My Better Half - 9 books and stories free download online pdf in Gujarati

My Better Half - 9

My Better Half

Part - 9

Story By Mer Mehul

“તું બહાર ન આવતો” અંજલીએ મને કહ્યું અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. મેં અંજલીનાં મમ્મી પર નજર ફેરવી. તેઓ આંખો બંધ કરીને સૂતાં હતાં. તેઓનો ચહેરો જોઈને એ લાંબા સમયથી બીમાર હશે એવું અનુમાન લગાવી શકાતું હતું.

‘કેટલાં દિવસનો સમય આપું હવે ?, થોડાં દિવસમાં આપી દઈશ એમ કહીને એક મહિનો થઈ ખેંચી લીધો તે..’ કોઈ પુરુષનો ઘેરો અવાજ બહારથી આવ્યો.

‘મારે કશું નથી સાંભળવું છોકરી, આવતી કાલે રૂપિયા નહિ મળે તો તારે તકલીફ પડશે’ થોડીવાર પછી એ જ અવાજ ફરી સંભળાયો. અંજલીએ મને બહાર નીકળવાની ના પાડી હતી પણ હું અંદર રહેવા નહોતો ઇચ્છતો. દરવાજો ખોલીને હું બહાર ગયો. બહાર રસ્તા પર અંજલી ઉભી હતી, મેં આજુબાજુ નજર ફેરવી. લોકો પોતાનાં ઘરનાં દરવાજા ખોલીને ડોકિયું કરતાં હતાં. એક જાડો વ્યક્તિ અંજલીથી થોડે દુર ચાલ્યો જતો હતો. હું તેની પીઠ જોઈ શકતો હતો.

“તું કેમ બહાર આવ્યો” અંજલીએ મારી સામે જોઇને કહ્યું, “અંદર ચાલ”

અંજલી ઘરમાં ચાલી ગઈ એટલે પેલાં લોકોએ પણ પોતાનાં ઘરનાં દરવાજા બંધ કરી દીધાં. હું પણ અંજલીના ઘરમાં પ્રવેશ્યો.

“શું છે આ બધું ?” મેં પૂછ્યું.

“તું કોણ છો ?” અંજલીએ મારાં પર શબ્દોનો વાર કર્યો, “તારે શું જાણવાની જરૂર છે..!, હું કાલથી ઓફીસ નથી આવવાની, બોસને કહી દેજે. અને હવે તું જઈ શકે છે”

“હું બોસનો ચમચો બનીને અહીં નથી આવ્યો, તારી ચિંતા થતી હતી એટલે આવ્યો છું” મેં કહ્યું, “અને જ્યાં સુધી તું મને વાત નહિ જણાવે ત્યાં સુધી હું નથી જવાનો”

અંજલી ઢીલી પડી. હું તેની મનોદશા સમજવાની કોશિશ કરતો હતો.

“બોલીશ હવે…?” મેં કહ્યું.

“લેણીયાત હતાં એ…” અંજલીએ કહ્યું, “પપ્પાએ તેની પાસેથી રૂપિયા ઉછીનાં લીધાં હતાં અને ટાઈમ પર ચૂકવી નથી શક્યા એટલે રોજ ઉઘરાણી કરવા આવે છે. તારે જાણવું છે ને કે હું કેમ જોબ પર નથી આવતી. હું એને રૂપિયા ન ચૂકવી શકું તો એ મને ગમે ત્યાંથી ઉઠાવી લેવાની ધમકી આપે છે”

અંજલીની આંખો ભીંની થઈ ગઈ હતી.

“તારાં પપ્પા ક્યાં છે ?” મેં પૂછ્યું, “તેઓ કેમ કંઈ કહેતાં નથી”

અંજલીએ જવાબ ન આપ્યો એટલે હું સમજી ગયો.

“કેટલા રૂપિયા ઉછીનાં લીધાં હતાં એની પાસેથી ?” મેં પૂછ્યું.

