My Better Half - 2 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 2

My Better Half - 2

My Better Half

Part - 2

Story By Mer Mehul

“સિરિયસલી, તને મારા અન્ડર ટ્રેનિંગ લેવાનું કહ્યું છે !” મને આ વાત જાણીને આશ્ચર્ય થયું, કારણ કે મારો સ્વભાવ જેવો છે એ પરથી બોસે કોઈ દિવસ કોઈ ટ્રેનીને મારા અન્ડર ટ્રેનિંગ લેવા નથી મોકલ્યાં.

“હા, મેડમ કહેતાં હતાં કે તું થોડો ખડુસ છે અને પૂરો દિવસ કોમ્પ્યુટરમાં બીજા કામો કર્યા કરે છે” એ છોકરીએ કહ્યું, “હું બેસી જાઉં અહીં ?”

મેં બેસવાનો ઈશારો કર્યો, એ ખુરશી ખેંચીને બેસી ગઈ.

“તને ટ્રેનિંગ આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એક વાત સમજી લે, હું તને કંઈ શીખવવાનો નથી. કેમ કે મને આમાં રસ જ નથી. જો તારે ફોર્મલિટી પુરી કરવી હોય તો બેસી શકે છે નહીંતર બોસને કહીને બીજા કોઈ પાસે ટ્રેનિંગ લઈ શકે છે” મેં ચોખ્ખા શબ્દોમાં કહ્યું.

“હું જાતે શીખી લઈશ, તું બસ મને અહીં બેસવા દે” તેણે બિન્દાસ થઈને કહ્યું.

“બેસવા દઈશ પણ મારી અમુક શરતો છે” મેં લિસ્ટ બનાવ્યું, “ હું ના કહું ત્યાં સુધી મારાં કોમ્પ્યુટરને ટચ નહીં કરવાનો, એક જ સોફ્ટવેર પર રહેવાનું. બીજે ક્યાંય ચક્કર લગાવવાનું નહિ અને ખાસ વાત, બિનજરૂરી બોલવાનું નહિ”

“મને મંજુર છે” તેણે કહ્યું.

“ગુડ” મેં કહ્યું.

“બાય ધ વૅ, આઈ એમ અંજલી” તેણે શેકહેન્ડ કરવા હાથ લાંબો કર્યો.

“હમણાં શું કહ્યું મેં !, બિનજરૂરી બોલવાનું જ નહિં. તારું નામ જાણીને મારે શું કરવું ?” મેં ઉદ્દવત્તા સાથે કહ્યું. તેણે મોઢું બગાડ્યું.

“આ સોફ્ટવેરની બેઝિક ઇન્ફોર્મેશન આપું છું, બાકી તારી રીતે જોઈ લેજે” કહેતાં મેં સોફ્ટવેર ઓપન કરીને બધાં મેનુ સમજાવ્યા.

“અની…” પ્રણવે મને ધીમેથી બોલાવ્યો, “રાહુલનો કૉલ આવે છે, કેટલાં કહું ?”

“પાંચસોથી એક રૂપિયો ઓછો નહિ” મેં કહ્યું અને ફરી સોફ્ટવેરમાં ઘૂસી ગયો.

થોડીવાર પછી ફરી પ્રણવે મને કોણી મારી. મેં તેનાં તરફ નજર કરી એટલે એક પેન્ડ્રાઈવ મારાં તરફ ધરીને તેણે કહ્યું,

“કલેક્શન તારાં પીસીમાં છે”

“અંજલી નામ છે ને તારું ?” મેં અંજલીને ઉદ્દેશીને કહ્યું, “મારા માટે પાણી લઈ આવીશ ?”

તેણે હકારમાં માથું ધુણાવ્યું અને ઊભી થઈ.

“દસ મિનિટ પછી આવજે” મેં કહ્યું, “પ્રણવ સાથે મારે થોડી અંગત વાત કરવી છે”

અંજલી જતી રહી એટલે મેં પેન્ડ્રાઈવ સિપિયુમાં લગાવી અને ‘અની’ નામનાં ફોલ્ડરમાંથી થોડી એડલ્ટ ક્લિપ તેમાં ટ્રાન્સફર કરી. હું અને પ્રણવ આ સાઈડ બિઝનેસ કરતાં. મારાં એક દોસ્ત પાસેથી મેં બ્લોક થયેલી સાઈટમાંથી કેવી રીતે વીડિયો ડાઉનલોડ કરવા એ શીખી લીધું અને હવે બીજા દોસ્તોને એ વીડિયો વેચીને હું મારો ખર્ચો કાઢી લેતો.

