કેટલીવાર કહ્યું, જમી લે...જમી લે...પણ નહીં!! ઘરમાં બધાંએ મારી વાત નાં માનવાનો સંકલ્પ લીધો છે."

જગજીવનભાઈ આજે કંઈક વધારે જ ભાવુક થઈ રહ્યાં હતાં. જે જીવદયાબેન સમજી તો શકતાં હતાં. પણ એ પાછળનું કારણ જાણી નહોતાં શકતાં.(ક્રમશઃ)


Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 11 months ago

Pradyumn

Pradyumn 2 years ago

ashit mehta

ashit mehta 2 years ago

Vijay

Vijay 2 years ago

Parash Dhulia

Parash Dhulia 2 years ago