Kudaratna lekha - jokha - 15 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 15


આગળ જોયું કે મયૂરને તેમના મિત્રોને નહિ બોલાવવાનો અફસોસ થાય છે. કેશુભાઈ મીનાક્ષી સામે મયુરના વખાણ કરે છે. એ સમયે જ કેશુભાઈ ને એક વિચાર આવે છે પણ એ વિચાર મીનાક્ષી સામે રજૂ નથી કરતા.
હવે આગળ.......

* * * * * * * * * * * * * *

"બેટા હવે કેટલી વાર છે. તારે કોલેજ જવાનું મોડું થશે! ચાલ ફટાફટ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જા તારો નાસ્તો તૈયાર છે." જયશ્રીબહેન ઘડિયાળ પર નજર નાખી મયુરના રૂમના દરવાજા ને ખટખટાવતા કહ્યું. "મમ્મી તૈયાર થઈ જ ગયો છું બસ આવું જ છું" થોડીવારમાં જ મયુરે રૂમનો દરવાજો ખોલ્યો અને એના મમ્મીને પગે લાગી, જય શ્રી કૃષ્ણ કર્યા. જયશ્રીબહેને પણ મયૂરના માથા પર હાથ મૂકી જય શ્રી કૃષ્ણ કહ્યું. "બેટા તું આમ જ બધા કાર્યોમાં મોડું કરીશ તો નહિ ચાલે હો" જયશ્રીબહેને થોડા ફરિયાદના સ્વરમાં કહ્યું. "દરેક કાર્યમાં સચેત કરવામાં મમ્મી તું છોને પછી મારે શું ચિંતા છે." નિશ્ચિત ભાવે મયુરે કહ્યું. "બેટા એક દિવસ એવો પણ આવશે કે હું નહિ હોવ ત્યારે તું શું કરીશ?" મજાકમાં જ જયશ્રીબહેન બોલી ગયા. "જો મમ્મી આજ પછી આવી વાત ક્યારેય ના કરતી, હું ક્યારેય મારાથી તને અલગ નહિ થવા દવ." ગુસ્સો હતો મયુરના શબ્દોમાં. "એ બધું તો ઈશ્વરના હાથમાં છે બેટા, ક્યારે એ મારી જીવાદોરી ખેંચી લે કેમ ખબર! જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જ જીવી શકાયને બેટા. બસ આ આયખામાં બે જ આશા છે કે તારા માટે એક સુંદર, સુશીલ અને સંસ્કારી વહુ લાવી આપું જે તારા દરેક કાર્યોને આગળ વધારવામાં મદદરૂપ થાય અને મમતા માટે એક રાજકુંવર જેવા છોકરો શોધી લવ જે મમતાને જિંદગીભર ખુશી આપી શકે. બસ આ બે ખ્વાબ પૂરા થઈ જાય પછી ભલે ભગવાન આ જીવાદોરી ખેચી લે તો પણ કોઈ વાતનો અફસોસ નહિ રહે." જયશ્રીબહેન એકી શ્વાસે બોલી ગયા. "તું મારા માટે મૂંગી, બહેરી, અંધ કે અપાહિજ જેવી કોઈ પણ છોકરી લાવી આપીશ એમાં હું ના નહિ પાડું પણ આજ પછી મારાથી દૂર જવાની વાત ના કરતી." લાગણીશીલ થઈ ગયો મયુર. આપોઆપ જ ગળે વળગી પડ્યો મમ્મીને. જયશ્રીબહેન પણ સમજી ગયા કે મયૂરને લાગી આવ્યું છે માટે વાતને બદલાવવી જરૂરી છે. "ચાલ ફટાફટ નાસ્તો કરીને કોલેજ જા, નહીતો તારા મિત્રો અહી આવીને ઘર ઊંચું લેશે" મયુર નાસ્તો કરીને કોલેજબેગ લઈ હજુ દરવાજા તરફ પહોંચ્યો જ હતો ત્યાં રસોડામાંથી ધડામમમ.. નો અવાજ મયુરના કાને અફળાયો. મયુને આપોઆપ એક ચિખ નખાઈ ગઈ. મમ્મી............

