My Better Half - 1 books and stories free download online pdf in Gujarati

My Better Half - 1

My Better Half

Part - 1

Story By Mer Mehul

પ્રસ્તાવના

નમસ્કાર વાંચક મિત્રો..!!!,

મારી દરેક નવલકથાને તમે વધાવી લો છો, મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી...!, ઔકાત તથા ગુલામને પણ તમે મારી અન્ય નવલકથા જેટલો જ અથવા તેનાથી પણ વધુ પ્રેમ આપ્યો છે. હું સૌનો આભારી છું…!

ગુલામ નવલકથા બે અંકમાં વહેંચાયેલી છે એ આપ સૌ જાણો જ છો. પણ અહીં વાંચકમિત્રોને જણાવતાં હું થોડી મૂંઝવણ અનુભવું છું, ગુલામ નવલકથાનો બીજો અંક લખવામાં અંગત કારણોસર વિલંબ થયો છે એટલે અત્રે બીજી નવલકથા પ્રસ્તુત કરું છું. ગુલામ નવલકથાનો અંક ભવિષ્યમાં હું પ્રસ્તુત કરીશ જ અને ત્યાં સુધી આપ સૌ સંપર્કમાં રહેશો જ... એ હું જાણું છું.

બીજી એકવાત,

ઘણાબધા વાંચકમિત્રોની ફરિયાદ મળી છે કે નવલકથાનાં ભાગો થોડાં લાંબા લખો. તો અહીં એ વાત જણાવતાં મને આનંદ થાય છે, હવે બધા ભાગો 9-10 મિનિટનાં હશે. ઉપરાંત, પહેલાં એક અઠવાડિયામાં મારી બે નવલકથાનાં ભાગો આવતો, જેમાં વાંચકો પણ મૂંઝવણ અનુભવતાં અને વાંચવામાં લિંક તૂટી જતી. તો હવે અઠવાડિયામાં એક જ નવલકથાનાં ચાર અથવા પાંચ ભાગો આવશે.


નવલકથા વિશે…!

અનિરુદ્ધ, જે એક કંપનીમાં જોબ કરે છે અને તેનાં પર પરિવાર દ્વારા લગ્ન કરી લેવા માટે દબાણ કરવામાં આવે છે. અનિરુદ્ધની મનોસ્થિતિ મુજબ હજી એ લગ્ન કરવા તૈયાર નથી પણ પરિવારનાં દબાણ હેઠળ એ છોકરી જોવા જાય છે અને રીજેક્ટ કરે છે.

ત્યારબાદ એ જ સિલસિલો આગળ વધે છે અને ફરી એકવાર ઘરેથી છોકરી જોવા જવાનો હુકમ કરવામાં આવે છે જેને કારણે છોકરીને રિજેક્ટ કરવાનાં મનસૂબા સાથે અનિરુદ્ધ છોકરી જોવા ચાલ્યો જાય છે…પણ જ્યારે એ છોકરીને જુએ છે…..

અહીંથી અનિરુદ્ધની લાઈફમાં નવો વળાંક આવે છે જે આડા-અવળા રસ્તે થઈને મંજિલે પહોંચે છે.

આ નવલકથા વાંચકો માટે સ્વાદિષ્ટ મિષ્ટાન સમાન છે જેમાં વાંચકોનાં ચહેરા પર સંતોષ રૂપી સ્મિત લાવવાની જવાબદારી મેં લીધી છે. નવલકથા પુરી થશે એટલે મીઠો ઓડકાર આવશે જ એની જવાબદારી પણ હું મારા શિરે જ લઉં છું.

હંમેશાની જેમ આ નવલકથા પણ કાલ્પનિક જ છે, કોઈ વ્યક્તિનાં અંગત જીવનને સ્પર્શતી નથી. મનોરંજન સાથે સંદેશો આપવાની મારી વૃત્તિ હજી અકબંધ જ છે. શબ્દો અને જોડણીની ભૂલો માટે હું હંમેશા દિલગીર રહીશ.

તો ચાલો શરૂ કરીએ નવો અધ્યાય…!

‘શ્રી ગણેશાય નમઃ’

ભાગ - 1

“સાંભળો છો, બેબલી રડે છે. છાની રાખો એને” કિલોમીટર દૂર ઊભેલી મારી પત્નીનો ધીમો અવાજ મારાં કાને પડ્યો. હું ઊંઘમાં હતો એટલે મેં કોઈ રિસ્પોન્સ ના આપ્યો.