અંજલી પાણી ભરીને આવી ત્યાં સુધીમાં પેન્ડ્રાઈવમાં ક્લિપ ટ્રાન્સફર થઈ ગઈ હતી. મેં ઘડિયાળ પર નજર કરી. અગિયાર વાગી ગયા હતા. પ્રણવને ઈશારો કરીને મેં બહાર આવવા કહ્યું.

“સોફ્ટવેર સિવાય બીજું કંઈ ના જોતી” અંજલીને સૂચના આપી હું બહાર નીકળી ગયો. થોડીવાર પછી પ્રણવ પણ બહાર આવ્યો. અમે બંને અગિયાર વાગ્યે બ્રેક લઈને રોજ અહીં સિગરેટ પીવા માટે આવતાં.

“તું કેમ આટલો રુડ બીહેવ કરે છે ?” પ્રણવે સિગરેટનો કશ ખેંચીને પૂછ્યું, “ આટલી સુંદર છોકરીને હાથમાંથી ના જવા દેવાય”

“મારી તો તને ખબર જ છે, આજ સુધી કોઈ છોકરી મને પસંદ નથી આવી. કોઈ પણ છોકરી મારી નજીક આવે એટલે આપોઆપ મારું વર્તન ખરાબ થઈ જાય છે” મેં પણ સિગરેટને બે હોઠ વચ્ચે દબાવીને સફાઈ આપી.

“તું દુનિયાનો પહેલો એવો માણસ છે જે છોકરીઓથી દુર ભાગે છે” પ્રણવે હસીને કહ્યું.

“એકવાર આજુબાજુ નજર ફેરવ, દુનિયામાં બીજું ઘણુંબધું છે અને વાત રહી છોકરીઓથી દૂર ભાગવાની તો છોકરાની લાઈફમાં એક સમય એવો આવે જ છે જ્યારે તેને છોકરીઓથી અણગમો થઈ જાય છે, મને થોડાં વહેલાં થયો”

“મારું તો સેટિંગ કરાવી દે, હું લડી લઈશ” પ્રણવ બેશરમની જેમ હસીને ઉભો થયો.

મેં પ્રણવની વાતનો જવાબ ન આપ્યો. એ સમજી ગયો એટલે તેણે સિગરેટનાં રૂપિયા ચુકવ્યા અને ઑફિસ તરફ ચાલતો થયો. મેં ઘડિયાળમાં નજર કરી, સવા અગિયાર થઈ ગયાં હતાં. આજે મારે બપોરે ઘરે જવાનું હતું એટલે જલ્દી કામ પતાવીને બોસને પટાવવાનાં હતાં.

હું મારાં ડેસ્ક પર આવ્યો ત્યારે અંજલી પોતાનાં મોબઇલમાં વ્યસ્ત હતી. મને આવતાં જોઈ તેણે મોબાઈલ લૉક કરીને ડેસ્ક પર રાખી દીધો. હું મારી ખુરશી પર બેસી ગયો અને કામમાં વ્યસ્ત થઈ ગયો. અંજલી મારાં કામનું નિરીક્ષણ કરતી હતી. થોડી થોડી વારે તેનાં ફોનમાં મેસેજની નોટિફિકેશન આવતી હતી.

“ઈમ્પોર્ટન્ટ હોય તો વાત કરી લે” મેં કહ્યું. તેણે મારી સામે સ્મિત કર્યું,

“જરૂરી નથી, દોસ્ત હેરાન કરે છે”

“હું બપોર પછી નથી એટલે આ બધી એન્ટ્રી તારે આપવાની છે, સમજાય નહિ ત્યાં પ્રણવને પૂછજે” મેં ડેસ્ક પર રહેલી ફાઇલ અંજલીનાં હાથમાં આપીને કહ્યું. તેણે હકારમાં માથું ધુણાવ્યું. ફરી તેનાં મોબાઈલમાં નોટિફિકેશન આવી.

“બહાર જઈને વાત કરી લે અથવા ડેટા બંધ કરી દે” મેં કડક શબ્દોમાં કહ્યું, “મને ડિસ્ટર્બ થાય છે”

તેણે ઉતાવળથી મોબાઈલ હાથમાં લીધો અને મોબાઈલનાં ડેટા બંધ કરી દીધાં. મેં ઘડિયાળમાં નજર કરી, બાર વાગ્યાં હતાં. ઉભો થઈને હું બોસની કેબિનમાં ગયો. જો કે અમારાં બોસ કોઈ સર નહિ પણ મેડમ હતાં એટલે તેને મનાવવામાં મારે સરળતા રહેતી. સાડા બાર થયાં એટલે ઓફીસ બહાર આવીને ધરમશીભાઈને કૉલ લગાવ્યો.