મમ્મી........... મયુર એક મોટી ચિખ નાખીને પલંગ પર બેસી ગયો. એના શ્વાસોશ્વાસ ખૂબ તેજ ગતિએ ચાલતા હતા. રૂમમાં એ.સી. શરૂ હોવા છતાં એના કપાળ પર પરસેવાના બુંદો બાજી ગયા હતા. આપોઆપ જ આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એને ગુંગળામણનો એહસાસ થવા લાગ્યો. પલંગની બાજુમાં રાખેલી પાણીની બોટલમાંથી અડધી બોટલ એકીશ્વાસે પી ગયો. થોડી રાહત થઇ મયૂરને. ઘડિયાળ પર નજર નાખી તો રાતના ૩.૩૦ થયા હતા. પરિવારની યાદનું એક સ્વપ્ન મયુરની ઊંઘને વેરવિખેર કરવા પૂરતી હતું. ફરી એ બધી યાદોને ખંખેરવા મથતો હતો પણ રહી રહીને એ બધી યાદો મનોમસ્તિકની આસપાસ જ ફરે રાખતી હતી. મયુર પથારી છોડીને બાલ્કની માં એક ચક્કર લગાવી આવ્યો. મનને કયાંય શકુન નહોતું પડતું. ઊંઘનું તો નામુનીશાના નહોતું મયુરના ચહેરા પર. ચહેરો ધોઇ ને વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એમાં પણ મયુરનું મન નહોતું લાગતું. છેવટે એ ગાડી લઈને અમદાવાદની અંધારી ગલીઓમાં પોતાના વિચારોને શમાવા માટે નીકળી પડ્યો.

* * * * * * * * * *

સાગર, હેનીશ અને વિપુલ કોલેજ ની કેન્ટીનમાં ભેગા થાય છે. વિપુલે બધા માટે ચાનો ઓર્ડર આપ્યો. "યાર મને તો બહુજ ટેન્શન આવે છે. પરીક્ષાને ૧૫ દિવસ જ બાકી છેને હજુ મેં કંઈ વાંચ્યું જ નથી." હેનીશે ટેન્શનમાં કહ્યું. "અમે ક્યાં વાંચી વાંચીને ઊંધા વળી ગયા છીએ" થોડા કટાક્ષમાં વિપુલે કહ્યું. "આ ભાઈ સાહેબ ક્યાં વિચારમાં ખોવાયેલા છે" સાગરને વિચારોમાં ખોવાયેલા જોતા વિપુલે ટપકું મૂક્યું.
સાગર:- આપણે બધાને તો પાસિંગ માર્ક મળી જશે તો પણ બહુ ખુશ થઈશું પરંતુ વિચારો કે મયુર જો તેના પ્રથમ સ્થાનને ગુમાવશે તો એ કેટલો દુઃખી થશે. જો આપણને પાસિંગ માર્ક મેળવવા માટે પણ આટલું ટેન્શન આવતું હોય તો મયુરે તો એનો પરિવાર ગુમાવ્યો છે એ સરખું વાંચી પણ નહિ શકતો હોય એમાં એના પ્રથમ સ્થાનને જાળવી રાખવા કેટલું ટેન્શન લેતો હશે!

વિપુલ :- સાચી વાત છે. આપણે એને કંઇક મદદરૂપ થવું જોઈએ.

હેનીશ :- એક રીતે આપણે મયૂરને મદદરૂપ થઈ શકીએ. આપણે એના ઘરે જ વાંચવા માટે જતા રહીએ. જેથી સતત એ વાંચવામાં ધ્યાન આપી શકે સાથે આપણને પણ એની પાસેથી શીખવા મળશે.

સાગર :- બરોબર છે એવું જ કરીએ. જો આપણે સાથે હશું તો એ એમના પરિવારના વિચારોને અટકાવી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

વિપુલ :- આ કામ માટે હવે મોડું ના કરવું જોઈએ. આજે જ આપણે મયુરના ઘરે જતા રહીએ.