“તમને કહું છું, બેબલી રડે છે. છાની રાખો એને. મોડે સુધી સુતા રહો છો..., પોતાનું બાળક છે તો પણ કોઈ પરવાહ જ નથી !!!” બીજી વખતે થોડો મોટો અને ચીડ ભર્યો અવાજ મને સંભળાયો.

આંખો ખોલી, બ્લેન્કેટને હટાવી હું બેડ પરથી નીચે ઉતર્યો. મારી નજર સામે મારી દીકરી રડી રહી હતી.. હું તેની નજીક ગયો. તેને હાથમાં ઉઠાવી અને હું બાલ્કની તરફ આગળ વધ્યો. બાલ્કની પાસે આવીને હું હળવું હસ્યો. એ હજી રડતી જ હતી, તેનો અવાજ બરછી લોખંડ સાથે ઘસાય અને તીણો અવાજ ઉત્પન્ન થાય એવો હતો. મારાં કાનને આ અવાજ કોઈ દિવસ પસંદ નથી આવ્યો. મેં તેને ઊંચી કરી, હવામાં ઉછાળી અને બાલ્કની બહાર ફેંકી દીધી. તેને બહાર ફેંકીને હું મોટેથી હસવા લાગ્યો.

“આ શું કર્યું તમે ?” મારી પત્ની રસોડામાંથી દોડી આવી, “બાળક સંભાળવાની ત્રેવડ ના હોય તો શા માટે પેદા કરો છો ?”

“મેં કર્યું ?, તારે જોઈતું હતું. મેં તો ના જ પાડી હતી” હું પણ મારી પત્નીની જેમ બરાડ્યો.

“હા તો બાળક કોને ન જોઈએ ?, લગ્ન કર્યા છે તો બાળક તો જોઈએ જ ને !”

“તે બાળક માટે લગ્ન કર્યા હતા !!!”

સટાક….મારાં ગાલ પર જોરદાર તમાચો પડ્યો અને મારી આંખો ખુલ્લી ગઈ. મારી નજર સામે મારાં દાદી મારાં ગાલ પર હળવી થપ્પી મારતાં હતાં.

“ઓહ... સપનું હતું !!!” હું હળવું હસ્યો.

“ફરી એ જ સપનું” ભોળા દાદીમાં બોલ્યા. તેઓને એમ છે કે મને ભૂતનાં સપનાં આવે છે પણ ચુડેલ વિશે તેઓએ કોઈ દિવસ પૂછ્યું જ નથી...!

“આપણાં ઘરમાં વાસ્તુ કરાવવાની જરૂર છે બા, ખૂણે ખૂણે ભૂત ભર્યા છે” મેં બેઠા થઈને કહ્યું.

“કેટલા ?, નવ ?” દાદી હસ્યાં.

“મને બાકાત રાખો બા” મેં હસીને કહ્યું, “મારે ભૂત નથી બનવું”

“સારું એવું રાખીએ” બાએ કહ્યું, “ફ્રેશ થઈ જા, વસુધાએ ચા મૂકી દીધી છે”

“દાદુને કેમ છે હવે ?” મેં ગંભીર થઈને પુછ્યું.

“પાડા એમ ધામ નહિ પહોંચે, ચિંતા ના કર” દાદી ઉભા થયા, “ફ્રેશ થઈને નીચે આવ, પછી વાત કરીએ”

હંમેશાની જેમ મારા માથા પર વહાલથી હાથ ફેરવીને તેઓ જતાં રહ્યાં. હું થોડીવાર પહેલાં આવેલા સપનાં વિશે વિચારવા લાગ્યો. છેલ્લા બે મહિનાથી મને રોજ આવા સપનાં હેરાન કરતાં હતાં. કોઈક સપનામાં મારી પત્ની મને વેલણ મારતી તો કોઈ સપનામાં એ તમાચો મારતી. એક સપનામાં તો તેણે મારી છાતી પર છરો ભોંકી દીધેલો. ગનીમત એ રહી કે જ્યારે હું જાગ્યો ત્યારે કોઈ મારી નજીક નહોતું, નહીંતર મને સીધો હોસ્પિટલમાં જ ખસેડવામાં આવેત.