મારી જ રાહ જોતાં એમ મેં કૉલ કાર્યની બીજી જ મિનિટે કાર રસ્તા પર આવીને ઉભી રહી. હું બેસી ગયો એટલે કાર ઘર તરફ ચાલી.

*

સાંજના સાત થયા હતાં. હું છેલ્લી અડધી કલાકથી સોફા પર બેસીને કંટાળ્યો હતો.

“કેટલીવાર હવે મમ્મી, છોકરીએ મને પસંદ કરવાનો છે તને નહિ” મેં કંટાળાજનક અવાજે કહ્યું.

“સ્ત્રીઓને તૈયાર થવામાં સમય લાગે જ, તું પણ રાહ જોવાની આદત પાડી લે” ધરમશીભાઈએ હસીને કહ્યું. તેઓએ અદબવાળીને શાંતચિત્તે મારી સામે બેઠાં હતાં.

“ધરમશીભાઈ તમે ચૂપ જ રહેજો, તમારાં કારણે જ અત્યારે છોકરી જોવા જવું પડે છે” મેં કહ્યું.

“તારાં ધ્યાનમાં કોઈ હોય તો બોલને, હું શોધવાનું માંડી વાળું” તેઓએ કહ્યું, “તને પહેલેથી જ છૂટ આપેલી છે”

“પણ મારે લગ્ન જ નથી કરવા બાપુ, હું ખુશ જ આ લાઈફથી. શું કામ ગ્રહણ લગાવો છો”

“બસ હવે ચૂપ થઈ જા” મમ્મી આવ્યાં, તેઓએ પ્લેન લાઈટ ગ્રીન સાડી પહેરી હતી.

“મમ્મી, કાતિલ લાગે છે હો તું” મેં હસીને કહ્યું.

“છોકરાની મમ્મી છું, વટ તો પડવો જોઈએને” મમ્મીએ ખુશ થતાં કહ્યું.

“પણ આ બધું વ્યર્થ છે, હું હા જ નથી પાડવાનો” મેં કહ્યું.

“પહેલાં એકવાર જોઈ લે, પછી કહેજે” ધરમશીભાઈએ કહ્યું, “ મેં છોકરીને જોઈ છે, સર્વગુણસંપન્ન છે”

“સાચું હેં !!!” મમ્મી શરૂ થઈ ગયાં, “ચાલો જલ્દી, મારાથી હવે રાહ નહિ જોવાય”

“તો હું ક્યારનો એ જ કહું છું” મેં કહ્યું, “ચાલો જલ્દી અને ના પાડીને જલ્દી ઘરે આવતાં રહીએ”

મમ્મીએ મારો કાન ખેંચ્યો,

“ત્યાં અવળચંડાઇ ના કરતો, ચુપચાપ બેઠો રહેજે”

“કાન તો છોડ, એક કાન નાનો અને એક મોટો થઈ જશે તો છોકરીવાળા ના પાડી દેશે” મેં હસીને કહ્યું.

મમ્મીએ કાન છોડી દીધો. સહપરિવાર ઇનોવામાં બેઠાં. મોટાભાઈ કાર ચલાવતાં હતાં. ભાભી અને ભત્રીજો તેની બાજુની સીટમાં બેઠાં હતાં. હું, મમ્મી અને ધરમશીભાઈ પાછળની સીટમાં બેઠા હતાં. પાછળની સીટ પર મેં દેવાંશીને ધકેલી હતી. એ નાક ફુલાવીને મને ઘુરી રહી હતી.

“ક્યાં જવાનું છે આપણે ?” મેં પૂછ્યું.

“બપોલ” મમ્મીએ કહ્યું.

“ત્યાં તો મારી ગર્લફ્રેંડ પણ રહે છે મમ્મી” મેં ગંભીર અવાજે કહ્યું.

“જોઈ મેં તારી ગર્લફ્રેંડને” મમ્મી હસ્યાં, “આજ સુધી કોઈ છોકરી સાથે વાત કરી છે તે ?”