“તારે જાણીને શું કામ છે ?” અંજલીએ કહ્યું, “તારે જે જાણવું હતું એ મેં જણાવી દીધુંને..!”

“કેટલા રૂપિયા ઉછીનાં લીધાં હતાં ?” આ વખતે મેં કડક શબ્દોમાં પૂછ્યું.

“વિસ હજાર લીધાં હતાં…” તેણે કહ્યું, “વ્યાજ ચડાવીને અત્યારે સિત્તેર હજાર માંગે છે”

“કાલે બપોરે એને ઓફિસે બોલાવી લેજે” મેં કહ્યું.

“શું..?”

“કાલે બપોરે એને ઓફિસે બોલાવી લેજે, એને તેનાં રૂપિયા મળી જશે..!” મેં કહ્યું.

“તું આપીશ રૂપિયા..!” અંજલીએ કહ્યું, “તું શા માટે અહેસાન કરે છે ?”

“અહેસાન નથી કરતો…દોસ્ત છું તારો” મેં કહ્યું.

અંજલી ચૂપ થઈ ગઈ.

“કાલે ટાઈમ પર ઓફિસે આવી જજે, મારો નંબર સેવ કરી લેજે અને એ હેરાન કરે તો મને ફોન કરજે” મેં કહ્યું, “હવે હું જાઉં છું”

અંજલી મુક બનીને ઉભી હતી. હું ત્યાંથી નીકળી ગયો. હું ખરેખર તેનાં પર કોઈ અહેસાન કરવા નહોતો માંગતો, ના તો હું તેની પરિસ્થિતિ પર તરસ ખાતો હતો. મેં તો મારાં દિલની વાત સાંભળી હતી.

*

હું ઘરે પહોંચ્યો ત્યારે સાડા આઠ થઈ ગયા હતાં. બધા જમવા માટે મારી રાહ જોઈ રહ્યાં હતાં. બે મિનિટમાં ફ્રેશ થઈને હું નીચે જમવા આવી ગયો.

“ધરમશીભાઈ, થોડું કામ હતું” અડધું જમવાનું પતી ગયું એટલે મેં કહ્યું.

“પપ્પા કહેતા નથી આવડતું ?” મમ્મીએ મને ટોક્યો.

“તું નહિ સમજે મમ્મી, અમારી વચ્ચે દોસ્તીનો સંબંધ છે” મેં ધરમશીભાઈ તરફ નજર ફેરવીને કહ્યું, “બરોબરને ધરમશીભાઈ ?”

“બરોબર ભાઈ બરોબર” ધરમશીભાઈએ કહ્યું, “શું કામ હતું બોલ..!”

“જમીને એકાંતમાં વાત કરીએ” મેં કહ્યું.

તેઓએ ગરદન ઝુકાવી. જમવાનું પતાવી હું તેઓને અગાસી પર લઈ ગયો. મેં અંજલી વિશે તેઓને બધી વાત કરી.

“એમાં પૂછવાનું થોડું હોય” ધરમશીભાઈએ કહ્યું, “કાલે સવારે હું તને રૂપિયા આપીશ. આપી દેજે દીકરીને”

“મને તમારી પાસે એ જ આશા હતી” મેં કહ્યું.

“ચાલ હવે એનાં બદલામાં મને પેલી વસ્તુ આપી દે” ધરમશીભાઈએ કહ્યું.

“શું ધરમશીભાઈ..!, પચાસનાં થવા આવ્યા તો પણ ભૂલ્યા નથી” મેં કહ્યું.

“રૂપિયા જોતાં છે ને ?” ધરમશીભાઈએ મને બ્લેક મેઈલ કર્યો. મેં ગજવામાં હાથ નાંખ્યો અને સિગરેટ કાઢીને આપી.

“ગુડ બોય” તેઓએ કહ્યું.