આવા સપનાં આવવા પાછળનું પણ એક કારણ છે. મારું ફેમેલી મને લગ્ન કરી લેવા દબાણ કરે છે અને હું લગ્ન કરવા તૈયાર નથી. મારાં દાદુ જે છેલ્લા બે મહિનાથી બેડને છોડતાં નથી એની છેલ્લી ઈચ્છા છે કે એ મારા બાળકને એક વાર સ્નેહ કરે. મારું બાળક !!!, મને તો વિચારીને જ ભયંકર ચક્કર આવી જાય છે.

બાળકો મને પસંદ નથી એવું હું નહિ કહું પણ રડતાં બાળક મને બિલકુલ પસંદ નથી. પાંચ મિનિટ વ્હાલ કરવું મને ગમે પણ જો એણે રડવાનું શરૂ કરી દીધું તો મોઢામાં ડૂચો ભરાવીને ક્યાંય કુરિયર કરી દેવાનું મન થાય. મારાં મોટાભાઈનો દીકરો ત્રણ વર્ષનો થઈ ગયો છે, તેને જોઈને મને બાળક પ્રત્યે અણગમો થઈ ગયો છે. પણ મારું ફેમેલી સમજતું જ નથી, હમણાં તૈયાર થઈને ટેબલ પર જઈશ એટલે બધા મને ઘેરી લેશે અને લગ્ન કરવા પ્રેશર આપશે.

પંદર મિનિટમાં ફ્રેશ થઈને હું નીચે આવ્યો, ટેબલ પર મારી જ રાહ જોઇને બધાં બેઠાં હતાં. વારાફરતી બધાનો પરિચય આપું.

ટેબલ પર બે સ્ત્રી નાસ્તો પરોસતી હતી, તેમાંથી એક મારાં મમ્મી વસુધાબેન હતાં અને બીજા મારા ભાભી ‘સ્નેહા’ હતાં. ભાભી મારાં ખાસ મિત્ર હતાં. તેઓની સાથે હું મોકળાશથી વાતો કરી શકતો હતો. મારાં મમ્મીની બરાબર ડાબી બાજુની ખુરશી પર તેઓનાં પતિ પરમેશ્વર અને મારાં પપ્પા ધરમશીભાઈ હતાં. આજ સુધી મેં કોઈ દિવસ તેઓને પપ્પા કહીને નથી બોલાવ્યાં. તેઓનાં સાથે પણ મારી જામતી. કોઈ દલીલમાં પૂરો પરિવાર એક બાજુ થઈ જતો ત્યારે હું, ભાભી અને ધરમશીભાઈ જ એક બાજુએ રહેતાં. ધરમશીભાઈની બરોબર સામે મારો મોટોભાઈ હિરેન બેઠો હતો. તેની બાજુમાં મારો ભત્રીજો વંશ એનાં દાદીમાં કલ્યાણીબેનનાં ખોળામાં બેઠો હતો. દાદીમાંની બરોબર સામે મારી નાની અને લાડકવાયી બહેન દેવાંશી બેઠી હતી. મારાં દાદુને બે મહિના પહેલાં પેરાલિસિસનો એટેક આવેલો એટલે તેઓ બેડ પરથી ઉભાં નહોતાં થઈ શકતા હતા.

આ અમારો નવ લોકોનો પરિવાર હતો. હેપ્પી ફેમેલી. હવે આ લોકો નવમાંથી દસ કરવાની કોશિશ કરે છે પણ જો સામેનું પાત્ર નકારાત્મક વિચારોવાળું મળ્યું તો પૂરાં પરિવારને વિખેરી નાંખશે એ વાતનો મને ડર છે. આમ પણ મારો ડર વાજબી જ છે ને!, કેરીનાં ટોપલામાં એક કેરી ખરાબ હોય તો પૂરો ટોપલો ખરાબ થઈ જાય અને મારાં કારણે આવું થાય એવું હું નથી ઇચ્છતો.

“બેસ અની” મમ્મીએ બાજુની ખુરશી ખેંચીને કહ્યું. મારું નામ ખબર છે ને !, ઓહહ.. મેં મારું નામ જ નથી જણાવ્યું. હું અનિરુદ્ધ. ચોવીશ વર્ષનું નાનું બાળક. આ મારી સ્ટૉરી છે, મારી અને મારી પત્નીની. કદાચ મારી ન થવાની એ પત્નીની.