મમ્મીને હું રામ જેવો સીધો લાગુ છું પણ કાનુડા વિશે તેણે કોઈ દિવસ વિચાર્યું જ નથી. ઇસ્કોનથી બપોલ તરફનાં રસ્તે જ મારી ઓફીસ આવતી. રસ્તામાં મેં ઓફીસ પર નજર કરી, છ વાગ્યે બધાં છૂટી જતાં એટલે હાલ એ બંધ હતી.

આગળની દસ મિનિટ પછી અમે મંજિલે પહોંચી ગયાં. હું ઇનોવામાંથી નીચે ઉતર્યો ત્યારે મને કોઈ સુપરસ્ટાર જેવી ફિલિંગ આવી રહી હતી. કોઈ ફંકશનમાં માત્ર મારી જ રાહજોવાય રહી હોય અને હું હીરોની માફક એક્શનમાં એન્ટર થતો હોઉં એવું હું કલ્પી શકતો હતો પણ જ્યારે આ ફંક્શન પૂરું થશે ત્યારે મારી ગણના કોઈ કોમિડિયન સાઈડ એક્ટરમાં થશે તેની મને ખાતરી હતી. મારી સાથે પુરી ફેમેલી પણ સ્લો મોશનવાળા વીડિયોની જેમ ઇનોવામાંથી નીચે ઉતર્યા. મારી સામે એક માચ માળનો એપાર્ટમેન્ટ હતો. તેનાં દરવાજા બહાર ધરમશીભાઈની ઉંમરનાં એક વ્યક્તિ ભૂરા રંગનું કુર્તુ-પાયજામો પહેરેલાં, ચહેરા પર રામપાલ યાદવ જેવી સ્માઈલ રાખીને ઉભા હતાં. કદાચ એ નવનીત અંકલ હતાં.

મારી ધારણ સાચી હતી, ધરમશીભાઈ નીચે ઉતરીને તેઓને ગળે મળ્યા. રસ્તામાં મમ્મીએ મને શીખવ્યું હતું એ મુજબ સામે ચાલીને મેં તેઓનાં ચરણ સ્પર્શ કર્યા. આમ પણ મને ચાર છોકરી જોવાનો અનુભવ હતો એટલે ક્યાં શું કરવાનું હોય એ મને ખબર પડી ગઈ હતી. નવનીત અંકલે મારા બાહુ પર હાથ રાખીને મને ગળે વળગી ગયાં. તેઓએ અત્યારથી જ મને પોતાનો જમાઈ સમજી લીધો હશે એવી શંકા મને થઈ આવી.

ત્યારબાદ તેઓએ બે હાથ જોડીને મારી ફેમેલીનું અભિવાદન કર્યું અને અંદર આવવા હાથ વડે ઈશારો કર્યો. અમે પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે હું થોડો મૂંઝાયો. એક તરફ લિફ્ટ હતી અને તેની બાજુમાં દાદરા. મારા ભાવી ન થવાનાં સસુર સામે મારી ઈજ્જતનો કચરો ન થાય એ માટે હું થોડીવાર માટે થંભી ગયો.

“બીજા માળે જ ફ્લેટ છે” ધરમશીભાઈએ ચાલતાં ચાલતાં જ મારાં ખભે હાથ રાખીને કહ્યું અને દાદરા તરફ આગળ વધ્યા. હું પણ તેઓની પાછળ પાછળ દાદરા ચડવા લાગ્યો. પહેલો માળ ચડીને જમણી બાજુએ ‘પટેલ્સ ફેમેલી’ નું પાટિયું લગાવેલું હતું. દરવાજો અધુકડો ખુલ્લો હતો. નવનીત અંકલે તેને પૂરો ખોલી નાંખ્યો અને ઘરમાં પ્રવેશ્યાં.

ધરમશીભાઈ પણ તેઓની પાછળ ગયા, પરિવાર સાથે હું પણ ઘરમાં પ્રવેશ્યો. અહીંથી મારું નાટક શરૂ થતું હતું, મારી ફેમેલીનું નાક બચાવવાનું નાટક. મારે ગમે તેમ કરીને છોકરીને રિજેક્ટ પણ કરવાની હતી અને ધરમશીભાઈનાં સંબંધ જળવાઈ રહે એ પણ ધ્યાનમાં રાખવાનું હતું. છોકરી જોવા જાય ત્યારે જેમ છોકરો શરમાય એવી રીતે ફર્શ સાથે નજર મેળવતો હું ઘરમાં પ્રવેશ્યો. જો કે આજુબાજુ નજર ફેરવીને નિરીક્ષણ કરવાની આદત મારી જન્મજાત હતી એટલે એ કરતાં હું પોતાને ન અટકાવી શક્યો.