સાગર :- અહી થી સીધા આપણી બધી જ બુક્સ રૂમ પરથી લઈને મયુરના ઘરે જઈશું. અને બની શકે તો થોડા દિવસ ત્યાં જ રોકાશું. એટલે થોડા કપડાં પણ સાથે લેતા જઈશું.

બધા જ સાગરની વાત સાથે સહમત થાય છે કેન્ટીન પર ચા નાસ્તો પતાવી રૂમ પરથી બુકસ અને કપડાં લઈ મયુરના ઘરે પહોંચે છે. મયુરે દરવાજો ખોલ્યો બધા મિત્રોને મયુરના હાલ જોતા જ આંચકો લાગે છે. મયુરની આંખો સોજી ગઈ હતી. મયુર આખી રાત સૂતો નહિ હોય એમ મયુરની આંખો ચાડી ખાતી હતી. સવારના ૧૦:૩૦ થયા હોવા છતાં મયુર હજુ નાઈટ ડ્રેસમાં હતો. મયુરનો નિસ્તેજ ચહેરો જોતા જ એવું લાગ્યું કે મયુર ખૂબ જ વ્યાકુળ છે.

મયુરે બધાને આવકારી સોફા પર બેસવા કહ્યું. બધા માટે પાણી લઈ આવ્યો.

સાગર :- શું હાલ બનાવ્યા છે મયુર એ તો જો. પાણી પીતા પિતા જ કહ્યું.

મયુર :- કંઈ નહિ યાર. એ તો રાતે ઊંઘ નહોતી આવી એટલે.

સાગર મયુરનો હાલ જોતા જ સમજી ગયો કે મયુર ખૂબ જ વ્યથિત છે.

સાગર :- અરે ભાઈ, ૧૫ દિવસ જ બાકી છે પરીક્ષાના હવે તું આમ જ રહીશ તો કેમ ચાલશે.

મયુર :- શું કરું યાર. વાંચવામાં કંઈ મન જ નથી લાગતું. પણ તમે સવાર સવાર માં આ થેલા સાથે કેમ અહી? થેલા પર નજર નાખતા કહ્યું.

સાગર :- તારે હવે અમને પરીક્ષાની તૈયારી કરાવવી પડશે ને. અમને તો કશું આવડતું જ નથી. તું શીખવીશ ને અમને?

મયુર :- હા, કેમ નહિ, મને જે આવડતું હશે એ બધું જ શીખવીશ.

સાગર :- તો અમે પરિક્ષા પૂરી ના થાય ત્યાં સુધી અહીં જ રોકાવાના છીએ. જો તને કોઈ સમસ્યા ના હોય તો?

મયુર :- અરે એમાં સમસ્યા શું થાય. તમે અહી રોકાશો તો મને ગમશે. મારું મન પણ વાંચવામાં કેન્દ્રિત થશે. આમેય આ ઘરનો સૂનકાર મને કરડવા દોડે છે. ( ભાવુક થઈ જતાં)

સાગર :- સારું હવે તું વધારે ટેન્શન ના લે. અમે તારી સાથે જ છીએ. ચાલ તું જલ્દી તૈયાર થઈ જા એટલે આપણે વાંચવાનું શરૂ કરી દઈએ. ત્યાં સુધીમાં હું બધા માટે ચા બનાવી લવ.

મયુર :- મારા માટે પણ આદુ વાળી કડક ચા બનાવજે. ચાલ ત્યાં સુધીમાં હું તૈયાર થઈ ને આવું છું.

ક્રમશઃ
પ્રમોદ સોલંકી

કેવી રહેશે મયુર અને તેમના મિત્રોની પરીક્ષાની તૈયારી?
શું મયુર યુનિવર્સિટીમાં આવતા પોતાના પ્રથમ ક્રમને જાળવી શકશે?
મયુરના મિત્રોને પાસિંગ માર્ક મળી રહેશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