મમ્મીએ ખેંચેલી ખુરશી પર હું બેસી ગયો. મમ્મીએ એક પ્લેટમાં ભાખરી અને થોડાં ગાંઠિયા મારાં તરફ ધર્યા. મેં કિટલીમાંથી એક કપ ચા રેડી. બધા નાસ્તો કરવામાં વ્યસ્ત હતાં. મેં પણ એવું જ કર્યું.

“અની... હું શું કહેતી હતી..” મમ્મીએ શરૂ કર્યું. મેં તેઓની વાત ત્યાં જ કાપી નાંખી, “મમ્મી જમતા સમયે માત્ર પરિવારની વાત કરવાની, બીજું કામ હોય તો પછી કહેજે”

“હા તો પરિવારની વાત જ કરું છું” મમ્મીએ સણકો કર્યો, “લગ્નની વાત આવે એટલે કૂતરું બિલાડી પાછળ દોડે અને બિલાડી ભાગે એમ તું દૂર ભાગે છે”

“મેં તને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, મમ્મી મારે અત્યારે લગ્ન નથી કરવા” મેં કહ્યું.

“દેવુ વિશે તો વિચાર, બાવીશની થઈએ. પારકી થાપણને લાંબો સમય ઘરમાં ન રખાય” મમ્મીએ મને ઈમોશનલ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું પણ હું તેનો જ દીકરો છું. આજ સુધી કોઈ વાતમાં હું નથી ફસાયો.

“મેં ક્યાં ના પાડી છે, દેવુનાં લગ્ન કરી દે. ઘરમાંથી કંકાસ જશે” દેવાંશી તરફ જોઈને મેં હસીને કહ્યું. ઘરમાં અમે બધા તેને હુલામણા નામથી બોલાવતાં.

“મારે પણ લગ્ન નથી કરવા” દેવુએ પણ સણકો કર્યો, “અને કંકાસ હું નથી તું છે”

“તમે બંને કોનાં પર ગયાં છો એ જ ખબર પડતી નથી...” મમ્મીએ ચિડાઈને કહ્યું, “મારી એક વાત નથી સમજતાં”

“વસુધા…” ધરમશીભાઈ વચ્ચે કુદ્યા, “તમે ફોર્સ ના કરો એને, જ્યારે ઈચ્છા થશે ત્યારે સામેથી કહેશે”

“નવીનભાઈને શું જવાબ આપશો તમે ?” મમ્મીએ ધરમશીભાઈ તરફ જોઈને કહ્યું, “સાંજે જવાની જુબાની આપી છે તમે”

“અનિએ લગ્ન કરવાની ના પાડી છે, છોકરી જોવા જવાની નહિ” ધરમશીભાઈએ મારાં તરફ ઊડતી નજર કરી, “બરોબર કહ્યુંને મેં !”

હું સુડી વચ્ચે સોપારી થઈ ગયો હતો. બંને બાજુથી હું ફસાય ગયો હતો.

“હા ધરમશીભાઈ તમે બરોબર કહ્યું” મેં નિઃસાસો નાંખીને કહ્યું.

“જોયું વસુધા, પ્રેમથી સમજાવો તો બાળકો સમજી જ જાય છે”

“હું છોકરીને રિજેક્ટ જ કરવાનો છું” મેં ધરમશીભાઈને ચોખ્ખા શબ્દોમાં કહ્યું, “ખોટી આશા ન બાંધતા”

“એકવાર જોઈ તો લે, કદાચ પસંદ આવી જાય” મોટાભાઈએ મને ટોક્યો.

“નક્કી થયું, આજે બપોરે હાલ્ફ લિવ લઈને તું ઘરે આવે છે અને આપણે છોકરી જોવા જઈશું” મમ્મીએ પોતાનો ફેંસલો સંભળાવ્યો.

“હું દાદુ પાસે જઈ આવું” પાણીનો જગ ગ્લાસમાં ઠાલવાતાં મેં કહ્યું. પાણીનાં બે ઘૂંટ ગળા નીચે ઉતારી હું ઉભો થયો અને દાદુનાં રૂમ તરફ ચાલ્યો.