ધરમશીભાઈને હું સિગરેટ પીવ એ ખબર નહોતી. તેઓની પાસે મારે કંઈ કામ હોય એટલે મારે તેઓને એક સિગરેટ આપવી જ પડતી. સહસા મારો ફોન રણક્યો.

“તમારી વહુનો ફોન છે” મેં કહ્યું, “હું વાત કરી આવું”

મેં કૉલ રિસીવ કર્યો અને મારાં રૂમમાં આવી ગયો.

“બોલો મિસ. ચશ્મિશ…” મેં કૉલ રિસીવ કરીને કહ્યું.

“થેંક્યું મિ. સ્ટર્ડ..” તેણે કાલીઘેલી ભાષામાં કહ્યું.

“તારે એ જ વાત કરવી હોય તો હું ફોન રાખું છું” મેં કહ્યું.

“ના…, બીજી વાત કરવાની છે” એ લગભગ ચિલ્લાણી જ હતી.

“બોલ…” મેં કહ્યું.

“ક્યાં બિઝી હતો ?” તેણે કહ્યું, “હું બપોરની તારાં છૂટવાની રાહ જોતી હતી”

વૈભવીને અંજલી વિશે વાત કરવી મને યોગ્ય ન લાગ્યું. જો કે એને કશું કહું તો પ્રોબ્લેમ નહોતી પણ વાત કરીને પણ કોઈ લાભ નહોતો.

“એક દોસ્ત પ્રોબ્લેમમાં હતો, તો એની પાસે ગયો હતો” મેં કહ્યું.

“ઓહહ…” તેણે કહ્યું, “આપણે કાલે તો મળીએ છીએને ?”

“તું કહે તો અત્યારે આવી જાઉં બોલ…!” મેં કહ્યું.

“ના બાબા, રાત્રે કોઈ દીવાલ કૂદીને આવે તો બબાલ થઈ જાય” તેણે કહ્યું, “અને આમ પણ નીચે ચોકીદાર કાકા સુતા હોય છે”

હું મોટેથી હસવા લાગ્યો. એણે મારી વાત સીરીયસ લઈ લીધી હતી.

“સારું તો કાલે સાંજે જ મળીશું” મેં કહ્યું, “રોશનીને હવે કેમ છે ?”

“બધું બરાબર થઈ ગયું છે” તેણે કહ્યું, “તું ના હોત તો કદાચ હજી એ ડિપ્રેશનમાં હોત”

“અંકલ-આંટી કેમ છે ?” મેં પૂછ્યું.

“એ પણ મજામાં છે” તેણે કહ્યું.

“તું પણ મજામાં જ છે ને ?” મેં પુછ્યું. મારે બીજી વાતો કરવી હતી પણ મને કંઈ સુજતું નહોતું.

“કેમ આવી વાતો કરે છે ?” વૈભવીએ પૂછ્યું, “તારી તબિયત તો ઠીક છે ને ?”

“મને શું થાય ?, બધું ઠીક છે” મેં કહ્યું, “બસ દિલને બાદ કરીને…!”

“કેમ શું થયું છે તારાં દિલને ?” તેણે લહેકો લીધો.

“કોઈ વાઇરસ આવી ગયો છે” મેં કહ્યું, “મરીજ થઈ જવાનું છે હવે”

“એ તો હવે રહેવાનું જ, એનો કોઈ ઈલાજ નથી” એ મુસ્કુરાતી હશે એવું તેનાં અવાજ પરથી લાગી રહ્યું હતું.

“ઈલાજ મળે તો પણ શું કામનું, વાઈરસ હંમેશા સાથે જ રહેવાનો છે” મેં કહ્યું.

એ બ્લશ કરતી હશે. થોડીવાર એ ચૂપ રહી.