હું હાલ બેઠક રૂમમાં હતો, મોટો બેઠક રૂમ. બારણાથી ડાબી બાજુએ બારીએ હતી જેમાંથી સામેની વિંગની બાલ્કનીઓ જોઈ શકાતી હતી. નવનીત અંકલ અહીં બેસીને સામેની ગેલેરીઓમાં કામ કરતી આંટીઓ પર લાઇન મારતાં જ હશે એવો મને વિચાર આવ્યો. બારણાની ડાબી બાજુની દીવાલ પર 36” નું એલ.ઇ.ડી. હતું. બારી પાસે દીવાલને ટેકવીને એક લાંબો સોફો હતો. એ સોફા પાસેનાં બે રૂમનાં દરવાજા પડતાં હતાં. બારણાની સામેની દીવાલે બે સોફા ખુરશીઓ ગોઠવેલી હતી. રૂમની બરોબર વચ્ચે ટીપોઈ ગોઠવેલી હતી. કદાચ અમારા આગમન માટે તેઓએ ભંડકીયામાંથી એ ટીપોઈ કાઢી હશે, નહીંતર આવવા જવા માટે દર વખતે એ ટીપોઈને ફરીને કોણ ચાલે ?

રૂમની દીવાલો આચ્છા, વાદળી ઈંગ્લીશ રંગની હતી. દીવાલ પર થોડી તસ્વીરો અને એક રાધા-કૃષ્ણનો ફોટો લટકાવેલો હતો. અમે બધા બેઠક હોલમાં પ્રેવશ્યા એટલે ઉત્સાહિત થયેલી નારી, મારો મતલબ આંટી દોડીને બહાર આવ્યાં અને વર્ષો જુના સંબંધી હોય એવી રીતે મારાં મમ્મીને ગળે વળગી ગયાં. મમ્મીએ પણ સામે એવો જ રિસ્પોન્સ આપ્યો. મમ્મી, ભાભી અને દેવુને લઈને તેઓ બાજુનાં રૂમમાં જતાં રહ્યાં.

ધરમશીભાઈએ અને નવનીત અંકલે લાંબા સોફા પર બેઠક લીધી. મેં અને મોટા ભાઈએ સોફા ખુરશી પર બેઠક લીધી. અમારા માટે કાચનાં પાણી આપવામાં આવ્યું. પુરુષ વિભાગે એ વિધિ સામાન્ય રીતે પતાવી દીધી. મારા માટે વાતાવરણ હંમેશાની જેમ તંગ થઈ ગયું, છોકરી જોવા જઉં ત્યારે દર વખતે મારે આ પરિસ્થિતિ સર્જાતી. સામેનાં પક્ષવાળા મને જોતા હોય અને હું માથું નીચે ઝુકાવીને બેઠો હોઉં.

જો કે અહીં વાતાવરણમાં પલટો આવ્યો હતો. નવનીત અંકલ અને ધરમશીભાઈ જુનાં મિત્રો હતાં એટલે તેઓએ વાતોનો દોર શરૂ કર્યો.

“તું તો જામી ગયો નવનીત” ધરમશીભાઈએ રમુજી અંદાજમાં કહ્યું, “ભાભી શું ખવરાવે છે ?”

“તારી ભાભી તો જે ખવરાવતી હોય એ પણ મારાં ભાભી શું ખવરાવે છે ?” અંકલે સામે પ્રશ્ન કર્યો, “તું તો લેવાતો જ જાય છે”

નોર્મલી આવી વાતો થતી હોય તો આવી વાતોમાં હું રસ દાખવું પણ મને એક વાતની ખબર હતી, ગોળ ગોળ ફરીને વાત મારાં પર જ આવશે એટલે જ્યાં સુધી મારી વાતો શરૂ ના થાય ત્યાં સુધી મેં વાતોમાં ધ્યાન આપવાનું માંડી વાળ્યું.

“તમે પણ આવું સહન કરેલું ?” મોટાભાઈનાં કાન પાસે જઈને મેં ધીમેથી પૂછ્યું.