“દાદુ, હજી જીવો છો ?” તેઓની પાસે જઈને હું હસ્યો, “કેટલી વાર છે હવે ?”

“એમ તો નહીં જાઉં અની, તારાં બાળકને એકવાર વ્હાલ કરીશ પછી જ યમરાજ આવશે એવું નક્કી થયું છે” દાદુએ નાસ્તાની ડિશ મને આપતાં કહ્યું. મેં બાજુમાં રહેલો પાણીનો ગ્લાસ દાદુને આપ્યો.

“બુઢ્ઢાઓનો આ જ પ્રોબ્લેમ છે દાદુ, છોકરાને શાંતિથી જીવવા નથી દેતાં” મેં કહ્યું, “તમે લાબું જીવો એટલે હું લગ્ન નથી કરતો પણ ફેમેલીવાળા તમને જલ્દી પરલોક મોકલવાની વ્યવસ્થા કરે છે”

“સમય પર કામ થઇ જાય તો જ સારું લાગે. અત્યારે તું કુંવારો કહેવાય, બે વર્ષ લગ્ન નહિ કરે તો વાંઢાની પ્રજાતિમાં શામેલ થઈ જઈશ” દાદુએ હસીને કહ્યું.

“એ ચાલશે દાદુ, આ નહિ ચાલે. મને જ્યારે લાગશે ત્યારે જ હું લગ્ન માટે હા કહીશ” મેં પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો.

“એમ રાખો ચલો” દાદુ થોડીવાર અટક્યા, પછી ધીમેથી મારાં કાન પાસે આવીને કહ્યું, “સન્નીનો ફોટો બતાવને !”

“એનો ફોટો જોઈને તમારે શું કામ છે ?”

“તું બતાવે છે કે ?”

મેં ઇન્સ્ટા પરથી સન્ની દેયોલનો ફોટો લઈને દાદુને બતાવ્યો.

“અરે ગાંડા, આ નહિ. સન્ની.. સન્ની..” દાદુએ મને ઈશારો કરીને સમજાવ્યો. મેં સન્ની લિયોનનું એકાઉન્ટ ખોલીને એક ફોટો બતાવ્યો. દાદુએ પોતાનાં કપાળે હાથ માર્યો.

“જે ફોટા જાહેરમાં ના જોઈ શકાય એ” દાદુએ એટલા ધીમા અવાજે કહ્યું જાણે દીવાલને પણ કાન હોતા હશે.

“ઠરકી દાદુ, જુવાની પાછી આવે છે કે શું ?” મેં શૈતાની સ્મિત કર્યું.

“જુવાની ક્યાંય જતી જ નથી, આ તો શરીર દગો આપી દે નહીંતર તારી પાસે કોણ ભીખ માંગે” કહેતાં દાદુ મોટેથી હસવા લાગ્યા. મેં બ્રાઉઝરમાંથી સન્નીનાં એડલ્ટ ફોટા શોધ્યા અને દાદુ સામે રાખ્યાં. દાદુનો ચહેરો કમળની જેમ ખીલી ઉઠ્યો.

“શું ચાલે છે ?” દાદીએ રૂમમાં પ્રવેશતાં પૂછ્યું. દાદુએ રવિન્દ્ર જાડેજાની માફક મોબાઈલ મારાં તરફ ફેંક્યો.

“કંઈ નહીં, અની મને દેવીનાં દર્શન કરાવતો હતો” દાદુએ મારી સામે આંખ મારીને કહ્યું.

“હીરુ રાહ જુવે છે તારી” દાદીએ મારાં તરફ જોઈને કહ્યું.

“ચાલો દાદુ, જીવતાં રહ્યા તો સાંજે ફરી દેવી દર્શન કરાવીશ” ઉભા થઈને મેં દાદુનાં હાથ પર હાથ રાખ્યો. દાદુએ લુચ્ચુ સ્મિત વેર્યું. હું બહાર આવ્યો.