“મમ્મી બોલાવે છે, પછી વાત કરું” થોડીવાર પછી તેણે કહ્યું. મેં ફોન કટ કરી દીધો. અહીં હું પણ બ્લશ કરતો હતો. તેનું ડીપી જોવા માટે મેં વોટ્સએપ ખોલ્યું. તેનું ડીપી બાજુમાં રહી ગયું, અંજલીનો મૅસેજ આવ્યો હતો. તેણે ‘થેંક્યું’ લખીને સ્માઈલ મોકલી હતી. મેં જવાબમાં માત્ર સ્માઈલવાળું ઇમોજી મોકલ્યું. એ કંઈક ટાઈપ કરી રહી હતી. હું તેનાં મેસેજની રાહે રહ્યો. એ સમય દરમિયાન મેં તેનું ડીપી ચૅક કર્યું. તેણે બ્લેક શર્ટ પર કૉફી કલરનાં શર્ટવાળું ઇનશર્ટ કરેલાં કપડાનો ફોટો રાખ્યો હતો. બે મિનિટ થઈ તો પણ એ હજી ટાઈપ જ કરતી હતી.

*

હું રાહ જોઇને થાક્યો. છેલ્લી પાંચ મિનિટથી ટાઈપિંગ…ઓનલાઈન…ટાઈપિંગ.. ઓનલાઈન.. લખેલું આવતું હતું. છઠ્ઠી મિનિટે એ ઓફલાઇન થઈ ગઇ. મેં પણ મોબાઈલ લોક કરીને બાજુમાં રાખ્યો અને બેડ પર લાંબો થયો.

અંજલીનાં ઘરવાળી ઘટનાં મને યાદ આવી. તેનો ઓફીસવાળો ચહેરો અને ઘરવાળો ચહેરો મારી નજર સામે એક ફ્રેમમાં હતાં. બંનેમાં એ કેટલી જુદી લાગી રહી હતી. તેની બોડી લેન્ગવેજ જુદી લાગી રહી હતી. તેની રહેણીકરણી અને બોલચાલ પરથી એ એવાં વિસ્તારમાંથી આવતી હોય એવું લાગતું જ નહોતું. તેની સાથે એવું તો શું થયું હશે ?

મેં જ્યારે પહેલીવાર અંજલીને જોઈ હતી એ દિવસ મને યાદ આવ્યો. હું અને પ્રણવ ડીલક્સ પાનનાં ગલ્લે બેઠાં હતાં. સહસા અંજલી ત્યાંથી પસાર થઈ હતી. તેનાં ઉરોજનાં આકર્ષણને કારણે અમે બંનેએ તેની વાત કરી હતી. ત્યારબાદ એ મારા ડેસ્ક પર આવી હતી. મેં જેમ તેને સૂચના આપી તેમ એ કરતી હતી. તેને મારી કોઈ વાત સાથે નિસ્બત નહોતો. હું પોર્ન વીડિયો રાખું કે સિગરેટ ફુકું, એને તેની સાથે કોઈ લેવાદેવા નહોતું. બીજા દિવસથી તેણે ઓફિસે આવવાનું બંધ કરી દીધું હતું.

ઓહહ…આટલાં દિવસોમાં તેનાં પર શું વીતી હશે. વિચારીને હું સહેમી ઉઠ્યો.

ભગવાનને કોઈ સમજી શકતું નથી. ઘણીવાર એ એવાં કિસ્સા નજર સામે ખડા કરી દે છે જેને જોઈને આપણે અવાક બની જઈએ છીએ. આપણે કશું કરી શકતાં નથી. અંજલીનાં કિસ્સામાં મેં બનતી કોશિશ કરી હતી પણ તેની આર્થિક સ્થિતિ હું સુધારી શકું એટલો હું ધનવાન નથી અને આવી તો કેટલીય અંજલી હશે જે આવી પરિસ્થિતિમાં જીવતી હશે.

મારાં વિચારો એક સીમા, હદ વટાવી ચુક્યા હતાં. મેં કોઈ દિવસ આવા વિચાર નહોતાં કર્યા. શું રૂપિયાનું મહત્વ આટલું બધું છે..!, રૂપિયા માટે સંબંધ, ઈચ્છા, શોખ…બધું જ ત્યજવું જરૂરી છે..!!