“ચૂપ રહે” મોટાભાઈએ મને ટોક્યો, “બધાને સહન કરવું પડે”

તેનાં ખિજાવાનાં અંદાજમાં જે જવાબ આપ્યો એ મને ગમ્યું, આખરે તેણે પણ આ વાત સ્વીકારી લીધી હતી. થોડીવાર વાતો થઈ પછી હું જેની રાહ જોઈ રહ્યો હતો એ સમય આવી ગયો. ધરમશીભાઈએ મારી તરફ જોઈને સ્મિત કર્યું અને કહ્યું, “આમ તો અનિરુદ્ધને ધંધામાં જ લેવો છે પણ પાક્કો ખેલાડી બની જાય એ માટે અત્યારે જોબ કરાવું છું”

દરેક પપ્પા પોતાનાં દિકરાને પોતાની છત્રછાયામાં રાખતાં હોય છે. પોતાનાં દીકરા સાથે પોતાનાં પણ વખાણ થઈ જાય એવી આવડત દરેક પિતામાં, પિતા બન્યા પછી આવી જ જતી હોય છે. ધરમશીભાઈ અત્યારે મારી લાઈફ કંટ્રોલ કરી રહ્યાં હોય એવું મને ફિલ થતું હતું.

“વૈભવી અત્યારે M.B.B.S.નું ભણે છે” ઓહ..તો એનું નામ વૈભવી છે..અનિરુદ્ધ વેડ્સ વૈભબી. મારાં મગજમાં વિચાર આવ્યો.

“લગ્ન પછી પણ તેનું ભણતર પૂરું કરાવીને એ ડૉક્ટર બને એવી ઈચ્છા છે મારી” અંકલે વાતવાતમાં પહેલી શરત રજૂ કરી.

“અરે દોસ્ત..દીકરીને જે કરવું હોય એ કરી શકે. મારાં સ્વભાવની તો તને ખબર જ છે, મેં બાળકોને કોઈ વાતમાં ટોક્યા જ નથી” ધરમશીભાઈએ મોટપ સાથે કહ્યું.

જરૂર હોય ત્યારે બધી વાતમાં હા પાડવી એ માણસની ફિતરત છે પણ જ્યાં સુધી હું ધરમશીભાઈને ઓળખું છું ત્યાં સુધી એ અત્યારે સાચું બોલી રહ્યાં હતાં. તેઓએ એક વાતમાં પણ અમે ટોક્યા નથી. પણ વાત એ નથી. વાત જુદી છે. લગ્ન પછી છોકરી શું કરવા ઈચ્છે છે એ એને ખબર હોય, અંકલને આ પ્રસ્તાવ રાખવાની શું જરૂર હતી. ખેર !, એક શરત સ્વીકારાય ગઈ હતી. હું આગળની શરતોની રાહ જોઇને બેઠો હતો જેથી બધી શરતો સ્વીકારાય પછી હું ગડમથલ કરીને કોઈ એવી શરત રજૂ કરી શકું જેથી આ ન બનેલો સંબંધ તૂટી જાય.

બંને મિત્રો વાત કરતાં હતાં એ દરમિયાન બંને સહેલીઓ - મારાં મમ્મી અને આંટી, ભાભી, દેવાંશી થતા બીજી એક છોકરી સાથે બહાર આવ્યાં. એ છોકરીએ મારી સામે જોઇને સ્મિત કર્યું. મારે પણ નાછૂટકે સ્મિત કરીને તેને જવાબ આપવો પડ્યો.

આ શું !, કોઈ પાણીનો ગ્લાસ નહિ, હાથમાં ચાની પ્લેટ નહિ ને છોકરી સીધી બહાર આવી ગઈ. મને આશ્ચર્ય થયું. માહિલાગણ માટે રૂમમાંથી ખુરશીઓ મંગાવવામાં આવી. લાંબા સોફાની સામેની દીવાલે બધી ખુરશીઓ ગોઠવવામાં આવી અને પૂરો માહિલાગણ તેમાં બિરાજમાન થયો. પેલી છોકરી વારંવાર મારી સામે જોઇને સ્માઈલ આપતી હતી. હું પણ તેને સ્માઈલ આપી આપીને થાકી ગયો હતો.

પોતાનાં માતા-પિતા સામે જોવા આવેલા છોકરા સામે આવી રીતે ખુલ્લેઆમ જોવું !, મેં પહેલો નેગેટિવ પોઇન્ટ નોટિસ કર્યો.

(ક્રમશઃ)

Rate & Review

Chetna Bhatt

Chetna Bhatt 3 weeks ago

Priyanka Mehta

Priyanka Mehta 2 months ago

Manisha

Manisha 11 months ago

Nilam

Nilam 1 year ago

Pooja

Pooja 1 year ago