બહાર મોટાભાઈ અને ધરમશીભાઈ કારમાં મારી રાહ જોતાં હતાં. ધરમશીભાઈને પોતાનો બિઝનેસ હતો. મોટાભાઈ તેઓને બિઝનેસમાં મદદ કરતાં હતાં અને હું !, મને ટ્રેનિંગ માટે જોબ શોધી આપી હતી. હું એક કંપનીમાં ક્લાર્કની પોસ્ટ પર સર્વિસ કરતો હતો. ધરમશીભાઈએ મારી ઓફિસની બહાર કાર થોભાવી એટલે હું નીચે ઉતરીને ઓફીસ તરફ ચાલ્યો. જેવી તેઓએ કાર ચલાવી એટલે રસ્તો બદલીને હું બાજુમાં રહેલી ડિલક્સ પાનની દુકાને પહોંચી ગયો. ત્યાં મારો દોસ્ત પ્રણવ મારી રાહ જોઇને ઉભો હતો. હું પહોંચ્યો એટલે તેણે બે સિગરેટ લીધી.

“કેમ મોઢા પર બાર વાગ્યાં છે ?” પ્રણવે સિગરેટ સળગાવીને પૂછ્યું, "ફરી કોઈએ કહીને મારી લીધી છે ?"

“સાંજે છોકરી જોવા જવાનું છે” મેં કહ્યું, “ઘરવાળા સમજતાં જ નથી”

“લગ્ન કરી લેવાય હવે” પ્રણવે કહ્યું, “ઊંમર નીકળી જશે તો વિધવા જ મળશે પછી”

“વિધવા હોય કે કુંવારી, યોગ્ય પાત્ર તો મળવું જોઈએને” મેં કહ્યું, “અત્યાર સુધીમાં ચાર છોકરી જોઈ પણ એમાંથી કોઈનાં જોડે જામે એવું ના લાગ્યું”

અમે વાતચીત કરતાં હતાં એ દરમિયાન એક છોકરી અમારી બાજુમાંથી પસાર થઈ. તેણે બ્લેક એન્કલ જીન્સ પર વાઈટ શર્ટનું ઇનશર્ટ કર્યું હતું. તેનાં ઉરોજનો ઉભાર કોઇ પણ પુરુષને ઉત્તેજિત કરી શકે એવો હતો. તેનાં ખુલ્લાં વાળ થોડીવાર પહેલાં જ સુકાય હશે એવું અનુમાન લગાવી શકાતું હતું.

“આવી મળી જાય તો ?” પ્રણવે મને કોણી મારી.

“માત્ર એક જ વસ્તુ ના જોવાનું હોય, સ્વભાવ પણ મહત્વનો છે” મેં કહ્યું.

“એ પણ સાચું, મેં તો ભૂલ કરી છે પણ તું ધ્યાન રાખજે” પ્રણવે કહ્યું. તેનાં લગ્ન બે વર્ષ પહેલાં થઈ ગયા હતાં અને અત્યારે તેને પારાવાર પસ્તાવો થતો હતો.

“હું તો રિજેક્ટ જ કરવાનો છું, મમ્મી-પપ્પા ફોર્મલિટી માટે લઈ જાય છે મને” મેં હસીને કહ્યું.

“અત્યારથી એવું ના વિચાર, શું ખબર તને પસંદ આવી જાય” પ્રણવે તર્ક કાઢ્યો.

“તારો લેક્ચર પૂરો થયો હોય તો જઈએ ?, મોડું થાય છે” સિગરેટ પગ નીચે દબાવીને મેં કહ્યું. સિગરેટ પરથી મને એક વાત યાદ આવી. મારાં ઘરમાં મારી ઇમેજ એક સંસ્કારી છોકરાંની છે. તેઓનાં મતે મને કોઈ પણ જાતનું વ્યસન નથી, મને એકપણ ગાળ બોલતાં નથી આવડતી અને ઝઘડો !, ઝઘડાથી હું સો કિલોમીટર દૂર રહું છું. એવું મારાં પરિવારને લાગે છે.

તેઓનાંથી તદ્દન વિપરીત, મારામાં એ બધી જ કુટેવો છે જે એક છોકરામાં હોય. ઘરવાળાની જાણ બહાર સિગરેટ ફુકું છું, ગાળો બેફામ બોલું છું અને વાત વાતમાં ઝઘડો કરું છું.

હું અને પ્રણવ ઓફીસ તરફ ચાલ્યાં. અમારી ઑફિસમાં ત્રણ રૂમ અને એક બોસની કેબિન હતી. ત્રણેય રૂમમાં કોમ્પ્યુટરો લગાવેલા હતાં. ઓફિસનો સ્ટાફ ચાલીશ લોકોનો હતો, જેમાં પંદર છોકરીઓ હતી. હું છોકરીઓથી પહેલેથી જ દૂર રહેતો. તેઓનાં નખરા મને કોઈ દિવસ પસંદ નથી આવ્યાં. લગ્ન ના કરવા પાછળનું આ પણ એક કારણ રહ્યું છે.