પહેલાનાં લોકોમાં રૂપિયાનું મહત્વ આટલુંબધું નહોતું. માણસ માણસ પર વિશ્વાસ કરતો અને આજે રૂપિયા પર વિશ્વાસ કરતો થઈ ગયો છે. પહેલાં માણસની આબરૂ, સ્વભાવ અને ખાનદાન જોઈને લગ્ન થતાં અને આજે…આજે આ બધી વસ્તુઓ સાથે સંપત્તિ જોવામાં આવે છે. છોકરો સરકારી નોકરી કરતો હોવો જોઈએ, ભલે પોતાનો દીકરો રીક્ષા ચલાવતો હોય. છોકરાનાં પપ્પા પાસે જમીન હોવી જોઈએ, ભલે પોતાની દીકરીને એક દિવસ પણ ખેતીમાં ના મોકલવી હોય.

જો આમાંથી એક વસ્તુ પણ ના હોય તો લગ્ન થવા મુશ્કેલ છે. આ સમાજમાં હજી એવા ઘણાબધા વ્યક્તિઓ છે જે હજી માણસની માણસાઈ જોઈને દીકરી આપે છે પણ તેઓની સંખ્યા જૂજ છે, કપટીની સરખામણીમાં નિષ્ઠાવાન લોકોની સંખ્યા છે એટલી જ..!

સામેનાં પક્ષે પણ એવા જ હાલ છે ને..!

દીકરી સંસ્કારી જોઈએ, પોતાનો દીકરો ભલે રોજ સવારે ઉઠીને પહેલા પાનનાં ગલ્લે જતો હોય. દીકરી રૂપાળી જોઈએ, પોતાનો દીકરો ભલે અંધારામાં દેખાતો જ ના હોય. અરે..છોકરાની ડિમાન્ડ તો સાવ જુદી જ છે. છોકરી વર્જિન જોઈએ, પોતે ભલે ગમે ત્યાં મોંઢા મારી આવ્યો હોય.

દરેક વ્યક્તિમાં થોડી ખામી અને થોડાં ગુણ હોય છે. સર્વગુણસંપન્ન તો કોઈ હોતું જ નથી.

સહસા મારો ફોન રણક્યો. સ્ક્રીન પર ‘ચશ્મિશ’ લખેલું હતું. મેં કૉલ રિસીવ કર્યો.

“મમ્મીને કાલે બહાર જવાનું છે તો પેકિંગમાં મદદ કરતી હતી” વૈભવીએ કહ્યું.

“ઓહહ…ક્યાં જાય છે આંટી ?” મેં પૂછ્યું.

“સુરત…નાનાનાં ઘરે” તેણે કહ્યું.

“ઓહહ.. તો તારું મોસાળ સુરત છે એમને…!” મેં કહ્યું.

“હા…તારું ?”

“જૂનાગઢ..” મેં કહ્યું.

“આપણાં બાળકોનું તો અમદાવાદ જ રહેશેને…!” તેણે કહ્યું. બાળકો…અમારાં..!

મારી નજર સામે રડતાં બાળકો ઘુમવા લાગ્યાં. કુરિયર માટેનું બોક્સ આવ્યું અને બાલ્કનીનો નજારો પણ…!

“હમ્મ..” મેં કહ્યું.

“કેમ…તને બાળકો નથી પસંદ ?” તેણે પૂછ્યું.

“ના એવું કશું નથી” મેં કહ્યું, “રડતાં બાળકો નથી પસંદ…!”

“બાળકો તો રડે જ ને..!” વૈભવીએ મને સમજાવવાની કોશિશ કરી, “એકાંતમાં રડતાં એને ના આવડે, એ તો બધાની સામે જ રડે”

“હું આજ સુધી એકાંતમાં પણ નથી રડ્યો” મેં કહ્યું, “રડતાં લોકો મને નથી ગમતાં”

“એ તો જ્યારે પોતાનાં પર વીતશે ત્યારે ખબર પડશે” વૈભવીએ કહ્યું, “જ્યારે રડવા માટે ખૂણો પણ નહીં મળે ત્યારે તું મને યાદ કરીશ”

“અત્યારે તો મારે હસવાનાં દિવસો છે, તારી સાથે” મેં કહ્યું.

“હાહા..બસ હવે…ફ્લર્ટ ના કર” તેણે કહ્યું.

“આ સારું છે…છોકરીની તારીફ કરો તો પણ પ્રોબ્લેમ.. ન કરો તો પણ પ્રોબ્લેમ.. ફ્લર્ટ કરીએ તો પણ અને ન કરીએ તો પણ…” મેં ફરિયાદ કરી.

“અમને સમજવા માટે બીજો જન્મ લેવો પડે” એ હસી, “એ પણ કોઈની દીકરી બનીને”

“તો તો હું પોતાને નસીબદાર સમજીશ” મેં કહ્યું, “ત્યારે કદાચ છોકરીઓ છોકરા જેમ દાદીગીરી કરતી થઈ હશે”

“દાદીગીરી ?”

“હા…જેમ છોકરામાં દાદાગીરી આવે એમ છોકરીમાં દાદીગીરી” મેં હસીને કહ્યું.

“ઓહહ…” તેણે કહ્યું. થોડીવાર માટે અમે બંને ચૂપ થઈ ગયાં. આગળ શું વાત કરવી એ હું વિચારતો હતો, કદાચ એ પણ.

“રવિવાર માટે સૉરી” તેણે કહ્યું, “આપણે પૂરો દિવસ સાથે ન રહી શક્યા એ માટે પણ અને રોશની માટે પણ…”

“વાત રહી રોશનીની તો એ ઘટનાં હું ભૂલી ગયો છું અને તમે પણ ભૂલી જાઓ અને રવિવારે ન મળી શક્યા તો શું થયું…આગળનાં રવિવારે મળીશું” મેં કહ્યું.

“આજે મેં પપ્પાને અંકલ સાથે વાત કરતાં સાંભળ્યા હતાં. કદાચ બે દિવસ પછી અમે લોકો ત્યાં આવવાનાં છીએ” વૈભવીએ કહ્યું.

“મોસ્ટ વેલકમ” મેં કહ્યું, “તારાં માટે તો બધા દરવાજા ખુલ્લા છે..”

“સાચું..!” તેણે સણકો કર્યો.

“એક મહિના પછી કહું” મેં કહ્યું. એ હસવા લાગી.

ત્યારબાદ અમે બંનેએ ઘણીબધી વાતો કરી. આવતાં રવિવારે ક્યાં ફરવા જવું તેનું પણ પ્લાનિંગ કર્યું, એ મારાં ઘરે આવવાની હતી તો મેં મારાં ઘરનો નકશો તેને સમજાવ્યો. મારાં રૂમની ઝીણી ઝીણી માહિતી તેને આપી જેથી જ્યારે એ મારાં રૂમમાં આવે ત્યારે તેને બધું સમજાય જાય. અંતે બીજા દિવસે સાંજે મળવાનું નક્કી કરીને અમે ‘ગુડ નાઈટ’ કહ્યું. આજે પણ એ કંઈક કહેવાની કોશિશ કરતી હતી પણ એ કહી ના શકી. એ કદાચ મારી બેચેનીની પરીક્ષા લેતી હતી. હું ક્યાં સુધી સબર કરી શકું એ જાણવા માંગતી હતી.

*

ધરમશીભાઈએ મને પુરા એક લાખ રૂપિયા આપ્યાં હતાં. અમે મારી ઑફિસ તરફનાં રસ્તે જઇ રહ્યાં હતાં.