પ્રણવ અને મારું ડેસ્ક બાજુમાં જ હતું. અમે બંને પૂરો દિવસ કોમ્પ્યુટરમાં જુદી જુદી પોર્નની સાઈટો શોધતાં અને કોલેજ ફ્રેન્ડ્સને લિંક મોકલતાં.

હું ડેસ્ક પર આવ્યો, કોમ્પ્યુટર શરૂ કર્યું.

“આજે કંઈ સાઇટ ખોલવી છે ?” પ્રણવે પોતાનું કોમ્પ્યુટર શરૂ કરીને પૂછ્યું.

“પહેલાં થોડું કામ પતાવી લઈએ, પછી વિચારીએ” મેં આળસ મરડીને કહ્યું. મારું ધ્યાન બોસની કેબિન પર ગયું. પેલી વાઈટ શર્ટવાળી છોકરી બોસની કેબિનમાંથી નીકળીને બહાર આવી.

“બે પ્રણવ... આ જો પેલી ફટાકડી” મેં પ્રણવનાં વાળ પકડીને તેનું માથું કેબિન તરફ ફેરવ્યું.

“હા અલા, અહીં નોકરીએ લાગી છે આ તો” પ્રણવ મોં ફાડીને જોવા લાગ્યો.

“તારો મેળ નહિ આવે બકા, તારી ઔકાત બહારની છે” મેં હસીને કહ્યું.

“તારું ડાચુ જોયું પેલાં ?, તને તો કચરાપોતાવાળી શાંતિ પણ ના પાડે” પ્રણવે વળતો પ્રહાર કર્યો.

“મારે પટાવવી પણ નથી” મેં સ્વબચાવ કર્યો, “છોકરીઓથી મને કેટલી એલર્જી છે એ તને તો ખબર જ છે”

“જે કહે એ પણ છે જોરદાર ફટાકડી હો” પ્રણવની આંખો ખેંચાઈને બહાર આવી ગઈ હતી.

“બસ કર ભાઈ, આંખોથી જ બળાત્કાર કરીશ કે શું ?” મેં ધક્કો મારીને પ્રણવને દૂર હડસેલ્યો. પેલી છોકરી બધી તરફ ઊડતી નજરે જોતી હતી. થોડીવાર નિરીક્ષણ કરીને એ આગળ વધી.

“બે...આ તો આપણી તરફ જ આગળ વધે છે” મેં પ્રણવને કોણી મારીને કહ્યું.

“સ્વાગત કરી લે બીજું શું, સામેથી આવે તો ના છોડાય...”

હંમેશાની જેમ કોઈ છોકરી મારી નજીક આવે તો હું વ્યસ્ત છું તેવો ઢોંગ કરવા લાગ્યો. એ છોકરી મારી ખુરશી પાસે આવીને ઉભી રહી.

“એક્સ્ક્યુઝ મી, તમે મી. અનિરુદ્ધ વઘાસિયા છો ?” તેણે પૂછ્યું.

“ના, આ ભાઈ છે અનિરુદ્ધ” મેં કોમ્પ્યુટર રિફ્રેશ કરવામાં ધ્યાન આપીને કહ્યું, “મારું નામ પ્રણવ છે”

“મેડમે તો વાઈટ શર્ટવાળાનું કહ્યું હતું” તેણે કહ્યું. તેનો અવાજ મીઠો હતો પણ મને ડાયાબિટીસના ડરથી મીઠું નથી પસંદ.

“સરે કહ્યું છે તો હું જ હોઉંને !” મેં કટાક્ષમાં કહ્યું.

“એ થોડો અકડું છે” પ્રણવ વચ્ચે કુદ્યો, છોકરીની વાતમાં ભાઈને દોઢ ડાહ્યા થવાની પહેલેથી આદત રહી છે.

“બોલો શું કામ હતું ?” પ્રણવે પૂછ્યું.

“મને તમારાં અન્ડર ટ્રેનિંગ લેવા કહ્યું છે” તેણે કહ્યું.

(ક્રમશઃ)