“આ વધુ ત્રીસ હજારની મહેરબાની શા માટે ?” મેં પૂછ્યું.

“તારા માટે નથી..” ધરમશીભાઈએ કહ્યું, “છાનોમાનો દીકરીને આપી દેજે અને કહેજે કે તેનાં અંકલે આપ્યાં છે”

મેં તેઓની સામે જોઇને ગંભીર ચહેરે સ્મિત કર્યું. મને મારાં પપ્પા પર ગર્વ થઈ રહ્યો હતો. હું તેઓનું સંતાન છું એ વિચારીને મારી છાતી ફુલાઈ રહી હતી. આ જમાનામાં કોઈ વ્યક્તિ સગા ભાઈને પાંચ રૂપિયા ઉછીનાં નથી આપતું ત્યારે મારાં પપ્પાએ એક સેકેન્ડ પણ વિચાર્યા વિના આટલી મોટી રકમ આપવાની તૈયારી બતાવી હતી. આવા કામો માટે પ્રમાણિક દિલ જોઈએ જે સૌની પાસે નથી હોતું.

મેં પાંચસોનાં બંને બંડલ ગજવામાં સરકાવ્યા. મારી ઑફિસ આવી એટલે હું ઉતરી ગયો અને ઇનોવા ગઈ એટલે મારી જગ્યાએ પહોંચી ગયો. મેં ઘડિયાળમાં નજર કરી, હું પાંચ મિનિટ મોડો હતો.

“થોડો મોડો પડ્યો તું, હમણાં જ અંજલી ઓફિસમાં ગઈ” પ્રણવે કહ્યું. અંજલી ઓફિસે આવી એ વાત જાણીને મને ખુશી થઈ.

“મારી જોડે સેટિંગ કરાવવામાં તને શું પ્રોબ્લેમ છે ? ફરી પ્રણવ બોલ્યો.

“જો પ્રણવ…મજાક મજાકની જગ્યાએ હોય. હવે એનાં વિશે કોઈ દિવસ એવું બોલતો પણ નહીં અને વિચારતો પણ નહીં” મેં કહ્યું.

“તને શું થયું છે ભાઈ ?, કેમ એવું બોલે છે..!”

“કંઈ નથી થયું…બસ હવે એનાં વિશે એવું ના બોલતો” મેં કડક શબ્દોમાં કહ્યું.

“યાર…પણ એકવાર તું ધ્યાનથી એને જોતો સહી…” પ્રણવ બોલ્યા, “અરમાન ખુશ થઈ જાય છે તેને જોઈને…”

“પ્રણવ…” હું રીતસરનો બરાડ્યો...

“સૉરી બાબા…હું તો મજાક કરતો હતો…આ લે સિગરેટ પી અને શાંત થા”

“તારી સિગરેટ રાખ તારી પાસે” મેં કહ્યું અને ઑફિસ તરફ ચાલતો થયો.

અંજલી વિશે ખરાબ સાંભળીને મને શું થઈ ગયું હતું એ મને ખબર નહિ પણ પાંચ વર્ષ જુનાં દોસ્ત પર હું ગુસ્સે થઈ ગયો હતો. હું જઈને મારી ડેસ્ક પર બેસી ગયો. અંજલી કદાચ બોસનાં કેબિનમાં હતી. થોડીવાર થઈ એટલે અંજલી કેબિનમાંથી નીકળી અને પ્રણવ ઓફિસમાં પ્રવેશ્યો.

મેં પ્રણવને ઇગ્નોર કર્યો અને અંજલી સામે જોયું. એ મારી સામે જોઇને સ્મિત કરતી હતી. પહેલીવાર મેં તેનાં ચહેરાને ધ્યાનથી જોયો. કાદવમાં ખીલેલું કમલ…! અથવા કાદવમાં જઈને બેસી ગયેલું કમળ..!!!

(ક્રમશઃ)